૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ પણ એક જ ભગવાન પાસેથી આવે છે.

૨. જેમ અગાસી ઉપર ચડવું હોય તો નિસરણી, વાંસડો અથવા સીડી વગેરેની મદદથી ચડાય, તેમ એક ઈશ્વર પાસે જવાના અનેક ઉપાય છે. દરેક ધર્મ એ એક એક ઉપાય.

3. ઈશ્વર એક. તેના અનંત નામ અને અનંત ભાવ. જે નામ અને જે ભાવથી બોલાવવું ઠીક લાગે, તે નામ અને તે ભાવથી બોલાવે તો તેને પ્રભુનાં દર્શન થાય.

૪. કોઈ પણ માણસ ગમે તે ભાવ, નામ અને રૂપથી ભગવાનને એક અદ્વિતીય સચ્ચિદાનંદ પ્રભુ સમજી તેનું સાધનભજન કરે તો તેને ચોક્કસ ભગવાનનાં દર્શન થાય.

૫. જેટલા મત તેટલા પથ. જેમ આ કાલીમંદિરે આવવું હોય તો કોઈ હોડીમાં, કોઈ ગાડીમાં, તો કોઈ પગે ચાલીને આવે છે. તેવી રીતે જુદા જુદા મત દ્વારા જુદા જુદા માણસોને સચ્ચિદાનંદ પ્રભુનો લાભ થાય છે.

૬. માનું હેત બધાં છોકરાં ઉપર સરખું, છતાં કોઈ છોકરા માટે પૂરી, કોઈને માટે મમરા-પતાસાં વગેરે જેને માટે જે માટે જે જરૂરનું લાગે તેવી જાતની તેને માટે ગોઠવણ કરે છે, તેવી રીતે ભગવાન પણ જુદા જુદા સાધકોની શક્તિ અને અવસ્થા પ્રમાણે સાધનોની ગોઠવણ કરે છે.

૭. હિંદુઓની અંદર નોખા નોખા મતો જોવામાં આવે છે, તો ક્યા મત પ્રમાણે ચાલવાથી અમારું કલ્યાણ થાય? અમારે ક્યો મત ગ્રહણ કરવો? પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું હતું કે, ‘પ્રભો! ભગવાનને મળવાનો રસ્તો ક્યો?’ મહાદેવજીએ જવાબ દીધો ‘વિશ્વાસ.’ મતમાં કંઈ આવતું જતું નથી. જેને જે કોઈ મંત્રની દીક્ષા મળી હોય તેણે વિશ્વાસ સાથે તેની સાધના કરવી.

૮. જેઓને ભાવ સાંકડો છે તેઓ જ બીજાના ધર્મની નિંદા કરે અને પોતાના ધર્મને શ્રેષ્ઠ કહી મંડળીઓ બાંધે, પણ જેઓ ભગવાનના ભક્ત છે તેઓ તો ફક્ત સાધનભજન કર્યા કરે. તેમની અંદર કોઈ જાતના વાડા નથી. જેમ નાની તળાવડી અને ખાબોચિયામાં શેવાળ થાય પણ વહેતી નદીમાં કોઈ દિવસ થતી નથી.

૯. ભગવાન એક, પણ સાધકો અને ભક્તો જુદા જુદા ભાવે તથા રુચિ અનુસાર તેની ઉપાસના કરે છે. જેમ ગૃહસ્થોના ઘરમાં ઘઉં હોય તેમાંથી કોઈ રોટલી કરીને, કોઈ પૂરી કરીને, કોઈ લાડુ કરીને જમે, તે પ્રમાણે જેવી જેની રુચિ તેવા ભાવથી તે ભગવાનનાં સાધનભજન તથા ઉપાસના કરે.

૧૦. જેમ પાણી એ એક જ પદાર્થ છે, પણ દેશ, કાળ ને પાત્રના ભેદથી તેનાં જુદાં જુદાં નામ હોય છે. બંગાળ દેશમાં તેને ‘જળ’ કહે છે, ગુજરાતમાં ‘પાણી’ કહે છે અને અંગ્રેજીમાં ‘વૉટર’ અથવા ‘એક્વા’ કહે છે. એક બીજાની ભાષા ન જાણીએ એટલે એકબીજાને સમજી ન શકીએ. પણ ભાષા જાણ્યા પછી સમજવામાં કોઈ જાતનો ફેર પડતો નથી.

૧૧. ભગવાનનું નામસ્મરણ અને ચિંતન કોઈ રીતે કરો એમાં ક્લ્યાણ જ થાય. જેમ સાકરની રોટલી સીધી રાખીને ખાઓ કે આડી રાખીને ખાઓ પણ મીઠી લાગે જ લાગે.

( શ્રીરામકૃષ્ણ ઉપદેશ‘સ્વામી બ્રહ્માનંદ સંકલિત શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ચતુર્થ સંસ્કરણ (૧૯૯૦) પૃ.૫૩-૫૫)

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.