સો સાલે નિસદિન રે
મોહે લાગી પ્રેમકટારી.

એસી લાગી સતગુરુ શબદકી,
ખૂંચી કલેજા માંઈ,

નિસદિન પીડા હોત હે,
ઘર આંગણ ન સુહાઈ. – સો સાલે.

બહોત વૈદ ભેળા હુવા,
કરતા અનેક ઉપાઈ,

તેમ તેમ પીડા મોહે હોત હે,
તન મનકી સુધિ નાંઈ. – સો સાલે.

જાવ જાવ વૈદ ઘર આપણે
તુમસેં દરદ ન જાઈ,

ઊંડી ઊંડી પીડા મોહિ અંતરે,
સતગુરુ દઈ હે બતાઈ. – સો સાલે.

અવિનાશી સતગુરુ મિલ્યા,
મારણહારો માંઈ,

રવિરામ અમરત પીત હૈ,
લહેરમાં લહેર સમાઈ.
સો સાલે નિસદિન રે.

ભગવદ્ – વિરહરૂપી પ્રેમકટારી મારા હૃદયમાં લાગી છે. એની પીડા મને રાતદિવસ સતાવે છે.

‘જાવ જાવ વૈદ’-બહારના ઉપાયોથી આ પીડા મટવાની નથી માટે ઉપદેશકો, તમે સિધાવો. તમારાથી આ દર્દ નહીં મટે. મારા સતગુરુએ આ ઊંડી ને ઊંડી ઊતરતી જતી પીડાનું રહસ્ય બતાવી આપ્યું છે. આ વિરહની પીડા અત્યંત વધી જશે ત્યારે જુદાઈનો પડદો ચિરાઈ જશે. અને એ પીડા જ પરમાત્મદર્શનના આનંદમાં પલટાઈ જશે.

દાદુ કહે છે :

‘દાદુ ઈસક અલ્લાહકા, જે કબહુ પ્રગટૈ આઈ,
તૌ તન-મન-દિલ અરવાહકા, અબ પડદા જલિ જાઈ’

(અરવા=રૂહ-જીવાત્મા)

ગાલીબનું કથન છે :

‘દર્દકા હદસે ગુજરના હૈ, દવા હો જાના’

હદથી અહંકારથી સીમિત વ્યક્તિત્વથી જ્યારે દર્દ વધી જાય છે, ત્યારે તેની પીડા જ અહંનાશ અને પરમાત્મ પ્રાપ્તિની પ્રસન્નતા બની જાય છે.

‘અવિનાશી સતગુરુ મિલ્યા’ – મારા અહં અને ભેદભાવને મારી નાખનારો અવિનાશી પુરુષ મને મારા અંતરમાં જ મળ્યો! આ મૃત્યુમાંથી અમૃત મળ્યું. રવિરામ આ અમૃતનું પાન કરે છે. મારી ચિત્તવૃત્તિઓની લહરીઓ બ્રહ્માનંદ લહરીમાં સમાઈ ગઈ.

‘યસ્મિન્નિત્યસુખો બુધૌ ગલિતધી:
બ્રહ્મૈવ ન બ્રહ્મવિત્’

જેની બુદ્ધિ નિત્યસુખના સાગરમાં ઓગળી ગઈ છે તે માત્ર બ્રહ્મને જાણનારો જ નહિ, પણ બ્રહ્મ જ છે.

– મકરંદ દવે

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.