તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો – કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને તબીબી વિજ્ઞાન વચ્ચેના સંબંધને જાણવાની ઉત્સુકતા વધી છે. ઘણા લોકો હવે એમ માને છે કે ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાનને એકમેકથી અલગ કરી શકાય નહીં, એ ત્રણેય વચ્ચે ગૂઢ આંતરસંબંધ છે. લેખક ઍમ.ડી. થયેલા તબીબ છે અને તબીબી ક્ષેત્રનો ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. એટલે, દાક્તર બંધુઓને એમની આ સલાહ વધુ અસર કરે તેવી છે. તેઓ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હૉસ્પિટલમાં સેવા આપે છે. – સં

સર્વને આવરી લે તેવા તબીબી વિજ્ઞાનની શોધ

આજના કાળમાં સર્વાવૃત્ત (holistic) – સર્વને આવરી લે- તેવા સંશોધન તરફનું વલણ છે. આખી દુનિયાનાં બૌદ્ધિક વર્તુળોમાં જગતના કાર્ટેઝિયન અને ન્યુટનિયા ખ્યાલો માટે તથા તેને અનુરૂપ જીવનનાં વલણો માટેનો ભ્રમ ઊડી ગયો છે. અર્વાચીન અણુસૂક્ષ્મ ભૌતિકશાસ્ત્રનાં સંશોધનો પછીથી આ પરિવર્તન આવ્યું છે. પ્રકૃતિના નિર્દય શોષણથી જે પરિણામો આપણે નીપજાવ્યાં અને એને પરિણામે પર્યાવરણીય સર્વનાશને કાંઠે આપણે આવી ઊભા છીએ તેથી આ ભ્રમ દૂર થયો. સર્વત્ર વૈજ્ઞાનિકો, ફિલસૂફો અને ચિંતકો નવી ફિલસૂફીની અને વધારે સ્વસ્થ અને તંદુરસ્તી ભરી જીવનરીતિની તલાશ કરે છે. આ તલાશે અને ખોજે સર્વાવૃત્ત વિજ્ઞાનોને – સર્વાવૃત્ત મનોવિજ્ઞાન, સર્વાવૃત્ત તબીબી વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને બીજાંઓને – જન્મ આપ્યો છે. સુગ્રથિત તંત્રોને સમજવા માટે રૂઢ વિજ્ઞાનોનાં ‘વિભાગીય અધ્યયનો’ ઊણાં ઊતર્યાં છે અને, એવા ખાનાં પાડી કરાતાં અધ્યયન ઊપયોગી છે તો પણ, સમગ્રની એકતાને અનુલક્ષી કરાતાં બીજાં અધ્યયનો વડે તેમની પૂરણી કરવી પડે છે. ટૂંકમાં, સર્વાવૃત્ત તબીબી વિજ્ઞાનના આજના તરફેણકારોનું આ વલણ છે.

અર્વાચીન પાશ્ચાત્ય તબીબી વિજ્ઞાન કર્તા-કર્મના કાર્ટેઝિયન દ્વિભાજન પર આધારિત છે. ઍલોપથિક તબીબી વિજ્ઞાન ઉપાંગો અને કોષોના બનેલા ભૌતિક દેહ તરીકે માણસને અવલોકે છે. વિદ્યુત-ચુંબકીય અને રસાયણિક પ્રક્રિયાઓને આધારે કામ કરતા કોષો, ઉપાંગો, સાંધાઓ અને સ્નાયુઓના બનેલા યંત્ર જેવો દેહ દાક્તરને દેખાય છે. માનવદેહના આવા યંત્ર જેવા ખ્યાલથી તબીબી વિજ્ઞાનમાં અને ખાસ કરીને તબીબી ટૅકનોલોજીમાં મોટી, ચમત્કારી શોધો થઈ છે, પરંતુ દુર્ભાગ્યે આ મહાન ફત્તેહોએ અને શોધોએ, તબીબી લોકોમાં આ જડ દૃષ્ટિકોણને દૃઢ કર્યો છે અને દર્દીઓ પ્રત્યેનું એમનું વલણ માનવીય નહીં પણ યાંત્રિક કર્યું છે.

મનુષ્ય કેવળ શરી૨ કે કોષો, માંસ અને રક્તનું મિશ્રણ નથી. સંકુલ લાગણીઓ અને વિચારોવાળું મન પણ એને છે. વધારામાં એ સામાજિક જીવ પણ છે. માત્ર માનવયંત્રને નહીં પણ, આ બધાં પાસાંઓને લક્ષમાં લઈ સમગ્ર મનુષ્યની સા૨વા૨ ન કરે ત્યાં સુધી તબીબી વિજ્ઞાન સંપૂર્ણ કહી શકાય નહીં. અર્વાચીન કાળમાં, તબીબી વિજ્ઞાનનો સંપૂર્ણ ખ્યાલ મેળવવાના, તેને સર્વાવૃત્ત કરવાના પ્રયત્નના પરિણામે, પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ આયુર્વેદ, હોમિયોપથી, નિસર્ગોપચાર, ચીની ઔષધપદ્ધતિ ઈ.માં લોકો ઊંડો રસ લેવા લાગ્યા છે અને તેમનો અભ્યાસ થવા લાગેલ છે.

સમજી શકાય તેવું છે કે, તબીબી ફિલસૂફોએ જનજાતિઓ અને આદિવાસીઓમાં પ્રચલિત રોગનિવારણના પ્રાથમિક ઉપચારોમાં રસ લેવા માંડ્યો છે. આસ્થાગત ઉપચાર અને દૈહિક ઉપચારમાં ધર્મના સ્થાન ઉપર પણ સંશોધકોની સર્ચલાઈટ પડવા લાગી છે. ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાનના પારસ્પરિક સંબંધો અને તેમની એક બીજા પર અસરો વિશેની ચર્ચા સુધી જ આ લેખ મર્યાદિત રાખીશું.

તબીબી વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ધ્રુવાન્તર છે.

ધર્મ અને તબીબી વિજ્ઞાનની પારસ્પરિક અસરોને સમજવાના ચાર દૃષ્ટિબિંદુઓ હોઈ શકે. પ્રથમ દૃષ્ટિબિંદુ પ્રમાણે, ધર્મ અને તબીબી વિજ્ઞાન માનવીય પુરુષાર્થની બે તદ્દન ભિન્ન શાખાઓ છે અને એ બે વચ્ચે કશો સંબંધ નથી. ધર્મનો પાયો આસ્થા, શ્રદ્ધા છે, એનું ધ્યેય પારભૌતિક, પારલૌકિક કે સંપૂર્ણપણે આધ્યાત્મિક છે અને એના ધ્યેયપ્રાપ્તિના માર્ગો મુખ્યત્વે માનસશાસ્ત્રીય છે. એથી ઊલટું, અન્ય પ્રમાણ આધારિત વિજ્ઞાનની માફક તબીબી વિજ્ઞાન નીરખી શકાય તેવાં ચિહ્નનો અને લક્ષણો પર આધારિત છે. એનું ધ્યેય છે– દેહને રોગમુક્ત કરવાનું અને એ માટે એ દવાઓ, રોગનિવારણ પદ્ધતિઓ અને પરિચર્યાનો આશરો લે છે. આમ ધ્યેય, ક્ષેત્ર અને ઉપાય માટેનો માર્ગ બંનેનો ભિન્ન છે : બંને વચ્ચે કશું જ સામ્ય નથી. જે ક્યાંક મળતી ન હોય તેવી વિભિન્ન માનવપ્રવૃત્તિઓ એ છે.

અણઘડ, પ્રાથમિક અને ક્રિયાકાંડોનાં રૂપોમાં, ઘણી વાર ધર્મને તાર્કિક અને શાસ્ત્રીય ચિકિત્સામાં આડખીલી માનવામાં આવે છે. ધર્મ ઘણી વાર વહેમોને પોષે છે, જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. શીતળા અને ઓરી જેવા રોગોને અભણ લોકો અર્ધદૈવી સત્ત્વોથી થતા માને છે તેથી એ સત્ત્વોને તુષ્ટ કરવાં રહ્યાં. તબીબી સહાય લેવાતી નથી પરિણામે, મૃત્યુ અને બીજી તકલીફો જન્મ પામે છે. આવા વહેમી લોકો સામાન્ય રીતે ગામડાંઓમાં જોવા મળે છે. જો કે, નગરવાસીઓમાં પણ તેમનો તદ્દન અભાવ નથી.

સામાન્ય ધ્યેય

બીજો મત એવો છે કે, ધર્મની અને તબીબી વિજ્ઞાનની પદ્ધતિઓ ભલે જુદી હોય, એ બંનેનું અંતિમ ધ્યેય એક જ છે. માનવીની પીડા હરીને એને સુખી કરવાનો પરિશ્રમ બંને કરે છે. મૃત્યુ પછીના સુખ પર અને, પારલૌકિક અસ્તિત્વ પર ધર્મ ભાર દે છે એ સાચું, પરંતુ આ જીવનમાં મનુષ્યને સુખ પ્રાપ્ત કરવામાં પણ એ સહાયરૂપ થાય છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોટા ભાગના લોકો મોક્ષ માટે કે મરણોત્તર સુખ માટે ધર્મ તરફ વળતા નથી પણ, ઐહિક દુઃખોમાંથી મુક્તિ (આર્ત) માટે અને, પાર્થિવ ઈચ્છાઓની પૂર્તિ (અર્થાર્થી) માટે વળે છે. ‘શ્રીમદ્ ભાગવત’માંની ધ્રુવની કથા આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. બાળ ધ્રુવે ખૂબ આકરી તપશ્ચર્યા કરી અને ભગવાન વિષ્ણુને આરાધ્યા તે મોક્ષ માટે નહીં પણ રાજ્ય માટે.

ધર્મ અને તબીબી વિજ્ઞાનનું ધ્યેય એક જ છે, તેનો બીજો પુરાવો ભગવાન બુદ્ધની કથામાં સાંપડે છે. યુવાન રાજકુંવર સિદ્ધાર્થે એક રોગીને, એક વૃદ્ધને અને એક મૃત માનવીને જોયા. ભૌતિક પીડાનાં અને મૃત્યુનાં આ દૃશ્યોએ વિવેકબુદ્ધિ જગાડી અને પીડાના મૂળ કારણને અને તેના ઉપાયને જાણવા તરફ તેમને વાળ્યા. અંતે સિદ્ધાર્થ બુદ્ધ થયા અને તેમણે નવો ધર્મ સ્થાપ્યો. રોગ, ઘડપણ અને મૃત્યુની જે ત્રિપુટી ગૌતમને બુદ્ધત્વ તરફ લઈ ગઈ તેની જ સામે, સનાતન કાળથી, તબીબી વિજ્ઞાન અવિરત લડતું આવ્યું છે એ રસપ્રદ છે. ચિકિત્સાશાસ્ત્રનાં ચાર ધ્યેય છે : જીવનની જાળવણી (મૃત્યુને રોકવું કે પાછું ઠેલવું); પીડામુક્તિ; રોગોને રોકવા અને તેમની સારવાર કરવી; અને જ્ઞાનમાં વૃદ્ધિ કરવી. આવાં ઉદાત્ત લક્ષ્યોનો ધર્મ કદી વિરોધી કે અસ્વીકાર કરનાર હોઈ શકે? પરંતુ, અગાઉ જણાવ્યા પ્રમાણે, આ બે શાખાઓ પાછળનાં દર્શનો અને પદ્ધતિશાસ્ત્રો ભિન્ન છે. બધી પીડાઓના નાશ માટે બુદ્ધે ઉદાત્ત અષ્ટાંગ માર્ગ પ્રબોધ્યો હતો ત્યારે, પીડાના કામચલાઉ શમન માટે અને રોગોના ઉપચાર માટે તબીબી વિજ્ઞાન ભૌતિક સાધનાનો ઉપયોગ કરે છે. છતાં, ધર્મમય જીવનના પ્રણેતા બુદ્ધ શારીરિક રોગોના ઈલાજના વિરોધી ન હતા. ઊલટું, માંદાઓની પરિચર્યા જાતે કરીને તેમણે જ દાખલો બેસાડ્યો હતો.

ધર્મ અને તબીબી વિજ્ઞાન પરસ્પરનાં પૂરક છે.

ત્રીજા દૃષ્ટિકોણથી જોતાં, ધર્મ અને તબીબી વિજ્ઞાન એકમેકનાં વિરોધી નથી તેમજ માત્ર સમાન ધ્યેયને અનુસરનારાં નથી પણ, એકબીજાનાં પૂરક છે. આ મતની તરફેણમાં એક મજબૂત દલીલ એ છે કે તબીબી વિજ્ઞાન ધર્મમાંથી ઉદ્ભવ્યું છે. તબીબી વિજ્ઞાનના ઇતિહાસનું અધ્યયન કરતાં જાણવા મળે છે કે, દેહરોગો માટે કામમાં લેવાતા આદિમ ઔષધોપચારો મહદ્ અંશે ધાર્મિક અને ક્રિયાકાંડી હતા; ધાર્મિક વિધિઓ વડે દેવોને તુષ્ટ કરવાનું, યાત્રા કરવાની, મંત્રોચ્ચાર કરવાનો, તાવીજ બાંધવાનું, બાધાઓ લેવાની, વિશેષ દિવસોએ ઉપવાસ કરવાના, ધાર્મિક દાન કરવાં વગેરે – આને ‘दैव व्यपश्रय चिकित्सा’ નામે ઓળખવામાં આવે છે. તબીબી વિજ્ઞાન વિકસ્યુ ન હતું તે કાળે આ પદ્ધતિનો અમલ ખૂબ થતો પણ આજે તબીબી વિજ્ઞાનના જ્ઞાનનો સંગ્રહ વિપુલ થયો છે ત્યારે, આ પદ્ધતિનો ઉપયોગ મર્યાદિત થઈ ગયો છે અને, જે અસાધ્ય તથા કોયડારૂપ કિસ્સાઓમાં તબીબી વિજ્ઞાન નાકામયાબ નીવડ્યું છે તેવા કિસ્સાઓ પૂરતો તેનો ઉપયોગ મર્યાદિત થયો છે. આવી ઘણી પદ્ધતિઓનું માનસશાસ્ત્રીય મૂલ્ય ઘણું છે ને તે માટે સફળતાથી તેમનો ઉપયોગ કરવામાં આવે છે.

માંદગી માનસિક દબાણ તરીકે

અર્વાચીન સમયમાં મૅડિકલ ટૅકનૉલૉજીમાં – તબીબી યંત્રવિદ્યામાં – થયેલી અસાધારણ પ્રગતિએ આજના તબીબને ખૂબ સમર્થ બનાવ્યો છે, માનવ દેહના બંધારણમાં અને કાર્યમાં નાનામાં નાની ક્ષતિને તે બરાબર પકડી પાડી શકે છે. બંધ પડવા જતા હૃદયને અને અસમર્થ બનેલી કિડનીને એ બદલી શકે છે. પોતાનાં ચિકિત્સાનાં અને ઉપચારનાં ઉપકરણો વડે એ ચમત્કારો સર્જી શકે છે અને લગભગ મૃત્યુ પામેલા દર્દીઓને નવું જીવન બક્ષે છે. પણ, આત્મવિશ્વાસ ગર્વમાં પરિણમે છે ત્યારે, એ પોતાની મર્યાદા ચૂકી જતો હોય છે. પોતાની અનનુકરણીય શૈલીમાં શ્રીરામકૃષ્ણદેવ ઔષધવિદના ગર્વને વર્ણવે છે : ‘પોતાના બાળકની ગંભીર હાલત જોઈ રડતી માતાને વૈદ કહે કે, ‘મા ગભરાવ નહીં, તમારા બાળકને હું બચાવી લઈશ’ ત્યારે ભગવાન હસે છે. ભગવાન બાળકનો પ્રાણ લેવાનું ચાહે ત્યારે કોઈ તેને બચાવી શકે નહીં તે વૈદ જાણતો નથી.’(ધ ગૉસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ – મદ્રાસ, શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપોર, ૧૯૩૬ પૃ. ૩૨૪) નિષ્ઠાવાન તબીબ સિવાય કોઈ બીજું શ્રીરામકૃષ્ણના આ કથનનું સત્ય વધારે નહીં પિછાની શકે.

તબીબી શાસ્ત્રોમાં આટલી તકનીકી શોધો છતાં, માણસ, રોગને, જરાને કે મૃત્યુને વશ કરી શક્યો નથી. કોઈ એક અસાધ્ય રોગને નાથી શકાય છે તો નવો ઊભો થાય છે. ઘણા બધા કિસ્સાઓમાં રોગ વ્યાપારનાં પરિણામો વિશે અચોક્કસતા પ્રવર્તે છે અને અન્યાયી સમાજમાં ઉપલબ્ધ ઔષધ સામગ્રીની અસમાન વહેંચણી જોવા મળે છે. બધાં આશ્ચર્યકારક ઔષધોપકરણો છતાં, આજનો તબીબ અનિશ્ચયમાં ઝૂલે છે, અલ્પ શક્તિવાળો અને બધાંની સેવા કરવાને તદ્દન અસમર્થ છે. આમ અચોક્કસતા, અસહાયતા અને અછત, જે ત્રણ પરિસ્થિતિઓ માટે ઉત્તર ખોળવાનો પ્રયત્ન ધર્મ કરે છે તે ઔષધશાસ્ત્રના ક્ષેત્રમાં પણ પ્રવર્તમાન છે.

રોગી અને એનાં કુટુંબીજનો માટે દરેક દરદ તાણની પરિસ્થિતિ છે અને દરેક શસ્ત્રક્રિયા અચોક્કસતાભરી છે. એટલે, જેઓ કમભાગી અને શારીરિક, આર્થિક તથા માનસિક દૃષ્ટિએ ઓછા સમૃદ્ધ છે તે લોકો આશ્વાસન અને સહારા માટે, સ્વાભાવિકપણે ધર્મ અને આસ્થાના કોઈ પ્રકાર તરફ વળે છે. ટૅકનૉલૉજીની દૃષ્ટિએ ખૂબ આગળ વધેલા સમાજમાં પણ ગમે તેટલી કાળજીપૂર્વક આયોજાયેલી અને વિશારદતાથી કરાયેલી માનવીય પ્રવૃત્તિ નિરાશામાં કે નિષ્ફળતામાં પરિણમે. આવા સંજોગોમાં હ્દયની ભાવનાથી પડનારને ઊંડો માનસિક આઘાત લાગે છે અને માણસ ભાંગી પડવાની સ્થિતિએ પહોંચે છે. આવે તબક્કે ધર્મ મદદે આવે છે અને જગતથી પરના પરમ સત્યની ઝાંખી કરાવે છે. કર્મનો સિદ્ધાંત, મૃત્યુ પછીના જીવનની માન્યતા, દૈવી નિર્માણમાં શ્રદ્ધા, ઈશ્વરની ઈચ્છા વગેરે ખુલાસાઓ ધર્મ આપે છે જે રોગીને ટેકો આપે છે તથા તેને સમસ્તને આવરી લેતું પરિમાણ પૂરું પાડે છે. આવી આકરી પરિસ્થિતિમાં દાક્તર કોઈ પાદરીને કે સંતને બોલાવી શકે છે અને દર્દીને તથા તેનાં કુટુંબીઓને કટોકટીમાં રાહત આપી શકે છે. પોતાના બહુમતિ સાથીઓથી વિરુદ્ધ, કેટલાક દાક્તરો જાતે પ્રાર્થના કરે છે અને પોતાને માટે તેમ જ પોતાના દર્દીઓ માટે એનું મૂલ્ય સમજે છે.

શ્રદ્ધા – મોટું શામક બળ

પોતાના માત્ર સ્પર્શથી કે શબ્દથી ઈસુખ્રિસ્ત અંધાપો દૂર કરતા, ભૂતોને હાંકી કાઢતા, અને મડદાનેય બેઠા કરતા એમ નોંધવામાં આવ્યું છે. રોગનિવારક તરીકે શ્રદ્ધાની શક્તિ પર વેધક પ્રકાશ ફેંકતો એક અદ્ભુત પ્રસંગ તેમના જીવનમાં બન્યો હતો. ઈસુ એક વાર એક માર્ગે જતા હતા ત્યારે એમની પાછળ લોકોનું એક ટોળું એમને ઘેરીને ચાલતું હતું. બાર વરસથી લોહીવાથી પીડાતી એક સ્ત્રી ઈસુના વસ્ત્રને અડતાં મનમાં બોલી કે, ‘હું એના વસ્ત્રને અડીશ તોયે મારી પીડા મટી જશે. રક્તસ્રાવ તુરત જ બંધ થઈ ગયો. પોતાનામાંથી કશી શક્તિ ગયાનું ઈસુને લાગ્યું અને, પાછા ફરી પૂછ્યું : ‘મને કોણે સ્પર્શ કર્યો?’ જો કે એમની પાછળ ધક્કામુક્કી કરતા ઘણાં ચાલતાં હતાં. એમને સ્પર્શ કરનાર સ્ત્રીએ સત્ય વાત કરતાં, ઈસુએ તેને કહ્યું, ‘દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે; શાંતિથી જા અને રોગમુક્ત થઈને રહે.’(‘નવો કરાર’; સંત માર્કની સુવાર્તા, પ.૨૫-૩૪)

એક ગામડિયો પોતાના દર્દની સારવાર માટે એક દાક્તર પાસે ગયો તેની એક રમૂજી વાત છે. એને તપાસીને દાક્તરે કાગળના ટુકડા પર એને દવા લખી આપી. બે ત્રણ માસ બાદ, તદ્દન સાજો થયેલો એ દાક્તરની સલામે આવ્યો. ચહેરેથી નહીં ઓળખી શકતાં, પોતાની સ્મૃતિને તાજી કરવા પોતે લખી આપેલ પ્રિસ્ક્રીપ્શન (દવાનો કાગળ) દાક્તરે માગ્યો. આ માગણી થતાં હવે સાજા થયેલા દર્દીએ પોતાને બાવડે બાંધેલા તાવીજ તરફ આંગળી ચીંધી. એ કાગળને તાવીજમાં મૂકી પોતાને બાવડે પહેરી રાખવાથી દવા લીધા વગર તે સાજો થયો હતો!

આ શ્રદ્ધાથી રોગ મટવાના આ બે સામા છેડાના દાખલા છે; એ સાચા હોય કે નહીં પણ, સાજા કરવાની તબીબની શક્તિમાં શ્રદ્ધાની અગત્ય પર, એ પ્રકાશ પાડે છે. પૂજ્ય શ્રી શારદામાના જીવનમાંથી શ્રદ્ધાથી રોગ મટ્યાના ખાતરીપૂર્વક વધારે કિસ્સાઓ આપણને સાંપડે છે, જયરામવાટીમાં આવેલા સિંહવાહિની દેવીના મંદિરની માટી દુઃખતા ભાગે લગાડવાથી રોગ દૂર થાય છે તેવી દૃઢ શ્રદ્ધા તેમને હતી. એ માટી લગાડવાથી સર્પદંશ મટી ગયાના દાખલા નોંધાયા છે.

મનોશારીરિક રોગો

દૈહિક પીડાથી ચિંતા અને માનસિક તનાવ થાય છે તેમ, ઉપાધિ, ચિંતા અને માનસિક તનાવો શરીરને અસર કરે છે ને રોગો પેદા કરે છે. આવા રોગો મનોશારીરિક રોગો કહેવાય છે. જઠરમાં ચાંદાં, દમ, મધૂપ્રમેહ, ખૂબ તાણ, ચર્મરોગ અને બીજા કેટલાક રોગો કેટલીક વાર, ઉપાધિ, ચિંતા, ભય, નાસીપાસી, ઈર્ષ્યા વ.થી થાય છે. ઘડિયાળને વળગેલી આજના જીવનની તેજ ગતિ અતિશય તાણ જન્માવે છે જેને પરિણામે માનસિક તનાવ અને હૃદયરોગો ઊભા થાય છે. વિરોધી ભાવનાના પ્રતિઘાતો ખૂબ માનસિક શક્તિ ખાઈ જાય છે એટલું જ નહીં જઠરના ચાંદાને ફોડી પણ નાખે છે. લોભી મનુષ્યને સંતોષી મનુષ્યના કરતાં મધુપ્રમેહ થવાનો ભય વધારે છે અને વધારે પડતા મહત્ત્વાકાંક્ષી માણસને, સંતુષ્ટ માનવીના કરતાં, માનસિક તનાવ થવાની શક્યતા વધારે છે અને વધારે પડતા લાગણીવશ માનવીને હૃદયરોગનું જોખમ વધારે છે.

આ અવલોકનોએ મનોચિકિત્સાશાસ્ત્ર અને માનસિક ઉપચારપદ્ધતિનાં વિકાસમાં અને તેમની લોકપ્રિયતામાં ઝડપ આણી છે. પરંતુ ઉપરછલ્લી અને કૃત્રિમ મનોચિકિત્સાની સહાયને બદલે, મનોશારીરિક દર્દીઓના મોટા ભાગને જેની જરૂર છે તે સ્વસ્થ જીવનરીતિ અને જીવન પ્રત્યેનું સાચું વલણ છે, જે ધર્મ આપી શકે. લોભ અને ક્રોધનો ભોગ કેમ ન થવું તે ધર્મ શીખવે છે અને તેમ કરીને માણસને મનોદૈહિક રોગોમાંથી બચાવે છે. મધુપ્રમેહ, દમ અને હાઈપરટેન્શન જેવા રોગોની સારવાર માટે યોગ ખૂબ લોકપ્રિય થયેલ છે, એટલું જ નહીં પણ તનાવ વગરની જિંદગી માટેના જીવનરાહ તરીકે પણ યોગ અપનાવાઈ રહ્યો છે તે આ કારણે.

તબીબી પર્યાવરણ અને ભૂવાવાદ

શારીરિક રોગોની સારવાર માટે આદિમ ધર્મની શાખા ભૂવાવાદ (Shamanism) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભૂવો દેવો સાથે સંપર્કનો દાવો કરે છે અને દૈવી ઉપચારો સૂચવતો હોવાનું કહેવાય છે. તાજેતરમાં, કેટલાક પાશ્ચાત્ય નૃવંશશાસ્ત્રીઓએ પછાત જાતિઓમાં પ્રચલિત આ ભૂવા વાદનો અભ્યાસ કર્યો છે. બેલ્જિયન નૃવંશશાસ્ત્રી પ્રૉ. આર.પિંક્સટેન નવાજો ઇંડિયનો સાથેના પોતાના અનેક વર્ષોના અનુભવને આધારે માને છે કે પાશ્ચાત્ય તબીબી વિજ્ઞાન કરતાં – ભૂવાવાદનું – ઔષધશાસ્ત્ર વધારે સર્વાવૃત્ત (holistic) છે. પાશ્ચાત્ય દૃષ્ટિબિંદુ અનુસાર, રોગ એકાંગી અને અસંકલિત ઘટના છે, સામાજિક – જાતીય સંદર્ભમાં દર્દીનો વિચાર ભાગ્યેજ ‘સર્વાંગી’ રીતે કરવામાં આવે છે. એથી ઊલટું, ભૂવાવાદ પ્રમાણે બધાં તત્ત્વોમાં સંવાદિતા જોઈએ. લોકો અને બીજાં પ્રાણીઓ વચ્ચેના લોકો અને તેમના પૂર્વજો વચ્ચેના સંબંધમાં કશી ખલેલ પડવાથી રોગ પરિણમે છે. દરેક વ્યક્તિનું સામાજિક વ્યવસ્થામાં સ્થાન છે અને એ તેનું અંગ છે. ભૂવાવાદથી ઉપચાર કરનાર એ વ્યવસ્થામાં ક્યાં ભંગ થયો છે તે શોધી કાઢે છે અને (ધર્મક્રિયાઓ દ્વારા) સંવાદિતા પાછી સ્થાપવા જણાવે છે. મેસ્કેયલર એપેશ ઇંડિયનોમાં કામ કરતા ડૉ. ક્લ. ફેરર એવા જ તારણ પર આવ્યા છે- ‘પાશ્ચાત્ય વિચારસરણીથી ઊલટ, એપેશ લોકો જાણે છે કે પીડા, માંદગી, વ્યથા અને દુઃખ પડે ત્યારે આંતરિક સમતુલામાં ખલેલ પડે છે. સમગ્રને પુનઃ જાગૃત કરીને અને લોકો વચ્ચેના લૌકિક સંબંધને અને સૃષ્ટિનાં બીજા પાસાંઓને પુનઃસ્થાપિત કરીને જ પીડા, દર્દ અને વ્યથા દૂર કરી શકાય છે.’

અનેક પર્યાવરણીય પરિબળો માણસની તબિયત પર અસર પહોંચાડે છે. માણસના શરીર પર વાતાવરણના ફેરફારની અસર સ્વીકારાયેલી છે. રોગની ગતિ પર તારાઓ અને ગ્રહોનો પ્રભાવ છે એમ જ્યોતિષશાસ્ત્ર દાવો કરે છે. આ ખ્યાલને આધારે આ આ જ્યોતિષીય પરિબળોની અસરો દૂર કરવા માટે કેટલાક ધાર્મિક ક્રિયાકાંડો ઊભા કરવામાં આવ્યા છે. સીધી રીતે ધર્મનો ભાગ નહીં હોવા છતાં, આ બધા ક્રિયાકાંડો ધાર્મિક વિધિઓ જેવા જ છે. એ જ્યોતિષીય દૃષ્ટિબિંદુ અવૈજ્ઞાનિક નથી અને, જરૂર લાગે ત્યાં, બીજા વૈદકીય ઉપચારો અને પદ્ધતિઓ સાથે કામે લગાડી શકાય. શ્રીરામકૃષ્ણદેવે પોતાનાં શબ્દોથી અને કાર્યોથી આ બધામાં રહેલા તથ્યના અંશ તરફ ધ્યાન દોર્યું છે. (‘એથિકલ રીફ્લેક્શન ઑન હૅલ્થ ઍન્ડ ઈલનેસ’, સાયન કૉન્ફરન્સ ૧૯૯૦-૯૧ : ધ નેધરલેન્ડઝ, ફર્સ્ટ રીટન સીમ્પોઝીયા, ઇન્ટ્રોડકશન, પૃ.૪.)

સૌથી ઉત્તમ ઔષધ – ધર્મ

ધર્મ અને તબીબી વિજ્ઞાનમાં ભિન્નતા ન માનવી એ ચોથો અને અંતિમ મત છે. આ મત અનુસાર ધર્મ ઉત્તમ ઔષધ છે અને તબીબી વિજ્ઞાન વ્યવહારમાં આચરાતો ઉત્તમ ધર્મ છે. પીડાના મૂળમાં જઈ તેને દૂર કરવાનો પ્રયત્ન ધર્મ કરે છે તેથી એને ઉત્તમ ઔષધ ગણવામાં આવે છે. જન્મ મૃત્યુનું ચાલતું રહેતું ચક્ર ધર્મની પરિભાષામાં ‘ભવરોગ’ કહેવાય છે અને ભગવાનને ‘ભવરોગ વૈદ્ય’ તરીકે ઓળખવામાં આવે છે. – વૈઘો નારાયણો હરિ: – ભગવાન બુદ્ધ ‘ભીષક’ (સર્વોત્તમ તબીબ), ‘મહાભીષક’ અને સલ્લકત્ત (શલ્ય ચિકિત્સક – Surgeon) કહેવાય છે.

વળી, આ મત અનુસાર, દુષ્ટવૃત્તિઓ દેહનાં દર્દનું માત્ર કારણ નથી પણ પોતે જ રોગો છે. ‘રામચરિત માનસ’ના મહાન કર્તા તુલસીદાસ અનુસાર :

‘(આત્માની) બધી પીડાઓનું મૂળ માયા છે અને એમાંથી પાછાં ઘણાં દર્દો જન્મે છે. કામનો વાતરોગ, ન સંતોષી શકાય તેવા લોભનો કફ અને ક્રોધનો પિત્ત છાતીને બાળે છે અને ત્રણે ભેગાં થઈ સમગ્ર તંત્રને લકવા લગાડી દે છે. વિવિધ ઇંદ્રિયજન્ય ચીકણી લિપ્સાઓથી પેદા થતા બધા રોગોનાં નામ કોણ કહી શકશે? આ છે સ્વાર્થજન્ય કુષ્ટરોગ, ઇર્ષ્યાની ખુજલી, સુખઃદુઃખના સંધિવાના સણકા, બીજાનો વૈભવ જોઈ થતી બળતરાનો ક્ષય, દુષ્ટ આત્માનું ભેંકાર ઉઘાડું ઘારું, ખૂબ પીડા આપતો અહંકારનો કંપવા, અધાર્મિકતા, દંભ, ગર્વ, અહંકારની રાંઝણ વ. (‘રામાયણ ઓફ તુલસીદાસ’ અનુ. યુ. એસ. ગ્રાઉઝ, આવૃત્તિ ૬ઠી, રામનારાયણ લાલ, અલાહાબાદ, પૃ.૬૭૧.) શ્રીરામકૃષ્ણ એક બંગાળી ગીત ગાતા તેમાં આત્મરોગનાં લક્ષણોનું વર્ણન સાંપડે છે :

આ શો વિકાર, શંકરી કૃપા ચરણતરી, પામ્ય ધન્વંતરી,
અનિત્ય ગૌરવ થયો અંગદાહ, મારું -મારું આ શો થયો પાપ-મોહ!
ધન-જળ-તૃધા નવ છૂટે, શેણે જીવન ધારું?
અનિત્ય, આલાપ, શો, પાપ-પ્રલાપ, અનિત્ય સતત સર્વમંગલમમાં,
માયા કાકનિદ્રા, દાશરથીનાં નયનયુગલમાં
ઈર્ષ્યારૂપી તેમાં ઉદરનાં કૃમિ, મિથ્યા કામે ભમું એહ થાય લવારી,
રોગથી બચું કે નવ બચું, ભગવન્નામે અરુચિ અહોરાત્ર.

(‘શ્રી રામકૃષ્ણ કથામૃત’, પૃ.૧૭૩-૭૪ પરથી આ અનુવાદ લેવામાં આવ્યો છે. (અનુ.) મૂળમાં અં. ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ’, પૃ.૨૦૩-૦૪)

શા ઉપાયો સૂચવવામાં આવ્યા છે?

પવિત્ર, ધર્માચરણ, તપ, ધ્યાન, ત્યાગ, પ્રાર્થના અને દાન વિવિધ ઉપચારો છે. નીચે દર્શાવેલી પદ્ધતિએ સારવાર કરવામાં આવે તો, રામકૃપાથી દરેક દર્દ નિર્મૂળ થઈ જાય; સંત ગુરુ વૈદ્ય હોય, આસ્થાનું ઔષધ લખાયું હોય, નિયમપાલન માટે સંસાર પ્રત્યે તિરસ્કાર હોય, જીવનદાતા ઔષધ માટે હરિભક્તિ હોય અને જે પાત્ર દ્વારા એ અપાયું હોય તે પ્રત્યે આત્મસભર ભક્તિ હોય. (‘ધ રામાયણ’ પૃ.૬૭૨)

તંદુરસ્ત મન વિના કોઈ તંદુરસ્ત રહી શકે નહીં એવો પ્રાચીન કાળમાં પ્લૅટૉનો મત હતો, ‘આત્માને બાજુએ રાખીને દેહની કાળજી રાખવાનો પ્રયત્ન જરીય કરવો નહીં, અને ભેજું તથા શરીર બંને સ્વાસ્થ્યપ્રદ જોઈતાં હોય તો, તમારે મનને સ્વાસ્થ્ય બક્ષવાથી આરંભ કરવો જોઈએ,’ એમ એમણે કહ્યું છે. (ઉડુ૫ ગુરુમોહનસિંહ, ‘રિલિજિયન એન્ડ મેડિસન’, ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝ, બી.એચ.યુ. વારાણસી, ૧૯૭૪, પૃ.૯.) આમ, ધર્મને ઉત્તમ ઔષધ ચોક્કસ ગણી શકાય. એક સામાન્ય તબીબ બુદ્ધ કે ખ્રિસ્તને ભલે ન આંબી શકે. આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં ઉતારીને અને જાતે ધર્મમય રહીને વધારે સારી તબીબ એ જરૂર થઈ શકે.

‘જે વ્યક્તિ પોતાના હૃદયમાં પ્રભુને ધારણ કરે છે, સુંદરના આદર્શને ધારણ કરે છે તે ધન્ય છે. કારણ કે, મહાન વિચારો અને મહાન કાર્યોના સ્રોત ત્યાં રહેલા છે,’(એજન) એમ મહાન વૈજ્ઞાનિક લુઈ પેસ્તેરે કહ્યું છે.

પોતાના દર્દોને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપવા માટે તબીબને ઉત્તમ તક છે. બીજાઓને પ્રાપ્ય નથી તેવા કેટલાક અધિકારો તે તબીબ હોઈ તેને સુપ્રાપ્ય છે. દર્દી સાથેના માનસિક, આધ્યાત્મિક અને નિખાલસ એકરારનો ઘનિષ્ઠ સંબંધ તે બાંધી શકે છે. પોતાના જીવનની ઊંડી અને ફૂટ સમસ્યાઓ તેની આગળ ખુલ્લી કરી શકાય એવા કોઈ દૃઢ સાથીને દર્દી ઝંખે છે. પોતાને ધીરજથી સાંભળે, પોતાની ચિંતાઓ તથા દોષની ભાવનાઓને જેની પાસે ખુલ્લી કરી શકાય, જે મૂંઝવણોને સમજી શકે અને નીતિનો બોધ આપ્યા વિના કે દોષારોપણ કર્યા વિના જે સહાનુભૂતિ આપી શકે તેવી વ્યક્તિની તેને જરૂર છે. ઊંડી ધાર્મિક શ્રદ્ધાવાળો દાક્તર આ કાર્ય ઘણી સારી રીતે કરી શકે.

તબીબી વિજ્ઞાન – શ્રેષ્ઠ વ્યવહારધર્મ

ઔષધોપચાર કાર્ય શ્રેષ્ઠ વ્યવહાર ધર્મ કેવી રીતે થઈ શકે તે, અંતમાં, આપણે જોઈએ. સ્વામી વિવેકાનંદને મતે, માનવજીવ પ્રભુનું શ્રેષ્ઠ અને ઉચ્ચતમ મંદિર છે. બીમાર અને પીડાતા લોકોને સાક્ષાત્ પ્રભુરૂપે માનવાં અને, સમપર્ણભાવે તેમની સેવા કરવી એ તબીબી વ્યવસાય ધર્મમય કાર્યમાં પરિવર્તિત કરવાની પહેલી શરત છે.

મોટા ભાગના ધર્મોમાં, પ્રભુના પ્રતીક તરીકે મૂર્તિ, છબી, કુંભ કે બીજાં રૂપોની પૂજા કરવાનું કાર્ય ઉપાસનાનું સૌથી પ્રચલિતરૂપ છે. સૌ પ્રથમ, એ પ્રતીકમાં, વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. પછી પૂજાની સામગ્રીની શુદ્ધિ કરવામાં આવે છે. આવા પ્રારંભિક ઉપચારો પછી, ધાર્મિક વિધિપુરઃસર, મંત્રોચ્ચાર સાથે એ પ્રતિષ્ઠિત દેવને પાંચ, દસ કે સોળ વસ્તુઓ ધરે છે. માનવીને દેવનું મૂર્ત સ્વરૂપ સમજીને તેની સુશ્રૂષા કરી આવાં ધાર્મિક કાર્યો કરી શકાય. પુષ્યો અને ધૂપને સ્થાને ટીકડીઓ અને મિક્ષ્ચરો આપવાને; મૂર્તિને જલસ્નાન કરાવવાને બદલે, દર્દીને ભીના કપડાના ટુકડાથી કે ઔષધયુક્ત પાણીથી નવરાવવાને અને મલમપટ્ટી કે પાટાને દેવને અર્પિત ચંદન અર્ચા સાથે સરખાવી શકાય. દર્દી પ્રત્યે પ્રેમાળ ભાવે વાત કરીએ તે દેવપૂજાના મંત્રોચ્ચાર ગણી શકાય.

ઉપાસના ઉપચારની સામાન્ય રૂપરેખા સમાન જ હોવા છતાં, દેવે દેવે સામગ્રી અને મંત્રો જુદાં જુદાં રહેવાના. કાલીની પૂજામાં જે મંત્રો અને સામગ્રીઓનો વિનિયોગ કરવામાં આવે છે તે શિવપૂજામાં વપરાતાં નથી. એ રીતે, ટાઈફૉઈડ, મૅનિંજાઈટિસ કે આંતરડાના અવરોધમાં અપાતી સારવાર ભિન્ન ભિન્ન છે. શસ્ત્રક્રિયાને, ખરે જ, વિધિપુરઃસરની દુર્ગાપૂજા સાથે સરખાવી શકાય. શસ્ત્રક્રિયાખંડ (ઑપરેશન થિયેટર) પૂજામંડપ છે. પોતાના સહાયકોના સાથમાં રહી શસ્ત્રક્રિયા કરતા મુખ્ય શલ્ય ચિકિત્સક (સર્જન) ને પૂજાવિધિમાં અગ્રસ્થાન લેતા અધ્વર્યુ સાથે સરખાવી શકાય. કાળજીભરી તૈયારીઓ, પૂર્ણગાંભીર્ય અને શાસ્ત્રીય પદ્ધતિ અને વિધિ તમામને દુર્ગાપૂજાની વિધિ સાથે સરખાવી શકાય.

ઔપચારિક પૂજા કરતાં પીડાતા નરની નારાયણ તરીકે થતી સેવા ચડિયાતી છે. પથ્થરની મૂર્તિમાં કલ્પનાથી કે પ્રાણપ્રતિષ્ઠાથી ચેતના ધારવી પડે ત્યારે, મનુષ્ય જીવંત હોઈ એવી કોઈ ધારણાની જરૂર રહેતી નથી. જીવતા મનુષ્યમાં દેવત્વનું વધારે મોટું પ્રાકટ્ય છે. બીજું, નર દ્વારા નારાયણની સેવા સેવક અને સેવ્યને, ઉભયને, સહાયક છે ત્યારે, પારંપરિક પૂજન માત્ર ઉપાસકને સહાય કરે છે. છેવટમાં, માનવીને દેવ તરીકે પૂજવામાં, પારંપરિક પૂજા કરતાં વધારે બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક તાલીમની જરૂર રહે છે.

પરંતુ, કંગાલ, રાંક, અજ્ઞાની, પીડાતા દર્દીમાં ભગવાનની હાજરી જોવી સહેલું નથી. દર્દીમાં પુરુષ કે સ્ત્રી, રાય કે રંક, સંત કે પાપી કે ઊંચી કે નીચી કોમની વ્યક્તિ જોવા જ દાક્તર ટેવાયેલો છે. નર પ્રભુ ઊંહકારે કે ફરિયાદ કરે, રડે, રાડો પાડે કે કોઈક વાર ક્રોધે ભરાય કે આક્રમક પણ બને ત્યારે, પથ્થરની મૂર્તિ સદા હસતી જ રહેવાની, આવે પ્રસંગે કોઈને નવાઈ પણ લાગવાની કે પોતે દેવની સેવા કરે છે કે દૈત્યની. માટે, જીવતા ભગવાનની સેવા વધારે ધૈર્ય, વધારે ક્ષમાવૃત્તિ અને વધારે વિવિધા માગી દાક્તરે વારંવાર યાદ રાખવું પડશે કે પોતાની સામે બેઠેલ દર્દી પુરુષ કે સ્ત્રી નથી પણ સાક્ષાત્ ભગવાન છે. રોગી પ્રત્યે ઉપેક્ષા, ખિજાઉવૃત્તિ, અણગમો જેવા પોતાના પ્રતિભાવોને તેણે અંકુશમાં રાખવા પડશે. દર્દી જો કોઇ રસપ્રદ સમસ્યા રજૂ ન કરે તો તેના પ્રત્યે ઉપેક્ષાનો ભાવ આવે છે; દર્દી બોલબોલ કર્યા કરે, અને પોતાના રોગનું વર્ણન કરતી વખતે એકસૂત્રતા ન જાળવે ત્યારે દાક્તરથી ખિજાઇ જવાય છે; દર્દી સૂચનાઓનો અમલ ન કરે અથવા દર્દ દાદ ન આપે ત્યારે દાક્તર ક્રોધિત થઇ જાય છે; અને દર્દીમાં સ્વચ્છતા અને સંયમની ખામીને કારણે અથવા દર્દીના સમજણપૂર્વકના સહકારના અભાવને કારણે દાક્તરને દર્દી પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય છે. આ બધા પ્રતિભાવોને દાક્તરે અંકુશમાં રાખવા પડશે.

એટલે તો ‘જીવમાં શિવસેવા’ પોતે જ એક તાલીમ છે, ચારિત્ર્ય-ઘડતરની પ્રક્રિયા છે અને સર્વોત્તમ આધ્યાત્મિક સાધના છે. ધંધાકીય કૌશલ્ય, માનવીય સમજણ અને આધ્યાત્મિક તથા ધાર્મિક ગુણોનું બુદ્ધિમત્તાપૂર્ણ સંયોજન આ સેવા માટે આવશ્યક છે. માંદા, દર્દથી સબડતા કે બીજી રીતે જરૂરતમંદ લોકોની સેવામાં લાગતા તમામ લોકો સૌથી વિશેષ કૃપાવાન અને ભાગ્યવાન છે.

ધર્માચરણ અને તબીબી વ્યવસાયી વચ્ચેના અવિનાભાવી સંબંધને લગતા આ મુદ્દાઓના સારને ભગિની નિવેદિતાના શબ્દોમાં રજૂ કરી શકાય. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોના પરિપ્રેક્ષ્યમાં વેદાંતનું દર્શન સમજાવતાં તેમણે લખ્યું હતું – ‘જો અનેક અને એક ખરેખર એક જ તત્ત્વ હોય તો પછી માત્ર ઉપાસનાની બધી પદ્ધતિઓ જ નહિ, પણ કાર્ય કરવાની બધી પદ્ધતિઓ, પ્રયત્નના બધા પ્રકારો તથા સર્જનની સર્વ રીતો પણ એકસરખી રીતે ઇશ્વરસાક્ષાત્કારના માર્ગો છે. એટલે કે વ્યાવહારિક અને આધ્યાત્મિક વચ્ચે ભેદ રહ્યો નહિ. પરિશ્રમ એટલે જ પ્રભુ-પ્રાર્થના, વિજય એટલે જ ત્યાગ, જીવન પોતે જ ધર્મ. અને સંપત્તિ એ ત્યાગ અને અપરિગ્રહ જેટલી જ કઠિન જવાબદારી બની રહેશે. આ અનુભવ સ્વામીજીને જ્ઞાન અને ભક્તિથી ભિન્ન નહિ પણ એ બંનેને પ્રગટ કરનાર એવા કર્મયોગના મહાન ઉપદેશક બનાવે છે. એમને મન જીવ અને શિવના મિલન માટે કારખાનું કે કૉલેજ, વાડી કે ખેતર, બધાં જ સાધુની ગુફા કે દેવમંદિરના દ્વાર જેટલા જ સાચાં અને યોગ્ય સ્થળ છે. એમને મન પ્રાણીસેવામાં અને ઇશ્વરની ઉપાસનામાં, મર્દાઇમાં અને શ્રદ્ધામાં સાચી નીતિમત્તામાં અને આધ્યાત્મિકતામાં કશો જ ભેદ નથી.’ (સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા પુસ્તક-૩ (બીજી આવૃત્તિ) પૃ.૧૨-શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.)

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

(‘પ્રબુદ્ધ ભારત’ ઑકટોબર ’૯૨માંથી સાભાર)

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.