મનની અપાર શાંતિ એ માણસ માટે મોંઘેરા મોતી સમાન છે, કારણ કે આજના યુગમાં માણસને બધું મળે છે, પણ મનની શાંતિ મળતી નથી. માણસની આસપાસ ધમાલ હોય છે, દોડધામ હોય છે. તેનું મન વધુ પડતું ઉશ્કેરાઈ જાય છે. આ ઉશ્કેરાટને ઠંડો પાડવો મુશ્કેલ બની જાય છે. માણસને ખ્યાલ નથી આવતો કે, મનને શાંત પાડવા શું કરવું. તે ધીમે ધીમે શાંતિ એટલી હદ સુધી ગુમાવી દે છે કે માનસિક રોગનો ભોગ બની જાય છે.

એકવાર ગુમાવેલ માનસિક શાંતિ ફરી પાછી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, છતાં અશક્ય નથી. જો માણસ આત્મનિયંત્રણ કરે, પોતાની જીવનપદ્ધતિ બદલાવે તો ધાર્યું પરિણામ લાવી શકે. જીવનમાં ભલે થોડું ઓછું મળે, પણ જો દોડધામ ઓછી કરવામાં આવે તો, મનને શાંતિ મળે ખરી. આમ માણસે પોતાની વૃત્તિઓ ઉપર કાબૂ રાખવો જોઈએ.

જો માણસ સતત આ દિશામાં પ્રયત્નશીલ રહે તો તેની માનસિક સ્થિતિમાં ફેર પડી શકે છે. બને છે એવું કે શારીરિક દર્દો પ્રમાણમાં જલ્દી દૂર થઈ શકે છે, પણ માનસિક દર્દો તેટલી ઝડપથી દૂર થઈ શકતાં નથી. તેથી તેમને દૂર કરવા અપાર ધીરજની જરૂર પડે છે. સૌ પ્રથમ તો માણસે વિચારના નિયમો જાણી લેવા જોઈએ. કારણ કે ઝડપી વિચારોને કારણે મન ઉશ્કેરાટ અનુભવે છે. વિચાર પ્રક્રિયા જેટલી મંદ હશે તેટલી વધુ શાંતિ આવશે. વિચારોની ગતિને બ્લડપ્રેસર સાથે પણું સંબંધ છે. જેમ ગતિ વધારે તેમ બ્લડપ્રેસર વધે છે, અને પરિણામે માથું દુઃખવા માંડે છે.

તેથી શાંતિથી વિચાર કરવાની ટેવ પાડો. વિચારમાં ઉતાવળ ન કરો. જો વિચારનો વેગ વધી જાય તો તેને નિયંત્રણમાં રાખો. મનને અન્ય માર્ગે વાળો, સુંદર વાચન કરો, વિચારોનો વેગ આપોઆપ ધીમે પડી જશે. મનનું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત કરો. વિચારોનો પ્રવાહ તૂટી જશે અને તેની ગતિમાં રુકાવટ આવી જશે. મન ધીમે ધીમે શાંત પડશે. જેમ આપણે અન્ય સાધનોની કાળજી રાખીએ છીએ તેમ અહીં પણ જરૂર પડે છે. આપણું વાહન વધુ ગરમ થઈ જાય તો ઠંડું પાડીએ છીએ, તેમ મનને પણ સમયે સમયે ઠંડું પાડવું જોઈએ. પણ આ સત્ય કેટલા સમજે છે?

માણસ જો એવું સમજે કે તે વિચાર કરતું જીવતું જાગતું પ્રાણી છે અને વધુ વિચાર કરવાથી નુકસાન થઈ શકે છે, તો જરૂર ફાયદો થાય. તે જો સાચી સમજણ કેળવે તો સમસ્યા હલ થઈ જાય. તેને કાર્ય-કારણના નિયમની ખબર પડે અને વેગવાન વિચારો કેવી ખરાબ અસરો લાવી શકે છે, તેનો પણ ખ્યાલ આવે. જો સમજણ આવશે તો પછી તે ખોટી દોડધામ નહીં કરે. ખોટી ચિંતા નહીં કરે, ખોટી હાય-વોય નહીં કરે. તે શાંત રહેશે, ગમે તેવી તંગદિલીમાં પણ મક્કમ રહી શકશે. જો આવું બને તો મનની સ્થિતિ જળવાઈ રહે. માનસિક રોગો દૂર રહે અને માણસ પ્રગતિ કરી શકે.

માણસ મનને જેટલું વધુ શાંત રાખશે, તેટલો વધુ સફળ થશે. તેનો પ્રભાવ વધુ પડશે અને તે વધુ શક્તિશાળી બનશે.

સંતો શા માટે આપણી ઉપર અસર કરી શકે છે? સંતોની છાયામાં શા માટે આપણને રહેવાનું ગમે છે? કારણ કે ખંતપૂર્વક તેમણે મનની શાંતિ પ્રાપ્ત કરી હોય છે, એક પ્રકારની છટા અને ગંભીરતા મેળવી હોય છે. તેમના ચહેરા ઉપર સાગરના ઊંડા જળની સ્થિરતા અને શાંતિ પથરાયેલી હોય છે. પણ સંતો જ શા માટે, સામાન્ય ધંધાદારી પણ એવો અનુભવ કરે છે કે મનની શાંતિ રાખવાથી, તેનો ધંધો વિકસે છે. તેનો શાંત વ્યવહાર જોઈ, ગ્રાહક ખુશ થાય છે. તે વધુ માલ લે છે. એટલું જ નહીં, વારંવાર આવા ધંધાર્થીની દુકાને આવે છે. જે ધંધાર્થી થોડી થોડી વારે મગજ ગુમાવે છે, માનસિક ઉશ્કેરાટ અનુભવે છે, તેને છેવટે નુકસાન થાય છે. ગ્રાહક પણ સામે ઉશ્કેરાય છે અને પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી જાય છે. ધંધો થતો નથી અને ધંધાના સ્થળે ઉશ્કેરાટનું વાતાવરણ છવાઈ જાય છે.

માણસ પોતાની યાત્રાનો પ્રારંભ સુખ શાંતિ મેળવવા કરે છે. તેને કોઈક પરમ શાંતિ જોઈતી હોય છે. પણ યાત્રા દરમિયાન એ જ વસ્તુ ભૂલી જાય છે અને જેને માટે એ શોધમાં નીકળ્યો હોય છે તેને માટે અશાંતિ વહોરી લે છે. મૂળ ધ્યેય જ તેને યાદ રહેતું નથી. માણસ શાંતિ માટે ધન એકઠું કરે છે અને એ જ ધન એને અશાંતિ આપે છે. ગમે તેટલું ધન, માણસ જે ઝંખે છે એ ઊંડી શાંતિ આપી શકતું નથી. મનની શાંતિ માટે પૈસા કમાવા એ ક્ષુલ્લક લાગે છે. જે શાંતિ ખપ પૂરતું કમાઈ લઈને સંતોષથી જીવતો માણસ અનુભવે છે, તે ધનિક માણસ ઘણી વખત નથી અનુભવી શકતો. તે શાંતિ માટે તડપતો હોય છે. એવી શાંતિ જે દરિયાના તળમાં હોય છે, લીલાં વૃક્ષોના ઝૂંડમાં હોય છે અને વન-વેલીની ગુફામાં હોય છે. ત્યાં હંમેશની શાંતિ હોય છે. મન આવા પ્રદેશમાં સ્વર્ગનો અનુભવ કરે છે. તેનાથી જીવનમાં નવો સંચાર થાય છે. જીવન પાછું ધબકતું થાય છે. માણસે થોડું થોભીને વિચાર કરવો જોઈએ કે અત્યારે મનની શું સ્થિતિ છે? શું તે સંપૂર્ણ શાંતિ અનુભવે છે? શું તે ચિંતા, ડર, શંકાથી પીડાતું નથી ને?

પણ મોટા ભાગના લોકો આવો પ્રશ્ન પૂછતા નથી. તેઓ અંતે દુઃખી થાય છે. તેઓ જાતે કરીને ખોટા માર્ગે જાય છે. નાની નાની બાબતમાં ઉશ્કેરાટ અનુભવે છે. મનને વ્યથિત કરી મૂકે છે. તેઓ પોતાનું ચારિત્ર્ય બગાડી નાખે છે. માણસ ધારે તો સંત જેવું ચારિત્ર્ય બનાવી શકે છે અને ધારે તો દુષ્ટ માણસનું ચારિત્ર્ય બનાવી શકે છે. આ વસ્તુ માત્ર તેના ઉપર જ આધારિત છે. મનને સારા વિચારોનો ખોરાક આપવો, સુંદર કલ્પનાથી ભરી દેવું અને કલા સંગીતથી મંડિત કરવું – આ બધા ઉત્તમ ચારિત્ર્યના માર્ગ છે. આવી પ્રવૃત્તિઓથી જે શાંતિ મળે છે, તે ઉચ્ચ પ્રકારની હોય છે. દુષ્ટ કર્મથી આનંદ આવે છે, પણ તે દુષિત અને ક્ષણિક હોય છે.

આત્મ-નિયંત્રણ દ્વારા ધારીએ તેવા વિચાર મનમાં લાવી શકાય છે અને મનની શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. પણ આપણે ખોટા માર્ગે હોઈએ છીએ. અને આત્મનિયંત્રણ ને બદલે આત્મવિનાશ નોતરીએ છીએ. આપણે કેટલા ઓછા માણસોને મળીએ છીએ જે સ્વસ્થ મનવાળા હોય છે, જે શાંતિપૂર્ણ ચારિત્ર્ય ધરાવતા હોય છે, જે પ્રભાવ પાડતા હોય છે?

માનવતા આજે ઉશ્કેરાટ અનુભવે છે. ભૌતિકવાદ તરફ દોટ મૂકી રહી છે. પણ આ દોટનો અંત નથી. તેથી એ દુ:ખી થાય છે. શંકા અને ડરનો શિકાર બની જાય છે. તેને ખ્યાલ નથી આવતો કે શાંતિ જેવી વસ્તુ છે.

હે મારા મિત્ર, હે દુઃખી માનવી, તું મારી શિખામણ કાન ઉપર ધર. તું ભલે ગમે તેવી સ્થિતિમાં રહેતો હોય, મનની શાંતિ રાખજે, હસતો રહેજે અને ઝંઝાવાત-તોફાનમાં અડગ રહેજે. આદર્શ રાખજે, કારણ કે આ આદર્શરૂપી કિનારો જ તને જીવનના તોફાની સમુદ્રમાં કાયમી આશ્રય આપશે. તારો હાથ વિચારરૂપી શસ્ત્ર ઉપર રાખજે. તે શસ્ત્રને કાબૂ બહાર જવા દઈશ નહીં. તારામાં બેઠેલા અંતરાત્માને જાગૃત રાખજે, એટલું ચોક્કસ માનજે કે મન ઉપર કાબૂ રાખવો એ શક્તિ છે, યોગ્ય વિચાર એ રાહબર છે. શાંતિ એ બળ છે.

તું મારી વાત કાને ધરજે. મને સમજવા કોશિષ કરજે, હું કહું છું તેને મૂલ્યવાન ગણજે. તારા હૃદયને ઢંઢોળજે અને કહેજે : ‘હે, અપાર શાંતિ, તું મને છોડીને જઈશ નહીં.’

(આર, અંબાણી એન્ડ કું. દ્વારા પ્રકાશિત ‘માનવી બની શકે જે ધારે તે’ ‘As a Man thinket’ પુસ્તકમાંથી સાભાર)

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.