મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી

એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી જીવન માટેની આવશ્યક્તાઓની એક ખાસ્સી મોટી યાદી તૈયાર કરી. ધન – દોલત – આરોગ્ય – સત્તા – કીર્તિ વગેરે. સુખ મેળવવા આ જરૂરી છે. યુવાન હતો ખંતીલો – મહેનતુ – સ્વાશ્રયી એટલે સ્વપુરુષાર્થથી એણે આ બધું મેળવી તો લીધું. પણ એને ખ્યાલ આવ્યો કે સાચું સુખ તો હજુ જોજનો દૂર છે. આમાંથી એકે ય આ સુખનો અનુભવ ન કરાવી શક્યું. થોડા દિવસો આ સુખની શોધમાં અહીં તહીં ફરતો રહ્યો, ભટકતો- ભમતો રહ્યો પણ બધું ય વ્યર્થ.

અંતે એક અનુભવવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ-વયોવૃદ્ધ પાસે જઈ ચડ્યો. પોતાના મનની વાત બધી તેણે કરી. પછી વિનંતીભર્યા સ્વરે કહ્યું : ‘આ જીવનમાં સાફલ્ય આપે તેવી સુખની ગુરુ ચાવી કઈ છે? કેવી રીતે આ બધું પ્રાપ્ત કરી શકાય તે મહેરબાની કરીને મને બતાવો. આપ તો અનુભવ અને જ્ઞાનના ભંડાર છો’– આટલું કહીને એણે બનાવેલી સુખ પ્રાપ્તિ માટેની આવશ્યકતાઓની યાદી, પોતે કરેલા પ્રયાસો અને પરિણામે શું મળ્યું – તેની વાત વિગતે કરી.

પેલા વૃદ્ધે શાંતિથી યુવાનને કહ્યું : ‘ભાઈ, યાદી તો રૂડીરૂપાળી છે. તારા પ્રયાસો ય સારા છે – તારામાં ખંત છે – તું મહેનતુ છે – સ્વાશ્રયી પણ છે – પણ મારી દૃષ્ટિએ એક જ વસ્તુ આમાં ખૂટે છે અને એને લીધે મેળવેલું બધું ધૂળધાણી થઈ જાય છે. એ વસ્તુ વિના આ બધું વ્યર્થ છે, મારા ભાઈ!’

યુવાનની અધીરાઈનો પાર ન રહ્યો, તે બોલી ઊઠયો, ‘અરે, અનુભવી વડીલ, મને એ બતાવો – એ વસ્તુ કઈ છે? મારે મારા સુખને પૂર્ણતા આપવી છે. એના વિના હું અધૂરો અને દુ:ખી છું.’

વૃદ્ધે યુવાનની લખેલી યાદી હાથમાં લીધી, તેની નીચે મોટા અક્ષરે માત્ર આટલા જ શબ્દો લખ્યા : ‘મનની શાંતિ’. પછી શું વૃદ્ધ પુરુષે સમજાવ્યું : ‘મનની શાંતિ વિના આ બધું નિરર્થક છે, ભઈલા! આ બધુંય હોય અને મનની શાંતિ ન હોય તો આપણે સુખના બાચકા જ ભરવાના.’

અનન્ય શ્રદ્ધા – ભક્તિ

 પ્રભુના પ્રેમના દોરાથી સીવેલું અંગરખું. શ્રીજી મહારાજ – સહજાનંદસ્વામી સુરતની મુલાકાતે જવાનું વિચારતા હતા. લાંબા સમયથી આ શહેર અને આસપાસના વિસ્તારના ભક્તજનો શ્રીજી મહારાજની પધરામણી અને દર્શનની ઝંખના કરતા હતા.

અંતે ભક્તોની આતુરતાનો અંત આવ્યો. શ્રીજી મહારાજ ભાવનગરના મહારાજ વજેસિંહજી સાથે સુરત આવી પહોંચ્યા. ભક્તજનો સહજાનંદ સ્વામીના દર્શનાર્થે ઉમટવા લાગ્યા. એમને સૌને ધર્મલાભ કરાવે – ઉપદેશ આપે અને એમના મન-હૃદયના ઉદ્વેગોને દૂર કરે. એમના સુરતના રોકાણ દરમિયાન એક સરળ હૃદયના ભાવિક ભક્તજન પણ સાથે હતા. એ હતા આત્મારામ નામના દરજી. એક દિવસ મહારાજે વજેસિંહને પોતાના આ ભક્ત આત્મારામ સાથે રહેવાનું કહ્યું. વજેસિંહજીને થયું, ‘આ તે કેવી વાત?’ હું ક્યાં અને આ ઘેલો, અભણ, ગમાર-ગરીબ દરજી ક્યાં? મહારાજે મને આવું કામ સોંપ્યું?’ પણ સહજાનંદ સ્વામીજીને મન તો રાય હોય કે રંક, બ્રાહ્મણ હોય કે શૂદ્ર-બધા જ ભક્તો એક સમાન. તેમના મનમાં ભેદભાવના જ નહિ. આ રાજવીને શ્રીજી મહારાજની આજ્ઞા હું મને-કમને માથે ચડાવવી પડી.

‘પણ એક દિવસ આ આત્મારામે શ્રીજી મહારાજને એક! ‘અંગરખું’ ભેટ આપ્યું. અંગરખાની સિલાઈ અને કારીગરી જોઈને વજેસિંહજી મહારાજ એ અંગરખા પર આફરીન થઈ ગયા. એને ય એવું અંગરખું બનાવવાની ઈચ્છા થઈ. તેમણે પેલા-ગમાર-ગરીબ દરજીને વિનંતી કરી, ‘ભાઈ, મારા માટે આવું એક અંગરખું બનાવી આપ. હું તને મોં માગ્યા પૈસા આપીશ – કમાલ છે ભાઈ, તારું સિલાઈકામ.’ આત્મારામ થોડી વાર કંઈ બોલ્યા નહિ. પછી શ્રીજી મહારાજ તરફ મોં ફેરવીને વિનમ્રતાથી બોલ્યા, ‘મહારાજ, માફ કરો. આવું અંગરખું બીજું ન બનાવી શકાય. આ તો શ્રીજી મહારાજનું અંગરખું હતું. એમાં મેં પ્રેમશ્રદ્ધા-ભક્તિના બખિયા ભર્યા છે. પ્રભુભક્તિના દોરાથી એને સીવ્યું છે. પ્રભુ સિવાય બીજા માટે એ શક્ય નથી. અહીં પૈસાની – અમીરાઈની કે મોટપની વાત નથી. અહીં તો છે શ્રીજીમાં અનન્ય શ્રદ્ધા ભક્તિની વાત! એ હું બીજે ક્યાંથી લાવું? આવું અંગરખું તો શ્રીજી મહારાજ માટે જ સીવાય.’

સંકલક : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.