સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ એમ.ડી. થયેલા તબીબ છે અને તબીબી ક્ષેત્રનો ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. – સં

આપણે યુદ્ધકાળમાં જીવી રહ્યાં છીએ. છેલ્લા ચાર દાયકાથી મોટું યુદ્ધ ભલે ફાટી નીકળ્યું ન હોય, બહુ થોડા લોકો એમ કહી શકશે કે પોતે સુખચેનથી જીવી રહ્યા છે. જેનો ભય ઝઝૂમે છે તે ત્રીજા વિશ્વયુદ્ધને અર્ધી સદીથી ખાળવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ સફળ થયું છે પણ આખા જગતમાં નાનાં યુદ્ધો લડાયાં છે અને આજે પણ લડાઈ રહ્યાં છે. શ્રીલંકામાં લડાઈ, ઈરાક – ઈરાનમાં, લિબિયામાં, હિંસાનું પૂર અને મોટાં નગરોની શેરીઓમાં હિંસા, ડાકુગીરી, ગામડાંમાં ખૂનો, બાળકો પ્રત્યે ગેરવર્તન – માનવ ક્રૂરતાના દાખલાઓની યાદી લાંબી ને લાંબી થતી જાય છે. સાચે જ, હિંસાનાં અને આક્રમકતાનાં ઉદાહરણો એટલાં તો સામાન્ય છે કે, કોઈ નવી ભયાનક ક્રૂરતા વિશે જાણ્યા વિના વર્તમાનપત્ર વાંચવું, સામયિક ઉથલાવવું, કે રેડિયો સાંભળવો અશક્ય છે. આ પૃથ્વીના પટ પરથી માનવજાતનું અસ્તિત્વ સમૂળ ભૂંસાઈ જવાના ભયે ‘ત્રીજા યુદ્ધ’ને અટકાવ્યું છે એમ લાગે છે. પરંતુ તેનું સ્થાન આંતરરાષ્ટ્રીય ત્રાસવાદે લીધું છે; યુદ્ધનો એ નવામાં નવો પ્રકાર છે. અગાઉના દિવસોમાં, નગરો અને ગામડાંઓથી દૂર, રણભૂમિઓ પર યુદ્ધો લડાતાં તેને સ્થાને, તે હવે નાગરિકોને ઘર આંગણે આવ્યાં છે.

વ્યક્તિગત કક્ષાએ પરિસ્થિતિ કંઈ સારી નથી. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીએ જીવનને સરળ બનાવ્યું છે તો, એમણે માનવ જરૂરિયાતોને ખૂબ વધારી છે. ઇશ્વરમાંની અને પરંપરાગત મૂલ્યોમાંની માણસની શ્રદ્ધાને હચમચાવી નાખવા ઉપરાંત વિજ્ઞાને બીજું કંઈ એથી વધારે સારું આપ્યું નથી. પરિણામે માનવજીવન છીછરું અને અસ્થિર બની ગયું છે. સંદેશા અને વાહન વ્યવહારના અભૂતપૂર્વ વિકાસ અને વૃદ્ધિએ માહિતીની દેણગીમાં વધારો કર્યો છે પણ, એનો અસરકારક વપરાશ માણસ શીખ્યો નથી. જીવનની દરેક સપાટીએ હરિફાઈએ વેગ અને ઉદ્વેગ વધારી મૂક્યાં છે અને અશાંતિમાં વધારો કર્યો છે. આ બધાં અને બીજાં અનેક પરિબળોએ માણસને અશાંત,ગભરુ, તાણ અનુભવતા અને અસ્થિર બનાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય અને વૈયક્તિક બંને કલાની અશાંતિ સંકળાયેલી છે. અશાંત અને અકળાયેલો માનવી પોતાના પર્યાવરણને ડહોળી નાખે છે અને બદલામાં તેની આસપાસના સંઘર્ષો અને ઝઘડાઓથી પોતે ડહોળાય છે. આથી, આ બેઉ સપાટીએ શાંતિની ખોજ કરવી જોઈએ.

પણ આખરે શાંતિ એટલે શું? ઉપનિષદો પ્રમાણે, નિરાકાર નિરપેક્ષ બ્રહ્મનું શાન્તમ્ એક નામ છે. કેટલાંય સંસ્કૃત સ્તોત્રોમાં સગુણ બ્રહ્મના એક લક્ષણ તરીકે દર્શાવવામાં આવે છે. નિરપેક્ષ અવસ્થામાં આ શાંત બ્રહ્મ આધાર અને યોની છે ને એમાંથી આ સગુણ વિશ્વ ઉદ્ભવે છે ને એને આધારે એ ટકે છે. વળી, એને જાણવું, અનુભવવું અને એની સાથે તાદાત્મ્ય અનુભવવું એ બધા પ્રશ્નોનો આખરી ઉકેલ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છેઃ ‘સપાટી ઉપર મોજાંઓ આથડે અને તોફાનો જાગે પણ, અંતરના ઊંડાણમાં અનંત સ્વસ્થતા છે, અનંત શાંતિ છે અને અનંત આનંદ છે.’

છતાંય, અદનો આદમી દુન્યવી સુખોને અને ઈચ્છાઓની ક્ષણિક તૃપ્તિને ઝંખી રહ્યો છે. પરંતુ, બધી જાતિઓના અને બધા કાળના શાણા માણસોએ દુન્યવી પદાર્થોની નશ્વરતા જાણીને, શાશ્વત શાંતિ અને તૃપ્તિ ઝંખ્યાં છે. ત્રણ હજાર કરતાં વધારે વર્ષો પહેલાં, ઈરાનના પયગંબર જરથોસ્તે માનવચિત્ત કેમ શાંતિ પામે તે પૂછ્યું હતું. પ્રાચીન ઋષેિ સનત્કુમાર પાસે શાંતિનું રહસ્ય સમજવા નારદ પણ ગયા હતા. કારણ, પોતાના બધાં જ્ઞાન છતાં એ દુઃખમુક્ત થયા ન હતા. આજે પણ એ પ્રશ્ન ઊભો છે.

શાંતિનો અર્થ ભીંતના પાણાની શાંતિ નથી. તેમ જ ગાઢ નિદ્રામાં અનુભવાતી, તાજગી દેનારી, શાંતિ ને આનંદ આપતી શાંતિ પણ એ નથી. દુન્યવી પદાર્થો કે સિદ્ધિઓ ગમે તેટલાં તર્પક હોય, તે શાશ્વત નથી અને ભય કે નાશનો ભોગ બને છે. પરિણામ રૂપે, સુખના નાશની અપેક્ષા રૂપે, ગુણોના વિરોધ રૂપે, પ્રત્યેક પદાર્થ વિવેકી માટે દુઃખદાયક છે. ગાઢ નિદ્રામાં તમસ પ્રવર્તે છે. ઇન્દ્રિયતુષ્ટિની ઈચ્છાઓ મનને ચંચળ બનાવે છે અને રજસ્-ના પ્રભાવ હેઠળ આણે છે. કેવળ શાંત સાત્વિક મનમાં જ આત્માનો આનંદ પ્રકાશે છે. બહારની ઉત્તેજનાઓથી કે ઈચ્છાઓથી, વાસનાઓથી અને ભીતરથી થતા અહંના દોરીસંચારથી મન ચંચળ બને છે. તેથી, ‘ચોમેરથી પાણી ઠલવાતાં છતાં અચલ રહેતા સમુદ્રમાં જેમ બધી નદીઓનાં નીર પ્રવેશે છે તેમ, જેનામાં બધા વિષયો પ્રવેશે તેને જ શાંતિ સાંપડે છે, કામનાઓ કરનારને નહીં, જે વ્યક્તિ બધી કામનાઓ તજી દઈ, નિઃસ્પૃહ, મમત્વહીન અને નિરહંકારી બની વિહરે છે એ જ શાંતિ પ્રાપ્ત કરે છે.’

શાંતિ પામવા માટે કેવળ ભૌતિક સુખમાં સાર જોનાર વાદથી માંડી આત્યંતિક તપશ્ચર્યા સુધીના, દીર્ઘકાલીન કઠિન યોગથી તે તત્કાલ અસરકારક ઔષધો સુધીના અનેક માર્ગો અખત્યાર કરાયા છે. બાહ્ય ઉત્તેજનાઓથી જાતને બચાવવા માણસે એકાંત સેવન કર્યું છે કે જીવનની વ્યથાકારક ઘટનાઓ ઉવેખી છે. નૈતિક અને ધાર્મિક સ્મૃતિઓ ઘડીને માણસ પોતાની ઈચ્છાઓ અને વાસનાઓને દબાવવા યત્ન કર્યો છે પણ, એના અચેતન મનમાં તાણ ઊભી કરીને આવા પ્રયાસોએ એની ચંચળતા વધારી છે. પોતાની દબાયેલી ઈચ્છાઓને મુક્ત અભિવ્યક્તિ આપવાનો નિષ્ફળ પ્રયત્ન પણ અજમાવાયો છે. સદીઓથી અજમાવતો બીજો ઉપાય ઔષધોનો છે.

માનસિક કાર્યોને વશમાં લેવા માટે ઔષધોનો ઉપયોગ અનાદિ કાળથી થતો રહ્યો છે. ‘કુદરતી રીતે મળતાં બધાં કૃત્રિમ શાંતિ આપતાં, ઘેનમાં નાખનારાં, સુખાનુભવદાયક, ભ્રમોત્પાદક અને ઉત્તેજક દ્રવ્યો સંસ્કૃતિના પરોઢ પહેલાં હજારો વર્ષો પૂર્વે શોધાયાં હતાં.’ આવી દવાઓથી લાધતાં કૃત્રિમ સ્વર્ગોને માનવજાત ફગાવી દે તેવો ભાગ્યે જ સંભવ છે. ‘ઘણાં ખરાં સ્ત્રીપુરુષો ખરાબમાં ખરાબ દૃષ્ટિએ જોતાં એવું તો યાતનાભર્યું અને સારામાં સારી રીતે જોતાં એવું તો એકવિધ, રંક અને મર્યાદિત જીવન જીવે છે કે એમાંથી નાસી જવાની એષણા, આ દુન્યવી અનુભૂતિની પાર જવાની ઈચ્છા, ભલે ને થોડી ક્ષણ માટે પણ, પ્રધાન એષણા હોય છે.’ એથી ઊલટું, માણસની ચેતનાને કે એના માનસિક વલણને બદલાવે તેવાં ઔષધો વધતાં જાય છે. ઘેનમાં નાખનારી, સુખાનુભવદાયક અને નિદ્રાપ્રેરક દવાઓનો વપરાશ પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને યુ.ઍસ.એ.માં એટલો વ્યાપક છે કે એ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે.

ચેતનાને કે માણસના મૂડને બદલનારાં ઔષધો, સામાન્ય રીતે, બે પ્રકારોના પડે છે.૧૦ હૅરૉઈન, અફીણ અને એના જેવાં બીજાં દ્રવ્યો વ્યક્તિને સમાજના સભ્ય તરીકે કામ કરવામાં પાછળ પાડી દે છે; અને બીજા પર શારીરિક કે ભાવનાત્મક રીતે પરવશ કરી મુકતાં આ દ્રવ્યો આકરાં કહેવાય છે. નરમ દ્રવ્યો ઓછાં પરવશ કરે છે અને તેમનો ઉપયોગ ગૌણ છે. આ દ્રવ્યોમાં નિદ્રા ઉત્પન્ન કરનારાં, તાણ ઓછી કરનારાં, થોડો સમય બેભાન બનાવનારાં, સુખાનુભવદાયક દ્રવ્યો, શરાબ અને તમાકુ છે. આમાંથી, મનની તાણ હરી જે દ્રવ્યો મનને કૃત્રિમ શાંતિ આપે છે, તે દ્રવ્યો ‘ટ્રેન્કિવલાઈઝરો’ કહેવાય છે. આના ફરી બે ભાગ છે: (૧) મુખ્ય ટ્રેન્કિવલાઈઝર દ્રવ્યો; ઘેલછા જેવી ઉત્તેજનાત્મક મનની સ્થિતિમાં આ દ્રવ્યો ઉપયોગી છે અને લાગણીઓને શાંત કરે છે તથા મનના વેગને મંદ કરે છે. (૨) ગૌણ ‘ટ્રેન્કિવલાઈઝરો’ અથવા ચિંતાશામક ઘેન દ્રવ્યો : આ ચિંતાના વિકારને, તાણને અને ઉચાટને શમાવે છે પણ, જ્ઞાન અને સમજદારીના મોટા ક્ષોભમાં કદી અસર કરતાં નથી.

છિન્ન વ્યક્તિત્વ, ચિંતાતુરતા, માનસિક દબાણ, ઘેલછા જેવા માનસિક રોગોમાં અપાતી મુખ્ય ટ્રેન્કિવલાઈઝર અને મનોનિરોધક દવાઓ દાક્તરી સારવાર હેઠળ લેવામાં આવે છે. તે ઉપરાંત, ઘણાં દ્રવ્યો સામાન્ય જનતા વાપરે છે ને તે તબીબી રીતે સ્વીકૃત ભૂમિકા વિના, મનોનિરોધક ઔષધોના કાયદેસરના ઉપયોગ અને દુરુપયોગ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ નથી કારણ કે, એ માત્ર ક્યું ઔષધ વપરાય છે તે જ પ્રશ્ન નથી પણ કેટલા પ્રમાણમાં વપરાય છે તે છે. ઉદાહરણ તરીકે, તમાકુ અને ઘણા યુરોપીય દેશોમાં આલ્કોહૉલ, પર્યાવરણમાંની તાણથી અને ચિંતાથી બચવા તેમજ સામાજિક વ્યવહારના સાધન તરીકે વપરાતાં સ્વીકારાતાં આવ્યાં છે. પણ, માનસિક વિષમતા કે પર્યાવરણની પીડા જોતાં, આ લેનારા કેટલાય શારીરિક તેમજ માનસિક દૃષ્ટિએ એમના પર આધાર રાખતા બની જાય.

દવા સિવાયના આ માદક પદાર્થોના સેવનના હેતુઓ જુદા જુદા છે. ચિંતા, તનાવ અને માનસિક દબાણમાં રાહત માટે અને અંગત માનસિક ઉપાધિઓમાંથી ભાગવા માટે ટ્રેન્કિવલાઈઝરોનું સેવન કરવામાં આવે છે. રૂઢ સામાજિક મૂલ્યો અને પર્યાવરણ સામે વિદ્રોહ કે તેમાંથી જન્મતી નિરાશા બીજા કેટલાકને માદક પદાર્થોના સેવન માટે પ્રેરે, પોતાના સમકક્ષો સાથે સમતા સાધવાનો યત્ન કોઈકને આવા ચડસે ચડાવે. તેમ નહીં કરે તો પોતે એકલા પડી જાય. પરંતુ કેટલાક મજા ખાતર, ગમ્મત ખાતર ઉત્તેજના – ‘કિક’ – ખાતર કે જિજ્ઞાસા ખાતર માદક પદાર્થો લે. ભ્રમોત્પાદક દ્રવ્યો અને ઍલ.ઍસ.ડી. – L.S.D. – ‘આત્મ ખોજ’ અને ‘આધ્યાત્મિક’ અનુભવ માટે ખોટી રીતે વપરાય છે. સૌંદર્યાનુભૂતિ માટે, સર્જન વ્યાપાર જગાડવા માટે અને વ્યક્તિ-વ્યક્તિ સાથે સાચો, સંનિષ્ઠ સંબંધ બાંધવા માટે પણ આ પદાર્થોનું સેવન ખોટી રીતે થતું હોય છે.

ટ્રેન્કિવલાઈઝરોનું વાજબીપણું

ટ્રેન્કિવલાઈઝરો કે બીજી કોઈ પણ દવા, તબીબી માર્ગદર્શન વિના વાપરવામાં સલામતી નથી, તમાકુ અને શરાબ – આલ્કોહૉલનાં ભયંકર પરિણામો એટલાં જાણીતાં છે કે પુનરુક્તિની જરૂર નથી. માદક અને આકરાં દ્રવ્યો પર કાનૂની પ્રતિબંધ છે. છતાં, ભૂતકાળમાં કદી ન અનુભવેલા દબાવ અને તનાવનો સામનો કરતા આજના માનવીના થોડાક માનસિક પ્રશ્નો હલ કરવા માટે નરમ દ્રવ્યો ન્યાયપુરઃસર વાપરી શકાય કે નહીં એ પ્રશ્ન છે. વ્યક્તિગત ઊર્મિજન્ય પ્રતિભાવોને બુઠ્ઠા કરીને એ સામાજિક શાંતિ સાધી શકે ખરાં? માણસના અન્યથા છીછરા, હેતુહીન જીવનને, માનસિક અનુભવો ઉપજાવવા માટે એ દ્રવ્યો આપીને, ગહન અને સહેતુક બનાવી શકાય? અને અંતમાં, એ દ્રવ્યો માનવીને વધારે આધ્યાત્મિક બનાવી શકે કે, મનુષ્યના વિકાસને અને – એની ઉત્ક્રાંતિને વધારે વેગવાન બનાવી શકે?

શારીરિક અને માનસિક તનાવ માનવ અસ્તિત્વનો અવિનાભાવી ભાગ છે. માણસ રોગ, ઘસારો અને મૃત્યુને વશ છે. બાળપણ છોડી પુખ્ત થવામાં પણ માબાપની શીળી છાયા છોડી નવા પડકારો ઝીલવા પડે છે. જીવનસાથીના મૃત્યુ સમી ગંભીર ઘટનાથી, મહેમાનોના સ્વાગત કે ખોરાકની ટેવમાં પરિવર્તન જેવી ક્ષુલ્લક બાબતો ફેરફારના તનાવ ઊભા કરે છે. આવી પરિસ્થિતિનો સામનો ચિંતાથી અને ઉદ્દીપનથી માણસ કરે છે. સંજોગોને પહોંચી વળવાની કાલ્પનિક કે સાચી અશક્તિ દબાણ depression ઊભું કરે છે. જીવના અસ્તિત્વમાં, વિકાસમાં અને તેની ઉત્ક્રાંતિમાં ચિંતા અને ઉદ્દીપન આમ, ઘણો અગત્યનો ભાગ ભજવે છે. બહિર્જગતમાંના સાચા ભય આધારિત ચિંતા ‘સત્ય-ચિંતા’ કહેવાય છે. પણ વધારે પડતી ચિંતા માનસની કુશળતાને ધક્કો પહોંચાડે છે અને આવી વ્યક્તિ- પોતાની જરૂરતોને સંતોષી શકાતી નથી તેમજ એના અંદરો અંદરના સંબંધોમાં ખલેલ પહોંચે છે. વધારે પડતી ચિંતાથી કશું સરતું નથી, ઊલટું, એ ગોટાળો પેદા કરે છે અને કાર્યકૌશલને ઘક્કો પહોંચાડે છે. આવા અતિ ચિંતાના કિસ્સાઓમાં ચિંતાશામક ઔષધો ઉપયોગી નીવડે પણ, એ તનાવવાળી પરિસ્થિતિ ચાલુ હોય ત્યાં સુધી જ, કામચલાઉ ધોરણે વપરાવાં જોઈએ. જે મનોદહી રોગોમાં ચિંતા નિદાનનો અગત્યનો ભાગ ભજવે છે તે રોગો અટકાવવામાં અને તેમની સારવારમાં પણ એ ઔષધો ઉપયોગી છે.

એક બીજા પ્રકારની ચિંતા (અને દબાણ) હોય છે. એ જ્ઞાનતંતુ જનિત અથવા સ્વયંભૂ હોય છે. બાહ્ય પરિસ્થિતિના પરલક્ષી મૂલ્યાંકન પર ચિંતા એમાં આધારિત નથી પણ કાલ્પનિક ભયમાંથી એ જન્મે છે. આનાં મૂળ એ વ્યક્તિના સ્વભાવ પર છે અને માત્ર દવાથી એ દૂર કરી શકાતાં નથી. આવા કિસ્સાઓમાં લાંબા સમય સુધી દ્રવ્યોનું સેવન કદાચ માનસિક પરાધીનતા નીપજાવે. વળી ઘણાં ઔષધોની આડઅસરો પણ હોય છે. વધારે પડતાં ઘેનમાં નાખનારાં, સ્મૃતિને અસર કરનારાં કે મનની શક્તિઓને ધક્કો પહોંચાડનારાં એ હોય છે. અગત્યનાં અંગોના કાર્ય પર એ વિપરીત અસર પહોંચાડે છે અને એમને કદાચ નુકસાન પણ કરે. તમાકુ હૃદયની ધમનીઓનો રોગ, પેટમાં ચાંદાં, કૅન્સર કે ઉધરસ પેદા કરે છે એ જાણીતું છે. સામાજિક હેતુ માટે પણ લેવાયેલો શરાબ શારીરિક અને માનસિક કુશળતા ઉપર અસર કરવા માટે જાણીતો છે.

ઔષધો અને રસાયણો આધ્યાત્મિક અનુભવ અને સિદ્ધિઓ બક્ષે છે તે માન્યતા તો ભારતમાં પ્રાચીન કાળથી છે. યોગના જનક પતંજલિ આ જાણતા હતા છતાં, તેમણે પોતાના શાસ્ત્રમાં એને મહત્ત્વ આપ્યું ન હતું. મગજના કાર્યને આ રીતે અસર કરી આધ્યાત્મિક અનુભવનો આભાસ કરાવનારાં દ્રવ્યો ‘સાઈકોડાઈસ્લેપ્ટીકસ’ (Psychodysleptics) કે ભ્રમોત્પાદક દ્રવ્યો કહેવાય છે. ગાંજો અને એલ.એસ.ડી. (L.S.D.) સૌથી પ્રખ્યાત છે, પ્રથમ છે તે ઓછું અને બીજું ખૂબ વધારે માદક દ્રવ્ય છે. એ કાળના ખ્યાલને ભુલાવી દે છે, સ્પંદનો બધાં મૂર્ત જેવાં કરે છે અને સ્મૃતિને અવરોધે છે. કદાચ એ અંતરના ઊંડાણ ભણી લઈ જતાં હોય; એટલે એમને ‘મનને અભિવ્યક્ત કરતાં’ કહેવાય છે. ગાંજો કોઈ એક માનસિક વલણને જાગ્રત કરે કે અમુક વિચારધારાને અને કાર્યને સરળતા કરી આપે; એની સાથે જોડાયેલી વધતી ગુનાખોરીનો ખુલાસો આમાંથી સાંપડી શકે છે. તેમ જ, અશાંતિની અને અકુશળતાની લાગણીને એ જન્માવે છે જે, આળસ અને સામજિક નિષ્ક્રિયતામાં પરિણમે છે.

ઍલ.ઍસ.ડી.ની અસર વધુ નાટકીય હોય છે. પણ એને વિશે અગાઉથી કંશું કહી શકાય નહીં. એ ઉત્કૃષ્ટ આનંદ કે, ભય કે, દબાણ પેદા કરે. આ બંને દ્રવ્યો પ્રશ્નો ઉકેલવાની માનસિક શક્તિને ક્ષીણ કરે છે. એમનો મોટે પાયે થતો ઉપયોગ છતાં અને એમને વિશે પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં, એ દ્રવ્યો સાચી ગૂઢ અનુભૂતિ આપી શકે કે નહીં એ વિશે ખાતરી નથી. એ એવી અનુભૂતિ જાગ્રત ન કરી શકે પણ પોચા મનના માણસોને એ થોડી અસર પહોંચાડી શકે. આ રીતે થતી અનુભૂતિ આધ્યાત્મિક વિકાસને પ્રેરે છે કે એને વેગ આપે છે તેની પૂરતી સાબિતી નથી; વળી એ લેનારને તે વધારે પરગજુ બનાવે છે કે એના ચારિત્ર્યમાં પરિવર્તન આણે છે એ બાબતની પણ કોઈ સાબિતી નથી. ખરેખર તો આવાં દ્રવ્યોથી વારંવાર થતા અનુભવો પરનો આધાર વ્યક્તિના સ્વાતંત્ર્યને અને સાચી આધ્યાત્મિકતાને કુંઠિત કરે છે. આ દ્રવ્યો કોઈ સામાજિક-નૈતિક હેતુ હાંસલ કરતાં નથી. અને એ ગુનાહિત વૃત્તિમાં વધારો કરે કે, એમનું સેવન કરનારને વ્યથિત કરે છે તેથી, એમની ઉપર કાનૂની અંકુશ મૂકવામાં આવ્યો છે. વ્યવહાર્ય અને પ્રાયોગિક મનોચિકિત્સામાં કદાચ એ વાપરી શકાય.

શાંતિ અને ટ્રેન્કિવલાઈઝરો

ટ્રેન્કિવલાઈઝરો કૃત્રિમ શાંતિ આપી શકે એ સાચું પરંતુ, ઔષધોથી પ્રાપ્ત થતી છીછરી, ક્ષણિક શાંતિને આધ્યાત્મિક પ્રાપ્તિની ચિરકાલીન અને ગહન શાંતિ સાથે સરખાવી શકાય નહીં. તેમજ તેની સાથે તેને ગૂંચવવી જોઈએ પણ નહીં. ટ્રેન્કિવલાઈઝરો સપાટી પરની માનસિક અશાંતિને ટાઢી પાડે પણ ચિત્તના આંતરિક સંઘર્ષોને ઉકેલી શકે નહીં. તેમ જ અશાંતિના મૂળ કારણ રૂપ ઈચ્છાઓ અને વાસનાઓને વશ કરવામાં એ સહાયરૂપ થઈ શકે નહીં.

એ સાચું છે કે કેટલાંક ઔષધો અજાગ્રત મનને ડહોળી ગોપિત સંઘર્ષોને અને ગ્રંથિઓને સપાટી પર આણે છે પણ, આવો અનુભવ સત્ય આધ્યાત્મિક અનુભવ કહેવાય કે કેમ તે વિશે નિશ્ચિતતા નથી પ્રવર્તતી, વ્યક્ત કે અવ્યક્ત રૂપમાં બ્રહ્મનો સાક્ષાત્કાર, ‘અનંત શાંતિની પ્રાપ્તિ’, ઔષધોથી અપ્રાપ્ય છે એમ કહેવાની જરૂર નથી.

અંતમાં, એ વાત પણ સાચી છે કે, કેટલાંક દ્રવ્યોના લાંબા સેવનથી વાપરનારનું ચારિત્ર્ય અને વર્તન પરિવર્તન પામી શકે છે. પણ એ પરિવર્તન સારાને માટે નથી હોતું. એથી તમસ્ વધે છે, સત્ત્વ નહીં. એ દ્રવ્યો માણસને દેવ નથી કરી શકતાં પરંતુ, એમનામાં દૈત્યને પ્રગટાવે છે. એમનામાં સંત બનાવવાની શક્તિ નથી પણ, પાપી બનાવવાની જબરજસ્ત શક્તિ છે.

ટ્રેન્કિવલાઈઝરો અને બીજાં મનોનિરોધક દ્રવ્યોનું કાર્ય ગહન અને ચિરકાલીન શાંતિ આપવામાં ઘણું મર્યાદિત છે. માનસિક રોગોની સારવાર માટે મુખ્ય દ્રવ્યો ઉપયોગી છે. માફકસર પ્રમાણમાં અને સામાજિક પ્રસંગોએ ‘નરમ’ (Soft) અને ટ્રેન્કિવલાઈઝરોનો વપરાશ સ્વીકારી શકાય તે જરા મન હળવું કરવા માટે તથા ઉપાધિઓ ભૂલી જવા માટે અને ચિંતા કે દબાણને વિસરવા માટે, જે લોકો ‘સારું’ જીવન જીવવાની વાત કરે છે તેવાઓ સામાન્યપણે આમ કરે છે. પણ, આધ્યાત્મિક સંઘર્ષ લાંબા સમય સુધી કરવો પડે છે; આવા સંઘર્ષ કરી ચિર શાંતિની ખોજ કરનાર માટે શારીરિક અને માનસિક તપસ્યાની પીડા ભોગવવી પડે છે અને તેમને આ દ્રવ્યોનું કશું મૂલ્ય નથી. માદક દ્રવ્યોનો અત્યાર સુધીનો અનુભવ પુરવાર કરે છે કે આધ્યાત્મિક જીવનમાં ટૂંકી કેડીઓ નથી. આવાં દ્રવ્યોનો સામુદાયિક ઉપયોગ જગતના લોકો કરે તો ઉત્ક્રાંતિ વ્યાપારને તે વિઘાતક બને.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

સંદર્ભો

૧. શાન્તં શિવમદ્વૈતમ્ – ‘માંડુક્ય ઉપ.’ ૭.

૨. ‘શાન્તં શાશ્વતપ્રમેયમનઘમ્’ તથા શાન્તાકારં ભુજગશયનં વગેરે.

૩. ‘ધ કમ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ વૉ.-૪ (૧૯૮૫) પૃ. ૧૭૪.

૪. ‘છાંદોગ્ય ઉપનિષદ’ ૭.૧.૩.

૫. ભર્તૃહરિ, વૈરાગ્ય શતકમ્, ૩૧.

૬. ‘યોગસૂત્રો’ ૨.૧૫

૭. ‘ગીતા’,૨ -૭૦-૭૧.

૮. હકસ્લી એ.(૧૯૫૭) ‘એના. એ.વી.અકા.સા. ‘૬૭,૬૨૩’ (ડી.આર. લૉરેન્સ અને પી.એમ. બૅનેટ કૃત ‘કિલનિકલ બાયૉલૉજી’ (૧૯૮૨)માં ઉદ્ઘૃત, ઈ.એલ.બી.ઍસ અને ચર્ચિલ લિવિંગ્સ્ટન, પૃ.૪૪૭

૯. હકસ્લી એ. (૧૯૫૯) ‘ધ ડોર્સ ઑફ પર્સેપ્શન (લંડન શેટ્ટો ઍડ વિંડસ). લૉરેન્સ ઍડ બેનેટ – એજન પૃ.૪૪૭

૧૦. લૉરેન્સ ઍડ બૅનેટ, એજન, પૃ.૪૪૮

૧૧. ‘યોગસૂત્રો’, ૪.૧.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.