શ્રી બલદેવભાઇ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મૅનજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતાને પોતાના જીવનમાં અપનાવે અને તેનો પ્રચાર કરે એ સુખદ આશ્ચર્ય છે. પોતાના જીવનના અનુભવોના આધારે તેમણે બે પુસ્તકો લખ્યાં છે – ‘કુદરતની કલમે’ અને ‘કળિયુગનું મારણ’, લેખકના પોતાના શબ્દોમાં – ‘કરે તેવું પામે અને વાવ તેવું લણે – કુદરતના આ કાયદાને સરળ ભાષામાં સમજાવતી આ વાર્તાઓ છે. વાર્તા સંગ્રહની તમામ વાર્તાઓ સત્ય ઘટનાઓ છે. વાર્તાનાં પાત્રો જીવંત છે, મારા પરિચયમાં છે. અવારનવાર મને મળે છે. વ્યવહારુ દૃષ્ટિએ નામ અને સ્થળ-કાળમાં ફેરફાર કર્યા છે.’ આ વાર્તાઓ દ્વારા લેખક પુરવાર કરે છે કે માનવી ગમે તેટલી ચાલાકી વાપરી સહીસલામત રહેવા ઇચ્છે તો પણ એના દ્વારા થતાં ખોટાં કર્મોનું અણગમતું ફળ ભોગવ્યે જ છૂટકો છે. ‘કુદરતની કલમે’માંથી સંકલિત આ વાર્તા સ્પષ્ટપણે સમજાવે છે કે મનની શાંતિ માટે જીવનમાં સત્યનું પાલન અનિવાર્ય છે. અનીતિ દ્વારા સુખ-સમૃદ્ધિ કદાચ કોઇ મેળવી શકે પણ સુખ શાંતિ કદી ન મેળવી શકે. – સં.

શાંતિલાલ મારા પાડોશી. સરકારના જાહેર બાંધકામ ખાતામાં ડિવિઝનલ ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે. શાંતિભાઈને એમની આવડત અને હોંશિયારીનું બહુ મોટું અભિમાન! પગાર સિવાય એમને ખૂબ મોટી આવક હતી. જાન્યુઆરીથી માર્ચ સુધીના મહિના એટલે એમને માટે પૈસા કમાવાની ભરપૂર મોસમ. આ મહિનાઓમાં તેઓ ઘેર તો હોય જ નહિ. શનિ-રવિની રજાઓમાં પણ એમને મળવું હોય તો ઑફિસમાં જવું પડે. સામાન્ય દિવસોમાં પણ સવારે નવ વાગતાં ઑફિસે પહોંચી જાય અને રાતના મોડે સુધી ઑફિસમાં જ હોય. એક વાર મેં શાંતિલાલને સ્વાભાવિક રીતે જ પૂછ્યું, ‘તમે રજાઓમાં અને ચાલુ દિવસે પણ આટલો બધો સમય સરકારને આપો છો, તે શી વાત છે શાંતિભાઈ? ખરેખર! બધા તમારી જેમ કામ કરે તો દેશનો ઉદ્ધાર થઈ જાય!’ મારી વાત સાંભળી શાંતિલાલ ખડખડાટ હસી પડ્યા. મારી હાંસી ઉડાવતા હોય એમ બોલ્યા, ‘સુમનભાઈ તમે તો સાવ બુધ્ધુ જ રહ્યા! અમારા ખાતાની પ્રોસીજર તમને નહીં સમજાય.’ પછી સહેજ ઠાવકાઈથી મને સમજણ પાડતાં કહ્યું, ‘અમે સવારે નવ વાગ્યે ઑફિસમાં જઈએ એનો અર્થ એવો નહિ કે, સવારના નવથી સાંજના છ સુધી ઑફિસમાં પુરાઈ રહીએ. અમુક કામ એવાં હોય, કે જેને માટે ઑફિસ સ્ટાફ આવે તે પહેલાં અને સાંજે સૌ જાય ત્યાર પછી બેસીને અમારે કરવાનાં હોય! બાકી બપોરના બારથી ચાર સુધી અમારે ઑફિસમાં બેસવાનું ન હોય. તમે ધારો છો એમ સવારના નવથી રાતના આઠ સુધી વૈતરું કરીએ તો તો વહેલા ગુજરી જઈએ.’

‘તો પછી શનિ-રવિની રજાઓમાં શા માટે જાવ છો?’

‘પૈસા માટે. પૈસા કમાવા હોય તો મહેનત કરવી પડે. ખાલી મહેનત જ નહિ ખાસ આઈડિયા પણ વાપરવા પડે. અમારે રાત દિવસ કૉન્ટ્રાક્ટરો સાથે વહેવાર. એમને પાંચ હજારનો ફાયદો કરાવી આપીએ ત્યારે માંડ અમને પાંચસો મળે. એમનાં બિલો ઝડપથી પાસ કરવા માટે અમારે ઓવર ટાઈમ કામ કરવું પડે.’

‘પણ તમે તો જાણો છો કે, કૉન્ટ્રાક્ટરને પાંચ હજારનો ફાયદો થાય ત્યારે તમને પાંચસો આપે. એટલે કે, તમારા પાંચસોના ફાયદા માટે તમે કૉન્ટ્રાક્ટરને પાંચ હજારનો ફાયદો સરકારના ખર્ચે અને જોખમે કરી આપો છો. એમ જ ને?’

મારા આવા સવાલથી શાંતિભાઈ કાંઈ પાછા પડે એવા નહોતા. તેમણે તો તડ અને ફડ જવાબ આપતાં કહ્યું, ‘એ બધું અમે કાંઈ ન જાણીએ. અમે તો કૉન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપીએ અને બદલામાં જેટલા ખંખેરાય એટલા ખંખેરી લઈએ. ગીવ ઍન્ડ ટેઈકનો સિદ્ધાંત અપનાવીએ તો જ આ જમાનામાં પૈસા કમાઈ શકીએ. પણ તમને આ વાત નહીં સમજાય. આવડત અને હિંમત જોઈએ, બધામાં એ નથી હોતી.’

સરકારનો જ પગાર ખાઈને સરકારના જ હિત વિરુદ્ધ જઈને, કૉન્ટ્રાક્ટરને ફાયદો કરી આપી, પગાર ઉપરાંતની આવક કમાતા શાંતિભાઈને આ બધી વાતો ગૌરવભેર કહેતા સાંભળીને મને થયું કે, આજના જમાનામાં ખોટું કરનારનો આત્મવિશ્વાસ કેવો બુલંદ છે! કેવી તડ ફંડ વાતો કરે છે! આની સામે ઇશ્વરનો ડર રાખીને ચાલનારા પ્રામાણિક માણસો નીતિની વાતો તો જારો ઘણી કરે છે, પણ રતીભર આત્મ-વિશ્વાસ વિના! કોઈ જાતની ખુમારી વિના! જ્યારે ભ્રષ્ટાચાર કરનારની ખુમારી તો જુઓ! તેઓ જે કરે તેને માટે કેવું ગૌરવ લે છે!

મને વિચારમાં જોઈ શાંતિલાલ વધુ ખીલ્યા! ‘સુમનભાઈ, તમને હજુ ખબર નથી. અમે તો ઘણા પ્રામાણિક છીએ. નક્કી કરેલ શેડ્યુલ મુજબની ટકાવારી જ કૉન્ટ્રાક્ટર પાસેથી લઈએ છીએ, પણ કેટલીક ઑફિસોમાં વળી…. પણ જવા દો એ વાત…..’ શાંતિલાલ અટકી ગયા. મારા જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આ બાબતમાં વિગતવાર સમજણ આપવાનો મેં શાંતિલાલને આગ્રહ કર્યો.

‘જુઓ, બહુ મોટા બજેટનાં કામનાં કૉન્ટ્રાક્ટ થાય ત્યારે સરકાર અને કૉન્ટ્રાક્ટર વચ્ચે બે જાતના કરાર થાય. સમયસર કામ પૂરું કરી ન આપે તો કૉન્ટ્રાક્ટરે નિયત દરે પૅનલ્ટીની રકમ સરકારમાં ભરવી પડે. બીજીબાજુ, થયેલ કામના બીલનું ચૂકવણું નક્કી કરેલ સમય મર્યાદામાં કૉન્ટ્રાક્ટરને ખાતા તરફથી ચૂકવવામાં આવે નહિ તો પાર્ટીને સમયસર પેમેન્ટ ન મળવાને કારણે બિઝનેસમાં ભોગવવી પડેલ આર્થિક ખોટ ‘બિઝનેસ લૉસ’નું યોગ્ય વળતર સરકારે આપવું પડે. આ કરાર હેઠળ લાખો અને કરોડોના ખાતા સામેના દાવા કોર્ટમાં ચાલતા હોય છે.’

‘પણ આમાં ઑફિસનાં માણસો વચ્ચે ક્યાં આવે? કૉન્ટ્રાક્ટરને પેમેન્ટ સમયસર મળે એમાં તો તમને પણ રસ હોય. એટલા માટે તો તમે સૌ રજાઓમાં પણ ઑફિસમાં કામ કરો છો!’

શાંતિભાઈ જરા હસ્યા. પછી લહેરમાં આવી બોલ્યાં ‘ત્યારે અહીં જ હુંશિયારીની વાત આવે છે! કૉન્ટ્રાક્ટરને પાંચ લાખ રૂપિયાનું બીલ નિયત મુદતમાં ન મળે એટલે એ ખાતા સામે પચ્ચીસ લાખ રૂપિયાની વ્યાવસાયિક નુકસાનીનો દાવો માંડે! પાર્ટીને આવો દાવો માંડવાની તક મળે એ માટે અમો ઑફિસવાળા એક યા બીજા બહાના હેઠળ બીલ સમયસર ન બનાવીએ! આમ કરીને પાંચ લાખના પેમેન્ટ સામે પચ્ચીસ લાખનો દાવો માંડવામાં પાર્ટીને મદદરુપ થઇએ. જે પાર્ટીને આવી મદદ કરીએ એ પાર્ટી પછી અમને હસતા હસતાં ન્યાલ કરી દે તો એમાં શું ઉપકાર કરે છે?’

‘બસ બહુ થયું,’ શાંતિલાલની વાતને અધવચ્ચે જ અટકાવતાં મેં રોષથી કહ્યું, ‘આ તો નરાધમ પાપ કહેવાય! વાડ જ ચીભડાં ગળે તેવી વાત થઈ! સરકાર સાથે વિશ્વાસઘાતનું આવું ઘોર કર્મ કરનારા કયે ભવે છૂટશે?’

વિશ્વાસઘાત, ઘોર પાપ અને આ ભવ પરભવની મારી જુનવાણી વાત પર અટ્ટહાસ્ય કરતાં શાંતિલાલ, મારો ઉપહાસ કરતા હોય એમ બોલ્યા, ‘ત્યારે ભાઈ, આ જમાનામાં પૈસાવાળા થવું અને સુખ સાહેબી ભોગવવી એ કાંઈ બાળકોની રમત નથી. આવડત સાથે સવા મણનું કાળજું પણ જોઈએ!’

એક સમયની વાત છે. મોડી સાંજના ફરતાં ફરતાં અમે અચાનક શાંતિલાલના ઘેર જઈ ચડ્યા. ઘરમાં ગયા પછી અમને થયું કે, ખોટા સમયે પહોંચી ગયા! ઘરનું વાતાવરણ એકદમ ગંભીર હતું! ઘરના તમામ સભ્યો ભારે ગુસ્સામાં હતા, શાંતિલાલ અને એમનાં પત્ની એક બીજા સામે ઘાંટા પાડતાં હતાં. અમે ગયા એટલે થોડો સમય ખામોશી છવાઈ ગઈ. ઘરના સૌ મોઢાં ચડાવી સૂનમૂન થઈ ગયા હતા. ઓચિંતા કસમયે આવીને નાહકના ફસાઈ પડ્યા હોય એવું અમને લાગ્યું. પણ હવે એમ એકાએક ચાલ્યા જવાય એવું પણ નહોતું. અમે બેઠા. થોડી આડી અવળી વાતો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પતિ-પત્ની બન્નેમાંથી એકેય વાતો કરવાના મૂડમાં ન હતા.

એવું તે વળી આ ઘરમાં શું બન્યું હશે કે બધા આટલા ધૂંવાફૂંવા થઈ ગયા છે! અમે વિચારમાં હતા, ત્યાં જ અમારા બન્નેના આશ્ચર્ય વચ્ચે શાંતિલાલ એકાએક ઊભા થયા! લાલઘૂમ ચહેરા સાથે એક કરડાકી ભરી નજર પત્ની સામે કરી. ધડાધડ કરતાં ઘરમાંથી નીકળી ગયા! અમને બહુ નવાઈ લાગી. શાંતિલાલ ગયા પછીની થોડીક ક્ષણોમાં એમનાં પત્ની મંગળાબહેન ઊંડો નિસાસો નાખી, આંખમાં આંસુ સાથે બોલ્યાં, ‘તમારા ભાઈનું મગજ બહુ ખરાબ છે, નાની નાની બાબતોમાં છાશવારે ઘરમાં હોળી જગવે છે. બહુ થાય એટલે આવી રીતે જ ઘરમાંથી ભાગી જાય છે! આઠ-દસ દિવસો થયા નથી કે ઝઘડો ઊભો કર્યો નથી. કેવા માણસ સાથે પનારો પડ્યો છે! તમે નહિં માનો પણ ઘણી વાર તો ઘરમાંથી ગયા પછી અઠવાડિયા સુધી ઘેર પાછા આવતા નથી.’

થોડી વાર શાંત પડી હૃદયનો ઉભરો ઠાલવતા વળી બોલ્યાં, ‘મેં એવાં તે શાં કરમ કર્યાં હશે કે તે એ મારે લમણે લખાણા!’

મંગળાબહેનની તે સમયની મનઃસ્થિતિ જોઈને કઈ બાબતોને કારણે અવારનવાર ઝઘડા થાય છે એ પૂછવાનું મેં યોગ્ય ન માન્યું, પરંતુ અમને નવાઈ એ વાતની લાગી કે બહારથી સુખ સમૃદ્ધિમાં આળોટતું લાગતું ઘર આવું દુઃખી? રામ તારી માયા! એવી તે શી તકલીફ આ લોકોને હશે, કે જેને કારણે છાશ વારે આમ ઝઘડવાનું થતું હશે? અને તે પણ એટલી હદ સુધી કે ઘરના ધણીને અવાર નવાર ઘર છોડીને ભાગી જવું પડે! મારા મનમાં આવા અનેક વિચારો ઘોળાયા કરતા હતા. ત્યાં જ શાંતિભાઈની યુવાન પુત્રી નીતા બોલી, ‘કાકા તમને ખબર નથી, મારા પપ્પાના મનમાં રાઈ ભરાઈ ગઈ છે! પાંચ પૈસા કમાય છે એમાં તો જાણે મોટી ધાડ મારી આવે છે! બધા ઉપર જોહુકમી ચલાવે છે… ઘરમાં કોઈને શાંતિથી જીવવા દેતા નથી!’

નીતાની વાતમાં એના ભાઈ કશ્યપે સુર પુરાવ્યો, ‘પપ્પાને એમ છે કે એ બહુ કમાય છે એટલે મનફાવે એમ બધા ઉપર હુકમ ચલાવે, પણ અમે બહુ સહન કર્યું. હવે એમની તુમાખી લાંબો સમય સહન કરવાની અમારી તૈયારી નથી. આ પાર કે પેલે પાર. આ ઘરમાં જેટલો અધિકાર એમનો છે એટલો અમારો પણ છે. એમને એમની કમાણીનું બહુ અભિમાન છે. પણ પૈસા તો ગાંગલી ઘાંચણ પણ કમાઈ લાવે છે. એમાં શી મોટી ધાડ મારી! એમના પૈસા કેવી રીતે આવે છે એ અમે ક્યાં નથી જાણતાં!’

શાંતિભાઈનાં પત્ની, એમના યુવાન પુત્ર અને પુત્રી ગુસ્સાના આવેશમાં પોતે શું બોલે છે એ વિષે સભાન ન હતાં. નહીં તો અઢળક સંપત્તિ વચ્ચે આળોટતા આ જીવો અંદરખાને ગમે તેવાં દુ:ખ હોય તો ખૂબ સુખ ભોગવી રહ્યાં છે એવો આડંબર કર્યા વિના ન રહે! આ ત્રણેયની વાતો પરથી મને એક વાતની ખાતરી થઈ કે બહારથી સુખી દેખાતા શાંતિલાલના કુટુંબમાં એક બાજુ એકલા શાંતિલાલ છે અને તેમની સામેની બાજુ એમનું આખું કુટુંબ! શાંતિલાલનાં પત્ની – પુત્ર – પુત્રી બધાં એક છે! જ્યારે ઘરમાં શાંતિલાલ બિચારા એક્લા અટૂલા છે! કુટુંબનાં સુખ અને વૈભવ માટે આ માણસ કેટકેટલું કરે છે! એનો વધુમાં વધુ સમય ઑફિસમાં જ ગાળે છે. નિરાંતથી આરામ કરવા માટેના રજાના દિવસોમાં પણ આ જીવ ઑફિસમાં જ પડ્યો પાથર્યો રહે છે. મનને, અંતરાત્માને અવગણીને, ફરજ અને નિષ્ઠાનો ભોગ આપીને, પગાર ઉપરાંતની આવક મેળવવા માટે આ માણસ કેવા કેવા ખેલ ખેલે છે! કુદરતનો નિયમ છે કે જે માનવી અનીતિ આચરતો હોય એના મનને શાંતિ મળતી નથી. એના ભાગ્યમાં મીઠી નીંદર હોતી નથી. એને બિચારાને કેટકેટલીયે વાર અસત્યનો આશરો લેવો પડે છે! અને આ બધું કોને માટે? માત્ર પોતાને માટે તો નહિં જ ને?

બહુ વિચાર કરીએ તો સમજાય છે કે સંસારમાં બેઠેલ માણસની ધનની ખરી જરૂરિયાત એટલે પોતે અને પોતાના કુટુંબના સભ્યો સારી રીતે ખાઈ-પી શકે, સારી રીતે રહી શકે અને ઉપસ્થિત થતાં એનાં વ્યાવહારિક કામો સરળતાથી ઉકેલાતાં રહે એટલું ધન પૂરતું ગણાય. આ ઉપરાંત વધારે ધન, નીતિ અને ધર્મની જાળવણી થકી મળતું હોય તો કાંઈ ખોટું નથી. પરંતુ અનીતિ આચરીને માત્ર વધુ ને વધુ વૈભવી જીવન જીવવાની લાલસામાં માણસ ધન તો મેળવે છે પરંતુ જે હેતુ માટે ધન કમાય છે એ સુખ અને શાંતિને જાણ્યે અજાણ્ય દૂર ધકેલી દેતો હોય છે.

ધનના ઓથાર નીચે દેખાતું સુખ કેવું ભ્રામક હોય છે એ શાંતિલાલના અશાંત કુટુંબના દૃષ્ટાંત પરથી દિવા જેવું સ્પષ્ટ થાય છે. લાંચની રકમને સામાન્ય વ્યવહાર માનતા આજના યુગમાં દૃષ્ટિ ખુલ્લી રાખીએ તો ઠેરઠેર શાંતિલાલ જેવા ચળકાટ મારતા જીવનની પાછળ દારુણ દુઃખ ભોગવતા કુટુંબનો સાક્ષાત્કાર થશે!

ત્રીજે દિવસે હું ફરી શાંતિલાલને ઘેર ગયો. મને ખબર મળ્યા કે, શાંતિલાલ ગયા પછી ત્રણ દિવસથી ઘેર આવ્યા જ નથી! મને દુઃખ થયું. મેં મંગળાબહેનને કહ્યું,

‘આ તો બહુ ખરાબ કહેવાય. ગમે તેમ કરી તમારે એમને મનાવી લેવા જોઈએ!’

મારી વણમાગી સલાહના પ્રત્યુત્તરમાં મંગળાબહેને થોડા દાઝતા હૃદયે અને થોડી બેફિકરાઈથી જવાબ આપ્યો : ‘નિરાંત છે અમારે તો…. જેટલા દિવસ બહાર રહે એટલા દિવસ અમને બધાને શાંતિ! આવશે એટલે પાછો ઉપાડો લેશે!’

આ વાત તો પાંચ વર્ષ પહેલાંની છે. દરમ્યાન મારી બદલી પણ થઈ ગઈ. થોડા દિવસો પહેલાં માત્ર ફરવાના હેતુસર અમે શાંતિલાલના ગામ ગયા. ત્યાં ગયા પછી ખબર પડી કે શાંતિલાલની મોટી નીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને સાસરે આત્મહત્યા કરી છે! હું શાંતિલાલના કુટુંબને આશ્વાસન આપવા ગયો. શાંતિભાઈ અને મંગળાબહેન ચોધાર આંસુએ રડી પડ્યાં! થોડા સ્વસ્થ થયા પછી શાંતિભાઈ બોલ્યા,

‘સુમનભાઈ, બે ટ્રક ભરાય એટલો કરિયાવર નીતાને અમે આપ્યો, તો ય એ નાલાયકોનું પેટ ન ભરાયું અને કરિયાવરની લાયમાં મારી ફૂલ જેવી નીતાનું કાસળ કાઢયું!’

મારું મન પોકારી ઊઠયું! શાંતિલાલભાઈ એ, બે ટ્રક કરિયાવર ક્યા ધનથી ખરીદ્યો હતો! દિકરીને કરિયાવર આપ્યો હતો કે પાપના પોટલાં ભરી આપ્યાં હતાં! મન પર બળાત્કાર કરી હું મૂંગો બેસી રહ્યો.

શાંતિલાલના હૃદયમાંથી શબ્દો સરી પડ્યા…

‘સુમનભાઈ, કુદરતની અવળચંડાઈ ઘણી વાર સમજાતી નથી, અમારી સાથે કેવી ક્રૂર બની!’

હવે મારાથી રહી શકાયું નહિં, ખૂબ જ મર્યાદાશીલ વાણીમાં પ્રસંગને અનુરૂપ થાય એ રીતે મેં શાંતિભાઈને સમજ પાડી : ‘એવું નથી શાંતિભાઈ. કુદરત દયાળુ છે, એમ ન્યાયી પણ છે. માનવીએ કરેલાં કર્મનું યોગ્ય ફળ આપવું એ કુદરતનો અનન્ય ક્રમ છે. કર્મફળ કોઈ મિટાવી શકતું નથી. કુદરતના નિયમો આપણને ન સમજાય એમાં કુદરતનો દોષ કેમ કઢાય!’

સત્ય હોય તો પણ ઘણી વાર ખુલ્લે ખુલ્લું કહી શકાતું નથી. મારે તો કહેવું હતું કે, આ બધું તમારી હરામની કમાણીનો પરિપાક છે! પણ સત્યને પ્રગટ કરવામાં સંસારી માણસનું ગજું કેટલું? હું મૂંગો રહ્યો.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.