અબ્રાહમ લિંકન પોતાના ટેબલ પર એક વાત લખીને રાખતા – ‘This too shall pass’ (આ પણ નહિ રહે) સુખ દુઃખથી અલિપ્ત રહેવામાં, અશાંતિની ક્ષણોમાં ટકી રહેવામાં આ વિભાવના ઘણાને સહાયરૂપ થાય છે. અહીં આ વાત સુંદર રીતે રજૂ થઈ છે. પ્રૉફેસર દોલતભાઈ દેસાઈએ અંગ્રેજીમાં પંદર પુસ્તકો અને ગુજરાતીમાં ત્રીસ પુસ્તકો લખ્યાં છે. તેઓ પ્રભાવશાળી વક્તા પણ છે. – સં.

જંગલમાં એક નિર્લેપ ઓલિયા-સાધુ રહેતા. સ્થિતપ્રજ્ઞ વૃત્તિના હતા. જીવનમાં જે સ્થિતિ આવે તે સ્વીકારીને મસ્ત રહેતાં શીખ્યા હતા. એક વાર એમની ઝૂંપડી આગળ એક પાણીદાર ઘોડો કશેકથી છૂટીને આવી ઊભો. સાધુએ ચારો દીધો. ઘોડાની ચાકરી કરી. કેટલાક દિવસો સુધી માલિક લેવા ન આવ્યો. સાધુએ ઘોડાને કેળવ્યો. વરસેક બાદ એક અરબી વેપારીની વણઝાર ત્યાંથી પસાર થાય. વેપારીએ ઘોડો જોયો, સાધુનો ઘોડા પરનો પ્રેમ જોઈ, એને કેળવવાની શક્તિ જોઈ બીજો ઘોડો ભેટ ધર્યો. બીજે વરસે રાજાની સવારી ત્યાંથી નીકળી. પાણીદાર ઘોડાને કેળવવાની સાધુની શક્તિથી રાજા પ્રભાવિત થયા અને સાધુને પોતાના ઘોડા જોવા વિનંતી કરી. અંતે ઓલિયાને રાજાએ ઘોડારના મંત્રી બનાવ્યા.

સાધુને લોકો અભિનંદન આપવા આવ્યા. સાધુએ બધાનું સ્વાગત કરી, એક જ વાક્ય કહ્યું :

‘યે ભી કબ તક?’

એમ કરતાં કરતાં ઓલિયા તો રાજાના પ્રધાન બન્યા. વળી, લોકો એમને અભિનંદન આપવા આવ્યા. એમણે બધાનું સ્વાગત કર્યું પણ આનંદ ન દર્શાવતાં તટસ્થ ભાવે એટલું જ કહ્યું :

‘યે ભી કબ તક?’

અંતે ખૂબ સારા રાજ્ય અમલ બાદ એ ઓલિયા માંદગીમાં પટકાયા. લોકો અફસોસ વ્યક્ત કરવા આવ્યા. ત્યારે ઓલિયાએ કહ્યું :

‘યે ભી કબ તક?’

અને છેવટે મૃત્યુ ટાણે એમની ઈચ્છા પૂછવાની વેળા આવી, એમને લોકોએ પૂછ્યું કે તમારી કબર પર શો મૃત્યુલેખ લખવો છે?

ઓલિયાએ કહ્યું, એટલું લખજો :

‘યે ભી કબ તક?’

અને છેવટની વાત તો. એ છે કે કેટલાંક વર્ષો પછી ઓલિયાની કબર પરનું ‘યે ભી કબ તક?’નું પાટિયું પણ ઊડી ગયું હતું !

આ વાત સરી જતા સમયની છે. કદીક બહુ જ તટસ્થ ભાવે જોઈએ તો આ વાતમાંથી ઊંડું સત્ય તરે છે. આપણા સાધુઓએ શાણપણની વાતોને હંમેશા વાર્તા, રૂપકોમાં કહી છે. જેમ જેમ એ વિષે વિચારીએ તેમ વધુ ને વધુ ઊંડો મર્મ પામીએ. ઓલિયા ઓલિયા હતા; તટસ્થ પ્રાજ્ઞ પુરુષ હતા. સુખદુઃખમાં સમત્વભાવે રહેતાં શીખ્યા હતા. પ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાનું મૂળ પ્રાજ્ઞ સ્વરૂપ જાળવી રાખ્યું હતું. તેથી જ પ્રજાને સારો અમલ આપી શક્યા. પણ સુખ એમને અભિમાની ન બનાવી શક્યું કે દુઃખ એમને વિષાદમય ન બનાવી શક્યું, સુખદુઃખની સમતાનો આ મર્મ પારખવા જેવો છે. ‘યે ભી કબ તક?’ની વાત આપણને સમયની સમજ પ્રત્યે લઈ જાય છે.

સમય એ એક અજાયબ બાબત છે. સમયની ચર્ચામાં ઘણી વાર આપણે ‘ભૂતકાળ’, ‘ભવિષ્ય’ અને ‘વર્તમાન’ની વાતો કરીએ છીએ. સંસારમાં ત્રણ પ્રકારના માણસો નજરે પડે છે : ભૂતકાળમાં જીવનારા, વર્તમાનમાં જીવનારા અને ભવિષ્ય પર રાચનારા, વૃદ્ધ માણસો ઘણીય વાર જીવે છે વર્તમાનમાં, પણ ભૂતકાળની વાતો એમનો ખોરાક હોય છે. ‘અમારા જમાનામાં આવું ન હતું. અમારો જમાનો સારો હતો. અમે જુવાન હતા ત્યારે સારો વખત હતો.’ આવા ઉદ્ગાર તેઓ કાઢતા હોય છે અને વર્તમાનની જોડે તેઓ સંવાદિતા નથી સાધી શકતા. વર્તમાન વિશે ફરિયાદ અને ભૂતકાળ વિશે પ્રશંસા. એ બાબત જ વૃદ્ધનું વર્તમાન સાથે અનુકૂલન નથી, એ દર્શાવે છે. ભૂતકાળની સારી સ્મૃતિ, વર્તમાનને ઉજમાળો બનાવવા કામ લાગે અથવા વર્તમાનના વિષાદ વખતે ભૂતકાળની ઊજમાળી સ્મૃતિની યાદ મદદરૂપ બને, પ્રેરણારૂપ બને. પણ વર્તમાનમાં જેને સંઘર્ષમય જીવન વચ્ચે માર્ગ કાઢવાનો છે તેને ભૂતકાળની સ્મૃતિ પર જ સમય વિતાવવા યોગ્ય નથી.

બીજો પ્રકાર છે : કેવળ વર્તમાનમાં જીવનારોનો. મજાનો પ્રકાર છે. તમને ઘણા માણસ આવા મળશે. જે કહેશે, આપણે અત્યારે જીવી લો – કોણે દીઠી કાલ?’ ‘અરે ભાઈ? આજની ક્ષણ જીવી લઈએ. કાલની કોને ખબર?’ ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?’ … અને એ વાત આપણને સાચી લાગે. જેણે જેણે ભવિષ્યની એષણાના અગ્નિમાં વર્તમાનની ક્ષણ ગુમાવી છે, તેને સોનેરી ભવિષ્ય સાંપડે તોયે, એ ક્ષણ ગયાનો અફસોસ રહ્યો છે. એટલે આ સંવાદ બોલનારા માણસો ‘મસ્ત’ માણસો હોય છે. દલીલ એ છે કે ભવિષ્ય પર આપણો કાબૂ નથી તો પછી ભવિષ્યની ચિંતામાં આજ કેમ ગુમાવવી? એક ગીતમાં કહ્યું છે : ‘આજનો લહાવો લિજિયે રે, કાલ કોણે દીઠી છે?’ ઝીંયા પૉલ સાર્ત્ર તો આ વર્તમાન વિષે મીમાંસા કરતાં લખે છે અને કહે છે કે વર્તમાન જ સત્ય છે અને વર્તમાનમાં જે જીવી જાણે તે જ ભવિષ્યને સારી બનાવી શકે. પણ દુનિયામાં ભવિષ્યની ચિંતામાં વર્તમાનને વધેરનારા માણસો વધી રહ્યા છે.

પણ એ વિચારમાં એક ક્ષતિ છે. માણસ જ એવું પ્રાણી છે કે જે ભવિષ્ય વિષે વિચારી શકે, કલ્પી શકે અને કાર્ય કરી શકે. એટલે જો માત્ર ‘આજે મળ્યું તે ખાવું’ ‘આજ પૂરી કરવી…’ એમ રાખીએ તે વૃત્તિને બર્ટ્રાન્ડ રસેલે ‘વનસ્પતિજન્ય અસ્તિત્વ’ કહી વખોડી છે. મનુષ્યની બધી રચનાત્મક ક્રિયાઓમાં ભવિષ્યની તસવીરોનો અણસાર છે. એક આર્કિટેક્ટ મકાનનો પ્લાન કરે, આયોજન કરે. આયોજન એટલે જે નથી તેના અસ્તિત્વને અગાઉથી વિચારવું તે. ડૉક્ટર દર્દીને સારો બનાવવા અગાઉથી ઉપાયો વિચારે શિક્ષક વિદ્યાર્થીને તેજસ્વી બનાવવા ભણાવે. આ બધી ક્રિયામાં ભવિષ્યના આછેરા દર્શનનો અણસાર છે. એટલે વર્તમાનમાં જીવતી વેળા આવતી કાલ માટેના કર્મની ઝાંખી રહેવી જોઈએ.

અને ત્રીજા પ્રકારના લોકો એવા છે કે જે ભવિષ્યમાં જ જીવે છે. ભવિષ્ય માટે ‘એક દિવસ આ મળશે,’ સુખ આવશે, તેની આશામાં વર્તમાનનો ભોગ આપે. ઍલ્વિન ટોફલર આ વૃત્તિને ‘એષણા વિસ્ફોટ’ તરીકે ઓળખાવે છે. મનુષ્યની એષણા એટલી બધી વધતી ચાલી છે કે એષણા પૂરી કરવાના આવેગ, દોટ અથવા હડિયાપાટીમાં એ વર્તમાનની પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતા ગુમાવી રહ્યો છે. એથી સદંતર ભવિષ્યના સ્વપ્ન પર જીવનાર કાં તો ‘શેખચલ્લી’ ગણાય અથવા હડિયાપાટુ કરનારો ગણાય. આમ, આ ત્રીજો પ્રકાર પણ સુખ તરફ લઈ જનારો નથી.

બજારમાં જોઉં છું, ખાવાની દુકાન વધતી જાય છે. આઈસ્ક્રીમની દુકાનો, ભજિયાંની લારીઓ, પાઉં-ભાજીની લારીઓ, પકોડી-પૂરીની દુકાનો – આ બધું વધતું જાય છે. લોકો હૉટલમાં પુષ્કળ પ્રમાણમાં જવા લાગ્યા છે. ત્રીશ વર્ષ પહેલાં આ ન હતું, આટલા પ્રમાણમાં, ‘આજે ખાઈ લઈએ કાલની વાત કાલે’ એવી અંતઃવૃત્તિ એની પાછળ છે. કારણ? ન જાણે કેમ, પણ જીવનમાં અનિશ્ચિતતા વધતી જાય, રોગો વધતા જાય, તંગ મનોદશા વધતી જાય, કલેશ વધતા જાય તેમ તેમ મનુષ્ય આજની રાતે ગોદડું ઓઢી સૂઈ જાય તે કાલની સવાર પડે ને કર્મની દુનિયાનો સાદ પડે તોય ગોદ છોડવા તૈયાર નથી. ‘શાહમૃગરીતિ’ કહેવાય છે એ. રેતીનું તોફાન આવતાં, શાહમૃગ રેતીમાં માથું નાખી દે છે.

જમાનો કઈ તરફ જઈ રહ્યો છે? ને એમાં આપણે શું કરવું? આ એક વિમાસણ છે. અદ્યતન સાહિત્ય, પુરાણો અને ધર્મ…બધામાંથી સૂર એક જ નીકળે છે. આપણા ઋષિઓ પ્રભાતે શુક્ર તારાને જોતા અને સૂર્યને અર્ઘ્ય આપતા. શુક્ર તારાને જોવો એ ધર્મ કાર્યનું એક અંગ ગણાતું. સવાર પહેલાં શુક્ર તારારૂપી મંઝિલ કે ધ્યેય સદા મનમાં રાખો ને પછી વર્તમાનરૂપી સૂર્યને આવકારો. આમ, પરભાતી ક્રિયામાં અમણે વર્તમાન અને ભવિષ્યને સરસ રીતે જોડ્યાં છે. પણ ભવિષ્યની એટલી ચિંતા ન કરો કે જેથી વર્તમાન બગડે, ચૂંથાય અને વિષાદમય બને; તો સાથે સાથે વર્તમાનમાં એટલા લીન ન બનો કે જેથી ભવિષ્યના તકાજાનો આપણી પાસે ઉત્તર જ ન હોય અને આપણે લાચાર બની જઈએ.

દોરડાં પર ચાલતા નટને જોવા જેવો છે. આપણે સહુ પણ દોરડાં પર ચાલી રહ્યા છીએ. નટ એક તરફ ઝૂકે, હાથમાંનો વાંસ સામી દિશા તરફ વાળે. એક તરફ અતિ ઝૂકવામાં જમીન પર પડવું પડે. બુદ્ધે એને સમતુલા કહી. હાથમાં મનુષ્યને પ્રભુએ બુદ્ધિનો વાંસ (દંડ) બક્ષ્યો છે. મોટું સાધન છે એ. વર્તમાન તરફ વધુ પ્રમાણમાં ઝૂકવાનું થાય ત્યારે બુદ્ધિનો વાંસ ભવિષ્ય તરફ નમાવવો, અને ભવિષ્ય તરફ વધુ પડતું ઝૂકી જવાય ત્યારે બુદ્ધિનો વાંસ વર્તમાન તરફ નમાવવો. પણ એ મુશ્કેલ છે. આપણે સહુ દોરડાં પર જ ચાલીએ છીએ. જેનું ‘બલૅન્સ’ ગયું, એટલે હાથમાં રહેલા બુદ્ધિરૂપી વાંસનો ઉપયોગ કરતાં ન આવડ્યું, તે જીવતરમાં પટકાયો જ સમજવો. બુદ્ધિની સમતુલા પર જ આપણો આધાર છે.

આ સંદર્ભમાં ઓલિયાનું વાક્ય : ‘યે ભી કબ તક?’ યાદ કરવા જેવું છે. તમારે માથે દુઃખ આવે, મુશ્કેલી આવે, ત્યારે મગજ કામ ન કરે. વિષાદ વ્યાપે તો બે વાર ‘યે ભી કબ તક?’ બોલી વિચારવા જેવું ખરું, ને જ્યારે આપણે સુખમાં હોઈએ, કે ભૂલથી સત્તામાં રાચતાં હોઈએ ત્યારે પણ ‘યે ભી કબ તક?’ વિષે વિચારીશું તો પેલો બુદ્ધિનો વાંસ આપણી સમતુલા સાચવશે.

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.