(ગતાંકથી ચાલુ)

હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું જ નહીં. એક સાંજે લાલબાબુના ઠાકુરમંદિરમાં તેઓ ધ્યાનમાં એવાં મગ્ન બની ગયાં કે તેમનું બાહ્ય ભાન ચાલ્યું ગયું. તેઓ સમાધિમાં ઊતરી ગયાં. મંદિરમાં આવતા બધા દર્શનાર્થીઓ ચાલ્યા ગયા. મંદિરનો મુખ્ય દરવાજો બંધ કરવાનો સમય પણ થઇ ગયો તો ય તેમની સમાધિ ન છૂટી. સેવકોએ તેમને જગાડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તો ય તેઓ જાગ્યાં નહીં. હવે શું કરવું એ અંગે સેવકો વિચારતા હતા. ત્યાં જ હાથમાં ફાનસ લઇને યોગેન મહારાજ શોધતા આવી પહોંચ્યા ને બોલી ઊઠ્યા : વાહ! અહીં યોગીનમાં તો બ્રહ્માનંદની અનુભૂતિમાં ડૂબેલાં છે, અને ત્યાં શારદામા ચિંતા કર્યા કરે છે કે ‘હજુ યોગીન ન આવી જા, જઇને શોધી લાવ.’ હવે તો આમને સમાધિમાંથી જાગ્રત કરવાં જ પડશે, આમ વિચારીને તેઓ યોગીનમા પાસે આવ્યા ને તેમને પ્રણામ કરીને પછી તેમના કાનમાં વારંવાર ઠાકુરના નામનું ઉચ્ચારણ કરવા લાગ્યા. ત્યાર પછી ઘણી વારે તેઓ બાહ્ય ચેતનામાં પાછાં ફર્યાં. આ અનુભૂતિની પાછળની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયે હું એવા આધ્યાત્મિક ભાવમાં ડૂબેલી રહેતી કે જગત છે કે નહીં તેનું પણ મને ભાન રહેતું નહીં. સર્વત્ર એનાં જ દર્શન થતાં અને એ ભાવ સતત ત્રણ દિવસ સુધી મારા અંદર રહ્યો હતો. પછી ધીમે ધીમે એ ભાવ શમી ગયો.’ અહીં વૃંદાવનમાં ફરી એક વાર શ્રીરામકૃષ્ણે એમને દર્શન દીધાં હતાં. તે વખતે શ્રીરામકૃષ્ણે સ્વપ્નમાં શ્રીમાને યોગેન મહારાજને મંત્રદીક્ષા આપવા કહ્યું હતું. આ કાર્યમાં યોગીનમાની મદદ જરૂર લેજો એમ પણ તેમણે કહ્યું હતું. શ્રી શારદામણિને યોગેન મહારાજને મંત્રદીક્ષા આપતાં સંકોચ થતો હતો. ત્યારે યોગીનમાએ જ એમને સહાય કરી હતી. વૃંદાવનથી તેઓ મા સાથે કલકત્તા પાછાં ફર્યાં. હવે તેમનાં વૃદ્ધ માતાની સેવા અને ભગવદ્ભજન ને ધ્યાન આ બે જ તેમનાં કાર્યો હતાં. જપ-ધ્યાનને પરિણામે તેમને દિવ્યદર્શનો પણ થતાં રહેતાં. તેઓ વારંવાર સમાધિમાં પણ ચાલ્યાં જતાં. તેમની સમાધિ વિષે જ્યારે સ્વામી વિવેકાનંદે જાણ્યું ત્યારે તેમણે તેમને કહ્યું : ‘યોગીનમાં, તમારું શરીર સમાધિમાં જ છૂટી જશે. કેમ કે જેમને એક વાર સમાધિ ધાય છે અને શરીર છોડતી વખતે એની સ્મૃતિ પાછી આવે છે.’

તેઓ હંમેશાં બાલ-ગોપાલની બે મૂર્તિઓની નિત્ય પૂજા કરતાં. એક વખત પૂજા સમયે ધ્યાનમાં ઊતરી જતાં તેમની સમક્ષ બે સુંદર બાળકો પ્રગટ થયાં, તેમનો હાથ પકડીને થપથપાવતાં કહેવા લાગ્યાં. ‘અમે કોણ છીએ, તમે ઓળખો છો?’ એમની સામે દૃષ્ટિ કરતાં જ તેઓ બંન્નેને ઓળખી ગયાં ને બોલ્યાં : ‘હા, તમે બલરામ છો અને તે કૃષ્ણ છે.’ ત્યાં તો નાના કૃષ્ણે કહ્યું : ‘હા, પણ તમને એ યાદ નહીં રહે.’ ‘કેમ?’ એમના દૌહિત્રોને બતાવીને કૃષ્ણે કહ્યું : ‘આમના લીધે.’ અને પછી બંને દિવ્ય બાળકો અંતર્ધ્યાન થઇ ગયાં અને ખરેખર એમ જ થયું. તેમના જમાઇનું અવસાન થયું ને પછી થોડા વરસ બાદ પુત્રી ગનુ પણ મૃત્યુ પામી, તેમના ત્રણેય સંતાનોની જવાબદારી યોગીનમાં ઉપર આવી પડી. તેમની સંભાળ રાખવામાં તેઓ પછી ધ્યાનમાં બધો સમય આપી શકતાં નહીં. અને તેથી ધ્યાનની તીવ્રતા ઓછી થઇ ગઇ હતી. પણ પાછળથી ઉત્તરાવસ્થામાં શ્રીમાના સાંનિધ્યમાં એમનાં જપ-તપ-વ્રત અનુષ્ઠાન પૂર્વવત્ ચાલુ રહ્યાં હતાં. એમના દૌહિત્રે એમના વિષે લખ્યું છે : ‘સાંજથી રાતના મોડે સુધી અમે તેને ધ્યાનમાં બેઠેલાં જોયાં છે. આસનમાં સ્થિર, ધ્યાનસ્ય, ટટ્ટાર, બાહ્ય રીતે લગભગ મૃત – પણ એક ઉજ્વળ આભા એમના ચહેરા ઉપર મંડરાયેલી રહેતી. તેમની કમળ જેવી મોટી મોટી આંખો ઝગારા મારતી રહેતી. તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. તેમના નિર્ણયમાં તેઓ હંમેશાં સંતુલિત હતાં.’ અપૂર્વ બુદ્ધિમત્તા, સુસંગત વાર્તાલાપ, સંતુલિત વ્યવહાર અને અંતરનું સૌંદર્ય એમના વ્યક્તિત્વને ધીરગંભીર છતાં આકર્ષક બનાવતાં હતાં. કે હવે શું કરવું? આવા માણસને કેવી રીતે દીક્ષા અપાય? તેમણે યોગીનમાને આ વિષે પૂછ્યું કે હવે શું કરવું?’ યોગીનમાએ કહ્યું : ‘મા, તમે તેને દીક્ષા આપી દો, તમે તેને જે મંત્ર આપશો તેના જપથી તે માણસ પોતે જ સમય જતાં બદલાઈ જશે અને જોજો તે જરૂર ઠાકુરને સામેથી સ્વીકારતો થઈ જશે.’ યોગીનમાની સલાહ માનીને શ્રીમાએ તેને દીક્ષામંત્ર આપ્યો. અને પછી થોડા જ સમયમાં તે ગૃહસ્થ શ્રીરામકૃષ્ણનો ભક્ત બની ગયો!

એક વખત યોગીનમાના મનમાં શ્રીમાની શક્તિ વિષે સંદેહ જાગ્યો. તેમને થયું કે ઠાકુર તો પરમ ત્યાગી. એમને તો જોયા છે. જાણ્યા છે. પણ મા? તેઓ તો ગૃહસ્થની જેમ રહે છે. ભાઈ, ભાભીઓ – બધાંનું કરતાં હોય છે. તેમનામાં તો ત્યાગને બદલે આસક્તિ વિશેષ જણાય છે. ઠાકુર તો કહેતા હતા કે મા તો શારદા છે, સરસ્વતી છે, જ્ઞાન આપવા માટે આવ્યાં છે, આ વખતે પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, તો તે શું સાચું હશે?’ આવી માનવસહજ શંકા એમના મનમાં જાગી ઊઠી. અને એક દિવસ ગંગાકિનારે ધ્યાનમાં બેઠાં હતાં ત્યાં તેમણે જોયું તો જાણે સાક્ષાત્ શ્રીરામકૃષ્ણ આવીને ઊભા છે! ત્યાં તો તેમને શ્રીરામકૃષ્ણનો અવાજ પણ સંભળાયો : ‘જુઓ, જુઓ, આ ગંગામાં શું જઈ રહ્યું છે?’ અને તેમણે નજર કરી તો તાજું જન્મેલું, નાળથી લપેટાયેલું, લોહીથી લથબથ એક બાળક ગંગામાં તરતું જઈ રહ્યું હતું. ઠાકુરે તેમને એ બતાવ્યું ને પછી કહ્યું : ‘શું ગંગા ક્યારેય અપવિત્ર બની શકે? એમને (શ્રીમા શારદામણિને) પણ એવાં જ સમજજો, એને અને આને (પોતાના શરીરને બતાવીને) અભિન્ન જાણજો.’ – આટલું કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. અને તે જ ક્ષણે યોગીનમાની શંકા વિલીન થઈ ગઈ. ત્યાર પછી તેઓ શ્રીમાને શ્રીરામકૃષ્ણની જેમ જ પુજવા લાગ્યાં.

સંન્યાસીઓના ધર્મનું ચૂસ્તપણે પાલન કરવું જોઈએ એમ તેઓ દૃઢપણે માનતાં હતાં. એક વખત સ્વામી શારદાનંદ પોતાના ઓરડામાં એક યુવાન સાધુને કંઈક લખાવી રહ્યા હતા. યોગીનમા ત્યાં એકાએક આવ્યાં ત્યારે તેમનો પગ ઉતાવળમાં તે યુવાન સાધુના ઝભ્ભાને અડી ગયો. તેમણે તુરત જ બે હાથ જોડીને તે યુવાન સાધુની માફી માગી. ત્યારે તે સાધુએ તેમને કહ્યું, ‘યોગીનમા, તમારાં ચરણસ્પર્શ તો આશીર્વાદરૂપ છે. તમે એ બાબત મનમાં ન લાવશો.’ ત્યારે યોગીનમાએ કહ્યું : ‘તમે સાધુ છો. તમારો ભગવો ઝભ્ભો એ ત્યાગનું પ્રતીક છે. આ ત્યાગે જ શ્રીરામકૃષ્ણને મહાન બનાવ્યા છે. અને તમે તેમનાં પગલાંનું અનુસરણ કરો છો. નાનું સાપનું બચ્ચું પણ મોટા સાપ જેટલું જ ઝેરી હોય છે! યોગીનમાના આ શબ્દોએ તે યુવાન સાધુને ભગવાં વસ્ત્ર ધારણ કરવા એ કેટલી મોટી જવાબદારી છે તેનું ભાન કરાવ્યું.

જ્યારે ૧૯૨૦માં શ્રીમાએ પોતાના ઐહિક લીલા સંકેલી લીધી ત્યારે યોગીનમાને તીવ્રતમ આઘાત લાગ્યો. આ અસહ્ય આઘાત તો હતો જ તેમાં બે જ વરસના ગાળામાં સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી તુરીયાનંદે પણ પોતાના દેહ છોડી દીધા. તેથી પોતાના અંતરંગ સ્વજનોની ચિરવિદાયથી યોગીનમા ઊંડું દુઃખ અનુભવી રહ્યાં અને તેને લઈને તેમની તબિયત પણ બગડી. નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેઓ સ્વામી શારદાનંદ સાથે જયરામવાટીમાં શ્રીમાના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ગયાં હતાં. પરંતુ છેલ્લાં બે વર્ષ તેઓ મધુપ્રમેહના રોગથી ઘેરાયેલાં રહ્યાં. શરીર કૃશ થઈ ગયું. શક્તિ ઓછી થઈ ગઈ. પણ મન એવું ને એવું જ જાગ્રત હતું. તેમનો શ્રીરામકૃષ્ણ અને શ્રીમા સાથેનો સંપર્ક પણ એવોને એવો જ અતૂટ રહ્યો હતો. અંતિમ દિવસોમાં તેઓ વારંવાર ભાવસમાધિમાં ઊતરી જતાં. અને ‘હા, ગોપાલ, હા ગોપાલ’ એમ બોલ્યાં કરતાં. છેલ્લા બે દિવસ તો તેઓ મૌનભાવમાં ઉતરી ગયાં હતાં, કાંઈ પ્રવાહી પણ લેતાં ન હતાં. સ્વામી શારદાનંદે ડૉક્ટરને બોલાવ્યા ને પૂછ્યું કે ‘આ ડાયાબીટીક કોમા તો નથી ને?’ ડૉક્ટરે તપાસીને કહ્યું કે ‘કોમાનાં તો કોઈ ચિહ્નો જણાતાં નથી.’ ત્યારે સ્વામી શારદાનંદને ઠાકુરના શબ્દો યાદ આવ્યા કે, યોગીન ધ્યાનની સ્થિતિમાં શરીર છોડી દેશે.’ તો હવે આ એ જ જ્ઞાનસમાધિમાં તેઓ ઊતરી રહ્યાં છે, તેમ તેમને જણાયું. ધીમે ધીમે એ સમાધિ વધુને વધુ ઘેરી બનતી ગઈ. ચોથી જૂનનો આખો દિવસ પણ એ ભાવમાં જ વીત્યો, રાત પડી ગઈ. આશ્રમની બધી જ પ્રવૃત્તિઓ આટોપાઈ ગઈ હતી. સ્વામી શારદાનંદ યોગીનમાના મસ્તક પાસે બેસીને શ્રીરામકૃષ્ણનું નામ ઉચ્ચારી રહ્યા હતા. અન્ય સાધુઓ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા. એ પવિત્ર વાતાવરણમાં શ્રીમાના ઓરડાની બાજુમાં જ ઓરડામાં ઉદ્દબોધન કાર્યાલયમાં યોગીનમાએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. સહસ્રાર કેન્દ્રમાં – બ્રહ્મરંધ્રમાં સહસ્રદલકમલ તેની શત શત પાંખડીઓથી પૂરેપૂરું ખીલી ગયું ને તેની પવિત્ર સુગંધ સમગ્ર વાતાવરણમાં દિવ્યભાવ જગાવી રહી.

યોગીનમાં તપસ્વિની હતાં. તેમના જેવું આકરું તપ ગૃહસ્થ જીવનમાં રહીને કરનારાં ભાગ્યે જ જોવા મળે છે. ભગિની દેવમાતા તેમના વિષે લખે છે : ‘યોગીનમા મને હંમેશાં શ્રીરામકૃષ્ણના ઉમદા શિષ્યોમાનાં એક જણાયાં છે. તેમણે પોતાના ગૃહજીવનની પ્રવૃત્તિઓ છોડી ન હતી. અને છતાં આધ્યાત્મિક સાધનામાં તેમના જેવી ચૂસ્ત બીજી એકે ય સાધ્વી નહીં હોય.’ શ્રીમા શારદામણિએ જ્યારે પંચાગ્નિ તપ કર્યું હતું, ત્યારે સાથે યોગીનમા પણ તેમાં જોડાયાં હતાં. તેમાં ૬ ફૂટના અંતરે ચારેબાજુ અગ્નિ અને ઉપર પાંચો અગ્નિ સૂર્ય તેમની વચ્ચે બેસીને સવારથી સાંજ સુધી જપ કરવાના. આ પંચાગ્નિ તપ તેમણે એક અઠવાડિયું કર્યું હતું. એ ઉપરાંત પ્રયાગમાં મહા મહિનામાં ગંગા – યમુનાના સંગમતીર્થ પર તેમણે એક મહિનાનો કલ્પવાસ કર્યો હતો. છ મહિના સુધી તેઓ એકલા દૂધ પર જ રહ્યાં હતાં. પાણી પણ નહીં. તેમનું કઠોર તપ ને સાધનામય જીવન જોઈને શ્રીમાશારદામણિ અન્ય ભક્તોને તેમનું ઉદાહરણ આપી કહેતાં કે ‘યોગીન બહુ જ તપસ્વિની છે. હજુ પણ તે અનેક વ્રતો – ઉપવાસો કરી રહી છે’. અન્ય સ્ત્રીઓને પણ શ્રીમા કહેતાં, ‘યોગીન અને ગોલાપ ખૂબ જ ધ્યાન કરે છે, એમની વાત કરવી સારી છે. એથી કલ્યાણ થશે.’ સ્વામી અપૂર્વાનંદ તેમની આકરી તપશ્ચર્યા વિષે લખે છે, ‘મોટી ઉંમરે પણ તેમનાં જપ–તપના સમયમાં ઘટાડો થતો નહીં. તેઓ દરરોજ નિયમિત ગંગામાં સ્નાન કરવા જતાં, શિયાળાની ઠંડી હોય કે વરસાદ વરસતો હોય, પણ તેમાં ફેર પડતો નહીં. ગંગાસ્નાન પછી તેઓ બે કલાકથી પણ વધારે ધ્યાન કરતાં.’ ગંગાસ્નાન પછી ઘાટ ઉપર બેસીને તેઓ ધ્યાન કરતાં. આ ધ્યાનમાં તેઓ એવાં તલ્લીન બની જતાં કે તેમનું દેહભાન લુપ્ત થઈ જતું, તેમની આંખના ખૂણામાં માખીઓ બેસે તો પણ તેમને ખબર પડતી નહીં. તેમનું સમગ્ર જીવન ભગવદ્ ભાવમાં વીત્યું હતું, ભલે દેખીતી રીતે તેઓ ગૃહસ્થી હોય. તેમણે સ્વામી શારદાનંદ અને સ્વામી પ્રેમાનંદની હાજરીમાં સંન્યસ્ત દીક્ષા લીધી હતી. પણ તેઓ પોતાનાં તપ ને ત્યાગને જાહેર કરવા ઈચ્છતાં નહતાં. ઠાકુરે કહેલું, ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં- કોઈનેય ખબર ન પડે તે રીતે પ્રભુને આરાધવા.’ એ વાક્યને યોગીનમાએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું હતું. આથી જ સંન્યસ્ત ધર્મનું પૂરેપૂરું પાલન કરતાં હતાં છતાં પણ ભગવાં વસ્ત્રો તેઓ પહેરતાં નહીં, એ તો પૂજાના સમયે જ પહેરતાં, બાકી સફેદ વસ્ત્રો પહેરતાં.

શ્રીરામકૃષ્ણના સર્વ સંન્યાસી પુત્રો સાથે તેઓ પુત્રવત્ આત્મીય વ્યવહાર કરતાં. સ્વામીજી તો ક્યારેક એમને કહેતા ‘યોગીનમા, આજે હું તમારે ત્યાં જમીશ, મારા માટે શાકભાત બનાવજો.’ તેઓ સ્વામીજી માટે પોતાના હાથેથી સ્વાદિષ્ટ ભોજન બનાવતાં ને તેમને પ્રેમથી જમાડતાં. એક દિવસ સ્વામીજીએ તેમને કહ્યું : ‘આજે મારો જન્મદિવસ છે. મારા માટે ખીર બનાવજો ને મને ખૂબ ખવડાવજો.’ યોગીનમાએ ભાવપૂર્વક બનાવેલી ખીરમાં સ્વામીજીને અપૂર્વ આસ્વાદ મળ્યો. એક વખત સ્વામીજી કાશીમાં યોગીનમાને ત્યાં એકાએક જઈ ચઢયા ને તેમને કહ્યું : યોગીનમા, લો તમારા વિશ્વનાથ આવી ગયા. આવો અલૌકિક પ્રેમનો સંબંધ હતો એમનો અને સ્વામીજીનો! તેમના હાથેથી બનાવેલી સ્વાદિષ્ટ અને મધુર રસોઈ સ્વામીજીએ ખેતડીના મહારાજને પણ ખવડાવી હતી. મહારાજા જ્યારે કલકત્તા આવ્યા ત્યારે તેમના માટે ભોજન બનાવવાનું કામ સ્વામીજીએ યોગીનમાને સોંપ્યું હતું! યોગીનમા દર વર્ષે એક વાર પોતાને ત્યાં જગદ્ધાત્રીની પૂજા કરતાં ત્યારે તેઓ ભોજનસમારંભ પણ યોજતાં. શ્રીમાશારદાદેવી અને ઠાકુરના સર્વ શિષ્યો આ પૂજા ઉત્સવમાં સામેલ થતાં.

યોગીનમાનું ઘર, શ્રીમાશારદાદેવી કલકત્તામાં જ્યાં રહેતાં તે ઉદ્બોધન કાર્યાલયની સાવ સમીપ આવેલું હતું. તેઓ વહેલી સવારે ઊઠી, પોતાનું નિત્યકર્મ કરીને, પોતાના વૃદ્ધમાતાની સેવા કરતાં; એ પછી શ્રીમા શારદામણિ પાસે આવી જતાં, શ્રીમાને જે કંઈ કામ હોય તે બધું કરી આપતાં. રસોડામાં જઈ શાક પણ સુધારતાં. સમય મળ્યે ત્યારે ઠાકુરના ઓરડામાં જઈ પૂજા-પાઠ કરતાં. બપોરના તેમને ભોગ ધરીને શ્રીમાને જમાડતાં. પછી પાછાં પોતાના ઘરે આવીને રસોઈ કરતાં ને પોતાના માતાને જમાડીને પોતે જમતાં. બપોરે તેઓ ગીતા કે ભાગવત્ કે ચૈતન્ય ચરિત્ર વાંચતાં. ત્યાર બાદ ફરી શ્રીમા શારદામણિ પાસે પહોંચી જતાં. આ રીતે તેઓ નિયમિતપણે શ્રીમાની અને પોતાનાં વૃદ્ધમાતાની સેવા કરી રહ્યાં હતાં. શ્રીમાનાં પ્રત્યેક કાર્યોમાં યોગીનમા ધ્યાન આપતાં તેથી શ્રીમાને ક્યારેય અગવડ પડતી નહીં. એથી જ તો શ્રીમા શારદામણિએ કહ્યું હતું કે, ‘યોગીન અને ગોલાપ ન હોય તો હું કલકત્તામાં રહી શકું નહીં.’ ઘણી વાર શ્રીમા સમક્ષ કોઈ મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થતી તો તેઓ યોગીનમાની સલાહ લઈને તે પ્રમાણે કરતાં. એક વખત એક સદ્ગૃહસ્થે શ્રીમાને મંત્રદીક્ષા આપવા વિનંતી કરી. એના ઉપર કરુણા દાખવી શ્રીમાએ તે માટે સંમતિ આપી, તે અંગેની બધી તૈયારી થઈ ગઈ, ત્યારે શ્રીમાને જાણ થઈ કે તે ગૃહસ્થ શ્રીરામકૃષ્ણનો સ્વીકાર કરતો નથી. આથી શ્રીમા મુંઝાઈ ગયાં.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.