દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ. એમના તત્ત્વજ્ઞાનને પચાવનારા જેમ જ્ઞાની ગૌતમ મળ્યા તેમ એને ખોટી રીતે રજૂ કરનાર ગોશાલક પણ મળ્યા. ભગવાન મહાવીરનો મહિમા ગાવા અનેક દુઃખ વેઠનાર, માર ખાનાર ગોશાલક ભગવાનની જ હરીફ થઇ બેઠો.

ભગવાન મહાવીરના આ અગ્રગણ્ય શિષ્ય ગૌશાલક અને એમના જમણા હાથ સમા એમના જમાઇએ જાહેર કર્યું કે મહાવીરના સિદ્ધાંતો બરાબર નથી. સંસાર આખો નિયતિ પર ચાલી રહ્યો છે. કર્મવાદથી ભરેલા આ સંસારમાં ઉત્થાન, બલ, વીર્ય કે પરાક્રમ નિરર્થક છે. એ તો જે થવાનું છે, તે લાખ વાતે થઇને જ રહેશે – તમે યત્ન કરો કે ન કરો.

એક વાર ભગવાન મહાવીર પોલાસપુરમાં આવ્યા. ગોશાલકના આજીવક સંપ્રદાયનો ઉપાસક સદ્દાલપુત્ર નામનો નિયતિવાદનો પરમ પૂજારી એક શ્રીમંત કુંભાર ભગવાનની સભામાં આવી ચડ્યો. મહાવીરનો ઉપદેશ સાંભળતાં એને શ્રદ્ધા થઇ. એણે ભગવાનને પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપ્યું.

બીજે દિવસે ભગવાન મહાવીર એના ઘેર ગયા. કુંભકાર સુદ્દાલપુત્ર સુંદર નકશીદાર ઘડાઓને કાળજીથી તડકે મૂકતો હતો. વિનયી સુદ્દાલપુત્રે ભગવાનનું સ્વાગત કર્યું. ભગવાન પાસે જઇને પૂછ્યું,

‘સુદ્દાલપુત્ર, આ તારા નકશીદાર ઘડાઓને કોઈ ફોડી નાખે તો? તને દુઃખ થાય ખરું?’

સુદ્દાલપુત્ર કહે, ‘અરે! એમ તે કોઈની તાકાત છે આ ઘડા ફોડવાની? એને ફોડવા દઉં જ શાનો?’

ભગવાને પૂછ્યું, ‘પણ એમાં તું વિરોધ શા માટે કરે છે?’

સુદ્દાલપુત્ર કહે, ‘ભગવાન! પહેલાં તો આ માટીનાં ઢેફાં હતાં, માટી લાવવા માટે અનેક જાનવરોનો ભોગ આપવો પડ્યો. પછી ચોખ્ખા જળથી એને કાલવી. પછી મારી પ્રિય પત્ની અગ્નિમિત્રાના કોમળ પગોએ એને કેળવી. કુશળ કારીગરના હાથે ચાક પર ચડી. આટલું થયા પછી આ ઘડો નીપજ્યો છે.’

વાહ! ત્યારે તો આ ઘડો બનાવવામાં તને ઘણી મહેનત પડી! શો તારો પુરુષાર્થ! તારી શક્તિ અને પરાક્રમથી જ તેં ઘડો બનાવ્યોને!’

ભગવાનની આ વાત સાંભળીને સુદ્દાલપુત્ર ચમક્યો, નિયતિવાદમાં માનનાર સુદ્દાલપુત્રની માન્યતા હતી કે જે થવાનું હોય છે તે થાય છે. એમાં માનવીની મહેનત કે પુરુષાર્થ નિરર્થક છે.

સુદાલપુત્રે પોતાની વાત ફેરવી તોળીને કહ્યું : ‘ના, આ બધું તો નિયતિના બળે જ થાય છે, જે થવાનું હોય તે થાય જ છે. એમાં પુરુષાર્થની કશી જરૂર નથી.’

ભગવાને સ્નેહથી પૂછ્યું, ‘નિયતિથી જ જો આ બધું થતું હોય તો કોઈ જોરજુલમથી તારાં વાસણો ફોડી નાખે, નીંભાડો બુઝાવી નાખે, તને મારે, લૂંટે ને તારી પત્ની અગ્નિમિત્રાને દુષ્ટ ઇરાદાથી ઉપાડી જાય, તો પણ તેમાં તારે ખીજાવાનું કે કોપનું કંઇ કારણ ન રહ્યું, ખરું ને?’

સુદ્દાલપુત્ર ગુસ્સાના આવેશમાં આવીને બોલ્યો, ‘ભગવાન એવા દુષ્ટને તો મારું, કાપું. એને કદી જીવતો જવા ન દઉં.’

‘અરે સુદ્દાલપુત્ર, તારો જ સિદ્ધાંત તું કેમ ભૂલે છે? તારા સિદ્ધાંત પ્રમાણે તો ન કોઈ માણસ વાસણ ફોડે છે ને ન કોઈ તારી પત્નીને ઉપાડી જાય છે. તારા મત મુજબ તો કોઈના પ્રયત્ન વિના એ તો બનવાનું બને જાય છે. નિયતિવાદના ઉપાસકને વળી ઉત્થાન, બળ કે પુરુષાર્થની શી ખેવના?’

આ દિવસે સુદ્દાલપુત્રના અજ્ઞાનનાં પડળ દૂર થયાં. એ વીરધર્મને સાચી રીતે સમજ્યો.

Total Views: 558

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.