જગ જન દુઃખ જાય

૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે. ભયંકર પીડા થઇ રહી છે, પણ બધું હસતે મોઢે સહન કરી રહ્યા છે. વિષાદના સાગરમાં ડૂબેલા ભક્તોને સંબોધીને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘હું શું જોઉં છું, કહું? ઈશ્વર જ સર્વ કંઇ થઇ રહ્યો છે! મનુષ્ય અને બધા જીવો જે આ દેખાય છે, તે બધાય જાણે કે ચામડાંથી મઢેલાં, એની અંદરથી ઈશ્વર જ હાથ, પગ, માથું વગેરે હલાવી રહ્યો છે! જેમ એક વાર જોયું હતું કે જાણે કે મીણનું મકાન, મીણનો બગીચો, મીણનો રસ્તો, માણસો, જનાવરો એ બધાંય મીણનાં, બધાં એક જ વસ્તુના બનેલાં! હું જોઉં છું કે ઈશ્વર જ બલિદાન દેનાર થયો છે, એ જ બલિદાનનું વધ્ય પશુ થયેલ છે, ને એ જ બલિદાન દેવાનું શસ્ત્ર થયેલ છે!’ આ શબ્દો બોલતાં બોલતાં તેઓ ભાવમાં વિભોર થઇને બોલી ઊઠ્યા, – ‘અહા! અહા!’ અને ભાવસમાધિમાં ચાલ્યા ગયા.

ઋગ્વેદના ‘પુરુષસુક્તમ્’ માં વર્ણન આવે છે કે સૃષ્ટિકર્તા પરમ પુરુષે આ સૃષ્ટિ માટે કેવું બલિદાન આપ્યું. જગતના કલ્યાણ માટે વારંવાર જગતમાં અવતરણ કરી ઈશ્વર લોકોના દુઃખદર્દ પોતે સહન કરે છે, પોતાના જીવનનું બલિદાન આપે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઇશુખ્રિસ્ત વગેરેના જીવનમાં આપણને આ જ જોવા મળે છે. શ્રીરામકૃષ્ણ-અવતારમાં તો આ બલિદાનની જાણે પરાકાષ્ટા જોવા મળે છે. દિવસ – રાત તેઓ જીવના કલ્યાણમાં મગ્ન રહેતા, જીવનની છેલ્લી ઘડી સુધી લોકકલ્યાણની ચિંતા કરતા રહ્યા, લોકકલ્યાણનું કાર્ય કરતા રહ્યા, પોતાના દેહનું એકએક ટીપું જગતમાં દુઃખ દૂર કરવા માટે નીચોવી દીધું.

શ્રીરામકૃષ્ણદેવે પોતે જ શ્રીમા શારદાદેવીને પોતાના રોગનું તાત્પર્ય સમજાવતાં કહ્યું હતું, ‘આ યાતાના મેં જ ભોગવી લીધી. તમારે કોઈને એ ભોગવવી નહીં પડે. જગતના બધા લોકોના વતી મેં આ ભયંકર યાતના સહી લીધી.’

પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી શ્રીરામકૃષ્ણદેવ જગતનાં દુઃખો દૂર કરવામાં નિરત રહ્યા. તેમના તિરોધાન પછી પણ આ ‘જગ જન દુઃખ જાય’ની પ્રક્રિયા ચાલતી રહે એ માટે શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદજી અને અન્ય શિષ્યોને આ મહાન કાર્ય માટે તૈયાર કરતા ગયા, રામકૃષ્ણ સંઘની પૃષ્ઠ ભૂમિ તૈયાર કરતા ગયા.

એક વાર કાશીપુરમાં બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીને કહ્યું, ‘જુઓ, કલકત્તાના લોકો કીડાઓની માફક અંધકારમાં સબડે છે. તમે એમને સંભાળજો.’ માતાજીએ દલીલ કરતાં કહ્યું, ‘હું તો સ્ત્રી છું. હું કેવી રીતે કરી શકું?’ શ્રીરામકૃષ્ણદેવે પોતાની તરફ આંગળી કરી કહ્યું, ‘આખરે આ શરીરે શું કર્યું છે? તમારે આનાથી વધારે કરવું પડશે.’ શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી હતી, અસંખ્ય લોકો દેશ-વિદેશથી ‘મા’– ‘મા’ કહી તેમની પાસે દોડી આવતા, મનની શાંતિ પ્રાપ્ત કરતા, નવજીવન પામતા. કેટકેટલાય લોકો પોતાના પાપનો બોજો તેમના શ્રીચરણમાં ઢાળી દેતા, મંત્રદીક્ષા આપ્યા પછી અનેક વાર માતાજીને પગમાં ભયંકર બળતરા થતી, ગંગાજીમાં ચરણોને ડૂબાડી રાખવા પડતા, આમ છતાં, તેમના કૃપાના દ્વાર ક્યારેય બંધ ન થયાં. સંસારમાં જેટલા પ્રકારના દુઃખકષ્ટો છે, તે બધાને પોતાના જીવનમાં ભોગવી ‘સહનશક્તિ’નું અદ્‌ભુત ઉદાહરણ તેઓ સંસાર સમક્ષ મૂકી ગયા.

કાશીપુરના બગીચામાં જ શ્રીરામકૃષ્ણદેવે એક વાર સ્વામી વિવેકાનંદજીને – નરેનને પૂછ્યું, ‘તારી શું ઇચ્છા છે?’ નરેને જવાબ આપ્યો, ‘મારી ઇચ્છા છે કે શુકદેવની જેમ દિવસ-રાત સમાધિમાં રહું, ફકત ક્યારેક થોડો સમય માટે સાધારણ અવસ્થામાં આવું જેથી અન્ન ગ્રહણ કરી શરીર ટકાવી રાખી શકું.’ અન્ય કોઈ ગુરુ હોત તો શિષ્યની આવી માગણીથી કેટલા પ્રસન્ન થાત? પણ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘ધિક્કાર છે તને! હું તો સમજ્યો હતો કે તું મહાન વટવૃક્ષ જેવો થઇશ જેની છાયા તળે અસંખ્ય લોકો શાતા પ્રાપ્ત કરશે અને તું માત્ર તારી જ મુક્તિની વાત કરે છે? અરે, સમાધિ કરતાં પણ ઊંચી અવસ્થા છે – તું જ ગીત ગાય છે ને – ‘જો કુછ હૈ સો તૂ હી હૈ!’ બધા પ્રાણીઓમાં એ જ ઈશ્વર – બ્રહ્મસત્તા રહેલ છે. બધા માટે તારું કાર્ય કરવું પડશે.’

એક દિવસ કાશીપુરના બગીચામાં સ્વામી વિવેકાનંદજીને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થયો. થોડા કલાકો આ સ્થિતિમાં રહ્યા પછી તેઓ શ્રીરામકૃષ્ણદેવ પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘હવે તો માએ તને બધું બતાવી દીધું છે. કોઈ પણ ખજાનાને પેટીમાં તાળું વાસીને રાખવામાં આવે છે, એવી રીતે તને હમણાં જ પ્રાપ્ત થયેલી આ અનુભૂતિને પણ તાળું વાસીને રાખવામાં આવશે અને એની ચાવી મારી પાસે રહેશે. તારે જગન્માતાનું કાર્ય કરવાનું છે. જ્યારે તું તે કાર્ય પાર પાડીશ ત્યારે આ તિજોરીનું તાળું ફરી ખોલવામાં આવશે.’ ખરેખર આમ જ બન્યું. કેટલીય વાર સ્વામી વિવેકાનંદજીએ ઊંડી ધ્યાનાવસ્થામાં – તપસ્યામાં લીન રહેવાનો પ્રયત્ન કર્યો. દરેકવાર જાણે કે એક અદૃશ્ય શક્તિના પ્રભાવથી તેઓ લોકકલ્યાણનાં કાર્યોમાં પ્રવૃત્ત થયા. હિમાલયમાં ભ્રમણ કરતાં કરતાં અલમોડા પહોંચ્યા. ત્યાં એક ગુફામાં ઊંડી ધ્યાનાવસ્થામાં મગ્ન રહેવા માગતા હતા પણ લોકકલ્યાણની ભાવનાના પ્રબળ આવેગે તેમને ત્યાંથી જાણે કે બહાર ધકેલી દીધા.

૧૬ ઑગસ્ટ ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવે – મહાસમાધિ લીધી. ભક્તો ઊંડા શોકમાં ડૂબી ગયા. શ્રીમા શારદાદેવીનો શોક કેમેય જતો નહોતો. કાશી, વૃંદાવન વગેરે તીર્થસ્થળોની તેમણે યાત્રા કરી, પંચતપાની તપસ્યા કરી પણ તેમને પોતાના શરીર ધારણ કરવાનો ઉદ્દેશ સમજાતો નહોતો. એક અપૂર્વ દર્શનથી તેમને આ વિશે સ્પષ્ટતા મળી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના ૪થી ૫ વર્ષો પછીની વાત છે. શ્રીમા શારદાદેવી બેલુરમાં નીલામ્બર મુખર્જીના મકાનમાં નિવાસ કરી રહ્યા હતા. (તાજેતરમાં આ મકાન બેલુર મઠની સંપત્તિ બની ગયું છે.) તે દિવસે પૂનમની રાત હતી. બગીચામાંથી ઊતરી ઘાટનાં પગથિયાં પર બેસી માતાજી મુગ્ધ નયને ગંગાની અપૂર્વ શોભા નિહાળતાં હતાં. મન નચિંત હતું. એકાએક તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ ઉતાવળે પગે પાછળથી આવીને ગંગામાં ઊતર્યા અને સાથોસાથ એમનો ચિન્મય દેહ ભાગીરથીનાં પવિત્ર જળમાં ભળી ગયો. એવામાં ક્યાંકથી સ્વામી વિવેકાનંદ આવ્યા અને ‘જય રામકૃષ્ણ’ કહેતા કહેતા બે હાથની અંજલિઓમાં એ બ્રહ્મવારિ લઇને આજુબાજુના અગણિત સ્ત્રીપુરુષો ઉપર છાંટવા માંડ્યાં. માતાજીએ જોયું કે અસંખ્ય લોકો આ પાણીના સ્પર્શથી સદ્યોમુક્તિ પામ્યાં. આ દર્શન એટલી સ્પષ્ટ રીતે એમણે જોયું હતું કે કેટલાક દિવસો સુધી એમની આંખો સામે એ તર્યા કર્યું. તેથી રખેને શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય દેહને પગ અડી જશે તે બીકે તેઓ કેટલાક દિવસો સુધી ગંગામાં ઊતરીને નાહી શક્યાં નહીં. આ અલૌકિક દર્શનથી માતાજીને આ યુગાવતારની લીલા પૂરેપૂરી સમજાઇ અને તેમને વિશ્વાસ બેઠો કે આ લીલાની પુષ્ટિ માટે એમના મનુષ્યદેહ ધારણ કરવામાં પણ સાર્થકતા છે.

સર્વજનોનાં દુઃખો દૂર કરવા માટે, સર્વ જનોની મુક્તિ માટે સ્વામી વિવેકાનંદજીએ પોતાનું સમસ્ત જીવન – પોતાની મુક્તિની ઇચ્છા સુધ્ધાં – જગતકલ્યાણના યજ્ઞકુંડમાં હોમી દીધું, પોતાના અન્ય ગુરુભાઇઓ અને શિષ્યોને પણ પોતાની મુક્તિની પરવા કર્યા વગર, સમષ્ટિમુક્તિ માટે પોતાનું બલિદાન કરવા માટે તેમણે આહ્‌વાન કર્યું. આ મહાયજ્ઞ ચાલતો રહે એ માટે રામકૃષ્ણ સંઘ – સંસ્થાની સ્થાપના કરી. જગતના લોકો પ્રત્યેની તેમની અપાર કરુણા, સમષ્ટિ મુક્તિના આદર્શ માટે સમસ્ત બલિદાન કરવાની તેમની તત્પરતા, રામકૃષ્ણ મિશનરૂપી યંત્ર પ્રારંભ કરવાની પાછળની તેમની વિભાવના, તેમનું અદ્‌ભુત જીવન-દર્શન આ બધું, તેમણે ૯મી જુલાઇ ૧૮૯૭ના રોજ મિસ મૅરી હૅલને લખેલ મહત્ત્વપૂર્ણ પત્રમાં પરિલક્ષિત થાય છે. પોતાના દેહવિલયના ઠીક પાંચ વર્ષો પૂર્વે તેમણે લખ્યું, ‘મને લાગે છે કે મારું કાર્ય પૂરું થયું છે – મારી જિંદગીના બહુ બહુ તો ત્રણ કે ચાર વરસ બાકી રહ્યાં છે. મેં મારી મુક્તિની ઇચ્છાનો સર્વ રીતે ત્યાગ કર્યો છે. સંસારના ભોગોની સ્પૃહા મને કદી પણ થઇ નથી. મારે તો મારી યોજનાઓ રૂપી સંચો બરાબર મજબૂત રીતે કામ કરતો થઇ જાય એ જોવું છે. અને પછી માનવજાતિના કલ્યાણ માટે, ઓછામાં ઓછું. ભારતમાં, જેને કોઈ પણ શક્તિ પાછું હઠાવી ન શકે એવું યત્ર મેં ગોઠવ્યું છે એવી ખાતરી કરીને, પાછળથી શું થશે એની પરવા રાખ્યા વિના હું ચિરનિદ્રામાં પોઢી જવા માગું છું. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઇચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તિ છે. અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની સમષ્ટિરૂપ ઈશ્વરની હું પૂજા કરી શકું અને સૌથી વિશેષ તો સર્વ જાતિઓ અને સર્વ જીવોના દુષ્ટોમાં રહેલો, દીન-દુઃખિયાઓમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વિશેષ પૂજાનો વિષય છે.

‘સમષ્ટિ મુક્તિ માટે આહ્‌વાન કરતાં તેમણે કહ્યું હતું, ‘દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે શૂરવીર ને શ્રેષ્ઠમાં યે સર્વ શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની જરૂર છે.’

જગતનાં દુઃખોથી વિચલિત થઇને ભગવાન બુદ્ધના કરુણાપૂર્ણ હૃદયે સ્વામી વિવેકાનંદજીએ હાકલ કરી હતી, ‘જાગો, ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુઃખમાં બળી રહી છે, તમારાથી સૂઇ રહેવાય કે? ચાલો સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવ જવાબ ન આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું?’

આજે પણ સમસ્ત જગત દુઃખથી બળી ઝળી રહ્યું છે. લાખો લોકો ગરીબીમાં સબડી રહ્યા છે, દરરોજ હજારો લોકો ખાધાપીધા વગર મરી જાય છે. જેઓ જાહોજલાલીમાં રાચી રહ્યા છે તેઓ પણ કંઇ સુખી નથી, કેટકેટલાય પ્રકારના શારીરિક અને માનસિક રોગોથી તેઓ પીડાઇ રહ્યા છે. મનની અશાંતિથી બેબાકળા થઇ દરરોજ લગભગ દોઢ હજાર લોકો આત્મ-હત્યા કરી રહ્યા છે. કૅન્સર, એઇડ્ઝ જેવા રોગોથી લોકો ભયભીત બની રહ્યા છે, વિશ્વયુદ્ધ ભલે ગમે તેવી રીતે પાછળ ઠેલવામાં આપણે સફળ થયા હોઇએ, પણ અણુશસ્ત્રોનો ખડકલો તો વધી જ રહ્યો છે, યુદ્ધના ભણકારા સતત વાગી રહ્યા છે, ત્રાસવાદ નિત નવા વિકરાળ સ્વરૂપે પ્રકટ થઇ રહ્યો છે, કેટલાક દેશોમાં સૈનિકો દ્વારા નારીઓની સતામણી બિહામણું સ્વરૂપ ધારણ કરી રહી છે. નિમ્ન વર્ગ ગરીબી અને નિરક્ષરતાને કારણે શોષિત થઇ રહ્યો છે, મધ્યમ વર્ગ મોંઘવારીની ભીસમાં ચગદાઇ રહ્યો છે તો ઉચ્ચ વર્ગ જડવાદિતારૂપી રાક્ષસની લપેટમાં આવી જઇ પોતે જ દુઃખરૂપી આગમાં પડી જઇ ભસ્મીભૂત થઇ રહ્યો છે. આબાલ-વૃદ્ધ સૌ ટૅન્શનમાં જીવી રહ્યા છે. ચારે તરફ જાણે દુઃખનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. માનવજાતના સદાયના ત્રણ શત્રુઓ – રોગ, ઘડપણ અને મૃત્યુ – નવાં નવાં રૂપો ધારણ કરી માનવ જાતને પીડા આપી રહ્યા છે.

આપણા મનમાં પ્રશ્ન ઊઠે છે – ‘શું ક્યારેય આ બધાં દુ:ખોનો અંત નહિ આવે?’ ઘણા લોકો એમ માને છે કે જગત પ્રગતિ કરી રહ્યું છે, ધીરે-ધીરે સુખની માત્રા વધતી જશે અને દુઃખની માત્રા ઘટતી જશે અને એક દિવસ એવો આવશે જ્યારે દુઃખ સંપૂર્ણ રીતે જતું રહેશે અને કેવળ સુખ જ સુખ રહેશે. આ કલ્પના અત્યંત મનોહર છે. પણ સ્વામી વિવેકાનંદજી ‘કર્મયોગ’માં સમજાવે છે કે ખરેખર તો આવું નથી. સુખ જો સરવાળાકારે વધે છે તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસાં છે, સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે. સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં ‘સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે.’ જે સુખને આવકારે છે તેણે દુઃખને પણ આવકારવું પડશે.

આ સંબંધમાં એક મજાની વાર્તા છે. એક વાર સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, ‘તમારા રાજ્યમાં કોઈ પણ ગરીબ ન હોવા જોઈએ, કોઈ પણ દુઃખી ન હોવા જોઈએ. તમારી પાસે તો અઢળક ખજાનો છે, બધાને પૂરતું ધન આપી દો.’ રામચંદ્રજીએ કહ્યું, ‘તથાસ્તુ’. બીજે દિવસે રાજ્યનો ખજાનો સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યો, બધા લોકો માલામાલ થઇ ગયા. બધા પોતપોતાનો કામધંધો છોડીને આનંદ-પ્રમોદમાં મગ્ન થઇ ગયા. વરસાદના દિવસો આવ્યા. લોકોનાં મકાનોની છતમાંથી પાણી આવવા માંડ્યું. પણ મરામત કેવી રીતે કરવી? કડિયા તો બધા ધનવાન બની ગયા હતા! કોઈને કડિયા ન જડ્યા. રાજમહેલમાં પણ આ જ સમસ્યા – કડિયા જડતા નથી. છેવટે સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, ‘પહેલાં જેવું કરી દો, આમ તો કેવી રીતે જીવાય?’ રામચંદ્રજીએ હસતાં – હસતાં કહ્યું – ‘તથાસ્તુ’ ફરી જેમ હતું તેમ થઇ ગયું. વાર્તાનો મર્મ એ છે કે માયાના સાપેક્ષ જગતમાં -સ્થળ-કાળ અને કારણની સીમાની અંદ-આ દ્વંદ્વો – સુખ-દુઃખ, દિવસ-રાત, સારું-નરસું રહેવાનાં જ.

‘કર્મયોગ’માં સ્વામી વિવેકાનંદજી કૂતરાની વાંકી પૂંછડી અને ભૂત વિશેની વાર્તા દ્વારા સમજાવતાં કહે છે, ‘આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. સેંકડો વરસ થયા લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે, પણ જ્યારે એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાકું થાય છે.’

‘તો શું જગતનાં દુ:ખો દૂર કરવાના પ્રયત્નો છોડી દેવાના?’ આ પ્રશ્નના જવાબમાં સ્વામીજી કહે છે કે ના, આપણે પ્રયત્નો તો ચાલુ જ રાખવાના કારણ કે કૂતરાની પૂંછડી સીધી કરવા જતાં આપણે સીધા થઇ જઇએ છીએ, અન્યની નિઃસ્વાર્થ સેવા કરવા જતાં આપણો અહંકાર નિર્મૂળ થાય છે, આપણે મુક્તિ તરફ પ્રયાણ કરીએ છીએ.

સ્વામી વિવેકાનંદજીએ પોતે માનવજાતના શારીરિક માનસિક બધા પ્રકારનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નો કરવા માટે હાકલ કરી, એટલું જ નહિ તેનું વ્યાવહારિક ઉદાહરણ રજૂ કરવા તેમણે પોતે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અનેક પ્રકારનાં સેવા કાર્યો- રાહત કાર્યો, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો વગેરેનો પ્રારંભ કર્યો.

આમ છતાં તેમણે કહ્યું કે માનવજાતનાં સર્વ દુઃખોનો અંત તો ત્યારે જ આવે કે જ્યારે બધા જ મુક્તિ પ્રાપ્ત કરે. આ વાત સમજાવતાં તેમણે કહ્યું, ‘જગતનાં દુઃખ માત્ર શારીરિક મદદથી દૂર થઇ શકતા નથી. માણસનો સ્વભાવ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આ શારીરિક જરૂરિયાતો હંમેશાં પેદા થવાની અને દુઃખની પીડા રહેવાની. ગમે એટલી શારીરિક સહાય કરવામાં આવે તો પણ એ પૂરેપૂરી મટવાની નહીં. માનવજાતને પવિત્ર બનાવવી એ એક માત્ર ઉપાય છે. અજ્ઞાન એ સર્વ અનિષ્ટનું અને આપણે જોઈએ છીએ તે સર્વ દુઃખોનું મૂળ છે. માનવીને જ્ઞાનનો પ્રકાશ, પવિત્રતા, આધ્યાત્મિક શક્તિ અને સાચી કેળવણી મળે તો જ જગતની પીડા શમશે. આપણે ગરીબો માટે દરેક ઘરને આશ્રયસ્થાન બનાવીએ અને ઠેકાણે ઠેકાણે હૉસ્પિટલો ઊભી કરીએ તો પણ જ્યાં સુધી માણસનું જીવન પરિવર્તન ન પામે, તેને સારી ટેવો ન પડે, ત્યાં સુધી દુઃખ દૂર કેમ થાય?’

સર્વ જનોનાં દુઃખો હંમેશાં માટે દૂર થાય તે માટે સર્વજનોની મુક્તિ- ‘સર્વમુક્તિ’ માટે સ્વામી વિવેકાનંદજી કેટલા પ્રયત્નશીલ હતા તે તેમના પત્રો-વાર્તાલાપો વાંચવાથી જાણવા મળે છે. એક વાર પોતાના શિષ્ય શ્રી શરત્ ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, ‘જે આધ્યાત્મિક અભ્યાસ કે અનુભવ બીજાને લાભદાયી નથી થતો, અજ્ઞાન અને ભ્રમમાં ડૂબેલા લોકોનું કલ્યાણ નથી કરતો, કામ અને કાંચનની જાળમાંથી તેમને મુક્ત કરવામાં મદદરૂપ નથી બની શકતો તે શા કામનો? શું તમે એમ માનો છો કે જ્યાં સુધી એક પણ જીવ બદ્ધ છે, ત્યાં સુધી તમને મુક્તિ મળશે? જ્યાં સુધી તે મુક્ત ન થઇ જાય – પછી તેને ભલે ઘણા જન્મો લાગે – ત્યાં સુધી તમારે તેને મદદ કરવા અને બ્રહ્મસાક્ષાત્કાર કરાવવા જન્મ લેવો જ પડશે.’ સ્વામીજીના આ શબ્દો સાંભળી શરત્ ચક્રવર્તી અચરજથી બોલી ઊઠ્યા – ‘સ્વામીજી! બધાની મુક્તિ વિના એકેય વ્યક્તિની મુક્તિ ન થઇ શકે એ એક અતિ જબરદસ્ત વિધાન છે! આવું અદ્‌ભુત વિધાન મેં કદી સાંભળ્યું નથી!’ સ્વામીજીએ જવાબમાં કહ્યું, ‘વૈદાંતીઓનો એક વર્ગ આ મત ધરાવે છે. તેઓ એમ કહે છે કે વ્યક્તિની મુક્તિ તે સાચો અને સંપૂર્ણ મોક્ષ નથી. પણ સર્વવ્યાપી અને સામુદાયિક મોક્ષ તે જ મુક્તિ છે. બેશક એ મતમાં ગુણ અને દોષ બન્ને બતાવી શકાય…. પરંતુ જે એમ માને છે કે પોતે આખા વિશ્વને પોતાની સાથે મુક્તિમાં લઇ જશે તેના હૃદયની મહત્તા કેવી હશે તેનો તો જરા ખ્યાલ કરો!’

એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં પોતાના ગુરુભાઈઓને સ્વામી વિવેકાનંદજીએ લખ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણનું સાચું સંતાન એ છે કે જે બધાં પ્રાણીઓ પ્રત્યે દયાળું છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વહોરીને પણ જે તેમને માટે શ્રમ કરે છે! ‘ઈતરે કૃપણાઃ’ ‘બીજાઓ પામર છે.’ આ આધ્યાત્મિક જાગૃતિની તક વખતે જે હિંમતભેર ઊભો થશે અને ઘેરઘેર ગામડે ગામડે શ્રીરામકૃષ્ણનો સંદેશ પહોંચાડશે તે જ મારો ભાઈ છે અને શ્રીરામકૃષ્ણનું સંતાન છે. શ્રીરામકૃષ્ણનો જે બાળક હોય તે પોતાનું વ્યક્તિગત કલ્યાણ ઈચ્છતો નથી એ તેનું પારખું છે.’

આવું વિશાળ હૃદય ધરાવતા સ્વામી વિવેકાનંદજીએ ભાવના આવેગમાં ચિરકાળ સુધી જગત માટે પ્રેરણારૂપ બની રહે તેવી રીતે કહ્યું હતું – ‘એવું કદાચ બની શકે કે આ દેહને હું જૂના વસ્ત્રની માફક ત્યાગી દઉં, પણ હું અવિરત કાર્ય કરતો રહીશ. જ્યાં સુધી સમસ્ત માનવજાત દિવ્યતાને પામે નહીં ત્યાં સુધી સૌને પ્રેરણા આપતો રહીશ.’

જગતનાં સમસ્ત દુઃખો સદાય માટે દૂર કરવા માટે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીનું આગમન આ જગતમાં થયું છે. દરેક દેશના, દરેક ધર્મના, દરેક સંપ્રદાયના લોકો માટે મુક્તિના દ્વારા ખોલવા માટે તેઓનો આવિર્ભાવ થયો છે.

ઈશ્વરના ચરણોમાં શરણ લેવાથી મુક્તિનો માર્ગ વધુ સરળ બને છે. સ્વામી વિવેકાનંદજી સમસ્ત જગતના લોકોને ઈશ્વરના ચરણોમાં શરણ લેવાનું જાણે કે આહ્‌વાન આપતાં શ્રીરામકૃષ્ણ ‘આરાત્રિકમ્’ની આઠમી કડીમાં કહે છે –

સંપદ તવ શ્રીપદ, ભવ ગોષ્પદ વારિ યથાય ।
પ્રેમાર્પણ સમ દરશન, જગ – જન – દુઃખ જાય ॥

‘તમારા શ્રીચરણ અમારી સંપદા છે. તેથી ભવસાગર ગોષ્પદ સમાન છે. તમે સમદૃષ્ટિથી સૌને પ્રેમ આપો છો, જેથી જગતના લોકોનાં દુઃખ દૂર થાય છે.’

પોતાની રીતે શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશમાંથી પ્રેરણા લઈ સમસ્ત જગતના સૌ લોકો – સર્વ ધર્મોના અનુયાયીઓ પોતપોતાના ધર્મનું પાલન કરી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે, મુક્તિ મેળવે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવે એ જ અભ્યર્થના. ૐ શાંતિઃ શાંતિ: શાંતિ:

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.