મને અમુક વસ્તુ નહીં પણ બીજી વસ્તુ મળો એવી પ્રાર્થના ઇશ્વરને કદી કરો નહીં. બધું ઇશ્વર પર છોડી દો. બધાં ધર્મશાસ્ત્રો એ જ કહે છે અને તે ઉચિત પણ છે. પણ એ માનવાનું માણસને મુશ્કેલ લાગે છે. આપણે મોઢેથી તો એમ કહ્યા કરીએ છીએ કે, ‘હે ભગવાન, બધી વસ્તુ તારી જ છે, તારો મહિમા અપાર છે,’ પણ હૃદય કોઈ ને કોઈ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખીને તે મેળવવા માટે જ પ્રાર્થના કરે છે.
આપણી બુદ્ધિ ઇશ્વરની લીલાઓને કેવી રીતે સમજી શકવાની હતી? કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ ખરાબ એ આપણે કેવી રીતે જાણી શકવાના હતા? એથી બધું ઇશ્વર ૫૨ જ છોડવામાં આપણું હિત રહેલું છે આમ છતાં, આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ તે જ રીતે ભગવાનને પણ આપણાં સુખદુઃખ જણાવીએ તો એમાં કશું ખોટું નથી. એ જ સ્વાભાવિક છે, ઉચિત છે. જે રીતે પતિપત્ની પરસ્પર દિલ ખોલીને વાત કરે છે એ જ રીતે પ્રાર્થના દ્વારા આપણા સ્વામી ભગવાનની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. આપણે દિવસમાં ઓછામાં ઓછું એક વાર પણ પ્રાર્થના દ્વારા પ્રભુની સાથે વાત કરીએ, ખેલીએ અને આપણા હૃદયની ભાવનાઓ વ્યક્ત કરીએ, તો આપણું મન પવિત્ર થશે અને વાણી મધુર થશે, એમાં શંકા નથી.
કોઈકે શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘પ્રાર્થના કેવા પ્રકારની હોવી જોઈએ – મૌનપૂર્વકની કે મોટા સાદવાળી?’
શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો, ‘જેની જેવી ઈચ્છા હોય તેવી પ્રાર્થના તે કરી શકે છે. ઇશ્વર તો એક કીડીનો પણ ચાલવાનો અવાજ સાંભળે છે. બહુ ધીરેથી રુઓ તોય તે સાંભળી તો લે જ.’
‘પ્રાર્થનાથી કશો ફાયદો થાય છે ખરો?’
‘હૃદયપૂર્વકની હોય તો પ્રાર્થના જરૂર ફાયદાકારક થાય છે. મોઢેથી આપણે કહીએ છીએ, ‘અમે તારે શરણે આવ્યા છીએ, તું ચાહે તે કર’ અને તે જ વખતે મન કોઈ ને કોઈ બીજી વસ્તુમાં પરોવાયેલું રહે તો એવી પ્રાર્થના ઢોંગ છે. પ્રાર્થના કરતી વખતે પોતાની જાતને છેતરો નહીં. ઇશ્વરને જૂઠી વાત ન કહો. પવિત્ર વિચારો સાથે પ્રાર્થના કરો. તે તમારી પ્રાર્થના અવશ્ય સાંભળશે. ઇશ્વરને તમારા પર ઘણો જ પ્રેમ છે. પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કર્યા પછી બધું તેના પર છોડી દો. ચિંતા દૂર કરો.
‘જ્યાં સુધી જહાજમાં હોકાયંત્ર બરાબર કામ આપતું હોય ત્યાં સુધી કશી ચિંતાને માટે કારણ નથી હોતું, હોકાયંત્રનો કાંટો હમેશાં ધ્રુવ તરફ જ રહે છે. એથી દિશાઓમાં ભૂલ નથી થતી. એ જ રીતે આપણું ચિત્ત ઇશ્વરમાં લાગેલું રહે તો આપણી જીવનનૌકા સુખરૂપ પાર ઊતરી જશે.
‘સામાન્ય માણસો મંદિરમાં જઈ પૂજા કરીને ભક્તિ અને શાંતિ મેળવે છે તેમ તમારાથી નથી બની શકતું એ વાતની ચિંતા ન કરો. ઇશ્વરને કહો, પ્રાર્થના કરો, ‘હું તારું રૂપ સમજી નથી શકતો. તું નિરાકાર છે કે સાકાર એ હું નથી જાણતો, પણ મારા પર દયા કર.’ ઇશ્વર ખસૂસ તમારી રક્ષા કરશે. દુનિયામાં ઇશ્વર સમાન તમારી ચિંતા કરનાર બીજું કોઈ છે જ નહીં.
‘તે હંમેશાં તમારી રક્ષા કરતો આવ્યો છે. તમારે માટે શું સારું શું ખરાબ છે એ તે જાણે છે. એકદિવસ તે ખસૂસ તમને દર્શન દેશે. છેવટને વખતે પણ દઈ શકે. પ્રાર્થના કદી ન છોડો. તમારાં સુખદુઃખ સાંભળનાર ઇશ્વર જેવા બીજા કોઈ તમને નહીં મળે. ઇશ્વર સાથે કરવાની વાતચીતને જ પ્રાર્થના કહેવામાં આવે છે. મૌન રાખવું સામાન્ય માણસને માટે અસંભવિત છે.’
(‘રામકૃષ્ણ ઉપનિષદ’માંથી સંકલિત)
Your Content Goes Here