સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીના ભાગરૂપે કલકત્તાના દેશબંધુ પાર્ક ખાતે ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ એક વિશાળ જાહેરસભા યોજાઇ હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પ્રેરક આશીર્વચન પાઠવ્યા હતા તે વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

આ યુગમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનો આવિર્ભાવ એક ઐતિહાસિક ઘટના છે. તેમનાં જીવન અને ઉપદેશો ફકત ભારત વર્ષ માટે જ નહિ, પણ સમગ્ર સંસારના કલ્યાણનો પંથ બતાવનાર હતા. તેઓનું સમગ્ર જીવન બીજાના હિત માટે સમર્પિત હતું. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ચરણોમાં બેસીને સ્વામી વિવેકાનંદજીએ જે શિક્ષણ મેળવ્યું હતું એ જ એમણે પાછળના જીવનમાં આખી દુનિયામાં દૃઢરૂપે પ્રતિષ્ઠિત કર્યું. શ્રીરામકૃષ્ણના અંતર્ધાન – મહાસમાધિ પછી સમગ્ર ભારતમાં ભ્રમણ કરવાના સમયગાળામાં ભારતમાતાની દૈન્ય – દુર્દશાગ્રસ્ત અવસ્થાએ અને કુસંસ્કારોથી વ્યાપ્ત ધર્મના વિકૃત રૂપે તેમના મનને વ્યથિત કરી મૂક્યું હતું. કન્યાકુમારીના એ છેલ્લા શિલાખંડ પર ધ્યાનાવસ્થામાં તેમણે ભારતના ગૌરવશાળી ભૂતકાળને, હીનદશા પ્રાપ્ત વર્તમાનને અને સંભાવનાઓથી પૂર્ણ ભવિષ્યને પ્રત્યક્ષ કર્યો હતો. અહીં જ તેમને શિકાગોની ધર્મમહાસભામાં સહભાગી થવાની પ્રેરણા મળી. એ મહાસભામાં પ્રથમ દિવસની ઉપસ્થિતિથી જ તેઓ એક શ્રેષ્ઠ પુરુષના રૂપમાં વિખ્યાત થયા. ત્યાં તેમણે કેવળ વેદાન્તધર્મનો જ પ્રચાર નથી કર્યો પણ બધા ધર્મોની દુર્બળતાને દૂર કરીને તેમના પરસ્પર સમન્વય સાધન દ્વારા વિશ્વમાં શાશ્વત શાંતિના માર્ગનો નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું : ‘વિવાદ નહિ, સહયોગ; વિનાશ નહિ, પરસ્પર ભાવગ્રણ; મતોનો ઝઘડો નહિ, પણ સમન્વય અને શાંતિ.’ વિવિધ દેશોનું ભ્રમણ કરીને સ્વામીજીએ જોયું હતું કે જેવી રીતે ભારતમાં અન્નનો અભાવ છે તેવી રીતે જ પશ્ચિમી દેશોમાં સાચી આધ્યાત્મિકતાનો અભાવ છે. પશ્ચિમી લોકોનું જ્ઞાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિદ્યા, મનુષ્યોને દૈહિક સુખ, સ્વચ્છંદતા વગેરે ભલે આપી શકે પણ જો એનો સુયોગ્ય ઉપયોગ ન થાય તો એ જ સંપૂર્ણ વિશ્વ અને માનવ સભ્યતાના વિનાશનું કારણ બનશે. અને માટે જરૂર છે પૂરી વિચારશક્તિથી યુક્ત મનુષ્યોની કે જે એ પ્રૌદ્યોગિકી વિદ્યાનો યથોચિત કલ્યાણકારી ઉપયોગ કરી શકે. ફકત સાચો ધર્મ જ મનુષ્યને એવી ચેતના આપી શકે. એટલે સ્વામીજી પ્રાચ્ય લોકોના ઉદાર ધર્મભાવને પાશ્ચાત્ય લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં લાવવા ઇચ્છતા હતા. પૂર્વીય લોકોની આધ્યાત્મિક સંપત્તિ સાથે પશ્ચિમી લોકોની ઐહિક શિક્ષા – સંસ્કૃતિનો સમન્વય કરવા માગતા હતા. ભારત પશ્ચિમને પોતાનું આધ્યાત્મિક ઐશ્વર્ય આપીને બદલામાં તેની પાસેથી ઐહિક સંપત્તિ અને યંત્રવિદ્યા તથા વિજ્ઞાનનું શિક્ષણ મેળવશે. આ બન્નેનો સમન્વય ફકત બે જ સભ્યતાઓને સમૃદ્ધ નહિ કરે, પણ એક નવી સભ્યતાનું નવી સંસ્કૃતિનું, નવા અધ્યાત્મવાદનું નિર્માણ થશે, જે સંસારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે. શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને પોતાની બધી શક્તિ આપીને તેનામાં જે જાગૃતિ આણી હતી એનો જ પ્રથમ ઉન્મેષ જાણે કે આ વિશ્વ મહાસભામાં થયો હતો. સ્વામીજીએ ભારતના શાશ્વત શાંતિના સંદેશનો પ્રચાર કર્યો હતો. ભારતની ચિરંતન પરંપરા અને મહિમાને અભિવ્યક્ત કર્યો હતો. સ્વામીજીના આ કલ્પનાતીત સાફલ્યે ભારતવર્ષના લોકોની અંદર એક શક્તિમય અનુભૂતિ લાવી આપી. આ અનુભૂતિએ નિદ્રિત ભારતને એક નવી પ્રેરણા આપી. એથી આત્મવિશ્વાસનો એક નવો પંથ ઉઘાડી આપ્યો. ભારતમાં સ્વામીજીના પુનરાગમને આ પ્રેરણાને વધુ ગતિશીલ બનાવીને બધી જડતાને દૂર કરીને રાષ્ટ્રને નવા ભારતના નિર્માણના મહામંત્રથી જાગ્રત કરી દીધું. ખરી રીતે શિકાગો ધર્મસભામાં એમના અભૂતપૂર્વ સાફલ્ય તથા યુરોપ અને અમેરિકામાં તેમના ભારે પ્રભાવથી ભારતવાસીઓના મનમાં જે ગર્વ અને આત્મવિશ્વાસ સંચારિત થયો હતો, એને જ પરિણામે ભારતમાં વાસ્તવિક રાષ્ટ્રીય જાગરણનો પ્રારંભ થયો હતો. પરાધીન ભારતે સ્વતંત્રતાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું હતું. સ્વામીજી કોલંબોથી દક્ષિણ ભારતની યાત્રા કરતાં, ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ કલકત્તા પાછા ફર્યા. તે સમયનાં પોતાનાં ભાષણોમાં તેમણે ભારતવાસીઓને ઉત્સાહિત અને સ્વગૌરવમાં પ્રતિષ્ઠિત કરવા માટે આગ ઝરતી ભાષામાં આપણા ધર્મગત કુસંસ્કારો અને દુર્બળતાઓનો ફિટકાર કર્યો. દેશના પતનનું મુખ્ય કારણ છે ચારે બાજુ છવાયેલા કુસંસ્કારોનું મોટું જાળું! બીજાને પ્રેરણા આપીને એનાથી દૂર કરી, પોતાની ઉન્નતિ તો કદિ સંભવ નથી. સ્વામીજી વિભિન્ન રાષ્ટ્રો વચ્ચે આદાનપ્રદાન, ભાવવિનિમય અને ઉપયોગિતાના આદર્શમાં વિશ્વાસ રાખતા હતા. કેટલાક લોકો પોતાને સ્વયં કાર્યમાં લાવવા કશો પ્રયાસ કરતા નથી; ઊલટું બીજાનું અનુકરણ કરીને શ્રેષ્ઠ થવાની ચેષ્ટા કરે છે. સ્વામીજીએ આ પરાનુકરણનો તીવ્ર ભાષામાં ધિક્કાર કર્યો છે.

આપણો ધર્મ ઉદાર છે, એમાં કોઈ સંદેહ નથી પણ વસ્તુતઃ સામાજિક જીવનમાં મોટી સ્વાર્થ બુદ્ધિ છે. જાતિ પાંતિ અને ગરીબો તરફ બળવાનોના અત્યાચારે સમાજ જીવનને યુગોથી કલુષિત કરી મૂક્યું છે. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘શિવજ્ઞાનથી જીવસેવા.’ શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના દ્વારા સ્વામીજીએ તેમના એ સંદેશને કાર્યમાં પરિણત કર્યો. સ્વામીજીની ધર્મભાવનાએ અહીં એક નવી દિશા ખોલી દીધી છે. તેઓ જાણતા હતા કે ‘દરિદ્ર વ્યક્તિની ઝૂંપડીમાં જ રાષ્ટ્ર જીવન સ્પંદિત થઇ રહ્યું છે.’ પરિવ્રાતજક જીવનમાં ઊંચ નીચ, શિક્ષિત-અશિક્ષિત- બધી કક્ષાઓના મનુષ્ય સાથે મળીને તેમણે એ જાણી લીધું હતું કે ભારતને જો જાગવું હશે તો સર્વ પ્રથમ ગરીબી, અશિક્ષા, કુશિક્ષા અને ધાર્મિક કુસંસ્કારોને મૂળમાંથી ઉખેડી ફેંકવા પડશે અને જેમણે પોતાનું લોહી રેડીને દેશની રક્ષા કરી છે, પણ યુગોથી જે ફકત અવગણના અને લાંછના સહીને જીવી રહ્યા છે, તેમના પ્રાણોમાં સૌ પહેલાં સુશિક્ષા દ્વારા શક્તિ, સાહસ અને આત્મવિશ્વાસ જગાવવો પડશે, જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે. સ્વામીજી જાણતા હતા કે તેમની ઉન્નતિથી જ ભારતની બધા પ્રકારે ઉન્નતિ થશે. સ્વામીજી કેટલાંક ક્ષેત્રોમાં પ્રગતિ કરતા હોવા છતાં આપણે આજ પણ કેટલાક વિષયોમાં આત્મનિર્ભર થઇ શક્યા નથી. અશિક્ષા અને કુશિક્ષાનો પ્રભાવ આજે પણ સમાજને કલુષિત કરી રહ્યો છે. આજ પણ વિભિન્ન દેશો વચ્ચે સંઘર્ષ, રક્તપાત, હિંસા અને વિભિન્નતાવાદ આપણને ભયભીત કરી રહ્યા છે. એવી હિંસા અને દ્વેષથી પાગલ બનેલા આ સંસારમાં શાંતિ લાવવા માટે આપણને સ્વામીજીની વિશેષ આવશ્યકતા છે, તેમના જીવનનો આદર્શ જ માનવને મુક્તિનો સાચો માર્ગ દેખાડશે. આપણામાં જે મલિનતા અને દુર્બળતા છે, એને દૂર કરવી પડશે. અન્ય સંસ્કૃતિઓમાં જે શ્રેષ્ઠ અને ઉપયોગી તત્ત્વ છે. તેને અવશ્ય ગ્રહણ કરવું પડશે. એ બન્નેના સંમિલનથી જ રાષ્ટ્રની ઉન્નતિ થશે અને મહિમાન્વિત ભારતનો પુનઃ આવિર્ભાવ સંભવ થશે. સ્વામીજી કલકત્તાના યુવકો પર વિશેષ ભરોસો રાખતા હતા અને તેમનો વિશ્વાસ હતો કે આશિષ્ઠ, દૃઢિષ્ઠ, બલિષ્ઠ મેધાવી યુવકો દ્વારા જ માતૃભૂમિનું પુનર્ગઠન સંભવ થશે. સો વરસ પહેલાં કલકત્તાના અભિનંદનના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું હતું : ‘હે કલકત્તાવાસી યુવકવૃંદ! હૃદયમાં એ ઉત્સાહની જ્વાળા સળગાવીને જાગી ઊઠો….ભય જ સમસ્ત જગતના દુ:ખનું મૂળ કારણ છે, ભય જ સૌથી મોટો કુસંસ્કાર છે. નિર્ભય થતામાં એક ક્ષણમાં જ સ્વર્ગ પણ આવિર્ભૂત થાય છે. તેથી જ ‘ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્તિબોધત – ઊઠો, જાગો અને જ્યાં સુધી અભીપ્સિત લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ તેઓ માનતા હતા કે કલકત્તામાંથી જ સેંકડો હજારો યુવકો નીકળી આવશે કે જેઓ ભારત-આત્માની અમરવાણીનો સમગ્ર વિશ્વમાં પ્રચાર કરશે, જગતમંચ પર ફરી ભારતને શ્રેષ્ઠ આસને બેસાડશે. સ્વામીજીએ દિવ્ય દૃષ્ટિએ જોયું હતું : ‘ભારત ફરી ઊઠશે પણ જડની શક્તિથી નહિ, ચૈતન્યની શક્તિથી; વિનાશનો વિજયધ્વજ નહિ, શાંતિનો અને પ્રેમનો ધ્વજ લઇને’ સ્વામીજીના શુભાશીર્વાદ બધા પર વરસો અને તેઓ આપણા મનમાં એવી શક્તિ અને સાહસ ભરી દે કે તેમના નિર્દેશને કાર્યમાં પરિણત કરીને આપણે નવા સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ.

કલકત્તાના દેશબંધુ પાર્કમાં, સ્વામીજીના કલકત્તા પુનરાગમનના ઉપલક્ષ્યમાં એક સભાનું આયોજન થયું છે, એ જાણીને મને ખૂબ આનંદ થયો. આ સભા પૂર્ણ રીતે સફળ થાય, એ જ પ્રાર્થના કરું છું.

ભારતના લોકો, વિશેષતઃ યુવકગણ અહીં સ્વામીજીના જીવન અને વાણીથી પ્રેરણા પ્રાપ્ત કરશે એવો મારો વિશ્વાસ છે. ઉપસ્થિત બધાને મારી આંતરિક શુભકામનાઓ.

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 25
By Published On: April 1, 1997Categories: Bhuteshananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram