સાચું સુખ
પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ પડે છે કે ખરું સુખ સ્વાર્થવૃત્તિના ત્યાગમાં રહેલું છે, અને પોતા વિના અન્ય કોઈ તેને સુખી બનાવી શકે નહીં.
ખરેખર સુખી આ જગતમાં કોઈ નથી. જો માણસ ધનિક હોય અને એની પાસે પુષ્કળ ખાવાનું હોય તો એની પાચનક્રિયા બરાબર નથી હોતી, અને એ ખાઈ શકતો નથી; માણસની પાચનશક્તિ જો ભસ્મક રોગ જેવી હોય, તો તેની પાસે મોંમાં મૂકવા માટે કશું હોતું નથી. જો એ પૈસાદાર હોય, તો કાં તો તેને બાળક હોતું નથી. જો માણસ ભૂખે મરતો ગરીબ હોય, તો એને ઘેર બાળકોની મોટી ફોજ હોય છે તથા એમને શું ખવડાવવું તે એને સમજાતું નથી હોતું. આમ શા માટે છે? કારણ કે સુખ અને દુઃખ એ એક જ સિક્કાની ઊલટી અને સૂલટી બાજુઓ છે. જે સુખને સ્વીકારે તેણે દુ:ખને પણ સ્વીકારવું જ જોઈએ. દુઃખ વગરનું સુખ આપણે મેળવી શકીએ એવો મૂર્ખાઈભર્યો ગાંડો વિચાર આપણા સહુમાં ઘર કરી રહેલો છે; આ વિચારે આપણને એટલા બધા ભરખી લીધા છે કે ઇન્દ્રિયો પર આપણો કાબૂ રહેતો જ નથી.
દરેક સુખ પછી દુઃખ આવે છે, પછી તે ઘણા દૂર દૂર હોય કે પાસે પાસે. આત્મા જેમ વધારે વિકસેલો, તેમ સુખદુઃખ પણ એક પછી એક વધુ ઝડપથી આવે છે. ‘આપણે જે ઈચ્છીએ છીએ તે તો સુખ પણ નથી તેમ જ દુ:ખ પણ નથી.’ આ બંને આપણને આપણો સાચો સ્વભાવ ભુલાવી દે છે. બંને બેડીઓ છે – એક લોઢાની તો બીજી સોનાની છે. એ બંનેની પાછળ આત્મા રહેલો છે, જે નથી જાણતો સુખ કે નથી જાણતો દુઃખ.
સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે. જે સુખને આવકારે છે તેણે દુઃખને પણ આવકારવું પડશે.
જીવન સાથે જ્યારે હું એક બનું ત્યારે જ મૃત્યુ મરી જાય છે; સુખ સાથે જ્યારે હું તદાકાર બનું છું ત્યારે દુઃખ દૂર થાય છે. જ્યારે હું જ્ઞાન સાથે તદાકાર બનું ત્યારે જ સર્વ ભૂલો નષ્ટ થઈ જાય છે.
જગતમાં દુઃખ માત્ર શારીરિક મદદથી દૂર થઈ શકતાં નથી. માણસનો સ્વભાવ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આ શારીરિક જરૂરિયાતો હંમેશાં પેદા થવાની અને દુઃખની પીડા રહેવાની. ગમે તેટલી શારીરિક સહાય કરવામાં આવે તો પણ એ પૂરેપૂરી મટવાની નહીં. માનવજાતને પવિત્ર બનાવવી એ એકમાત્ર ઉપાય છે. અજ્ઞાન એ સર્વ અનિષ્ટનું અને આપણે જોઈએ છીએ તે સર્વ દુઃખોનું મૂળ છે. માનવીને જ્ઞાનનો પ્રકાશ, પવિત્રતા, આધ્યાત્મિક શક્તિ અને સાચી કેળવણી મળે તો જ જગતની પીડા શમશે.
-સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદની અભયવાણી’ પૃ. ૧૯૭-૨૦૧માંથી સંકલિત)
Your Content Goes Here