વિશ્વ વિખ્યાત વક્તા સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘Practical Vedanta and the science of values’નું ગુજરાતી ભાષાંતર શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે, જે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

માનવદેહ નામે ઓળખાતું આ જન્મજાત તંત્ર પાયામાં સ્વાર્થી છે; અને આ વિષે બ્રિટિશ જીવશાસ્ત્રી રિચર્ડ ડૉકિન્સના પુસ્તક ‘ધ સૅલ્ફિશ જીન’ ‘સ્વાર્થી જનનબીજ’નો ઉલ્લેખ હું કરવા ધારું છું.

પોતાની જાતને પાકી ભૌતિકવાદી જાહેર કર્યા પછી એ કહે છે (ઘ સૅલ્ફિશ જીન, ઑકસફર્ડ યુનિ. પ્રેસ ૧૯૯૦, પૃ. ૨-૩) :

‘આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે, આપણે અને બીજાં તમામ પ્રાણીઓ આપણાં જનનબીજોએ સર્જેલાં યંત્રો છીએ. શિકાગોના ગુંડાઓની જેમ, કેટલાક કિસ્સાઓમાં, આપણાં જનનબીજ, ખૂબ સ્પર્ધાયુક્ત જગતમાં, લાખો વર્ષોથી ટકી રહ્યાં છે. આ હકીકત આપણાં જનનબીજો પાસે કેટલાક ગુણો હોવાની અપેક્ષાના દાવેદાર આપણને બનાવે છે. સફળ જનનબીજમાં નિષ્ઠુર સ્વાર્થનો ગુણ આગળ પડતો હોવાની મારી દલીલ રહેશે. જનનબીજનો આ સ્વાર્થ વ્યક્તિના વર્તનમાં સ્વાર્થવૃત્તિને જન્માવે છે. પરંતુ આપણે જોઈશું તે પ્રમાણે, વ્યક્તિગત પ્રાણીની કક્ષાએ, મર્યાદિત પરાર્થની ભાવના કેળવીને પોતાના સ્વાર્થી હેતુઓ પાર પાડી શકે તેવા વિશિષ્ટ સંજોગો હોય છે, આ આગલા વાક્યમાં ‘વિશિષ્ટ’ અને ‘મર્યાદિત’ અગત્યના શબ્દો છે. ગમે તેટલું ઊલટું આપણે માનવા ચાહીએ, વૈશ્વિક પ્રેમ અને સમગ્ર જાતિનું ભલું કરવાના ખ્યાલનો ઉત્ક્રાંતિ વ્યાપારમાં કશો અર્થ નથી.

‘આ મને મારા પહેલા મુદ્દાની માંડણી તરફ લઈ જાય છે, આ પુસ્તક શું નથી તે વિશે. ઉત્ક્રાંતિ આધારિત નીતિની હિમાયત હું કરતો નથી.’

‘મારી અંગત લાગણી એવી છે કે વૈશ્વિક નિષ્ઠુર સ્વાર્થ પર આધારિત માનવસમાજ જીવવા માટે તો ખુબ ત્રાસદાયક સમાજ થશે… મારે માફક, તમે ઈચ્છતા હો કે સાર્વજનિક હેતુ માટે વ્યક્તિઓ ઉદારતાથી અને નિઃસ્વાર્થતાથી સહકાર આપે તો, (મનુષ્યની) જૈવિક પ્રકૃતિ તરફથી તમે બહુ સહાયની આશા રાખતા નહીં. આપણે જન્મજાત સ્વાર્થી છીએ. માટે ઉદારતા અને પરગજુપણું શીખવવા આપણે પ્રયત્ન કરીએ. આપણાં સ્વાર્થી જનનબીજો શું કરવા ચાહે છે તે આપણે સમજી લઈએ, કારણ કે તો જ માણસને તેમની યોજનાને ધૂળમાં મેળવવાની તક કદાચ સાંપડે. બીજી કોઈ યોનિએ આવી આકાંક્ષા સેવી નથી.’

ડૉકિન્સ કહે છે : ઉદારતા અને પરગજ્જુપણાના પાઠ આપણે પઢાવવા પડશે કારણ કે, આપણે જન્મજાત સ્વાર્થી છીએ.

માણસ પાસે જે થોડું સ્વાતંત્ર્ય છે તેના પર આધાર રાખીને એ આગળ કહે છે, ‘આપણે ઈચ્છાપૂર્વક અનાસક્ત પરાર્થને ખિલવવો વિકસાવવો રહ્યો.’ (એજન, પૃ.૨૦૦ ૨૦૧)

‘આપણાં જન્મના જનનકણોનો અને જરૂર જણાય તો, કંઠીબંધનનાં આપણાં સ્વાર્થી સ્મૃતિબીજોનો વિદ્રોહ કરવાની શક્તિ આપણી પાસે છે. વિશુદ્ધ અને નિઃસ્વાર્થ પરોપકારવૃત્તિને ખિલવવા અને વિકસાવવાનો સંકલ્પ પણ આપણે કરી શકીએ છીએ – આ બાબતને પ્રકૃતિમાં સ્થાન જ નથી, જગતના સમગ્ર ઇતિહાસમાં આવી વાતનું કદી અસ્તિત્વ ન હતું. આપણે પૂર્વબદ્ધ જનનબીજ યંત્રો છીએ અને, સ્મૃતિયંત્રો તરીકે વિકસેલાં છીએ પરંતુ, આપણા પોતાના સર્જકો સામે થવાની આપણામાં શક્તિ છે. (જનનબીજ (Gene) ઉત્ક્રાંતિનું ભૌતિક એકમ છે અને સ્મૃતિબીજ (Meme) સાંસ્કૃતિક એકમ છે; આ બીજાનું અસ્તિત્વ માત્ર માનવયોનિમાં છે અને એ શબ્દપ્રયોગ ડૉકિન્રો ઘડ્યો છે.)

પણ, સ્મૃતિબીજ (Memes)ના સ્રોત માટે આપણે માનવ વ્યક્તિત્વના ઊંડાણના પરિમાણમાં ઊતરવું પડશે, એ છે નિત્યમુક્ત આત્મા, મનુષ્યજીવને મળતા થોડા સ્વાતંત્ર્યનો એ અનંત સ્રોત છે.

કોઈ પણ માનવીમાં નૈતિક અને માનવીય મૂલ્યો આવિષ્કૃત થાય તે પહેલાં, ‘હું કેવળ દેહ છું’, એ દેહાત્મબુદ્ધિ જવી જોઈએ એ વેદાન્ત બોધની અગત્ય આપણને અહીં જોવા મળે છે. ઔદાર્ય અને પરામર્થનાં મૂલ્યો લેખક આપણને પરાણે ખિલવવા કે શિખવવા કહે છે પણ, મનુષ્યમાં એનાં મૂળ ક્યાં છે તે કહેતા નથી; જીવશાસ્ત્ર, જનનબીજો કે બાહ્ય પ્રકૃતિ એનાં મૂળ નથી જ, ઉત્ક્રાંતિ પણ નથી જ. ઘણા સમય પૂર્વે વેદાન્તે માનવ વ્યક્તિત્વના આધ્યાત્મિક પરિમાણની શોધ કરી હતી; બધાં મૂલ્યોનું મૂળ આત્મા છે. અને તેથી, કોઈને પૂરી દેહાસક્તિ હશે તો, એ હંમેશાં સ્વાર્થી રહેશે અને બીજાઓના શોષણનો સદા તે પ્રયત્ન કરશે અને આમ, મૂલ્યવિજ્ઞાનથી એ ખૂબ દૂર રહેશે. માણસ દેહમાં રહેવા છતાં દેહથી અનાસક્ત થાય છે ત્યારે જ, એનામાં મૂલ્યો પ્રગટ થવા લાગે છે. એ ત્યારે જ આત્મવિકાસ સાધે છે, મૂલ્યોનો આવિષ્કાર કરવા લાગે છે અને બીજાઓ સાથે તાદાત્મ્ય અનુભવે છે, એમની સેવા કરવા ને એમને સહાયરૂપ થવા ચાહે છે. બધાં નૈતિક અને માનવીય મૂલ્યો છે; મનુષ્ય જીવનમાં એ ગુણવૃદ્ધિ લાવે છે ત્યારે ભૌતિક વિજ્ઞાન માત્ર પુંજવૃદ્ધિ લાવે છે.

જનનીજ તંત્રમાં કેન્દ્રિત અહં આપણી વૈયક્તિકતાની ભાવના આપણને આપે છે. એથી આગળ આધ્યાત્મિક વિકાસ આપણે ન સાધીએ તો, અજ્ઞેયવાદી બ્રિટિશ ચિંતક, બર્ટ્રેડ રસેલની ભાષામાં, એક બીજા સાથે અથડાતા બિલિયર્ડ દડા આપણે બનીએ છીએ; એકબીજામાં એ પ્રવેશી શકતા નથી. પણ માનવજીવોએ પરસ્પરમાં પ્રવેશવા શક્તિમાન થવું જોઈએ; આમ પ્રેમ, લાગણી અને સેવા દ્વારા બની શકે. આપણે આપણી જાતને દેહથી અળગી કરી શકીએ અને અહંને વૈયક્તિકતાથી ઉપર વ્યકિત્વની કક્ષાએ વિકસાવીએ ત્યારે જ આમ બની શકે; આધ્યાત્મિક વિકાસનું અને મૂલ્યનિષ્ઠ જીવનનું આ પહેલું કદમ છે. તૈલહાર્દ દ શાર્કે (Tilhard Chardin) કૃત ‘ધ ફિનોમિનન ઑફ મૅન’ની પ્રસ્તાવનામાં જુલિયન હક્સલી વ્યક્તિત્વ અને વ્યક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે :

‘જે મનુષ્યો નિજી જૈવિક વ્યક્તિમત્તાને સભાનપણે સામાજિક વ્યવહારમાં વાળે તે વ્યક્તિઓ છે!’

બે વૈયક્તિક માણસો તરીકે, પતિ અને પત્ની તરીકે રહેતાં કોઈ પણ બે માણસો અંદરો અંદર ઝઘડશે પણ, બે વ્યક્તિઓ તરીકે, વિસંવાદ અને ખેંચતાણના ઓછામાં ઓછા પ્રસંગો સાથે એમના ઘરમાં શાંતિ અને સંવાદ હશે.

માનવ ઉત્ક્રાંતિમાં પુંજને ગુણને વશ રાખવો

બીજા વિશ્વયુદ્ધની આઘાતજનક અસર પછી, મનુષ્યજાતના આંતરિક જીવનને ઘડવાની અગત્ય પશ્ચિમને સમજાઈ અને યુનેસ્કોના પ્રાક્કથનમાં તે થોડી અભિવ્યક્ત થઈ. એમાં કહેવાયું છે કે યુદ્ધો માનવમનમાં ઉદ્ભવે છે માટે, માનવમનમાં જ શાંતિરક્ષા ઊભી કરવી જોઈએ.

શિકાગો યુનિવર્સિટીમાં, ૧૯૫૯માં, ડાર્વિન શતાબ્દિ સમારંભ નિમિત્તે મળેલા એક અઠવાડિયાના સંવિવાદમાં, એ સંવિવાદમાંના બધાં કાર્યના ગ્રંથોના સંપાદક સોલ ટૅકસના કહેવા પ્રમાણે, જેમનું કાર્ય પ્રભાવક હતું તે સર જુલિયન હકસલી કહે છે (સોલ ટેકસ સંપા. ‘ઈસ્યુઝ ઑફ ઍવોલ્યુશન, વૉ. ૩ ‘ઍવોલ્યુશન આફટર ડાર્વિન’, લૅકચર ઑન ‘ધ ઍવોલ્યુશનરિ વિઝન’, પૃ. ૨૫૯) :

‘એક વાર આપણે માનવા લાગીએ કે માનવ જીવો માટે વધારે પૂર્ણતાની પ્રાપ્તિ શક્ય બનાવવી અને માનવસમાજો માટે વધારે સિદ્ધિઓ હાંસલ કરવી એ માનવીનું ભાવિ છે તો, ચાલુ અર્થમાં ઉપયોગિતા ગૌણ બને છે. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે, ભૌતિક ઉત્પાદનનો પુંજ આવશ્યક છે – પણ તે અમુક અંશે જ. વ્યક્તિદીઠ અમુક કૅલરી કે કૉકટેઈલ્સ કે, ટી. વી. સૅટો કે, વૉશિંગ મશીનોની અમુક સંખ્યાથી વધારે ઉત્પાદનની જરૂર નથી. એટલું નહીં પણ તે નુકશાનકારક છે. ભૌતિક ઉત્પાદનનો પુંજ ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન છે, પોતે જ સાધ્ય નથી.’

ફરીથી (એજન, પૃ. ૨૫૨) :

‘મનુષ્ય પાસે મન છે માટે એ આ ગ્રહ પર વર્ચસ્વી અંગ અને એ ગ્રહના ભાવિ વિકાસ માટે ઉત્તરદાયી બન્યો છે; અને, એ મનના સાચા ઉપયોગથી જ મનુષ્ય પોતાનું ઉત્તરદાયિત્વ યોગ્ય રીતે અમલમાં મૂકી શક્શે. પોતાના વ્યવસાયમાં એ તદ્દન નિષ્ફળ હોઈ શકે; સભાનપણે એ વ્યવસાયિક પડકારને ઝીલે અને જ્ઞાન, તર્કબુદ્ધિ, કલ્પનાશક્તિ, સંવેદનશીલતા અને નૈતિક યત્નનો, અર્થાત્ પોતાના બધા માનસિક સ્રોતોનો એ ઉપયોગ કરે તો જ, એ યશસ્વી બને.’

વળી, પશ્ચિમમાં મનની ખોજ ભાગ્યે જ શરૂ થઈ છે એ બાબત શોક પ્રગટ કરતાં એ કહે છે (એજન પૃ. ૨૫૯-૬૦) :

ઉત્ક્રાંતિમાં પોતાના પ્રભાવક સ્થાનને અને એ સ્થાનેથી એણે જે કંઈ પ્રગતિ સાધી છે તેને માટે, માણસ પોતાના મનનો આભારી છે, તેમ છતાં, મનુષ્ય એનાથી અજ્ઞાત અને શંકાશીલ છે તે આશ્ચર્યકારક છે, મનની ખોજનો હજી આરંભ માંડ થયો છે. પૃથ્વીની સપાટીનું સંશોધન કેટલીક સદીઓ પહેલાં મુખ્ય કાર્ય હતું તેમ, આવતા યુગમાં આ મુખ્ય કાર્યોમાંનું એક બનવું જોઈએ. જેટલાં આશ્ચર્યો ભૌગોલિક ખોજે આપણને પ્રાપ્ત કરી આપ્યાં છે તેટલાં જ આ માનસિક ખોજ પણ પ્રગટ કરી આપશે અને આપણા અનુજોને માટે વધારે પૂર્ણ અને વધારે સમૃદ્ધ શક્યતાઓ સુલભ બનાવશે એ નિઃશંક છે. (ભાર હકસ્લીનો નથી).

ગ્રીક લોકોના સમયથી જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં મોખરે રહેલું પશ્ચિમ આ આંતર જગતની ખોજમાં છેલ્લાં હજારો વર્ષોથી ભારત કરતાં પાછળ કેમ છે તે પ્રશ્ન ઊભો કરી પ્રૉફેસર મૅકસમૂલર તેનો જવાબ આપે છે (વેદાન્ત ફિલોસૉફી પણ ત્રણ વ્યાખ્યાનો, લંડન, ૧૮૯૪ પૃ. ૭) :

‘પરંતુ ગ્રીક,મધ્યકાલીન કે અર્વાચીન ફિલસૂફો કરતાં પ્રાચીન ભારતીય ફિલસૂફો આત્મા વિશે વધારે જાણતા હતા એ તમને નવાઈભર્યું લાગતું હોય તો, આપણે એ બરાબર યાદ રાખીએ કે, ગગનના તારા જોવા માટેનાં દૂરબીનો આપણે ઘણાં સુધાર્યાં છે પણ, આત્માનાં અવલોકનો હતાં ત્યાંના ત્યાં જ રહ્યાં છે!’

તારણ

ભારતના (હજારો વર્ષના) લાંબા ઇતિહાસમાં, આંતરજગતની આ વૈજ્ઞાનિક ખોજ ભારતની વિશિષ્ટ પ્રવૃત્તિ રહી છે એની પશ્ચિમને ખબર નથી. ઉપનિષદોના ઋષિઓ, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ભૂતકાળના જરા નાના આધ્યાત્મિક ખોજકોનું તારકમંડળ અને આપણા પોતાના યુગના શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ, બધા ખોજકો, પ્રયોગ કરનારાઓ અને માનવજાતના કરુણાવાન ગુરુઓ છે; આંતર જગતના વિજ્ઞાનનું આ જ ક્ષેત્ર તેમણે ખેડ્યું છે.

આ સંદર્ભમાં ૧૨ની નવેમ્બર, ૧૮૯૭ના રોજ લાહોરમાંના વ્યાખ્યાનના મંગલાચરણમાં જ જે શબ્દો સ્વામી વિવેકાનંદે ઉચ્ચાર્યા હતા તે સાંભળીએ (કમ્પલીટ વર્ક્સ : વૉ. ૩-૧૯૬૦ની આવૃત્તિ, પૃ. ૩૯૩-૯૪) :

‘આપણે બે વિશ્વમાં રહીએ છીએ; એક બહારનું અને બીજું અંદરનું. કાળાન્તરથી જે કંઈ માનવ પ્રગતિ સધાઈ છે તે, આ બેઉ વિશ્વોમાં લગભગ સમાન્તર રેખાઓ પર ચાલે છે. ખોજની શરૂઆત બહારના વિશ્વથી થઈ અને, બાહ્ય પ્રકૃતિમાંથી બધા ઊંડા પ્રશ્નોના ઉત્તરો મેળવવા માણસ મથતો હતો. સુંદર અને ભવ્ય માટેની પોતાની તૃષાને પોતાને જે કંઈ આવરીને પડ્યું છે તેમાંથી મેળવવા તે ચાહતો હતો; માનવીના અંતરમાં જે કંઈ હતું તેને અને પોતાની જાતને તે સ્થૂળની ભાષામાં અભિવ્યકત કરવા ચાહતો હતો; ને જે ઉત્તરો તેને સાંપડ્યા તે મહાન હતા. પણ, માનવજાત માટે પછીથી ખુલનારું, ભવ્યતર, સુંદરતર, અનંત રીતે વિશાલતર એક બીજું વિશ્વ તેની સાથે હતું. વેદોના ‘કર્મકાંડ’ વિભાગમાં વિશ્વના કર્તા, ભર્તા અને સંહર્તા વિશેના અતિ અદભુત વિચારો, કેટલીક વાર તો આપણા આત્માને હલાવી નાખે તેવી ભાષામાં આપણી સમક્ષ રજૂ થયેલા આપણે જોઈ છીએ. ‘ઋગ્વેદ સંહિતા’ની પેલી અદ્ભુત ઋચા તમારામાંથી ઘણાંને યાદ હશે; એમાં પ્રલયનું વર્ણન છે ને તેના કરતાં વધારે ભવ્ય વર્ણન હજી લખાયું નથી. આ બધું છતાં, એ માત્ર ભવ્યતાના બાહ્યનું વર્ણન છે અને એ ખરબચડું છે અને એને થોડા પાર્થિવ કણો વળગેલા છે. છતાંય, આપણને જણાશે કે, પાર્થિવની ભાષામાં એ અનંતનું વર્ણન છે, ભાષા સાન્તની છે, એ અનંત ચેતનાનું નથી, સ્નાયુઓનું છે, અવકાશનું છે, વિચારનું નથી. એટલે, ‘જ્ઞાનકાંડ’ના બીજા ભાગમાં, એક તદ્દન જુદી રીત અજમાવેલી આપણને દેખાશે. પહેલી રીત હતી વિશ્વનાં રહસ્યોને સમજવા માટે બાહ્ય વિશ્વમાં ખોજ. પાર્થિવ જગતમાંથી જીવનના ઊંડા પ્રશ્નોના ઉકેલ માટેના એ યત્નો હતા. યસ્યૈતે હિમવન્તો મહિત્વા – ‘જેની કીર્તિની આ હિમાલય ઘોષણા કરે છે.’ આ મહાન વિચાર છે પણ, ભારત માટે એ પૂરતો મહાન ન હતો. ભારતીય ચિત્ત પાછું વળ્યું અને સંશોધને તદ્દન નવી વાટ પકડી. બહારને બદલે ખોજ અંદર ભણી વળી. પછી અવાજ ઊઠ્યો : ‘માણસ મૃત્યુ પામે છે ત્યારે તેનું શું થાય છે?’ અસ્તિત્યેકે નાયમસ્તીતિ ચૈકે – ‘કેટલાક કહે છે કે એનું અસ્તિત્વ ટકે છે, બીજા કેટલાક કહે છે એ નથી રહેતો; તો, હે યમદેવ! મને કહો, સત્ય શું છે?’ અહીં આપણને તદ્દન નવી રીત અપનાવાયેલી મળે છે. બહિર્જગતમાંથી જે કંઈ લઈ શકાય તે બધું જ લીધું, પણ એથી એને સંતોષ ન થયો. અને વધારે તપાસ કરવી હતી, પોતાના આત્મામાં ડૂબકી મારવી હતી. અને અંતિમ ઉત્તર સાંપડ્યો.

વેદોના આ વિભાગનું નામ ઉપનિષદો, વેદાન્ત, આરણ્યકો કે રહસ્ય છે. અહીં આપણને તરત જ જોવા મળે છે કે, ધર્મે પોતાના બાહ્ય ઉપચારો પરહર્યા છે. અહીં આપણને તરત જ જોવા મળે છે કે, પાર્થિવની ભાષામાં આધ્યાત્મિક બાબતો કહેવાતી નથી પણ, અધ્યાત્મની ભાષામાં તે કહેવાય છે, અતિ સુંદર ભાષામાં તે કહેવાય છે. એને કાંઈ ખરબચડાપણું વળગેલું નથી, સાંસારિક બાબતો સાથે અહીં કશું જ સમાધાન નથી. વીરતાસભર, બહાદુર, આજના સમયની ગ્રહણશક્તિની પાર ઉપનિષદના ઋષિઓનાં વિરાટ મન ખડાં છે; ને કશા સમાધાન વિના, કશા ભય વિના માનવજાતિને માટે કદી નહીં ઉચ્ચારાયેલાં ઉદાત્તતમ રહસ્યો પ્રગટ કરે છે.

Total Views: 17
By Published On: April 1, 1997Categories: Ranganathananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram