સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ ૬૭મું વર્ષ, ૬૬-૬૭માં પ્રકાશિત લેખના હિંદીમાં થયેલા અનુવાદમાંથી ગુજરાતી અનૂદિત આ લેખ ભાવિકજનો માટે આપીએ છીએ. – સં.

ઈ.સ. ૧૯૧૮નો શિયાળો હતો. શ્રી રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) એ સમયે બલરામ મંદિરમાં હતા. હું પણ તેમનો સેવક હોવાથી ત્યાં હતો. ભવાનીપુર નિવાસી શ્રી અચલકુમાર મૈત્રનાં (સૉલિસિટર) ભક્તિભાવવાળાં પત્ની જેમણે શ્રી મહારાજ પાસે દીક્ષા લીધી હતી તે શિષ્યા એ દિવસોમાં વચ્ચે વચ્ચે મહારાજનાં દર્શનાર્થે બલરામ મંદિરમાં આવતી હતી અને ત્યાંથી શ્રી શ્રી માને ત્યાં (માયેર બાડી) ઉદ્‌બોધનમાં પણ જતી. આ ભક્તિમતી મહિલા પર શરત્ મહારાજનો (સ્વામી શારદાનંદ) ઘણો ભાવ હતો. કેટલાક દિવસો પછી આ મહિલાના મનમાં ભગવાન શ્રીરામકૃષ્ણની એક સંગેમરમરની મૂર્તિ ઘડાવવાની પ્રબળ ઇચ્છા થઈ અને તે અનુસંધાને તેમણે શ્રી શરત્ મહારાજને પોતાને સલાહ આપવા વિનંતી કરી. શરત્ મહારાજે તેમને વિશેષ રૂપે પ્રોત્સાહિત કરી. એ સમયે કલકત્તાના ઝાઉતલા વિસ્તારમાં મિસ્ત્રી કરીને એક મરાઠી પ્રસિદ્ધ મૂર્તિકાર રહેતા હતા. તે મહિલાએ પોતાની ઇચ્છાનુસારની સંગેમરમરની મૂર્તિ તૈયાર કરવા માટે પોતે જાતે જઈને તેમને નિર્માણકાર તરીકે નક્કી કર્યા. મૂર્તિ જલદી તૈયાર થઈ જાય એવો પણ ખાસ આગ્રહ કર્યો. તે મહિલા મૂર્તિ અંગેના કામ અંગેની જાણકારી શરત્ મહારાજને અવારનવાર આપી જતી હતી. શ્રીરામકૃષ્ણની માટીની પ્રતિમા (Clay – Model) તૈયાર થઈ જતાં આ ભદ્ર મહિલાએ મહારાજને મૂર્તિકાર પાસે જઈને મૉડેલ અંગે પોતાની સંમતિ આપવા માટે જણાવ્યું. થોડા દિવસો પછી એક દિવસ વહેલી સવારે શરત્ મહારાજ બલરામ મંદિર આવ્યા અને શ્રીરામકૃષ્ણની સંગેમરમરની મૂર્તિ અંગેની વિગતવાર વાત રાજા મહારાજને (સ્વામી બ્રહ્માનંદ) જણાવી અને તેઓ પોતે મૉડેલ જોઈને સહમતિ દઈ આવે તેવો વિશેષ આગ્રહ કર્યો. શરત્ મહારાજ પાસેથી બધી વાત સાંભળ્યા પછી થોડી વાર મૌન રહીને રાજા મહારાજે કહ્યું, ‘શરત્, ઠાકુરની કઈ મૂર્તિને હું સહમતિ આપું? મેં તો એક જ દિવસમાં ઠાકુરનાં અનેક રૂપ જોયાં છે. કોઈક વખત તેઓ માંદગીમાં ક્ષીણ છતાં ધ્યાનમગ્ન થઈ ચૂપચાપ બેઠા હોય છે, તો વળી થોડી જ વારમાં તાળી પાડીને કીર્તન કરતાં કરતાં ભાવવિભોર થયેલા હોય, વળી કોઈ વાર સમાધિમગ્ન. આ એક અદ્‌ભુત દૃશ્ય હતું. મુખમંડલ પરથી જાણે કે સ્વર્ગીય આનંદ નીતરી રહ્યો હતો. અને શરીરમાંથી દિવ્ય જ્યોતિ ચોતરફ વ્યાપી રહ્યો હતો વળી કોઈ વાર દક્ષિણ તરફના વરંડામાં પોતે હોય તેના કરતાં વધારે સશક્ત અને બળવાન શરીર સાથે ભારે પગલાં પાડતાં એક ખૂણેથી બીજા ખૂણા સુધી ભાવોન્મત થઈને આંટા મારી રહ્યા હોય.’ રાજા મહારાજને મુખેથી આ જુદાં જુદાં રૂપનું અપૂર્વ વર્ણન સાંભળીને શરત્ મહારાજ તો અચંબામાં પડી ગયા અને વિનંતી કરતા બોલ્યા, ‘મહારાજ, ઠાકુરે પોતાની જે છબી જોઈને કહ્યું હતું, ‘ઘેર ઘેર આની પૂજા થશે’ એ છબીને જ આપે સંમતિ આપવાની છે.’

હસતે મુખે મહારાજે કહ્યું – ‘ઠીક છે. જઈશ, દિવસ નક્કી કરો. ‘તે જ દિવસે બપોરે મૂર્તિકારની શિલ્પશાળામાં મહારાજનું જવાનું ગોઠવાયું અને સૌ યથાસમય ત્યાં પહોંચી ગયા. મહારાજની સાથે શરત્ મહારાજ (સ્વામી શારદાનંદ), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ), યોગીન મા, ગોલાપ મા તથા કેટલાક સાધુ ત્યાં ગયા. શિલ્પશાળામાં દાખલ થતાંની સાથે જ મહારાજે મૉડેલનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. અને મૂર્તિકારને બોલાવીને કહ્યું – ‘જુઓ, તમે તો ઠાકુરને થોડા ખૂંધા (કઢંગા) બનાવી દીધા છે.’ શિલ્પીએ ઉત્તર આપતાં કહ્યું કે આ પરિસ્થિતિમાં બેસનાર વ્યક્તિની કરોડરજ્જુ જરા વાંકી હોય છે. આ સાંભળીને મહારાજે કહ્યું, ‘મે ઠાકુરને કોઈ દિવસ કમ૨ વાંકી કરીને બેઠેલા જોયા નથી. તમે જે કહો છો તે સામાન્યજનને લાગુ પડતું હોય છે. ઠાકુર આજાનબાઇ હતા. એટલે એમના માટે આ રૂપમાં હોવાનું કોઈ કારણ નથી’ ત્યાર પછી મહારાજે મૂર્તિકારનું ધ્યાન ઠાકુરના કાન તરફ દોર્યું – ‘જુઓ, બધાના કાન ભમરની ઉપરના ભાગની બાજુમાંથી શરૂ થતા હોય છે. ઠાકુરના કાન પણ તમે તેવા જ બનાવ્યા છે. પરંતુ ઠાકુરના કાન આંખની નીચેની સમકક્ષાએથી શરૂ થાય છે.’ મહારાજના ભાવ પૂર્ણ વર્ણનથી મૂર્તિકારની સાથે સૌ આશ્ચર્યમાં પડી ગયા. મહારાજની સૂચના અનુસાર મૉડેલમાં (નમૂના) સુધારો કરવા માટે શિલ્પી સહમત થયા અને કહ્યું :

‘આપ સૌ સાત દિવસ પછી આવજો. હું બધું બરોબર કરી દઈશ.’ નિશ્ચિત કર્યા પ્રમાણે મહારાજ ફરીથી સૌ સાથે શિલ્પ શાળામાં આવ્યા અને મૉડેલની સુધારેલી આવૃત્તિ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું – ‘હવે બધું બરાબર છે.’ સાથે જનારા લોકોએ પણ તે દિવસે મૉડેલને જોઈને ઠાકુરની જીવંતતાનો અનુભવ કર્યો. પ્લાસ્ટર ઑફ પૅરીસમાં જાણે કે તેઓ હુબહુ ઊતરી આવ્યા હતા.

સુદૃઢ મૂર્તિકાર પોતાના કૌશલથી મૉડેલનો ભાવ સંગેમરમરની મૂર્તિમાં હુબહુ ઉતારવા માટે કટિબદ્ધ હતો પરંતુ પ્રતિમા પર અનેક જગ્યાએ અને ખાસ કરીને મુખમંડળ પર અનેક નાની મોટી ટપકીઓનાં જાણે કે કાળાં ધાબાં દેખાતાં હતા. જેને કારણે દિવ્યભાવને કારણે આનંદમય મુખ વિકૃતિ દેખાતું હતું.

પ્રતિમા પર પડેલા ધાબાં દૂ૨ ક૨વાની કોઈ સંભાવના ન જણાતાં મૂર્તિકાર પોતે ખૂબ દુઃખ અનુભવવા લાગ્યો. ત્યાર તે પછી તેણે જણાવ્યું કે ફક્ત એક જ રંગ અને પીંછી દ્વારા આખી મૂર્તિને રંગાવવામાં આવે તો બધાં કાળાં ધાબાં ઢંકાઈ જશે. અને મૂર્તિનો મૂળભૂત ભાવ પ્રગટ થશે. હા. પરંતુ દર બે-ત્રણ વર્ષે મૂર્તિને એક વાર આવી રીતે રંગાવવી પડે. મૂર્તિકારની આ વાત ભક્ત વત્સલ મહિલાને જરાય ન જ ગમી. તદુપરાંત શ્રી ઠાકુરની આ સુંદર રૂપવાળી પ્રતિમા બેલુરમઠમાં પ્રસ્થાપિત થાય અને રોજ પૂજાય એ મહેચ્છા પણ પૂરી નહીં થાય, એ વિચારે તે ખૂબ દુ:ખી દુ:ખી થઈ ગઈ. પ્રતિમા એ જ અવસ્થામાં મૂર્તિકારની શિલ્પશાળામાં રહી ગઈ. પાછળથી રંગાવડાવીને મૂર્તિને કાશી લઈ ગયા. ઈ.સ. ૧૯૩૬ના ફેબ્રુઆરીની ૨૪ તારીખે કાશીના શ્રીરામકૃષ્ણ અદ્વૈતાશ્રમના નવનિર્મિત મંદિ૨માં એ સંગેમરમરની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. શ્રી ઠાકુર (શ્રીરામકૃષ્ણ)ના અંતરંગ પાર્ષદ સ્વામી વિજ્ઞાનાનંદ મહારાજે આ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી કહ્યું હતું; ‘જાણે કે શ્રીરામકૃષ્ણ જ બેઠા હોય તેવું લાગે છે.’

Total Views: 389

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.