નેતાજી સુભાષચંદ્ર બોઝ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદજીના આદર્શોથી એટલા પ્રભાવિત થયા હતા કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીરૂપે જોડાવા માગતા હતા. પણ રામકૃષ્ણ મિશનના તત્કાલીન અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજે તેમને સમજાવ્યા તેમનું કાર્યક્ષેત્ર ભિન્ન છે. તો પણ તેઓ રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રોના સંપર્કમાં રહેતા. – સં.

છેલ્લી સદીના એંશીના દાયકા દરમ્યાન બે ધાર્મિક પ્રતિભાઓ લોકોની સમક્ષ આવી. આવી રહેલી નવી જાગૃતિ પર તેઓ મોટો પ્રભાવ પાડવાના હતા. તે પ્રતિભાઓ હતી – શ્રીરામકૃષ્ણ અને તેઓના શિષ્ય સ્વામી વિવેકાનંદ. શ્રીરામકૃષ્ણે બધા ધર્મોની એકતાનો ઉપદેશ આપ્યો અને ધર્મો વચ્ચેના ઝઘડાઓ બંધ કરવાનું કહ્યું. પોતાના દેહ વિલય પહેલાં, શ્રીરામકૃષ્ણે પોતાના ધાર્મિક ઉપદેશના પ્રસારનું કામ – ભારતમાં અને વિદેશમાં – પોતાના શિષ્ય સ્વામી વિવેકાનંદને સોંપ્યું.

તેથી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ભારતમાં અને વિદેશમાં હિન્દુ ધર્મને તેના સાચા સ્વરૂપમાં રજૂ કરવો એ આ મિશનનું કાર્ય હતું. તંદુરસ્ત રાષ્ટ્રવાદના સ્વરૂપને સ્વામી વિવેકાનંદે સક્રિય ટેકો આપ્યો. ભારતની નવી પેઢીને ભારતના ભૂતકાળ વિશે ગૌરવ લેવાનું તેઓએ કહ્યું; અને ભારતના ભવિષ્ય વિશે શ્રદ્ધા રાખી એ પેઢીને આત્મવિશ્વાસ અને સ્વમાનની ભાવના કેળવવા પ્રેરણા આપી.

સ્વામી વિવેકાનંદે કદી રાજકીય સંદેશ આપ્યો નહિ પરંતુ, દરેક વ્યક્તિ કે જે સ્વામીજીના સંપર્કમાં આવી અથવા કે જેણે સ્વામીજીનાં લખાણો વાંચ્યાં તે દરેકમાં રાષ્ટ્રવાદની ભાવના અને રાજકીય મનોવૃત્તિનો વિકાસ થયો. જ્યાં સુધી બંગાળને સંબંધ છે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદને અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા ગણી શકાય. ૧૯૦૨માં, ખૂબજ નાની વયે તેઓનું અવસાન થયું, પરંતુ સ્વામીજીના મૃત્યુ પછી તેઓનો પ્રભાવ વધ્યો છે.

ખૂબ જ હર્ષ અનુભવ્યા વિના હું સ્વામી વિવેકાનંદ વિશે લખી શકતો નથી. ભાગ્યે જ કોઈ સ્વામીજીને સમજી શક્યું હતું. – જે લોકો સ્વામીજીની ખૂબ જ નજીક હતા તે લોકો પણ સ્વામીજીને સમજી શક્યા ન હતા. તેઓનું વ્યક્તિત્વ સમૃદ્ધ, ગહન અને જટિલ (Complex) હતું. સ્વામીજીના વ્યક્તિત્ત્વે સમગ્ર દેશ અને ખાસ કરીને બંગાળીઓ ઉપર અદ્‌ભુત પ્રભાવ પાડ્યો હતો. આવું મરદાનગીવાળું વ્યક્તિત્વ બંગાળીઓને ગમે છે. સંસાર પ્રત્યે બેપરવા, સતત પ્રવૃત્તિશીલ, પોતાના પ્રેમમાં અમર્યાદ, પોતાના જ્ઞાનમાં ગહન અને દક્ષ, લાગણીઓથી છલોછલ, આક્રમણમાં દયાહીન છતાં બાળક જેવા સરળ – સ્વામીજી આપણા આ વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે તેવું વ્યક્તિત્વ હતા.

સ્વામીજીનું વ્યક્તિત્વ સિંહ જેવું હતું. તેઓ એક સંપૂર્ણ યોદ્ધા (Fighter) હતા. તેઓ શક્તિના ઉપાસક હતા, તેમણે દેશના ઉત્થાન માટે વેદાંતનું વ્યવહારિક અર્થઘટન આપ્યું. હું કલાકો સુધી બોલું તો પણ તે મહાન વ્યક્તિત્વને ન્યાય નહીં આપી શકું. તેઓ મહાન હતા, ગહન હતા અને જટિલ (Complex) હતા. સ્વામીજી એક સર્વોચ્ચ આધ્યાત્મિક કક્ષાના યોગી હતા અને સત્યના સીધા સંપર્કમાં હતા. પોતાના રાષ્ટ્ર અને માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાનના પવિત્ર કાર્ય માટે તેઓએ પોતાની જાતને અર્પણ કરી હતી. આજે તેઓ હયાત હોત તો મેં મારી જાતને તેઓના ચરણોમાં અર્પણ કરી હોત. અર્વાચીન બંગાળ સ્વામીજીનું સર્જન છે.

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ પ્રત્યે હું મારી આભારની લાગણી કેવી રીતે વ્યક્ત કરું? તેઓના પવિત્ર પ્રભાવને લીધે મારા જીવનમાં પહેલી વખત જાગૃતિ આવી. નિવેદિતાની જેમ હું પણ માનું છું કે, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ એક જ વ્યક્તિત્વનાં બે પાસાંઓ છે. જો સ્વામીજી આજે હયાત હોત તો મેં તેમને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા હોત. એ કહેવાની જરૂર નથી કે મારા જીવનકાળ દરમિયાન હું શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદને વફાદાર રહીશ. સ્વામી વિવેકાનંદની અદ્‌ભુત બુદ્ધિપ્રતિભાને સમજાવવી – ખૂબ જ અઘરુ કાર્ય છે. પોતાનાં પુસ્તકો અને ભાષણો દ્વાર સ્વામીજીએ અમારા યુગના વિદ્યાર્થીઓ ઉપર જબ્બર પ્રભાવ પાડ્યો હતો. બીજા નેતાઓ એવો પ્રભાવ પાડી શક્યા ન હતા. સ્વામીજી, જાણે કે, યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને પૂરી રીતે વ્યક્ત કરતા હતા. સ્વામીજીને બરાબર સમજવા માટે આપણે શ્રીરામકૃષ્ણદેવ સાથે તેઓનો અભ્યાસ કરવો જોઈએ.

સ્વામીજીના સંદેશમાં આઝાદીની ચળવળનો પાયો રહેલો છે. જો ભારત આઝાદ થશે તો તે દેશ માત્ર હિન્દુ ધર્મ કે ઈસ્લામ ધર્મનો દેશ ન હોઈ શકે. રાષ્ટ્રવાદના આદર્શથી પ્રેરાયેલો અને ભિન્ન ભિન્ન ધાર્મિક સમુદાયો ધરાવતો એક સંગઠિત દેશ હોવો જોઈએ. અને તે માટે ભારતના લોકોએ ધર્મોની સંવાદિતાનો ઉપદેશ સંપૂર્ણપણે સ્વીકારવો જોઈએ. અને તે જ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદનો ઉપદેશ છે.

સ્વામીજીએ પૂર્વ અને પશ્ચિમ, ધર્મ અને વિજ્ઞાન અને ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સંવાદિતા સ્થાપી. અને તેથી જ તેઓ મહાન છે. સ્વામીજીના ઉપદેશોમાંથી આપણા દેશવાસીઓએ અજોડ સ્વમાન, આત્મવિશ્વાસ અને કૃતનિશ્ચયીપણું પ્રાપ્ત કર્યું છે.

બધા ધર્મોની સંવાદિતા શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં સિદ્ધ કરી અને તે જ સંવાદિતા સ્વામીજીના જીવનનો મુખ્ય મુદ્દો હતો. અને આ વિચાર ભવિષ્યના ભારતના રાષ્ટ્રવાદની આધારશિલા છે. બધા ધર્મોની સંવાદિતા અને બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતાના ખ્યાલ વિના, વિવિધતા ધરાવતા આ દેશમાં રાષ્ટ્રીય ચેતનાની ભાવના વિકસી શકી ન હોત.

રામમોહન રૉયના વખતથી સ્વતંત્રતા માટેની આકાંક્ષા ઘણી ચળવળોમાં બહાર આવી. ઓગણીસમી સદી દરમિયાન વૈચારિક ક્ષેત્રે અને સામાજિક સુધારામાં આકાંક્ષા જોવા મળતી હતી. પરંતુ રાજકીય ક્ષેત્રે એ આકાંક્ષા કદી જોવા મળી ન હતી. ભારતની પ્રજા હજુ ગુલામીની મૂર્છામાં ડૂબેલી હતી, અને ભારત પરના અંગ્રેજી શાસનને એક દૈવીકાર્ય ગણતી હતી. ઓગણીસમી સદીના અંતમાં; શ્રીરામકૃષ્ણ વિવેકાનંદમાં પૂર્ણ સ્વતંત્રતાનો ખ્યાલ જોવા મળે છે. ‘સ્વતંત્રતા, સ્વતંત્રતા આત્માનું ગીત છે.’ – આવો સંદેશ સ્વામીજીના અંતરમાંથી ફૂટી નીકળ્યો, અને સમગ્ર રાષ્ટ્રને જકડી લીધું અને ઘેલું બનાવી દીધું. સ્વામીજીનાં પુસ્તકોમાં, જીવનમાં, સંવાદોમાં અને ભાષણોમાં આ સત્ય મૂર્તિમંત થયેલું હતું.

એક તરફ સ્વામી વિવેકાનંદે માણસોને બધા બંધનોથી મુક્ત એવા સાચા માણસો બનવા હાકલ કરી, જ્યારે બીજી તરફ ધર્મોની સંવાદિતાનો ઉપદેશ આપીને ભારતમાં સાચા રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો.

ભાષાંતર : શ્રી સી.એમ. દવે

(રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર કલકત્તા દ્વારા પ્રકાશિત ‘My India the India Eternal’ માંથી સાભાર ગૃહીત)

Total Views: 45
By Published On: November 1, 1997Categories: Subhashchandra Bose0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram