એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે એક ધ્યાનસ્થ યોગીનું માથું જોઈને તેમને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું : ‘આ શું હશે? આમ રાફડાના મથાળે યોગીનું માથું કેવી રીતે હોઈ શકે?’ નારદજી નજીક ગયા અને જોયું તો યોગી ધ્યાનમાં હતા અને આંખો બંધ હતી.

નારદે મોટેથી પૂછ્યું : ‘યોગીરાજ, આપ અહીં રાફડામાં રહીને શું કરો છો?’

થોડીવારમાં યોગીએ આંખો ખોલી અને નારદ સામે જોયું અને કહ્યું : ‘અરે, નારદજી, : આપ? આપ અહીં પધાર્યા એ અમારું સદ્ભાગ્ય છે. હું અહીં ધ્યાન ધરવા આવ્યો હતો. અને પ્રભુના ધ્યાનમાં મગ્ન બની એટલા લાંબા સમયથી બેઠો છું કે આ ઊધઈએ મારી આસપાસ રાફડો બનાવી દીધો. નારદજી, આપ ક્યાં જાઓ છો?’

નારદે કહ્યું : ‘વૈકુંઠમાં જાઉં છું. હું ભગવાન વિષ્ણુનાં દર્શને જાઉં છું.’ યોગીએ પૂછ્યું : ‘તમે ભગવાનને મળશો, ખરું ને? તો મારા વતી તમો આટલું પૂછશો?’

યોગીએ કહ્યું : ‘મારે હજી કેટલું તપ કરવું પડશે? મારા પર ક્યારે કૃપા ક૨શે? મને ક્યારે અનુભૂતિ થશે? હું ક્યારે એનાં દર્શન કરી શકીશ? અને આ જનમ – મરણના ફેરામાંથી ક્યારે મુક્ત થઈશ? આટલું મારે એમની પાસેથી જાણવું છે.’

તેણે ફરીથી કહ્યું : ‘કૃપા કરી મારા વતી આટલું પ્રભુને પૂછતા આવશો?’

નારદે જવાબ આપ્યો : ‘જરૂર, હું આ બધું પૂછીશ અને જવાબ પણ લેતો આવીશ.’

પછી નારદજી વનના રસ્તેથી આગળ ઉપડ્યા. થોડા સમય પછી કોઈકનો મોટેથી ગાવાનો અવાજ સાંભળ્યો. આગળ જતાં નારદે જોયું તો એક યોગી મસ્તીમાં નાચતો કૂદતો ગાતો હતો. યોગીની નજર જેવી નારદ પર પડી કે તરત તે તેમની નજીક દોડી આવ્યો. અને પાસે જઈને કહ્યું : ‘અરે, મહર્ષિ! આપને જોઈને મને ઘણો આનંદ થયો. આપ ક્યાં જઈ રહ્યા છો?’

નારદે કહ્યું : ‘ભાઈ, હું તો સ્વર્ગમાં પ્રભુનાં દર્શન જાઉં છું, યોગીએ પૂછ્યું : ‘તો મહર્ષિ! : મારું એક કામ કરતા આવશો?’

નારદે ઉત્તર આપ્યો : ‘જરૂર. મારે તમારું ક્યું કામ કરવાનું છે તે કહો.’ યોગીએ કહ્યું : ‘હે નારદજી મહારાજ! જ્યાં સુધી મારું હૃદય – મન પવિત્ર ન બને અને પ્રભુનાં દર્શન ન થાય ત્યાં સુધી જનમ-મરણના ફેરામાંથી છૂટીશ નહીં. મારે તો દયાળુ પ્રભુ પાસેથી આટલું જ જાણવું છે કે હવે મારે કેટલી વાર જનમવું અને મરવું પડશે. મારું આટલું કામ કરી આપશો?’

નારદે ખાતરી આપતાં કહ્યું : ‘જરૂર. તમારા આ પ્રશ્નનો ઉત્તર હું લાવીશ.’

નારદજી તો જંગલના રસ્તે આગળ ચાલ્યા. અંતે સ્વર્ગમાં પહોંચ્યા. થોડો વખત સ્વર્ગમાં રહ્યા અને વળી ઊતરી આવ્યા ધરતીલોકમાં. માનવીની ધરતી પર કેટકેટલાંયે સ્થળોમાં ફરતાં ફરતાં એક દિવસે તેઓ એ જંગલમાંથી પસાર થયાં જ્યાં ઊધઈના રાફડામાં રહીને વરસોથી તપ કરતા એક યોગીને મળ્યા હતા.

નારદજીને આવતાં જોઈને પેલા યોગીએ અધીર બનીને પૂછ્યું : ‘તમે પ્રભુને મારા વિશે પૂછ્યું?’

નારદે જવાબમાં કહ્યું : ‘હા, મેં તમારા વિશે બધું પૂછી જોયું.’

યોગીએ પૂછ્યું : ‘સાચે જ તમે પૂછ્યું? એમણે શો જવાબ આપ્યો?’

નારદે શાંતિથી કહ્યું : ‘પ્રભુએ કહ્યું કે તમારે ચાર ચાર ભવ આવાં તપ કરવાં પડશે, ધ્યાન ધરવાં પડશે. પછી જ જનમ-મરણના ફેરામાંથી મુક્ત બનશો.’

આશ્ચર્ય અને નિરાશા સાથે યોગી બોલ્યો : ‘શું કહ્યું? આટલાં આટલાં તપ-ધ્યાન કર્યા અને હજી ચાર ચાર ભવ સુધી તપ-ધ્યાન કરવાં? આ મારી આસપાસ રાફડો જામી ગયો એટલાં તપ ધ્યાન કર્યાં એ શું પૂરતું નથી? કહો તો ખરા! છતાં ય હજી ચાર ચાર ભવ તપ કરવાં? અરેરે ભગવાન આ શું!’ આમ કહીને તે તો માંડ્યો રડવા.

નારદે શાંતિથી કહ્યું : ‘હવે તો તમારે માત્ર ચાર જન્મ સુધી જ તપ-ધ્યાન કરવાનાં છે.’ આમ કહીને નારદજી તો થયા ચાલતા.

ચાલતાં ચાલતાં નારદજી પેલા નાચતા – ગાતા યોગીને મળ્યા.

તેણે નારદજીને પૂછ્યું : ‘હે મહારાજ, તમે મારા વિશે પ્રભુને પૂછી જોયું?’ નારદે જવાબમાં કહ્યું : ‘હા, મેં બધું પૂછી લીધું છે.’

‘એમ! તો ભગવાને શો જવાબ આપ્યો?’ નાચતાં-ગાતા યોગીએ પૂછ્યું. નારદજી બોલ્યા : ‘આ સામે આંબલીનું ઝાડ દેખાય છે એની ઉપર જેટલાં પાંદડાં છે, એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે! ત્યાર પછી જ તમારા મન હૃદય પવિત્ર થશે અને ઈશ્વરનાં દર્શન થશે અને તમને મુક્તિ મળશે.’

આ સાંભળીને પેલો યોગી આનંદથી નાચવા લાગ્યો અને તે બોલ્યો : ‘વાહ! પ્રભુ વાહ, નારદજી, મને ખાતરી ન હતી કે મને આટલા ટૂંકા સમયમાં જ મુક્તિ મળશે! ફક્ત આ આંબલીનાં પાંદડાં જેટલા જ મારે જન્મ લેવા પડશે! અને પછી બસ મુક્તિ જ મુક્તિ! પ્રભુએ અમી દૃષ્ટિ કરી ખરી!’ અને પછી તો યોગ આનંદ મગ્ન બનીને નાચવા-ગાવા લાગ્યો.

એ જ પળે એકાએક વીજળીનાં ઝબકારની જેમ દિવ્ય પ્રકાશે આકાશ ઝળહળી ઊઠ્યું ને આકાશવાણી થઈ. એ દિવ્યવાણીએ નાચતા – ગાતા યોગીને કહ્યું : ‘હે વત્સ! તું આ ઘડીથી જ મુક્ત છો! પ્રભુ તારા પર પ્રસન્ન થયા છે. કારણ કે, તારામાં અખૂટ ધીરજ – શાંતિ, સ્વસ્થતા, સ્થિરતા છે. આંબલીને કેટલાં બધાં પાંદડાં છે? છતાંય એટલા બધા જન્મ સુધી તપ-ધ્યાન કરવા તું આતુર હતો. એનો અર્થ એ કે તું પ્રબળ શ્રદ્ધાવાળો, દૃઢ મનોબળવાળો છે. તારો નિર્ણય મક્કમ હતો કે તું ઈશ્વરનાં દર્શન કરશે અને મુક્તિ મેળવશે. એટલે જ પ્રભુએ તને આ જ ઘડીએ મુક્તિ આપી છે. હવે તારે ફરીથી જનમવું પડશે નહિ. તને પ્રભુની સાથે જ રહેવાનો અવસર સાંપડ્યો છે.’

બોધ : બહાદુર, ઉદ્યમશીલ, ધૈર્યવાન અને ઉત્સાહી મનુષ્ય – ઘણી વાર અશક્યને ય શક્ય કરી બતાવે છે.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘વિવેકાનંદની સચિત્ર બાળવાર્તાઓ’માંથી સંકલિત)

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.