સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ નામની નાની પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણ પરમહંસ – આ વ્યક્તિ કે વિભૂતિ કે અવતાર પુરુષ કે પ્રભુનું પ્રીતિપાત્ર : એ શબ્દનો નહીં પણ મૌનનો, મહામૌનનો વિષય છે. અને છતાંયે હું તમારી સાથે એમને વિશે વાત કરું છું એમાં ઔચિત્ય કરતાં અનૌચિત્ય વિશેષ છે. ને એ જાણવા છતાંયે હું બોલી રહ્યો છું મારી ઇન્દ્રિયથી, તમે સાંભળી રહ્યા છો તમારી ઇન્દ્રિયથી, અને રામકૃષ્ણ પરમહંસ તો અતીન્દ્રિયના માણસ છે એટલે આપણા સૌની સ્થિતિ ‘જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ’ જેવી છે.

હું સંસારી છું અને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા બધાંથી વીંટળાયેલો છું, અને તમે સૌ પણ આનાથી સાવ પર નથી. જેમને સમજવા માટે બુદ્ધિ કામ ન આવે, તર્ક નકામા લાગે, ભાષા ભોંઠી પડે, પામવા જાઓ તો ભક્તિ ઓછી પડે, શબ્દો શુષ્ક લાગે, એમની આંતરજ્વાળાને વ્યક્ત કરવા માટે વાણી બરફ લાગે, વિરોધ અને વિરોધાભાસ એટલા બધા છે કે એ આભાસને ભેદવા માટે જ્ઞાન અજ્ઞાન લાગે, છતાંયે હું આ પવિત્ર પુરુષ વિશે વાત માંડું છું ત્યારે ‘પંખાળા પવનને પકડવાનો’ પ્રયત્ન કરતો હોઉં કે, ‘આકાશને આલિંગન આપવાની મથામણ કરતો હોઉં’ એવી લાગણી થાય છે.

શ્રીરામકૃષ્ણ વિશે શબ્દોમાં કહેવું એ તરણાથી આકાશ – સમુદ્રને વલોવવા જેવી વાત છે.

શ્રીરામકૃષ્ણ શ્રીમંત સાથે રહે છે, પણ એમની કરુણા દરિદ્રનારાયણ તરફ છે. એ પોતે પોતાને જ ચાકડે ચડ્યા છે. એ વિચિત્ર રીતે વર્તે છે, અચરજ પમાડે છે અને અચંબો ઓગાળે છે. એ એક નથી, અનેક રૂપે વિસ્તરે છે અને એટલે જ એમનો આવિષ્કાર બહુરૂપિણીનો છે, બીજાને નિરામય કરે છે, પણ પોતે મહારોગને સ્વીકારે છે. એમણે જાણે લિંગ અને યોનિ બંનેને ધારણ કર્યાં છે, પણ એનાથી પર થયા છે. એમને કળામાં રસ છે, પણ કળાકાર થઇને અટકતા નથી, જીવનના શાશ્વતીના કલાધર થાય છે, અંતર્યામી છે, પણ એમાં જ એમની અસાધારણતા છે. આપણે છેતરાઈ જઈએ એવી સરળતા એમના જીવનમાં છે. એ abnormal નથી super normal છે. કોઈ બાહ્ય ઠાઠ નથી; વકતૃત્વની કળા નથી; પણ વિનમ્ર ભક્તનું જીવન કેવું અસાધારણ હોય એનો સંસ્પર્શ અનુભવાય છે. એ સ્મશાનમાં શિવ છે, ઉદ્યાનમાં ગોપી છે, કૃષ્ણ છે. સિદ્ધપુરુષ છે છતાં સાધક છે. કાલીમાતાના મંદિરમાં સનાતન શિશુ છે, મસ્જિદમાં મુસલમાન છે, દેવળમાં ખ્રિસ્તી છે. હિંદુ ધર્મ પ્રમાણે ધ્યાન અને ભક્તિ કરે છે ને નામકરણનો ઓચ્છવ ઊજવે છે, મુસલમાન થઈને બંદગી કરે છે, ખ્રિસ્તી થઈને ઈશુનો સાક્ષાત્કાર કરે છે. રૂપમાંથી અરૂપ તરફ ગતિ કરી પરમાત્માના સ્વરૂપ તરફ પાછા વળે છે. વિરાટ વર્તુળમાં વિચરે છે, પણ પોતાનું કેન્દ્ર ચૂકતા નથી.

વાવાઝોડાની જેમ પરમાત્મા એમના જીવનમાં પ્રવેશ્યા અને દીવાની જ્યોતની જેમ શ્રીરામકૃષ્ણ સતત પ્રજ્વલતા રહ્યા. ગમે એટલી શારીરિક અને માનસિક યાતનાઓ અને અવસ્થાઓમાંથી પસાર થયા હોવા છતાં એમણે વાવાઝોડાનું સુગંધિત પવનલહરમાં રૂપાંતર કર્યું, તે એટલી હદે કે, એમ કહેવાય છે કે, એ પસાર થતા ત્યારે આસપાસના વાતાવરણમાં પરિમલ અને પમરાટ પથરાઈ રહેતો. એમને જીવમાં નહીં પણ શિવમાં રસ હતો. એમનું જીવન એટલે વ્યક્તિમાંથી વિભૂતિ થવાની, પુરુષમાંથી પૂર્ણપુરુષ થવાની, આત્મામાંથી પરમાત્મા થવાની, ભાવલોકમાંથી આલોક તરફ જવાની ગતિ. એ સ્ત્રીસ્વરૂપે કૃષ્ણની ભક્તિ કરતા, પણ સ્રૈણ નહોતા. એ ગાતા હતા પણ ગવૈયા નહોતા, નિજાનંદી ભજનિક હતા. એ નર્તન કરતા, પણ નાચણિયા નહોતા, એમનું નર્તન અર્ધનારીશ્વર નટરાજ શિવના જેવું હતું. એમને માટે સદ્ભાગ્યનો એક જ અર્થ હતો : ભગવાન મળે તે ભાગ્યવાન.

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.