‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકમાં ગુજરાતી સાહિત્યના મર્મી કવિ શ્રી મકરંદ દવે નું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું’ રજૂ કરતાં ધન્યતા અનુભવું છું. સૂર્યના આગમન સાથે જીવસૃષ્ટિ માત્ર અને પ્રકૃતિ ખીલી ઊઠે એમ કવિ શ્રી મકરંદ દવેના કાવ્યાગમન સાથે લોકહૈયાં આનંદવિભોર બની ઊઠે છે. એમનાં કાવ્યોનો મિજાજ જ કંઇ એ પ્રકારનો છે. એમાં આનંદ છે, મસ્તી છે, સૌન્દર્ય છે, માંગલ્ય છે. એમાં સરળતા છે, સહજતા છે, સહૃદયતા છે. એમાં સંગીત છે, ધ્વનિ છે, લય છે, એમાં તેજ છે, ઓજ છે. કોઈએ એમને ‘રાજહંસ’ કવિ કહ્યા તો કોઈએ એમને ગુજરાતના ટાગોર કહ્યા. એમની પોતાની આધ્યાત્મિક સાધનામાં એમણે સિદ્ધાવસ્થાનાં સર્વોચ્ચ શિખરો સર કરી લીધાં છે અને સૌન્દર્યના ધામમાં પ્રવેશ મેળવી લીધો છે. એટલા માટે જ એમની ઝંખના સૌન્દર્યનું ગાણું ગાવાની જ રહી છે, માંગલ્યનું ગાણું ગાવાની જ રહી છે. વળી વૈયક્તિક રીતે કવિએ પોતે સૌન્દર્યના જે ધામમાં પ્રવેશ મેળવી લીધો છે, એમાં આપણને સૌને તેઓ સામેલ કરવા માગે છે, એટલે કવિની ઝંખના એ મારી, સૌની ઝંખના બની રહે છે.

સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ, ને વેદનાની ઝાળમાં
સળગી રહે વન સામટાં, ત્યારે અગોચર કોઈ ખૂણો…

સત્યને માર્ગે જતા સતવાદીઓ, પ્રભુને પામવા મથતા ભક્તો, સમાજ સુધારણા માટે ભેખ લેતા સમાજ સુધારકો, દેશની આઝાદી માટે માથે કફન બાંધી નીકળી પડતા ક્રાંતિવીરો, આ બધા લોકો ઉપર ઘા પડવામાં બાકી શું જ રહ્યું નથી. પ્રહારો ઉપર પ્રહારો આવ્યે જાય છે પણ આ મરજીવાઓ તો વળતો પ્રહાર કર્યા વિના આગળ ને આગળ જ વધી રહ્યા હોય છે. નહીં ગાળાગાળી, નહીં કટુતા, નહીં કર્કશતા, નહીં કડવાશ, બસ, એક જ ધૂન. ધ્યેયપ્રાપ્તિ! મુખમાંથી વહેતું એક જ ગાન,

‘સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો’

રામકૃષ્ણ મિશનની સ્થાપનાના શરૂઆતના દિવસો. સંન્યાસીઓને, સમાજ ભંગી કહે, હડધૂત કરે, ઉપેક્ષા બતાવે. ખાવા ધાન નહિ. સમાજની વિરૂપતા અત્યંત કદરૂપું રૂપ ધારણ કરી સામે આવી ખડી થઈ. પણ સૌન્દર્ય-માર્ગના આ યાત્રિકોને મુખથી તો ‘સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે બને વિરૂપ સહુ’ પંક્તિ જ સરી પડતી.

ગાંધી આશ્રમમાં હરિજન દીકરીને મહાત્માજીએ દાખલ કરી અને કહેવાતા ચોખલિયા સમાજનો વિરોધ આસમાને પહોંચ્યો. પણ ગાંધીજીના મુખેથી તો,

‘જ્યારે પડે ઘા આકરા, જ્યારે વિરૂપ બને સહુ,
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલ વરણાં, ડોલતાં હસતાં કૂંણાં તરણાં
તણું ગાણું મુખે મારે હજો.’

‘અમલ પિયાલી’ – મકરંદ દવેની કવિતાના – સંપાદક કવિશ્રી સુરેશ દલાલ મકરંદ દવેની તૃણપ્રીતિ વિશે લખતાં જણાવે છે, ‘તરણાં’ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠ ઉપર કવિએ ચાર પંક્તિ મૂકી છે :

સૂકી જમીન પરનાં ઝૂકી રહેલ તરણાં
ક્ષણ એકનાં નિવાસી
પણ પ્રેમનાં પ્રવાસી
કોઈક હશે લીલાં તો કોઈ સોન વરણાં.

શ્રી સુરેશ દલાલ જણાવે છે, ‘આ પંક્તિઓ ‘પ્રેમ પદારથ’ની સૂચક છે. આ તરણાં સૂકી જમીન પર ઝૂકે છે. આ ઝૂકવામાં જ અહંકારનું વિગલન અને સ્નેહાર્દ્રતા છે. પ્રેમનું પ્રકટીકરણ ક્ષણાર્ધમાં જ થતું હોય છે. આ નિવાસ કે પ્રવાસમાં જે કાંઈ જીવે છે તેની પૂર્ણપણે જીવવાની અભિપ્સાનું સૂચન અહીં સંભળાય છે. અલબત્ત, લીલા કે સોનલ વર્ણા રંગ અને પ્રકાશમાં,’

વિરૂપતાના કદરૂપા ચહેરા પ્રત્યે અણગમો પણ નહિ, મહારાજા દશરથના રાણીવાસમાં સુરૂપ કૈકયીની વિરૂપતા, ‘રાજા રામને વનવાસ અને ભરતને અયોધ્યાની ગાદી’ની માગણીમાં છતી થઈ ગઈ. પરંતુ રામચંદ્રજીના મુખ પરની એક રેખા પણ ન બદલી. ‘શ્રી રામનામ સંકીર્તન’ નામની પુસ્તિકામાં પાના સાત ઉપર, સાતમો શ્લોક છે, ‘શ્રીરામચંદ્રજીના મુખકમલની જે શોભા રાજ્યાભિષેક થવાના નિશ્ચયથી ન પ્રફુલ્લિત થઈ અને વનવાસના દુ:ખથી ન મિલન થઈ તે શોભા મને મંગલકારી થાઓ.’

રામચંદ્રજીની દૃષ્ટિ પણ કૈકયીની વિરૂપતા પર ન પડી.

કાગડાની વિરૂપતા સમજી શકાય પણ પંચમ સૂરમાં ગાતી કોયલ વિરૂપ બને તો?

શિયાળની લુચ્ચાઈમાં વિરૂપતા ડોકિયાં કરે એ સહ્ય છે, પણ શહેનશાહપદ શોભાવતો સિંહ વિરૂપ બને તો?

માનવતા વિનાની કોરી આધ્યાત્મિકતામાં ઘણી વાર વિરૂપતા જોવા મળે તો, શું કરવું! કવિ કહે છે, ‘સૌન્દર્યનું ગાણું ગાવું. અને આ ગાણું પણ કેવું?

તાજાં લીલાછમ ઘાસ જેવું,
મસ્તીથી ડોલતાં, હસતાં, કૂંણાં તરણાંના ગાન જેવું.

કાવ્ય ગતિ પકડે છે. કવિ કહે છે, જીવનમાં સેવેલાં સ્વપ્નો ભાંગીને ભુક્કો થઈ જાય, ઉપહાસની ડમરી ચડવા લાગે, વજ્રના પ્રહારો સહેવા પડે, તે છતાં,

‘ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો!’

જ્યાં સૌન્દર્ય દૃષ્ટિ છે, ત્યાં સાથે સાથે માંગલ્ય દૃષ્ટિ પણ ખીલી ઊઠે છે. પ્રેમથી, પ્રફુલ્લિત સ્વરે સમસ્ત વિશ્વના માંગલ્યની શુભ કામના અહીં જોવા મળે છે.

કવિ શ્રી સુરેશ દલાલ લખે છે, ‘મકરંદની કવિતાના આંતરપિંડને સમજવા માટે સહજ, આનંદ અને માંગલ્ય આ ત્રણ શબ્દો કામ આવે. તેમની કવિતા નિરાશા કે નિસાસાની નહીં; તાપ કે સંતાપની નહિ, પણ પ્રસન્નતાની છે. જીવનમાં વિરૂપતા હોય કે વેદના હોય તો પણ એને અંતે પ્રેમનો પ્રફુલ્લિત સ્વર બધું બદલી નાખશે, અમાંગલ્યની વચ્ચોવચ પણ :

આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

કાવ્યના ત્રીજા તબક્કામાં સીધો ઉછાળ જોવા મળે છે, અને એટલે જ કવિ શ્રી સુરેશ દલાલને મતે, કાવ્યમાં રહેલી ઝંખના, ઝંખના નહિ રહેતાં, પોલી ડંફાસ નહિ બનતાં, પ્રાર્થનાનું સ્વરૂપ ધારણ કરે છે.

‘લીલવરણાં, ડોલતાં, હસતાં, કૂંણાં તરણાં’ માટે કવિને પ્રેમ છે એમ જે ધરતીનું ધાવણ ધાવી કવિ મોટા થયા છે, એને માટેની પ્રીત પણ કવિની અનેરી છે.

એક દા જેને પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંક હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે….

માનું ધાવણ અને ઘરતીનું કણ જીવમાત્ર માટે પોષણ કર્તા છે. મા, જેમ ભૂમિ પણ હેતાળ હોય છે.

પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે

કવિ શ્રી મકરંદ દવેના અંગત જીવનથી જે પરિચિત છે, તેઓ સૌ એમની અપાર માતૃભક્તિથી પૂરેપૂરા જાણીતા છે, એવી જ રીતે ‘જન્મભૂમિ’ માટેની એમની ભક્તિ પણ અજોડ છે, ‘જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે’ એ ભાવના અહીં પણ વ્યક્ત થતી જોવા મળે છે અને આખરે લોચનો મીંચતાં પહેલાં ‘માતૃભૂમિ’ના પ્રકાશિત પ્રાણનું, એના હુલાસ સભર ગાનનું એના સુવાસિત દાનનું ગાણું કવિ મુખથી વહેતું રહે એવી કવિ પ્રાર્થના કરે છે.

જન્મ સમયે જે નિર્દોષ, ભોળું સુરૂપ બાળપણ હતું, મૃત્યુ સમયે પણ એ જ નિર્દોષતા અને ભોળપણ આપવાની કવિ પ્રાર્થના કરે છે. તો જ મૃત્યુ મહોત્સવ બની શકે!

આવતાં જેવું હતું, જાતાંય એવું રાખજો!
ઉત્સવ તણું ગાણું સુખે ત્યારે હજો!

કવિની ઝંખના જ્યારે પ્રાર્થનાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જગદંબા એ પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને પ્રત્યુત્તરમાં ‘અમૃત’ની, હૈયાધારણ આપતી ‘પ્રાસાદિક’ વાણી ગુંજી ઊઠે છે :

‘તમારા જીવનમાં દરેકે દરેક અસુંદર અને અમંગલ તત્ત્વો નષ્ટ થાય; તમારી ચેતનામાંથી સંઘર્ષ અને દ્વંદ્વો વિલીન થાય; અશુદ્ધિનો અને મર્યાદાઓની જગ્યાએ ભાગવતી શક્તિની શુચિતા, સંવાદિતા અને જ્ઞાન સ્થિર થાય; ભાગવત સૌંદર્ય, માધુર્ય અને ઓજસ્‌ સ્થાયી થાય; તમે આંતર અને બહિર્પ્રકૃતિના શાસક થાઓ અને જગદંબાની દિવ્યલીલાનાં મુક્ત પાત્ર બનો.’

દીપોત્સવીના પવિત્ર પર્વ ઉપર જીવ માત્રની ઝંખના, જગદંબા પરિપૂર્ણ કરે અને સો ઉપર ‘મા’ના આશીર્વાદ વરસી રહે એ જ પ્રાર્થના.

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.