(રામકૃષ્ણ મિશનની શિક્ષણની વિભાવના)

આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે?

વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ માટેની સ્વાર્થી પ્રવૃત્તિ તરફ દોરી જતા ડાબા મગજના કેવળ બૌદ્ધિક શિક્ષણનાં અંધકારપૂર્ણ પાસાંઓની લોકોને અનુભૂતિ થવાની શરૂઆત થવા માંડી છે. ૨૦મી ડિસેમ્બર ૧૯૯૩ના ટાઈમ મૅગેઝિને બંદુક તરફ અભિમુખ થતી અમેરિકન સંસ્કૃતિનું ભયાનક ચિત્ર બતાવ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સના અડતાળિસ ટકા નાગરિકો બંદુકો ધરાવે છે અને આને પરિણામે ૧૯૯૨ના એક જ વર્ષ દરમિયાન છ લાખ ચાલીસ હજાર અકસ્માતો એવા થયા છે જેમાં બંદુકો કારણભૂત હતી અને બાળકોએ વર્ગખંડોમાં બંદુકો ચલાવીને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા એવા બનાવોનો પણ સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ‘આ બંદુક – સંસ્કૃતિ સાથે ક્યાં સુધી પ્રયાણ કરવું છે?’

પરમાત્માનું અસ્તિત્વ જ જેમણે સ્વીકાર્યું નથી એવા કહેવાતા સામ્યવાદે કેટલાક દસકાઓ સુધી જ્યાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોને કાં તો ઠુકરાવી દીધાં હતાં અથવા તો તેને સદંતર મીટાવી દીધાં હતાં એવા સમાજમાં ચાઈનિઝ સરકારને ગુન્હેગારને મોતની સજાઓને વધારે તીવ્રતર બનાવવી પડી હતી. સ્વીડને પોતાના દેશને ‘ગર્ભનિરોધક’ સમાજ તરીકે જાહેર કરવો પડ્યો હતો.

જેઓ એક યા બીજા પ્રકારના માનસિક વિકારોથી પીડાતા હતા તેવા જાપાનના ચુંવાળિસ ટકા ટોચના અધિકારીઓની માનસશાસ્ત્રીય સારવાર માટે અનેક હૉસ્પિટલો સ્થાપવાની આવશ્યકતા વિશે જાપાનીઝ સરકારે સને ૧૯૯૨માં જાહેરાત કરી હતી. ભારતની રાષ્ટ્રીય સરકારે મંજૂર કરેલ નીતિનિરપેક્ષ અને તથાકથિત ધર્મનિરપેક્ષ શિક્ષણ પદ્ધતિનાં કડવાં ફળ ભારતમાં મળવાનાં શરૂ થઈ ગયાં છે. અને ૧૯૮૯માં, ખાસ કરીને યુવા પેઢીમાં, માદક પદાર્થોના એક લાખ વ્યસનીઓ સાથે દિલ્હીની આખા વિશ્વમાં વધારેમાં વધારે માદક પદાર્થોથી અસરયુક્ત શહેર તરીકે ગણના કરવામાં આવી છે. સને ૧૯૮૫ અને ૧૯૮૬માં ભારત સરકાર તરફથી પ્રસિદ્ધ થયેલા હેવાલો કબૂલ કરે છે કે ‘પશ્ચિમના વિચારોને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવે છે અને ભારતના દાર્શનિક અને માનસશાસ્ત્રી વિચારોનો પર્યાપ્ત પ્રભાવ પડતો નથી.’ (નૅશનલ પૉલિસી ઑન ઍજ્યુકેશન, ૧૯૮૬, પૃ.૧૯૫) ‘શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં મૂલ્યોના કાળક્રમે થતા ધોવાણને અતિ ભયંકર પ્રગતિ તરીકે જોવામાં આવે છે.’ (ચૅલેન્જ ઑફ ઍજ્યુકેશન, ૧૯૮૫, પૃ. ૧૫-૨૫) ૧૯૮૫નો હેવાલ, ‘લોકતાંત્રિક’, ‘નૈતિક’, ‘આધ્યાત્મિક મૂલ્યો’વાળી મૂલ્ય પદ્ધતિ જે વૈજ્ઞાનિક પણ હોય અને સાથે સાથે આચરણમાં પણ મૂકી શકાય એવી હોય તેવી પદ્ધતિની આવશ્યકતાનું પ્રતિપાદન કરે છે. પરંતુ આજે ૧૯૯૭ સુધી આપણી ધર્મનિરપેક્ષ શિક્ષણ નીતિ રાષ્ટ્રીય કક્ષાએ આ વિચારોને પરિણત કરવા માટે નિષ્ફળ નિવડી છે.

વેદાંત દર્શન અનુસાર માનવ વ્યક્તિત્વ પાંચ સ્તરો અથવા કોષોનું બનેલું છે. આ પાંચ કોષો આ પ્રમાણે છે : (૧) અન્નમય કોષ (૨) પ્રાણમય કોષ (૩) મનોમય કોષ (૪) વિજ્ઞાનમય કોષ (૫) આનંદમય કોષ.

પશ્ચિમમાં માનવીને માત્ર એક શરીર ગણવામાં આવે છે. એને આત્મા છે. ભારતમાં મૂળભૂત રીતે માનવી અશરીરી આત્મા છે, જે પ્રકટ થનાર જીવાત્માની ઇચ્છા પ્રમાણે શરીર ધારણ કરે છે. આનંદમય આત્મા અને માનવ શરીર વચ્ચે અસ્તિત્વનાં ત્રણ સ્તરો આવેલાં છે. કેવળ ડાબા મગજનું શિક્ષણ પ્રથમ દર્શાવેલા ચાર કોષો સુધી વિસ્તરી શકે છે પરંતુ છેવટના અશરીરી પારલોકિક આત્મા જે અનંત બ્રહ્માનંદ સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે તેનો સ્પર્શ કરી શકતું નથી.

આથી મુંડક ઉપનિષદે આપણને બે પ્રકારની વિદ્યા શીખવી છે – પરા અને અપરા. એક બાહ્ય જીવનની પૂર્ણતા માટેની છે અને બીજી આંતરિક પૂર્ણતા માટેની છે. માનવીની અંદર નિહિત થઈને રહેલી દિવ્યતાના સૂક્ષ્મ જ્ઞાન સિવાયનું આ જીવન એક આત્મઘાતી જીવન છે એમ ઈશ ઉપનિષદ કહે છે.

જે કેવળ ‘યાન’નો એટલે કે ડાબા મગજનો જ વિકાસ કરે છે તેવા શિક્ષણના આ અસંતુલિત વિકાસનું પૂર્વદર્શન સ્વામી વિવેકાનંદને એક સૈકાં પહેલાં થયું હતું. આ ડાબું મગજ તર્કનો, સંચયનો, આક્રમણશીલ ગતિવાદનો અને અંગત સફળતા મેળવવા માટે અંતહીન લોભનો તથા બાહ્ય જીવનની સંપૂર્ણતા માટે પગાર, ભવિષ્ય લાભ અને તરક્કીનો જ વિચાર કરે છે. આ અપરા વિદ્યા છે. આંતરિક જીવનની પૂર્ણતા માટે, તમામ લોકોના કલ્યાણ માટે, તમામ લોકોના હિત માટે, (બહુજન સુખાય, બહુજન હિતાય) જીવન જીવીને સંપૂર્ણ જીવન દ્વારા સફળતા મેળવવા માટે અથવા બ્રહ્માનંદની આધ્યાત્મિક અનુભૂતિ માટે અને આત્માની અંદર રહેલી અપરિચિત શક્તિ કે જે પ્રાર્થના, ધ્યાન, યોગ અથવા નિઃસ્વાર્થ સેવા દ્વારા પ્રકટ થાય છે, તેનો પારલૌકિક અનુભવ કરવા માટે, સંપૂર્ણ ચેતનાના પાસાંને સ્પર્શ કરતા ‘યીન’ અથવા જમણા મગજના વિકાસ માટે આપણા અભ્યાસક્રમમાં તદ્દન મામુલી અથવા તો કશી જ જોગવાઈ કરવામાં આવી નથી. પરિણામે, ઍરિસ્ટોટલના મત મુજબ રાજકીય પશુઓ, ફ્રૉઇડના કહેવા પ્રમાણે જૈવિક પશુઓ, બૅન્જામિન ફ્રેંકલિનના મત મુજબ હથિયાર ઉત્પાદન કરનાર પશુઓ અથવા ઍલ્વિન ટૉફ્લરના કહેવા મુજબ આર્થિક પશુઓ જેવાં પુરુષો અને સ્ત્રીઓ જન્મે છે. આપણો અભ્યાસક્રમ જેનો મુખ્ય આધાર વિજ્ઞાન અને ટૅકનોલોજીની શ્રેષ્ઠતા ઉપર છે તે પ્રતિભાશાળી અને અસાધારણ શક્તિસંપન્ન બહિર્મુખ વ્યક્તિઓ પેદા કરે છે. પરંતુ કમનસીબે બેશરમ અને સ્વાર્થી અસુરો અથવા હજાર કરોડના કૌભાંડમાં ખરડાયેલા રાજકારણીઓ જેઓ સામાન્ય જનસમાજની એકઠી થયેલી પૂંજીની ચોરી કરે છે એટલું જ નહિ, પરંતુ પોતાના જેવા જ ‘સ્વાર્થી અસુરો’ની સહાયથી રાજ્યોમાં સત્તા હાંસલ કરી રાજ્ય કરે છે એવા લોકો કેવળ ડાબા મગજની શિક્ષણ પદ્ધતિમાંથી જ જન્મે છે.

ઍવોર્ડ જીતનારી અમેરિકન ફિલ્મના નિર્માતા પ્રૉ. ઍલીગ્રા ફૂલર સીન્ડર લખે છે, ‘રોબર્ટ ઑર્નસ્ટેને મગજના જમણા અને ડાબા ગોળાર્ધ ઉપર કરેલું કાર્ય અને કૅલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઑફ ટૅકનૉલૉજીના ડૉ. રૉજર ડબલ્યુ સ્પૅરી, જેમણે ૧૯૮૧માં નૉબેલ પારિતોષિક મેળવ્યું, તેમણે એ જ વિષય પર કરેલું વધારે મહત્ત્વનું કાર્ય સૂચવે છે કે જે જ્ઞાનનો પ્રયોગાત્મક અને જ્ઞાનેન્દ્રિય બોધાત્મક જ્ઞાનમાર્ગ છે તે જમણું મગજ માત્ર જ્ઞાનનો સંચય કરનારા ડાબા મગજ કરતાં તદ્દન જુદું જ છે અને ઉચ્ચ શિક્ષિત સમાજોમાં પણ જેનો બહુ ઓછો ઉપયોગ થાય છે એવો એ જ્ઞાનનો માર્ગ છે. પરંતુ તાજેતરમાં જ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જ્યારે આપણે પશ્ચિમવાસીઓ આપણા મગજની સંપૂર્ણ શક્તિના અર્ધા ભાગનો ઉપયોગ કરીને આપણું કાર્ય ચલાવીએ છીએ ત્યારે આ હકીકત આપણા માટે કઇ સમસ્યાઓ ઊભી કરે છે. (SPACE IGNCA. પૃ. ૪૪૩, અભિનવ પ્રકાશન, ૧૯૯૧, ન્યુ દિલ્હી), ‘બ્રેક ડાઉન ઑફ ધ બાયકૅમેરલ માઈન્ડ’ નામના પુસ્તકમાં જુલિયન જૅમ્સે બતાવ્યું છે તે મુજબ બે ભાગવાળું આપણું મગજ ભાંગી પડ્યું છે, અથવા જેઓ બાહ્ય વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં ખૂબ શક્તિશાળી છે અને જેઓ ધનદોલતની લાલચને, ખૂનને અને આત્મહત્યાને નાથવામાં તદ્દન નબળા પૂરવાર થયા છે એવા ખંડિત વ્યક્તિત્વોના નિર્માણમાં પરિણમ્યું છે.

જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય?

(૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા :

નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ પાડવાથી સાચી નમ્રતા, શાંતિ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિનો તથા આ રીતે શિક્ષકો પ્રત્યેના આદરનો ઉદય થાય છે. સ્પંદનો ઉત્પન્ન કરનાર સંસ્કૃત ગાન સાથેનું મધુર લયબદ્ધ મંદ મંદ સંગીત અલૌકિક વાતાવરણનું સર્જન કરે છે. વિધિપૂર્વક ‘ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્’ને ધ્રુવપદ રાખીને આદિ શંકરાચાર્યના નિર્વાણષટકનું ગાન આજ કાલ ઘણી બધી સંસ્થાઓમાં પ્રારંભની પ્રમાણભૂત પ્રાર્થના બની ગઈ છે.

(૨) ધ્યાન અથવા યોગ દ્વારા :

વિદ્યાર્થીઓ થોડી ક્ષણો માટે પણ પોતાની અંદર રહેલા અપરિમિત ઉત્સાહ, આનંદ અને સામર્થ્યના સંપર્કમાં આવે એ રીતે શાળાના વર્ગખંડમાં ઊંડી અને શાંત પ્રાર્થનાની શાંતિનું ધ્યાન શીખવવામાં આવે અને તેનો અભ્યાસ કરાવવામાં આવે – યોગાસન અને પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરવાની બાબત પણ મહત્ત્વની બનતી જાય છે.

(૩) જપ દ્વારા :

‘ૐ’ અથવા ‘ૐ’ થી શરૂ થતા ‘ૐ નમઃ શિવાય’ અથવા ‘હરિ ૐ રામકૃષ્ણ’ જેવા ઈશ્વરના નામોનું રટણ કરવાનું વિદ્યાર્થીઓને શિખવવામાં આવે. થોડી મિનિટો ‘ૐ’નું રટણ કરવામાં આવે તો તે સ્ફૂર્તિ, નવીન શક્તિ અને ઊંડી એકાગ્રતા પ્રદાન કરે છે.

(૪) શાળા અથવા શિક્ષણની સંસ્થા અથવા ઑફિસ, હૉસ્પિટલ અથવા ઉદ્યોગની સંસ્થાઓનું મંદિરમાં રૂપાંતર કરીને:

શાળાના પ્રાંગણને (પરિસર) નિયમિત રીતે સ્વચ્છ રાખીને એને મંદિરમાં પરિવર્તિત કરી દેવામાં આવે. પરિસરમાં મહત્ત્વનાં સ્થાનો ઉપર અને દરેક સીડીની જગ્યાઓ ઉપર દેવી-દેવતાઓ, ઇતિહાસના પ્રસિદ્ધ વીરપુરુષો, હિમાલય, નદીઓ, જંગલો, ઉદ્યાનો વગેરેનાં સુંદર ચિત્રો મૂકવામાં આવે. વ્યવસ્થિત રીતે આલેખાયેલાં સુંદર અવતરણો અને ઉક્તિઓને શાળામાં લગભગ બધી જ જગ્યાઓએ પ્રદર્શિત કરવામાં આવે. વિશાળ સંખ્યામાં વૃક્ષો અને ફૂલો હોય તો વધારે ઑક્સીજનથી પરિપૂર્ણ વાતાવરણ ઊભું કરે છે. જેમ બેડોળ, અપવિત્ર વાતાવરણ આપણામાંના અસુરને બેઠો કરે છે તેવી જ રીતે પવિત્ર પ્રાંગણ આપણામાં રહેલા ઈશ્વરને પ્રેરિત કરે છે. પતંજલિનું યોગસૂત્ર આ વિચારોની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે :

તતઃ તત્ વિપાક, અનુગુણાનામ્

એવ અભિવ્યક્તિઃ વાસનાનામ્

(જે વાતાવરણમાં જે યોગ્ય હોય તે ગુણો બહાર આવે છે.)

(૫) વિધેયાત્મક ચિંતનની શક્તિ : (જ્ઞાન માર્ગ)

ક્રાઈસ્ટ, બુદ્ધ, આઈનસ્ટાઈન અથવા નૅપોલિયનની જેમ વિદ્યાર્થીઓની અંદર પણ જ્ઞાન, શ્રેષ્ઠતા અને આનંદની અનંત ક્ષમતા રહેલી છે એવું સતત ઉચ્ચારણ કરતા રહેવું અને વિદ્યાર્થીઓને સ્પષ્ટ શબ્દોમાં એ જણાવતા રહેવું. વિધેયાત્મક આશાવાદી અને આદ૨પૂર્ણ શબ્દો રુધિરતંત્રમાં એક સેકન્ડના પચાસમાં ભાગમાં લાખો સકારાત્મક રસાયણોનું (ન્યૂરો ટ્રાન્સમિટર્સ) સર્જન કરે છે. તે જ પ્રમાણે, મા-બાપો તથા શિક્ષકો તરફથી બોલાતા નકારાત્મક, નિષ્ફળતા પ્રેરક અને નિરાશાત્મક શબ્દો એ જ રુધિરતંત્રમાં એક સેકન્ડના પચાસમાં ભાગમાં નિર્બળ અને કમજોર નકારાત્મક રસાયણોનું સર્જન કરે છે. સકારાત્મક અને નકારાત્મક વિચારોના અલ્પમાત્રાના સ્પર્શથી પણ અંદર જન્મ પામતાં ઍન્ડોરફિન્સ (Endorphins) અથવા ઍન્કેફૅલિન્સ (Enkephalins) જેવાં રસાયણોની શોધ એ સિત્તેરના દાયકામાં થએલી મહાન તબીબી સંશોધનમાંની એક છે. વિચારો અથવા સ્મૃતિઓ પણ આપણા ડી.ઍન.એ. (D.N.A.)માં ફેરફાર લાવી શકે છે અને અપાર્થિવ સ્તરે રોગોમાં પરિવર્તન આણી શકે છે અથવા રોગોને મટાડી શકે છે, (ધ કવૉન્ટમ્ હિલીંગ, ડૉ. દિપક ચૉપરા, પૃ. ૧૦૪, ૧૨૭ : બૅન્ટમ્)

(૬) આંતર-માનવીય સંબંધો દ્વારા :

આચરણમાં અને આંતર માનવીય સંબંધોમાં વિદ્યાર્થીની અંદર નિહિત થઈને રહેલી દિવ્યતા અને અનંત સામર્થ્ય અંગે સતત ઉચ્ચારણ કરતા રહીને એમને એ પ્રમાણે કહેતા રહેવું. લોકોની આવશ્યકતાઓ છે તે પ્રમાણે પરંતુ સાથે સાથે તેઓની અંદર રહેલી દિવ્યતા પ્રત્યે આદર રાખીને સેવા કરવાનું આપણને શ્રીમદ્ ભાગવત્ શિખવે છે. – અર્ચયેત્ દાનમાનાભ્યામ્ – અથવા દરેક જણે માનવીની પૂજા ઉપહાર અને આદરના ભાવથી કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણે આપણને શિખવ્યું છે તે મુજબ જીવોમાં રહેલા શિવની સેવા કરી ને. (શિવજ્ઞાને જીવસેવા)

(૭) શિક્ષકના નવા વ્યક્તિત્વના વિકાસ દ્વારા :

શિક્ષકનું વ્યક્તિત્વ નિષ્કપટ, આદરયુક્ત, સહાનુભૂતિપૂર્ણ, પવિત્ર અને પ્રેરણાદાયી હોય એનો અર્થ એ થાય કે શિક્ષકની પોતાની અંદર આધ્યાત્મિક શક્તિ હોવી જોઈએ અને એમણે સ્વયં પોતે થોડા સમય માટે પણ નિયમિત આધ્યાત્મિક સાધના કરેલી હોવી જોઈએ. જ્યારે શિક્ષકમાં રહેલી દિવ્યતા થોડી ઘણી પણ ઉન્નત થશે ત્યારે વિદ્યાર્થી એની હાજરીમાં સ્ફૂર્તિનો અનુભવ કરશે. સ્વામીજીએ જેની કલ્પના કરી હતી એ આદર્શ આ જ હતો. ગુરુ ગૃહવાસ- ‘ઉષ્માપૂર્ણ ચારિત્ર્ય’વાળા ગુરુઓની સાથે નિવાસ કરવો.

(૮) વૈશ્વિક સેવા દ્વારા :

દરેક વિદ્યાર્થી સફળતાની, નામ અને કીર્તિની તથા સંપત્તિની આકાંક્ષા રાખે છે. પરંતુ આ ત્રણેય પ્રાપ્ત કરવાનો માર્ગ આપણામાંથી મોટા ભાગનાને ખબર નથી. શ્રીમદ્ ભગવદ્‌ગીતાનો છેલ્લો શ્લોક આપણને શિખવે છે કે સફળતા, સંપત્તિ અને સારી નામના ત્યારે જ મેળવી શકાય જ્યારે અર્જુન જેવા બહાદુર વીરપુરુષની જેમ ભગવાન શ્રીકૃષ્ણે આપેલા સંદેશાને અનુસરીએ અને અંગત સફળતા, અથવા મહિમા માટે નહિ પરંતુ આપણી આસપાસના લાખો લોકોના ભલા માટે જીવીએ અને સતત કાર્યશીલ રહી અથાગ પરિશ્રમ કરીએ. એનાથી ઉલટું, ગાંધારી એના પોતાના અતિ તેજસ્વી પુત્ર દુર્યોધન (મહાપ્રાજ્ઞ) ને કહે છે કે સ્વાર્થી માણસમાં ગમે તેટલી કુશળતા હોય છતાં એ સફળતા તો પ્રાપ્ત નહિ કરી શકે પરંતુ વ્યક્તિગત પરિશ્રમ કરીને, ખોટા માર્ગે એણે જે કાંઈ પ્રાપ્ત કર્યું હશે તે પણ ગુમાવી બેસશે. સ્વામીજીએ માઈસોરના મહારાજાને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે ‘એવા માણસો જ સાચું જીવન જીવે છે જેઓ અન્યને માટે જીવે છે. બાકીના બધાં તો જીવતા છતાં મરેલા જ છે.’

દર ત્રણ મહિને શાળાઓએ સમાજ સેવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ, જેમાં વિદ્યાર્થીઓ ગરીબમાં ગરીબ લોકોની સંપૂર્ણ સન્માનપૂર્વક સેવા કરે. માનવીમાં રહેલા ઈશ્વરની પૂજા કરવાની બાબતમાં સિસ્ટર નિવેદિતાને પ્રેરણાદાયી સંદેશો આપતાં સ્વામીજીએ જણાવ્યું હતું કે ‘ચાલો, આપણે ભિખારીઓના ચરણોની સેવાથી જ પ્રારંભ કરીએ.’

(૯) ‘વિદ્યાર્થી એ ઈશ્વર અને શિક્ષક એ પૂજારી’ એવા નવીન દૃષ્ટિકોણ દ્વારા :

શિક્ષક પોતે એક પૂજારી છે અને વિદ્યાર્થી એની સામે પ્રત્યક્ષ રીતે પ્રગટ થયેલા પરમાત્મા છે. આપણે પૂજા, પ્રાર્થના અથવા ધ્યાન કરીએ છીએ ત્યારે તે ક્ષણોમાં આપણે આપણી તમામ શક્તિ અને શ્રેષ્ઠતાની અભિવ્યક્તિ કરીએ છીએ. જો શિક્ષક પોતાના મનનું વલણ એવું રાખે કે દરેક વર્ગખંડ એ પૂજાખંડ છે અને દરેક વિદ્યાર્થી એ દેવ અથવા દેવી છે અને પોતે શાળાના થોડા કલાકો દરમિયાન પૂજારી છે, તો શિક્ષક અને વિદ્યાર્થી બંનેમાં તાત્કાલિક માનસિક પરિવર્તન આવશે. એક સાધારણ શિક્ષકમાં પણ થોડા જ દિવસોમાં નવા જ શક્તિશાળી અને વધારે આકર્ષક વ્યક્તિત્વનો વિકાસ થશે. પોતાના મગજનું તથા બુદ્ધિ સામર્થ્યનું સ્વયં પોતે જેની કલ્પના કરી શકે તે કરતાં વધારે પ્રદર્શન અજાણપણે કરશે. એ પોતે જ પરિપૂર્ણતાની પ્રગાઢ અનુભૂતિ પ્રાપ્ત કરશે.

એક સૈકા પહેલાં સ્વામીજીએ અમેરિકનોને કહ્યું હતું : ‘યાદ રાખો, વિદ્યાની કશી જ કિંમત નથી. વિદ્યામાં તો ગેરસમજણ પણ થઈ શકે. જ્ઞાનનું સાચું મૂલ્ય મનને સબળ કરવામાં તથા તેને સુસંસ્કૃત કરવામાં છે. સતત આટલું બધું અવિદ્યાનું ભોજન ગ્રહણ કરવા આપણે મંદાગ્નિીથી પીડાતા નથી એ આશ્ચર્ય છે. (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ ૨, પૃ. ૬૫-૬૬) સ્વામીજીના અભિપ્રાય પ્રમાણે ‘સાધનો બનાવવાં’ અથવા ‘પુસ્તકો વાંચવાં’ એનાથી કાંઈક વધારે ઉચ્ચતર, એવો શિક્ષણનો અર્થ થાય છે. સ્વામીજી એવા શિક્ષણની શોધમાં હતા કે જે આપણા સમગ્ર જીવન દરમિયાન પચ્યા વગર અનિયંત્રિત રીતે વધ્યા જ કરે એવા માહિતીના ઢગલા નહિ, પરંતુ સાચો માનવ બનાવે, ઈશ્વર બનાવે, જીવનનું નિર્માણ, ચારિત્ર્યનો વિકાસ કરે અને વિચારોને આત્મસાત્ કરે.

અનિયંત્રિતપણે વધતી રહેતી માહિતી એ આજની યુનિવર્સિટીઓમાં અને કૉલેજોમાં સમાનપણે નજરે પડતી ઘટના છે. યુનેસ્કોના છેલ્લામાં છેલ્લા હેવાલ પ્રમાણે સમગ્ર દુનિયામાં છેલ્લા ત્રણ દાયકામાં શિક્ષણના ઉચ્ચ સ્તરોએ પ્રવેશની સંખ્યા બસો ટકા વધી છે એ ખૂબ દેખીતી બાબત છે. થિયોડોર રૉઝૅક લખે છે કે આમ છતાં પણ યુવાનો ‘બગડી ગયા છે’, કારણ કે તેમનામાં એવી માન્યતા ઠસાવવામાં આવી છે કે આનંદ કરવો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તથા માનવી બનવું એ બે વચ્ચે કશોક સંબંધ છે.

(૧૦) સ્પર્ધાઓ ટાળવા માટે આધ્યાત્મિક સંસ્કૃતિ મારફત, ઉત્કૃષ્ટ સર્જનશીલતા અને કાર્ય, અભ્યાસ (અથવા ઉત્પાદન કાર્ય)ની શ્રેષ્ઠતા માટે પ્રોત્સાહિત કરીને :

સ્પર્ધા કેવી રીતે ટાળી શકાય? જવાબ ખૂબ જ સ્પષ્ટ છે, શ્રેષ્ઠતા સ્પર્ધાને ટાળે છે. આધ્યાત્મિક સંસ્કૃતિ (એટલે કે અંદર નિહિત થઈને રહેલા આત્મા અથવા પરમાત્માની – અપરિમિત શક્તિના સ્રોત એવા અપાર્થિવ આત્માની અભિવ્યક્તિ) શરીર, બુદ્ધિ અને મનની વધુ ને વધુ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરાવે છે. સ્વાભાવિક રીતે જ કાર્ય વધારે ગુણવત્તાવાળું બને છે અને તેથી જ્યારે કાર્ય અથવા ઉત્પાદનશીલતાની ખાતરી થાય છે ત્યારે સ્પર્ધા ઓછી થાય છે અથવા તો બિનજરૂરી ગણાય છે. આધ્યાત્મિક સંસ્કૃતિ માણસને આંતરદૃષ્ટિની ક્ષમતાનો વિકાસ સાધવામાં સહાય કરે છે. અને આંતરદૃષ્ટિ જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી ઉત્કૃષ્ટ સર્જનશીલતા તરફ દોરી જાય છે. નૉબેલ પારિતોષિક વિજેતા હીડેકી યાકાવા ‘ક્રિએટિવિટિ ઍન્ડ ઈન્ટયુશન’ નામના એના પુસ્તકમાં (૧૯૭૫, કોદંશા ઈન્ટરનૅશનલ) લખે છે કે ‘ભારતીયો આ આંતરદૃષ્ટિની શક્તિથી સંપન્ન છે.’

આ શાશ્વત સત્યો અને વૈશ્વિક મૂલ્યોનો આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં સ્વીકાર કરીએ તો શું બને?

જવાબ એ છે કે આપણે એવા સંપૂર્ણ માનવીનું સર્જન કરી શકીશું જે પશ્ચિમના વિજ્ઞાન, ટૅકનૉલોજીની ઉત્કૃષ્ટ શ્રેષ્ઠતા તથા પશ્ચિમની ગતિશીલતા તથા સંગઠન શક્તિની સાથે સાથે સમાન રીતે દરેક વ્યક્તિમાં પ્રચ્છન્ન રહેલાં અનંત શક્તિ – સામર્થ્ય અને શ્રેષ્ઠતાના ભારતીય આધ્યાત્મિક દર્શનથી સુસજ્જિત હોય, શ્રીમદ્ ભગવદ્‌ગીતા જેમ ભારપૂર્વક પ્રતિપાદિત કરે છે તેમ છેવટની સફળતા અને સંપત્તિની પ્રાપ્તિ તમામ જીવો માટે વૈશ્વિક જીવન જીવવાથી જ થાય છે. બહારથી રાજા જેવા દેખાતા હોય અને અંદરથી સંન્યાસી જેવા હોય એવા બંને ગુણોનું સંયોજન થયું હોય તેવા, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ભૂલ વગરના નિર્ણયો કરીને અને કદમ માંડીને કાર્યરત રહી શકે એવા રાજર્ષિઓના જીવનમાં જ આની અનુભૂતિ થઈ શકે છે. આ નવા શિક્ષણમાંથી જન્મ લેતા અને ભારતના લોકોમાંથી જ ઉદયમાન થાય એવા રાજર્ષિઓ માટેનું સ્વપ્ન સ્વામી વિવેકાનંદ સેવતા હતા. સ્વામી વિવેકાનંદ પાસેથી જ પ્રેરણા પ્રાપ્ત કરીને જમશેદજી ટાટા અને રૉકફૅલર વાસ્તવિક જીવનમાં આ પ્રમાણેની આધ્યાત્મિકતાથી અભિમુખ થયેલા દૃઢનિશ્ચયી પુરુષો બન્યા.

જમણા મગજની આધ્યાત્મિક સંસ્કૃતિ વાસ્તવિક જીવનમાં સુસ્તી, માત્ર પરલોક જીવનની ચિંતા કરનારી વૃત્તિ અને ઘટતી જતી કાર્યશક્તિને જન્મ નહિ આપે?

એથી તદન ઉલટું. શાંત, સૌમ્ય, એકાગ્ર થયેલું મન જ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ઉત્પાદકકાર્ય નિષ્પન્ન કરે છે. શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ કહ્યું છે તે આ જ છે. આચાર્યશ્રી શંકરાચાર્યે આ લીટીનું અર્થઘટન એવું કર્યું છે કે શાંત (ધ્યાનસ્થ) મન સફળતાનું રહસ્ય છે. પછી તે અભ્યાસનું કાર્ય હોય કે ઔદ્યોગિક ઉત્પાદનનું કાર્ય હોય; સફળતા કોણ પ્રાપ્ત કરી શકે? જે પીધેલો હોય, આક્રમણશીલ હોય અને અતિ કાર્યશીલ અહંકારી હોય, તે કે શાંત, અત્યંત બુદ્ધિશાળી, સ્થિર, પ્રેમાળ, એકાગ્ર મનવાળો હોય, જેનું સમગ્ર મન અને મગજ માત્ર એક જ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે કૃતસંકલ્પ હોય તે? નિશ્ચિતરૂપે, પછીથી વર્ણવ્યો એ જ.

પણ સ્વામી વિવેકાનંદ અથવા મહાત્મા ગાંધી જેવાને જે અદ્‌ભુત ગતિશીલતા અને વિપુલ માત્રામાં તથા અલૌકિક શ્રમસાધ્ય સર્જનાત્મક કાર્ય કરવાની ક્ષમતા ચોવીસે કલાક પ્રાપ્ત થઈ તે માત્ર જમણા મગજના રોજના અભ્યાસથી અથવા આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા જ થઈ શકી. હંમેશાં હૃદય જ બુદ્ધિને દોરવણી આપે છે. એક મરણાસન્ન માતા પણ પોતાના મરતા બાળકને બચાવવા સર્વસ્વનો ત્યાગ કરે છે.

આધ્યાત્મિક સંસ્કૃતિને બહારના જગત સાથે સાંકળવાનું શું ખરેખર શક્ય છે?

બરાબર એ હેતુ માટે જ શ્રીરામકૃષ્ણે અને સ્વામી વિવેકાનંદે વ્યાવહારિક વેદાંતનું આચરણ કર્યું અને એનો ઉપદેશ આપ્યો. જૂના જમાનામાં ભારતીય વિચાર એ હતો કે ભૌતિક જીવનના ભોગે આધ્યાત્મિક જીવનનો વિકાસ કરવો. સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા નવીન વેદાન્ત બંનેના સુવ્યવસ્થિત વિકાસનું સમર્થન કરે છે. આ જ પ્રકારના પ્રશ્નના જવાબમાં સ્વામી વિવેકાનંદે સિસ્ટર નિવેદિતાને નીચે મુજબ કહ્યું હતું :

‘એ વિચિત્ર વસ્તુ છે કે જ્યારે બહારની પરિસ્થિતિ ભાંગી પડતી હોય અને સાથે સાથે મર્યાદિત હોય ત્યારે આંતરિક જીવન મોટે ભાગે અગમ્યપણે વિકસિત થતું હોય. પરંતુ આવું સાહચર્ય આવશ્યક નહિ પરંતુ આકસ્મિક છે.’

અત્યાર સુધીનો પાછલો ઇતિહાસ દર્શાવે છે કે ભારતમાં આંતરિક જીવનનો અને પશ્ચિમમાં ક્રિયાશીલતાનો એટલે કે બહારના જીવનનો વિકાસ થયેલો છે. અત્યાર સુધી આ બંને એકબીજાથી ભિન્ન છે. એ સમય આવ્યો છે જ્યારે એ બંનેનું એકીકરણ થવું જોઈએ. પોતાના આત્માની ગહનતાનો શ્રીરામકૃષ્ણ પરમહંસને સ્પષ્ટ ખ્યાલ હતો છતાં પણ બહારના સ્તરે કોણ વધુ ક્રિયાશીલ હતું? આ જ રહસ્ય છે. ‘તમારું જીવન સમુદ્ર કરતાં પણ ઊંડું (ગહન) અને આકાશ કરતાં પણ વિશાળ બનો.’ (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ ૫, ૨૨૭ પૃ. ૨૦)

આ સત્યો અને મૂલ્યોને આપણી શિક્ષણ પદ્ધતિમાં ન સ્વીકારીએ તો શું બને?

ગતિનો નિયમ સાચો છે એમ ન સ્વીકારીને કોઈ દૃઢપણે એમ માને કે એ નિયમ ખોટો છે અને દસમા માળેથી ઠેકડો મારે તો શું થાય? એ દિવસના સાંજના તાત્કાલિક સમાચાર માટેનું તે એક પાત્ર બની જાય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘સત્ય પ્રાચીન કે આધુનિક કશાયનો આદર કરતું નથી. સમાજે સત્યનો આદર કરવો પડે અથવા વિનાશ નોતરવો પડે.’

દીવાદાંડીના સિદ્ધાંતનું સાદૃશ્ય આપણને યાદ આવે છે. એક સમયે એક અંધારી રાત્રિએ એક મોટું વહાણ જે પવનના જોરદાર સપાટાને કારણે ખળભળેલા દરિયામાં કોઈ પણ પ્રકારના લક્ષ્ય વગર આમતેમ ફંગોળાતું જતું હતું. તેણે દૂરથી એક નાના થાંભલાની ટોચ ઉપર એક નાનો દીવો જોયો. એ તોતિંગ વહાણના કપ્તાને એ નાનકડા વહાણના દીવાને જોરથી બૂમ પાડીને કહ્યું, ‘જતું રહે! મારા માર્ગમાંથી અથવા વહાણથી દૂર હંકારી જા. તને દેખાતું નથી કે આ મોટું વહાણ આવે છે?’ એ નાનકડા દીવામાંથી એક નમ્ર અવાજ આવ્યો, ‘જો તારે બચી જવું હોય તો આ માર્ગેથી તું જ દૂર જતું રહે.’ તોતિંગ વહાણના કપ્તાને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું, ‘આ પ્રમાણે વાત કરનાર તું કોણ છે!’ ત્યાં તો ફરીથી એક નમ્ર અવાજ આવ્યો, ‘તમારી આગળ જે દીવાદાંડી દેખાય છે તેનો હું મિકૅનિક છું. જો તમે આ ઘણી મોટી ઊભી ભેખડોની સામે (તમારું વહાણ) હંકા૨શો તો ધડાકા સાથે ફેંકાય જવાનું અને વિનાશ પામવાનું અનિવાર્ય છે.’

મોટા વહાણે જ ખસી જઈને બીજે હંકારી જવું પડ્યું. શાશ્વત સિદ્ધાંતો જે દીવાદાંડી રૂપ સિદ્ધાંતો છે તેનું ઉલ્લંઘન કોઈ પણ વ્યક્તિ કરી શકે નહિ.

પ્રબળ ભૌતિક સંસ્કૃતિથી ગ્રીસમાં કલા અને વિજ્ઞાનમાં પૂર્ણતા પ્રાપ્ત થઈ, રોમમાં શાસન અને યુદ્ધ કૌશલ્ય પ્રાપ્ત થયું. બિઝેન્ટાઈન સંસ્કૃતિએ સુવર્ણની મિનાકારીમાં સિદ્ધિ પ્રાપ્ત કરી. ઈજિપ્તે પિરામિડો અને સ્ત્રીનું માથું અને સિંહના શરીરવાળા પાંખવાળા રાક્ષસની આકૃતિ બનાવવામાં કુશળતા પ્રાપ્ત કરી; તથા માયન સંસ્કૃતિએ પર્વત જેટલી ઊંચી વેદી બનાવવામાં પરિપૂર્ણતા મેળવી. પરંતુ એ બધી સંસ્કૃતિઓ ફરી કદી ઊંચી ન આવી શકે એવી રીતે વિનાશ પામી.

નૂતન શિક્ષણમાંથી જન્મ લેનાર સ્વપ્નશિશુઓ (Dream Children)

ડૉ. હર્બર્ટ બૅન્સનનું ‘ધ રિલેકસેશન રિસ્પૉન્સ’ પુસ્તક પ્રમાણિત કરે છે તે મુજબ આજે, હાર્વર્ડ યુનિવર્સિટીના અતિન્દ્રિય ધ્યાન જૂથે (Cell for Transcendental meditation) આશ્ચર્યજનક પરિણામો હાંસલ કર્યાં છે. ધ્યાનની પ્રક્રિયાએ પચાસ ટકા વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના વ્યસનોમાંથી મુક્ત થવા માટે તથા પંચોતેર ટકા વિદ્યાર્થીઓ ધૂમ્રપાન અને મદિરાપાનથી મુક્ત થવામાં સહાય કરી છે. માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ જેવી ઘણી બધી સંસ્થાઓએ બ્રેઇન સ્ટોર્મિંગ (brainstorming) બેઠકોમાં વિદ્યાર્થીઓને જોતરતાં પહેલાં મગજને શાંત કરનારી તથા મગજને તદ્દન સ્થિર બનાવનારી બેઠકોની શરૂઆત કરી દીધી છે.

યુ. ઍસ. એ.માં એક સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘ગ્રીક સંસ્કૃતિએ તેની કળા અને વિજ્ઞાનમાં સંપૂર્ણતા હોવા છતાં જીવનના આધ્યાત્મિક પરિમાણની ઉપેક્ષા કરી અને અનૈતિકતામાં ભ્રષ્ટ થઈ અને પરિણામે મરી પરવારી. રોમન સંસ્કૃતિ, કાયદો અને શાસનની બાબતમાં પરિપૂર્ણ હોવા છતાં, જીવનના વૈશ્વિક પરિમાણની અવગણના કરી ‘રોમન પાશવિકતા’થી પતિત થઈ ગઈ અને પરિણામે મરી પરવારી. આપણા સમયમાં ઈશ્વરશૂન્ય યુરો – સામ્યવાદનું અખંડિત સામ્રાજ્ય પત્તાંના મહેલની માફક તૂટી પડ્યું, કારણ કે ભૌતિકતાના પાયા ઉપર રચાયેલ એમના દર્શનથી જ પોતાને ટકાવી રાખવા માટે એ નિષ્ફળ નિવડ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન સંસ્કૃતિઓ શેને કારણે વિનાશ પામી? એ લોકો માત્ર ભૌતિક આનંદ પાછળ પડ્યા હતા….. જે રાષ્ટ્ર ઈન્દ્રિયજન્ય સુખોપભોગને કારણે પાશવિક બની ગયાં તેમને જંગલી લોકોએ મારી નાંખ્યાં, કારણ કે ૨ખેને આવા પાશવી મનુષ્યો ઘૂરકિયાં કરતાં આપણને જોવા મળે.’ (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ, પૃ. ૨૨૧)

ઇતિહાસનાં અનેક પરિવર્તનો થયાં છતાં ભારતીય સંસ્કૃતિ જીવિત રહી છે, કારણ કે એણે આધ્યાત્મિક સંસ્કૃતિને પ્રાથમિકતા આપી. પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે તે પ્રમાણે એણે આધ્યાત્મિક આદર્શોને આચરણમાં ન મૂક્યા અને ‘હિન્દુ અવ્યવહારુપણા’માં પોતાની વિશિષ્ટતા ખોઈ બેઠી તેથી બારસો વર્ષની ગુલામી ભોગવવી પડી. ભારતના સુપ્રસિદ્ધ માસિક ‘લાઈટ ઑફ ધ ઈસ્ટ’ના તંત્રીને સ્વામીજીએ અમેરિકાથી લખ્યું હતું કે, ‘અદ્વૈત તો સામર્થ્યની શાશ્વત ખાણ છે. પરંતુ તેને આચરણમાં મૂકવાની આવશ્યકતા છે. અને પાંડિત્યવાદના આવરણમાંથી છોડાવ્યા પછી, એની સરળતા, સૌંદર્ય અને ભવ્યતાને રોજબરોજના જીવનની નાનામાં નાની બાબતમાં કેવી રીતે વ્યવહારમાં મૂકી શકાય તે ભારતના એક છેડાથી બીજા છેડા સુધીની બધી જગ્યાઓએ શિખવવું જોઈએ’ (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ, ૯, પૃ. ૭૭)

એક નવી માનવતાનું સર્જન કરવા માટે તથા એક નવી જ સમાજ વ્યવસ્થા ઊભી કરવા માટે સ્વામી વિવેકાનંદે પોત જ વેદાન્તના આદર્શોનું આચરણ કરવા માટે પોતાની જિંદગીન હોડમાં મૂકી. એમણે એક યુરોપિયન વિદ્વાન જૂલ્સ બૉઈસને કહ્યું હતું કે ‘આ નવી સમાજ રચના બ્રાહ્મણની આધ્યાત્મિક સંસ્કૃતિ, ક્ષત્રિયની વહિવટી કુશળતા, વૈશ્યની સંપત્તિ – નિર્માણની ક્ષમતા તથા તમામ પરિશ્રમને માનવજાતિની સેવા તરીકે શુદ્રનું ગૌરવશાળી સમર્પણ, એ તમામના સફળ ‘ઉત્કૃષ્ટ સંયોજન’ ઉપર આધારિત હશે.’

સ્વામી વિવેકાનંદ એવી સંસ્કૃતિ ચાહતા હતા કે જ્યાં અનીતિ વગરની ગ્રીકોની કલા અને વિજ્ઞાનની સંપૂર્ણતા, પાશવતા વિનાની રોમનોની કાયદા તથા શાસનની પરિપૂર્ણતા તથા અવ્યવહારુપણા સિવાયની હિંદુઓની આધ્યાત્મિક આદર્શોની શ્રેષ્ઠતા – એ બધાં સંકળાયેલાં હોય. એમણે ૧૮૯૪ (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ ૯, પૃ. ૨૦૬)માં અમેરિકનોને કહ્યું હતું કે, આ બધાંને ભેગાં કરીને તેનું રસાયણિક સંયોજન કરો અને નવી સંસ્કૃતિનું નિર્માણ કરો. એમણે ભવિષ્યવાણી ઉચ્ચારી કે ‘માનવતા અને ખાસ કરીને સ્ત્રીઓ જ, આ આદર્શને હાંસલ કરશે.’ એમણે સિસ્ટર નિવેદિતાને કહ્યું હતું એ પ્રમાણે સાધુઓના બનેલા આ શ્રીરામકૃષ્ણ સંઘના ઉદ્દેશો પૂર્વ અને પશ્ચિમના ઉચ્ચતમ આદર્શોનું આદાન પ્રદાન કરવાનો અને તે આદર્શોનું વ્યવહારમાં લાવવાનો છે.’ (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ, ૯, પૃ. ૪૧૫) સ્વામીજીએ જૂનાગઢના દિવાન શ્રી હરિદાસ બિહારીદાસને ૧૮૯૪માં અમેરિકાથી લખ્યું હતું કે ‘પશ્ચિમનાં કેટલાંક ક્રિયાશીલ અને વિરોચિત તત્ત્વોને હિંદુઓના શાંત સદ્‌ગુણો સાથે જોડાવામાં આવશે તો વિશ્વમાં અગાઉ કદી પણ ન થયાં હોય તેવા કોઈ પણ મનુષ્યોથી પણ શ્રેષ્ઠ મનુષ્યો પેદા થશે.’ (કમ્પલીટ વર્કસ, વૉલ્યુમ, ૯, પૃ. ૩૨૫)

એ બાળકો સ્વામીજીની કલ્પના પ્રમાણેની નવી સંસ્કૃતિમાંથી નિર્માણ પામેલાં બાળકો હશે. ઇતિહાસ એવાં બાળકોની રાહ જુએ છે.

ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.