ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને પૂછતાં જણાવે છે કે-

માસિક એમને ખૂબ જ ગમે છે. સુંદર ફોટા – સારી છપાઇ, ગુજરાતી અનુવાદો અને લેખોનું ધોરણ સારું છે. વિવેકવાણી અમને હૃદયથી જાણે હલાવી મૂકે છે. ઑગસ્ટ માસમાં ‘સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન’, ‘ક્વીઝ’ (જેનાથી સ્વામીજી વિષે વધારે જાણવા મળે છે) – ચાલુ રહે તો સારું. ‘ભારતીય નારીની મહાનતા’ અને ‘તમે ભાગ્યશાળી છો’ વગેરે લેખો ખૂબ જ ગમ્યા છે. સમયને જે જરૂરી છે તેવું વાંચન આપના તરફથી પૂરું પાડવા જે કાર્ય થઇ રહ્યું છે તેની ખૂબ જ પ્રગતિ થાય તેવી શુભેચ્છા.

વાચક વૃંદ, યુનાઇટેડ કિંગડમ

ખરેખર જ્ઞાનપિપાસુની પ્યાસ બુઝાવનાર, અખંડ આનંદ પ્રાપ્ત કરાવનાર, વ્યક્તિના જીવનમાં એક ચમત્કાર, અને મુશ્કેલીઓનો પડકાર ઝીલવાની માનસિક શક્તિ વધારનાર એક ટૉનિક જેવું કાર્ય આ અંક વાચવાથી થાય છે. આપનો આનંદ-બ્રહ્મ વિભાગ સહૃદયપૂર્વક આવકારદાયક છે.

ગોસ્વામી દુર્ગાબેન એમ., ગુણવંતગીરી એસ., છાશીયા, તા. જસદણ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક રસપૂર્વક વાંચી ગયો. ઝંખના હતી. એવા સાત્ત્વિક વાચનની જે મનના ઉદ્‌વેગોને શાંતિ અર્પે; નૈતિકતાનાં મૂલ્યોને સારી રીતે સમજવામાં સહાયરૂપ બને. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વાંચતા આ પ્રકારનાં વાચનની ઉણપ દૂર થયાનો અહેસાસ થયો. આપ સૌને મારાં હાર્દિક અભિનંદન. સ્વદેશ-મંત્ર, જડતા અને દૃઢતા, ભારતીય નારીની મહાનતા આ લેખો ખૂબ જ સરસ રહ્યા.

એ. કે. લાલાણી, (લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ચેરમેન), રાજકોટ

ખરેખર અંધકારરૂપ જીવનમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જ્યોત જલાવે છે. સાંપ્રત-સમાજમાં ઇન્દિરા બેટીજીનો લેખ ખૂબ જ સરસ રહ્યો. સમાચાર દર્શન વિભાગમાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યાનો વધારો કરવામાં આવે તો વિશેષ ગ્રામીણ સમાચાર જાણવા મળે.

બાબુલાલ એલ. ભરાડ, સાવરકુંડલા

આપના તરફથી મોકલવામાં આવતા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકો નિયમિત અમોને મળે છે. અને તેનું વાંચન શાળા કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓ પણ કરે છે. તેમ જ ધાર્મિક ભાવના આ અંકોથી વધુ પ્રબળ બને છે.

શ્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, આચાર્ય, કોલંબા, તા. નસવાડી, જિ. વડોદરા

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એક ખૂબ જ સુંદર સામયિક છે. આ સામયિક દ્વારા આધ્યાત્મિક, માનસિક અને બૌદ્ધિક જાણકારી મળે છે. સપ્ટેમ્બર ’૯૭ના અંકમાં ફાધર વાલેસનો લેખ ‘યુવાનની કાલ અને આજ’ સુંદર છે. તો યુવાનોને લક્ષમાં રાખીને ફાધર વાલેસ તથા અન્ય બીજા લેખકોના લેખો આ જ્યોતમાં સમાવવા વિનંતી છે.

અભય જે. પંડિત, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો સપ્ટેમ્બર ’૯૭નો અંક મળ્યો. વાંચીને ખૂબ જ આનંદ થયો. ‘વિવેકવાણી’માં, સ્વામી વિવેકાનંદના સ્વદેશ-મંત્ર ખૂબ જ ગમ્યા. ‘બાઇ મીરાના દિવસો’ કાવ્ય ખૂબ જ સુંદર હતું. ‘કાવ્યાસ્વાદ’ પણ ખૂબ જ ગમ્યો.

કોટડીયા રમેશ એચ., ગોંડલ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ખરેખર શ્રેષ્ઠ છે. તેનો દરેક વિભાગ જીવનને પુરસ્કારે છે. પરંતુ મારે બાળ-વિભાગ માટે ફરિયાદ છે. મારો નાનો દીકરો ઋતુરાજ – શ્રીરામકૃષ્ણ જ્યોત અને તેમાં ખાસ બાળ-વિભાગનું તેનું આકર્ષણ છે. પહેલાં તેમાં સચિત્ર વાર્તા આવતી તેથી તે ઘણા રસથી તે વાર્તા જોતો સાંભળતો, પછી ચિત્ર સંખ્યા – એક થઇ. આ અંકમાં તો ચિત્ર જ નીકળી ગયું! તે ઘણો નિરાશ થયો. બાળકોને ચિત્ર-વાર્તાનું મહત્ત્વ જ વધુ હોય છે. તો આ મારી વિનંતી અથવા પ્રાર્થના આપ સ્વીકારશો?

રેખાબા વાળા, બગસરા

આપનો સપ્ટેમ્બર ’૯૭નો અંક મળ્યો. તેમાં આપેલ યુવાનની કાલ અને આજ, ફાધર વાલેસ રચિત ઉપદેશ ખરેખર યુવાન વર્ગના હૃદયને સ્પર્શી જાય તેવો છે.

કાસુન્દ્રા કિશોર, મોરબી

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો સપ્ટેમ્બર ’૯૭નો અંક વાંચ્યો. તેમાં બાળ-વિભાગ તેમ જ યુવ-વિભાગ ખૂબ જ સરસ છે.

પરમાર પ્રદીપસિંહ એફ. મોરબી

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ હું ઘણા સમયથી મગાવું છું. મને તે વાંચવાની બહુ જ મજા પડે છે. સ્વામીજીના લેખો – તેનો સંદેશ વગેરે બાબતોમાં પણ

પી.બી. ઝાલા, મેંદરડા, જિ. જુનાગઢ

મારા મનમાં ઘણાં સમયથી એવો પ્રશ્ન ઉઠતો હતો કે, વં. ગાંધીજીનું જીવન, પ.પૂ.વં. સ્વામીજીના ઉપદેશને જીવનમાં ચરિતાર્થ કરનારું હતું એમ કહી શકાય. છતાંય વંદનીય ગાંધીજી વિષે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ક્યારેય કેમ તેનો ઉલ્લેખ નહીં થતો હોય! પણ મારા મન (પ્રશ્ન)નું સમાધાન સંપાદકીય લેખે કર્યું છે! એ માટે હાર્દિક આભાર માનું છું!

ગોપાલ કણસાગરા, મેંગલોર

જ્ઞાનનો ‘દીવડો’ બની ઘર ઘરની જ્યોત જલાવી રહ્યું છે શ્રીરામકૃષ્ણ જ્યોત. માણસના મનને શાંતિ, તનને તાજગી અને આત્માને આનંદ અર્પી રહ્યું છે શ્રીરામકૃષ્ણ જ્યોત. સંસ્કાર અને સદ્‌ગુણની સરિતા બનીને રહી રહ્યું છે શ્રીરામકૃષ્ણ જ્યોત. ખરેખર તો શ્રીરામકૃષ્ણ જ્યોત માટે મારા હૃદયમાં લાગણીની એક સરવાણી ફૂટી નીકળી છે. જે સરિતા બનીને વહેવા લાગી, અને સાગરને મળવા માટે દોડવા લાગી.

મેણંદ ચાવડા, મોટા દડવા, તા. ગોંડલ

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.