શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો પ્રાદુર્ભાવ, એ માનવ સંસ્કૃતિના ઇતિહાસની એક યુગપ્રવર્તક ઘટના છે. તેમનાં જીવન અને સંદેશ કોઈ એક દેશ, રાષ્ટ્ર અથવા તો કોઈ ખાસ સમાજ માટે ન હતાં, તેઓ તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતા. તેમના આદર્શો અને સંજીવક સંદેશો, જ્યારે માનવસંસ્કૃતિ આપદમાં પડી હશે, જ્યારે એ આધ્યાત્મિકતાને ઉવેખીને વિનાશને પંથે ઢળી રહી હશે ત્યારે અવશ્ય એમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવશે. તેઓ એ પ્રકારના પુરુષો હતા કે જેઓ સમયે સમયે તે તે યુગની આવશ્યકતાઓની પૂર્તિ ક૨વા આ જગતમાં આવ્યા કરે છે કારણ કે તેમનું સમગ્ર જીવન અન્યના કલ્યાણ માટે સમર્પિત થયેલું હોય છે.

ઓગણીસમી સદીના ભારતનો ઇતિહાસ એક બાજુ હતાશા અને ઉદ્વિગ્નતાનો યુગ હતો તો બીજી બાજુ નવજાગરણના સ્વપ્નસેવીઓથી અંકિત યુગ પણ હતો. એ એવો સમય હતો કે જ્યારે સામાજિક જીવન ધાર્મિક અશ્રદ્ધાથી, પોતાની જ સભ્યતા તરફની ઘૃણાથી, ગમે તેવા બેશરમ પશ્ચિમી અનુકરણથી અને બીજી અનેક રીતે વિકૃત– ઝેરીલું બની ગયું હતું. જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક જૂથો દ્વારા આ અવનતિની ભરતીને નાથવાના અને યુવાનોની પેઢીને સંગઠિત કરવાના પ્રયત્નો થતા રહ્યા હતા. શ્રીરામકૃષ્ણ આવા સંક્રાન્તિકાળે આવ્યા ત્યારે દેશ શ્રદ્ધા અને અવિશ્વાસનાં એકબીજા સાથે અથડાતાં મોજાંથી હાલકડોલક દશામાં હતો તેમ જ સુધારાનાં વિવિધ આંદોલનો પણ ચાલી રહ્યાં હતાં. તેમના ધાર્મિક વિચારો અને વલણ તેમ જ તપ અને ત્યાગભર્યું તેમનું ઉલ્લેખનીય જીવન સમાજના ભણેલા ગણેલા વર્ગને અને ખાસ કરીને બંગાળના અંગ્રેજી શિક્ષણ પામેલા યુવાવર્ગને હચમચાવી રહ્યું.

શ્રીરામકૃષ્ણનાં આધ્યાત્મિક આવિષ્કરણો કેશવચન્દ્ર સેન જેવા બ્રાહ્મો નેતાઓનાં પ્રવચનમાં ફક્ત સ્થાન જ ન પામ્યાં, પરન્તુ, તેમનામાં એણે એક નવી જ સભાનતા પેદા કરી દીધી. નરેન્દ્રનાથે (પછીથી સ્વામી વિવેકાનંદ) અને એવા બીજા યુવાનોના ઈશ્વર સાક્ષાત્કાર માટે ખૂબ તડપતા જૂથે શ્રીરામકૃષ્ણમાં આધ્યાત્મિકતાનો જીવંત ફૂવારો નિહાળ્યો અને એ તેમની દિવ્ય પિપાસાને શાન્ત-તૃપ્ત કરી શક્યો. એ બધા જ (યુવાનો) મૂળે બ્રાહ્મોસમાજ સાથે સંકળાયેલા હતા.

સ્વામી વિવેકાનંદનું દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ચરણોમાં પહોંચવું એ ભારતીય ઇતિહાસની ઘણી મહત્ત્વની ઘટના છે. પ્રાચીન અને અર્વાચીનનો એ આશ્ચર્યકારક સંગમ હતો. શ્રીરામકૃષ્ણ પ્રાચીનતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, જ્યારે પશ્ચિમની કેળવણી અને પશ્ચિમી મૂલ્યોથી પૂર્ણ રીતે પ્રભાવિત થયેલ અર્વાચીન ભારતનું પ્રતિનિધિત્વ નરેન્દ્રનાથ કરી રહ્યા હતા. તેઓ ‘ઈશ્વર ખરેખર હસ્તી ધરાવે છે ખરા?’ એ શાશ્વત પ્રશ્નના ઉત્તરની ખોજમાં ખૂણેખૂણો ખૂંદી વળ્યા હતા.

નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણને પૂછ્યું : ‘આપે ઈશ્વરને જોયા છે?’ શ્રીરામકૃષ્ણનો ત્વરિત, સીધોસાદો છતાં દૃઢ ઉત્તર આવ્યોઃ ‘હા,મેં જોયા છે અને હું તને પણ બતાવી શકું છું, જો તારી ઇચ્છા હોય તો!’ નરેન્દ્રનાથ આવા સુસ્પષ્ટ ઉત્તરથી આનંદિત થયા. એને લાગ્યું કે છેવટે તે લાંબા વખતથી જેને શોધતા હતા તે મળી આવ્યા ખરા. બન્ને આત્માઓએ એકબીજાને ઓળખી લીધા. પ્રથમ મિલનમાં જ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથ કોણ હતા અને આ દુનિયામાં શા માટે આવ્યા છે, તે જાણી લીધું. અને નરેન્દ્રનાથે પણ ભલે ધીરે ધીરે પણ શ્રીરામકૃષ્ણની ખરી ઓળખાણ મેળવી લીધી.

પ્રેમનું બંધન :

જેમ સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુની કસોટી કરી હતી, તેમ શ્રીરામકૃષ્ણે પણ પોતાના એ શિષ્યની કસોટી કરીને એને એવી રીતનો વળાંક આપ્યો કે જેથી તે પોતાની નિષ્કલંક વિશુદ્ધતા જાળવી શક્યા અને કોઈ દાગ વગરના રહી શક્યા. નરેન્દ્રનાથ જો કે તરત જ પોતે ગુરુને સમર્પિત તો ન થઈ ગયા, પણ ધીરે ધીરે તો એમણે શ્રીરામકૃષ્ણના દિવ્ય પ્રેમ આગળ સમર્પિત થવું જ પડ્યું. મોડેથી સ્વામી વિવેકાનંદે – શ્રીરામકૃષ્ણને વિશે કહ્યું હતું : ‘તેઓ સાકાર પ્રેમસ્વરૂપ હતા.’ ખરેખર, એમણે નરેન્દ્રનાથને આ અમૃતમય સુવર્ણજાળમાં પકડી લીધા હતા, અને ભાવિ સંઘના સ્થાપન – વ્યવસ્થાપનની જબરી જવાબદારી એમના ખભે મૂકી દીધી હતી.

શ્રીરામકૃષ્ણ વિવિધ આધ્યાત્મિક માર્ગોની સાધના કરી અને ઘણા ધાર્મિક પંથોની યાત્રા કરી એ એટલી સંપૂર્ણ રીતે કરી કે તેમનું જીવન સંવાદી બની ગયું. સર્વધર્મોની અદ્‌ભુત ‘સિમ્ફનિ’ સમું બની ગયું. પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓનાં રત્નોનું સર્વને વિતરણ કરવા માટે તેઓ સુયોગ્ય વાહકની શોધમાં હતા. તેમણે જાણી લીધું કે નરેન્દ્રનાથ દ્વારા એમાં એમણે પોતાની બધી જ શક્તિઓનું સંક્રમણ કરી દીધું હતું, તે પુરુષ દ્વારા, પીડિત માનવતાના કલ્યાણ માટે એ શક્તિનો ઉપયોગ થવાનો છે. આ રીતે શ્રીરામકૃષ્ણે નવી જ રીતે અને નવા સ્વરૂપમાં પોતાને અભિવ્યક્ત કર્યા.

નરેન્દ્રનાથે પહેલાં તો શ્રીરામકૃષ્ણ સાથે ટક્કર લેવાનો પ્રયત્ન કર્યો કારણ કે તેમને આ કર્તવ્ય બજાવવાનું અને એવું બધું કંઈ ઝાઝું ગમતું ન હતું. તેઓ તો સમાધિના આનંદમાં સદાયે નિમગ્ન થઈ રહેવા માગતા હતા. પણ શ્રીરામકૃષ્ણે સ્વામીજીને ઠપકો આપતાં કહ્યું : ‘હું તો ધારતો હતો કે તું એક વિશાળ વટવૃક્ષ સમો બનીશ અને એની છાયામાં થાકેલા, હારેલા, પીડિત પથિકો હજારોની સંખ્યામાં આરામ, આનંદ અને શાશ્વત શાન્તિ માટે આવશે. એનાથી સાવ અવળી રીતનો તું તો સ્વાર્થી થવા માગે છે? શું તું તારા એકલાની મુક્તિથી જ આનંદ મેળવવા ઈચ્છે છે?’

આ રીતે નરેન્દ્રની આંખો ઊઘડી ગઈ અને શ્રીરામકૃષ્ણે એમને જીવ સેવામાં નિયોજ્યા. તેમણે નરેન્દ્રને ખાતરી આપી કે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરતાં ઘણી ઊંચી ભૂમિકા પણ છે. નરેન્દ્રનાથને નવું સત્ય લાધ્યું, અભિનવ ધર્મનું જાણે રહસ્ય સાંપડ્યું! હવે એ વેદાન્તને નવા પ્રકાશમાં નીરખવા શક્તિમાન થયા. આ જ વેદાન્તનો તેમણે પછીના સમયમાં ‘વ્યાવહારિક વેદાન્ત’ને નામે ઉપદેશ કર્યો – સ્થાપના કરી.

એક વખત નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણને ભાવાવેશમાં એવું કહેતા સાંભળ્યા કે ‘શિવભાવે જીવસેવા કરો.’ એ દિવસે ગુરુદેવના ઘણા શિષ્યો ત્યાં ઉપસ્થિત હતા. અને તેમણે આ રહસ્યમય વિધાન સાંભળ્યું પણ હતું છતાં કેવળ નરેન્દ્રનાથ સિવાય ગુરુદેવનું મનોગત કોઈ પણ પામી શક્યું નહિ. તેઓ આ વાક્યનો મર્મ પારખી ગયા અને તેમણે ગંભીર સ્વરે કહ્યું કે ‘જો ભગવાનની મરજી હશે તો હું તેમનો આ નવીનતમ સંદેશ બધે સ્થળે ઉપદેશીશ.’

શ્રીરામકૃષ્ણના અવસાન પછી તરત જ નરેન્દ્રનાથે વરાહનગરમાં મઠ સ્થાપ્યો. શ્રીરામકૃષ્ણના ગૃહસ્થભક્ત સુરેન્દ્રનાથ મિત્રે ફાળો આપ્યો. એ પછી તરત જ શ્રીરામકૃષ્ણદેવના નરેન્દ્રનાથ સહિતના નવ અંતરંગ ભક્તો – ગુરુદેવના સહચરો – એ, બાબુરામના (પછીથી સ્વામી પ્રેમાનંદના) જન્મ સ્થળ આંટપુરમાં ત્યાગના શપથ લીધા. અને પછી તેમણે શાસ્ત્રવિધિ મુજબ ઔપચારિક સંન્યાસ લીધો. નરેન્દ્રનાથ હજુએ ઉદ્વિગ્ન જણાતા હતા. શ્રીરામકૃષ્ણે તેમના ઉપર નાખેલી ઉદાત્ત કર્તવ્યની જવાબદારીને કેવી રીતે અદા કરવી. તે બાબત તેઓ કશું નક્કી કરી શકતા ન હતા. નજીકના ભવિષ્યમાં તો એમને એવી કોઈ શક્યતા જણાતી ન હતી. પણ જ્યારે તેમણે પરિવ્રાજકરૂપે ભારતના ખૂણે ખૂણે ભ્રમણ કરવાનું શરૂ કર્યું અને ભારતના આત્માનો ઘનિષ્ટ પરિચય મેળવ્યો, ત્યારે રાષ્ટ્રના પુનર્નિર્માણના ઉપાયો એમના મનમાં ઝબકી ઊઠ્યા. કન્યાકુમારીમાં ધ્યાનવસ્થામાં તેમણે ભારતમાતાનો શાશ્વત વારસો નિહાળ્યો. અને ત્યાં જ તેમણે શ્રીરામકૃષ્ણના મિશનને પૂર્ણ કરવા માટેની યોજના ઘડી કાઢી.

પહેલું સોપાન :

આ મિશનને પૂર્ણ કરવાના પહેલા પગથિયા તરીકે તેમનું શિકાગોની ધર્મમહાસભામાં ભાગ લેવાનું કાર્ય હતું. અને તે દ્વારા તેમણે પશ્ચિમ ઉપર આધ્યાત્મિક વિજય મેળવ્યો. સ્વામીજી એ સારી રીતે સમજતા હતા કે બૌદ્ધ સંઘની સફળતાનું રહસ્ય તેના સંગઠિત સાંધિક કાર્યમાં રહેલું હતું. વળી પશ્ચિમમાં ત્યાંના લોકોના સંગઠિત અને સહકારપૂર્ણ સામૂહિક પ્રયત્નોથી પણ તેઓ એટલા જ પ્રભાવિત થયા હતા. એટલા માટે પત્રો દ્વારા તેમણે વારંવાર પોતાના ગુરુભાઈઓને ભારતમાં ભેગા મળીને કામ કરવાની વિનંતીઓ કરી હતી. આલાસિંગા પેરુમલને અને અન્ય દક્ષિણ ભારતીય ભક્તોને તેમજ પ્રશંસકોને પણ તેમણે આવાં જ કહેણ મોકલ્યાં હતાં અને માનવરૂપી નારાયણની સેવામાં જીવનનું બલિદાન – આપવાની તેમને પ્રેરણા આપી હતી. પછીના સમયમાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓએ, દુઃખી માનવજાતિની સેવાને પ્રાર્થના સમજવાની સ્વામીજીની યોજના વિશે શંકા ઉઠાવી હતી; પણ શ્રીમા શારદાદેવીના ચોખ્ખાચટ્ટ ચુકાદાથી પછી તેમની બધી શંકા અને ગેરસમજણો દૂર થઈ ગઈ. શ્રી શ્રીમાએ કહ્યું : ‘નરેન ઠાકુરનું સાધન છે. નરેન સેવાના આદર્શનો ઉપદેશ કરે છે. કારણ કે ઠાકુર પોતાના સર્વત્યાગી બાળકો અને ભક્તો દ્વારા વિશ્વના કલ્યાણ કરવાનાં કાર્યો કરાવવા ઈચ્છે છે.’

રામકૃષ્ણ મિશનની સ્થાપના :

સ્વામીજીના મોટા પ્રમાણનાં ભારત ભ્રમણો અને પશ્ચિમના પ્રવાસે તેમને એ ખાતરી કરાવી આપી હતી કે અસરકારક સંસ્થા વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. – એટલે પશ્ચિમમાંથી કલકત્તા પાછા ફર્યા બાદ, તેમણે બાગબાઝારમાં બલરામ બસુને ઘેર, ૧ મે, ૧૮૯૭ના રોજ, પોતાના ગુરુભાઈઓ, ભક્તો અને શ્રીરામકૃષ્ણના પ્રશંસકોની એક મિટિંગ બોલાવી. તેમણે પોતાની આગ ઝરતી વાણીમાં સંઘની આવશ્યકતા અને ઉપયોગિતા વિશે સમજાવ્યું અને પછી કહ્યું :

‘જેમને નામે આપણે સંન્યાસી થયા છીએ, જેમને તમે તમારો આદર્શ માનીને તમે તમારું ગૃહસ્થજીવન કર્તવ્યના ક્ષેત્રમાં – આ સાંસારિક – દુનિયાદારીમાં દોરી રહ્યા છો; જેમના પાવન નામ અને અદ્‌ભુત જીવન તેમ જ ઉપદેશોની અનન્ય અસર; તેમના અવસાનને હજુ તો બાર જ વરસ થયાં છે, ત્યાં તો અકલ્પનીય રીતે પૂર્વ અને પશ્ચિમમાં ફેલાઈ ચૂકી છે, તેમનું નામ આ સંઘ સંસ્થા ધારણ કરશે. એટલે આ સંઘ (સંસ્થા)ને ‘રામકૃષ્ણ મિશન’ એવું નામ આપીએ છીએ. આપણે તો માત્ર ગુરુદેવના સેવકો જ છીએ. તમે બધા આ કાર્યમાં મદદગાર બની રહો.’

જ્યારે સ્વામીજીનો આ પ્રસ્તાવ ગિરીશચંદ્ર ઘોષે અને અન્ય વરિષ્ઠ ભક્તો તથા સંન્યાસીઓએ મંજૂર કર્યો ત્યારે મિટિંગે રામકૃષ્ણ મિશનની સ્થાપનાનો નિશ્ચય કર્યો. આ રીતે રામકૃષ્ણ મિશન, ‘મે ડે’ના ઐતિહાસિક દિને અસ્તિત્વમાં આવ્યું. એનો મુદ્રાલેખ હતોઃ ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ-’ ‘આત્માની મુક્તિ અને વિશ્વનું કલ્યાણ’ કોઈ ધાર્મિક સંઘ (સંગઠન) માટે, જરાય અત્યુક્તિ વિના, આ મુદ્રાલેખ ખરેખર એક અનન્ય કબૂલાત જેવો છે, આ જ દિવસે સ્વામીજીએ શ્રી શ્રીમા શારદાદેવીને ‘સંઘજનની – ‘સંઘની માતા’ તરીકે ઉલ્લેખ્યાં. તેમણે કહ્યું : ‘શ્રી શ્રીમા તો આપણે આજે જે સંઘ સ્થાપી રહ્યા છીએ, તેનાં યોગ અને ક્ષેમ ને વહનારાં સંરક્ષક અને સંપોષક છે. તેઓ આ સંસ્થાનાં માતા છે.’

હકીકતે શ્રીરામકૃષ્ણદેવના અવસાન પછી શ્રી શ્રીમાએ રડીને ઠાકુરને ખૂબ પ્રાર્થના કરી હતી કે એનાં સર્વત્યાગી બાળકોને રહેવા માટે કોઈ સ્થાન મળી રહે અને તેઓ ખૂબ તીવ્રપણે આધ્યાત્મિક જીવન જીવે. માતાજીએ આત્મસભર રીતે કરેલી પ્રાર્થનાઓનું સુફલ જ આ રામકૃષ્ણ સંઘ છે.

ધ્યેયો અને ઉદ્દેશો :

મિશનની સ્થાપનાના થોડા દિવસો પછી એટલે કે ૫મી મે ૧૮૯૭ના રોજ મિશનની બીજી મિટિંગ બોલાવવામાં આવી. ચર્ચા વિચારણા કર્યા પછી મિટિંગે મિશનનાં ધ્યેયો અને ઉદ્દેશો તેમ જ કાર્ય પદ્ધતિનો સ્વીકાર કર્યો. સંઘના ધ્યેયને લાગેવળગે છે ત્યાં સુધી એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વના કલ્યાણ અર્થે શ્રીરામકૃષ્ણે જે જે સત્યો પ્રબોધ્યાં હતાં અને પોતાના જ જીવનમાં જે જે સત્યોનો તેમણે વ્યાવહારિક વિનિયોગ કરી બતાવ્યો હતો, તે સત્યોનો ઉપદેશ સંઘ કરશે અને બીજાઓને આ સત્યોનો અમલ તેમના જીવનમાં ઉતારવામાં મદદગાર થશે અને આમ લોકોની ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં તેમને સહાયભૂત થશે.

તે દિવસે મિટિંગમાં એ પણ નક્કી કરાયું કે શ્રીરામકૃષ્ણ દ્વારા ઉદ્‌ઘાટિત આંદોલનનાં કાર્યો એના ખરા સત્ત્વશીલ સ્વરૂપમાં સંચાલિત કરવાં. એ ખરું સ્વરૂપ એટલે વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે, એવું સમજીને બંધુભાવ રાખવો કે એક સનાતન ધર્મનાં જ તે બધાં વિવિધ સ્વરૂપો છે.

કાર્યપદ્ધતિઓ :

અને મિશનની કાર્યપદ્ધતિઓ વિશે નક્કી કરવામાં આવ્યું તે એ કે (અ) જનસમુદાયના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે પ્રેરક એવા જ્ઞાન અને વિજ્ઞાનનું શિક્ષણ આપવા માટે સુયોગ્ય બની રહે તેવી મનુષ્યોને તાલીમ આપવી (બ) કલાઓ અને ઉદ્યોગોનો વિકાસ કરવો અને એને પ્રોત્સાહન આપવું, અને (ક) શ્રીરામકૃષ્ણના જીવનમાં જે રીતે જે વિચારો પ્રકાશિત થઈ રહ્યા હતા તેવા સામાન્ય વેદાન્તિક અને અન્ય ધાર્મિક વિચારોનો લોકોમાં ફેલાવો ક૨વો અને લોકોમાં એને દાખલ કરવા.

એ કહેવું જરૂરી નથી કે મિશનનો આ કાર્યક્રમ વર્ષોથી કાર્યોમાં પરિણમ્યો છે અને એનો વ્યાપ આજે ખૂબ બહોળા પ્રમાણમાં વિસ્તરી ચૂક્યો છે. ભારતમાં મિશનનું ખાસ કામ દેશના જુદા જુદા ભાગોમાં આશ્રમો સ્થાપવાનું, વેદાન્તધર્મનો ઉપદેશ આપવાનું અને જનસમુદાયને શિક્ષણ આપવાનું હતું, જ્યારે ભારતની બહાર, પૂર્વ અને પશ્ચિમને વધારે નજીક લાવવા માટે વેદાન્ત અને ભારતીય સભ્યતાને, ઉપદેશ આપવા સારુ ત્યાં પશ્ચિમમાં કેન્દ્રો શરૂ કરવા સંઘના તાલીમ પામેલા સભ્યોને મોકલી આપવાનું ધા૨વામાં આવ્યું છે. સ્વામીજીએ ભાત પાડીને કહ્યું છે કે મિશનના હેતુઓ અને આદર્શો તદ્દન આધ્યાત્મિક અને માનવતાવાદી હોઈને અને કોઈ રાજકીય બાબત સાથે લેવા-દેવા રહેશે નહિ. ૪ મે, ૧૯૦૯ના રોજ રજિસ્ટર્ડ સોસાયટી થયું અને સ્વામી બ્રહ્માનંદ એના અધ્યક્ષપદે ચૂંટાયા.

સેવાનો સાચો મર્મ :

એ ખ્યાલમાં રાખવું જોઈએ કે સ્વામીજીનો સેવાનો આદર્શ એ શુષ્ક સામાજિક કાર્ય કરતાં જુદો છે. આ આદર્શનું ઘણું મોટું મહત્ત્વ, જ્યારે મિશન કામ કરતું થયું ત્યારે શરૂઆતમાં ઘણાય લોકો સમજી શક્યા ન હતા. અરે, ભારતના કેટલાક અન્ય સંપ્રદાય સંઘોના સંન્યાસીઓ પણ આ સેવાના આદર્શને હલકો ગણતા હતા. તેઓ આ આદર્શને મુલવી ન શક્યા એનું કારણ સેવાને તેઓ કેવળ આવા જ અર્થમાં સમજતા હતા કે ગરીબો અને જરૂરતમંદોને ખોરાક, કપડાં કે થોડા પૈસા આપી દેવા. સેવાના મર્મને તેઓ સમજતા ન હતા. પણ સેવા સાચી પ્રાર્થના તો ત્યારે બની રહે છે, કે જ્યારે આપણે નિઃસ્વાર્થ બની જઈએ.

અને ફક્ત એ પ્રકારની સેવા જ આપણાં મનને વિશુદ્ધ કરશે અને આપણને મુક્ત કરશે. અને ત્યારે આપણે એ સમજવા શક્તિમાન થઇશું કે ઈશ્વર એ આપણા બધામાં રહેલું ચૈતન્ય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ઈશ્વરે આપણને બીજાની સેવા કરવાનો મોકો આપ્યો છે, એ પણ આપણું પરમ સૌભાગ્ય છે. આપણે જો આ યાદ રાખીને આખી માનવજાતમાંથી ફક્ત એકાદ માણસની ઊંડા સન્માનપૂર્વક, અહંકારથી પ્રેરાયા વગર, કોઈ બડાઈ હાંક્યા વગર સેવા કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય. ‘શિવભાવે જીવસેવા’ એ સૂત્રનું આ જ સારતત્ત્વ છે, આ જ ફલિતાર્થ છે. આત્માનો મોક્ષ અને લોકોનું કલ્યાણ – આ બે આદર્શોનો સમન્વય સાધીને સ્વામી વિવેકાનંદે આપણી સમક્ષ એક અનોખું ઉદાહરણ મૂક્યું છે. એક જ અખિલાઇમાં અવિભાજ્ય રીતે ગુંથાયેલા આ બન્ને આદર્શો, બધાનો વધુ ને વધુ સ્વીકાર પામતા જાય છે અને પૂરી નિષ્ઠાથી લોકો એ આદર્શોને પ્રાયોગિક રૂપ આપવાનો પ્રયત્ન કરે છે.

વિશાળ વટવૃક્ષ :

આજે રામકૃષ્ણ મિશન તેની શાખા-પ્રશાખાઓથી વિશ્વના ઘણા ભાગોમાં એક વિશાળ વડવાઈઓ ભર્યા વટવૃક્ષની પડે ફેલાઈ ગયું છે અને કામ કરી રહ્યું છે. શ્રી શ્રીમાની પ્રાર્થનાથી પોષાયેલું, ત્યાગની આગથી અને શ્રીરામકૃષ્ણ સાથે સંકળાયેલા જનોની તપશ્ચર્યાથી સમૃદ્ધ બનેલું અને શ્રીરામકૃષ્ણદેવના આધ્યાત્મિક આદર્શોથી જીવંત આ મિશન આજે બધે સ્થળે પોતાનાં મૂળ ઊંડો ઘાલી ચૂક્યું છે. એનાં કાર્યોએ ભારત બહારની દુનિયાના માણસની અંતઃસૃષ્ટિને હચમચાવી મૂકી છે. એણે ભારતના સંન્યાસીઓનાં વલણોમાં પણ ક્રાન્તિ આણી છે. મિશનના ઔદાર્ય અને વૈશ્વિક આદર્શોએ પશ્ચિમના બુદ્ધિજીવી લોકો ઉપર તેમ જ ભારતીય સમાજના વિવિધ ઘટકો પર સમાન રીતે પ્રભાવ પાડ્યો છે. રાહતકાર્યો, સેવા, જનશિક્ષણ, ટૅકનિકલ શિક્ષણ, મહિલા જાતિ, મહિલાઓના મઠોનું સ્થાપન, ગ્રામસુધાર, જનજાતિનું કલ્યાણ, વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતીવિકાસ, ઉપનિષદ જેવાં શાસ્ત્રોનો વિવિધ ભાષાઓમાં અનુવાદ, વૈદ્યકીય સહાય અને અંતમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની ખાઈ પૂરવા માટેના સેતુનું નિર્માણ – વગેરે ક્ષેત્રોમાં રામકૃષ્ણ મિશને પાયાનું કામ કર્યું છે. ભારતમાં અને બહાર ઘણાં સંઘો – સંસ્થાઓ આજે ઊભાં થયેલ છે. આ બધાં જ સંગઠનો વ્યાવહારિક વેદાન્ત પર ખડાં થયેલા રામકૃષ્ણ મિશનનાં કાર્યોનું સીધું જ પરિણામ છે.

રામકૃષ્ણ મિશન આજે પોતાની શતાબ્દી ઊજવી રહ્યું છે. ગત સો વરસ દરમિયાન એને ઘણાં સંઘર્ષો અને આંધીઓ સામે ટક્કર લેવી પડી. છતાં સ્વામી વિવેકાનંદે પ્રગટાવેલો નવજાગરણનો દીપ – ૧૮૯૭માં બલરામ બોઝને ઘેર પ્રગટાવેલો દીપ – હજુએ સ્થિર જ્યોતિએ જલી રહ્યો છે. અને સમગ્ર જગતને એના પ્રકાશથી ઉજાળી રહ્યો છે. આ પ્રકાશે એક નવી સભાનતા જન્માવી છે અને મુક્તિને ઝંખતી આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં એક માર્ગદર્શક સ્તંભ બની રહેલ છે. જ્યાં સુધી માનવસંસ્કૃતિ જીવતી રહેશે ત્યાં સુધી રામકૃષ્ણ મિશનનો આ સેવા દીપક સદા જાતિ – પાંતિ કે ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાના કલ્યાણ માટે જલતો જ રહેશે.

– અનુવાદ : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.