સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા બજાવી રહ્યાં છે. તેમનાં ૨૫થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને અનેક લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં તેમના લેખો અવારનવાર પ્રકાશિત થાય છે. – સં.

‘રાખાલ ને છ, લાટુને પાંચ, મોટા ગોપાલ અને બાબુરામને ચાર ચાર રોટલી જ પીરસજો.’ એક રાત્રે શ્રીરામકૃષ્ણે મા શારદામણિને કહ્યું. કેમ કે, રાત્રે બહુ ખાવાથી શરીરમાં જડતા વધી જાય અને સાધનભજનમાં વિક્ષેપ પડે એમ તેઓ માનતા હતા. ઠાકુરની સૂચના સાંભળીને મા વિચારમગ્ન બની ગયાં. પણ કશું બોલ્યાં નહીં. પણ તેમને મનમાં થયું કે ‘આ તે કેવું? મારા દીકરાઓ ભૂખ્યા રહે? અને મા જ એને ભૂખ્યા રાખે? ના, એ તો કદી ન બને.’ શ્રીરામકૃષ્ણના આદેશ પર માતૃવાત્સલ્ય વિજયી બન્યું. માએ તો દીકરાઓને પ્રેમપૂર્વક આગ્રહ કરીને ભરપેટ જમાડવાનું ચાલુ રાખ્યું. એક રાત્રે બાબુરામ જમીને આવતા હતા ત્યારે શ્રીરામકૃષ્ણે એમને પૂછ્યું. ‘બાબુરામ, તેં કેટલી રોટલી ખાધી?’ ‘છ’. ‘હેં, તે છ રોટલી ખાધી? તારે તો ચાર જ રોટલી ખાવાની હતી.’ ‘પણ માએ પ્રેમથી ખવડાવી.’ આ સાંભળીને તેઓ સીધા શ્રીમા પાસે આવી પહોંચ્યા ને બોલ્યા, ‘આવા ખોટા લાડ કરાવવાથી છોકરાઓનું ભવિષ્ય બગડશે.’ ‘એણે બે રોટલી વધારે ખાધી છે, તેમાં તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? એમનું ભવિષ્ય હું જોઈશ. ખાવા માટે તમે એમના પર ગુસ્સો ન કરતા.’ આ હતું સંઘજનની મા શારદાનું પ્રથમ પ્રાગટ્ય. માએ ઠકુરની વાતનો આ રીતે કરેલો વિરોધ જોઈને શ્રીરામકૃષ્ણ ગુસ્સે થવાને બદલે પ્રસન્ન થઈ ગયા. કેમ કે હવે માએ ખાતરી આપી હતી કે ‘એમનું ભવિષ્ય હું જોઈશ.’ અત્યાર સુધી અંતરના ઊંડાણમાં રહેલું આધ્યાત્મિક માતૃત્વ હવે જાગી ગયું હતું જે એમના દેહત્યાગ પછી એમના આ આધ્યાત્મિક યુવાન પુત્રોનું મહાન પ્રેરકબળ બની રહેવાનું હતું. આ જ તો શ્રીરામકૃષ્ણને કરવું હતું. એટલે તેઓ હસતા હસતા પાછા વળી ગયા. તેમ છતાં હજુ મા નેપથ્યમાં હતાં. તેમનું પૂર્ણ માતૃરૂપ હજુ પ્રગટ્યું નહોતું. પણ સમયે સમયે શ્રીરામકૃષ્ણ એમનામાં આ સ્વરૂપને ઘડ્યે જતા હતા.

તે સમયે શ્રીરામકૃષ્ણને ગળાનું દર્દ ખૂબ વધી ગયું હતું. લીલા સંવરણના દિવસો નજીક આવી રહ્યા હતા. એક દિવસ મા તેમની પાસે બેઠાં હતાં, ત્યારે ઠાકુર એમને જોઈ રહ્યા. તેથી માને એમ લાગ્યું કે ઠાકુર કંઈક કહેવા ઈચ્છે છે. આથી તેમણે પૂછ્યું, ‘શું કહેવા ઈચ્છો છો? કહોને.’

શ્રીરામકૃષ્ણે કહ્યું. ‘શું તમે કંઈ જ કરવાના નથી? આને જ (પોતાના શરીરને બતાવીને) બધું એકલે હાથે કરવું પડશે?’ લાચારીભર્યા સ્વરે માએ કહ્યું, ‘હું તો સ્ત્રી છું. હું શું કરી શકું?’ ‘ના. ના તમારે ઘણું કરવું પડશે.’ દૃઢતાપૂર્વક શ્રીરામકૃષ્ણે કહ્યું અને ત્યારે જ શ્રીરામકૃષ્ણે પોતાના કાર્યની જવાબદારી સૂક્ષ્મ રીતે માને સોંપી દીધી અને જ્યારે તક મળી ત્યારે માને એમની ભવિષ્યની જવાબદારી વિશે જાગૃત કરતા રહ્યા.

વળી એક દિવસ એમણે કહ્યું : ‘જુઓ, કલકત્તાના લોકો કીડાની માફક અંધકારમાં સબડી રહ્યા છે. તમે એમને સંભાળજો.’ માનો ફરી એ જ ઉત્તર મળ્યો : ‘હું સ્ત્રી છું, હું શું કરી શકું?’ ત્યારે પોતાનું શરીર બતાવીને શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘આખરે આ શરીરે શું કર્યું છે? તમારે તેના કરતાં ઘણું વધારે કરવું પડશે.’ આમ શ્રીરામકૃષ્ણે માને એમના મહાન ભાવિ કાર્ય પ્રત્યે સભાન કર્યાં. પણ ત્યારે તો માએ આ બાબત પર બહુ ધ્યાન ન આપતાં કહ્યું : ‘એ તો જ્યારે થશે, ત્યારે ખરું, હમણાં તો તમે જમી લો.’ આમ માએ વાતને બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો પણ શ્રીરામકૃષ્ણ હવે તેમને છોડે તેમ ન હતા. તેમણે તો પોતાની વાત પકડી જ રાખીને કહ્યું : ‘એ કંઈ મારી એકલાની જવાબદારી ઓછી છે. તમારી પણ છે.’ આમ દેહધારણની અવસ્થામાં જ શ્રીરામકૃષ્ણે પોતાના દેહત્યાગ બાદ માએ કંઈ ઘરના એક ખૂણામાં બેસી રહેવાનું નથી પણ પોતે જે કાર્ય કર્યું છે, તેનાથી પણ વધારે કાર્ય કરવાનું છે. એ વાત વારંવાર ભારપૂર્વક માને કહીને ભાવિ કાર્ય માટે એમને તૈયાર કરી દીધાં હતાં!

લીલાસંવરણના બે ચાર દિવસ અગાઉ જ શ્રીરામકૃષ્ણે પોતાના બધા શિષ્યોને બતાવીને માને કહ્યું હતું : ‘આ છોકરાઓની સંભાળ તમારે રાખવાની છે.’ એમ માને બધા જ યુવાન પુત્રો સોંપીને પછી ઠાકુરે તો દૈહિક લીલા સંકેલી લીધી અને તેત્રીસ વર્ષનાં અસહાય, નિરાધાર એકાકી મા ઉપર એમના સંતાનોનો ભાર આવી પડ્યો! વળી ઠાકુરના આ સંતાનો પણ કેટલાં બધાં અને પાછાં બધાં જ ભણેલાં ગણેલાં! ૨૩ વર્ષના નરેન્દ્ર, તેવડી જ ઉમ્મરના રાખાલ, બાબુરામ, શશી, નિરંજન, યોગેન, શારદાપ્રસન્ન, કાલી, હરિનાથ બધા જ વીસથી પચ્ચીસની યુવાન વયના, તો બત્રીસ વર્ષના તારકનાથ અને પંચાવન વર્ષના ગોપાલ – આ હતા રામકૃષ્ણના આધ્યાત્મિક પુત્રો અને તેત્રીસ વર્ષનાં, કદી પણ જાહેરમાં નહીં આવેલાં, અભણ, સંકોચશીલ એવાં મા શારદાએ બધાંને સંભાળવાનાં હતાં, એમનો ભાર ઉઠાવવાનો હતો. કેમ કે, શ્રીરામકૃષ્ણ એમને સોંપી ગયા હતા. મા શારદાએ આ સર્વને પોતાની છાયામાં સમાવી લીધા. પછી તો તેમાં માનાં અનેક વધારે સંતાનો પણ આવી પહોંચ્યાં. હવે માનાં હૃદયનાં દ્વાર ભક્તિ ને શ્રદ્ધાસભર સર્વ બાળકો માટે ખુલ્લાં હતાં. માના દિવ્ય માતૃત્વનો વ્યાપ વિસ્તરવા લાગ્યો અને મા થોડાએક શિષ્યોના જ નહીં પણ શ્રીરામકૃષ્ણ સંઘના માતા બની ગયાં.

શ્રીરામકૃષ્ણના તિરોધાન બાદ તેમના સંન્યાસીપુત્રોને રહેવાનું કોઈ નિશ્ચિત સ્થળ ન હતું, આવકનું કોઈ સાધન ન હતું. ભિક્ષા માગીને નિર્વાહ કરતા હતા. પછી તો બધા તીર્થયાત્રાએ નીકળી ગયાં. મા શારદામણિ પણ વૃંદાવન ને કાશીની યાત્રાએ ગયા. રસ્તામાં બોધિગયામાં તેમણે સાધુઓનો મઠ જોયો. આ સાધુઓને રહેવા કે ખાવા – પીવાની કોઈ જ સમસ્યા નહોતી. આથી બધા નિશ્ચિંત બનીને આનંદપૂર્વક સાધન – ભજન કરી રહ્યા હતા. આ સુંદર દૃશ્ય જોઈને મા શારદાના હૃદયમાં સંકલ્પ જાગ્યો કે મારા દીકરાઓ માટે પણ આવું એક સ્થળ હોવું જોઈએ, જ્યાં બધી જ ચિંતાથી મુક્ત બનીને મારા દીકરાઓ ભગવાનના સાક્ષાત્કાર માટે સાધન- ભજન કરી શકે. કેમ કે, મા જોતાં હતાં કે શ્રીરામકૃષ્ણના આ તેજસ્વી પુત્રોને મૂઠી ધાન માટે બારણે બારણે ભટકવું પડતું હતું. ક્યારેક તો મૂઠી ધાન પણ મળતું નહીં ત્યારે આ દીકરાઓ કંઈ જ ખાધા વગર શ્રીરામકૃષ્ણના ચિંતનમાં આખો દિવસ વીતાવી દેતા. માથી આ જોવાતું નહોતું. બોધગયાનો મઠ જોઈને માએ આર્તભાવે શ્રીરામકૃષ્ણને એમના પુત્રો માટે આવું એક સુંદર સ્થાન રચાય તેની પ્રાર્થના કરી. માએ શ્રીરામકૃષ્ણને કહ્યું : ‘હે ઠાકુર, તમે આવ્યા, આ થોડા ભક્તો સાથે લીલા કરી, આનંદ કરીને ચાલ્યા ગયા. શું બધું આમ જ પુરું થઈ જશે? તો પછી આટલા બધા કષ્ટ વેઠીને આવવાના શી જરૂર હતી?’ માનું હૃદય આક્રંદ કરી ઠાકુરને પ્રાર્થના કરી રહ્યું : ‘હે ઠાકુર, સાધુઓનો તોટો નથી, કાશી વૃંદાવનમાં મેં જોયું છે કે ઘણા સાધુઓ ભિક્ષા માગીને ખાય છે અને ઝાડની નીચે અહીં તહીં ફર્યા કરે છે. આવા સાધુઓનો અભાવ નહોતો. તમારું નામ લઈને મારાં છોકરાઓએ સંસાર છોડ્યો અને પછી બે મુઠ્ઠી અનાજ માટે અહીં તહીં ભીખ માગતા ફરે એ મારાથી નહીં જોઈ શકાય. મારી પ્રાર્થના છે તમારું નામ લઈને જે લોકો સંસાર છોડે તેમને સાધારણ ભરણપોષણનો અભાવ કદી ન થાય. આ બધા લોકો તમારા આદર્શોને અનુસરીને એક જગ્યાએ રહી શકે એવું કંઈક કરો જેથી સંસારના તાપથી દાઝેલા માણસો તેમની પાસે આવીને શાંતિ મેળવી શકે. એ માટે તો તમે આવ્યા હતા. એમને આ રીતે ભટકતા જોઈને મને બહુ દુઃખ થાય છે. મારા પ્રાણ વ્યાકુળ બને છે.’

હવે માના પ્રાણની વ્યાકુળતા ને વેદના શ્રીરામકૃષ્ણ જોઈ શક્યા નહીં. માની પ્રાર્થના એમણે સ્વીકારી લીધી અને કાશીપુરના મકાનનું ભાડું આપનાર સુરેન્દ્રનાથ મિત્રને દર્શન આપી તેમણે કહ્યું : ‘મારાં સંતાનો અહીં તહીં ભટકી રહ્યા છે. પહેલાં એમને રહેવાની સગવડ તો કરી આપ.’ આ દિવ્ય આદેશનું તેમણે તત્કાળ પાલન કર્યું. નરેન્દ્રનાથને તેમણે કહ્યું : ‘ભાઈ, એક સ્થળ એવું રાખો, જ્યાં ઠાકુરની છબિ, ભસ્મ અને એમની વસ્તુઓ રાખી શકાય. નિયમિત પૂજા ભક્તિ થતાં રહે અને તમે ત્યાગી યુવાનો એક સાથે ત્યાં રહીને સાધન ભજન કરી શકો. અમે સંસારીઓ પણ સંસારની જંજાળમાંથી વિશ્રાંતિ મેળવવા ત્યાં આવી શકીએ. કાશીપુરમાં જેમ હું ભાડું આપતો હતો, તેમ જ આપતો રહીશ. એક મકાન ભાડે રાખી લો.’ આખરે વરાહનગરમાં મકાન ભાડે રાખ્યું અને ત્યાં માના સંન્યાસી પુત્રો રહેવા લાગ્યા. વરાહનગર પછી આલમ બજાર અને પછી બેલુડ મઠ સ્થપાયો અને પોતાનાં ત્યાગી સંતાનો માટેની માએ કરેલી પ્રાર્થના ફળી. મઠના અને મિશનના પાયામાં દિવ્ય માતૃશક્તિની આર્ત પ્રાર્થના પડેલી છે. એ પ્રાર્થનાના પાયા ઉપર ઊભેલાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દિન-પ્રતિદિન વધુ ને વધુ વિકસતાં રહ્યાં છે. શ્રીરામકૃષ્ણ મિશને એક સૈકામાં પોતાની અસંખ્ય શાખાઓને વિશ્વભરમાં પ્રસારી છે. મા શારદાદેવીની આર્તહૃદયની પ્રાર્થનાનું બળ આજે પણ કામ કરી રહ્યું છે.

શ્રીરામકૃષ્ણનું નામ લઈને સંસાર છોડનારને હવે ક્યાંય ભટકવું પડતું નથી. તેમને અન્નવસ્ત્રનો અભાવ કદી પડતો નથી. એનો અનુભવ વિશ્વભરમાં વ્યાપેલા માના સંન્યાસી પુત્રો આજે પણ કરી રહ્યા છે.

આ વર્ષ એ શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દી વર્ષ છે. સામાન્ય રીતે જેમ જેમ વરસો વીતતાં જાય, તેમ તેમ સંસ્થાઓ પણ વૃદ્ધ અને ક્ષીણ થતી જોવા મળે છે, તેનાં આદર્શો અને ધ્યેયોનું પોત પણ પાતળું બનતું જાય છે. જ્યારે શ્રીરામકૃષ્ણ મિશને સો વર્ષ પૂરાં કર્યાં છતાં એનાં ઉન્નત ધ્યેયો, ઉચ્ચ આદર્શો, શિવજ્ઞાને જીવસેવાનાં કાર્યો અને તેના સંન્યાસીઓનાં સેવા, સાધના, તપશ્ચર્યા ને ઠાકુર – મા પ્રત્યેની અનન્ય ભક્તિ ભાવનામાં ક્યાંય ઓટ આવી નથી. ઊલટું દિનપ્રતિદિન એમાં વિકાસ થતો રહ્યો છે. કોઈ પણ સંસ્થા એક સૈકા સુધી જ નહીં પણ આવનારી સદીઓ સુધી તો જ ટકી શકે, જો તે પોતાના ઉન્નત આદર્શોને જાળવી શકે, જો એના પાયામાં પ્રચંડ શક્તિ રહેલી હોય, જો એના મૂળ ઊંડે સુધી ગયાં હોય અને એ શક્તિના અખૂટ સ્રોતમાંથી તેને પોષણ મળતું હોય, શ્રીરામકૃષ્ણ મિશનની સફળતાનું કારણ એ છે કે શક્તિ સ્વરૂપિણી મા શારદાએ તેનું ગઠન કર્યું છે. પોતાના અંતરના પ્રેમથી તેનું સિંચન કર્યું છે. પોતાના માતૃસ્નેહ દ્વારા તેમણે યુવાન સંન્યાસી પુત્રોના ભ્રાતૃસ્નેહને અતૂટ દૃઢતા બક્ષી છે. તેમણે પોતાની આંતરસૂઝ, દીર્ઘદૃષ્ટિ ને મનુષ્યોને ઓળખવાની આંતરશક્તિ દ્વારા મઠ અને મિશનને આવનારી મુશ્કેલીઓમાંથી ઉગારીને સુરક્ષિતતા બક્ષી છે. પાપી – પુણ્યશાળી, ઉચ્ચ – નીચ, જાતિ કે ધર્મ, એવા કોઈ પણ ભેદભાવ વગર માએ શ્રીરામકૃષ્ણના આશ્રયે આવેલા સહુને એક સરખા પ્રેમથી આવકાર્યા છે અને એટલે જ શ્રીરામકૃષ્ણ મિશન સંસારીજનો માટે શીતળતા ને શીળી છાયા આપી તાપને શમાવનાર દિવ્ય સંસ્થા બની શકી છે. માએ પ્રસ્થાપિત કરેલાં મૂલ્યોનું જતન જાણે મા શારદા સ્વયં હાજર હોય તે રીતે આજે પણ થઈ રહ્યું હોવાથી શ્રીરામકૃષ્ણ મિશન માના આશીર્વાદ અને કૃપાથી આવનારી સદીઓ સુધી પોતાનું કાર્ય કરતું રહેશે એમાં કોઈ શંકા નથી.

આ સમગ્ર સંઘનું સંચાલન તો માના સંન્યાસી પુત્રો જ કરતા હતા. સંન્યાસીઓ જ તેના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ને મંત્રીપદે રહીને સઘળો વહીવટ કરતા. મા શારદાદેવી આમાં ક્યાંય પ્રત્યક્ષ સ્વરૂપે નહોતાં. અને છતાં ય મા સઘળી પ્રવૃત્તિઓમાં વ્યાપ્ત હતાં. મા સમગ્ર સંઘનું સંવેદનાથી ધબકતા હૃદય હતાં. સંઘનું સંચાલક બળ હતાં. સંઘના સભ્યોને એક સૂત્રમાં પરોવી રાખનાર સંઘની શક્તિ હતાં. જ્યારે જ્યારે એમના સંન્યાસી પુત્રોમાં કંઈ મતભેદ ઊભો થાય ત્યારે મા પાસેથી સહુને સમાધાન મળી જતું. મિશનની સ્થાપના બાદ તેનાં સેવા કાર્યો અંગે જ કેટલાક સંન્યાસીઓમાં મતભેદ ઊભો થયો હતો. મઠના સાધુઓએ સેવાકાર્ય કરવું જોઈએ એવી વાત સ્વામી વિવેકાનંદે જ્યારે કરી ત્યારે સર્વ પ્રથમ તો સ્વામી યોગાનંદ જ એનો જોરદાર વિરોધ કરતાં કહ્યું; ‘આ જીવસેવાનું કામ તો તમારા મગજની ઉપજ છે. ઠાકુરે આવો ઉપદેશ આપ્યો નથી. તેઓ તો કહેતા હતા કે ભગવત્ – પ્રાપ્તિ એ જ એક માત્ર જીવનનું લક્ષ્ય છે. તમે પશ્ચિમની સેવા-બેવાની વાત અમારા મગજ પર ઠોકી બેસાડી રહ્યા છો.’ ફક્ત યોગાનંદ જ નહીં બીજા સંન્યાસીઓ પણ આમ જ વિચારતા હતા. અરે, કથામૃત લેખક માસ્ટર મોશાય પણ આમ જ માનતા હતા. આટલા બધાના પ્રબળ વિરોધ વચ્ચે શિવજ્ઞાને જીવસેવાનો મિશનનો આદર્શ પ્રસ્થાપિત કરવાનું કાર્ય સ્વામીજીને માટે તો અતિ મુશ્કેલ બની ગયું. ઠાકુર તો ત્યારે દેહમાં હતા નહીં અને આ વિવાદ તો ખૂબ વધી ગયો. પછી બધાએ માસ્ટર મોશાયને કહ્યું ‘અમે મા પાસે જઈએ છીએ. તેમને પૂછીએ છીએ કે આ બધું ઠાકુરની ઇચ્છા પ્રમાણે છે કે નહીં.’ માએ બધું સાંભળ્યું ને પછી બોલ્યાં : ‘જુઓ દીકરાઓ, નરેને એ જ કર્યું છે, જે ઠાકુરે ઈછ્યું છે.’ બસ માના મુખમાંથી નીકળેલા આ એક જ વાક્યે, એક જ ઝાટકે બધાંના સંશયોને દૂર કરી દીધા. પછી તો બધા જ નરેનનાં સેવાકાર્યોમાં જોડાઈ ગયા. માની મંજૂરીની મહોર મળ્યા પછી જ સર્વેએ સેવાનો સાધના રૂપે સ્વીકાર કર્યો, એ પહેલાં તો તેઓ સાધન – ભજનને જ સાધના તરીકે ગણતા હતા.

માએ સેવા કાર્યોની જાતે મુલાકાત લઈને આશીર્વાદ પણ આપ્યા હતા અને સર્વને ખાતરી કરાવી દીધી કે મિશનનાં સેવાકાર્યો ઈશ્વરની સન્મુખ લઈ જનારાં છે, તેનાથી વિમુખ કરનારાં નથી. વારાણસીમાં સેવાસંઘની હૉસ્પિટલની માએ મુલાકાત લીધી. રોગીનારાયણની સેવા કરતા સાધુઓનું કાર્ય જોઈને મા ખૂબ પ્રસન્ન થયાં. આશીર્વાદ રૂપે માએ સેવાશ્રમને દસ રૂપિયાની નોટ ભેટ આપી. માની આ અમૂલ્ય ભેટ આજે પણ સેવાશ્રમમાં સચવાયેલી જોવા મળે છે. માના આશીર્વાદ અને કૃપાથી સેવાશ્રમની હૉસ્પિટલ અનેક રોગીઓને નવું જીવન આપતી આજે પણ કાર્યરત છે. ત્યાં પણ કોઈ સાધુએ માને કહ્યું : ‘મા, આ હૉસ્પિટલ ચલાવવી; ચોપડીઓ વેચવી, હિસાબ રાખવો, એ બધું કંઈ સાધુજીવનને અનુકૂળ નથી. ઠાકુરે આવું કંઈ કર્યું નહોતું. કામ કરવું હોય તો પૂજા ને જપ-ધ્યાન જ કરવાં જોઈએ. બીજા બધાં કામો મનુષ્યને ઈશ્વરથી વિમુખ કરે છે.’ આ સાંભળીને માએ કહ્યું : ‘કામ નહીં કરો તો આખો દિવસ કરશો શું? શું ચોવીસ કલાક કંઈ જય – ધ્યાન કરી શકાય? ઠાકુરની વાત કરો છો. એમની તો વાત જ જુદી. એમને તો મથુર મિષ્ટાન્ન આપતો. તમને અહીં ખાવાનું મળે છે, કેમ કે તમે અહીં કામ કરો છો. નહીંતર એક મૂઠી અન્ન માટે ઘેર ઘેર ભટક્યા કરશો. મઠ આ જ પ્રમાણે ચાલશે, જેમને ન રહેવું હોય તે ચાલ્યા જાય.’ આમ સેવાકાર્ય ઉપર માએ પોતે જ ખૂબ ભાર મૂક્યો, શિવજ્ઞાને જીવ સેવા એ ઠાકુરનો આદર્શ હતો, તેને ચરિતાર્થ કરવાથી ઈશ્વરાભિમુખ વધુ થવાશે એ વિશે માએ સર્વને પ્રેરણા આપી. તેને પરિણામે જ સ્વામી વિવેકાનંદનો સેવા-સાધનાનો માર્ગ સરળ બની ગયો.

માયાવતીના અદ્‌ભુત આશ્રમ અંગે પણ સ્વામીજી અને અન્ય ગુરુભાઈઓ વચ્ચે મતભેદ ઊભો થયો હતો. સ્વામીજી એવું ઈચ્છતા હતા કે હિમાલયમાં શાંત એકાંત સ્થળે એવા આશ્રમ હોય કે ત્યાં કોઈ છબિ, મૂર્તિ કે એવાં કોઈ બાહ્ય ઉપકરણો વગર કેવળ પરમ તત્ત્વની જ ઉપાસના થાય. અદ્વૈતની સાચી ઉપાસના કરી શકાય એ હેતુથી તેમણે માયાવતીમાં અદ્‌ભુત આશ્રમ સ્થાપ્યો. પણ ત્યાંય સાધુઓ શ્રીરામકૃષ્ણની છબિ રાખવા ઈચ્છતા હતા. કોઈ સાધુએ તો ત્યાં શ્રીરામકૃષ્ણની છબિની પૂજા પણ શરૂ કરી દીધી. આથી સ્વામીજી ખૂબ ગુસ્સે થઈ ગયા. આ પ્રશ્ન પણ પાછળથી મા પાસે રજૂ કરવામાં આવ્યો. માએ બધી જ વાત શાંતિથી સાંભળીને પછી કહ્યું, ‘ઠાકુર પોતે તો અદ્વૈતમાં માનતા હતા. તો એક સ્થળ અદ્વૈતની જ સીધી આરાધના કરી શકાય તેવું હોય તો એમાં ખોટું શું છે?’ આમ માએ ફરી ભારપૂર્વક જણાવી દીધું કે નરેન ઠાકુરની વિચારધારાથી અલગ કંઈજ કરી રહ્યો નથી. માની આંતરસૂઝ, શ્રીરામકૃષ્ણ સાથેનું તેમનું તાદાત્મ્ય અને સર્વને વિશ્વાસમાં લઈને સમજાવવાની તેમની પ્રેમભરી આવડતને લઈને શ્રીરામકૃષ્ણ મિશનના પ્રારંભમાં જે મતભેદો ઊભા થયા હતા, તે શમી ગયા અને ક્યારેય આવા પ્રશ્નો ઊભા થયા જ નહીં. સ્વામીજી માની પરમ દિવ્ય શક્તિને ઓળખી ગયા હતા. શ્રીમા શ્રીરામકૃષ્ણનાં લીલા સહધર્મચારિણી હતાં એટલે સંઘજનની બની ગયાં હતાં એવું નહોતું. તેઓ કંઈ ઉછીના લીધેલા પ્રકાશથી પ્રકાશતાં નહોતાં, પણ સ્વયં પ્રકાશ હતાં. શ્રીરામકૃષ્ણની સાથે સમાન ભૂમિકાએ ઊભેલાં હતાં. સ્વયં શક્તિ હતાં. અને એટલે જ શ્રીરામકૃષ્ણનું સઘળું કાર્ય તેઓ પાછળથી કરી શક્યાં. શ્રીરામકૃષ્ણે તો સર્વધર્મની સાધના કરી. યુવાન શિષ્ય સમુદાયને એકત્ર કર્યો. પણ એ શિષ્યો દ્વારા સમગ્ર વિશ્વને જ્ઞાન આપવાનું કાર્ય તો મા શારદાદેવી દ્વારા જ થયું છે. સ્વામી વિવેકાનંદે માની મહાનતાને બિરદાવતાં લખ્યું છે : ‘માના જીવનની અપૂર્વ વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ પણ નહીં. ધીમે ધીમે બધાં જાણશે. જે શક્તિ વગર જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે મા અવતીર્ણ થયાં છે. અને તેમના અર્ધ્યને લઈને ફરી એક વાર આ જગતમાં ગાર્ગી અને મૈત્રેયી રૂપે સ્ત્રીઓ ઉત્પન્ન થશે. તેઓ કોણ છે તે તમે કોઈ સમજી ન શક્યા. ધીરે ધીરે સમજી જશો. મારી આંખો ખુલી ગઈ છે. દિવસે દિવસે બધું જ સમજતો જાઉં છું. મારા ઉપર માની કૃપા પિતાની (શ્રીરામકૃષ્ણ) કૃપાથી લાખગણી અધિક છે. બે ત્રણ વાત ખુલ્લે ખુલ્લા કહી દીધી. માની આજ્ઞા થતાં જ આ ભૂત વીરભદ્ર કંઈ પણ કરી શકે છે. અમેરિકા જતાં પહેલાં માત્ર પત્ર લખીને મેં મા પાસે આશીર્વાદ માગ્યા હતા. માએ આશીર્વાદ આપ્યા કે બસ હું છલાંગ લગાવીને સાગર પાર ગયો.’ સ્વામીજીની સાગરપારની વિરાટ છલાંગનું પ્રેરકબળ તે મા હતાં. તેમનાં સર્વકાર્યોની પ્રેરણાશક્તિ મા હતાં અને એટલે જ તેઓ અલ્પ સમયમાં સમગ્ર વિશ્વને આલોક્તિ કરી શક્યા ને દેશવિદેશમાં શ્રીરામકૃષ્ણ મિશનની શાખાઓ સ્થાપી શક્યા.

મા શારદાદેવીની દીર્ઘદૃષ્ટિ અને આંતરસૂઝથી સંઘ ભાવિ મુશ્કેલીઓમાંથી બચી શક્યો છે. જ્યારે કલકત્તામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે મઠના સાધુઓએ ભગિની નિવેદિતાની રાહબરી હેઠળ સેવાકાર્ય શરૂ કર્યું હતું. તે સમયે હજુ મઠને નાણાંની તંગી હતી. સ્વામીજી પ્લેગગ્રસ્ત દરિદ્ર રોગીઓની કરુણ સ્થિતિ જોઈને અત્યંત દ્રવિત થઈ ગયા અને તેમણે કહ્યું : ‘આ સેવાકાર્ય માટે જરૂર પડશે તો હું મઠ માટે ખરીદેલી જમીન પણ વેચી નાખીશ.’ જ્યારે માને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સ્વામીજીને બોલાવીને પ્રેમથી કહ્યું : ‘બેટા નરેન, તમારે બધાને એક સાથે રહેવા માટેનું કોઈ નિશ્ચિત સ્થળ તો હોવું જ જોઈએ. તો જ તમે બધા સારી રીતે સેવાકાર્યો કરી શકશો. માટે જમીન વેચાય નહીં.’ માની આજ્ઞા થતાં સ્વામીજીએ જમીન વેચવાની વાત પછી ક્યારેય કરી નહીં. એ જ જમીન ઉપર બેલુડ મઠનું નિર્માણ થયું. આમ એના પાયામાં પણ માની દૂરદર્શિતા રહેલી છે.

જ્યારે જ્યારે મઠના સંચાલનમાં કે વ્યવસ્થામાં કે કોઈએ નિયમનો ભંગ કર્યો ને સજા કરવાની વાત આવી કે નોકરે કંઈ ઉદ્ધત વર્તન કર્યું હોય ને કાઢી મૂકવાની વાત હોય, તે દરેકમાં માએ સાચું માર્ગદર્શન આપી પરિસ્થિતિને સુધારી લીધી છે. માને લઈને પ્રારંભમાં જ મઠ અને મિશનની આચારસંહિતા અને પ્રણાલીઓ એવી સઘન રીતે ગઠિત થઈ કે પછી ભાવિમાં એવી કોઈ જટિલતાઓ ઊભી થવાની શક્યતા જ ન રહી. તે સમય હતો સ્વદેશભક્તિનો સ્વાતંત્ર્ય ચળવળનો. બંગાળમાં તો ક્રાંતિની જ્વાળાઓ ભભૂકતી હતી. સ્વામી વિવેકાનંદની દેશભક્તિથી અંગ્રેજી શાસકો પરિચિત હતા. બંગાળના ક્રાન્તિકારીઓએ સ્વામીજીનાં લખાણોમાંથી પ્રેરણા મેળવી હતી. તેથી તેઓ મઠમાં આવતા ને માના આશીર્વાદ પણ લઈ જતા. મા શારદાદેવી પોતે પણ ઊંડી સ્વદેશપ્રીતિ ધરાવતાં હતાં. શ્રીરામકૃષ્ણ પોતે તો રાજકારણથી સંપૂર્ણપણે મુક્ત હતાં પણ માએ તો બ્રિટિશ શાસકોના અન્યાય અને અત્યાચાર જોયા હતા. તેથી તેઓ ક્રાન્તિવીરોને, સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને દેશભક્તિ માટે આશીર્વાદ પણ આપતાં રહેતાં. કોઆલપાડાનો આશ્રમ મને મળ્યો તે પહેલાં આશ્રમના સર્વકાર્યકરો સ્વદેશી ચળવળમાં ડૂબેલા હતા. માએ જોયું કે આ લોકોની શક્તિ કોઈ રચનાત્મક કામ વિના નકામી વાતોમાં વેડફાઈ જાય છે એટલે તેમણે આશ્રમના સર્વ સભ્યોને કહ્યું : ‘જુઓ, તમે ફક્ત વંદેમાતરમ્‌ના બરાડા પાડીને અટકો નહીં, એક સાળ લઈ આવો ને વણવાનું શરૂ કરો. મને પણ ઇચ્છા થાય છે કે એક ચરખો મળે તો હું પણ સુતર કાંતું. તમે લોકો કામમાં લાગી જાઓ.’ – આમ આ આશ્રમને વારંવાર માર્ગદર્શન આપીને માએ તેને રચનાત્મક દિશામાં મૂકી દીધો. મા પોતે જ સ્વદેશીના ચાહક ને પ્રેરક હતાં. પણ તેથી બ્રિટિશ સરકારને એવો વહેમ ગયો કે શ્રીરામકૃષ્ણ મઠ એ ક્રાંતિકારીઓનો અને સ્વદેશી ચળવળિયાઓનો અડ્ડો છે તેથી તેને બંધ કરી દેવો જોઈએ. માને આ વાતની ખબર પડી. તેમણે રામકૃષ્ણ મિશનના જનરલ સૅક્રેટરી સ્વામી શારદાનંદજીને કહ્યું : ‘તું તાત્કાલિક ગવર્નર પાસે જા. તેમને સાચી પરિસ્થિતિ જણાવીને તેમની શંકાને દૂર કર.’ માના આશીર્વાદ લઈ સ્વામી શારદાનંદ ગવર્નર પાસે ગયા ને તેમને સાચી માહિતી આપી. ગવર્નર પણ સ્વામી શારદાનંદની વિનમ્રતા અને રજુઆતથી પ્રભાવિત થયા. પછી ક્યારેય મઠ પર બ્રિટિશ સરકારની કરડી નજર પડી નહીં. આમ માની આર્ષદૃષ્ટિ ઘણું દૂરનું જોઇ શકતી હતી અને તેને પરિણામે મઠ અનેક મુશ્કેલીઓથી બચી શક્યો અને પોતાનો ઝડપી વિકાસ સાધી શક્યો.

માએ એ પણ જોયું કે ભવિષ્યમાં આ મઠની મુલાકાતે દેશ-વિદેશના લોકો આવશે, તેઓ ઠાકુર અને સ્વામીજી વિશે જાણવા ઈચ્છશે, તેથી મઠના સાધુઓને અંગ્રેજી તો આવડવું જ જોઈએ. આથી તેમણે પોતાના સંન્યાસી પુત્રોને કહ્યું : ‘તમે બધા અંગ્રેજી શીખી લો.’ પછી તેમણે સ્વામી બ્રહ્માનંદ દ્વારા સ્વામી ધર્માનંદ અને ઢાકાના કૃષ્ણભૂષણની અંગ્રેજી શિખવવા માટે નિમણૂક કરાવી! ગામડા ગામના સાવ અભણ માએ પોતાના સંન્યાસી પુત્રો માટે અંગ્રેજી ભણવાની વ્યવસ્થા કરાવી! આ તે માની કેવી દૂરદર્શિતા ને ઊંડી સમજ!

માના હૃદયની કરુણા ને ઉદારતા પણ આ મઠનાં કાર્યોને સુદૃઢ કરવામાં રહેલાં છે. મઠના સાધુઓ પોતાના શરીરની પણ પરવા કર્યા વગર સેવા કાર્યો કરી રહ્યા હતા. પણ તેમની કદર થતી નહોતી. ઊલટાના લોકો તો આ કાર્યોની ટીકા કર્યા કરતા. આથી એક સાધુએ માને કહ્યું : ‘મા, આ દેશના લોકો તો ભાંગતા જ શીખ્યા છે. સર્જન કરતાં તો શીખ્યા જ નથી.’ ત્યારે માએ તેને કહ્યું : ‘દીકરા, ઠાકુર કહેતા હતા ‘જ્યારે મલય પવન વાય છે, ત્યારે જે વૃક્ષોમાં જરા પણ સારતત્ત્વ હોય છે, તે બધાં જ ચંદન બની જાય છે. આ મલય પવન તો વાય છે હવે બધાં જ ચંદન બની જશે, સિવાય કે વાંસ અને કેળાનાં વૃક્ષ’ – આમ સંઘનાં કાર્યો અંગે જ્યારે કોઈના મનમાં સંદેહ કે નિરાશા જાગે ત્યારે મા એ સઘળું દૂર કરી તેમાં બળ પૂરી દેતાં ને પછી સંઘના કાર્યોને વેગ મળતો.

બીજા એક સાધુએ માને ફરિયાદ કરી હતી કે મા મફત દવા આપવી બંધ કરી દેવી જોઈએ. કેમ કે, એમાં તો જેઓ દવાના પૈસા ખરચી શકે છે, એવા લોકો પણ મફત દવા લઈ જાય છે. આ સાંભળીને માએ કહ્યું : ‘જે માગવા આવે બધા જ અભાવથી પીડાય છે એમ જાણવું.’ અભાવગ્રસ્ત સર્વ પર માની કરુણા વરસતી રહી. માએ મફત દવા આપવાનું બંધ થવા દીધું નહીં. માની કરુણાથી સભર સંઘનું આ દવા આપવાનું કાર્ય આજ પર્યંત ચાલુ રહ્યું છે.

દિવ્ય માતૃત્વના વાત્સલ્યથી શ્રીરામકૃષ્ણ સંઘ રચાયેલો છે. માના વાત્સલ્યના આ અદ્‌ભુત રસાયણે તો શ્રીરામકૃષ્ણ સંઘને નિત્ય યૌવનની તાજગી અને શક્તિ બક્ષ્યાં છે. એક વખત એક શિષ્યને તેમણે કહ્યું હતું : ‘જુઓ, બેટા, ઠાકુરના ગયા બાદ હું પણ જવા ઈચ્છતી હતી પણ તેમણે મને જવા દીધી નહીં. તેઓ મને અહીં જ રાખી ગયા. ઈશ્વરનો માતૃભાવ બતાવવા તેઓ મને અહીં મૂકી ગયા.’ અને માએ માનવીય માતૃભાવથી ઉપર ઊઠીને ઈશ્વરીય માતૃભાવ પ્રગટ કર્યો. માનવીય માતૃત્વ નિઃસ્વાર્થ તો છે જ. પણ તે પોતાનાં સંતાન પૂરતું જ સીમિત છે. જ્યારે ઈશ્વરીય માતૃત્વ અસીમ છે. તેમાં પાપી – પુણ્યશાળી, સજ્જન – દુર્જન બધાંને સમાન ભાવે પ્રેમ મળે છે. માએ કહ્યું હતું : ‘હું સત્‌ની પણ માતા છું અને અસત્‌ની પણ માતા છું.’ માને પોતાનાં સર્વ સંતાનો પર સમાન પ્રેમભાવ હતો, પછી તે મુસલમાન જાતિનો અમજદ લૂંટારો હોય કે પોતાનો વહાલો પુત્ર, તેમણે પોતે જ કહ્યું હતું કે ‘જેવો શરત્ મારો પુત્ર છે, તેવો જ અમજદ પણ છે.’ અમજદને મા પોતાનાં હાથે પીરસીને જમાડતાં હતાં. અને જમ્યા પછી તેની એંઠી પતરાવળી પણ તેમણે ઊપાડી હતી ત્યારે માની ભત્રીજી નિલનીએ તેમને કહ્યું, ‘અરેરે, ફોઇબા, તમારી તો જાત ગઇ!’ પણ નલિની તો માની દિવ્યતાને ક્યાંથી ઓળખી શકે? મા તો નાત-જાત, અરે સર્વ ભેદો અને દ્વંદ્વોથી પર હતાં! એક વણકર ભક્તે આપેલો પ્રસાદ તેમણે સ્વીકાર્યો, ત્યારે ભક્ત સ્ત્રીએ માને કહ્યું કે મા તે તો હલકી જાતિનો છે, તેનો પ્રસાદ કેમ સ્વીકાર્યો? ત્યારે માએ કહેલું : ‘ભક્તોને કોઈ જાતિ હોતી નથી.’ માના આ સમાન પ્રેમભાવના મજબૂત તંતુએ તો શ્રીરામકૃષ્ણના સર્વ સંતાનોને એક સૂત્રે બાંધી દીધાં હતાં.

સ્વામી વિવેકાનંદની ચાર વિદેશી શિષ્યાઓને માએ પ્રેમથી આવકારી હતી. તેઓ માના અંતઃપુર સુધી પહોંચી શકી હતી. એ માના હૃદયની વિશાળતા, ઉદારતા, સર્વ પ્રત્યે સમદૃષ્ટિ ને અપાર કરુણા પ્રગટ કરે છે. નહીંતર આજથી સો વર્ષ પહેલાંનો એ બંગાળી સમાજ અને એમાં ય ચૂસ્ત બ્રાહ્મણ વૃદ્ધાઓની વચ્ચે રહેતાં મા, કોઈ પણ જાતના હિચકિચાટ કે ભય વગર આ વિદેશી સ્ત્રીઓને પ્રેમપૂર્વક આવકારે, એમને પોતાનો પ્રેમાળ સ્પર્શ આપે, એ તો શક્ય જ ન બને. કેમ કે એ સમયે તો વિદેશીઓના પડછાયામાં આવી જવાય તો પણ સ્નાન કરવું પડતું.

સ્વામી વિવેકાનંદે આ પ્રસંગ વિશે પોતાના ગુરુભાઈને પત્રમાં લખ્યું હતું : ‘કેટલીક યુરોપિયન મહિલાઓ માને મળવા ગઈ હતી. તું માની શકે છે, કે માએ તેમની સાથે ભોજન લીધું! કેવી ઉદારતા! પણ માને તો કોઈ જ પરાયું નહોતું. હૃદયમાં શ્રદ્ધાભક્તિ લઈને આવનાર સર્વને માનો પ્રેમ મળતો. આ વિશાળતા ને ઉદારતા સંઘના પાયામાં માએ મૂકેલાં છે. પોતાના અંતરનો સમગ્ર પ્રેમ રેડીને એ પાયાને તેમણે અતિ મજબૂત બનાવ્યો છે કે સૈકાઓ સુધી આ સંઘ શ્રીરામકૃષ્ણની ભાવધારાથી સંસારીજનોના તાપોનું શમન કરતો ટકી શકે. કોઆલપાડાના અધ્યક્ષને માએ કહ્યું હતું : ‘પ્રેમ જ આપણું બળ છે ને પ્રેમથી જ પ્રભુનો સંસાર ઘડાયો છે.’ માની પ્રેમદૃષ્ટિ એમના સર્વ બાળકો પર ફરી વળતી.

સ્વામી જ્ઞાનાનંદજીને ખુજલી થઈ હતી. હાથમાં ખુજલી એટલે તેઓ જમી શકતા નહોતા. ત્યારે મા પોતાના હાથેથી તેમને દાળભાત ચોળીને ખવડાવતા. સ્વામી અરૂપાનંદજી જયરામવાટીમાં ખરીદી કરવા ગયા હતા ને પાછા ફરતાં સાંજ પડી ગઈ. આવીને જોયું તો મા સાંજ સુધી તેમની રાહ જોતાં ભૂખ્યાં રહ્યાં હતાં. સ્વામી વજ્રેશ્વરાનંદજીને બહાર જઈને તપશ્ચર્યા કરવાની ઇચ્છા થઈ. મા પાસે જયરામવાટી આવ્યા ને રજા માગી ત્યારે માએ પૂછ્યું, ‘તારી પાસે પૈસા તો છે ને?’ ‘ના, મા. પણ હું ગ્રાંટ ટ્રક રોડથી ચાલતો કાશી પહોંચી જઈશ.’ ‘અરેરે, દીકરા પાસે પૈસા નથી ને ચાલતો કાશી જશે?’ મા વિચારી રહ્યાં ને પછી બોલ્યાં, ‘જો દીકરા, હમણાં કારતક મહિનો ચાલે છે, ત્યારે યમના દરવાજા ખુલ્લા હોય છે. હું મા છું તને કેમ ૨ા આપું?’ આમ કહીને માએ તેમને જવા ન દીધા. પછી તો તેમની બહાર જવાની ઇચ્છાનું જ શમન થઈ ગયું.

એક સંન્યાસી આશ્રમનો ત્યાગ કરીને જઈ રહ્યા હતા. મા પાસે ૨જા લેવા આવ્યા ત્યારે મા પણ રડતાં હતાં અને તે સાધુ પણ રડતા હતા! માએ તેમને કહ્યું : ‘બેટા, મને ભૂલી ન જતો, હું જાણું છું કે તું નહીં ભૂલી જા તો પણ કહું છું.’ ત્યારે તે સંન્યાસીએ કહ્યું : ‘મા, આપ તો મને નહીં ભૂલોને!’ ‘અરે દીકરા, મા તે કોઈ દિવસ ભૂલી શકે? જાણજે કે હું તારી પાસે જ હોઈશ. કોઈ ભય નથી.’ આમ મઠ છોડીને ચાલ્યા જતા સંન્યાસીને પણ નિર્ભય બનાવીને, તેના અંતરને પ્રેમથી ભરીને માએ વિદાય આપી.

વિશુદ્ધાનંદજી, શાંતાનંદજી અને ગિરજાનંદજી પ્રબળ વૈરાગ્યની ભાવનાથી ઘર છોડીને સંન્યસ્ત ગ્રહણ કરવા ને પછી તીર્થસ્થળોમાં તપ કરવા નીકળ્યા હતા. જતાં પહેલાં તેઓ મા પાસે આશીર્વાદ લેવા આવ્યા. માએ તેમને આશીર્વાદ આપ્યા ને ભગવું વસ્ત્ર આપી દીક્ષા પણ આપી. પણ માને થયું કે આ બાળકો તીર્થસ્થળોમાં ભટકે એ યોગ્ય નથી. હજુ એટલા પરિપકવ નથી. એટલે તેમણે કહ્યું ‘તમે કાશી જાઓ, ત્યાં તારક (સ્વામી શિવાનંદજી) છે, તેની પાસે રહેજો. તેઓ તમને સંન્યાસીનાં નામ પણ આપશે અને તાલીમ પણ આપશે.’ આમ માએ તેમને યોગ્ય સ્થાને મોકલી દીધા.

કોઆલપાડા આશ્રમના અધ્યક્ષ ત્યાંના બ્રહ્મચારી છોકરાઓની મા પાસે વારંવા૨ ફરિયાદ કરતા રહેતા. એક વખત તો તેમણે માને કહ્યું કે મા, આ લોકોને આશ્રમમાંથી કાઢી મૂકીએ અને તેમને બીજે આશ્રય ન મળે તેવું કરી આપો, તો જ એમને ખબર પડશે. અને પછી તેઓ સીધા થઈ જશે. આ સાંભળી મા બોલી ઊઠ્યાં : ‘હું મા છું. એમ કેમ કહી શકું કે એમને બીજે આશ્રય ન મળે. તેઓ પ્રભુના શરણે આવ્યા છે. એ લોકો જ્યાં રહેશે ત્યાં ઠાકુર એમની સંભાળ લેશે. શું તમે એમ કહેવા માગો છો કે તેમને ક્યાંય આશ્રય ન મળે? એ વાત હું કોઈ દિવસ નહીં કહું.’ માનું લાલ મુખ ને આક્રોશ જોઈને અધ્યક્ષે માના ચરણોમાં પડીને ક્ષમા માગી અને પછી ક્યારેય એ બ્રહ્મચારીઓની ફરિયાદ ન કરી.

મુર્શિદાબાદમાં ગરીબોના ઉત્કર્ષનાં ભારે કાર્યોને પરિણામે જ્યારે સ્વામી અખંડાનંદજી બિમાર પડી ગયા ત્યારે માએ એમને તુરત જ કલકત્તા બોલાવી લીધા. સારવા કરાવી. આરામ કરાવ્યો ને સાજા કર્યા. માં સર્વની કેટલી બધી કાળજી રાખતાં હતાં! સંન્યાસી પુત્રો જ નહી, ૫ણ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્યોનું પણ મા ધ્યાન રાખતાં હતાં. ગિરીશચંદ્ર ઘોષ તો માને પોતાની સાચી મા જ માનતા હતા. માની કૃપાથી જ તેઓ અનેક દુર્ગુણોમાંથી મુક્ત બની સંત કોટિએ પહોંચ્યા હતા. નરેન હોય કે દારૂડિયો પદ્મવિનોદ હોય, ગોલાપ મા હોય કે પતિતા સ્ત્રી હોય, બધાં પર માનો સમાન પ્રેમ ગંગાના નીરની જેમ વહેતો રહેતો. અરે, નોકરો પણ આ પ્રેમમાંથી બાકાત નહોતા. એક ઉડિયા નોકરે પૈસા ચોર્યા એટલે સ્વામી વિવેકાનંદજીએ તેને કાઢી મૂક્યો. તે રડતો રડતો મા રહેતાં હતાં ત્યાં ઉદ્‌બોધનમાં પહોંચ્યો. તેની માંદી પત્નીને પૈસા મોકલવા તેણે ચોરી કરી હતી તેની કબુલાત મા પાસે કરી. માફી માગી. માએ તેને જમાડ્યો. આખો દિવસ પોતાની પાસે રાખ્યો. સાંજે સ્વામી પ્રેમાનંદજી આવ્યા ત્યારે તેની સાથે તેને મઠમાં પાછો મોકલ્યો. સ્વામી પ્રેમાનંદજીએ સ્વામીજીના હુકમની વાત કરી કહ્યું; ‘હવે હું તેને પાછો લઈ લઈશ તો નરેન મને વઢશે.’ ત્યારે મા બોલ્યાં; ‘તમને સાધુઓને સંસારીઓના દુઃખની શું ખબર પડે? એણે શા માટે ચોરી કરી એ તમે જાણતા નથી. એને તું લઈ જા. નરેનને કહેજે, કે ‘માએ મોકલ્યો છે.’ નોકરને પાછો આવેલો જોઈને સ્વામીજી પહેલાં તો ગુસ્સે થયા પણ જ્યારે જાણ્યું કે માએ પાછો મોકલ્યો છે ત્યારે કંઈ જ બોલ્યા નહીં. એ નોકર પછી ત્યાં જ રહ્યો. પણ માની ઉદારતાએ એને ચોરમાંથી ભક્ત બનાવી દીધો! આમ સર્વ પર વહેતા માના પ્રેમે સંઘના સર્વ સભ્યોને એકરૂપ બનાવી દીધા હતા!

કોઈપણ સંગઠન શિસ્ત, અનુશાસન અને આચારસંહિતાના ચુસ્ત પાલન વગર દીર્ઘજીવી બનતું નથી. મા આ જાણતાં હતાં અને તેથી જ તેઓ સંન્યસ્ત ગ્રહણ કરેલા સાધુઓના વ્યવહારની બાબતમાં ચુસ્ત હતાં. સંન્યાસીના ધર્મોના પાલનના પૂરા આગ્રહી હતાં. સંન્યસ્તની દીક્ષા આપવાનું માનું કાર્ય શ્રીરામકૃષ્ણના તિરોધાન પછી જ શરૂ થયું અને એ પણ એમની આજ્ઞાથી જ. શ્રીરામકૃષ્ણ વૃંદાવનમાં માને સ્વપ્નમાં આદેશ આપી દીક્ષા આપવાનું કહ્યું હતું. ત્યારથી સંઘમાતાની સાથેસાથે માનું આધ્યાત્મિક ગુરુનું કાર્ય પણ શરૂ થયું, પરંતુ મા એમની પાસે સંન્યાસની દીક્ષા લેવા આવનાર દરેકને સંન્યાસની દીક્ષા આપતાં નહીં. પણ એમને જે વ્યક્તિ યોગ્ય જણાય તેમને જ દીક્ષા આપતાં. પછી સંન્યસ્ત ધર્મનું પૂરેપૂરું આચારણ કરવા તેને ભારપૂર્વક કહેતાં કે, ‘સંન્યાસીએ ગૃહસ્થના ઘરમાં રહેવું નહીં, બહુ પૈસા પાસે રાખવા નહીં. સ્ત્રીનો સંગ કરવો નહીં. રોજ નિયમિત સાધન-ભજન કરવાં.’ આ બધી બાબતોના આચરણ પર મા ભાર મૂકતાં હતાં. એક વખત લાંબા સમય સુધી માનાં દર્શન ન થવાથી વ્યાકુળ બનેલા એક સંન્યાસી પુત્રને માએ કહેલું; ‘સાધુએ તો બધી માયા કાપી નાખવી જોઈએ. સોનાની સાંકળ પણ બંધન જ ગણાય.’ સંન્યાસીએ હરેક પ્રકારની માયાથી મુક્ત રહેવું જોઈએ, એમ તેઓ જણાવતાં. ત્યાગ અને વૈરાગ્ય એ સંન્યાસનો પાયો છે તેમ તેમણે કહેલું. જેમનામાં આ પ્રબળ હોય તેમને જ તેઓ સંન્યાસની પ્રેરણા આપતાં નહિતર ભક્તિનો ઉપદેશ આપતાં. તેમણે કહ્યું હતું કે ‘ઘર છોડીને પછી નિશ્ચિંત બની ભગવાનની આરાધના કરવી એ સાધુનું કર્તવ્ય છે.’

સંન્યાસી શતાનંદજીને ગૃહસ્થની સાથે કાશી જવાનું હતું, ત્યારે માએ તેને કહ્યું, ‘તું સાધુ છે. તને શું રેલભાડું નહીં મળે? એ તો બધા ગૃહસ્થ છે. તેની સાથે તારે જવાની જરૂર નથી.’ આમ કહીને તેમણે શતાનંદજીને એ ગૃહસ્થો સાથે કાશી જવા ન દીધા.

નાની ઉંમરના વરદાને સંન્યાસ લેવાની તીવ્ર ઇચ્છા હતી. પણ એક તો તેની ઉંમર નાની હતી અને વળી તે માને કામમાં ઘણી મદદ કરતો હતો. એટલે માએ તેને કહ્યું; ‘દીકરા, જો તું સંન્યાસી થા તો પછી હું તારી પાસે આ બધાં કામો કેવી રીતે કરાવી શકું? તું મને અત્યારે પગે હાથ અડકાડી પ્રણામ કરે છે, એ રીતે પછી તું મને પ્રણામ કરે તો મને ગમશે નહિ. એમ છતાં પણ જો તને પાછળથી સંન્યાસ લેવાની ઇચ્છા થાય તો તું શરત્‌ને કહેજે. એ વ્યવસ્થા કરી આપશે.’ આ જ કારણથી માએ હરિને પણ સંન્યાસ નહોતો આપ્યો. મા પોતે સંન્યાસીઓનો આદર કરતાં. એમની સેવિકાથી અજાણતાં સ્વામીજીના વસ્ત્રનો સ્પર્શ થઇ ગયો તો માએ તેને કહ્યું હતું કે ‘તેને પ્રણામ કરી તું તેની માફી માગ.’ મા પોતે સંન્યાસીઓનું ગૌરવ જળવાય તે માટે સજાગ હતાં. વળી સંન્યાસીઓ વ્યવહારિક કાર્યોમાં પોતાના મૂળ ધ્યેયને ભૂલી ન જાય એ માટે પણ મા તકેદારી રાખતાં. બહારનાં કાર્યોમાં તન્મય બની ગયેલા સાધુઓને સાવધાન કરતાં માએ કહ્યું હતું : ‘આ તો ઊલમાંથી નીકળી ચુલમાં પડવા જેવું થયું. સંસાર છોડીને આવ્યા ને નામ ન લેતાં માત્ર કામ જ કર્યું! આશ્રમ તો બીજો સંસાર થયો. સંસાર છોડીને લોકો આશ્રમમાં આવે પણ પછી આશ્રમ માટે એવો મોહ બંધાય કે આશ્રમ છોડવો ન ગમે.’ સાધુઓને ક્યાંય મોહ કે આસક્તિ ન બંધાય એ માટે પણ મા સાવધાની રાખતાં. આમ પ્રત્યેક સ્તરે માએ પોતાની દિવ્યશક્તિ અને આંતરપ્રેરણાથી સંઘનું ગઠન એવી રીતે કર્યું કે એક સૈકા જેટલો સમય વીતવા છતાં એમાં ક્યાંય મુશ્કેલી કે અવરોધો આવ્યા નથી. ઊલટું માની કૃપાથી શ્રીરામકૃષ્ણ સંઘ દિવ્યતાને વહાવતો, સર્વને ભાગવત્ ચેતના પ્રત્યે દોરી જતો નિરંતર વિકાસ પામી રહ્યો છે. કારણ કે તેની ભીતરમાં આજ પણ ધબકી રહ્યું છે મા શારદાનું પ્રેમાળ હૃદય!

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.