બંગાળના સુપ્રસિદ્ધ ભજનિક-ગાયક અને સાહિત્યકાર શ્રી દિલીપકુમાર રૉય શ્રી અરવિંદના શિષ્ય હતા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાથી એટલા પ્રભાવિત થયા હતા કે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નું વાચન તેમણે ઓછામાં ઓછું પચાસ વાર કર્યું છે, એમ તેઓએ લખેલું છે. તેઓ અનેક મહાન વિભૂતિઓના સંપર્કમાં આવ્યા હતા. અહીં નૉબેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત ફ્રેંચ મનીષી રોમાં રોલાંની સાથેનો તેમનો વાર્તાલાપ પ્રસ્તુત છે. – સં.

સ્વીટ્ઝરલૅન્ડની આ વાત છે. એ જ જૂના પુરાણા સ્વીટ્ઝરલૅન્ડની વાત છે જે સ્મિત સાથે સૌને આવકારે છે અને જેનું સ્વકીય આકર્ષણ છે.

રોમા રોલાંએ મને ખૂબ પ્રેમપૂર્વક બપોરના ખાણા માટે આમંત્રણ આપ્યું હતું.

એ તારીખ હતી ૨૫મી ઑક્ટોબર. શરદ ઋતુ હજી વિલીન થઈ નહોતી અને શરદીની ઋતુ આવું કે ના આવું એની મથામણમાં હતી. દેદીપ્યમાન સૂર્ય પ્રકાશતો હતો. ઇંગ્લેન્ડના શરદ ઋતુના સૂર્યની અનુદાર મહેરબાની પછીનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ લાગતું હતું.

મૅડમ મૅડેલિન રોલાંએ દરવાજા આગળ મને આવકાર્યો. મેં એમને લુગાનોમાં પાંચ વર્ષ પહેલાં જોયાં હતાં એમાં કોઈ ખાસ ફેરફાર થયેલો હોય એમ મને લાગ્યું નહિ.

તેઓ મને દિવાનખાના તરફ દોરી ગયાં. અને પ્રથમ બેઠકની સર્વસામાન્ય જગ્યામાં અમે આવી જ રહ્યાં હતાં ત્યાં રોમાં રોલાં આવ્યા.

એ જ સૌમ્યતાપૂર્ણ અને ભદ્રતાથી પ્રકાશતો ચહેરો. મેં એમને પાંચ વર્ષ અગાઉ જોયા હતા તેના કરતાં એમના વ્યક્તિત્વમાં વેદનાની છાયા કદાચ વધી હોય એમ લાગતું હતું; પરંતુ એમના એકેએક શબ્દમાંથી અને એમના પ્રત્યેક હાવભાવમાંથી કોમળ માધુર્ય ટપકતું હતું, જેથી મને એક મહાન અંગ્રેજ લેખક યાદ આવ્યો જેણે કહ્યું છે કે, ‘કોઈ પણ મહાનતાને તમે ગમે એટલી અપૂર્ણતાથી નીરખો તો પણ તમને એના સંપર્કમાંથી કંઈક પ્રાપ્ત થયા વગર રહેશે નહિ.’

રોમાં રોલાં, એમના એંશીથી વધારે ઉંમરના પિતાશ્રી, એમનાં બહેન અને હું એમ ચાર જણાં ટેબલ પાસે ગોઠવાયાં.

મારી સંગીતની પ્રવૃત્તિઓ બાબત એમણે પૃચ્છા કરી.

મેં એમને જણાવ્યું કે હું સંગીતની ડાયરીઓ અને સમીક્ષાઓ લખ્યા કરું છું અને ભારતના આશાસ્પદ યુવાનોના વૃંદને શિખવી રહ્યો છું; વગેરે.

એમણે પૂછ્યું, ‘શું સારો પ્રતિસાદ મળે છે?’

મેં જવાબ આપ્યો, ‘મારી પાત્રતા કરતાં પણ વધારે.’

‘હું ઈચ્છું કે પરોપકારાર્થે યોજાતી મારી સંગીત સભાઓમાં આપ હાજરી આપો અને મારા કેટલાક શિષ્યો, જેમાં યુવાન છોકરા – છોકરીઓનો સમાવેશ થાય છે, તેમને આપ સાંભળો.’

તેઓએ મૃદુ હાસ્ય સાથે મને કહ્યું, ‘મને ડર છે કે એ પ્રિય ઇચ્છા પૂરી નહિ થાય, કારણ કે હમણાં નજીકના ભવિષ્યમાં આપના દેશની મુલાકાત લેવાનું મને સંભવિત લાગતું નથી. મને એ લાભ મળી શકશે નહિ એમ મને લાગે છે.’

‘પરંતુ એમ કેમ?’

‘ખરેખર, સવારથી તે રાત્રિ સુધી હું કામમાં ડૂબેલો જ રહું છું.’

‘મને ખબર છે, પરંતુ, જો હું વધારે પડતી કુતૂહલતા ધરાવું છું એમ આપને ન લાગતું હોય તો આપ મને કહેશો કે ખરેખર હાલમાં અત્યારે આપ ક્યાં પ્રકારના કામમાં પરોવાયા છો?’

‘કશો જ વાંધો નથી પરંતુ પ્રભાવ પાડે તેવી મારા પોતાનાં કામોની યાદી તાત્કાલિક આપવાની હું બહુ કાળજી રાખતો નથી. એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે હું એકી સાથે એક કરતાં વધારે કામ કરું છું.’

મેં આગ્રહપૂર્વક પૂછ્યું, ‘દાખલા તરીકે?’

‘L’ave Enchantee’ના પ્રથમ ગ્રંથનો છેલ્લો ખંડ લખી રહ્યો છું. બિથોવનના જીવનનાં જે ચાર વર્ષો એનાં સૌથી પરિણામદાયી હતાં એ વર્ષો અંગે એક બૃહદ સમીક્ષા લખી રહ્યો છું.’

‘અને પછી?’

‘પ્રસ્તાવનાઓ, પ્રશ્નોત્તરીઓ વગેરે જેવી ક્ષુલ્લક ગણાય એવી લોકો તરફથી આવતી વિનંતિઓ માન્ય ન રખવાનું કોઈથી શક્ય નથી. આવી વિનંતિઓ કરવી સહેલી છે પરંતુ તેને કાર્યાન્વિત કરવાનું કામ અઘરું છે.’

‘બીજા બધા લોકોમાંથી આપને જ કેમ આ બધી વાતો વધારે સતાવે છે?’

‘સાંભળો, વાત જાણે આ પ્રમાણે છે. આધુનિક યુરોપમાં સુપ્રસિદ્ધ વ્યક્તિઓ એટલી સ્વકેન્દ્રિત થતી જાય છે કે માણસ પોતે ઈચ્છે કે ન ઈચ્છે તો પણ, તેને આવા લોકોએ ન કરેલાં કાર્યો કરવાં પડે છે. દાખલો આપું તો, થોડા જ દિવસો પહેલાં ન્યાયના ઉપહાસ અંગે મારે એક અમેરિકન સામયિક માટે સાચે જ એક ધારદાર લેખ લખવો પડ્યો કારણ કે સાકો (Sacco) અને વૅનૅઝૅટી (Vanzetti) ને ફાંસીની સજા થઈ હતી. ખરેખર રીતે જોઈએ તો આ કાંઈ મારું કાર્ય નથી, પરંતુ તેમ છતાં જ્યારે એક પત્રકારે મને એવી માહિતી આપી કે સત્યનિષ્ઠા (ન્યાય) અને નિષ્પક્ષ વ્યવહારને ઉપકારક નીવડશે ત્યારે, મને સમય ન હોવા છતાં, હું એ વિનંતિને અવગણી શક્યો નહિ.’

‘મને કેટલીક વખત આશ્ચર્ય થાય છે કે ન્યાય અંગેના આવા ઉપહાસ દ્વારા કોઈ અમેરિકાની પ્રતિષ્ઠા પાછી મળવાની કોઈ સંભાવના નથી એટલું પણ આ ન્યાયાધીશો કેમ સમજી શકતા નહિ હોય!’

રોમાં રોલાં બોલ્યા ‘આ પ્રકારની કાર્યપ્રણાલીની નામોશીથી ભરપૂર કહાનીનો અમેરિકામાં પ્રચાર થવાની જરૂર હતી.’

‘આપ એમ શા માટે કહો છો?’

‘સારું, ત્યારે સાંભળો, અમેરિકન અધિકારીઓના માનસને લાગેવળગે છે ત્યાં સુધી ખરેખરી હકીકત શું છે તે અંગે આત્મસંતુષ્ટ અમેરિકનોની આંખ થોડી ઉઘાડવાનું કાર્ય એ લેખે કર્યું છે.’

થોડી વાર થોભીને એઓ બોલ્યા, ‘અને પછી શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિષે એક પુસ્તક લખવું છે, તે માટેની સામગ્રી હું એકઠી કરી રહ્યો છું.’

તેમનો ઉત્સાહ વધારતાં મેં પૂછ્યું ‘આ પુસ્તક લખવાનો ખ્યાલ પહેલવહેલો આપને ક્યારે આવ્યો?’

મૅડમ રોમાં રોલાંએ કહ્યું કે, ‘ધન ગોપાલ મુખર્જીના એક પુસ્તકે મારા ભાઈને પ્રથમ પ્રેરણા આપી. આ પુસ્તકમાં શ્રી મુખર્જીએ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું એવું મહિમાવાન અને સજીવ ચરિત્ર નિરુપણ કર્યું છે, જેનું રોમાં રોલાંને ખૂબ આકર્ષણ થયું.’

રોમાં રોલાંએ ઉમેર્યું, ‘એ જ માત્ર એક કારણ નથી. શ્રી મુખર્જીએ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની જે પ્રશસ્તિ એ પુસ્તકમાં કરી છે તેણે (અમેરિકાના) કેટલાંક ક્ષેત્રોમાં ખૂબ અદેખાઈ અને ઈર્ષ્યાને ઉત્તેજિત કર્યાં છે. આ ઝેરનો સામનો કરવો એ આ પુસ્તક લખવા પાછળનો મારો એક હેતુ એ પણ છે.’

‘પૂર્વ પ્રદેશના લોકો ઉપર, સાચે જ, હમણાં પશ્ચિમના લોકો થોડો રોષ દર્શાવી રહ્યા છે.’

‘થોડો નહિ, વધારે. યુરોપમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી યુદ્ધ પહેલાંની રાષ્ટ્રીયતા અને આંધળી દેશભક્તિ વધતાં રહ્યાં છે અને તેને પરિણામે અમારા લોકો કોઈ પણ પ્રકારનો વિવેક રાખ્યા વગર એશિયાના તમામ મહાન માણસોને ઉતારી પાડવા માટે વધારે ને વધારે તત્પર થઈ ગયા છે, અને એશિયાની કોઈ પણ વસ્તુમાં એમનો રસ ધીરે ધીરે ઓછો થતો ગયો છે.’

મેં પૂછ્યું, ‘પરંતુ રોમાં રોલાં મહાશય! એમાં આશ્ચર્ય પામવા જેવી કઈ બાબત છે? આપે એક વખત જે લખ્યું હતું તે પ્રમાણે જો અહીંના મોટા ભાગના લોકો મહાન પણ નથી અને નિમ્ન કક્ષાના પણ નથી, એમ હોય તો પછી ખરેખર આપ એવા લોકો પાસેથી આ સિવાય બીજી કઈ અપેક્ષા રાખી શકો?’

‘આપની વાત ખરી છે. પરંતુ આપને ખબર છે કે અહીંના સાધારણ માણસો પૂરતો આ પ્રશ્ન નથી? આ તો શ્રેષ્ઠ વર્ગના લોકોનો પ્રશ્ન છે. હું આપને એક દાખલો આપું. શૉપનહોર સોસાયટીના એક બહુ મોટા માટે માણસે મારા એક લેખમાંનું સ્વામી વિવેકાનંદનું એક સુંદર અવતરણ વાંચ્યું અને આપ જાણો છો એમણે મને કંઈ બાબત વિષે પૂછ્યું? એમણે મને પૂછ્યું કે ‘જેમનું અવતરણ તમે મુક્યું છે એના મૂળ લેખક કોણ છે?’ શૉપનહોર સોસાયટીનો એક બહુ મોટો માણસ સ્વામી વિવેકાનંદ કોણ હતા એમ પૂછે એ કેવું વિચિત્ર કહેવાય? ધ્યાન રાખજો, આપ જણાવો છો એવા એ એક સાધારણ માણસ નથી.’

આમ, કદાચ, જો કે જરા વધુ પડતી ઉગ્રતાપૂર્વક હું કહું છું પણ છતાંયે મને લાગે છે કે આધુનિક યુરોપના વિચારોનો ઝોક કઈ તરફનો છે તેનું આ શોચનીય લક્ષણ છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિષે મેં લખવાનું પસંદ કર્યું છે તે માટેનું આ પણ એક મુખ્ય કારણ છે.’

‘શ્રીમાન રોમાં રોલાં મહાશય! મને આશ્ચર્ય થાય છે કે દરિયાની પેલે પાર તેમનાથી દૂર દૂરના અંતરે રહેલા હોવા છતાં અને અંગ્રેજી ભાષાના જ્ઞાનનો અભાવ હોવા છતાં, આપ આટલા બધા ઉત્સાહી કેવી રીતે બની ગયા?’

‘આવા મહાન આત્માઓ માટે હું ઉત્સાહી ન બનું તો બીજું શું કરું?’ તેજસ્વી તાકાત, ઉજ્જવળ સ્વાભિમાન, એટલું જ નહિ પરંતુ મનુષ્યની જન્મજાત દિવ્યતામાં અતૂટ શ્રદ્ધા – આ બધાંની શું કોઈ કિંમત નથી? આ બધી તો માનવજાતિ માટેની મહામૂલી સંપત્તિ છે, અને એમાંથી મળતી પ્રેરણાને ભાગ્યે જ અવગણી શકાય; એ તો ઠીક, પરંતુ શ્રીરામકૃષ્ણ વિષે લખવું હોય તો બહુ સાવધાની રાખવી પડે. આપને ખબર છે, એ સંપૂર્ણપણે યુરોપને કદી સ્વીકાર્ય બને નહિ? ઘણી બાબતોને નવા પરિપ્રેક્ષ્યમાં નવાં અર્થઘટનો સહિત રજૂ કરવી પડે.’

‘પરંતુ એમ કેમ?’

‘ઘણાં બધાં જાતજાતનાં કારણો આપી શકાય. થિયૉસૉફીએ સર્જેલું ખરાબ વાતાવરણ એ જ બધાં કારણોમાં મુખ્ય કારણ છે.’

‘એમ કહીને આપ શું કહેવા માગો છો?’

‘જુઓ ત્યારે, સાંભળો, થિયૉસૉફીએ હિંદુ ધર્મને નિમ્ન કક્ષાએ લાવી દેવાનું કાર્ય કર્યું છે. આપણા ઘણા બધા ઉદાત્ત ઉપદેશોમાંથી, એ જાણે કે તુચ્છ ગામઠી, વિચિત્ર, અતિકાલ્પનિક અને ઉટપટાંગ હોય એવો ધ્વનિ નીકળે છે. વધારામાં ઉપદેશોએ એશિયા તરફ ઉપહાસની દૃષ્ટિએ જોવાનું લોકો માટે સરળ બનાવી દીધું છે, એક પ્રકારનું મનોરંજન બનાવી દીધું છે, જે અમારા દેશના ઉગ્ર રાષ્ટ્રવાદીઓને અમર્યાદિત આનંદ પૂરો પાડે છે.

મેં થોડા અટકીને કહ્યું, ‘મહર્ષિ અરવિંદ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના જન્મને આ દેશે એક વિશેષ ઘટના તરીકે નીરખવી જોઈએ. આનું સંપૂર્ણ મહત્ત્વ આપણામાંથી ઘણા ઓછા લોકો સમજ્યા છે.’

શ્રીમાન રીમાં રોલાંએ કહ્યું, ‘હું આપની સાથે સંપૂર્ણપણે સહમત છું, અને જો યુરોપમાં સ્વામી વિવેકાનંદનો સાચો પરિચય કરાવવો હોય તો એમનાં કથનોને અનુરૂપ કાર્યો આપણે કરવાં જોઈએ. એવી લાગણી વ્યક્ત કરવા સિવાય હું રહી શકતો નથી. ભાઈશ્રી દિલીપ, આપને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે મહાત્મા ટોલ્સટોય એમના જીવનના છેલ્લા દિવસોમાં સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થયા હતા. એટલું જ નહિ, પરંતુ રશિયામાં મહાત્મા ટૉલ્સટૉયના પૉલ બિરફૉક જેવા પ્રતિભાસંપન્ન મિત્ર જેવા અનેક લોકો છે જેઓ સ્વામી વિવેકાનંદના ઉપદેશોને બહુ મૂલ્યવાન સમજે છે.’

મેં એમની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું, ‘શ્રીમાન્ રોમાં રોલાં, આ સાંભળીને મને આનંદ થાય છે, કારણ કે મને ખબર નહોતી કે શ્રીમાન બિરફૉક સ્વામી વિવેકાનંદના ઉત્કટ પ્રશંસક છે, જો કે મને ખબર હતી કે મહાત્મા ટૉલ્સટૉય એમની પ્રશંસા કરવાનું શિખ્યા હતા,’

‘આપે એ કેવી રીતે જાણ્યું?’

‘એક બંગાળી ડૉક્ટર, જેઓ લંડનમાં કાયમી વસવાટ કરે છે, તેઓ મારા જૂના મિત્ર છે. એમણે એક દિવસે મને કહેલું કે એમણે ૧૮૯૦ના દાયકામાં ‘રાજયોગ’ નામનું સ્વામી વિવેકાનંદનું પુસ્તક મહાત્મા ટૉલ્સટૉયને મોકલ્યું હતું. આ પુસ્તકે મહાત્મા ટૉલ્સટૉય ઉપર એવી ઊંડી છાપ પાડી કે એમણે મારા મિત્રને ફરી પાછો પત્ર લખીને જણાવ્યું કે આધ્યાત્મિક વિચારોના ઊંડાણમાં માનવીય વિચારો આટલી બધી ઉંચાઈએ પહોંચ્યા હોય એવું કદી જાણ્યું નથી એઓ….’

શ્રીમાન રોમાં રોલાંએ ઉત્કંઠિત થઈને વચ્ચે જ દરમિયાનગીરી કરતાં કહ્યું ‘શ્રીમાન દિલીપ, એ પત્રની નક્લ આપ મેળવી આપશો? મારે એના ઉપર એક લેખ લખવો છે એટલે મારે એની જરૂર છે.’

‘એક વાર મારા મિત્રે એ પત્રનો અંશ મોકલ્યો હતો તે આપને મોકલી શકું. એમણે એ પત્રની પૂરેપૂરી નકલ કરી લીધી નથી, જો કે…’

‘મારે એ પૂરેપૂરો પત્ર જોઈએ છે.’

‘આપની સાથે સીધો પત્રવ્યવહાર કરવા માટે હું એને લખી દઈશ. મને લાગે છે કે એ જ ઉત્તમ રસ્તો છે.’

‘બિલકુલ બરાબર, પરંતુ એક જ વાત કે આપ એ બાબતને ભૂલી જતા નહિ.’

‘ના. ના આપ એ બાબતમાં મારા ઉપર વિશ્વાસ રાખી શકો છો.’

થોડી વાર પછી મેં એમને પૂછ્યું ‘સ્વામી વિવેકાનંદમાં ખાસ એવું શું છે જેની આપ પ્રશંસા કરો છો?’

એમણે જવાબ આપ્યો, ‘અરે, ઘણી બધી બાબતો છે. એક તો એ કે એ જે સીધેસીધી અપીલ કરે છે, તે એક પ્રકારના ટૉનિકની ગરજ સારે છે. એમના શબ્દો તીરની માફક હૃદય સોંસરવા વીંધીને જતા રહે છે. મનુષ્યમાત્રમાં એમની અપાર શ્રદ્ધા અને એક વખત મનમાં ખાતરી થઈ જાય ત્યાર પછી કોઈ પણ કાર્ય પાર પાડવાની એમની શક્તિ અદ્‌ભુત છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તો એઓ નૅપોલિયન જેવી વિલક્ષણ મહાન વ્યક્તિ છે એવી મારા ઉપર છાપ પડી છે. એક તરુણ છોકરામાં રહેલી પ્રતિભાને પ્રથમ નજરે જ પારખવાની શ્રીરામકૃષ્ણની દિવ્ય દૃષ્ટિ નિહાળીને મને તો નવાઈ જ લાગે છે.’

થોડી વાર થોભ્યા બાદ એમણે કહ્યું, ‘ઉત્તરકાળમાં સ્વામી વિવેકાનંદે જે રીતે પૂરા દિલથી સમાજસેવાની દિશામાં અને સામાન્ય જનતાના ઉદ્ધાર માટેનું કાર્ય હાથમાં લીધું અને એમના અકાળ અવસાનને કારણે અધૂરું રહ્યું તેવું કાર્ય કરવાની પ્રેરણા આધુનિક ભારતના પ્રતિભાસંપન્ન લોકોમાં કેમ જાગતી નથી એ વાતનું મને આશ્ચર્ય થાય છે. દાખલા તરીકે મહાત્મા ગાંધી જેવા આપના મહાન નેતાઓ આપના બધાંની સામે તાકીદે ઉકેલ માગતું જે આ કાર્ય પડેલું છે તેને વધારે ગંભીરતાપૂર્વક હાથમાં કેમ નથી લેતા?’

પોતાની સાથે વાત કરતા હોય એવી રીતે ખૂબ ધીમેથી તેઓ બોલ્યા, ‘કેવો ઉચ્ચ આત્મા! દીન દુઃખીઓ પ્રત્યેની એમની કેવી પ્રગાઢ કરુણા! સૌથી વધારે તો અધમમાં અધમ લોકો પ્રત્યે એમનો આદર તથા નિર્ધન લોકોમાં અજ્ઞાતરૂપે ઈશ્વરને જ નિહાળવાની એમની દૃષ્ટિ! ઉન્નત કરે એવું એમના જીવનનું ખરેખર સૌથી પ્રભાવશાળી પાસું તો મને લાગે છે તે આ છે – સ્વયં મોક્ષપ્રાપ્તિ માટેની એમની તીવ્ર ઝંખના અને માનવજાતિની વેદના માટે નિઃસ્વાર્થપણે આત્મસમર્પણ કરવાની એમની અદમ્ય ઇચ્છા, એ બે વચ્ચેનો સંઘર્ષ!’

મૅડમ રોલાં બોલ્યા ‘બિલકુલ સાચી વાત છે.’ માત્ર એક જ બાબત મને લાગે છે તે એ કે શ્રીરામકૃષ્ણ આ પ્રકારના સંઘર્ષમાંથી કદી પણ પસાર થયા નહોતા.’

શ્રીમાન રોમાં રોલાંએ તુરત જ જવાબ આપ્યો, ‘એ માટેનું કારણ શોધવા માટે દૂર જવાની જરૂર નથી, કારણ કે શ્રીરામકૃષ્ણ આત્માના ક્ષેત્રમાં મહાન હતા છતાં તુલનાત્મક દૃષ્ટિએ એમનું વ્યક્તિત્વ ઓછું જટિલ હતું.’

મેં પૂછ્યું, ‘શું આપને લાગે છે કે નજીકના ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદનો પ્રભાવ યુરોપિયનો ઉપર પડશે?’

‘મને ચોક્કસ એમ લાગે છે, પરંતુ જેમનામાં લાગણીતંત્ર છે અને કલ્પનાશક્તિ છે તેમના ઉપર પડશે. માનવમાત્રની પરમ દિવ્યતામાં એમની જે પ્રેરણાત્મક શ્રદ્ધા છે તે સારાયે વિશ્વમાં આ પ્રકારના લોકોમાં પ્રતિભાવ જગાડ્યા વગર રહેશે નહિ. આપ જુઓ જ છો ને કે એમની અપીલ સીધેસીધી અને હૃદયને હચમચાવી નાખે તેવી છે? અને એ કારણે જ મેં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશે એક પુસ્તક લખવાનો નિર્ણય કર્યો છે. મારી મુશ્કેલી માત્ર એટલી જ છે કે જે સાધનસામગ્રી મારી પાસે એકઠી થઈ છે તે મને ડરાવી નાખે એટલી બધી છે. આ વિપુલ માત્રામાં એકઠા થયેલા સંગ્રહમાંથી પસંદગીની બાબતો ચૂંટી કાઢવાનું કામ એ એક જ કામ ખરેખર ખૂબ મુશ્કેલીભર્યું છે.’

જો હું અતિશય કુતુહલવૃત્તિ ધરાવું છું એમ આપને લાગતું ના હોય તો આપ મને કહેશો કે શ્રીરામકૃષ્ણનો ક્યો ઉપદેશ આપને સૌથી પ્રભાવિત કરી ગયો?

‘એમની ઉદારતા, વિશ્વબંધુત્વની ભાવના અને એમના સિદ્ધાંતોની વિશ્વવ્યાપકતા તમામ ભૌગોલિક સીમાઓને પાર કરી દે છે. સાચે જ, હું ધર્મના ખરેખરા દર્શનની જે વાત કરું છું તે આ જ છે. જેઓ લખવા વાંચવાનું ભાગ્યે જ જાણતા હતા, ધર્મનિરપેક્ષતાના વિશ્લેષણમાં જેઓ બિલકુલ વિલક્ષણ નહોતા, જેમનો જન્મ ગામડામાં થયો હતો એવા માણસને આખા વિશ્વને સ્પર્શતી બાબતો પ્રત્યે કેવી અદ્‌ભુત દૃષ્ટિ અને સૂઝ હતી! અહીં મને તેઓ માત્ર મહાન નહિ પરંતુ ઉદાત્તતાની પરાકાષ્ટાએ પહોંચેલા હોય એવા લાગે છે.’

મેં એમને સહૃદયતાપૂર્વક કહ્યું; ‘શ્રીમાન રોમાં રોલાં મહાશય! આપને જાણીને, આનંદ થશે કે મહર્ષિ અરવિંદે આપના આ મંતવ્યનું પૂરેપૂરું સમર્થન કર્યું છે. ચુનંદા યોગીઓમાં પણ આ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા ધરાવતા યોગી હોય એ વિરલ બાબત છે.

શ્રીમાન રોમાં રોલાએ કહ્યું, ‘હૃદયપૂર્વક હું આપની સાથે સંમત છું.’

ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

(‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી, ૧૯૨૮)માંથી સાભાર)

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.