યાત્રા કરવાથી પુણ્ય મળે છે, પણ તે ગમે તે સ્થિતિમાં નહીં, પગે ચાલીને જાય તેને સોએ સો ટકા પુણ્ય મળે. માણસના ખભા પર કે પાલખીમાં બેસીને જાય તેને અડધું પુણ્ય. પશુનું વાહન કરી યાત્રાએ નીકળે તેનું લગભગ નહીં જેવું અને (આજની સ્થિતિએ ઉમેરવું જોઈએ કે) રેલમાં કે મોટરમાં બેસીને યાત્રાએ જાય તેને પુણ્યને બદલે પાપ જ લાગે. રેલની મુસાફરીમાં કોઈ પણ જાતની ઉચ્ચ કે ધાર્મિક ભાવના પોષાતી જ નથી. અને આજે તો રેલની મુસાફરી એટલે સ્વાભિમાનનો નાશ. પૈસા આપીને એક લેબલ લઈએ છીએ તે ધારણ કરીને પાર્સલની પેઠે ડબ્બામાં ગોઠવાઈ જઈએ છીએ. મુકામ ઉપર બીજાં પાર્સલો ફેંકી દેવામાં આવે છે, આપણે પોતાની મેળે બહાર ચાલી નીકળીએ છીએ એટલો જ ફરક. ગાડીમાં બેઠા બેઠા આપણે ભવિષ્યકાળ તરફ નથી જતા, પણ બહારની દુનિયા નિસાસો મૂકી ભૂતકાળ તરફ દોડતી જાય છે. બે માણસ ભાગ્યવશાત્ પાસે આવે અને ત્યાં પ્રેમભાવ પેદા ન થાય એને નરક જ કહેવું જોઈએ. તીર્થસ્થાન સુધી રેલગાડી લઈ જવી એ અસુરોનું કામ છે. રેલમાં બેસી યાત્રાનું પુણ્ય મેળવવું એ ગયાસુરે આપેલા મોક્ષ બરાબર છે. ગુજરાતે ડાકોર અને સિદ્ધપુર તો ભ્રષ્ટ કર્યાં જ: હવે પશ્ચિમધામ શ્રીદ્વારકાને ભ્રષ્ટ કરવાનો મહાપ્રયાસ શરૂ થયો છે. સાચે જ આ કળિયુગ છે. રવીન્દ્રનાથ કહે છે : ‘કળિયુગ એટલે કળ(યંત્ર) યુગ’

હરિદ્વાર એટલે ગંગાદ્વાર. ભાગીરથી ગંગા ગંગોત્રીમાંથી નીકળી ત્યાંથી મહાદેવની જટામાં એટલે કે હિમાલયનાં જંગલોમાં સપડાઈ ગઈ. બે પહાડ કે ટેકરીની વચમાં માંડ માંડ રસ્તો કાઢીને તે આગળ વધે છે. ટિકિટ લેવાના સાંકડા રસ્તામાંથી લોકો પસાર થાય છે ત્યારે જે ભીડ અને અગવડ થાય છે, તેવી જ અગવડ પહાડોમાં ગંગાને થાય છે. કોઈ ભારે સરઘસ સાંકડી શેરીમાંથી મોટા મેદાનમાં પ્રવેશ કરે અને પછી જેમ લોકો છૂટથી અનેક દિશામાં હાશ કરીને વીખરાઈ જાય, તે જ દશા હરિદ્વાર પાસે શ્રી ગંગાજીની થઈ છે. ગૌશાળામાંથી છૂટેલાં વાછરડાં સ્વતંત્રતાનો અનુભવ કરવા ખાતર જ જેમ આમતેમ દોડે છે, તેમ હરદ્વારથી ગંગા નદી અનેક પ્રવાહે દોડે છે, અને દરેક પ્રવાહનો ઉલ્લાસ પણ બાલવૃત્તિ જ દાખવે છે. નીલધારા કંઈક ગંભીર છે ખરી; પણ નાનાં છોકરાં દાદાની પાઘડી પહેરી, હાથમાં લાકડી લઈ ગંભીરતાથી ચાલે છે, તેવી જ આ કૃત્રિમ ગંભીરતા છે. નીલધારા પોતાની ગંભીરતા સાચવી પણ નથી શકતી. હરિદ્વાર આ ગંગાને માટે પહાડ છોડી મેદાનમાં જવાનું જેમ પ્રથમ દ્વાર છે, તેમ જ મુસાફરોને માટે હિમાલયની યાત્રા શરૂ કરી તળેટી છોડી પહાડોમાં પ્રવેશ કરવાનું પણ દ્વાર છે. ઉત્તરાખંડની યાત્રા અહીંથી શરૂ થઈ ગણાય છે. હરિદ્વાર સુધી રેલ છે, છતાં આ તીર્થ પ્રમાણમાં ખૂબ સ્વચ્છ છે. એનું એક કારણ અહીંની મ્યુનિસિપાલિટીની અઢળક આવક એ ભલે હોય, પણ મુખ્ય કારણ તો હરિદ્વાર એ સાધુઓનું સ્થાન છે એ જ છે. બાવાઓ અને સંન્યાસીઓમાં બીજો મેલ ગમે તેટલો હોય, પણ તેઓ શારીરિક સ્વચ્છતા ખૂબ જાળવે છે એમાં શક નથી.

અમે રાત્રે બે વાગ્યે હરિદ્વાર જઈ પહોંચ્યા. કોઈને ઓળખતા ન હતા અને કોઈ પંડાના મહેમાન થવા પણ માગતા ન હતા, એટલે અમે પહેલેથી જ કાગળ લખી હરિદ્વાર પાસેના કનખલમાં આવેલા રામકૃષ્ણ સેવાશ્રમમાં ઊતરવાની ગોઠવણ કરી હતી. રાત્રે બે વાગ્યે સ્ટેશનથી આશ્રમ સુધી અમને રસ્તો કોણ બતાવે? અમે એક કુલી કર્યો. એને ચાર આના આપવાનું કબૂલ કર્યું અને અંધારામાં ચાલ્યા. અમને આપસમાં બોલવામાં અંગ્રેજી શબ્દ વાપરતા સાંભળી પેલો કુલી કહે છે, ‘Oh! Sir, you are gentlemen. I knows English, sir. I am gentleman coolie, sir. I have 10 years live in Dehradun, sir.’ અમે હસી પડ્યા. એનો અંગ્રેજી વાક્યપ્રવાહ ચાલતાં છતાં એની સાથે હિંદીમાં જ બોલવાની અમે અરસિકતા કે અસભ્યતા બતાવી. છતાં અમે અંગ્રેજી જાણીએ છીએ એ વાત હવે કેમ છાની રહી શકે! એ તો અંગ્રેજીમાં જ બોલે.

સેવાશ્રમ પાસે પહોંચી ગયા ત્યાં અમારો ‘જૅન્ટલમન કુલી’ કહે, ‘Give me four anna bit, sir. Copper is very heavy, sir.’ સ્વામીના મોઢામાંથી જવાબ નીકળ્યો, ‘Oh, I see. But certainly it is not heavier than the luggage you brought.’

રાતના અઢી વાગ્યે કોને જગાડીએ? આશ્રમના રુગ્ણાલયના એક ઓટલા પર અમે સૂઈ ગયા. સવારે કોઈ ઊઠે તે પહેલાં ચોરોની માફક આમતેમ ફરી શૌચ જઈ આવ્યા, મોઢું ધોયું અને મઠપતિ સ્વામી કલ્યાણાનંદજીને મળવા ગયા. તેમણે પ્રેમથી અમારું સ્વાગત કર્યું અને અમને અમારો સામાન મૂકવા માટે એક ઓરડી બતાવી.

સ્વામી વિવેકાનંદ આખું ભારતવર્ષ અને પછી આખી દુનિયા ફરી વળ્યા ત્યારે તેમને સૂઝયું કે આ નવા યુગમાં સાધુઓ માટે નવી ઉપાસનાની જરૂર છે; જીવતા જાગતા પણ ભૂખ્યા, તરસ્યા, દીન, અપંગ કે રોગી નારાયણની સેવા કરવી એ જ આજે મોક્ષનો ઉત્તમ માર્ગ છે, દયાભાવથી નહીં પણ સેવાભાવથી, કોઈના પર ઉપકાર કરવા માટે નહીં પણ સેવા કરવાની તક આપ્યા માટે આભારી થઈ. સ્વામીજીના ગુરુભાઈઓએ અને શિષ્યોએ બનારસ, પ્રયાગ, પુરી, હરદ્વાર, માયાવતી, વૃંદાવન વગેરે તીર્થસ્થાનોમાં રુગ્ણાલયો અથવા સેવાશ્રમો સ્થાપિત કરેલાં છે.

હરદ્વારનું સેવાશ્રમ બ્રહ્મદેવની સૃષ્ટિની પેઠે શૂન્યમાંથી પેદા થયું છે. માયાવતીવાળા સ્વામી સ્વરૂપાનંદે ક્યાંકથી બસો રૂપિયા ભેગા કર્યા હતા તે લઈ સ્વામી કલ્યાણાનંદ હરદ્વાર આવ્યા. તેઓ ન જાણે હિંદી કે ન જાણે વૈદક. સરસ્વતીનો પણ તેમના પર કૃપાપ્રસાદ નહીં હોવાથી હજીયે તેઓ મુખદુર્બળ તો છે જ. પણ તેમની શ્રદ્ધા અડગ હતી. એક દેવદારની પેટી લઈ, તેમાં કેટલીક હોમિયોપૅથિક દવા મૂકી, એક ઝૂંપડીમાં પોતાનો ‘ધંધો’ તેમણે શરૂ કર્યો. ધીમે ધીમે ધંધામાં બરકત આવી. કોઈ એક મારવાડીએ દસ હજારનું એક મકાન બંધાવી આપ્યું. કલ્યાણાનંદજીએ વૈદકનો અભ્યાસ કર્યો. તેમના હાથને યશ મળ્યો અને કામ ધમધોકાર ચાલ્યું. નિશ્ચયાનંદ કરીને એક મહારાષ્ટ્રી સંન્યાસી તેમની મદદમાં છે. એ સ્વામી વિવેકાનંદના શિષ્ય. તેઓ મરાઠી ઠીક નથી બોલી શકતા, પણ તેમને બંગાળી સારી પેઠે આવડે છે. આ ભાઈ પણ મિતભાષી જ. સવારથી માંડીને રાત સુધી કામ કર્યા જ કરે. થાક જેવી કોઈ પણ વસ્તુ તેઓ જાણતા જ નથી. દસ-પાંચ સવાલોનો જવાબ આપવો પડે ત્યારે માત્ર તેઓ થાકે છે. તેમના ગુરુજીએ તેમને માટે નામ પણ યથાર્થ ગોતી કાઢ્યું છે.

સેવાશ્રમમાં સેંકડો દરદીઓ-સાધુ તેમ જ ગૃહસ્થ- રોજ આવે છે. તેમાંના બહુ માંદા હોય તેમને રુગ્ણાલયમાં રાખવામાં આવે છે. ક્ષયરોગને માટે નોખું જ મકાન છે. ધનવાન લોકો ગમે તેટલી ફી આપે તો પણ કલ્યાણાનંદજી ગરીબોને છોડી ધનવાનને ત્યાં પ્રથમ નથી જતા. અમે સેવાશ્રમમાં ગયા તે વખતે રામકૃષ્ણ મિશનના પ્રમુખ અને શ્રીરામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી બ્રહ્માનંદ ત્યાં આવેલા હતા. તેમને ‘રાખાલ રાજા’ અથવા ‘રાજા મહારાજ’ પણ કહે છે. તેમનાં દર્શનનો અપૂર્વ લાભ મળ્યો. બીજા સાધુ તે કાશીના અદ્વૈતાશ્રમના મઠપતિ શિવાનંદજી. સ્વામી વિવેકાનંદે એમનું નામ મહાપુરુષ પાડ્યું હતું. તેમની પાસેથી શ્રીરામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદ વિશે અને તેમના સંઘ (મિશન) વિશે ખૂબ વિગતો જાણવા મળી. કૉલેજમાં સ્વામી વિવેકાનંદનાં લખાણો વાંચીને જ મારો નાસ્તિકતાનો જ્વર અને સંશયવાદનો ગર્વ ઊતરી ગયો હતો; શ્રીરામકૃષ્ણ પરમહંસને આ યુગના અવતારી પુરુષ તરીકે હું માનતો થયો હતો. આ સ્થિતિમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના પ્રત્યક્ષ સહવાસમાં આવેલા પુણ્ય પુરુષોનું દર્શન મારે માટે ભારે અસરકારક થાય એમાં શું આશ્ચર્ય? સ્વામી બ્રહ્માનંદ પાસે એકાંતનો સમય મેં માગી લીધો. તેમની પાસેથી આશ્વાસન મળ્યું. રામકૃષ્ણ મિશનમાં હું જોડાયો નહીં; છતાં તેઓ મને પોતાનો ગણવા લાગ્યા. મને પણ રખડુને ઘર મળ્યા જેવું થઈ ગયું. હિમાલયની યાત્રા કરવાનો મારો સંકલ્પ મેં સ્વામી બ્રહ્માનંદને જણાવ્યો. તેમને આશીર્વાદ આપ્યા અને અમે યાત્રાની તૈયારી શરૂ કરી.

(કાકા કાલેલકર ગ્રંથાવલિ- ૧ પૃ.૭૯ થી ૮૧)

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.