ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ વિદેશથી કલકત્તા આવ્યા ને ઈ.સ.૧૯૦૨ના જુલાઈ માસમાં મહાસમાધિ લીધી. ફક્ત સવાપાંચ વર્ષ. આટલા ટૂંકા ગાળામાં એમણે ભારતવર્ષને ભૂતકાળનો મહિમા સાચવી ભવિષ્યના ચિત્રની રૂપરેખા આપી દીધી. આ ચિત્ર માટે શ્રદ્ધા જન્માવી તે દિશામાં જાતિ, વર્ણ કે દેશના ભેદને ભૂલી કામ કરનારાઓનું જૂથ ઊભું કર્યું.

ગાંધીયુગને સ્વામી વિવેકાનંદની દેણગી કેટલી! ગાંધીજીના જાણીતા અનુયાયીઓનો ઠીક ઠીક ભાગ એક યા બીજી રીતે રામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશોની અસર નીચે ઘડાયો છે. ગાંધીતત્ત્વજ્ઞાને આચાર-વિજ્ઞાનના એક સ્તંભ રાજગોપાલાચાર્યે ‘રામકૃષ્ણ ઉપનિષદ’ લખી એ વિચારોને ઉપનિષદોની પ્રતિષ્ઠા આપી છે. કૃપલાનીજી, કાકાસાહેબ, સ્વામી આનંદ, વગેરે તો ગાંધીજી આવ્યા પહેલાં એ ‘જ્ઞાન પિયાલો’ પી ચૂક્યા હતા. વિનોબાજીના તત્ત્વજ્ઞાન ને ઉપદેશોમાં એની અસર સ્પષ્ટ રીતે પડેલી છે. ‘દરિદ્રનારાયણ’ શબ્દ તો વિવેકાનંદે પ્રચારેલો. તેવું જ અસ્પૃશ્યતાના નાશ માટે તેમણે કહેલું. ‘તું ભૂલી જઈશ નહીં કે અભણ, ગરીબ અજ્ઞાની, પદદલિત મોચી, ભંગી તે તારા ભાઈઓ છે. તારાં પોતાનાં શરીરો છે.’

આ તો ઠીક પણ પછીથી આવનાર સ્વદેશી ધર્મ વિશે પણ એમણે મંત્ર આપ્યો હતો.

એક વાર એમના શિષ્ય શરત્‌ચંદ્ર સાથે વાત કરતાં કહે, ‘જે જાતિ પોતાને હાથે પોતાનાં સામાન્ય અન્નવસ્ત્ર પણ મેળવવા જેટલી જોગવાઈ કરી શકતી નથી અને જેને નજીવી વસ્તુઓ માટે બીજાના મુખ સામે જોયા કરવું પડે છે તેને તે વળી બડાઈ હાંકવા જેવું શું હોય? તમારાં એ મોઢાનાં ધર્મકર્મને હવે ગંગામાં વહેતાં મૂકી દો અને સૌ પહેલાં જીવનસંગ્રામમાં વિજય મેળવો. ભારતદેશમાં કેટકેટલી વસ્તુઓ નીપજે છે? (છતાં) વિદેશી પ્રજા તમારા જ દેશમાંથી કાચો માલ લઈ જાય છે અને તમારા જ પ્રતાપે કમાય છે. તમે લોકો બુદ્ધિની આડાં બારણાં વાસીને ઘરનું ધન બીજાઓને આપી દો છો ને પછી અન્ન અન્ન કરતાં ભૂખ્યા ટળવળો છો.’

મહાત્મા ગાંધીજીએ કર્મ અને ધર્મ વચ્ચેનો વિરોધ ટાળી ધર્મમય કર્મનો જે નવો રાજમાર્ગ શરૂ કર્યો તેનાં જ બી રામકૃષ્ણ-વિવેકાનંદે નથી નાખ્યાં, પણ જે વ્યાપક રાષ્ટ્રધર્મની એ દેશના સ્વાતંત્ર્ય માટે જરૂર હતી તેના બી ને ખેડાણ પણ એમણે કર્યાં.

મધ્યયુગમાં કબીરસાહેબે ભક્તિ કરતાં કરતાં વણ્યું, ને વણતાં વણતાં ધાર્મિક સુધારાની વાત પણ કરી. પણ સનાતન ધર્મે તેની સાથે થોડું ઝઘડી હોશિયારીથી એને ખૂણો આપી પંથ બનાવી તેને વ્યાપક થતો અટકાવી દીધો હતો.

રામકૃષ્ણ-વિવેકાનંદની હિલચાલમાં મૂળે જ વ્યાપકતા હતી એટલે એના પછી આવનાર તેજોમય વિભૂતિ ગાંધીજીને એ બધું ખેડાણ ખપ લાગ્યું. કબી૨ સાથે વપરાયેલી સફાઈભરી યુક્તિ કામ ન આવી કારણ કે સ્વામી વિવેકાનંદે સારું કહ્યું હતું કે ‘હું કોઈ એક પંથનો વધારો કરવા નથી આવ્યો. જે વિચારો પરમહંસદેવે આપ્યા છે તેનો જગતમાં પ્રચાર કરીને ઋણમુક્ત થવાનું કર્તવ્ય છે.’

પરમહંસદેવની વિચારણા દેશ-કાળથી બદ્ધ ન થાય તેટલી અપરિસીમ હતી.

(‘ત્રિવેણીતીર્થ’માંથી સંકલિત)

Total Views: 147
By Published On: November 1, 1997Categories: Manubhai Pancholi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram