(૧)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની સ્નેહધારાની અનુભૂતિ થશે. – સં.

માધ્યમિક શાળાના શિક્ષક તરીકે વિશ્વના પાંચે ખંડની યાત્રા નક્શા પર અનેક વાર કરી હતી અને વિદ્યાર્થીઓને કરાવી પણ હતી. એલ. ટી. સી. વગરના અને આરક્ષણ વગરના એ જમાનામાં વિદેશની તો શું, રાજકોટથી ભાવનગર સુધીની યાત્રા પણ સરળ ન હતી. એટલે, ત્રણ વખતની વિદેશયાત્રાઓ શૈક્ષણિક હેતુ માટે અને એક વાર કૌટુંબિક હેતુ માટે, વિદેશગમનની તક સાંપડે તે ઠાકુર-માની કૃપાથી જ. અતિ મર્યાદિત સંખ્યાની આ વિદેશયાત્રાઓમાં વિદેશોની સંખ્યા તો માત્ર બે જ રહી છે, બ્રિટન અને અમેરિકાની. એ બે સિવાયના બીજા પાંચ છ દેશોનાં દર્શન વિમાનમાંથી જ કર્યાં છે કે એ દેશોમાંનાં વિમાનઘરની ધરતી પર પગ મૂક્યો છે.

મારી સૌથી પહેલી મુલાકાત અમેરિકા – યુ.ઍસ. ઍ.ની થઈ ૧૯૬૫માં. મા અને ઠાકુરની કૃપાથી યુ.ઍસ.ઍ.ની સરકારી કચેરીની અંગભૂત સંસ્થા યુ.ઍસ.ઍ. ઍજ્યુકેશનલ ફાઉન્ડેશન ઇન ઇન્ડિયાએ મારી વરણી શિક્ષક – વિનિમય કાર્યક્રમ હેઠળ કરી. એ રીતે જઈ ત્યાં પૂરું એક શૈક્ષણિક વર્ષ એક શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું. મારી ઇચ્છા ત્રણ માસના ટીચર ડૅવલપમેંટ પ્રોગ્રામ હેઠળ જવાની હતી.

રૂબરૂ મુલાકાત માટે મુંબઈ ગયો ત્યારે મને બીજું થોડુંક તો પૂછ્યું જ પણ, મને સીધો સવાલ કર્યો : ‘અમે તમને ટીચર ઍકસચેંજ પ્રોગ્રામ હેઠળ મોકલીએ તો તમને ગમશે?’

એ બધું પત્યું, યુ. ઍસ, ઍજ્યુકેશનલ ફાઉન્ડેશન ઈન ઇન્ડિયાની દિલ્હીની કચેરીએ અને પછીથી, વૉશિંગ્ટનના શિક્ષણ ખાતાએ મહોર અને ન્યુયૉર્ક શહેરને અડીને જ આવેલા લાઁગ આઈલૅન્ડ (લાંબા ટાપુ) પરના બેય્‌પોર્ટ ગામની શાળામાં મારી વરણી થઈ. મારાં પત્ની સાથે હું બેય્‌પોર્ટ કેવી રીતે ગયો અને ત્યાં શું ઘોળદું ઘોળ્યું એની વાત અહીં પ્રસ્તુત નથી.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો અંગ્રેજીમાં સુંદર અનુવાદ કરી જગતભરના જિજ્ઞાસુઓને ભક્તિરસમાં તરબોળ કરનાર સ્વામી નિખિલાનંદજી ન્યુયૉર્કના રામકૃષ્ણ વેદાંત સેંટરમાં ત્યારે ત્યાં હતા એ ખબર હતી. પણ બેય્‌પોર્ટથી ન્યુયોર્ક પ૫ માઇલ (૮૮ કિલોમીટર) દૂર હતું અને ન્યુયૉર્કમાં એ કેન્દ્ર ક્યાં આવ્યું તેની ખબર ન હતી. અને, બેય્‌પોર્ટ અમે સપ્ટેંબરની શરૂઆતમાં પહોંચ્યાં હતાં.

ત્યારે, તરત જ જવું અમારે માટે શક્ય ન હતું. પૂરા બે મહિના નીકળી ગયા.

૧૯૬૫ના નવેમ્બરની ૭મીને રવિવારે જોગ ખાધો. લૉગ આઈલૅન્ડ રેય્‌લ રોડની રેલગાડીમાં બેસી અમે ન્યુયૉર્કને પેન સ્ટેશને આવ્યાં અને ત્યાંથી ગાડી બદલાવી, ઉત્તર તરફ ભૂગર્ભ રેલગાડીમાં પ્રવાસ કરી, અમે પૂછતાં પૂછતાં એ કેન્દ્રમાં પહોંચ્યાં ત્યારે સવારના ૧૧-૧૫નો સમય હતો.

થોડા શ્રોતાજનો સમક્ષ સ્વામીજી કોઈ ઉપનિષદ ઉપર પ્રવચન આપી રહ્યા હતા. અમે શાંતિથી પ્રવચન સાંભળ્યું. અમે અર્ધેથી ગયાં હતાં એટલે અમને પૂર્વાપરની કશી ગતાગમ ન પડી. પંદરેક મિનિટ પછી પ્રવચન પૂરું થયું ત્યારે, અમે બે ભારતીય શ્રોતાજનો – બીજાં બધાં જ અ-ભારતીય હતાં – સ્વામીજીની પાસે જઈ એમને પ્રણામ કરી, થોડી વાતચીત માટે થોભ્યાં. ન્યુયૉર્કમાં તે સમયે વસતા ભારતવાસીઓની સંખ્યા પણ નાની તો ન જ હતી. પણ, આ કેન્દ્રમાં કોઈ ભારતીયને રસ ન હતો – ઓછામાં ઓછું, અમે ગયાં તે દિવસે. તેનો અમને થોડો આઘાત લાગ્યો. પણ સ્વામી નિખિલાનંદજી સાથે એ વિશે વાત કરવી મને ઉચિત ન લાગી. ન્યુયૉર્ક, કે અમેરિકામાં અન્યત્ર ગયેલા ભારતીયોની નજર ડૉલર ભેગા કરવા પર જ હશે? કોણ જાણે. વૉશિંગ્ટન વસતા મને તે સમયે વિશ્વબેંકમાં ભારત તરફથી ડાયરેક્ટર પદે કામ કરતા પ્રખ્યાત અર્થશાસ્ત્રી સ્વ. શ્રી જશવંતરાય અંજારિયા આ ન્યુયૉર્ક કેન્દ્ર સાથે જોડાયેલા હતા તેની મને જાણ હતી. નિખિલાનંદજીના નિકટના વર્તુળમાં એ હતા.

મારા તે સમયના નિવાસ સ્થાનથી કેન્દ્રના આટલા અંતરને લઈને અને મારી પાસે વાહનનો અભાવ હોવાથી, આખા વર્ષ દરમિયાન આ એક જ મુલાકાતથી અમારે સંતોષ માનવો પડ્યો. ઠાકુરની ઇચ્છા.

(૨)

આનો બદલો ૧૯૭૬માં ઠાકુરે અને માએ વાળી આપ્યો.

ઈંગ્લૅન્ડની લીડ્ઝ યુનિવર્સિટીમાં ઉનાળુ અભ્યાસક્રમમાં, બીજી ભાષા તરીકે અંગ્રેજી શીખવવાના કોર્સમાં ભાગ લેવા માટે બ્રિટિશ કાઉન્સિલે મારી વરણી કરી. ત્યાં જવાનું તો હતું ઑગસ્ટમાં પણ, તેનાથી ત્રણ ચાર માસ પહેલાં, લંડનમાંના રામકૃષ્ણ વેદાંત સેંટરના ત્યારના વડા સ્વામી ભવ્યાનંદજીને મુંબઈમાં મળવાનું થયું હતું. અર્જુન મહારાજ – (સ્વામી ભવ્યાનંદજી) કરાચીમાં બ્રહ્મચારી હતા ત્યારથી એમની સાથે મારે પરિચય હતો. ખારના આશ્રમમાં એમને મળવા ગયો અને મારી લીડ્ઝ જવાની વાત કરી ત્યારે એમણે પ્રેમાગ્રહપૂર્વક મને લંડનમાંના એમના કેન્દ્રની મુલાકાતનું કહ્યું હતું.

અભ્યાસક્રમ શરૂ થવાનો હતો તેનાથી આઠેક દિવસ વહેલો હું ઇંગ્લેન્ડ પહોંચ્યો. સ્વામી ભવ્યાનંદને મળવાની હતી તેટલી જ તીવ્ર ઇચ્છા લીડ્ઝ પાસે હૂબીમાં રહેતા, સ્વામી ભવ્યાનંદના વડપણ હેઠળ ચાલતા સેંટરના ભક્ત સભ્ય અને, મારા મિત્ર રાલ્ફને મળવાની પણ હતી જ. સાંતાક્રૂઝ એ સમયે સહારા ન હતું – વિમાનઘરથી ચાર કલાક મોડું ઉપડેલું વિમાન હીથરો હવાઈ મથકે ઊતર્યું ત્યારે રાતના દસનો સમય હતો – જુલાઈની ૧લી તારીખ હોઈ રાતના નવ સુધી ક્ષિતિજ પર સૂર્ય હતો. રાતે બાર વાગ્યે બ્રિટિશ કાઉન્સિલનો કોઈ કર્મચારી મને લંડન યુનિવર્સિટીની સર જૉન ઍડમ્સ હૉસ્ટેલની એક રૂમમાં મૂકી ગયો. સવારે સાત વાગ્યે ઉપડતું વિમાન પકડવા માટે મારે પાંચ વાગે ઘેરથી નીકળવાનું હતું એટલે હું સવારે સાડા ત્રણ વાગ્યે જાગી ગયો હતો. એટલે મારી એ હૉસ્ટેલની રૂમમાં હું પહોંચ્યો ત્યારે, આપણા દેશમાં બીજી જુલાઈના સવારના સાડા પાંચ વાગ્યા હતા. વધારે પડતા લંબાયેલા દિવસને લઈને, મન પરના તનાવને લઈને તેમ જ બારી વગરની એ ખોલીમાં સૂવાનું હોઈને મને ખાસ ઊંઘ આવી નહીં.

ખૂબ વહેલા બધું પ્રાતઃકર્મ પતાવી, પ્રાર્થના કરી, થોડીવાર હૉસ્ટેલની લોબીમાં આંટા મારતાં જેમ તેમ મેં સાત વગાડ્યા. કૅન્ટિન ક્યાં છે અને ત્યાં ચા નાસ્તાનો સમય શો છે તે જાણ્યા પછી, ખોલીમાં જઈ થોડો આરામ કર્યો અને, આઠને સુમારે કેન્ટિનમાં ચા નાસ્તા માટે ગયો. પણ કૅન્ટિનમાં જતાં પહેલાં મેં ત્યાંના ખર્ચની વિગત જાણી લીધી : બેડ ઍન્ડ બ્રેકફાસ્ટ (રાતવાસો અને સવારે ચા નાસ્તો) : બે પાઉંડ અને પોણોસો પૅન્સ, ટૅક્સ અલગ. આ દર એ સમયને ચલણને ભાવે પણ ઘણો જ સસ્તો કહી શકાય. આમ છતાં, એ મને પરવડે તેમ ન હતું. કારણ, હું રાજકારણી ન હતો, સરકારી અમલદાર ન હતો, ફિલ્મ સ્ટાર ન હતો, ઉદ્યોગપતિ ન હતો. રિઝર્વ બેંકે, એટલે કે આપણી સરકારે મને એક પણ રૂપિયાનું વિદેશી ચલણ આપ્યું ન હતું. એરપૉર્ટ પર જે સાતેય પાઉંડ બધાને મળે તે ઉપરાંત મારી પાસે, સ્નેહીઓની મહેરબાનીથી, બીજા દસ બાર પાઉંડ હતા.

મને અચાનક સ્વામી ભવ્યાનંદનું સ્મરણ થયું. ટૅલિફોન ડિરેક્ટરીમાંથી મેં એમનું સરનામું તથા ફોન નંબર શોધી કાઢ્યાં. હૉલેંડ પાર્ક વિસ્તારમાં આવેલા એ કેન્દ્ર પર ફોન જોડ્યો, ભવ્યાનંદજીના શરણ માટે.

કોઈ બ્રધર આંદ્રેએ ફોન ઉપાડ્યો. મારા સવાલના જવાબમાં મને કહે : ‘સ્વામીજી પૅરિસ ગયા છે. પણ તેથી શું? તમે અહીં આવો. અમે તમારું પ્રેમથી સ્વાગત કરીશું.’ એ કેન્દ્રમાં રાલ્ફના ફોનથી મારા લંડનમાં આવવાની ખબર પડી હતી.

જેમને હું જાણું છું તે અમારા કરાંચીના અર્જુન મહારાજ નથી. એમના વિદેશી શિષ્ય તો વિવેકથી કહે, ‘તમે આવો.’ પણ આપણાથી કંઈ એમ દોડી જવાય? આ વિચારથી પ્રેરાઈ હું સામાન વગર જ, દર્શનના ઈરાદાથી ત્યાં ગયો. આથડતો આથડતો હું ત્યાં પહોંચ્યો ત્યારે સવારના સાડાદસ અગ્યારનો સમય હતો.

ધોરી માર્ગથી થોડીક અંદર આવેલી એક નાની ગલીમાં એ આશ્રમ આવેલો. લંડનની ધમાલનો ધ પણ ત્યાં ન પહોંચે. બ્રધર આંદ્રે મૂળ ડચ, તેમણે પ્રેમથી સ્વાગત કર્યું. મને કહે : ‘સામાન કર્યાં?’ મારે માટે રાખેલી રૂમ જોવા લઈ ગયા. પાંચસાડા પાંચ મિટર ઓરસચોરસ એ ઓરડો બીજે માળે આવેલો. એમાં ઠાકુરની, પૂજ્ય માની અને સ્વામીજીની છબીઓ, મેજ ઉપર ત્રણ ચાર ચિંતનપ્રધાન પુસ્તકો. બાજુમાં જ બાથરૂમ. એમનો કેટલો તો પરિચિત હોઉં એ રીતે એમણે અને બ્રધર રિચર્ડે મારી સાથે વાતો કરી.

નીચે આવી, મંદિરમાં દર્શન કરી એમની સાથે પુસ્તકાલયમાં હું બેઠો. એક ઈટેલિયન શિક્ષક પણ ત્યાં હતા. પોતાની માતૃભાષા ઉપરાંત એ લૅટિન, ગ્રીક, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષાઓ જાણતા હતા. ઠાકુર અને સ્વામીજીના ભક્ત હતા. ઉપનિષદોના અભ્યાસી હતા. શ્રી અરવિંદનું મહાકાવ્ય ‘સાવિત્રી’ એમણે વાંચ્યું હતું. વેદાંતમાં એમને શાંતિ લાધી હતી. એ ત્રણેય સાથે વાતો કરી, કૉફી અને કેક લઈ, હું લંડન યુનિવર્સિર્ટીની હૉસ્ટેલ પર ગયો પણ તે પાછો આવવા માટે.

બપોર પછી ૪.૩૦ આસપાસ આશ્રમે પહોંચ્યો. બ્રધર આદ્રેએ મારા હાથમાંથી બેઉ બેગ આંચકી લીધી. રૂમમાં જઈ સ્વસ્થ થયો. પ્રાર્થના થઈ ગઈ.

સાંજે ૬-૦૦ વાગ્યે આરતી. બ્ર. આંદ્રે અને બ્ર. રિચર્ડ (બ્રધર એટલે બ્રહ્મચારી) બંને સફેદ ખાદીના લૂંગીઝભ્ભામાં સજ્જ હતા. બંને બ્રહ્મચારીઓએ ૐ હ્રીં ૠતં…ભાવપૂર્વક ગાયું. આરતીમાં સફેદ ખાદીની સાડીમાં સજ્જ બે ગોરી મહિલાઓ હતી, પાંચેક ભારતીય સજ્જનો હતા અને હું હતો. બધાંય આરતીમાં જોડાયાં હતાં. પ્રસાદમાં કેકના ટૂકડાઓ હતા. એ ખાઇ, તદ્દન નજીક આવેલા હૉલૅન્ડ પાર્કમાં ટહેલવા હું ગયો. ત્યાં ત્રણ મોર અને બે ઢેલોએ પણ મને ભારતની યાદ અપાવી.

લીડ્ઝ જતાં સુધી હું ત્રણ દિવસ આશ્રમમાં રોકાયો. મારા રૂમના દરવાજા પાછળ આશ્રમનો દૈનિક કાર્યક્રમ આપતો એક કાગળ ચીટકાડેલો હતો. સવારના ધ્યાનથી આરંભાતા અને રાતે શાસ્ત્રવાચનથી પૂરા થતા એ કાર્યક્રમની નીચે એક ‘વિનંતી’ કરવામાં આવી હતી.

‘અતિથિઓને વિનંતી કે અહીં રહ્યા પછી રોજના બે પાઉંડની રકમ કેન્દ્રને આપવા કૃપા કરે.’ તે કાળે વિનિમયનો જે દર હતો તે હિસાબે આટલી ફર્સ્ટ કલાસ સગવડ મુંબઈમાં તો ઠીક, રાજકોટમાં પણ એ ભાવે ન મળે!

લીડ્ઝ જવા રવાના થતી વખતે હું પૈસા આપવા ગયો તો, બંને બ્રહ્મચારીઓએ મારી પાસેથી પૈસા લેવાની ના પાડી. મને કહે : ‘તમે ભારતમાંથી આવો છો અને શિક્ષક છો. શિક્ષક પાસેથી કશું લેવાય નહીં.’ અને, નૉટિંગહિલગ્સ ગૅઇટના ટયૂબ સ્ટેશનથી લીડ્ઝ જવા માટેના કિંગક્રોસ સુધીની સીધી ગાડી મળી શકે એ માટે, મારી બંને બેગ ઊંચકી લીધી અને તેઓ અઢીસો, ત્રણસો મિટર દૂર આવેલા નૉ હિ.ગે.ને સ્ટેશને મને મૂકી ગયા. લૉર્ડની માફક મારે પાછળ ચાલવાનું રહ્યું!

લીડ્ઝનો અભ્યાસ પૂરો કરી, બેક દહાડા હૂબી રાલ્ફને ત્યાં ગાળી હું તા. ૨૮મી જુલાઈએ લંડનમાં એ જ હોલૅન્ડ પાર્કના કેન્દ્રમાં આવી ગયો. ત્યાં પેલા બે બ્રહ્મચારીઓ ઉપરાંત એક બીજા બ્ર. જગન્નાથ પણ હતા. સંન્યાસ લઈ ત્રિપુરાનંદ નામ ધારણ કરી એ એ જ કેન્દ્રમાં અત્યારે છે. અગાઉના જેવો જ બધો કાર્યક્રમ…. મન પ્રસન્નતાથી ભરાઈ ગયું.

બે દહાડા પછી સાંજે નીકળતી વખતે મેં પૈસા આપવા માંડ્યા. બ્રિટિશ કાઉન્સિલે આપેલા થોડા પાઉંડ હતા – પણ તે કોણ લે? કપાળે ભારતીય શિક્ષકની છાપ હતી ને? એટલે અંદર મંદિરમાં જઈ ઠાકુરની છબિ સમક્ષ મેં પાંચ પાઉંડ નૉટ મૂકી – પછી હું મારો સામાન ટૅક્સીમાં મૂકવામાં પડ્યો. ત્યાં બ્ર. જગન્નાથ આવ્યા, હાથમાં પેલી પાંચ પાઉંડની નૉટ લઈને. મને તે બતાવી કહે, ‘આ શું છે?’ ‘ઠાકુરને પ્રણામી, ભેટ,’ મેં કહ્યું. ‘તો આ પ્રસાદ છે,’ કહી એમણે એ નોટ મારા ગજવામાં મૂકી. તે વેળા જે પ્રસન્નતા મેં અનુભવી હતી તેવી મારા અંતઃકરણે જીવનમાં બહુ થોડી વાર અનુભવી છે.

જે સંન્યાસીને હું જાણતો હતો એ પોતે તો ત્યાં હતા નહીં. એમના આ વિદેશી શિષ્યોએ ઠાકુરનો સંદેશ એમની પાસેથી કેટલો બધો ગ્રહણ કરી લીધો હતો? મારું ‘થેંક્યુ,’ પણ સ્વીકારતા નહીં એ મિત્રો. કારણ, ‘તમારી સેવા કરવાની તક અમને સાંપડી છે તેને અમે ઠાકુરની કૃપા માનીએ છીએ.’

પણ આથી ક્યાંય મોટેરી મા-ઠાકુરની કૃપાનો અનુભવ મને તે પછીના ચોવીસ કલાકમાં જ થયો.

હીથરો વિમાન મથકે હું વહેલો પહોંચી ગયો હતો. મારા સામાનનું વજન નિયત વજન કરતાં આઠ રતલ વધારે હતું અને એના ચાર્જ માટેની પચ્ચીસ પાઉંડની રકમ એક સ્નેહી પાસેથી ઉધાર માગી હતી. મારા હાથમાં અને બગલથેલામાં પુસ્તકો જોઈ, વિમાન મથકના ઍર ઇન્ડિયાના થડા પરના ભાઈએ, સામાનનું વજન કરતી વખતે મને પ્રશ્ન કર્યો : ‘શિક્ષક છો?’

મારી ‘હા’ સાંભળી એણે મારા સામાનના વધારાની વજનનો ચાર્જ લીધો નહીં. વિમાનમાં બેસવા આડે અઢી કલાકનો સમય હતો. કૅન્ટિનમાં જઈ નિરાંતે કૉફી પીધી. દુકાનોમાં બધું જોતાં જોતાં આંટા માર્યા. ત્યાં વેચાતાં પુસ્તકો અને સામયિકો જરાતરા ઉથલાવી જોયાં. પોસ્ટ ઑફિસ શોધી, ત્યાં જઈ, ઉધાર લીધેલા પેલા પચ્ચીસ પાઉડ બેવડા કવરમાં મૂકી રવાના કરી દેવા ગયો. કાઉંટર ઉપર મારો પોર્ટફોલિયો મૂકી, આભારની નાની ચબરખી લખી, એક વરમાં નોટ સાથે એ મૂકી એ કવરને બીજા કવરમાં મૂકી, કવર બંધ કરી, થોડે દૂર આવેલી ટપાલની પેટીમાં એ પત્ર નાખવા ગયો, ત્યાંથી પાછો આવ્યો તો મારો પોર્ટફોલિયો ગૂમ! અને એની સાથે મારો પાસપોર્ટ તથા ટિકિટ બેઉ!

પોસ્ટ ઑફિસ બંધ થઈ ગઈ હતી. બીજે બધે જ તપાસ કરી, માઈક ઉપ૨ જાહેરાત કરાવી, ખોવાયેલી ચીજવસ્તુઓની ઑફિસમાં તપાસ કરી. ક્યાંય પત્તો નહી. ઍર ઇન્ડિયાના એ ઑફિસના વડા મિ. કામતને મળ્યો. મને કહે : ‘માસ્ટરસાહેબ, પાસપોર્ટ અને ટિકિટ વિના તમને હું જવા નહીં દઉં.’

ચા૨ સાડા ચાર હજાર રૂપિયા જેટલા પાઉંડ મારે ક્યે ઝાડેથી કાઢવા? લંડનમાં પાસપોર્ટ ક્યાં મળે? પાછા ક્યાં ને કેવી રીતે જવું? મિ. કામતના હૈયામાં રામ (કૃષ્ણ) વસ્યા હશે? મને કહે, ‘તમારી ટિકિટ અમે ચેક કરી છે એટલે, એક પેની પણ લીધા વગર તમને ડુપ્લિકેટ ટિકિટ હું આપીશ. હું ઈન્ડિયા આૅફિસમાં ફોન કરું છું. તમે ત્યાં આવતી કાલે જઈ પાસપોર્ટ કઢાવી લેજો. એ મળ્યા પછી ઍર ઇન્ડિયાની આૅફિસે જઈ તમારી સીટ કન્ફર્મ કરાવજો. અને તમારે જ્યાં જ્યાં ફોન કરવા હોય ત્યાં ફોન કરો.’

આટલું કહી, ઇન્ડિયા ઑફિસના કોઈ ડ્યૂટી અફસરને મારું નામ, વય, મારા પાસપોર્ટ ગૂમ થવાની વિગત વ. કહી મને ફોન સોંપ્યો. મારે તો આ રામકૃષ્ણ વેદાંત સેંટરનો જ આશરો હતો! ત્યાં અને, મારાં બીજા સ્વજન બહેન ઊર્મિલાને ફોન કરી મેં એમની મદદ માગી.

હૉલૅન્ડ પાર્ક પાછો ગયો ત્યારે રાતના ૧૦.૩૦ થયા હતા. છતાં મારે માટે દરવાજો ખોલાયો. બ્ર. આંદ્રે મને મારી પરચિત રૂમમાં લઈ ગયા. ત્યાં દૂધનો ગ્લાસ અને કેળાં હતાં. મને કહે : ‘આ ખાઓ!’ પૂરી અનિચ્છા છતાં એક કેળું ખાધું અને દૂધ પી ગયો. પછી, મુંબઈ ફોન કરવા દેવા વિનંતી કરી. ફોન થયો ત્યાં સુધી – એ વખતે ડાયરેક્ટ ડાયલિંગ ન હતું એ ઊભા રહ્યા. મને રૂમમાં મૂકી જઈ સ્વસ્થ રહેવાનું કહી એ ગયા.

બીજે દહાડે, ૩૦મી જુલાઈએ, નક્કી કર્યા મુજબ ઊર્મિલા પોતાની સાથે પૈસા લઈને મને લેવાને આવ્યાં. મને ઇન્ડિયા ઑફિસમાં લઈ ગયાં. ઠાકુરની કૃપા જુઓ. ત્રણ મહિના સુધી અહીં ન મળતો પાસપૉર્ટ એ ઑફિસે કામચલાઉ જ આપ્યો હતો તે છતાંય એ પાસપૉર્ટ જ હતો-તે જ દિવસે ચાર વાગ્યે મને મળી જશે એમ કહેવામાં આવતાં, ઊર્મિલા મને ઍર ઇન્ડિયાની ઓફિસે લઈ ગયાં.

ત્યાં કાઉન્ટર ઉપર કોઈ મિસ મલ્હોત્રા નામનાં બહેન હતાં. જેવી મેં ટિકિટ આપી ને વાત માંડી તો મને એ કહે : ‘ગઈ રાતે હેરાન થયેલા શિક્ષક તે તમે છો ને? થોડી વાર થોભો. આટલું કહી એ ફોનનાં ચકરડાં ઘૂમાવવા લાગી. આગલી સાંજે એરપોર્ટ પર મેં મુસાફરોનો ધસારો જોયો હતો. અને અનેક લોકોને ના કહેતા. મિ. કામતને સાંભળ્યા હતા. કેવી ટાઈટ પરિસ્થિતિ છે તેનો મને ખ્યાલ હતો પૂરી પચાસ મિનિટ પછી આવી મને એ બહેન કહે : ‘બીજી બધી ફલાઈટ ચિક્કાર છે. આવતીકાલે સવારે ૧૧-૦૦ની ફલાઈટમાં તમારો ચાન્સ નંબર પાંચમો છે.’ મારી શંકાના જવાબમાં એણે ખુલાસો કર્યો : ‘તમારી પહેલામાં ચારનું ફેમિલી ગ્રુપ છે. એટલે એક ટિકિટ કેન્સલ થાય તો તમારો નંબર પહેલો જ છે, સર!’ શિક્ષક પ્રત્યેનો આ આદર એના હૃદયમાં મા-ઠાકુરે જ પ્રેર્યો હશે ને? અને બીજા દિવસના વિમાનમાં બેસી હું તરત મુંબઈ આવી ગયો.

(૩)

એ સૅંટર ત્યાર પછી હોલૅન્ડ પાર્કથી ખસી ઉત્તરમાં બૂર્ન એંડ પર ચાલી ગયું હતું.

૧૯૮૩માં અમારી દીકરી વરદા સત્તર વર્ષની વયે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતી હતી. ત્યાં જતાં પહેલાં એ પખવાડિયું રાલ્ફને ત્યાં, ઇંગ્લૅન્ડમાં રહે અને પશ્ચિમની રહેણીકરણીથી પરિચિત થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી.

રાલ્ફ હવે હૅરોગેઇટમાં રહેતા હતા. ત્યાંથી બેક દહાડા વહેલા આવી એ સ્વામી ભવ્યાનંદજી પાસે બૂર્ન એંડમાં રહેતા હતા. ઍરપૉર્ટ પરથી વરદાને એ ત્યાં જ લઈ ગયા. સ્વામીજીને વરદાનો પરિચય કરાવ્યો : ‘આ દુષ્યન્તની દીકરી!’ આશ્રમનું એ મોટું મકાન, ચોપાસ વિશાળ ખુલ્લી જગ્યા, બધે હરિયાળી, શાંત અને પવિત્ર વાતાવરણ અને સ્વામીજીનો તથા એમના સાથીઓનો પ્રેમાળ સ્વભાવ વરદાને ખૂબ સ્પર્શી ગયું. રસોઈ, સફાઈ, પીરસવું વ. કામોમાં ઉત્સાહથી એ જોડાઈ. એક રાત રોકાઈ, એ એના રાલ્ફકાકા સાથે ગઈ.

ન્યુયૉર્ક જતી વખતે પાછાં એ કાકો – ભત્રીજી બૂર્ન એંડ આવ્યાં અને ત્યાં અર્ધો દિવસ અને રાત રોકાયાં. જવાની સવારે કેન્દ્રમાં કામકાજ પતાવી વરદા સ્વામીજી પાસે ગઈ તો સ્વામીજી કહે! ‘જો બેટા, તું એક શિક્ષક દંપતીનું બાળ છો એ મને ખબર છે. તને ત્યાં આ વર્ષે કંઈ સ્કૉલરશિપ મળશે નહીં તે હું જાણું છું અને હું એ પણ જાણું છું કે ભારત સરકારે તારે માટે કશું જ પરદેશી ચલણ મંજૂર કર્યું નથી. ત્યાં પહોંચીને તારું સરનામું મને લખી જણાવજે એટલે, તારા એક વર્ષના પૂરા ખર્ચની જોગાઈની રકમની સ્કૉલરશિપ – લોન નહીં – સ્કૉલરશિપ, બેટા – તને મળી જશે.’

લગભગ લાખ રૂપિયા જેટલી રકમ આમ વણમાગી સામેથી મળે તે ઠાકુર-માની કૃપા નહીં તો બીજું શું?

પણ અમારા સદ્ભાગ્યે અમને એથી મોટી એમની કૃપા લાધી.

વરદાએ સ્વામીજીને ઉત્તર વાળ્યો : ‘આપનો અંતઃકરણપૂર્વક આભાર, સ્વામીજી. પણ પોતાના મિત્રો મારફત મારાં માતાપિતાએ મારા ખપજોગી વ્યવસ્થા કરી છે. મને એથી વધારેની જરૂર પડવાનો સંભવ નથી. છતાંય, જરૂર પડશે તો હું આપને જ તકલીફ આપીશ.’

એ રકમના મોહમાં વરદાને મા-ઠાકુરે જ નહીં પડવા દીધી હોય ને?

૧૯૮૬માં પૂ. સ્વામી રંગનાથાનંદજી અમેરિકા ગયા ત્યારે, પોતાના કાર્યક્રમની જાણ તેમણે મને કરી હતી અને, બૉસ્ટન અથવા ન્યુયૉર્ક જ્યાં વરદાને અનુકુળ પડે ત્યાં, વરદા પોતાને મોઢું બતાવી જાય તેમ તેને જાણ કરવા મને કહ્યું હતું. મેની ૨૨થી ૨૪ તારીખોએ એ બૉસ્ટનના કેન્દ્રમાં જવાના હતા.

વિદેશ ભણતી અમારી પુત્રીને પોતાને મળી જવા કહેવાની પ્રેરણા સ્વામી રંગનાથાનંદજીને કોણે આપી હશે? બૉસ્ટનના એ કેન્દ્રમાં વરદા ગઈ. પૂજ્ય સ્વામી રંગનાથાનંદજીને મળી અને એ કેન્દ્રના વડા સ્વામી સર્વગતાનંદજીને પણ મળી. એમની સાથે પણ મારે કરાંચીનો સંબંધ હતો. ભવ્યાનંદજીના લખવાથી એ પણ વરદા માટે ચિંતા કરતા હતા. પૂજ્ય રંગનાથાનંદજીની વાત્સલ્યવર્ષા વરદા માટે જીવનભરનું સંભારણું બની ગઈ છે.

૧૯૮૭માં બૉસ્ટનન અને બૂર્ન એંડ કેન્દ્રોનું પ્રેમાળ આતિથ્ય પામવાનું અને ત્યાંથી હૃદયમાં પ્રસન્નતા ભરવાનું મને સાંપડ્યું છે. ભવ્યાનંદજી સાથેની એ છેલ્લી મુલાકાત.

૧૯૯૩માં મારી પત્ની પુષ્પા અને હું બંને ફરી સાથે અમેરિકા ગયાં હતાં. વરદા ન્યુયૉર્ક રાજ્યના મુખ્ય શહેર આલ્બનીમાં રહે છે. તે માતા થવાની હતી. ત્યાં પહોંચ્યા પછી થોડાક જ દિવસોમાં, સ્વામી વિવેકાનંદના શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાંના પ્રાગટ્યની શતાબ્દી અંગે બોસ્ટન અને પ્રૉવિડન્સના કેન્દ્રોમાં, મઠ-મિશનના ઉપાધ્યક્ષ પૂ. સ્વામી ગહનાનંદજી આવવાના હતા. બંને સ્થળો આલ્બનીથી લગભગ અઢીસો ત્રણસો કિ.મી. ને અંતરે આવેલાં છે.

અમારાં એક નિકટનાં સ્નેહી દંપતિ બંને કેન્દ્રો સાથે સંકળાયેલાં છે. એમના અતિથિ બની એ બંને કેન્દ્રોમાં જે વિવિધ કાર્યક્રમો ગોઠવાયા તેનો લાભ લેવા ભાગ્યશાળી બનેલાં. આ પ્રસંગોએ મઠના સંતોને નિકટતાથી મળવા સાંભળવાનો લાભ મળવા ઉપરાંત બીજા અનુભવો પણ થયા છે.

તદ્દન અપંગ એવી ગ્લૉરિયા પિયાનો વગાડવા સાથે જે તન્મયતાથી ભજન ગાય છે તે અનન્ય છે. અસાધારણ સમૃદ્ધિમાં આળોટતી, સાઠી આસપાસની ઍનને આશ્રમમાં એઠાં વાસણ માંજતી જોઈ છે. પોપટભાઈ – ત્રિવેણીબહેનને ત્યાં પણ ઍન સેવા કરવા હાજર જ હોય. એ દંપતિ પણ સરસ રીતે મા-ઠાકુરની ભક્તિ કરી રહ્યાં છે.

આ અનુભવોએ પ્રતીતિ કરાવી છે કે શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રી શારદામા અને સ્વામી વિવેકાનંદ કેવળ ભારતીય નથી. એ વિશ્વવ્યાપી છે, વિશ્વવંદ્ય છે,, વિશ્વ પર કૃપા વરસાવી રહ્યાં છે. એ કૃપાની વૃષ્ટિમાં નહાવાનું સદ્ભાગ્ય આમ સાંપડ્યું એ ઓછું છે?

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.