માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો, કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર ચાલુ કરી દેવું, અને એ કરવામાં અમુક અંશે હું સફળ થયો છું. અહીં દુષ્કાળ, રોગચાળો અને દારિદ્રયની વચમાં રહીને, સાદડીની પથારી પર પડેલા કૉલેરાગ્રસ્ત ભંગીની સારવાર કરતા અને ભૂખે મરતા અસ્પૃશ્યને ખાવાનું આપતા મારા યુવાન શિષ્યોને કામ કરતા જોઈને તમારું હૈયું નાચી ઊઠત! ભગવાન મને અને એ બધાંને મદદ મોકલતો રહે છે. ‘માણસો તે વળી શું છે?’ મારી સાથે ઈશ્વર છે, અમેરિકામાંય એ જ ઈશ્વર મારી સાથે હતો. ઇંગ્લૅન્ડમાં એ મારી સાથે હતો, ભારતમાં જ્યારે હું એકલો અને અજ્ઞાત એક સ્થળેથી બીજે સ્થળે ભટકતો હતો ત્યારે પણ મારી સાથે એ જ ઈશ્વર હતો. એ જ લોકો શું બડબડ કરે છે, એની મને શી પડી છે? એ લોકો તો બાળકો છે, એમને કશી ખબર નથી. એથી વધારે બીજા કશાની અરે, જેણે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, જેણે બધી દુન્યવી મૂર્ખતાઓની વ્યર્થતા જાણી લીધી છે એવો હું શું એ બાળકોના બડબડાટથી મારા માર્ગમાંથી ચલિત થવાનો? હું એવો લાગું છું ખરો?

મારે મારા વિશે આટલી બધી પીંજણ કરવી પડી તેનું કારણ કે મારે તમને એ કહેવાનું બાકી હતું. મને લાગે છે કે મારું કાર્ય પૂરું થયું છે – મારી જિંદગીના બહુ બહુ તો ત્રણ કે ચાર વરસ બાકી રહ્યાં છે. મેં મારી મુક્તિની ઇચ્છાનો સર્વ રીતે ત્યાગ કર્યો છે. સંસારના ભોગોની સ્પૃહા મને કદી પણ થઈ નથી. મારે તો મારી યોજનાઓ રૂપી સંચો બરાબર મજબૂત રીતે કામ કરતો થઈ જાય એ જોવું છે. અને પછી માનવજાતિના કલ્યાણને માટે, ઓછામાં ઓછું ભારતમાં, જેને કોઈ પણ શક્તિ પાછું હઠાવી ન શકે એવું એક યંત્ર મેં ગોઠવ્યું છે એવી ખાતરી કરીને, પાછળથી શું થશે એની પરવા રાખ્યા વિના હું ચિરનિદ્રામાં પોઢી જવા માગું છું. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની સમષ્ટિરૂપ ઈશ્વરની હું પૂજા કરી શકું; અને સૌથી વિશેષ તો સર્વ જાતિઓ અને સર્વ જીવોના દુષ્ટોમાં રહેલો, દીન દુખિયાઓમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી પૂજાનો વિશેષ વિષય છે.

– સ્વામી વિવેકાનંદ

(અલમોડાથી તા. ૯મી જુલાઈ, ૧૮૯૭ના રોજ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાનાં મિસ મૅરી હૅય્‌લને લખેલ પત્રનો અંશ – સ્વામી વિવેકાનંદના પત્રો – ભાગ ૧ અને ૨ – પૃ. સં. ૨૦૭ – ૨૦૮, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 301

One Comment

  1. Sachin Dave April 23, 2022 at 11:08 am - Reply

    A glimpse into real Vivekananda – who never preached Personalities, always taught principle of Divinity of man and showed how to menifest it, who walked with and in God to serve Bharat, and Humananity, who claimed to remain present and working till everyone knows that He/She is one with God, who personally believed to remain till the end of Maya for every single being, who knew ‘every inch of the way’… ??

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.