(૧)

તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી પણ ‘તેલોભેલો’ના એ મેદાનમાં મા કાલીની એક વિકરાળ મૂર્તિ છે જે ‘ડાકુઓની કાલી’ તરીકે જાણીતી છે. કારણ કે ડાકુઓ લૂંટ ચલાવતાં પહેલાં આ જ મૂર્તિની આરાધના કરતા. નામ સાંભળીને જ હાજાં ગગડી જાય એવા આ ભયંકર સ્થળથી શ્રીમા શારદાદેવી ગામડાની કેટલીક સ્ત્રીઓ સાથે કામારપુકુરથી કલકત્તા જવા માટે પસાર થઈ રહ્યાં હતાં. ઈ.સ. ૧૮૭૭નો ફેબ્રુઆરી મહિનો હતો. સૂર્યનારાયણ ઝડપથી અસ્ત થઈ રહ્યા હતા.. બધાંને બીક હતી કે સૂર્યાસ્ત પહેલાં જો આ નિર્જન મેદાન પાર ન કરી શક્યાં તો બધાં ભયંકર ડાકૂઓના હાથમાં આવી પડશે. બધાંએ ચાલવાની ઝડપ વધારી પણ શ્રીમા શારદાદેવી થાકી ગયાં હતાં, તેમને ચાલવાનો મહાવરો નહોતો એટલે તેઓ પાછળ પડવા લાગ્યાં. ત્રણચાર વાર એમના સંગાથીઓ એમને માટે ઊભા રહ્યા અને તેમને વારંવાર ઝડપથી ચાલવાનું કહ્યું. શ્રીમાએ પોતાના સ્વભાવ પ્રમાણે અન્યના કષ્ટનો વિચાર કરી તેઓને આગળ વધી આ ભયંકર મેદાનની પાર જઈ તારકેશ્વરમાં તેમની રાહ જોવાનું કહ્યું. જાન ગુમાવવાની બીકે બધા સંગાથીઓ ઝડપથી આગળ વધી ગયા.

થોડી જ વારમાં સાંજ ઢળવા લાગી, રાત્રિનો અંધકાર ચારે તરફ પ્રસરવા લાગ્યો. માંડ ૨૩ વર્ષની વયનાં શ્રીમા એકલાં એ નિર્જન મેદાનમાં ડરતાં ડરતાં આગળ ચાલવા લાગ્યાં. એટલામાં તો અંધકારમાંથી એક ઊંચા પડછંદ માણસને એમણે પોતાના તરફ આવતો જોયો. ખૂબ કાળો, ઘાટા ગૂંચળિયાવાળા કાળા વાળવાળો, હાથમાં રૂપાંના કડાં પહેરેલો, ખભા પર ડાંગ રાખેલ એ ડાકૂ દેખાવમાં અતિ ભયંકર હતો. મોટા અવાજે તેણે પૂછ્યું, ‘એ ઈ! આવે વખતે ત્યાં કોણ ઊભું છે?’ શ્રીમા ગભરાઈને ઊભાં રહી ગયાં હતાં. ડાકૂ નજીક આવ્યો ત્યારે શ્રીમાએ કહ્યું, ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’ આ શબ્દોની જાણે જાદુઈ અસર થઈ. અત્યંત ક્રૂર એ ડાકૂએ નરમ અવાજમાં કહ્યું ‘ડર મા, મારી સાથે મારી બૈરી છે, પાછળ પાછળ આવે છે.’ શ્રીમાએ હિંમતથી બોલવા માંડ્યું, ‘બાપુ, મારા સંગાથીઓ મને છોડીને આગળ ચાલ્યા ગયા છે. વળી મને લાગે છે કે હું રસ્તો પણ ભૂલી ગઈ છું. તમારા જમાઈ દક્ષિણેશ્વ૨માં રાણી રાસમણિના કાલીમંદિરમાં રહે છે. હું એમની પાસે જતી હતી. તમે મને એમની પાસે લઈ જશો તો એ તમારું અંતરથી ખૂબ સ્વાગત કરશે. મને એમની પાસે લઈ જશો?’ શ્રીમાએ આમ બોલવાનું પૂરું કર્યું. ત્યાં તો એ ડાકૂની સ્ત્રી આવી પહોંચી. શ્રીમાએ તુરત લાગણીથી અને ભરોસાથી એનો હાથ પકડીને કહ્યું, ‘મા,મા, હું તમારી દીકરી શારદા છું. મારા સંગાથીઓ મને છોડીને ચાલ્યા ગયા છે, તેથી હું વિપત્તિમાં પડી હતી. સારે નસીબે તમે બન્ને આવી પહોંચ્યાં, નહીં તો હું શું કરત કોણ જાણે.’

શ્રીમાના નિઃસંકોચ સ૨ળ વર્તન, સંપૂર્ણ ભરોસો અને મીઠી વાતોથી આ હલકી ગણાતી ‘બાગદી’ જાતિના ડાકૂ દંપતીનાં હૃદય એકદમ જિતાઈ ગયાં. પરિણામે એક બ્રાહ્મણ કન્યા અને પોતાની વચ્ચેનો સામાજિક ભેદભાવ ભૂલી જઈને, સાચે જ પોતાની દીકરી હોય તેમ તેઓ શ્રીમાને સાંત્વના આપવા માંડ્યાં. શ્રીમા થાકેલાં હતાં તેથી તેમને આગળ ન જવા દીધાં, પણ પાસેના તેલો ગામની એક નાનકડી દુકાનમાં લઈ ગયાં. ડાકૂની પત્નીએ શ્રીમા માટે પોતાનું વસ્ત્ર પાથરીને પથારી કરી આપી. ડાકૂ એમના માટે મમરા લઈ આવ્યો, પછી એને હેતથી સૂવાનું કહી કહી પોતે ડાંગ લઈ આખી રાત પહેરો ભરતો ઊભો રહ્યો.

બીજે દિવસે પરોઢ થતાં એ લોકો શ્રીમાને લઈ તારકેશ્વર તરફ ચાલવા લાગ્યાં અને દોઢ કલાકમાં ત્યાં પહોંચ્યાં. એક દુકાનમાં આશરો લઈ ડાકૂની પત્નીએ પોતાના પતિને કહ્યું, ‘મારી દીકરીએ તો રાતના કંઈ ખાધું જ નથી, ભગવાન તારકેશ્વરની પૂજા જલદી કરી લો; પછી બજારમાંથી સારી વસ્તુઓ લઈ આવો, એને આજે સારી રીતે ખવડાવીશ.’ એટલામાં શ્રીમાના સંગાથીઓ એમને શોધતાં શોધતાં ત્યાં આવી પહોંચ્યા અને એમને સલામત જોઈ ખુશ થઈ ગયા. શ્રીમાએ પોતાની ‘બાગદી મા’ સાથે ઓળખાણ કરાવીને કહ્યું, ‘એ લોકોએ આવીને મને ન બચાવી હોત તો રાત્રે હું શું કરત કોણ જાણે.’

વૈદ્યવાટીના રસ્તે બપો૨નું ભોજન શ્રીમાના સંગાથીઓએ શ્રીમા અને ડાકૂ દંપતી સાથે કર્યું અને શ્રી માને લઈ આગળ ચાલ્યા. વિદાયની વેળા આવી પહોંચી. શ્રીમા અને ડાકૂ દંપતી એક જ રાતમાં પરસ્પરની એટલી નજીક આવી ગયાં હતાં કે છૂટા પડવાના વિચારથી ત્રણેની આંખમાં અવિરત આંસુ વહેવા લાગ્યાં. યાત્રાળુઓ આગળ વધ્યા ત્યારે ડાકૂ દંપતી એમની સાથે ઘણે દૂર સુધી ચાલ્યાં. પછી બાગદી સ્ત્રીએ ખેતરોમાંથી લીલા વટાણાં ચૂંટી શ્રીમાના પાલવમાં બાંધી આપ્યા ને ગળગળા થઈ કહ્યું, ‘દીકરી શારદા, તું રાતે મમરા ખાય ત્યારે સાથે આ વટાણા ખાજે.’ શ્રીમાએ એ લોકો પાસે દક્ષિણેશ્વર આવવાનું વચન લીધું ને પછી વિદાય લીધી. એ લોકોએ વચન પાળ્યું પણ ખરું ને એક વખત નહીં પણ બે ત્રણ વખત દક્ષિણેશ્વર એમને મળવા ગયા અને પ્રત્યેક વાર એમના માટે જાતજાતની ભેટ પણ લઈ ગયા હતા. શ્રીમા પાસેથી બધી વાત સાંભળીને શ્રીરામકૃષ્ણદેવ પણ એમના તરફ જમાઈ તરીકે જ માયાળુ વર્તન રાખતા. પાછળથી ભક્તોને આ પ્રસંગ વિશે કહેતાં શ્રીમાએ એક અર્થપૂર્ણ વાત કરી હતી કે, ‘મારા લૂંટારું બાપ આટલા સીધા અને સચ્ચરિત્ર હતા તોયે એણે પહેલાં ઘણી વાર લૂંટ કરી હશે એમ લાગે છે.’

(૨)

શ્રીમા શારદાદેવીના જીવનમાં બનેલ આ અસાધારણ ઘટનાની ઉપરોક્ત વિગતો તેમનાં જીવન ચરિત્રમાં પ્રકાશિત થયેલ છે. શ્રીમાના જીવનની આ ઘટના જેટલી વિસ્મયકારક અને રોમાંચક છે, તેટલી જ આધ્યાત્મિક દૃષ્ટિથી ગૂઢ અર્થ ધરાવતી પણ છે. આ ઘટના વિશે વાંચીને વાચકોના મનમાં અનેક પ્રશ્નો ઊઠે છે : ‘ખરેખર શું આ ઘટના બની હશે? કેવું હતું તેલોભેલોનું એ મેદાન? કોણ હતો એ ડાકૂ? એનામાં આવું પરિવર્તન કેમ આવ્યું? પાછળથી એનું જીવન કેવું રહ્યું?’

કલકત્તાના પ્રૉફેસર શ્રી તડિતકુમાર બંદોપાધ્યાયે સ્વામી પૂર્ણાત્માનંદજીના માર્ગદર્શન હેઠળ આ વિશે અનેક શોધખોળ કરી તાજેતરમાં બંગાળીમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, ‘શ્રીશ્રીમા ઓ ડાકાત-બાબા’ (શ્રી શ્રીમા અને ડાકૂ પિતા). તેમાં આવા અનેક પ્રશ્નોનું સમાધાન મળે છે. વળી લેખકે આ ઘટનાનું વિશ્લેષણ સમાજતાંત્રિક, આર્થિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિસ્તારથી કર્યું છે. તેમની શોધ પ્રમાણે એ ડાકૂનું નામ હતું – સાગર સાંતરા, તેની પત્નીનું નામ હતું – માતંગિની. સાગર ભેલો ગામની પાસેના તેલો ગામના નાના જમીનદાર ઘોષ પરિવારમાં પાલખી લઈ જવાનું કામ કરતો. ક્યારેક લૂંટફાટ કરી લેતો પણ તે વ્યવસાયે ડાકૂ નહોતો. લગભગ ઈ.સ. ૧૮૪૯માં જન્મેલ સાગર નાનપણથી જ દેખાવમાં વિશાળ અને ભયંકર હતો. લાંબી પડછંદ કાયા અને દબદબાભર્યો ચહેરો, ગાઢ કૃષ્ણવર્ણ. નાનપણમાં કોઈ તેની સામે બોલવાનું સાહસ ન કરી શકતા. અસાધારણ શારીરિક શક્તિ ધરાવનાર આ સાગરનો ખોરાક પણ અસાધારણ હતો. દંડ બેઠક દરરોજ કરતો. લાઠી ચલાવવામાં એટલો કુશળ હતો કે તે જ્યારે લાઠી ફેરવતો ત્યારે તેની તરફ ફેંકેલો ઈંટનો ટુકડો લાઠીથી ટકરાઈને પાછો આવતો. પાછળની ઉમરમાં જમીનદારની નોકરી છોડી દીધા પછી અભાવને કારણે તે અવારનવાર ચોરી કરતો. આમ છતાં તે ભક્ત હતો. તેની ભક્તિની વાતો આજે પણ તેલો ગામના લોકો કરે છે. તે અભિનયમાં કુશળ હતો. ગીત પણ ગાઈ શકતો.

તેના ચાર સંતાનોમાં પ્રથમ હતી એક કન્યા, જે જન્મતાંની સાથે મૃત્યુ પામી. એ પછી પુત્ર થયો – બિહારી. તેનો પુત્ર કૃષ્ણપદ સાતરા હજુ જીવે છે. તેણે લેખકને ઘણી માહિતી પૂરી પાડી. ત્રીજું સંતાન નાનો પુત્ર મેહારી યુવાવસ્થામાં પરણ્યા પહેલાં મૃત્યુ પામ્યો. તેણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા પણ મેળવી હતી. તે જ્યારે શ્રીમા પાસે મંત્ર દીક્ષા મેળવવા ગયો ત્યારે શ્રીમાનું સ્વાસ્થ્ય સારું નહોતું તેથી તેમણે કહેવડાવ્યું કે મંત્રદીક્ષા હમણાં શક્ય નથી. મેહારીને લાગ્યું કે શ્રીમા તેને નીચ જાતિનો માનીને દીક્ષા આપતાં નથી. તેથી તેણે અભિમાનભર્યા સ્વરમાં કહ્યું, ‘તમે એક ‘બાગદી’ની દીકરી થઈ શકો પણ એક ‘બાગદી’ની મા બનવા રાજી નથી. જાણો છો જે ‘બાગદી’ને તમે પિતા કહો છો, હું તેનો જ પુત્ર છું?’ ન છૂટકે શ્રીમાને અસ્વસ્થ શરીરે જ મંત્રદીક્ષા આપવી પડી હતી. સાગરના ચોથા સંતાનમાં એક કન્યા હતી – દુર્ગાબા. ઈ.સ. ૧૯૧૦-૧૧માં એક વૃક્ષની ડાળ કાપવા જતાં સાગર સાંતરા વૃક્ષ પરથી પડી જતાં મૃત્યુ પામ્યો. તેના ૯-૧૦ વર્ષ પછી તેની પત્ની માતંગિની પણ માથાની બીમારીથી મૃત્યુ પામી. બન્ને રામકૃષ્ણલોકમાં ગયા પણ શ્રીરામકૃષ્ણભક્તમંડળ માટે તેઓ ચિરસ્મરણીય રહી અમર થઈ ગયાં. કેવી અદ્‌ભુત શ્રીમાની કૃપા! ડાકૂ દંપતીને પણ ભક્ત દંપતીમાં પરિણત કરી તેઓને અમર કરી દીધા!

તેલો ગામની જે દુકાનમાં શ્રીમાએ રાતવાસો કર્યો હતો તે જગ્યાએ આજે એક વિશાળ મંદિર નિર્મિત થયું છે, જેમાં શ્રીમા શારદાદેવીની સુંદર પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ છે. દેશ-વિદેશથી લોકો આ આધુનિક તીર્થસ્થાનની યાત્રાએ આવે છે.

(૩)

આ ઘટનાનું આધ્યાત્મિક તાત્પર્ય શું છે? સામાન્યજનને આ ઘટનાથી શો સંદેશો મળે છે? ગામડાની એક સામાન્ય યુવતી કોઈ પણ અસ્ત્ર-શસ્ત્ર વગર આ નિર્જન મેદાનમાં એક ભયંકર ડાકૂનો સામનો કેવી રીતે કરી શકી? આવા પ્રશ્નો આધુનિક મનમાં ઊઠે એ સ્વાભાવિક છે.

કેટલાક લોકોનું એવું માનવું છે કે એ ડાકુએ શ્રીમામાં મા કાલીનાં દર્શન કર્યાં હતાં અને તેથી તેમના પ્રત્યે આવું નરમ વલણ થયું હતું. આ વાત શક્ય છે, કારણ કે શ્રીમાના જીવનમાં અન્ય એવી કેટલીક ઘટનાઓ પણ છે, જેમાં તેમનું દૈવી સ્વરૂપ પ્રકટ થાય છે. પણ આ ઘટનાને અલૌકિક ન ગણતાં લૌકિક અર્થમાં લઈએ તો સામાન્યજનને મહત્ત્વનો સંદેશ મળે છે. લૌકિક કારણ એ છે કે શ્રીમાની સરળતા, નિખાલસતા અને સ્નેહસુધા તેમના આ શબ્દોમાં ટપકતી હતી : ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’ અને આથી એ ડાકૂના હૃદયમાં પિતાનું વાત્સલ્ય જાગ્રત થઈ ગયું. શ્રી તડિતકુમાર બંદોપાધ્યાયે શોધ કરીને માહિતી મેળવી છે કે આ ઘટનાનો અલ્પ સમય પહેલાં જ આ દંપતીની પ્રથમ કન્યા જન્મતાંની સાથે જ મરણ પામી હતી અને તેઓના હૃદયમાં રહેલ વાત્સલ્યનું ઝરણું, જે વિરહાગ્નિથી સુકાઈ ગયું હતું, તે આ શબ્દો સાંભળી ફરી વહેતું થયું અને તેથી જ તે શબ્દોની જાદુઈ અસર થઈ અને એક રાતમાં આ દંપતી અને શ્રીમા એકબીજાના એટલા નજીક આવી ગયાં કે છૂટા પડતી વખતે ત્રણેય ખૂબ રડ્યાં અને પાછળથી પણ તેઓએ આ સ્નેહસંબંધ જાળવી રાખ્યો.

એ ડાકૂના હૃદય-પરિવર્તનની પાછળનું સાચું રહસ્ય છે – શ્રીમા શારદાદેવીની પારકાંને પોતીકા કરી લેવાની કળા, ગમે તેવી દુર્જન વ્યક્તિમાં પણ સદ્‌ગુણો ખોળી લેવાની કળા, આ રહસ્ય તેમણે પોતે છતું કર્યું હતું તેમની મહાસમાધિના પાંચ દિવસ પહેલાં. અન્નપૂર્ણાની માને તેમણે કહ્યું હતું, ‘સાંભળ, શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો. જગતને પોતાનું કરી લેતાં શીખ; જગતમાં કોઈ પરાયું નથી.’ જે લોકોના દુઃખથી વ્યાકુળ થઈને કરુણામયી જગદંબાએ શરીર ધારણ કરી આટલા સાંસારિક દુઃખો ભોગવ્યાં તે આર્ત માનવો પ્રત્યે આ હતી તેમની અંતિમ વાણી.

શ્રીમાનું પોતાનું જીવન જાણે આ વાણીની વ્યાખ્યા સ્વરૂપ છે. નાનપણથી તેઓ રડીરડીને પ્રાર્થના કરતા, ‘હે, પ્રભુ, મારા મનને શુદ્ધ કરી દો જેથી હું કોઈના દોષ ન જોઉં. ચંદ્રમામાં પણ કલંક છે, થોડા કાળા ડાઘ છે, મારા મનને એથી વધુ શુદ્ધ બનાવી દો.’ પરિણામે તેમનું મન એટલું શુદ્ધ થઈ ગયું હતું કે ગમે તેવી દુષ્ટ વ્યક્તિમાં પણ તેઓ દોષ જોઈ શકતાં નહિ. એ વિશુદ્ધ મનમાં માતૃત્વનો એવો વિકાસ થયો કે મુસલમાન ડાકૂ અમજદ જેવા પણ તેમના સ્નેહપાત્ર બની ગયા, ત્યાં સુધી કે તેમણે કહ્યું, ‘જેમ શરત્ (સ્વામી શારદાનંદ – રામકૃષ્ણ મિશનના પ્રથમ જનરલ સૅક્રેટરી) મારો દીકરો છે તેમ અમજદ પણ મારો દીકરો છે.’ જીવન વ્યવહારમાં વેદાંતનું આ સર્વોત્તમ ઉદાહરણ છે. વેદાંત પ્રમાણે દરેક મનુષ્યના હૃદયમાં એક જ બ્રહ્મ વિરાજમાન છે, બધી જગ્યા એ બ્રહ્મથી જ ઓતપ્રોત છે, ગમે તેવી દુષ્ટ વ્યક્તિમાં પણ એ જ શુદ્ધ બ્રહ્મ વિરાજમાન છે. અંતર છે અજ્ઞાનરૂપી આવરણમાં. કોઈનું આવરણ ચિત્તશુદ્ધિને કારણે પાતળું છે તો કોઈનું દુર્ગુણોને કારણે જાડું. પણ તેથી અંતરમાં રહેલ આત્માની આભામાં કોઈ અંતર પડતું નથી. માટે દરેકને, પુરુષ હોય કે સ્ત્રી, તવંગર હોય કે ગરીબ, ઉચ્ચ વર્ણ હોય કે નીચ વર્ણ, સજ્જન હોય કે દુર્જન, ચાહતાં શીખીએ. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘વાઘમાં પણ ના૨ાયણ છે પણ તેથી કાંઈ તેને ભેટી પડાય નહિ.’ દુષ્ટોથી, દુઃસંગથી ભલે દૂર રહેવાનો પ્રયત્ન કરીએ (પોતાને બચાવવા) પણ અંતરમાં કોઈ પ્રત્યે ઘૃણા ન રહે, કારણ કે જગતમાં કોઈ પરાયું નથી, સૌ પોતાનાં છે. ગમે તેવી ક્રૂર વ્યક્તિમાં પણ વાત્સલ્યનું ઝરણું વહેતું હોય છે. એક ક્રૂર ડાકૂ પોતાના સંતાન માટે પરમ સ્નેહાળ પિતા બની જાય છે! દરેક મનુષ્યના હૃદયબાગમાં સદ્‌ગુણો અને દુર્ગુણોના છોડો હોય છે. ગમે તેવી મહાન વ્યક્તિના હૃદયબાગમાં પણ ક્યાંક થોડા દુર્ગુણોના છોડો હોય છે, ગમે તેવી દુષ્ટ વ્યક્તિમાં પણ થોડા સદ્‌ગુણોના છોડો હોય છે. શ્રીમા શારદાદેવીનું જીવન આપણને એવી કળા શીખવાડે છે, જેથી આપણે અન્ય વ્યક્તિઓના હૃદયબાગમાં રહેલા સદ્‌ગુણોના છોડોને ઓળખી તેને વિકસાવીએ અને આમ પોતાના હૃદયબાગમાં રહેલા સદ્‌ગુણોના છોડોને પણ વિકસાવીએ, શ્રીમાએ તો એક ડાકૂના હૃદયબાગમાં રહેલા વાત્સલ્યના છોડને ઓળખી તેને વિકસાવ્યો હતો, કેટલાય દુર્જનોમાં તેમણે માતૃસ્નેહનું સિંચન કરી કહ્યું હતું, ‘હુ સજ્જનોની પણ મા છું અને દુર્જનોની પણ મા છું. સંસારમાં એવો કોઈ જીવ નથી જેના પર મારી દયા ન હોય.’ આપણે જો શ્રીમાના આ અમૂલ્ય ઉપદેશનું પાલન કરવાનો પ્રયત્ન કરીશું (ભલે શરૂઆતમાં દુર્જનોમાં શક્ય ન હોય તો) આપણી સાથે સંકળાયેલા લોકોમાં દોષ જોવાને બદલે તેઓમાં રહેલ સદ્‌ગુણોને જોવાનો પ્રયત્ન કરીશું; તેઓને પોતીકા કરી લેવાનો પ્રયત્ન કરીશું તો આપણાં માનવ સંબંધો સુધરશે, પરિવારજનો વચ્ચેના, મિત્રો વચ્ચેના, સહકાર્યકરો વચ્ચેના, સંબંધો સુધરશે, પરિવારમાં શાંતિ આવશે, કાર્યક્ષેત્રમાં શાંતિ આવશે, સમાજમાં શાંતિ આવશે, આપણા મનમાં શાંતિ આવશે અને શાશ્વત શાંતિ તરફ આપણે પ્રયાણ કરી શકીશું. શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના શ્રીચરણોમાં એ જ પ્રાર્થનાઃ ‘હે મા, તમે તમારા પોતાના જીવનમાં તમારા આ અમૂલ્ય ઉપદેશનું આચરણ કરી બતાવ્યું છે કે અન્યના દોષ ન જોવા. પણ તેમ છતાં અમે આ ઉપદેશનું પાલન નથી કરી શકતા. અમને બધી વાતોમાં અન્યનો જ દોષ દેખાય છે, પોતાનો દોષ દેખાતો જ નથી. તેથી જ આટલી બધી અશાંતિ છે. તેથી જ આટલી બધી ઉપાધિ છે, આટલી વિપત્તિ છે. હે મા, તમે જ કૃપા કરો, હે પવિત્રતા સ્વરૂપિણી મા, તમારી પવિત્રતાનો એક છાંટો આપો જેથી અમારું મન પણ પવિત્ર થાય, અમે પણ તમારી જેમ અન્યમાં દોષ જોવાને બદલે તેઓના સદ્‌ગુણ જોઈએ, બધાને ચાહતાં શીખીએ, પોતાનો દોષ જોઈ પોતાને સુધારવાનો પ્રયત્ન કરીએ અને શાંતિ પ્રાપ્ત કરીએ.’

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.