The Complete Works of Swami Vivekananda

Vol. IX, First Edition, Published by Advaita Ashram, 5, Dehi Entally Road, Calcutta 700 014.

Price : Rs. 80 (Deluxe) Rs. 70 (Paperback)

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભારતની અસ્મિતાનો ડંકો વગાડી, પ્રાચીન હિંદુ ધર્મને અર્વાચીન જગતના નકશા ઉપર મૂકી, એ ધર્મમાં નવસંસ્કારનું સિંચન કરી સ્વામી વિવેકાનંદે ૧૮૯૭ના જાન્યુઆરી માસમાં ભારતની ધરતી પર પુનઃ પોતાનો પવિત્ર પગ મૂક્યો. તેને પૂરાં સો વર્ષ થયાં તેની પ્રસાદીરૂપે, ધ કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદના આઠ ભાગનું પ્રકાશન કરનાર, કલકત્તાના અદ્વૈત આશ્રમે, એ ગ્રંથમાળાના મુકુટ જેવો નવમો ભાગ પ્રકાશિત કરી સમગ્ર જગતને મોટા ઋણ હેઠળ મૂકી દીધું છે.

આઠ ખંડ, ૠણ સૂચિઓ અને શબ્દોની સૂચિ સાથેના ૬૦૯ પાનાંના આ અદૂભુત ગ્રંથ માટે, જગત એના પ્રકાશકોનું, અનામી સંપાદકોનું, આભારી છે. એટલું જ આભારી છે – ‘અજાણ શિષ્યા’ – ઍન અનનોન ડિસાઈપલ – નામથી ‘પ્રબુદ્ધ ભારત’માં પોતાની શોધોને અક્ષરદેહ આપના૨ – એનાં દળદાર છ વૉલ્યુમ માટે એ અજાણ શિષ્યાએ પોતાની શોધખોળ માટે કરેલા પ્રવાસો, ફેંદેલાં અસંખ્ય જૂનાં અખબારો અને સામયિકો, ધૂળવાળાં અને જાળાં બાઝેલાં મેડીમાળિયાં – ભંડકિયામાં જઈ કરેલા ખાંખાખોળા પાછળની અનન્ય- સાધારણ જહેમતનો તથા એ જહેમત પ્રેરનાર જેમની ભક્તિનો ખ્યાલ આપે છે તે શ્રીમતી મૅરી લુઈ બર્કનું અને પ્રૉ. શંકરીપ્રસાદ બસુનું.

અત્યાર સુધી અપ્રગટ એવા ૨૨૭ પત્રો પુસ્તકનો પ્રથમ ખંડ છે.

આમાંથી આરંભના છ પત્રો ભારતમાંથી લખાયેલા છે; સ્વામીજી વિશ્વધર્મ પરિષદમાં ગયા એ પહેલાંના સમયના તે પત્રો છે.

સાતમો પત્ર, ૨૧મી નવેમ્બર, ૧૮૯૩નો લખાયેલો પત્ર મિસિસ જ્યોર્જ હેય્‌લને લખાયેલો પહેલો પત્ર છે. કોણ છે આ મિસિસ હેય્‌લ જેમને સ્વામીજી મધર – મા – તરીકે સંબોધન કરે છે અને જેમને સંબોધી લખાયેલા સાઠેક જેટલા પત્રો આ સંગ્રહમાં છે?

કશી જ જાંચ તપાસ કર્યા વિના, પરિષદના પ્રતિનિધિ બનવાની કશી વિધિ કર્યા વિના, કોઈ જ ધર્મસંસ્થાના પ્રતિનિધિત્વ કરવાના અધિકારપત્ર વિના અને, પરિષદના આરંભથી બે માસ પહેલાં શિકાગો પહોંચી, નનૈયો સાંભળી, સ્વામીજી બૉસ્ટન ચાલી ગયા હતા. ત્યાં, હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક પ્રૉ. રાઈટે સ્વામીજીની પ્રતિભા ઓળખી કાઢી હતી – એ ‘અધ્યાપકજી’ને સંબોધીને લખાયેલો એક પત્ર પણ આ સંગ્રહમાં છે. (પત્ર ૪૮, પૃ.૫૨) એમણે સ્વામીજીને માટે વિશ્વધર્મ પરિષદનાં દ્વાર ખુલ્લાં કરી આપ્યાં હતાં. પરિષદના ઉદ્‌ઘાટનની પૂર્વ સંધ્યાએ શિકાગો પાછા આવતાં, પ્રૉ. જૉન રાઈટે એ પરિષદના કોઈ અધિકારી પર આપેલી પરિચયપત્ર સ્વામીજીએ ખોઈ નાખ્યો હતો. રાત વેગનમાં કાઢી, મેલેઘેલે કપડે બીજી સવારે ખૂબ આથડી, થાકી, હારી, માને બધી ચિંતા સોંપી એક ફૂટપાથ પર સ્વામીજી બેસી પડ્યા હતા.

બરાબર એ જ સમયે, સામેના એક વિશાળ ઘરની એક બારી ખૂલી, પછી બારણું ખૂલ્યું અને, આ મિસિઝ હેય્‌લ માને સ્વરૂપે પ્રગટ થયાં. સ્વામીજીને તેમણે પુત્રવત્ જ સાચવ્યા હતા. હેય્‌લ દંપતીની પુત્રીઓ સ્વામીજીની બહેનો બની ગઈ – એમને સંબોધીને પણ કેટલાક પત્રો સ્વામીજીએ લખ્યા છે. (આવા પત્ર સાથે લખી મોકલેલા એક કાવ્યનો અનુવાદ અને તેનો આસ્વાદ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નાં મે ‘૯૭ના અંકમાં પ્રગટ થયેલ છે).

શ્રીમતી હેય્‌લને લખેલા કેટલાક પત્રો કેવળ દોઢ કે બે લીટીના છે તો કેટલાક, પુસ્તકનાં બેઅઢી પાનાં રોકે છે. પારકાને પોતીકાં કરવાની કળામાં સંન્યાસીનો આદર્શ પૂરો પાડનાર સ્વામી વિવેકાનંદ જેટલાં જ શ્રીમતી હેય્‌લ પણ પ્રવીણ છે એ, સ્વામીજીના પત્રોમાં એમને જે જે કામ કરવા કહે છે, જે જાત જાતની સહાય માગે છે તથા જે પુત્ર સહજ પ્રેમાળ હૃદયથી પત્રો લખે છે તે પરથી, એ નારીના હૃદયના ઔદાર્યનો, વત્સલતાનો, નિરભિમાનપણાનો થોડોક ખ્યાલ વાચકને આવે છે.

સિસ્ટર ક્રિસ્ટિન અને સિસ્ટર નિવેદિતા પણ સ્વામીજીની પત્રવર્ષામાં નહાવાનું સદ્ભાગ્ય મેળવનાર બે બીજી પાશ્ચાત્ય મહિલાઓ છે. બંને સ્વામીજીને બોલે પોતાનાં ઘરબાર, દેશવેશધર્મ ત્યજી ભારત ચાલી આવનાર વિદેશી યુવતીઓ છે. આ બંને ભગિનીઓ પરના (સિસ્ટર ક્રિસ્ટિન પર પણ સાઠેક પત્રો અને સિસ્ટર નિવેદિતા પર વીસેક જેટલા પત્રો છે.) પત્રોમાં સ્વામીજી એમના ગુરુ હોવાનો ભાવ ક્યાંય ખંખેરી, માતા અને પિતાની અને મિત્રની હેસિયતથી, કળીમાંથી કુસુમ ઘડતાં સૂર્યકિરણોની નાજુકાઈથી એ બંને બહેનોનું ઘડતર કરે છે, અહીંના તદ્દન ભિન્ન – અને કેટલીક વાર તો વિરોધી – એવા વાતાવરણમાં એમને ગોઠવવામાં સહાયભૂત થાય છે અને એ, બંનેનાં સ્વત્વને વિકસાવે છે.

‘ડિયર મિસ નોબલ’ના તદ્દન ઔપચારિક સંબોધનથી આંરભાઈ, ‘માઈ ડિયર નિવેદિતા’ની આત્મીયતા સુધીનો એ સંબંધનો વિકાસ જોઈ શકાય છે.

બલરામ બસુ પરના કે ખેતડીના મહારાજા પરના પત્રોમાં, કે અન્યત્ર ક્યાંય પણ, સ્વામીજી શિષ્ટાચાર ચૂકતા નથી.

આ બધા પત્રોમાં સ્વામીજીનાં વિવિધ માનસિક વલણો, પરિસ્થિતિ પ્રત્યેની સંન્યાસીની ઉદાસીન વૃત્તિ, નાનામાં નાની બાબત માટે ચીવટ, નાના મોટા અસંખ્ય લોકો પ્રત્યે પ્રેમ, ઊંચી બુદ્ધિમત્તા અને હૃદયની વિશાળતા જોવા મળે છે.

રોમાં રોલાંએ આ બધું વિવેકાનંદ સાહિત્ય વાંચ્યું હોત તો, એમણે લખેલું સ્વામીજીનું ચરિત્ર કેટલું વધારે માર્મિક, હૃદયંગમ અને પ્રભાવશાળી બન્યું હોત?

પ્રવચનો અને વાર્તાલાપોના બીજા વિભાગમાં કેટલીક અદ્‌ભુત પ્રસાદી સાંપડે છે. અગાઉના ‘કમ્પ્લીટ વર્કસ’ના પ્રકાશનમાં, પાતંજલ યોગસૂત્રો તો આવી જતાં હતાં. અહીં, આપણને, મુણ્ડક ઉપનિષદ પર સ્વામીજીનું ભાષ્ય સાંપડે છે.

સને ૧૮૯૬ના જાન્યુઆરીની ૨૯મી તારીખે ન્યુયૉર્કમાં અપાયેલા આ વ્યાખ્યાન પ્રસંગે સ્વામીજીનો જે શ્રોતાવર્ગ હતો તેમને માટે હિંદુ ધર્મ, હિંદુ પરંપરા, હિંદુ દર્શન બધું તદ્દન અજાણ્યું હતું. એ સૌની ખ્રિસ્તી પશ્ચાદ્ભૂને નજર સામે રાખી સ્વામીજીએ શૌનક અને આંગિરસ વચ્ચેના અપરા અને પરા વિદ્યાને લગતા સંવાદને સરળ અને સચોટ રીતે રજૂ કર્યો છે. સ્વામીજીના લઘુલિપિ લેખક ગુડિવનની નોંધો પરથી આ પ્રવચન ઉપલબ્ધ થયું છે.

એ જ સ્થળે ને, કદાચ, એ જ શ્રોતાગણ સમક્ષ ૨૦મી જાન્યુઆરીએ અપાયેલા ભક્તિયોગ પરના પ્રવચનને રમૂજ પડે એવાં દૃષ્ટાંતો વડે સ્વામીજીએ રસાળ બનાવ્યું છે.

-૩-

સ્વામીજીને ગુડવિન સાંપડ્યા તેની પહેલાંના તેમના વાર્તાલાપો અને તેમનાં પ્રવચનો, પૂરાં નહીં તો ટાંચણોના રૂપમાં પણ, આપણને ઉપલબ્ધ બનાવવા માટે આપણે ગાર્ગી – મૅરી લુઈ બર્ક – નાં ઋણી છીએ. એ નોંધો અને ટાંચણો ત્રણ બાબતો પર પ્રકાશ પાડે છે :

૧. ગહનમાં ગહન વિષયને સરળ રીતે અને આકર્ષક બનાવીને રજૂ કરવાની સ્વામીજીની શક્તિ,

૨. એમના શ્રોતાગણની નિષ્ઠા, અને,

૩. એમને માટે તદ્દન અજાણ્યા એવા વિષયો સમજવા માટેની એમની તત્પરતા.

આવી નોંધોનાં કેટલાંક ઉદાહરણો જોઈએ :

– સ્વામીના ગુરુનું નામ હતું રામકૃષ્ણ પરમહંસ

– વિવેકાનંદનો અર્થ વિવેક-આનંદ;

– તમારો ઉર્ધ્વતર આત્મા જ તમારો ગુરુ છે;

– આપણી વર્તમાન ચેતના મનના અનંત સાગરનો એક નાનો ભાગ છે. એ ચેતનાથી મર્યાદિત ન બનો.

– હું નિર્ગુણ અસ્તિત્વ છું.

– હું તે છું. શિવોઽહમ્;

– જ્ઞાની એ છે જે બીજાની મિલકતને નકામી ગણે છે. દરેક સ્ત્રીને પોતાની માતા માને છે;

– શાન્તિ

– બૌદ્ધ પ્રાર્થના :

જગતના બધા સંતોને હું નમું છું.

બધા ધર્મ સંસ્થાપકોને હું નમું છું,

બધા સંતોને અને બધી નારીઓને નમું છું.

જગત પર આવેલા બધા પયગંબરોને હું નમું છું.

(સંઘં શરણં ગચ્છામિ, ઘમ્મં શરણં ગચ્છામિ, બુદ્ધં શરણં ગચ્છામિ-નું આ કેવું સરલીકરણ છે!)

‘ગીતા’ પરનાં પ્રવચનોમાંથી લેવાયેલી નોંધો :

આત્માનો આત્મા તરીકે સાક્ષાત્કાર એટલે ધર્મ.

પ્રત્યેક વ્યક્તિ માને છે કે ‘મારી રીત ઉત્તમ છે.’ એમ જ છે. તમારે માટે એ જ ઉત્તમ છે.

આત્માને આત્મા તરીકે જ ઓળખવો જોઈએ.

કર્મ પ્રકૃતિમાં છે.

દરેક વ્યક્તિ પોતાના સ્વભાવાનુસાર કર્મ કરે છે.

પ્રેમ આપણને બીજાને ધિક્કારતા કરે તો પ્રેમ ન કરવો સારો.

સાચા ધાર્મિક થવું હોય તો, ધાર્મિક દલીલબાજીથી દૂર રહો.

જુગતરામ દવેની ગામઠી ગીતાની યાદ આપે એવાં આ અવતરણો છે.

સ્વામીજીનો શ્રોતાવર્ગ ખ્રિસ્તી ધર્મનો અનુયાયી હતો પણ, એ ધર્મની કેટલીક પાયાની માન્યતાઓ ૫૨, જરૂર પડ્યે, વિવેકાનંદ ઘા પણ કરે છે.

એક ફકરામાંથી બેત્રણ વાક્યોના નમૂના જોઈએ :

ઈસુ ખ્રિસ્ત અમુક સમયે જીવંત હતા તેથી શો ફરક પડે છે? બળતી ઝાડીમાં મુસાએ ભગવાનને જોયા તેથી તમારામાં શો ફરક પડે? તેનો અર્થ એ નથી કે તમે એને જોયા છે. એમ હોય તો, મુસાએ ખાધું તે તમે ખાધા બરાબર છે. તમારે ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

સ્વામીજીના આ શબ્દોના આઘાતને ઝીલી શકે એટલાં એમના શ્રોતાઓનાં મન તૈયાર થઈ ગયાં હશે. સમિત્પાણિ ગયેલું એ શિષ્યવૃંદ છિન્નસંશય બની ગયું હશે એ વિશે શંકા નથી.

ભગિની નિવેદિતાએ ૧૬મી જૂન, ૧૯૦૦ને દિવસે, ન્યુયૉર્કમાં, સ્વામીજીએ લીધેલા ગીતાવર્ગની કેટલીક નોંધ કરી છે તેમાંથી આચમન લઈએ :

ગુસ્સે થયેલા બાળક પ્રત્યે માતાનો પ્રેમ એ અપ્રતિકાર છે. કાયરના મુખમાં કે સિંહની સામે એ વિકૃતિ છે. મહાત્મા ગાંધીના હોય તેવા જ આ શબ્દો છે.

– ૪ –

પછીના વિભાગમાં સ્વામીજીનાં, અત્યાર સુધી અપ્રગટ, ગદ્યપદ્ય લખાણો છે. આ વિભાગમાં સ્વામીજીને અતિ પ્રિય પુસ્તક ‘ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ના કેટલાંક વાક્યો સાથે ભારતીય દાર્શનિક સાહિત્યમાંથી તુલનાત્મક અવતરણો આપી બંને વચ્ચેનું વિચારસામ્ય નિર્દેશ્યું છે તે અને, ભર્તૃહરિના વૈરાગ્યશતકમાંથી કેટલાક શ્લોકોના અંગ્રેજી અનુવાદ છે તે ખાસ ધ્યાન ખેંચે છે. એક સુંદર મૌલિક કાવ્ય પણ છે. વૈરાગ્યશતકના શ્લોકોનો અનુવાદ અદ્‌ભુત છે.

પછીનો વિભાગ સ્વામીજીના વાર્તાલાપોનો અને મુલાકાતોનો છે.

ભગિની નિવેદિતાએ સ્વામીજી સાથેના નિવાસમાં અને પ્રવાસમાં જે કંઈ નોંધો કરી છે તે આ ગ્રંથનાં ૬૨ મૂલ્યવાન પૃષ્ઠોમાં વાંચવા મળે છે.

પછીનાં ૨૭ પૃષ્ઠોમાં સ્વામીજીનાં કથનમૌક્તિકો છે. આ વિભાગમાં એક જ ઉદાહરણ લઈએ! મારી તો કૂતરાની ભક્તિ છે! શા માટે તેમ છે તેયે મારે જાણવું નથી! માત્ર અનુસરવામાં જ મને સંતોષ છે.

આના કરતાં બીજું ઉત્તમ ભક્તિસૂત્ર બીજું ક્યું હશે?

– ૫ –

પુસ્તકનો છેલ્લો વિભાગ, વર્તમાન પત્રોના અહેવાલોનો વિભાગ ખૂબ રંગદર્શી છે અને અનેક બાબતો પર વેધક પ્રકાશ પાડે છે; ગ્રંથના ૮૪ પૃષ્ઠોમાં અમેરિકન અખબારોમાંના અહેવાલો આપવામાં આવ્યા છે, ૧૦ પૃષ્ઠોમાં યુરોપીય – મુખ્યત્વે ઇંગ્લેંડનાં – અખબારો માંના અહેવાલો છે અને, ૨૬ પૃષ્ઠોમાં ભારતીય અખબારોમાંના અહેવાલો છે.

સૌ પ્રથમ આપણી સમક્ષ રજૂ ક૨વામાં આવ્યું છે સ્વામીજીને જગપ્રસિદ્ધ કરનાર, કોલંબસ હૉલના હજારો શ્રોતાઓનાં દિલ જીતી લેનાર, વિશ્વધર્મ પરિષદને પહેલે જ દિવસે, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ, સ્વામીજીએ આપેલું મંગલ પ્રવચન, પણ શિકાગો અને ન્યૂયૉર્ક જેવાં મહાનગરોનાં અખબારો સ્વામીજી વિશે લખે તે, કદાચ, નવાઈ જેવું નથી પરંતુ, ડેસ મોઈનેસ ગામ ત્યારે (૧૮૯૩માં) સાઠ હજારની વસ્તીનું હશે. ત્યાંથી તે સમયે, ત્રણ વર્તમાનપત્રો પ્રગટ થતાં ને, તે ત્રણેયમાં સ્વામીજીએ ત્યાંની ચર્ચામાં કે અન્યત્ર આપેલા વ્યાખ્યાન કે વાર્તાલાપના ઉલ્લેખો છે. વિસ્કોન્સિન યુનિવર્સિટીના ચર્ચમાં આપેલા પ્રવચનની, પોણા કોલમ જેટલી લાંબી નોંધ, પૂરા બે હજાર માણસોની પણ ત્યારે વસતિ નહીં ધરાવતા, મેડિસનના દૈનિક ‘ડેઈલી કાર્ડિનલે’ લીધી છે! આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ ઈ… મોટેભાગે તદ્દન અજાણ એવા ખબરપત્રીઓએ સ્વામી વિવેકાનંદને નોખે નોખે નામે ઓળખાવ્યા છે પણ તેમનાં પ્રવચનોની કે વાર્તાલાપોની જે નોંધો લીધી છે તેમાં સ્વામીજી પ્રત્યે આદર જોવા મળે છે. કેટલીક નોંધો, સ્વાભાવિક રીતે જ, ઉપરછલ્લી છે, ત્યારે કેટલીકમાં -સ્વામીજીનો થોડો પરિચય – હિંદુ સાધુ વ. – છે અને સ્વામીજીના વક્તવ્યને રજૂ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન છે. ડિસેમ્બર ૧૩, ૧૮૯૯ અને જાન્યુઆરી ૩, ૧૯૦૦નાં, લૉસ એન્જલ્સમાં અપાયેલાં બે પ્રવચનોની ‘લૉસ એન્જલ્સ હેરલ્ડ’નામના વર્તમાનપત્રે લીધેલી નોંધ સવિસ્તર છે.

આ બધા અમેરિકન અને ઇંગ્લેંડનાં અખબારો માટે આપણે સૌ શ્રીમતી મૅરી બર્કનાં જ ઋણી છીએ.

ભારતીય અખબારોમાંથી એક માત્ર અંગ્રેજી અખબાર ‘ધ ઇંડિયન મિરરે’ વિશ્વધર્મ પરિષદની નોંધ લીધી જણાય છે ને તે પણ એ પરિષદની પૂર્ણાહુતિ પછી પૂરે બે મહિને ૨૮મી નવેમ્બર, ૧૮૯૩ના અંકમાં. એ વર્તમાન પત્રના અહેવાલોમાં સ્વામીજીએ ખ્રિસ્તી મિશનરી વિરોધી જે પ્રવચનો કરેલાં તેને પ્રસિદ્ધિ આપવાનું વલણ વધારે જણાય છે.

‘અમૃત બઝાર પત્રિકા’માં પ્રગટ થયેલી તા. ૮ જાન્યુઆરી, ૧૮૯૭ની નોંધ ઈંગ્લેંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થી મંડળ, મજલિસની એક ઘટનાની નોંધ લે છે. મજલિસની એ સભા મળી હતી મહાન ક્રિકેટર જામ રણજિતસિંહને તથા અતુલ ચન્દ્ર ચેટર્જીને સન્માનવાને, અને, જાણીને નવાઈ લાગશે કે, સ્વામી વિવેકાનંદ એક વક્તા હતા!

– ૬ –

પુસ્તકને અંતે આપેલી સૂચિઓ સ્વામીજીના પત્રો વિશે અગત્યની માહિતી પૂરી પાડે છે. પત્રોનો સમયાનુક્રમ, પત્રો મેળવનાર વ્યક્તિઓ વિશે માહિતી અને, આ પત્રસાહિત્ય ક્યાંથી ઉપલબ્ધ થયું તે ખૂબ ચીવટ માગી લેતી સંશોધનવૃત્તિનું કાર્ય છે. જે વ્યક્તિએ આ જહેમત ઉઠાવી છે તે, ખરે જ, ધન્યવાદને પાત્ર છે. ગુરુભાઈઓ અને, બલરામ બાબુ જેવા શ્રીરામકૃષ્ણ ભક્તો ઉપરાંત, અમેરિકનો, બ્રિટિશર્સ, ભારતના ભાતભાતના લોકો અને જાપાની વ્યક્તિ પણ છે. આપણે આપણી જ દૃષ્ટિથી જોઈએ તો, સ્વામીજીની પત્રપ્રસાદી મેળવનાર ચાર ગુજરાતી વ્યક્તિઓ છે : લીંબડીના મહારાજા સાહેબ, જૂનાગઢના બાહોશ દિવાન દેસાઈ હરિદાસ વિહારીદાસ, એમના ભત્રીજા દેસાઈ ગિરધરલાલ મંગળદાસ વિહારીદાસ તથા પોરબંદરના વહીવટદાર – ઍડમિનિસ્ટ્રેટર હતા તે શંકર પાંડુરંગ પંડિત. એક સ્થળેથી બીજે ભટકવાની વચ્ચે, વ્યાખ્યાનો, વાર્તાલાપો અને વર્ગોના સખત કાર્યક્રમની વચ્ચે, પાદરીઓ સાથેના વિવાદોના ઘેરાવાની વચ્ચે, ૧૮૮૮માં અકિંચન અવસ્થામાં મઠ છોડ્યો ત્યારથી તે જૂન ૨૧, ૧૯૦૨ ૪થી જુલાઈએ જ સ્વામીજીએ મહાસમાધિ લીધી હતી – સુધીના ગાળામાં લખાયેલા આ પત્રો સ્વામીજીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ રજૂ કરી સ્વામીજીની અદ્‌ભુત મૂર્તિ ખડી કરે છે નિઃસ્પૃહતાની, પ્રેમની, સહનશીલતાની, લાડ કરતા બાળકની, વત્સલ વડીલની, ઘડતર કરતા ગુરુની, સ્નેહાળ ઠપકો આપતા મિત્રની, સક્રિય બનવાને પ્રેરતા કર્મમાર્ગના પયગમ્બરની.

આ અદ્‌ભુત ગ્રંથથી સ્વામી વિવેકાનંદની અનેકમુખી પ્રતિભા અને અનેક લોકોને એમણે દેખાડેલા પ્રકાશના પંથ વિશેની આપણી સમજણ બરાબર સુદૃઢ થાય છે.

શ્રીમતી મૅરી બર્કના, પ્રૉ. શંકરી પ્રરણાદ બસુના અને પ્રકાશકોના આપણે ખૂબ ઋણી છીએ. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ સત્વર મળે એવી પ્રાર્થના.

દુષ્યંત પંડ્યા

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.