કાળે કરી તું મને ભલે અપંગ બનાવે,
પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે.

અપંગ શરીરમાં,
અભંગ અખંડ ચિત્ત,
એ જ મારું સુખ, મારું સર્વસ્વ, મારું સંવિત્ત હશે.

તું મને ભલે અશક્ત બનાવે
કે અસહાયતાનો અનુભવ કરાવે,
પરંતુ એ અશક્તતાને અને અસહાયતાને
ઓળંગી જવાનાં ખુમારી અને ખમીર
મારી કને જ રહેવા દેજે.
એ બળ વડે જ સઘળાં દુઃખોને હું પાર કરી જઈશઃ

હું કોઈ કને કાંઈ યાચું નહીં,
એવાં બુદ્ધિ અને બળ મારી પાસે રહો!
તારી કને પણ હું યાચું નહીં એમ થવા દેજે.
અને છતાં, જો હું તારી કનેથી કાંઈ યાચું,
અને તું મને કશુંક અર્પણ કરે :
તો તે મારી પાત્રતાનું જ પૂર્ણત : પરિણામ હોય,
એવી મારી પ્રાર્થના છે.

તું કાંઈ આપે કે કાંઈ પાછું લે,
એક હાથે આપી બીજે હાથે પાછું લે
એ બન્નેમાં મારો વિરોધ નહીં હોય!
હું તારી એ આદાનપ્રદાનની
લીલાનો લાલાયિત બની ઝૂમતો રહીશ :

મારી સકલ કામનાઓ,
તારામાં જ એકત્વ પામો!
અને તે એક એવા ચરમ બિંદુ પર
ધનીભૂત થઈ આરૂઢ બનો;
કે જ્યાંથી હું ન તારું દૂરત્વ દેખું.
કે ન સામીપ્ય પેખું :

મને તું સદા ચિરયાત્રિક રાખજે.
મારી ઝોળી ક્યારે ભરેલી રહે,
કે ક્યારે ખાલી :
એની રિક્તતાનો વસવસો મને રહેશે નહીં.
કે એની સમરતાનો કરાર મને સ્પર્શશે નહીં!

આ એક જ આશ્વાસન,
અને હૈયાધારણ
આજે તને હું આપવા ચાહું છું.

મારી આ હૈયાધારણ તું સ્વીકારજે મારા દેવ!

(લેખના આગામી તાજેતરમાં થનાર પ્રકાશન ‘પ્રાર્થના પલ્લવી’નો એક પ્રાર્થના અંશ)

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.