એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો.

રસ્તે જતા – આવતા માણસો ઉપર હુમલો કરીને તે તેમને લૂંટી લેતો. અને એ રીતે મળેલા ધનમાંથી તે પોતાનાં માતપિતા, પત્ની તથા બાળકોનું ભરણપોષણ કરતો હતો.

આમ ઘણા વખત સુધી ચાલ્યું. એક દિવસ મહિર્ષ નારદ ત્યાંથી પસાર થતા હતા. તેમની ઉપર પણ એ લૂંટારાએ હુમલો કર્યો.

ઋષિએ લૂંટારાને પૂછ્યું, ‘અલ્યા, તું મને શા માટે લૂંટે છે? માણસોને લૂંટવા અને મારવામાં મહાન પાપ છે. શા માટે તું આટલું બધું પાપ વહોરે છે?’

લૂંટારો બોલ્યો : ‘એમાં શું વાંધો? આ ધન વડે હું મારા કુટુંબનું ગુજરાન ચલાવું છું.’

ઋષિએ વળી પૂછ્યું : ‘તું એમ માને છે કે તારા દ્રવ્યની પેઠે તારા પાપમાં પણ તારા કુટુંબનો ભાગ છે?’

લૂંટારો કહે : ‘જરૂર!’

એટલે ૠષિએ કહ્યું : ‘સારું; તો મને હું અહીં બાંધી રાખ અને ઘેર જઈને તારાં કુટુંબીજનોને પૂછી જો કે જે રીતે તેઓ તારા ધનમાં ભાગીદાર બને છે તે રીતે તારા પાપમાં પણ ભાગીદાર બનશે કે કેમ?’

પછી તે લૂંટારો પોતાના વૃદ્ધ પિતા પાસે ગયો અને તેણે પૂછ્યું ‘પિતાજી, તમારું ભરણપોષણ હું કેવી રીતે કરું છું તે તમે જાણો છો?’

પિતા કહે: ‘ના, જાણતો નથી.’

જુવાને કહ્યું : ‘ત્યારે સાંભળો, હું લૂંટારો છું અને લોકોને મારી નાખીને તેમનું ધન લૂંટી લાવું છું.’

એ સાંભળીને પિતા બોલી ઊઠ્યા : ‘હેં! તું શું આવો ધંધો કરે છે? ચાલ્યો જા, નીચ!’

પછી તે પોતાની માતા પાસે ગયો અને પૂછવા લાગ્યો : ‘મા! હું તમારું ભરણપોષણ કેવી રીતે કરું છું એ તમે જાણો છો?’

માતાએ ના કહી.

પુત્રે કહ્યું : ‘લૂંટ અને હત્યાથી હું તમારું પોષણ કરું છું.’

મા બોલી ઊઠી : ‘કેવું ભયંકર!’

દીકરાએ પૂછ્યું : ‘પણ મારા પાપમાં તમારો ભાગ તો ખરો ને!’

મા કહે : ‘હું શું કામ ભાગ લઉં? મેં કોઈ દિવસ લૂંટ કરી નથી. જે કરે તે ભરે!’

પછી તે લૂંટારાએ પોતાની પત્નીને પૂછ્યું : ‘તને ખબર છે કે હું કઈ રીતે તારું ભરણપોષણ કરું છું?’

પત્નીએ કહ્યું : ‘ના.’

તેણે સમજાવ્યું : ‘તો જો; હું લૂંટારો છું અને વરસોથી આ ધંધો કરીને તમને સૌને નભાવું છું. હવે હું એ જાણવા માગું છું કે મારા પાપમાં તું ભાગ લેવા તૈયાર છે કે નહીં!’

પત્નીએ ચોખ્ખું સંભળાવી દીધું : ‘ના; કોઈ રીતે નહીં! તમે મારા પતિ છો, એટલે મારું ગુજરાન ચલાવવાની તો તમારી ફરજ છે.’

આ બધી વાતચીત પછી લૂંટારાની આંખ ખૂલી ગઈ : ‘જગતનો આ જ નિયમ લાગે છે. જે મારાં નજીકમાં નજીકનાં સગાંઓને માટે હું લૂંટફાટ કરું છું, તેઓ પણ મારા પાપમાં તો ભાગ લેશે જ નહિ!’

નારદ ઋષિને જ્યાં બાંધ્યા હતા તે સ્થળે લૂંટારો પાછો ફર્યો; તેમને બંધનમુક્ત કર્યા. તેમને પગે પડીને સઘળી હકીકત કહી સંભળાવી. લૂંટારાએ દીન સ્વરે કહ્યું; ‘મહારાજ, મારો ઉદ્ધાર કરો! આપ કહો, હવે હું શું કરું?’

ઋષિએ કહ્યું : ‘જીવનનો આ માર્ગ તું છોડી દે. તેં જોયું ને કે તારા કુટુંબમાંથી કોઈને પણ તારા તરફ સાચો પ્રેમ છે જ નહિ. માટે આ બધી ભ્રમણાઓ છોડી દે. તેઓ તારી સુખસંપત્તિમાં ભાગ પડાવશે. પણ જ્યારે તારી પાસે કંઈ નહીં રહે ત્યારે તને તજી દેશે. તારા પાપમાં ભાગ લેનાર કોઈ નથી, પણ તારા પુણ્યમાં સહુ કોઈ ભાગ પડાવશે. માટે આપણે પુણ્ય કરીએ કે પાપ કરીએ, છતાં જે એકલો જ આપણી પડખે ઊભો રહે છે, તે ઈશ્વરની ભક્તિ કર. તે આપણને કદીય છોડતો નથી.’

ઋષિએ તેને ઈશ્વરની ભક્તિ કેમ કરવી એ શીખવ્યું. પછી એ યુવાન બધું જ છોડી દઈને વનમાં ચાલ્યો ગયો. ત્યાં તે પ્રાર્થના અને ધ્યાનમાં લાગી ગયો. એમ કરવામાં તે પોતાની જાતને પણ ભૂલી ગયો, તે એટલે સુધી કે આજુબાજુ ઊધઈઓએ રાફડાઓ જમાવ્યા તો પણ તેને એનું ભાન રહ્યું નહીં.

ઘણાં વર્ષો પછી એક વાર આકાશવાણી થઈ : ‘હે ઋષિ! જાગો.’ પણ જાગ્રત થયા પછી તે બોલી ઊઠ્યો : ‘હું ઋષિ? હું તો લૂંટા૨ો છું!’ ઉત્તર મળ્યો : ‘હવે તું લૂંટારો રહ્યો નથી. તું હવે એક પવિત્ર ઋષિ બની ગયો છે. તારું જૂનું નામ નાશ પામ્યું છે. તારું ધ્યાન એટલું બધું ઊંડું, ગંભીર અને ઉચ્ચ કોટિનું હતું કે તારી આસપાસ ઊધઈના રાફડા (વલ્મિક) જામ્યા, તેનુંય તને ભાન ન રહ્યું. એટલે હવેથી તારું નામ જેનો ઊધઈના રાફડામાં – વલ્મિકમાં જન્મ થયો છે તે, એટલે કે ‘વાલ્મીકિ’ રહેશે.’

આમ, એ લૂંટારો એક મહાન ઋષિ બની ગયો.

(‘ચાલો સાંભળીએ, સ્વામીજી વાર્તા કહે છે’માંથી સાભાર)

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.