એક પ્રાર્થના છે :

‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા છે.’

જેમણે ઈશ્વરને ઓળખ્યા હોય એ પરમ સંતોષી બની જાય અને એમની સામે બધાં ધન દોલત ધૂળ. પ્રભુના પ્યારાને કામિની- કાંચનનો મોહ ન હોય. ઈશ્વરનાં જ્ઞાન-દર્શને આ મોહની કાંચળી ઉતારી નાખી હોય છે. આવા વૈરાગી નિર્મોહી જ પ્રભુપ્રેમના અધિકારી બની શકે.

શીખ શિરોમણિ ગુરુ ગોવિંદસિંહ ધર્મોપદેશ આપતા આપતા અને તીર્થાટન કરતા કરતા યમુનાના કિનારે બેઠા હતા. એમને ત્યાં આવેલા જોઈને એમનો એક શ્રદ્ધાળુ ભક્ત યમુના કિનારે આવ્યો અને ગુરુ સાથે થોડી હરિચર્ચા કરી. અંતે પ્રણામ કરીને ગોવિંદસિંહજીના ચરણમાં સોનાનાં બે કંગન મૂક્યાં અને બોલ્યો, ‘હે મહારાજ! આપના ભક્તની આ એક ભાવભેટ સ્વીકારો.’ ગુરુએ એક કંગન હાથમાં લીધું. તેના પર હાથ ફેરવવા લાગ્યા. ધનવાન ભક્તની નજર ત્યાં જ મંડાણી હતી. થોડી વારમાં ભક્તે જોયું તો ગુરુ જે કંગન પર હાથ ફેરવતા હતા તે ઓચિંતાનુ યમુનાના વહેતા નીરમાં પડી ગયું. ગુરુ ગોવિંદસિંહ તો નિશ્ચલ રહ્યા. પણ પેલો ધનવાન તો ખાબક્યો યમુનામાં. કંગન શોધવા પ્રયત્ન કર્યો પણ પાણીમાં ક્યાંય મળે નહીં. ભક્ત તો આકુળવ્યાકુળ બનીને ‘કંગન ક્યાં ગયું? ક્યાં ગયું?’ના જપ જપે છે. ભક્તની વિહ્વળતા જોઈને ગુરુ ગોવિંદસિંહે બીજું કંગન પણ નદીમાં ફેંકતાં કહ્યું, ‘ભાઈ, તું એને એ બાજુ નિરર્થક શોધે છે. એ તો એ તરફ જ પડ્યું છે.’ પેલો ધનિક તો એના તરફ તાકી જ રહ્યો. એને ગુરુનું આ વર્તન વિચિત્ર લાગ્યું. એ કંઈ બોલવા જતો હતો ત્યાં જ ગુરુ ગોવિંદસિંહે કહ્યું, ‘જો ભાઈ, સોનું, ચાંદી, રૂપિયા પૈસાનો મોહ ન રાખવો. એ માનવનું અધ:પતન નોતરે છે અને પ્રભુના પ્રેમથી દૂર રાખે છે. જેમણે પ્રભુની નજીક પહોંચવું હોય એમણે આ મોહ જતો કરવો જ રહ્યો.’

‘તમે મને ભલે એ કંગન પ્રેમપૂર્વક, ભક્તિભાવથી આપ્યાં હોય પણ મારે તો એ માટીતૂલ્ય જ હતાં એટલે તો એને નદીમાં વહાવી દીધાં.’ આ સાંભળીને પેલા ધનિક શિષ્યનું માથું શરમથી ઝૂકી ગયું. તેને આજે નિર્મોહની સાચી સમજણ પડી. એનું પણ ભાન થયું કે મોહી, લોભી એવા મેં સોનાના કંગનનું પ્રલોભન આપીને ગુરુના દિલને કેટલું દુ:ખ પહોંચાડ્યું! ગુરુ ગોવિંદસિંહની વૈરાગ્યવૃત્તિ, ત્યાગવૃત્તિ જોઈને એ એમનાં ચરણમાં પડી ગયો.

નિર્મોહી વૈરાગી બનીને જ સાચા વૈષ્ણવજન બની શકાય અને ત્યારે ઈશ્વરનાં દ્વાર ખૂલી જ જાય.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.