રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તા.૭ અને ૮ ફેબ્રુઆરી ’૯૮ના રોજ યોજાયેલા ઐતિહાસિક ભક્ત-સંમેલનનો રસપ્રદ અહેવાલ રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સનિર્મલાનંદજી પ્રસ્તુત કરે છે. – સં.

૭-૮ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠની પવિત્ર ભૂમિ પર મળેલ ૧૨૦૦૦ ભક્તોનું સંમેલન એટલે દ્વૈત કે અદ્વૈત, ભક્ત કે કર્મયોગી કે જ્ઞાનયોગી સૌ કોઇએ સ્વામી વિવેકાનંદની વિચારસરણી અને આદર્શોને સાકાર કરવાની કરેલ અનુભૂતિ માટેનું સુભગ મિલન. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-ધારાને વરેલ આ ભક્ત-સંમેલન વિવિધ ધર્મ-શ્રદ્ધાવાળા ભક્તોનું- અનુયાયીઓનું કોઇ સામાજિક મિલન કે ભોજન-મિલન ન હતું. અહીં તો ચર્ચા હતી તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક્તા, ધર્મ અને સર્વધર્મ સમભાવની, શિવજ્ઞાને જીવ સેવાની. એનો અર્થ એ છે કે સર્વધર્મ સમભાવના શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદે આપેલા સંદેશના મૂળિયાં આ દેશમાં અને અન્ય સ્થળે ઊંડા ને ઊંડા ઊતરી રહ્યાં છે. ધીમે ધીમે ભેદભાવને બદલે સમભાવ ભર્યો અભેદભાવ વિકસતો જાય છે. આ સંમેલનમાં દશ હજારની સંખ્યા નિશ્ચિત થઇ હતી પણ ભક્તોની જિજ્ઞાસા- આતુરતાને લીધે આ સંખ્યા બાર હજારથી ય વધુ થઇ ગઇ. બેલુર મઠની પાવનકારી ભૂમિ પર યોજાયેલા આ સંમેલનના બહારના પ્રતિનિધિઓના ઉતારાની વ્યવસ્થા યુવા ભારતી સ્ટેડિયમ, સૉલ્ટ લેઇક, કલકત્તામાં કરવામાં આવી હતી.

૭ ફેબ્રુઆરી-૧૯૯૮ના સવારના ૯ વાગ્યે બ્રહ્મચારીઓ માટેના ‘તાલીમ કેન્દ્ર’ના બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારો સાથે આ ભક્ત-સંમેલનનો મંગલ પ્રારંભ થયો. આ સંમેલનના કન્વિનર શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યું : “આ માત્ર ભક્તોનો મેળાવડો નથી પરંતુ સંન્યાસી હોય કે ભક્ત-સૌ રામકૃષ્ણ દેવનાં સંતાનોનું – શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવ-ધારાને વરેલાં કુટુંબીજનોનું ભાવમિલન છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, સ્વામી શિવાનંદજી મહારાજ જેવા તપસ્વી અને સર્વોચ્ચ સત્યસિદ્ધિને પામનાર મહાત્માઓની આ તપોભૂમિ છે.” એમણે શ્રીરામકૃષ્ણ અને શ્રી શ્રીમા શારદાદેવીના ભક્ત સંતાનોનું સ્વાગત કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાના પ્રારંભિક અને આશીર્વાદ સંભાષણમાં જણાવ્યું: “રામકૃષ્ણ મિશન તો શ્રીરામકૃષ્ણદેવની આસપાસ થોડા ભક્તોનું વૃન્દ એકઠું થવા લાગ્યું ત્યારથી જ પ્રારંભાયું હતું. આ કેન્દ્ર – બીજાણુ ધીમે ધીમે આખા વિશ્વમાં વ્યાપી ગયેલું – આજે એક મહાન વટવૃક્ષ બની ગયું છે. એમણે વિવિધ સમયે વિવિધ દર્શનો – ધર્મદર્શનો સાકાર કરી આપ્યાં. આ અસામાન્ય માનવી પાસે નવયુગના વિધાયકની શક્તિ હતી. અહીં આપણે બધાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામીજીને આપણાં ભાવભર્યાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા એકઠાં થયાં છીએ. શ્રીરામકૃષ્ણદેવે નવયુગ, સત્યયુગનો પ્રારંભ કર્યો છે. સામાજિક, નૈતિક, સત્યાસત્યવિવેક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં આવેલી ઉત્ક્રાંતિએ માનવજાતની ઉત્ક્રાન્તિ પણ આરંભી દીધી છે. જ્યારે શ્રીરામકૃષ્ણદેવનો પ્રાદુર્ભાવ થયો ત્યારે આવી અદ્ભુત પરિવર્તનની કલ્પના યે કોણે કરી હશે? આપણે શ્રીરામકૃષ્ણદેવના સૂચિતાર્થો – સંકેતોને પૂરેપૂરા સમજી શક્યા નથી. તેઓ ભાવિની શ્રેષ્ઠ સંભાવનાઓ સાથે પ્રાચીન ભારતનાં ઉમદા આધ્યાત્મિક તત્ત્વોને રજૂ કરનાર એક નવા તેજસ્વી તારક સમાન હતા.” આ ભક્ત- સંમેલનની સાર્વત્રિક સફળતા વાંચ્છીને તેમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું. ત્યાર બાદ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના સંદેશનું વાચન થયું હતું. તેમણે જણાવ્યું: “રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓના સંચાલનમાં ગૃહસ્થભક્તો ઘણા મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. ભૌતિક વિજ્ઞાનની સાથે ઘણી સમસ્યાઓ પણ જન્મી છે. બધા ભક્તજનો આ અનિષ્ટોનો સામનો કરે – તેનું નિવારણ શોધે – એ આવશ્યક છે.” રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ સંમેલનમાં ચર્ચાનાર વિષયોની યાદ આપતાં પોતાના ઉદ્‌ઘાટન વક્તવ્યમાં કહ્યું : “દિવ્યતામાં ઓગળી જનાર, પ્રભુના ગુણો પ્રતિબિંબિત કરનાર ભક્ત એ સાચો અનુયાયી છે. ગીતાના ઉપદેશને અનુસરીને શ્રીરામકૃષ્ણદેવના સંદેશમાં પોતાની જાતને ઝબોળી દેનાર એમના ભક્ત છે. માત્ર થોડી આર્થિક સહાય કે સેવા કાર્ય જ માટે પૂરતાં નથી, પણ જરૂરી છે એમના આધ્યાત્મિક આદર્શોને હૃદયમાં ઉતારવા. આપણે ગૃહસ્થ હોઇએ કે સંન્યાસી, સ્ત્રી હોઇએ કે પુરુષ અને ગમે તે સ્થાને હોઇએ પણ સૌ ભક્તોએ આદર્શ જીવન જીવવું જોઇએ.”

પોતાના આભારદર્શન પ્રવચનમાં શ્રીરામકૃષ્ણ સંઘના જનરલ સૅક્રૅટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે જણાવ્યું : “બધાં રાષ્ટ્રોમાંથી આવેલાં ભાઇ-બહેનોના પિતા છે શ્રી ઠાકુર, માતા છે શ્રી શ્રીમા શારદાદેવી.” આ સંમેલનને સાકાર બનાવવામાં સહાયક બનનાર સૌનો એમણે આભાર માન્યો હતો.

પહેલા દિવસના બીજા સત્રનો પ્રારંભ સ્વામી અનિમેષાનંદજીના સૂરીલા કંઠે ગવાયેલા ભજનથી થયો. સ્વામી પ્રભાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ દેવના આદર્શ અને રામકૃષ્ણ મિશન’ – વિશે પોતાનું મુખ્ય વક્તવ્ય આપતાં કહ્યું : “સ્વામીજીએ મિશનની સ્થાપના વિશે વિચાર્યું ત્યારે તેમના આ વિચારો અને શ્રીરામકૃષ્ણદેવના જીવન સંદેશ વચ્ચે મેળ ખાય છે કે કેમ તે વિશે દ્વિધા હતી. એ વિશે મિશનની સ્થાપનાની વિરુદ્ધમાં અને તરફેણમાં ચર્ચાઓ – દલીલો પણ થયાં, પણ અંતે બધાંને એ સત્ય સમજાયું કે સ્વામીજી અને શ્રીરામકૃષ્ણદેવના સંદેશ – આદર્શો એક જ હતા. ‘મિશન’ શબ્દ સાથે જોડાયેલ સંકુચિત ધર્મઝનૂન કે ધર્મપરિવર્તનની વાત આપણા મિશન સાથે નથી. અહીં તો છે સર્વધર્મનો સ્વીકાર અને સર્વધર્મ સમભાવ.” શ્રીરામકૃષ્ણદેવે શ્રેષ્ઠ બુદ્ધિપ્રતિભાઓને કેવી રીતે આકર્ષી હતી અને બધા એમના વ્યક્તિત્વ પર કેવા વારી ગયા હતા તેની વાત પણ તેમણે કરી. અને તેમણે યાદ દેવડાવ્યું કે મહામના ઇશરવૂડે એમના વિશે લખ્યું છે : “પોતાની ૧૨ વર્ષની સાધના દ્વારા એમણે જે સત્ય શોધ્યાં તે વિશ્વના મહત્તમ કલ્યાણ માટેનાં સાધન બન્યાં છે. અંદર અંદર ઝઘડતા ધર્મોને એમણે સર્વધર્મ સમભાવના તંતુએ જોડીને અશક્ય કાર્યને શક્ય કર્યું છે. લોક હૃદયમાં શ્રીરામકૃષ્ણ એક વ્યક્તિ તરીકે ઊભરી રહ્યા છે – તે જ રીતે શ્રીરામકૃષ્ણ એક અધ્યાત્મ વિચારસરણીરૂપે વિસ્તરી રહ્યા છે. આવી ઉત્ક્રાંતિ, ઉદારચિત્તની સર્વગ્રાહી દૃષ્ટિ અને વિશાળદૃષ્ટિને આભારી છે.”

આઇ.આઇ.ટી. મદ્રાસના ભૂતપૂર્વ નિયામક ડૉ. ઍન.વી.સી. સ્વામીએ કહ્યું : “(૧) શ્રીરામકૃષ્ણનો, અભિનવ સંદેશ: શિવજ્ઞાને જીવસેવા (૨) નરેન્દ્રનાથના પિતાના અવસાન પછી પરિવારની દારુણ દશા (૩) ભારતના દરિદ્રદેવ, અજ્ઞદેવ, દલિતદેવ, પતિતદેવોની સેવા માટે હું વારંવાર જન્મવા તૈયાર છું – એવી સ્વામીજીની ઘોષણા. (૪) ભારત પરિભ્રમણ દરમિયાન એમણે જોયેલ દેશની દારુણ દશા અને ભારતના પુનરુદ્ધાર માટે સંન્યાસીની નવી દૃષ્ટિ – આ સૌ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’-ના આદર્શ સાથે રામકૃષ્ણ મિશનની સ્થાપના પાછળના મુખ્ય પ્રસંગો હતા. રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ તો થઇ રહેશે કારણ એને માટે ઘણી સંસ્થાઓ છે – પણ નિઃસ્વાર્થ સેવાભાવનાયુક્ત કર્મયોગીઓની આજે જરૂર છે. મિશનને પણ આવા કર્મયોગીઓ પૂરતા પ્રમાણમાં સાંપડતા નથી.

બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના સંપાદક સ્વામી પૂર્ણાત્માનંદજીએ કહ્યું : “સ્વામીજીએ કહ્યું હતું, સંન્યાસી સંઘને ક્રાંતિકારી બનાવીશ અને એમણે એ જ કર્યું. મિશન વિશેના વિચારો માટે બે શંકાઓ હતી :

(૧) શ્રીરામકૃષ્ણદેવના સંદેશ સાથે આનો મેળ નથી.

(૨) સ્વામીજી પર પશ્ચિમની જબરી અસર હતી.

પણ સ્વામીજીએ બધાને નિઃશંક બનાવ્યા. શ્રી શ્રીમાએ પણ સ્વામીજીનું સમર્થન કર્યું. કેટલાક માનતા કે મિશનના વિચારો પર ખ્રિસ્તી ધર્મની અસર છે પણ ખ્રિસ્તી ધર્મના ચાહક સ્વામીજીએ આ વિચારો લીધા બુદ્ધની કરુણા અને શ્રીકૃષ્ણના નિષ્કામ કર્મયોગમાંથી.”

પોતાના પ્રભાવક વક્તવ્યમાં રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ સ્વામી શ્રીધરાનંદજીએ કહ્યું : “૧. સંકલ્પના અને પ્રજ્ઞાના ક્ષેત્ર, ૨. વ્યહવારુ વિનિયોગના ક્ષેત્ર – આ બે-એક સદી પછી પણ રામકૃષ્ણ મિશનના સિદ્ધાંતો રહ્યા છે. શું કરવું અને શું ત્યજવું – ની વાત ઇતિહાસે આપણને શીખવી છે. એ વાત સ્મૃતિમાં રહે કે ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ વણવાપરી પડી છે – એને લીધે આપણી અધોગતિ થઇ છે, એટલે જ સ્વામીજીએ મિશનની સ્થાપના કરી. એની પાછળની પૂર્વધારણા એ હતી કે નજીકના ભવિષ્યમાં ભારત પોતાની જે ગૌરવ-ગરિમા પાછી મેળવશે તે ભૂતકાળની ભવ્યતા કરતાં ય મહાન હશે. એની આગળ વૈદિક સમય પણ ઝાંખો લાગશે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘આધ્યાત્મિકતાને માનસશાસ્ત્રીય કે ભૌતિક કે કોઇ ક્ષેત્રીય મર્યાદા નથી હોતી.’ કોઇ પણ ધર્મ આધ્યાત્મિકતાની સિદ્ધિનો માર્ગ ધરાવે છે. આ ભાવ આંદોલન જેનું તાત્ત્વિક દૃષ્ટિકોણ – પાસું છે : ‘જેટલા મત તેટલા પથ’ – વિધ વિધ સાધના દ્વારા અંતે એક ઇશ્વરને – પામવાના ધ્યેય સુધી પહોંચવાનું છે.” બીકાનેરના શ્રી મહાદેવ આચાર્યે પણ આ જ વાત કરી, આ સમારંભના અધ્યક્ષ – માનવહક્ક કમિશનના ચૅરમૅન જસ્ટિસ વેંકટ ચાલીહાએ કહ્યું : “અભ્યુદય અને નિઃશ્રેયસ્ આ અવિસ્મરણીય આદર્શોને તેમજ શ્રીરામકૃષ્ણના સંદેશને – ‘બહુજન હિતાય – બહુજન સુખાય’ – શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા જીવનના આચરણમાં મુકાય છે.” સમારંભના અંતે ભોજન વિરામ બાદ કલકત્તાના શ્રીરામકુમાર ચૅટરજીના ભાવભર્યા ભજન સંગીતનો કાર્યક્રમ સૌએ માણ્યો.

અલાહાબાદ હાઇકૉર્ટના ન્યાયમૂર્તિ શ્રી પુલક બસુએ ‘રામકૃષ્ણ મિશનના આદર્શોની અભિવૃદ્ધિમાં ભક્તજનોનું કર્તવ્ય’ – એ વિષય માટેની ચર્ચા માટે સાંજના સમારંભમાં મિશનના પ્રારંભકાળનાં વર્ષો અને આજના વિકાસની વાત કરતાં સ્વામીજીના કેટલાક જીવન પ્રસંગોને લાગણી સભર ભાષામાં રજૂ કરતાં કહ્યું : “લોકો અને એમાંય ભક્તજનો તો આધિ વ્યાધિ લઇને આવે છે એટલે સંન્યાસીઓ એવું ઔષધ આપે કે એ બધાં આધ્યાત્મિક રીતે સુદૃઢ બને.” રામકૃષ્ણ મિશન, ચેરાપુંજીના વડા સ્વામી વિશ્વનાથાનંદજીએ કહ્યું : “શ્રી રામકૃષ્ણ મિશનના વિકાસમાં ભક્તજનોનું પ્રદાન ઘણું મહત્ત્વનું છે. શ્રીરામકૃષ્ણદેવનું જીવન માનવનાં ભૌતિક – માનસિક અને આધ્યાત્મિક – આ ત્રણેય મંગલ – કલ્યાણ સાધવા માટે હતું. શ્રીરામકૃષ્ણના આદર્શ મુજબ ભક્તોએ જીવન જીવવું જોઇએ. તેઓ વૈશ્વિક અને સાર્વત્રિક ચૈતન્યરૂપ હતા. ધર્મ અને યોગનો સુમેળ એમણે સાધ્યો. શ્રી રામકૃષ્ણદેવે આદર્શો આપ્યા અને સ્વામીજીએ તેમનું આચરણ શીખવાડ્યું. એમનું હૃદય ગરીબો માટે દ્રવી ઊઠ્યું. ભક્તોએ સ્વામીજીની આ ભાવનાને સાકાર કરવી જોઇએ.” સેવા રુરલ, ઝઘડિયાના મૅનૅજિંગ ટ્રસ્ટી ડૉ. શ્રીમતી લત્તાબહેન દેસાઇએ પોતાના રોમાંચક અને બુદ્ધિપ્રધાન વક્તવ્યમાં રામકૃષ્ણ મિશનમાં કામ કરવા ભક્તજનોને સાત આદર્શો આપ્યા :

(૧) સ્વામીજીના આદર્શ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સેવા સમર્પણ
(૨) સાધુઓની ઊણપને કારણે ભક્તજનો ખાનગી કેન્દ્રોમાં કામ કરે.
(૩) ગૃહસ્થનાં બાળકો સંન્યાસીઓ સાથે સેવા પ્રવૃત્તિઓ કરે.
(૪) ગરીબ ભક્તો ભાવપ્રસાર કરે.
(૫) શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો ભેટ-સોગાદરૂપે આપવાં.
(૬) આદર્શ અને આચરણ વચ્ચે પરિણામની ખાઇને દૂર કરવા ચારિત્ર્ય ઘડતર – માનવ ઘડતર આવશ્યક છે, સદાચરણથી આપણે આપણાં બાળકોના આદર્શ બનીએ.
(૭) માબાપ પોતાનાં સંતાનોનો આદર્શ બને અને સંન્યાસી જીવન ગાળવા પ્રોત્સાહિત કરે.

અલાહાબાદ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજીએ મિશનને પંચવટીનું રૂપક આપતાં કહ્યું : આ પંચવટીનાં પાંચ વૃક્ષ છે :

૧. ઇશ્વર સત્ય છે અને તેનો સાક્ષાત્કાર શક્ય છે.
૨. ઇશ્વર એક પણ અનુભૂતિના પથ અનેક
૩. સર્વમાં શિવ છે એટલે શિવજ્ઞાને જીવસેવા એ જ પ્રભુપૂજા
૪. માતૃત્વના આદર્શ – સ્ત્રીઓનું સન્માન
૫. જાતિ-સંપ્રદાય-જ્ઞાતિના ભેદભાવનું નિર્મૂલન

શ્રીમતી દેવજાની દાસગુપ્તાએ જણાવ્યું કે શ્રી રામકૃષ્ણદેવ પાસે નરેન્દ્રનાથના આગમનની સાથે જ મિશન શરૂ થયું.

આ સત્રના અંતે સ્વામી ભાસ્કરાનંદજીએ ભક્તો કેવી રીતે સંન્યાસીઓને સહાયરૂપ થઇ શકે તે વિષે બોલતાં કહ્યું : “મિશન વિશે નિરર્થક આક્ષેપો થાય ત્યારે તેમણે ભલમનસાઇ અને ઉમદાપણા સાથે લોકોને લેખો લખીને સમજાવવા જોઇએ. આ માટે પત્રિકાનું સંચાલન પણ કરી શકાય. ભક્ત ઓછામાં ઓછા એક ગરીબ ભાઇ અને એક ગરીબ બહેનને ભણાવે. ભક્તજનો દહેજપ્રથાથી દૂર રહે.”

સત્રના અંતે સિતારવાદનના નિષ્ણાત યુવાન સંગીતકાર નિલાદ્રિકુમારના સિતારવાદનનો મનહર – મનભર કાર્યક્રમ સૌ ભક્તોએ માણ્યો હતો.

ડૉ. કરણ સિંહના અધ્યક્ષસ્થાને બીજા દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ બંગાળી ગીતથી થયો. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું : “આપણે ક્યારે આદર્શની શોધ કરીએ છીએ? જીવનની સમસ્યાઓથી મૂંઝાઇ જઇએ કે મૃત્યુ નજીક હોય ત્યારે. આપણો ઉચ્ચ આદર્શ છે આત્મજાગૃતિ – ઇશ્વરપ્રાપ્તિ. લોકો ઇશ્વરને અનેક નામે ઓળખે છે. શંકરાચાર્યે જ્ઞાનરૂપે અને બુદ્ધે નિર્વાણરૂપે એમને ઓળખ્યા. પરંતુ શ્રીરામકૃષ્ણદેવે આ બધાં સત્યોને, ઇશ્વરની અનુભૂતિઓને, એકી સાથે સાધી બતાવી. સાર્વત્રિકતા, સાર્વભૌમિકતા – એ એમની અનન્યતા છે. અહીં ક્યાંય વાડાબંધી નહોતી તેમનામાં કશું ય ખંડનાત્મક નથી, બધું વિધેયાત્મક છે. નરેન્દ્રમાં – સ્વામીજીમાં એમણે એમનું શ્રેષ્ઠ શિષ્યત્વ જોયું અને એ જ પોતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે એવી એમને ખાતરી હતી. પછી દિવ્યમાતા શ્રી શ્રીમા શારદાદેવી બને છે ભલમનસાઇ અને ઉદારતાનાં પ્રતીક. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજી ઇચ્છતા હતા કે ભક્તોએ આ સર્વોચ્ચ સત્ય પ્રાપ્તિ માટે ‘કરેંગે યા મરેંગે’ની લગની લગાડવી જોઇએ. સ્વામીજીની ઘોષણા પ્રમાણે ભારતમાં આવા અનેક વિવેકાનંદ જન્મશે. એમનું વચન સિદ્ધ થયા વિના રહેશે નહિ.”

રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી સ્વામી સુહિતાનંદજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું : “સંતાનો, સમાજ, વ્યવસાયકાર્ય – વગેરેની સમસ્યાઓ તો આવતી જ રહેશે, પણ આનો સામનો કરવો જરૂરી છે – દરેક ક્ષેત્રમાં આપણી પ્રામાણિકતા અને એકનિષ્ઠાની જરૂર છે.” તેમણે ત્રણેય પ્રકારના ભક્તોની વાત કરતાં કહ્યું : “પહેલા પ્રકારના ભક્તો માત્ર ભૌતિક લાભની જ અપેક્ષા રાખે છે. બીજા પ્રકારના સાચા ભક્તો અનુભૂતિ જ ચાહે છે – તેઓ ભલું કરતા રહે છે – પણ એમનું ધ્યેય છે અનુભૂતિ. ત્રીજા પ્રકારના ભક્તજનો સેવક બનીને – ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ના સ્વામીજીએ આપેલા આદર્શને અનુસરે છે – અને બીજાને પણ તે માર્ગે લઇ જાય છે. અહીં આવેલાં બધાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના ભક્ત અને સેવક છે.

ત્યાર બાદ ધર્મસંસ્કૃતિના પ્રખર અને વિદ્વાન વક્તા – ચૅરમૅન ડૉ. શ્રી કરણસિંહે પોતાના વક્તવ્યમાં કહ્યું: “રામકૃષ્ણ મિશન આ યુગની આવશ્યકતા અને પરિપૂર્ણતા છે. ભારતના નવજાગરણના અને તેના પ્રતિસાદના દીર્ઘકાલીન ઇતિહાસમાં આ એક ગૌરવમય અધ્યાય છે – ભારતીય સંસ્કૃતિનું સમગ્ર અવલોકન કરીએ તો તેમાં પડકારોની હારમાળા જ દેખાશે. પણ જ્યારે જ્યારે આવા પડકારો આવ્યા છે ત્યારે તેની સામેના પ્રતિસાદ – પ્રતિક્રિયા રચનાત્મક, વિધેયાત્મક અને ઉત્કૃષ્ટ રહ્યાં છે. સ્વામી વિવેકાનંદ દ્વારા મિશનની સ્થાપના એ અદ્યતન રચનાત્મક પ્રતિસાદ છે. રામકૃષ્ણ મિશને છેલ્લાં સો વર્ષમાં સમગ્ર વિશ્વમાં અદ્ભુત સેવા કાર્ય કર્યું છે.” વેદાન્ત વિશે બોલતાં : (૧) સમગ્ર બ્રહ્માંડમાં રહેલી ભીતરની એક્તા – સર્વની અંદર એક જ બ્રહ્મ આત્મા છે. (૨) સર્વમાં એક જ ઇશ્વરનું અસ્તિત્વ છે. આપણે બધાં એક જ છીએ. એને લીધે આવતા પરસ્પરના સદ્ભાવ – સન્માન – અને એનાથી નીપજતી સેવા ભાવના (૩) વસુધૈવ કુટુમ્બકમ્ – ની ભાવના – તેમણે વેદાન્તના આ ત્રણ મહાન આદર્શ – આંતરદૃષ્ટિની વાત કરી હતી. તેમણે કહ્યું કે, “આ સિદ્ધાંતોનું અનુસરણ બંધ થતાં ભારતનાં બે હજાર વર્ષના ઇતિહાસમાં પ્રાચીન પરંપરાવાળા નિરાળા ચારિત્ર્ય – વ્યક્તિત્વને ઘણું નુકસાન થયું છે. થોડા આક્રમણખોરોએ કરેલા મંદિરોનો વિધ્વંશ આનું ઉદાહરણ છે. એટલે આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લેવો આવશ્યક છે. આપણા લોકોને જ ઇશ્વર માનીને એની સેવામાં લાગીને આપણે આ વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવીએ અને આપણને અને રાષ્ટ્રને મહાન બનાવીએ.” આ સાથે પ્રથમ સત્ર પૂરું થયું.

ત્રીજું સત્ર શ્રી શ્રીમા શારદાદેવીને સમર્પિત હતું અને ચર્ચાનો વિષય હતો “શ્રી શ્રીમા અને તેમનો આધુનિક વિશ્વને સંદેશ.” રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રના વડા સ્વામી ગોકુલાનંદજીએ પોતાના પ્રધાન વક્તવ્યમાં કહ્યું : “શ્રી શ્રીમા સૌ કોઇના આદર્શ છે. એમના સિવાય શ્રીરામકૃષ્ણદેવ એક ઉત્કૃષ્ટ આદર્શમૂર્તિ જ રહ્યા હોત. મા તો આ જગતમાં જીવ્યાં છે જગતના લોકો માટે અને લોકોમાં જીવ્યાં છે.” બ્રૅબ્રૉર્ન કૉલેજ, કલકત્તાના ડૉ. વંદિતા ભટ્ટાચાર્યે કહ્યું : “વીસમી સદીમાં બધાંનો આદર્શ બનીને શ્રી શ્રીમાએ – નિરીક્ષર માએ ત્યાગ, સેવા, જ્ઞાન, કરુણા, સમર્પણ અને નિઃસ્વાર્થ પ્રેમના આદર્શ આપણને આપ્યા છે. આજના વિશ્વમાં પ્રેમનો અભાવ – દુષ્કાળ એ જ સમસ્યા છે ત્યારે શ્રી શ્રીમાના આદર્શોની આજે જરૂર છે.” અલાહાબાદ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રૉ. ડૉ. કું. રાજલક્ષ્મીએ કહ્યું : ‘શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ ધર્મ વિશે જે કાંઇ બોલ્યા તેનું પ્રત્યક્ષ પ્રગટીકરણ એટલે શ્રી શ્રીમાનું જીવન. સ્વામીજી જેવા ય માને બહુ થોડું સમજી શક્યા. શ્રી શ્રીમાને આપણે ત્રિવેણી સાથે સરખાવી શકીએ. ત્રિવેણીમાં ગંગા એટલે શ્રી શ્રીમાનું મૂર્તિમંત પ્રેમરૂપ, યમુના એટલે એમનું સેવાનું મૂર્તિમંત સ્વરૂપ અને જ્ઞાનનું મૂર્તિમંત રૂપ એટલે સરસ્વતી. આ બધું સમજવું આપણા માટે દુષ્કર છે. રામકૃષ્ણ સંઘ પણ એમની સંકલ્પના – વિચારનું પરિણામ છે. શ્રી શ્રીમા આજના યુગનો સાચો આદર્શ છે. રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી સ્વામી શ્રીકરાનંદજીએ પોતાના વક્તવ્યમાં ‘મા’ વિશે કહ્યું : “શ્રી શ્રીમા પાસે દિવ્ય પ્રકૃતિ અને માનવીય – દુન્વયી પ્રકૃતિ બંને હતાં. આપણે અપનાવીએ શ્રી શ્રીમાના બે ગુણી – સાદગી અને નિર્મલ – નિષ્પાપ કૃષ્ટિ. એમનામાં રહેલા – વિવેક – વૈરાગ્ય જીવનમાં સત્ય અને અગત્યનું શું છે – પ્રભુપ્રીતિ કે દુન્વયી સુખો – એ સમજાવે છે. એમની પવિત્ર જીવન દૃષ્ટિ આપણને બીજાનો દોષ ન જોવા કહે છે.”

સવારના સત્રના છેલ્લા વક્તા વિવેકાનંદ કેન્દ્ર – વૈદિક વિઝન ફાઉન્ડેશન’ ના ડૉ. લક્ષ્મી કુમારીએ જણાવ્યું : “આપણે મહાન ઉચ્ચ આદર્શોના આપનારની મૂર્તિપૂજા કરીને એમના આદર્શોને ભૂલી જઇએ છીએ. એ જ આપણી મોટી અને ગંભીર ખામી છે. સમાજમાં અનેક સમસ્યાઓ છે અને સમાજ વિશે બધા ફરિયાદો કરે છે કારણ સ્ત્રીઓ ઘરમાં ગોંધાઇ રહે છે અને ‘મા’ દુઃખી છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવું જ રહ્યું. તો જ વિકાસની આગેકૂચ શક્ય બનશે. એટલે જ ઘરને સ્વચ્છ રાખનારી અને પવિત્ર રાખનારી નારી દ્વારા જ સુધારણાની કાર્ય યોજના આવવી જોઇએ. શ્રી શ્રીમા નારીના આધ્યાત્મિક આદર્શનું શ્રેષ્ઠ દૃષ્ટાંત હતાં. એમના ઉચ્ચગ્રાહી જીવન દ્વારા નારીત્વના શ્રેષ્ઠ અને પવિત્ર પુષ્પ પરાગ આજે આખા વિશ્વમાં સ્ત્રીઓ દ્વારા પ્રસરી રહ્યાં છે. શ્રી શ્રીમાના જીવનમાંથી – ભેદભાવમાંથી – મુક્તિનો મંત્ર આપણને મળે છે. ‘મારા’ – ‘તારા’ને બદલે ‘આપણા’ની ભાવના સાથે હજારો હજારો દુઃખી ભાંડુઓની વહારે થવાની શીખ શ્રી શ્રીમા આપે છે. તમારાં ઘર સ્વચ્છ – પવિત્ર રાખો અને સાત્ત્વિક્તા અપનાવો. તમારી આજુબાજુમાં અજવાળું પાથરો. વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં ન જાય પણ ઘરમાં જ તેમની સેવા કરો.” આ સાથે બીજા દિવસનું સવારનું સત્ર પૂરું થયું.

ભોજન વિરામ બાદ સ્વામી પુરુષોત્તમાનંદજી અને સ્વામી સર્વગાનાનંદજીનાં ભજનોનો દિવ્ય આનંદ સૌ ભક્તજનોએ માણ્યો.

ભક્ત-સંમેલનના અંતિમ સત્રના અધ્યક્ષસ્થાને શ્રીરામકૃષ્ણ – મઠ – મિશનના ઉપાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ હતા. ચર્ચાનો વિષય હતો : ‘જીવન પ્રણાલિ રૂપે સર્વ સેવા’ – રામકૃષ્ણ મિશનના આસિ. સૅક્રેટરી સ્વામી ભજનાનંદજીએ પોતાના પ્રારંભિક વક્તવ્યમાં જણાવ્યુંઃ “સેવા-જીવન ગાળવા સૌ પ્રથમ જરૂર છે સેવાની વિશાળ સંકલ્પનાની. સેવા એટલે સ્થૂળ વસ્તુનું વિતરણ નથી, પણ એમાં પ્રેમ, કરુણા અને સ્નેહલાગણી આપવાનાં છે. ભૂખ્યા વિશ્વને પ્રેમ એક અદ્ભુત ભેટ છે. શ્રેષ્ઠ સેવા એટલે આધ્યાત્મિક સેવા – માર્ગદર્શન છે. બીજી આવશ્યકતા છે અધ્યાત્મ જીવન એટલે જીવનના અસલ સ્વરૂપને ઓળખવું. સમર્પણ -ત્યાગ – ભાવનાના આધાર પર આપણું જીવન છે. એટલે આપણે અન્ય માટે ત્યાગ – બલિદાન આપવાં જોઇએ. સાધુઓ આને ‘યજ્ઞ’ કહે છે. બુદ્ધે આપણને – ‘ધર્મચક્ર પરિવર્તન’ – નો સંદેશો આપ્યો છે, તો સ્વામીજીએ ‘યજ્ઞ- ચક્ર પરિવર્તન’ – નો આદર્શ સંદેશો આપ્યો છે. આ સેવા ચક્ર દીર્ઘ સમય સુધી ચાલતું રહેશે. સેવા જીવન માટે ત્રીજી આવશ્ક્યતા છે. સેવાને જીવનરીતિ, જીવન-પ્રણાલિ બનાવવાની, સેવા યોગ સાધવાની, મનને – વલણોને – સેવાની કેળવણી આપવાથી એટલે સેવાયોગ સાધવાથી આપણું સંયમશીલ મન પ્રભુ પરાયણ બને છે. સ્વામીજીએ આપણને બે પ્રકારના કર્મયોગની વાત કરી છે : (૧) ઇશ્વરને મૂર્તરૂપે માનનાર કર્મયોગી પોતાનું સર્વસ્વ એને અર્પણ કરે છે અને ભજે છે. (૨) ઇશ્વરને સૂક્ષ્મરૂપે ભજતો કર્મયોગી એટલે જ્ઞાનયોગી.” અલાહાબાદ યુનિ.ના શ્રીમતી શૈલ પાંડેયે કહ્યું : “જ્ઞાન, ભક્તિ, યોગ, ઇશ્વર તરફ દોરી જાય છે. હવે નવો પથ – ‘સેવા યોગ’ છે. એના દ્વારા મનની પવિત્રતા અને ઇશ્વરાનુભૂતિ મળે છે. આ પથને શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીએ જીવી બતાવ્યો છે.” કલ્યાણી યુનિ.ના ઉપકુલપતિ શ્રી બસુદેવ બર્મને કહ્યું : “યોગ્ય શિક્ષણના અભાવે આજે નૈતિક – સંસ્કૃતિ મૂલ્યોનો અભાવ વર્તાય છે. આ સાચા શિક્ષણ દ્વારા સત્ય, નિઃસ્વાર્થ ભાવના, પવિત્રતા, નિષ્ઠા જેવાં ઉદાત્ત જીવનમૂલ્યોની જીવનમાં વૃદ્ધિ થાય એ આવશ્યક છે. વરિષ્ઠોની સહાયથી, આજના વિદ્યાર્થીઓ અને લોકો એકબીજાને ચાહે અને સન્માને તેમજ અન્યના ક્લ્યાણનો વિચાર કરતા થાય – એવું વાતાવરણ જરૂરી છે.

ભારતીય વિદ્યા ભવનના શ્રી ઍસ. રામકૃષ્ણને કહ્યું : નવભારતના અનન્ય અને વિલક્ષણ મહાપુરુષ શ્રીરામકૃષ્ણે આપણને સેવાનો મંત્ર આપ્યો છે – નદી અને વૃક્ષની જેમ નિઃસ્વાર્થ – મૂક સેવા કરો અને સેવામાં સમર્પણભાવ રાખો. રામકૃષ્ણ મઠ – મિશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ પોતાનાં પ્રવચનમાં પ્રાચીન શાસ્ત્રોના ઉદ્ધરણો ટાંકીને કહ્યું : “માત્ર મંદિરમાં જ પ્રભુ પૂજા એ નિમ્ન પ્રકારની પૂજા છે. દરેક જીવમાં શિવ છે. વેદાન્તની આ વાતને છેલ્લાં હજાર વર્ષથી આપણે હૃદયમાં ન ઉતારી. એ કાર્ય કર્યું – શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદે – શિવજ્ઞાને જીવસેવાનો આદર્શ ફરીથી લોક હૃદયમાં મૂકીને. માનવજાતિની આ દિવ્ય ગુણસંપત્તિ પોતાનાં સત્તા – નિયમમાં રાખે તેવી છે, એનામાં અદ્ભુત સર્જન શક્તિ છે. જીવવિજ્ઞાન પણ માનવની આ વિલક્ષણ શક્તિની વાત કરે છે. સ્વામીજીએ પણ કહ્યું : ઓછામાં ઓછાં આ ૫૦ વર્ષ સુધી તમારી આસપાસ રહેલાં – હરતાં ફરતાં કરોડો માનવભાંડુને જ તમારા ઇશ્વર માનો – તો જ રાષ્ટ્રનો પુનરુદ્ધાર થશે. આજની વિષમ પરિસ્થિતિ તો અલ્પ સમયની છે. શ્રીકૃષ્ણે ગીતા કહી ત્યારે અર્જુન અને સંજય જ હતા પણ તેથી શું? આજે આખું વિશ્વ ગીતાના સંદેશને જાણે છે. આવી જ વાત છે શ્રીરામકૃષ્ણના જીવન સંદેશની. આખું વિશ્વ તેમના સંદેશને પોતાના કલ્યાણ માટે પણ ઝીલશે.”

પોતાના સમાપન અને આશીર્વચન સંભાષણમાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણભાવ આંદોલનમાં – સંઘમાં સેવાના આદર્શના મૂળસ્રોત અને તેના વિકાસ – અભિવૃદ્ધિ વિશે લંબાણપૂર્વક વાત કરતાં કહ્યું : “સ્વામીજી તો સમાધિભાવમાં જ લીન રહેવા માગતા હતા પરંતુ શ્રીરામકૃષ્ણદેવે એમને ઠપકારીને કહ્યું : ‘નરેન, તારે તો એક વિશાળ વટવૃક્ષ બનવાનું છે જેના આશ્રય તળે માનવજાત સુખ – સાંત્વના મેળવી શકે.’ આપણે પણ જે કંઇ કરીએ તે બધું આ જ સેવા અને સમર્પણભાવથી કરવું જોઇએ. સ્વામીજી કહેતા : ‘બધામાં રહેલા જીવની જે સેવા કરે છે તે જ સાચા ભક્તજનનો સર્વોત્કૃષ્ટ – આદર્શ છે.’ એ જ ‘ધર્મનું આચરણ’ છે. ગીતામાં પણ આ જ આદર્શની વાત છે.’ – ‘શિવજ્ઞાને જીવ સેવા’ એ કંઇ નવો આદર્શ નથી પણ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીએ આ આદર્શને આધુનિક પરિભાષામાં આપણી સમક્ષ મૂક્યો છે. આપણાં સૌ ભાઇ ભાંડુઓમાં ઇશ્વરને જોવાનો જ્ઞાનપ્રકાશ આપણી ભીતર પાથરવો રહ્યો. એનાથી આ જગત રહેવા માટે વધારે સારું જગત બનશે. બધાં ભક્તજનો આ ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને સાથે રાખી અહીંથી જશે – અને તેનું સંનિષ્ઠ આચરણ કરશે.”

સમાપન સત્રના અંતે સ્વામી સ્મરણાનંદજી મહારાજે આભારવિધિ પૂર્ણ કરી. આ ભક્ત-સંમેલનમાં મળેલું આદર્શનું ભાથું લઇને ભક્તજનોએ પવિત્ર બેલુર મઠમાંથી પ્રસ્થાન કર્યું. એમને મળેલા આદર્શો દ્વારા ભક્તજનો વિશ્વ કલ્યાણ માટે તેમજ રાષ્ટ્રના પુર્નઘડતર માટે કાર્યરત રહેશે. સમાપન સમારંભ પછી ઉસ્તાદ અમઝદઅલી ખાનના શાસ્ત્રીય સંગીતનો દિવ્ય આનંદ સૌ ભક્તજનોએ મન ભરીને માણ્યો હતો.

અંગ્રેજીમાંથી ભાષાંતર : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.