સારા માટે કહો કે નરસા માટે કહો, આપણી પ્રાણદાયક શક્તિ તો આપણા ધર્મમાં જ કેન્દ્રિત થઇને રહે છે. તમે એમાં ફેરફાર કરી શકવાના નથી. એનો નાશ કરીને એને સ્થાને બીજું કંઇ સ્થાપી શકવાના નથી. વિશાળ વિકસિત વૃક્ષને તમે એક ભૂમિમાંથી ઊખેડીને બીજી ભૂમિમાં રોપી ફરી ઊછેરી શકવાના નથી. પછી એ તરત જ ત્યાં એના મૂળ ફરી પ્રસારે એવું બની શકતું નથી. સારું હોય કે ખરાબ પણ ધર્મમય જીવનનો આદર્શ તો ભારતવર્ષમાં હજારો વર્ષથી વહેતો આવ્યો છે. સાચું હોય કે ખોટું પણ ભારતવર્ષનું વાતાવરણ ધર્મના આદર્શોથી કેટલીયે ઉજ્જ્વલ શતાબ્દીઓથી સભર રહ્યું છે; આપણે સૌ ધર્મના આદર્શોને ગળથૂથીમાંથી જ પીને ઊછર્યા છીએ, એટલું જ નહિ, એ આદર્શો આપણાં લોહી સાથે ભળી એકરૂપ થઇ આપણી શિરાઓમાં પ્રતિપળ ધબકી રહ્યા છે, આપણા સ્વભાવરૂપ બની રહ્યા છે. આવા ધર્મને તમે એટલી જ પ્રબળ પ્રતિક્રિયા ઉપજાવ્યા વિના, એ મહાન નદીના પ્રચંડ સ્રોતે હજારો વર્ષ દરમિયાન, કોરી કાઢેલા વહનમાર્ગને રુંધી દીધા વિના, શી રીતે તરછોડી શકવાના હતા? શું તમે એમ ઇચ્છો છો કે ગંગા એના હિમાચ્છાદિત ઉદ્ભવસ્થાને પાછી વળીને નવી રીતે વહેવાનું શરૂ કરે? ગંગાના સંબંધમાં એમ થવું કદાચ શક્ય હોય તો પણ આ દેશને માટે તો ધર્મમય જીવન માટેની એની સ્વાભાવિક કૃતનિશ્ચયતા ને હિંમત છોડી દઇને રાજકારણની કે એવી જ કોઇ બીજી પ્રવૃત્તિને અપનાવવાનું તદ્દન અશક્ય છે. ઓછામાં ઓછા વિરોધનો નિયમ પ્રવર્તતો હોય ત્યાં જ તમે કાર્ય કરી શકો, અને ભારતના ધર્મના ક્ષેત્રમાં ઓછામાં ઓછો વિરોધ નડે છે. ભારતમાં તો ધર્મ માર્ગને અનુસરવો એમાં જ જીવન રહ્યું છે, વિકાસ રહ્યો છે; પરમ શ્રેય પણ એમાં જ રહ્યું છે.

જો કોઇ રાષ્ટ્ર પોતાના જીવનને માટે પ્રાણદાયક બની રહેલા સત્ત્વને, શતાબ્દીઓથી અપનાવેલા માર્ગને છોડી દેવાના પ્રયત્નમાં કદાચ સફળ નીવડે, તો એનો વિનાશ જ થાય અને એથી જ જો તમે ધર્મને ફગાવી દઇને રાજકીય સત્તા કે સમાજ કે એવા કશાકને રાષ્ટ્રજીવનનાં પ્રાણરૂપ સત્ત્વ તરીકે સ્થાપવાના પ્રયત્નમાં સફળ થશો, તો પરિણામે સર્વનાશને આવકારવા જેવું જ એ લેખાશે. એને છોડી દેશો કે તરત જ મોત આવીને ઊભું રહેશે. જે ઘડીએ તમે સંજીવની ધારાથી વિમુખ થશો તે જ ઘડીએ તમા૨ો સર્વનાશ થશે, મૃત્યુ સિવાય એનું બીજું કશું પરિણામ નહિ આવે. કેવળ ધર્મ જ ભારતનું પ્રાણરૂપ તત્ત્વ છે અને એ જ્યારે ચાલ્યું જશે ત્યારે ભારતવર્ષને એની રાજનીતિ કે સામાજિક સુધારણા જીવાડી શકશે નહિ – પછી ભલે ને એના પ્રત્યેક સંતાન પર કુબેરની સંપત્તિનો વરસાદ વરસતો હોય. એથી હું એમ નથી કહેવા માગતો કે રાજકીય અથવા સામાજિક સુધારણાની આવશ્યકતા નથી. હું તો એટલું જ કહેવા માગું છું, ને તમને પણ સદા યાદ રાખવાનું કહું છું કે એ બધું આપણા દેશમાં ગૌણ સ્થાને છે. પ્રધાન સ્થાને તો કેવળ ધર્મ જ છે.

– સ્વામી વિવેકાનંદ

(‘આપણા હાથમાં ભારતનું ભાવિ’ પૃ. સંઃ ૭ થી ૯)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.