(૧)

જ્યાં જ્યાં જાઉં, ત્યાં તું મારી સાથે ને સાથે ;
જનમાં, વનમાં, રમણભ્રમણમાં તું મારે માથે.

વીસરી જાઉં કદી તને કે ધરું પંથ અવળો ;
પણ તું મુજને કરી મૂકતો સરખો ને સવળો,

કોક અગોચર ખૂણેથી તું નિત્ય મને બોલાવે,
ગાવા ના ચાહું તોયે તું મુજ પાસે ગવરાવે.

સૂર નવા મુજ કંઠે – ગાને તું જ મૂકે પ્યારા?
તારી બંસીના સ્વરમાં હું સૂર લહું ન્યારા.

ભાસે છે સૂર જે મારો, તે અસલ સૂર તારો,
કરી મૂકશે ગગનતણો તવ કો ઝિલમિલ તારો?

(૨)

જ્યાં જ્યાં હું જાઉં ત્યાં તું તો સાથે ને સાથે;
તારા વરદ હસ્તની છાયા-માયા મમ માથે .

પદે પદે, પ્રતિ પળે પળે, પ્રત્યેક અરે! શ્વાસે;
ડગમગ ડગલું માંડું મારું, અપૂર્વ તુજ વિશ્વાસે.

મારી આંખમહીં અવલોકું ક્યારે તુજ આંખો;
મારી પાંખમહીં માણું તવ વીંઝાતી પાંખો .

મનહર મૂર્તિ રચતી તારી, મમ પ્રાણે પ્યારી;
અદ્ભુત, સુંદર, અપલક નયને નિરખું હું ન્યારી?

ચિદાકાશમય, ચિદાનંદમય, ચિન્મય ચિનગારી,
કર્યો ધન્ય તેં! બન્યો ધન્ય હું એકલ અલગારી!

– રતુભાઈ દેસાઈ

(આગામી પ્રકાશન ‘પ્રાર્થના પલ્લવી’ના બે કાવ્યઅંશો)

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.