સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે : “ઇ.સ.૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોમાં પ્રગટ થતાં દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા… અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.” પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં.

ફલપ્રાપ્તિ થતાં ફૂલો એની મેળે ખરી જતાં;
એમ કર્મો ખરી જાય પ્રભુનું ફળ બેસતાં; ૬૭૮

પ્રભુની પદપ્રાપ્તિના કૈં કર્મો છે પ્રવર્તક,
સાધક, સિદ્ધ સિદ્ધિના, વળી તેમાંયે સિદ્ધ જે ૬૭૯

હજી માર્ગ ચઢે યાત્રી તેને જાણો પ્રવર્તક
પૂજા કર્માદિમાં મગ્ન તેને સાધક જાણવા; ૬૮૦

ઈશનું જ્ઞાન છે જેને તે છે સિદ્ધ જીવો, અને
મગ્ન જે પ્રભુના પ્રેમે પ્રકાર સિદ્ધસિદ્ધનો ૬૮૧

પ્રભુપ્રાપ્તિ તણા પાંચ ભાવો સાધકને કહ્યા;
શાન્ત, દાસ્ય અને સખ્ય, વાત્સલ્ય તેમ માધુરી, ૬૮૨

ૠષિનો શાન્ત ને દાસ્ય હનુમાન તણો અને
સખ્ય ભાવ સુદામાનો, યશોદા ભાવ વત્સલ ૬૮૩

માધુર્યભાવ રાધાનો, રાધાની રસમાધુરી
એમાં પૂર્વે ગણાવ્યા જે તે ચારેય ગુણો રહ્યા; ૬૮૪

સ્થૂલનેત્રે નહીં દૃશ્ય ઇશ્વર, પ્રેમનેત્રથી
તે છે દૃશ્ય અને શ્રાવ્ય – ભોગ્ય તે પ્રેમદેહથી; ૬૮૫

સર્વત્ર ઇશને ભાળે વ્યસની ઇશભોગના
મદ્ય પીધેલ તો ભાળે દિશા ચારે પીળીપીળી; ૬૮૬

સતત ચિંતને તેનું ચિત્ત ચિન્મય; જેમ કે
દીપ જોઇ – મીંચો નેત્રો તો યે દીપ જ દૃશ્ય છે; ૬૮૭

વિદ્યા વિદ્યા ઊભે તો યે આધાર આદ્યશક્તિનો
કાંતા કાંચનમાં એક પ્રેરે – બીજી પ્રભુભણી; ૬૮૮

પૂર્ણ બ્રહ્મતણા વૃક્ષે ફળોની લૂમ લાગતી,
દાખવી પાર્થને જેવી કૃષ્ણની – તેવી બીજીયે; ૬૮૯

ચોમાસે પૃથ્વી પે સ્પંદે કેવું જીવન જીવન!
એમ ચૈતન્યથી ઓહો કેવું સ્પંદી રહ્યું જગત! ૬૯૦

ગીતાનું એક તાત્પર્ય તાગી છે, તાગ કાઢવો;
અનિત્ય માત્ર વસ્તુનો ત્યાગ – ગીતાર્થ એટલો; ૬૯૧

સત્યે નિશ્ચલ રહેવાથી – દૃઢ સત્યે પ્રતિષ્ઠિત
ઇશને પામતો જીવ; સત્ તે સત્યથી પામવું ૬૯૨

બધું યે બ્રહ્મ, વસ્તુમાં ઓછુંવત્તું રહે; દ્યુતિ
ભૂ ગ્રસે, વાર ઝીલે ને પરાવર્તતું દર્પણ; ૬૯૩

ભક્તો ત્રેધા વદે બ્રહ્મ : અધમ, દૂર દૂર કહે;
મધ્યમ, પ્રાણીમાત્રે કહે; ઉત્તમ, એક એ જ કહે; ૬૯૪

‘તું છે ને બધું તારું’ – એમ કહેનાર જ્ઞાનવાન
“હું જ મારું જ આ સંધુ’ કહેનારો સાવ અજ્ઞ છે ૬૯૫

“ત્યાં છે. ઈશ’ કહેનારો – દૂરે દાખવનાર તે
અહીં છે; ‘આ રહ્યો – અતર્યામી” કહે તે જ જ્ઞાની છે; ૬૯૬

ચમત્કાર અને સિદ્ધિ શું છે? કેવળ આડ છે,
આરપાર જતો યોગી કેવળ આગળ આગળ; ૬૯૭

બ્રહ્મ આકાશના જેવું નિર્વિકાર નિરાકૃતિ
અગ્નિનો કોઈ ના વર્ણ – વર્ણ તો હવિ કારણે; ૬૯૮

બ્રહ્મ તો ત્રિગુણાતીત – આનંદરૂપ કેવલ
એ પામ્યે ના રહે વાણી – મધુરાત્રે રતિ યથા ૬૯૯

ક્યારેક ભોગ વચ્ચે આ રહે વાણી અધૂકડી
યથા ઊકળતાં ધીમાં તતડે કાચી પૂરી કૈં: ૭૦૦

સંસાર સંચારે સાર્થ, પ્રભુભક્તિ ય સંભવે
જેમ કો ભાડભુંજાની નારી ડાંગર ખાંડતી; ૭૦૧

ચલાવતી ઢીંકણી એક પાયથી
ને હાથથી એક અખંડ સેરવ્યે
જતી જ એ ડાંગર ખાંડણીમાં
ધવરાવતી અન્ય કરે સ્વ ડિમ્ભને
સ્તને લઈ; કોક ઘરાક આવતાં
તેનીય સંગે વળી જાય વાતમાં,
સોદો કરે આ સઘળી જ વેળા,
ચાલ્યા કરે ઢીંકણી તો ધબાધબ; ૭૦૨

અભ્યાસે જ બન્ને શક્ય – અભ્યાસ એ જ સાધના
સર્વ કાર્યોમહીં તો ય ઉચ્ચાવચ્ચ ઘટે ક્રમ; ૭૦૩

મુખ્યત્વ તો ઢીંકણીને ચલાવવી,
વા વાગી બેસે કરમાં પ્રમાદથી
ને ગૌણવૃત્તિ ધવરાવવે શિશુ
જે વિકસે, એમ જ સાધનાક્રમ
મુખ્યત્વથી ઈશનું કેન્દ્ર ચિત્તમાં,
સંસારમાં ગૌણપણે જ વૃત્તિ હો
ઈશપ્રમાદે બધું ધૂળધાણી તો
સંસારમાં ઈશ મળ્યા પછી ભલું;
અગ્નિ તણી વાત કર્યાથી શું વળે?
ના વાતથી ભાત પકાવી કો શકે;
જો ભાત રાંધી જમવો જ છે તો;
પેટાવવો અગ્નિ પડે કાષ્ટમાં; ૭૦૪

ભાંગ ભાંગ બરાડ્યાથી ચઢે ના ભાંગનો નશો,
ભાંગ પીવી પડે પોતે ઈશનું જ્ઞાન ભોગ છે; ૭૦૫

જ્ઞાનવંત અહો બ્રહ્મ – બ્રહ્માંડોનો અધિપતિ
નિયંતાની વ્યવસ્થામાં પૂરો પૂર્વવિચાર છે; ૭૦૬

ઠંડા ધ્રુવપ્રદેશોમાં સમુદ્રો જાય જ્યાં ઠરી
ત્યારે યે માછલી આદિ જીવોને રક્ષી એ લિયે; ૭૦૭

ઠંડીથી થીજતાં વારિ હિમનાં પડ જામતાં
હિમ જે લઘુ પાણીથી સપાટીયે તર્યા કરે ૭૦૮

આવાં હિમપડો નીચે પાણી રહેતાં હૂંફાળવાં,
વસી પાણી વિશે આવાં મત્સ્યો જીવ ટકાવતાં; ૭૦૯

આવી ઝીણી વ્યવસ્થાનો વ્યવસ્થાપક દીસતો
પૂરો દક્ષ અને પ્રાજ્ઞ; અવિચાર્યું કશું નથી; ૭૧૦

આવા દક્ષ નિયંતાનું માત્ર જ્ઞાન નિરર્થક,
પામવો જોઈએ બ્રહ્મ – અનુભૂતિ જ સૌખ્યદ ૭૧૧

એને વાદ બધું સોંપી એને જ શરણે જવું
અનુભાવ્ય જ એ રૂંરૂં બ્રહ્મત્વ શ્રેષ્ઠ ભોગ છે; ૭૧૨

બે ભેદ ભક્તિ કેરા છે – બિલ્લીવત્ કપિવત્ તથા
કપિમા વળગે બચ્ચુ બીજે માની જ કાળજી ૭૧૩

આ માયાપૂર્ણ સંસારે નીરક્ષીર વિવેકથી
પરમહંસ પીએ છે ક્ષીર – તેથી જ હંસ તે; ૭૧૪

સચ્ચિદાનંદ છે બ્રહ્મ, જગત્ જીવથી ના જુદો,
બ્રહ્મથી સંભવ્યા એ બે – બન્નેમાં એ જ વ્યાપ્ત છે; ૭૧૫

તત્ત્વો, તમામ આકારો પ્રલયે લય પામતાં
નવી સૃષ્ટિ સમે બીજો એનાં એ ફરી વિસ્તરે; ૭૧૬

યોગી જીવ જરા જુદો, બ્રહ્મમાં જ ભળી જતો
પરમાત્માપદ પામ્યે તે પાછો ના’વે ભવાબ્ધિમાં; ૭૧૭

ફૂલનું ઝાડ આખું યે એક તોરો પ્રભુપદે
દેખાય, પછી તો શાને ફૂલ એક્કેય ચૂંટવું? ૭૧૮

મનુષ્ય માત્રમાં લાગે બ્રહ્મ કેરું જ નર્તન,
જન્મમૃત્યુ તરંગોમાં જળે ફૂટત – તૂટતા; ૭૧૯

માયાથી બ્રહ્મના ભેદ કોથી પાર પમાય ના
ભલભલા ભીષ્મના જેવા એમાં મૂઢમતિ હતા; ૭૨૦

તેથી તો કૃષ્ણને પૂછે બાણશય્યા સૂતાં સૂતાં
પાંડવો દુઃખ પામે કાં, તમે છો ધર્મ, ધર્મ છે છતાં? ૭૨૧

હું જાણું વેદનો શુદ્ધ આત્મા તો મેરુવત્ સ્થિર,
નિર્લેપ પાર દ્વંદ્વોથી, તેની માયા જ ગૂંચવે; ૭૨૨

વેદ વેદાન્ત છે શાસ્ત્રો, શાસ્ત્રમાત્રથી ઈશ ના,
શાસ્ત્રાન્તે સાધના કાર્ય – ઈશ તે કાર્યથી મળે; ૭૨૩

પાઠથી મનન શ્રેષ્ઠ, મનનથી અનુભૂતિ
સાધુ ગુરુમુખે તત્ત્વ લાગલું ચિત્તમાં ઠ૨ે; ૭૨૪

સાક્ષાત્કાર શ્રુતિથીયે શ્રેષ્ઠ; સાક્ષાત્કૃતિ થકી
શમે સંદેહ – મિથ્યા છે શાસ્ત્રો – ભક્તિ વિના શુચિ; ૭૨૫

આનંદ ત્રિપ્રકારે છે; વિષયાનંદ ભક્તિનો;
બ્રહ્માનંદ ત્રીજો, બ્રહ્માનંદી જીવો સદા છૂટાઃ ૭૨૬

માનસ જ્યાં લય પામે છે તે છે સ્થાન સમાધિનું
નિર્વિકલ્પ સમાધિમાં અહંભાવ રહે નહીં : ૭૨૭

ભક્તિયોગે અહંભાવ રહે થોડો સમાધિમાં
સવિકલ્પ રહે ભૌક્તા જીવ એવાં સ્વરૂપનો ૭૨૮

બ્રહ્મ કલ્પતરુ – તેની નીચે ઊભો રહી જીવ
વ્યાકુળો માગશે જે જે મળે તેને અવશ્ય તે; ૭૨૯

હું તો માનું છું બન્ને ને સત્ય : નિત્યઅનિત્યને
બન્ને હાથ ઊંચા મારા – ક્યાંયે ચોરીછુપી નથી; ૭૩૦

બેઉ હાથ કરી ઊંચા નાચવું પ્રભુ સન્મુખ,
કશું સંતાડવું નાહીં, નહીં લજ્જા, નહીં ભય; ૭૩૧

હનુમાન સમી ભક્તિ, હનુમાન સમો અહમ્
સેવ્ય સેવકના ભાવે આદર્શ હનુમાનનો; ૭૩૨

હનુમાને કહ્યુ જેમ “કદી રામ, મને થતું
તમે છો પૂર્ણ ને હું છું એક અંશ જ આપનો”; ૭૩૩

કદીક થાય છે. એમ “તમે સેવ્ય, હું સેવક;
અને ક્યારેક જ્ઞાને તો થતું “એક જ આપણે”; ૭૩૪

કૃષ્ણ બ્રહ્મમયી રાધા ચિચ્છક્તિ; અન્ય ના ચહે,
“ગોપાળ સ્વરૂપે સામા રહેજો નિત્યે” અશું કહે; ૭૩૫

(ક્રમશઃ)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.