ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે –
સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના સમુદ્રના ઉત્તાલ તરંગો
સુંદરવનની ઘનનીલ વનશ્રી પર હંસબલાકાની ચાંચમાં લહેરાતો બૉટલગ્રીન દુપટ્ટો
હિમાદ્રીની શ્વેત જટામાંથી અવતરતી સ્વપ્ન-ધૂસર વસ્ત્ર સમી પતિતપાવની ગંગા….

ક્યારેક થાય છે કે મેં તારાં ચરણોની પુષ્પરજને મસ્તક પર ધારણ કરી નથી!
ક્યારેક થાય છે કે મેં તારી ગુર્જરીનાં ઝરણાંનાં જલગીતો બરાબર અવતાર્યાં નથી!
વસંતનાં પુષ્પો પરથી ઢોળાતા રંગોને અને અપ્સરાઓનાં ઝાંઝરને સાંભળ્યાં નથી!
વરસતા વરસાદના દર્પણમાં હજી જોયાં નથી તારાં મેઘઘૂસર સ્વપ્નોને!

ક્યારેક થાય છે, હે મા, કે મેં તને પુત્રની જેમ ધારીધારીને જોઈ નથી!
દક્ષિણના પવનમાં ઊડતા કેરલની વનશ્રી સમા તારા કેશરાશિને મેં જોયો નથી!
તારા મેદાનોના સોનેરી ઘાસમાં રમતા તડકાની ભાષા, તારા ગ્રામ-નગરોની ભાષા,
વન અને વસંતના સંવાદની, તારા આકાશના અતૂટ પ્રેમની ભાષા શીખ્યો નથી!
તારો ક્ષમાપૂર્ણ ચહેરો ને સમુદ્ર સમાં નેત્રોમાં ગ્રેફાઈટ સમી ઉદાસીને હજી જોયાં નથી!

પ્રકાશમાં પાંખો બોળીને ઊડતા પારેવાની જેમ તારા ખોળામાં પાછો આવું છું –
કદાચ તું મારા જન્મવેળાના ઉત્સવ જેમ ચૂમી લઈશ મારાં નેત્રોને, હે માતૃભૂમિ!

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.