ભાગવતની શૈલી લલિતવાડ્મયની લોકભોગ્ય અને કથાનાત્મક છે. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય ભગવાનના મહિમા અને ઐશ્વર્યનું ચિત્રણ કરવાનો જ છે. અહીં ખાસ વપરાયેલો ‘ભગવાન’ શબ્દ એ દર્શાવે છે કે ઇશ્વર પુરુષોત્તમ તો છે, પણ એ કોઈ વ્યક્તિ નથી. પણ એ અનંત સત્તા છે. આમ છતાં પણ એ આપણી પૂજા-પ્રાર્થનાઓને પ્રતિસાદ આપે છે. અને મનુષ્યની સાથે માલિક, પિતા, માતા, મિત્ર અથવા તો ગમે તે પ્રકારનું સગપણ બાંધીને રહી શકે છે. ભક્તની ઈચ્છા પ્રમાણે આ સંબંધો છે. ઉપનિષદો અને બૌદ્ધગ્રંથોમાં ‘ભગવાન’ શબ્દ, કોઈ ઉચ્ચતમ અને પરમાદરણીય માનવગુરુને માન આપવા માટે વપરાયો છે. પણ પુરાણોમાં તો એ ઇશ્વરને કે ઇશ્વરાવતારોને લાગુ પડાયો છે. વિષ્ણુપુરાણ ભગવાનને ‘ભગ’ એટલે ભવ્યતાથી યુક્ત એવો કહે છે. આ ‘ભગ’ કે ભવ્યતા છ પ્રકારની છે : “ઐશ્વર્ય (સર્વશક્તિમત્તા), ધર્મ (સદ્‌ગુણો), યશ (કીર્તિ), શ્રી (સૌંદર્ય), જ્ઞાન (સર્વજ્ઞતા), અને વૈરાગ્ય (અનાસક્તિ) – આ છયે શ્રેષ્ઠતાઓનું સંપૂર્ણ પ્રકટીકરણ ‘ભગ’ કહેવાય છે.” બીજા ગ્રંથોમાં આ ગુણોના થોડા ફેરફારવાળી યાદી મળે છે. જે આ ગુણો દ્વારા બીજા કરતાં જુદો પડે, તે ભગવાન છે. વૈષ્ણવ પુરાણોમાં – અને ભાગવત તે પૈકીનું એક છે – તેમાં પોતાની લીલાઓ અને ચિહ્નોથી યુક્ત અને અવતારો સહિત મહાવિષ્ણુ જ ભગવાન છે. તેઓ જો કે અમૂર્ત છે, છતાં બધી મૂર્ત વસ્તુઓના સારરૂપ એક એવો આકાર એને છે. એને કેટલીક વાર વાસ્તવિક પુરુષરૂપે રજૂ કરવામાં આવે છે. એ વિશ્વપુરુષ છે. પોતાના અંશમાંથી ઉત્પન્ન થયેલાં ચૌદ ભુવનોને છાઈને એ રહ્યો છે તેમજ પોતાના અનભિવ્યક્ત સૂક્ષ્મ રૂપે આ ભુવનોની પેલી પાર પણ રહેલો છે. પોતાના પારગામી સ્વરૂપમાં તેઓ વૈકુંઠ નામે જાણીતા દિવ્ય ભવ્ય ધામમાં ઉચ્ચતમ આદર્શ સ્વરૂપે રહેલા વર્ણવાયા છે. બધાં દુ:ખો, તમસ્, પાપ અને કુરૂપતાઓથી એ ધામ અતીત છે. આ વૈકુંઠ અને એમાં વસનારાઓ પ્રકૃતિ-દ્રવ્યથી બનેલા નથી, પણ આનંદ અને ચેતનાના પ્રકાશના અવકાશી પુંજ એવા શુદ્ધ સત્ત્વમાંથી બન્યા છે. આ ઈન્દ્રિયાતીત આનંદધામનું વર્ણન છતાંય જગતમાં આપણે જાણીએ તેવા ઊંચામાં ઊંચા ખ્યાલોવાળી કલા બતાવીને કરવામાં આવ્યું છે. કલરવ કરતાં પંખીઓ, ગૂંજતા ભ્રમરો સાથેનાં ખીલેલાં પુષ્પો, ફળ, ઝૂમતાં વૃક્ષો, આકર્ષક દૃશ્યો, અહીં વસતાં આનંદી અને અતિ સુંદર નરનારીઓ, ચોતરફ ઘૂમતાં વિમાનો – અને આવી બીજી બાબતોનો સમાવેશ આ વર્ણનમાં થયો છે. પણ એમાં ક્યાંય ઈન્દ્રિયલોલુપતાની ગંધ આવતી નથી. કારણ કે આ બધી બાબતો ભક્તિભાવના ગૌણ અંગ તરીકે છે. દાખલા તરીકે જ્યારે ઓમકાર ધ્વનિ જેવો નાગવલ્લીનાં પાનનો મર્મરધ્વનિ શરૂ થાય છે, ત્યારે પંખીઓનો કલરવ બંધ પડી જાય છે. સૌરભમય ઉદ્યાનપુષ્પો, પવિત્ર તુલસીદલની સુગંધનો માર્ગ મોકળો કરી દે છે. સુવર્ણ વિમાનોમાં દુર્લભ દેહસૌષ્ઠવ ધરાવતાં નરનારીઓ હરિનામસંકીર્તનમાં તલ્લીન બનીને પોતાના એ સૌંદર્યની પરવા કરતાં નથી. વિષ્ણુના આ પ્રકાશમય ધામમાં સાંપડેલું સૌંદર્ય, કેવળ ભક્તિના હેતુને સ્થિર કરનારું ઉપકરણ જ છે. વૈકુંઠમાં બિરાજતા વિષ્ણુ, સમૃદ્ધિનાં ચાર પ્રતીકાત્મક ચિહ્નો સહિત વર્ણવાયા છેઃ અંગ (શરીરનાં અવયવો), આયુધ (હથિયારો), આકલ્પ (શણગારો) અને ઉપાંગ (ઉપકરણો). ઇશ્વરની આ સાકાર અવસ્થા એ કેવળ પ્રાણી કે માનવના રૂપની કલ્પના જ નથી પણ એક આધ્યાત્મિક વિભાવના છે – એવું ઠરાવવા માટે એને સમાન્તરે પોતાને ચાર અવસ્થાઓમાં પ્રકટ થતા નિરૂપ્યા છે. એક હાલતાચાલતા, બે બેઠેલા, ત્રણ વિશ્રામ લેતા અને ચાર ભક્તહૃદયોમાં વસતા વર્ણવ્યા છે. ત્રણેય વેદોના પ્રતીક સમા પોતાના ગરુડ પક્ષીના વાહન પર એ બેઠેલા છે. તેઓ વિશ્વમાં હરતા ફરતા રહે છે. તેઓ સૃષ્ટિચક્રની શરૂઆતમાં સહસ્રફેણવાળા અને વૈશ્વિક જળમાં તરતા એવા આદિશેષની શય્યા પર વિશ્રામ લેતા ધારવામાં આવ્યા છે. આ સર્પ અનન્તકાળ અથવા સામ્યાવસ્થાસ્થિત પ્રકૃતિને અન્વયે કલ્પાયો છે. વૈકુંઠમાં એને વિશાળ અને શ્વેત ઉલેચ નીચે બેઠેલા અને એની બન્ને બાજુ ઊભેલા દિવ્યાત્માઓ દ્વારા શ્વેત ચામરથી પંખો નખાતા વર્ણવવામાં આવ્યા છે. તેમની સરૂપ શક્તિઓ રૂપ દિવ્ય સેવકોનું જૂથ તેમના આસનની આસપાસ શ્રેષ્ઠતાને ક્રમે, ભક્તિભાવથી ભરપૂર થઈને હરિસંકીર્તનના મધુર ગુંજારવ કરતું ગોઠવાયું છે. એક બાજુ તેમના આઠ મહિમાઓ – આઠ મહાવિભૂતિઓ – આધ્યાત્મિક શ્રેષ્ઠતાઓ સાકાર બનીને ગોઠવાયેલ છે. તેમજ એમની ત્રણ વિભૂતિઓ – ભૌતિકશક્તિઓ – એના આવિર્ભાવ અને સર્જન પ્રક્રિયાની શક્તિઓ સ્થિત છે. એમની બીજી બાજુ, એમના પાર્ષદો (નિત્યસેવકો) છે. પછી બ્રહ્મર્ષિઓ અને દેવર્ષિઓ (મહાન આધ્યાત્મિક શક્તિ સમ્પન્ન સાક્ષાત્કારી મહર્ષિઓ), આઠ દિક્પાલો (દિશારક્ષક દેવતાઓ) અને ભાગવતોત્તમો ગોઠવાયા છે. સુદર્શન ચક્ર જેવાં તેમનાં શસ્ત્રાસ્ત્રોને એમના સેવકભક્તો તરીકે વર્ણવ્યા છે. પવિત્રતા અને ભક્તિથી તેજોમય બનેલી ભક્તો અને સેવકોની આ મહાસભામાં મહાવિષ્ણુને સહસ્રફેણવાળા અનંતનાગની સર્પશય્યા ૫૨ બેઠેલા કલ્પવામાં આવ્યા છે. ભાગવતમાં ધ્યાનાસ્પદ વિષ્ણુનું નખશિખ સ્વરૂપ વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે : “પ્રભુનાં ચરણકમળોનું હું ધ્યાન ધરું છું. એના તળિયે વજ્ર, અંકુશ અને કમળનાં મંગલકારી ચિહ્નો શોભી રહ્યાં છે. એના મોટા, ગોળ અને લાલ અંગુષ્ઠનખો પોતાના ચળકાટથી ધ્યાન ધરતા માનવના મનમાંથી અજ્ઞાનનું ધુમ્મસ હટાવી દે છે. આ ચરણકમળો એટલાં પવિત્ર છે કે શંકર પણ એનાથી વિશુદ્ધ બને છે. એના પરનું વજ્રચિહ્ન એટલું શક્તિશાળી છે કે એનું ધ્યાન ધરતા માનવનું મન ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. હું પ્રભુના એ ચરણોનું ધ્યાન કરું છું કે જેનું તેજ, એ જગન્માતા લક્ષ્મીજીના હાથના તેજ સાથે મિશ્રિત થઈ જાય છે. કારણ કે તેઓ ખૂબ કોમળતાથી પ્રભુના પગ દબાવી રહ્યાં છે. હું પ્રભુના એ ઉરુપ્રદેશનું ધ્યાન કરું છું કે જે ગરુડ પર આરોહણ કરતી વખતે એના ખભા પર વિશ્રામ લે છે, જે ઘણા શક્તિશાળી છે અને એને અનુરૂપ શ્યામવર્ણના છે. હું તેમની કટિનું ધ્યાન કરું છું કે જેના પર ચળકતું પીળું રેશમી વસ્ત્ર અને તેમની ચમકતી ધાતુની કટિમેખલા વીંટળાઈ છે. હું તેમના ઉદરનું ધ્યાન કરું છું કે જેમાં બધાં જ વિશ્વોનાં મૂળ પડેલાં છે. અને એમનો નાભિપ્રદેશ કે જેમાંથી ઊગેલા સૃષ્ટિ સર્જક કમળ ઉપર બેઠેલા સૃષ્ટિકર્તા બ્રહ્મા પ્રગટે છે. હું તેમના વક્ષઃ સ્થળનું ધ્યાન કરું છું કે જે લક્ષ્મીજીની શાશ્વત ઉપસ્થિતિથી પ્રકાશિત છે. તેમજ શ્રી વત્સલાંછનથી અને ગળામાં પહેરેલા દુર્લભ કૌસ્તુભમણિથી સુશોભિત છે. હું પ્રભુનાં બાવડાંનું ધ્યાન ધરું છું જે બાજુબંધોથી શોભે છે. અને મંદર પર્વત તથા આઠ દિક્પાલો જેની પાસેથી બળ ઝંખે છે. એમાંના એકે અપ્રતિરોધ્ય બલશાળી સુદર્શન ચક્ર ધારણ કર્યું છે. બીજા કરકમળમાં હંસ જેવો પાંચજન્ય શંખ ધારણ કર્યો છે. વળી, હું તેમની કૌમોદિકી ગદાનું ધ્યાન કરું છું. એ દુષ્કૃત્યો અને અજ્ઞાન પર મરણતોલ ઘા કરે છે. એમની ગ્રીવામાં શોભતી સૌરભમય માળા મધપિપાસુ મધમાખીઓથી ઘેરાયેલી છે. હવે હું પરમાત્માના મુખકમળનું ધ્યાન કરું છું. પ્રભુએ ભક્તો પર અનુગ્રહ વરસાવવા જ આ સ્વરૂપ ધારણ કર્યું છે. તેમની અતિસુંદર નાસિકા, તેમનાં થોડાં થોડાં ઝૂલતાં કુંડળોના તેજનું પ્રતિબિંબ ઝીલતા તેમના કપોલો છે. તેમનું તેજસ્વી મુખમંડળ, ઝરણાંમાં રહેલા મોટા કમળ જેવું છે. એમની બે ફરતી આંખો જાણે કે એ તળાવની માછલીઓ છે, એમના ઊડતા વાંકડિયા વાળ જાણે એ ઝરણાંના તરંગો છે. પીડિતોનાં દુઃખો પર દયા વરસાવતી તેમની બે વિશાળ અને કરુણાપૂર્ણ આંખોનું ધ્યાન ચિરકાલ કરવું જોઈએ. અને એમનું મોહક હાસ્ય તો પ્રાણીઓનાં દુ:ખોથી જન્મેલા અશ્રુપ્રવાહને સુકવી નાખવા શક્તિમાન છે. એમનાં નેણ ભક્તોના મનની ઉછળતી કામનાઓને શુચિતાની વૃષ્ટિ દ્વારા શાન્ત કરે છે. એમના મોતી સમાન દાંત પર પડતા હોઠોના છાયાભાસથી એ દાંત થોડા લાલાશભર્યા દેખાય છે. વિષ્ણુનું આ રૂપ ભક્તજનના હૃદયમાં જ વસે છે માટે ભક્તજને બીજા કશા જ પદાર્થ તરફ આકર્ષાયા વગર પ્રેમ તરબોળ ચિત્તે એનું જ ધ્યાન ધરવું જોઈએ. (ભાગવત ૩/૨૮/૨૧-૩૩)

વિષ્ણુના આ પ્રતીકાત્મક સ્વરૂપની સમજૂતી જોઈએ. જો કે ભગવાન ભક્તના માધ્યમથી ભક્તની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરે છે, એમ કહેવાયું છે, આમ છતાંય એ રૂપ ભૌતિકતાથી પર છે. ભક્ત ઉપર એ એવો પ્રભાવ પાડે છે કે જે દિવ્યતા ચિત્રિત થાય છે, તે કેવળ માનવવંશી કે પ્રાણીવંશી દેવ નથી. પણ એ સર્વને પોતામાં સમાવી લેતું અનંતતત્ત્વ જ પોતાને ઋષિઓનાં પ્રકાશિત મનમાં પ્રકટ કરે છે. ઉપર બતાવેલા વિષ્ણુના પ્રતીકાત્મક રૂપની સમજૂતી પણ ભાગવત આપે છે અને મહાવિષ્ણુના રૂપની હકીકત દર્શાવે છે. (બારમા સ્કન્ધના અગિયારમાં અધ્યાયમાં આ છે). સચ્ચિદાનંદના સારતત્ત્વ રૂપ એમનું સ્વરૂપ, વિશ્વમાં પ્રગટ થયેલાં ચૌદ ભુવનોનું અવલમ્બન છે. આ ભુવનભાગો જાણે કે એનાં અંગો છે. તેમણે ગ્રીવામાં ધારણ કરેલો કૌસ્તુભાલંકાર જીવ ચૈતન્ય છે અને જાણે કે પોતાની હયાતી માટે એના પર આધારિત – આશ્રિત છે. એમની છાતી પરનું શ્રીવત્સનું ચિહ્ન એમના પ્રભાવવિસ્તારનું દ્યોતક છે. ગ્રીવાસ્થ વનમાલા તેમની માયા-શક્તિ, ત્રિગુણાત્મિકા મહામાયા છે અને ત્રણેય ગુણોની ઉત્ક્રાન્તિ સમાં એનાં પુષ્પો છે. તેમણે પહેરેલું ચળકતું પીતામ્બર એ વૈદિક છંદો છે. એમણે ગળે પહેરેલું બ્રહ્મસૂત્ર, ત્રણ અક્ષરોયુક્ત ઓમકાર છે. તેમનાં કુંડળો જ્ઞાનયોગ અને અષ્ટાંગ યોગ નામનાં આધ્યાત્મિક અનુશાસનો છે જે તેમના તરફ સાધકને લઈ જાય છે, તેમણે પહેરેલો હીરાજડિત મુકુટ એ આધ્યાત્મિક સાધના વડે પ્રાપ્ત કરાતો ઉચ્ચતમ લોક છે. આદિશેષ અનંતનાગ એમની શય્યા છે, એ મૂલ પ્રકૃતિ – વિષયરૂપ મૂળ દ્રવ્ય – છે તેમનું આસન બનેલ કમળ, નૈતિકતા, જ્ઞાન, સૌંદર્ય વગેરે ધરાવતો સત્ત્વ ગુણ છે. એમની હાથમાંની કૌમોદિકી ગદા પ્રાણ – વૈશ્વિક શક્તિ બધાં બળ, શક્તિ અને પ્રભાવનો મૂળ સ્રોત છે. એમનું નંદક ખડ્ગ એ ભૂરું આકાશ છે. તેમની ઢાલ એ તમસ્ છે જડતા છે. તેમનું સારંગ ધનુષ્ય એ સમયકક્ષા છે. તેમનો ભાથો તે કર્મબીજ છે, તેમનું સુદર્શન ચક્ર અગ્નિ તત્ત્વ છે, એમનો પાંચજન્ય શંખ એ જળ તત્ત્વ છે, એમના હાથમાંનું લીલાકમળ એ છ ‘ભગ’ (છ ઐશ્વર્ય ગુણો) છે. તેમની અંગુલિમુદ્રાઓ મુક્તિ અને અન્ય વરદાનોનું દાન સૂચવે છે; તેમની બન્ને બાજુએ રહેલાં ચામરો પુણ્ય અને યશ સૂચવે છે, તેમના યજ્ઞપુરુષના સ્વરૂપમાં તેઓ ત્રણેય વેદના સાકાર સ્વરૂપ સમા પોતાના વાહન ગરુડ પર સવારી કરે છે. અને પોતાના દિવ્ય આવાસ વૈકુંઠધામનું પ્રતિનિધિત્વ કરતા છત્ર નીચે બેસે છે કે જે ‘ભયમુક્તિ અને આનંદ’ની અવસ્થા છે. તેમના આઠ દ્વારપાળો એ તેમનાં આઠ ઐશ્વર્યો છે. અને એમનો વિશ્વક્સેન નામનો પ્રધાન સેવક એ પંચવલ્ક્ય જેવાં વૈષ્ણવતંત્રનું સાકાર સ્વરૂપ છે. અગ્નિની દાહકશક્તિ અને પ્રકાશની પેઠે એમની અવિભાજ્ય શક્તિરૂપે શ્રીદેવી છે. સૂર્યનું વર્તુળ, યજ્ઞવેદી અને પવિત્ર મૂર્તિઓ – એ બધાં તેમની અર્ચના અને તેના અધિકારીને દર્શાવતાં પ્રતીકો દીક્ષા તેમજ અન્ય શુદ્ધીકરણની વિધિઓ સૂચવે છે. ‘પૂજા અને ધ્યાન’ થઈ શકે એ માટે તેઓ પોતે જ પોતાને ચાર વ્યૂહોરૂપે પ્રગટ કરે છે : વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. વળી, તુરીય (સમાધિ), પ્રાજ્ઞ (ગાઢ ઊંઘ), તૈજસ (સ્વપ્નાવસ્થા) અને વિશ્વ (જાગ્રત અવસ્થા)ની ચાર પ્રકારની ચેતનાઓને અનુરૂપ પણ એ પોતાને પ્રગટ કરે છે. આમ, હરિ એમની, અંગ (શારીરિક અવયવો), ઉપાંગ (અન્ય ઉપકરણો), આકલ્પ (શણગાર) અને આયુધ (શસ્ત્રાસ્ત્ર) એ ચાર અવસ્થાઓમાં પૂજાય છે. અને ધ્યાન ધરાય છે. હરિ તેમની માયાને લીધે સર્જાતી, પળાતી પોષાતી અને સંહારતી આ સૃષ્ટિરૂપે પણ પોતાને પ્રગટ કરે છે. અને છતાં પોતાને અપરિવર્તનીય અને આ પ્રક્રિયાથી પોતાને અસ્પૃષ્ટ રાખી શકે છે.

ભાગવતમાં વિષ્ણુની વિભાવનાના ઉપર બતાવેલા ટૂંક વર્ણન પરથી જોઈ શકાશે કે એ કોઈ પ્રાણી કે માનવના અપક્વ અને સંકુચિત માન્યતાવાળા સંપ્રદાયનું દ્યોતક નથી. માણસ પોતે તો કંઈ એ દિવ્ય ભવ્યતાનું અને એના ગુણોનું આકલન એકલો તો કરી શકતો નથી. આમાં તો મનની લાગણીઓ ઉદ્દીપ્ત થઈ ઊઠવી જોઈએ. અને પુરાણોમાં સમાવાયેલ દિવ્ય વ્યક્તિઓનાં વર્ણનો – દિવ્ય પ્રેરક અને ઉચ્ચ વર્ણનો – વિશિષ્ટ સંપ્રદાયોના અનુયાયીઓ માટે આ વસ્તુ મહદ્અંશે સિદ્ધ કરે છે. જો સમગ્ર માનવપ્રાણીઓના સષુપ્ત પ્રતિસાદને પૂર્ણ રીતે ઉદ્દીપ્ત કરે એવા વિચારસ્વરૂપો પૂર્ણ રીતે લોકોના મનના અધિષ્ઠાનમાં ચૂસાઈ જાય તો પછી ત્રિપરિણામદર્શી, સ્થાન કે કાળની વાસ્તવિકતાનો પ્રશ્ન અસ્થાને છે ત્યારે તે પંથના દેવ ધ્યાન અને સાન્નિધ્યના લક્ષ્યરૂપ બની રહે છે. શુચિ ભક્તોની, સંતમહંતોની પેઢી – દર – પેઢીએ ચાલે છે અને સગુણ કે નિર્ગુણ પરમ તત્ત્વ, આવાં વિચારરૂપો દ્વારા એને પ્રતિસાદ આપે છે. આ વિચાર સ્વરૂપો લાંબાકાળ સુધી ટકનારાં અને છતાં ધરમૂળથી પરિવર્તન પામતી રહેલી ગતિવાળાં હોય છે કે તથાકથિત ઇતિહાસ એ દ્વારા માનસિક વાસ્તવિકતાઓ અને સાંનિધ્યની કેડીઓ કંડારી શકે. એ દ્વારા પરમ તત્ત્વને પામી શકાય છે, એની અનુભૂતિ કરી શકાય છે. આ વિષ્ણુ સંપ્રદાય માનવમને રચેલા એવા માર્ગો પૈકીનો એક છે અને માનવના આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્યચેતનાથી સભર છે. અને ભાગવત પુરાણ આ સંપ્રદાયના મહાન ગ્રંથો પૈકીનો એક છે. જો એનાં વર્ણનો, કથાઓ, છન્દો અને તાત્ત્વિક બાબતો સાથે એનું પરિશીલન કરવામાં આવે અને એની વિષ્ણુવિભાવનાને પૂરા હૃદયથી સ્વીકારવામાં આવે તો તે લક્ષ્ય સ્થળે પહોંચાડે છે. અને માનવના મનમાંથી ઉચ્ચતમ કક્ષાનો ભક્તિમય પ્રતિસાદ જગાડી દે છે. આ બાબતમાં ભાગવત સંપૂર્ણ રીતે સફળ થયું છે, એ બાબતમાં કોનો વિરોધ હોઈ શકે?

આ ભાગવતના તાત્ત્વિક દૃષ્ટિકોણ વિશે બિનસાંપ્રદાયિક વાચકની એવી છાપ પડે કે એ સામાન્ય રીતે ભારતીય તત્ત્વજ્ઞાનમાંની કોઈ એક જ શાખા કે પદ્ધતિનું અનુસરણ કરતો અને એને જ વરેલો એવો ગ્રંથ નથી જ, જેમ ઉપનિષદો અને ગીતામાં દ્વૈતવાદ, એકેશ્વરવાદ વગેરે વિવિધ વિચારપ્રવાહોની છાયાઓ જોવા મળે છે. અને આ ગ્રંથ એ માટેના કોઈ પણ વિચારની અવહેલના કે વિરોધ કરતો નથી. દરેકને એ પોતાને યોગ્ય સ્થાને મૂકે છે. એનો પ્રયાસ આ બધાનો સમન્વય કરવાનો છે. આ બધા તત્ત્વ વિચારો વચ્ચે વિરોધની વાડ ઊભી કરવાનો એનો ઈરાદો હ૨ગીજ નથી.

ભાગવત માટે આ સમન્વયનો સિદ્ધાંત એટલે પરમ ભક્તિભાવ જ છે. આ ભક્તિને જીવનના પાંચમા પુરુષાર્થ તરીકે ગણવામાં આવેલ છે. અને એનું સ્થળ બીજા ચાર પુરુષાર્થો કરતાં ઊંચું છે. ધર્મ (નૈતિકતા), અર્થ (મન), કામ (આનંદપ્રમોદ) અને મોક્ષ (મુક્તિ) કરતાંય ભક્તિ ઊંચી છે. એ ફક્ત ચિત્તશુદ્ધિ ક૨ના૨ જ અને એ દ્વારા ઊંચેરા લક્ષ્યનો માર્ગ મોકળો કરનારું સાધનમાત્ર જ નથી. ભલે બીજા અદ્વૈતવાદીઓ એવું માનતા હોય પણ ભક્તિ પોતે જ પરમ લક્ષ્ય છે. જીવનનો પરમ હેતુ છે. મુક્તિ કરતાંય ઊંચેરી સ્થિતિ છે. હા, જ્યારે એ ‘સગુણા’ – પ્રકૃતિના ગુણો પર જ આધારિત હોય, જ્યારે માનવ ભયથી પ્રેરિત થઈને સ્વાર્થી વિચારો સેવીને ભક્તિની સાધના કરતો હોય ત્યારે એ ભક્તિ કેવળ સાધનરૂપ બની રહે છે ખરી.

ભક્તિનું આ નિમ્નકોટિનું સ્વરૂપ ભાગવતના ત્રીજા સ્કંધમાં ત્રણ પ્રકારનું વર્ણવવામાં આવ્યું છે. પ્રકૃતિના સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો પર આધાર રાખતી ભક્તિને અનુસરીને આ ત્રણ વિભાગો પડ્યા છે. તામસિક પ્રકૃતિના માણસની ભક્તિનું કેન્દ્ર આદિવાસીઓના ટોળાંના શક્તિશાળી દેવદેવીઓ હોય છે. ક્રૂર વિધિઓ અને ગંદાં બલિદાનોથી એને પૂજવામાં આવે છે. અને વેરનો બદલો લેવા માટે કે શત્રુના મારણ માટે એનું આવાહ્ન કરવામાં આવે છે.

રાજસિક ભક્તિમાં ભાતભાતની વિધિઓથી, ભેટોથી, પ્રાર્થનાઓથી દેવ પૂજાય છે એમાં ભૌતિક સુખસગવડોની અને સમૃદ્ધિની માગણી દેવ પાસે કરવામાં આવે છે. પણ સાત્ત્વિક ભક્તિ તો આ દુનિયાદારીથી ઉપરવટ જઈને તેમજ અંતે દુઃખદાયક બનતી એવી પ્રકૃતિ પર તરતી દુનિયાદારીનાં મૂલ્યોથી વિમુખ થઈને ઊંચે ને ઊંચે જાય છે. આમ સંસારની પીડાઓમાંથી મુક્ત થવા માટે જે ઈશ્વરને ભક્તો ભજે છે એ સ્વરૂપના કૃપાલુ ઈશ્વરની ધારણા કરવામાં આવી છે. આ ભક્ત પ્રથમતઃ નવધા ભક્તિનો માર્ગ પકડી શકે છે. આ સાધના માર્ગમાં શ્રવણ આદિ નવ પ્રકારો અન્યત્ર વર્ણવાયા છે. અને કોઈ પણ જાગતિક વાંછા – વગર ભક્ત એની સાધના કરે છે. એનામાં ફક્ત એક જ અભીપ્સા હોય છે અને તે મુક્તિ-મોક્ષની જ હોય છે. મુક્તિની ઝંખનાવાળી ભક્તિની આ ઉચ્ચતર કક્ષાને પણ ભાગવતે તો પ્રકૃતિના ગુણોના પાયાવાળી જ માની છે!

ભાગવતે નિમ્નકોટિની માનેલી આવી ભક્તિનું સ્થાન તો ભાગવતમાં અવશ્ય છે, પણ ભાગવતે જે સૌથી ઊંચી કક્ષાની ભક્તિ-ઉચ્ચતમ લક્ષ્ય પ્રાપ્ત કરાવતી ભક્તિનો મહિમા ગાયો છે તે તો નિર્ગુણ ભક્તિ એટલે કે પ્રકૃતિના ગુણોના પાયા પર રહેલી નથી જ. શરીર કે સંકુચિત આત્મા અથવા તો મોક્ષની ઝંખના – જન્મમરણના ફેરામાંથી છૂટકારાની ભાવના – પણ એ ભક્તિનો હેતુ નથી. એવા ભક્તો આવાં ખેંચાણોમાંથી ઉપર ઊઠે છે કે ભગવાન જીવ ઉપર અનુગ્રહ કરે છે અને એ કૃપા જ અહંભાવને ભૂલાવી દેતો પ્રેમ, પોતાને અભિવ્યક્ત કરતો સહજ, અવિચ્છિન્ન અને અવિનાશી માનસ પ્રવાહ, જેમ ગંગાનો પ્રવાહ સાગર ભણી દોડે તેમ ઈશ્વર તરફ દોડી જાય છે. આવા પ્રકારના સાધકો, મુક્તિવાંછુ સાધકોની પેઠે જ પોતાના મૂળ સત્ત્વને ઈશ્વરથી અભિન્ન જાણવાનું જ્ઞાન તો અવશ્ય મેળવે જ છે. આમ છતાંય તાત્ત્વિક અભેદમાંય અલગતાનો એક ખ્યાલ જાળવી રાખે છે કે જેથી તેઓ પોતાને ભગવાનની સેવામાં, ભગવાનના અવિરત સેવક, બાળક, સાથી, પ્રિયતમા વગેરે રૂપે જોડી શકે. ભાગવત આ આત્માની ઇશ્વર સાથેની મૂલગત સગાઈની અનુભૂતિના પાયા પર આધારિત આ દિવ્ય સેવાને પુરસ્કારે છે. અને વિશુદ્ધ પ્રેમથી પ્રેરાયેલ તેમજ કોઈ સ્વાર્થી લાભ કે આશા વગરનાં આ પ્રેમસભરતાને મોક્ષની પણ કશી પરવા વગર – તથાકથિત પરમપુરુષાર્થનીય પરવા વગર – કરાતી આ ભક્તિને પાંચમો પુરુષાર્થ કહેવામાં આવ્યો છે, જે મોક્ષથી પણ ઉપરની સ્થિતિ છે, ઇશ્વર સાથેની એકરસતા કરતાંય ચડિયાતી સ્થિતિ છે. અધ્યાત્મ જીવનના આ આદર્શને પ્રકાશિત કરતા દાખલાઓ ભાગવતમાં ઘણા બધા છે. તેમાંના અતિ મહત્ત્વના શુક, નારદ અને સનકાદિ કુમારો છે. આ પ્રકારનો આદર્શ સિદ્ધ કરવા માટે કોઈ ભેદાભેદવાદને મળતું તત્ત્વદર્શન, ભેદ વગરની અલગતાનો કોઈક સિદ્ધાંત જરૂરી છે. જો ભાગવત કોઈ તત્ત્વ દર્શન પર ઢળ્યું હોય તો તે આ સિદ્ધાંત પર જ ઢળ્યું છે. અને આમ છતાંય તે કોઈ મતાગ્રહ કે પૂર્વગ્રહ રાખતું નથી. સામાન્ય રીતે આ ઢળવાનું વલણ એકતાના સિદ્ધાંત તરફ છે. પણ એ એકતા એવી છે કે જે એની સંરચનામાં ઇશ્વરી લીલાના ભાગીદાર બનતાં ઈશ્વરસેવા અને ઇશ્વરપ્રેમની સાધના માટે જરૂરી એવી, ભિન્નતાને પણ સ્વીકારે છે. ભક્તિનું આ સ્વરૂપ – સેવાસ્વરૂપ આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું શિખર છે અને ભાગવત એને જ પેલા ચોથા પુરુષાર્થથી અલગ એવો પંચમ પુરુષાર્થ કહે છે. ચોથો પુરુષાર્થ મોક્ષ – પરમ તત્ત્વમાં એકાકાર થઈ જવું – એ છે અને સામાન્ય રીતે આ પહેલાં એને જ આધ્યાત્મિક સાધનાના શિખર તરીકે ગણવામાં આવતો હતો. જો કે અહીં પણ પેલી મોક્ષની એકતાનો અસ્વીકાર કર્યો નથી. જે સાધકો એવી ઈચ્છા રાખતા હોય, તે ઇશ્વરકૃપાથી એ મેળવી શકે છે પરંતુ કેટલાક સાધકો દિવ્ય સેવા અને સામીપ્યની પસંદગી કરી મુક્તિ માગતા જ નથી. તેઓને ‘ભાગવતોત્તમ’ કહેવામાં આવે છે. એમની અવસ્થા એવી પૂર્ણ હોય છે કે એમનો એકતાનો ખ્યાલ બ્રહ્મ સાથે એકાકાર થઈ જવામાં પરિણમતો નથી, પણ એની દિવ્યલીલાનું એક સાધન થઈ રહેવામાં ભગવાનની સેવા અને પ્રેમમાં જ પરિણમે છે.

રૂપાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.