(ગતાંકથી ચાલુ)

વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ

તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને ગમે? તમારો ઉત્તર હકારમાં જ હોય. ભલે. તમારા ચારિત્ર્યમાં પ્રામાણિકતા છવાયેલી છે? જો ઉત્તર નકારમાં હોય તો તેનો અર્થ એમ થાય કે પ્રામાણિક બનવાની ઈચ્છા મનમાં છે. બુદ્ધિથી જાણીએ છીએ કે પ્રામાણિકતા ઉન્નત ચારિત્ર્યની નિશાની છે, તેથી મનમાં ઈચ્છા છે. કદાચ આપણે આપણી અંદર એવી પ્રતિમા પણ ઊભી કરી હોય કે આપણે પ્રામાણિક છીએ. નાનાં બાળકો પતંગિયાં પકડી એટલાં ખુશ થતાં હોય છે કે જાણે વાઘ ન માર્યો હોય! દરેક સંબંધમાં મનુષ્યો પ્રામાણિકતાથી જીવે અને તેની ખુશ્બુ સંબંધોમાં ન હોય તેવું તો હોય જ નહીં. તો આપણે પ્રામાણિક – અણિશુદ્ધ, પ્રતિક્ષણ પ્રામાણિક કેમ નથી?

કારણ કે આપણે પ્રામાણિક બનવાની ઈચ્છાને ભાવમાં પરિવર્તિત નથી કરી શક્યા. આપણી પ્રામાણિક બનવાની ઈચ્છા બિનશરતી નથી. પ્રામાણિકતા કોઈ પણ કિંમતે જીવનમાં છવાયેલી રહે, તેવું જીવન જ પ્રથમ અને આખરી અગ્રિમતા બનતું નથી. જુઓ ને, અમુક સંબંધોમાં વળગણ છોડી દેવાં જોઈએ તેવું પ્રામાણિકપણે જોતાં (કષ્ટપૂર્વક) સમજાશે. પણ સંબંધ-વળગણો છોડવા મન ક્યાં તૈયાર છે? આપણને ખુશ કરે, આપણી આળપંપાળ કરે તેવા મનુષ્યો/ઘટનાઓથી સાવધ રહેવાથી આપણે હકારાત્મક લાગણીઓ કેમ ન અનુભવી શકીએ!

“હું પ્રામાણિકપણે જીવન જીવવા ઇચ્છું છું.” જે સત્ય છે તે જ મારે જોવું છે. તેમાં જ મને સૌથી વધુ સંતોષ (હકારાત્મક લાગણી) થાય. મારી અંદરની વાસ્તવિકતાઓ જેવી છે તેવી જ બરાબર મારે જોવી-જાણવી છે. કોઈ મને આદર-અનાદરથી જુએ તેની મને દરકાર નથી. તે જ પ્રકારે જીવનની દરેક પરિસ્થિતિને જીવતાં, સમજતાં, તેનો પ્રતિભાવ આપતાં હું હંમેશાં પ્રામાણિક રહીશ. મારા જીવનની દરેક ક્ષણને મારે ઉત્કૃષ્ટ રીતે સજાવવી છે. પ્રામાણિકતાપૂર્વકના અંતરથી મને જે સમજાશે તે હું જીવીશ. તે જ જીવવું મને સંતોષ આપશે. અને જે સાચું લાગશે તે જ કરીશ. જે રીતે સાચું લાગશે તે જ રીતે કરીશ. મારી ભૂલ સમજાશે તો હું તેને તરત સ્વીકારીશ. અજાણે મારાથી કાંઈ ખોટું થયું હોય, કોઈનું અહિત થયું હોય તો હું માફી માંગીશ. તેમાં મને કોઈ જ શરમ (નકારાત્મક લાગણી) નથી. તેમાં તો મને ગૌરવની (હકારાત્મક લાગણી) લાગણી થશે. મારા બધા જ નિર્ણયોનો પાયો હંમેશાં પ્રામાણિકતા રહેશે. કોઈના હિત કાજે તેનાથી દૂર રહેવું પડશે તો હું તે જ પસંદ કરીશ. કોઈના હિત કાજે, તેને મદદ કરવા માટે જે પણ થઈ શકે તે કરીશ. મારા ગમા-અણગમાથી હું મારા જીવનની ઘટમાળ નહીં ચાલવા દઉં. મને છેવટે, આખરે – અબઘડી નહીં પણ લાંબા ગાળે, મૃત્યુ ટાણે – જે ‘ગર્ભ’, જે ‘સંતોષ’ આપે, જે સૌથી વધારે સંતોષ અને આનંદ આપે તે જ મારી અત્યારની ક્ષણની પસંદગી કરવા માટેની ભૂમિકા હશે.”

આમ મસ્તકમાં થાય તે નિરર્થક છે. મસ્તકની જીવન પર સીધી કોઈ જ અસર નથી. જીવન તો હૃદયના, હકારાત્મક લાગણીઓના બળથી સંચાલિત થાય છે! આ જ બળથી મસ્તકનો ઉપયોગ થાય છે. તમે સમજ્યા ને! નકારાત્મક લાગણીઓના હાથમાં મસ્તક-બુદ્ધિ-તર્ક એટલે બરાબર વાંદરાના હાથમાં તલવાર! તલવાર ખુદ તો ન્યાયી કે અન્યાયી થઈ નથી શકતી ને!

તેથી તમારી પસંદગીઓ છેવટે હૃદયપૂર્વકની હોવી જોઈએ. સારાસાર, સારું-નરસું શોધવા બુદ્ધિની મદદ ભલે લેવાય, પણ ચાલકબળ હંમેશાં હૃદયની હકારાત્મક, આપબળે ઊભી કરેલી લાગણીઓનું જ હોય. આ જ ભાવવિશ્વના નિર્માણની ઘટના છે.

હવે સંવેદનશીલતા વિકસી શકશે

“મારી મા પથારીવશ છે. કોઈ બિમારીથી તે પીડાઈ રહી છે. તેને દુઃખી જોઈ મને પણ દુઃખ થાય છે. તેના માટે કશું કરી છૂટવાનું મન થાય છે……”

જરાક થોભી, અંદર ઝાંકી હૃદયની અવસ્થા તપાસો. માનું દુઃખ નિહાળી મારા હૃદયમાં દુ:ખની લાગણી થઈ. આ ‘દુઃખ’ તે કોઈ નકારાત્મક લાગણી છે? મારી કોઈ મજાક કરે અને મને માઠું લાગી જાય છે, તેવી જ કોઈ નકારાત્મક લાગણી છે? મારી મજાક કોઈ કરે અને હું સ્વસ્થ રહી શકું તે હું પસંદ કરું. પણ માના દુઃખથી મને દુઃખ ન થાય તેવું પસંદ કરું?

તમે સમજી શક્યા ને! માની પીડાથી મેં જે અનુભવ્યું તે નકારાત્મક લાગણી નથી! જેને મેં ‘દુઃખ’ તરીકે ઓળખાવ્યું તે આ કિસ્સામાં આવકાર્ય છે, પસંદ છે, આવશ્યક છે.

જ્યારે કોઈ અન્ય વ્યક્તિ કે જીવ વેદના અનુભવે, ત્યારે આપણને પણ તે જ વેદનાની અનુભૂતિ થાય તો આપણી અંદર સમ્-વેદના (સંવેદના) જન્મી કહેવાય. આમ સંવેદના અનુભવી શકવાની ક્ષમતાને આપણે મનુષ્યની સંવેદનશક્તિ તરીકે ઓળખીએ છીએ. તમે જોશો જ કે ‘લાગણીશીલતા’ અને ‘સંવેદનશીલતા’ વચ્ચે આભ જમીનનો ફર્ક છે. લાગણીશીલતા પ્રાકૃતિક છે, જ્યારે સંવેદનશીલતા કેળવવી રહે છે.

“મારી માનું દુઃખ જોઈ હું રડ્યા જ કરું છું, શું કરવું તે મને સમજાતું જ નથી.…કાંઈ ખાવા, પીવાનું મન થતું નથી….”

અહીં શું થઈ રહ્યું છે? (૧) મા પીડાઈ રહી છે. (૨) હું તેની સંવેદના અનુભવું છું. (૨) તેનાથી મારી અંદર લાગણીઓ જન્મે છે, જે નકારાત્મક છે. (૩) લાગણીઓ મારાથી જીરવાતી નથી (૪) તેથી હું સૂનમૂન થઈ જાઉં છું. શું કરવું તે ખબર પડતી નથી (ખબર આપમેળે પડી જાય?) અને તેથી રડ્યા કરું છું… (આ પરિસ્થિતિ પરત્વે પ્રતિક્રિયા થઈ ને!)

શું થવું જોઇએ? (૧) મા પીડાઇ રહી છે. (૨) હું તેની સંવેદના અનુભવું છું. બુદ્ધિનો ઉપયોગ કરી માની હાલતને સમજું છું અને આ પરિસ્થિતિમાં શું થઇ શકે તેના વિકલ્પો શોધું છું. (૩) સંવેદનાથી જન્મતી દુઃખની લાગણીઓને તત્ક્ષણ અવગણી, હું મા પ્રત્યેના મારા પ્રેમથી વિચાર કરું છું કે આ પરિસ્થિતિમાં સર્વશ્રેષ્ઠ શું થઇ શકે? (૪) અને આમ પરિસ્થિતિને જીરવીને, પરિસ્થિતિને શ્રેષ્ઠતમ પ્રતિભાવ આપું છું.

જીવનને અસ્તવ્યસ્ત જીવવાથી તે અર્થપૂર્ણ નથી બની શકતું. તેને સમજીને હર ક્ષણે પ્રતિભાવ આપતાં શીખવું રહે છે. તમે જોયું ને! બાહ્ય પરિસ્થિતિ લાગણીઓ ઉપજાવે અને આપણને અસર કરી ચાલી જાય તેમ થવું કુદરતી છે. સંવેદના, ઇચ્છા, અહંકાર – ખંડન… વગેરે બધું જ છેવટે લાગણીઓ ઉપજાવ્યા કરે. આ લાગણીઓના પ્રવાહમાં આપણું જીવન એમ ખેંચાય, જાણે પાણીના ધસમસતા પ્રવાહમાં મૃતદેહ તણાય! સાચું જીવન ખેંચાવામાં કે તણાવામાં નહીં, પણ તરવામાં છે. સામે પ્રવાહે તરવામાં સૌથી વધુ બહાદુરી હશે, પણ કુશળતા તો વિવેકમાં છે! ક્યારેક પ્રવાહની સામે, તો ક્યારેક પ્રવાહની મદદથી, પણ આપણે તો જવું છે સામે પાર!

સંવેદના બાબતે એટલું નોંધવું જરૂરી કે મનુષ્યને અન્ય મનુષ્યોની વેદનાથી જ સંવેદના થાય તેમ નથી. ક્યારેક સુંદર નદીનો પ્રદુષિત કિનારો જોઇને પણ વિષાદ, વ્યથા અનુભવાય છે ને! આવી સંવેદનાઓ જીવનકાર્યોની સંભવિત દિશા સૂચવે છે. તમે એવા કેટલાક મનુષ્યોને જોશો કે જેઓ આ સંવેદનાથી લાગણીશીલ થઇ અમુક – અમુક કાર્યો પાછળ આખું આયખું ખર્ચી નાખે છે, છતાં સંતોષ અને આનંદ પામતા નથી. તેઓ ક્યાં ચૂક્યા?

હવે જીવન જીવવાની કળા લાધી

લાગણી, સંવેદના અને ભાવ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો હોય તો જીવન -સંગીતની સરગમ આવડી છે. બરાબર મહાવરો કરશો. જીવન સંગીતની મહાશાળા છે! હર ક્ષણે તે ઉદારતાથી તમને રિયાઝ માટે, આરાધના માટે અવસરો પૂરા પાડ્યે જ જાય છે! જીવનની ઉદારતાની પણ કોઇ સીમા છે! તેના પ્રત્યે ફરિયાદની લાગણી ન અનુભવાય. જે જે નકારાત્મક લાગણીઓ અંતરમાં લાંબો સમય છવાયેલ રહેતી હોય છે તે તે સઘળી આપણી જીવન પ્રત્યેની ફરિયાદો થઇ. તેને ધીમે ધીમે બહાર કાઢશો ને! અરે! ધીમે ધીમે શા માટે? હમણાં જ, એક સાથે જ તેમને દૂર કરી દો. નકારાત્મક લાગણીઓ ફરી પેદા થશે. તો ફરી, એક સાથે જ દૂર કરીશું. આ નકારાત્મક લાગણીઓ દૂર થવા માત્રથી અંત૨માં જે પરિસ્થિતિ પ્રવર્તમાન રહે છે તેને ઉત્સાહ કહે છે. તમે સમજ્યા હશો તેવી આશા રાખું છું. કોઇ ઓરડામાં ખૂબ ગંદકી હોય, અને ગંદકી દૂર કરીએ તો કેવી સ્વચ્છતા વ્યાપી જાય છે! ગંદકી પછવાડે સ્વચ્છતા તો હતી જ ને! દરેક મનુષ્ય ઉત્સાહપૂર્વક જીવન જીવી શકે છે. પોતાનું આંતરિક જીવન ઉચ્ચતમ કક્ષાએ જીવવાનો ભાવ તે ઉત્સાહ!

જીવન – સંગીતની સરગમ પર બરાબર ધ્યાન આપશો. પછી અલંકાર, અને પછી સંગીત – સાધનામાં આગળ વધજો. અને પછી તમે તમારા જીવનનું ગીત ગાઇ શકશો. લાગણી, ભાવ અને સંવેદનાને સમજણપૂર્વક જીવતાં જીવતાં જીવનનાં બીજાં અન્ય પરિમાણો વિશે તમે શોધ કરી શકો તે માટે કેટલાંક ઉદાહરણોનો માત્ર ઉલ્લેખ કરીએ.

૧. બાળક લાડકોડમાં ઉછરે ત્યારે તેનો વિકાસ નથી થતો, તેમ આપણે કહીએ છીએ. હકીકતે શું થતું હોય છે? બાળકના રુદનમાત્રથી, બાળકના નારાજ થઇ જવાથી જે માબાપ વિક્ષુધ્ધ થઇ જાય, અને બાળકની દરેક ઇચ્છા સામે ઝૂકી જાય ત્યારે બાળકના વિકાસ સંદર્ભે હકીકતે શું થતું હોય છે?

૨. આપણે કઇ કઇ હકારાત્મક, નકારાત્મક લાગણીઓ અનુભવતાં હોઇએ છીએ? દરેક લાગણી અન્ય લાગણીઓથી કેવી રીતે ભિન્ન છે? દરેક લાગણી કેવી રીતે ઉદ્ભવે છે? તે કેવી રીતે પ્રતિક્રિયાઓની શૃંખલા બનાવે છે?

૩. જીવનના મૂળભૂત સિદ્ધાંતો, વાસ્તવિકતાઓનો ભાવવિશ્વના નિર્માણ સાથે શો સંબંધ છે? એવા કેટલા, ક્યા ક્યા સિદ્ધાંતો છે જેમને તમે અગ્રિમતાના ધોરણે જીવનમાં ઉતારવા (જીવનમાં ઉતારવું એટલે શું?) ઉત્સુક છો? આમ તમે કેવી રીતે કરશો? તેમાં ક્યા ક્યા અવરોધો – નબળાઇઓ આવશે તેવું તમે જોઇ શકો છો? દરેક સમસ્યાને હંમેશાં, હંમેશાં અવસર તરીકે જ તમે સંવેદો તેવું કેવી રીતે બની શકે?

૪. અન્ય મનુષ્યો કે બાહ્ય પરિસ્થિતિ કેટલા અંશે તમને અસર કરી શકે છે? તમે કેટલી બાબતોમાં પ્રતિભાવ આપી શકો છો? ક્યાં ક્યાં અસહાયપણે ખેંચાઓ છો? આ દરેક પરિસ્થિતિમાં આમ ખેંચાવાની જગ્યાએ તમે પ્રતિભાવ આપી શકો છો, તેમ તમે દરેક પરિસ્થિતિ – સાપેક્ષ જોઇ શકો છો?

૫. તમે અન્ય મનુષ્યો કે જીવો કે ઘટનાઓ કે બાહ્ય જીવન પરત્વે કેટલા સંવેદનશીલ છો? આ સંવેદનાઓને તમે કેવી રીતે જીરવો છો? શું તમે લાગણીમય થઇ જાઓ છો? આ સંવેદનાઓનો પ્રતિભાવ આપતાં અને પરિણામે તમે ભાવસભર રહી શકો છો?

૬. તમારાં માતાપિતા પરત્વે તમારી આંતરિક વાસ્તવિકતાઓ શું છે? તમારા અન્ય વડીલો, તમારા ઉપરીઓથી તમે ગભરાઓ છો? તમારા નિર્ણયો લેવા માટે તમે તેના પર અવલંબિત છો?

૭. તમે ‘લગ્ન’ની ઘટનાથી ગભરાઓ છો? તમે અમુક જ વ્યક્તિ સાથે રહી શકશો તેમ માનો છો? તેવું કેમ માનો છો? તેવું અસહાય જીવવું પસંદ કરશો? જે પસંદ કરશો તેની સાથે ભાવ જોડી જોશો. તમારી ખુમારી બદલાશે.

૮. લગ્નમાં પલાયનવાદ હોઇ શકે? લગ્નમાં ‘પરાવલંબન’ કેવી રીતે હોઇ શકે? પરાવલંબન (મનોવૈજ્ઞાનિક અવલંબન, લાગણીશીલતા) જીવન – અવરોધક હોય તો પરાવલંબિત મનોસ્થિતિમાં લગ્ન કરવાં ઉચિત છે? લગ્ન કરવા માટે આદર્શ મનોસ્થિતિ શી હોવી જોઇએ? તેને ભાવપૂર્વક જીવનમાં કેવી રીતે ઉતારશો?

૯. સંતાનોના હૃદયની કેવળણી માતાપિતાની જવાબદારી હોય તે સ્વાભાવિક છે. તે માટે માતાપિતાની પૂર્વભૂમિકા શું હોવી જોઇએ? સંતાનો સમક્ષ તેમના આચારનું મહત્ત્વ સંતાનોના હૃદયની કેવળણીના સાપેક્ષે કેટલું? કેવી રીતે? સંતાનો ભાવથી જીવતાં શીખે તે માટે માતાપિતાએ શું કરવું જોઇએ? સંતાનોની સંવેદનશીલતા વિકસે તે અર્થે માતાપિતા શું કરી શકે? તમે એક સારા માતાપિતા બનવા માટેની કેવળણી પ્રાપ્ત કર્યા પહેલાં સંતાનોને જન્મ નહીં આપો ને!

૧૦. ઉપરની તમામ બાબતો શિક્ષકને કેવી રીતે લાગુ પડે? આપણા દેશની હાલ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં હૃદયની કેળવણી કેટલા અંશે અને કેવા પ્રકારે થાય છે?

૧૧. હવે તમે ચારિત્ર્ય – ઘડતર શાને કહેશો? તમારું ખુદનું ચારિત્ર્ય -ઘડતર કેવી રીતે કરશો? ચારિત્ર્યવાન વ્યક્તિ કોને કહેશો? તેવી વ્યક્તિનાં લક્ષણો શું? તમને ચારિત્ર્યવાન વ્યક્તિ બનવું ગમશે? જરા શોધશો, કે તે માટે બૌદ્ધિક ઇચ્છા માત્ર ધરાવો છો કે ઉત્કટ ભાવ અનુભવો છો? ભાવનાં ત્રણ લક્ષણો ધ્યાનમાં રાખશો.

જો સંગીતનું સર્જન સાત સ્વરોના સંયોજનથી થાય છે તો સર્વત્ર સંગીતમાં સાત સ્વરોમાંના કોઇકની હાજરી તો અવશ્ય હોય છે. તો જીવનમાં પણ સર્વત્ર લાગણી, ભાવ અને સંવેદનાના તાણાવાણા હોય જ છે ને!

હવે જીવન જાતે બનાવશો ને!

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.