શ્રીરામકૃષ્ણ આશ્રમ ગ્રામ્યવિકાસ સેવાકાર્યના ઉપક્રમે રાજકોટ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્ય કરવા માટે શ્રીરામકૃષ્ણ સેવા સમિતિની રચના કરવામાં આવી છે, જેનું સંચાલન શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. ‘શિવજ્ઞાને જીવસેવા’ કરવાના આદર્શ પર રચાયેલી આ સમિતિના પ્રેરણાસ્ત્રોત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજ છે. છેલ્લાં પાંચેક વર્ષથી આ સમિતિ કાર્યરત છે. પ્રથમ બે વર્ષ કસ્તુરબા ધામ (ત્રંબા) અને છેલ્લાં ત્રણ વર્ષથી અણિયારા મુકામે કાર્ય ચાલી રહ્યું છે.

દર રવિવારે શૈક્ષણિક તથા વૈદ્યકીય સેવાઓ આપવામાં આવે છે જેનો ટૂંકો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

દર રવિવારે શૈક્ષણિક પ્રવૃત્તિની શરૂઆત પ્રાર્થના તથા ભજન દ્વારા કરવામાં આવે છે. બાળકોને ઔપચારિક તથા અનૌપચારિક એમ બંને પ્રકારનું શિક્ષણ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે.

(૧) શારીરિક શિક્ષણના ભાગરૂપે બાળકોને સ્વચ્છતાના પાઠ, વ્યાયામ, સૂર્યનમસ્કાર તથા પ્રાથમિક પ્રકારનાં યોગાસનો અને રમતો શીખવવામાં આવે છે.

(૨) સંગીત તરફ અભિરુચિ કેળવવા માટે બાળકો દ્વારા બાલગીતો, શૌર્યગીતો, લોકગીત, દુહા, છંદ વગેરે ગવડાવવામાં આવે છે.

(૩) બાળકોને મહાપુરુષનાં જીવનમાંથી પ્રેરણામળે, જીવનનું ધ્યેય નક્કી કરવા માટે ઉપયોગી બને તથા વાંચનશૈલી અને વક્તૃત્વ શક્તિનો વિકાસ થાય એ હેતુથી મહાપુરુષોના તથા વૈજ્ઞાનિકોનાં સંક્ષિપ્ત જીવનચરિત્રોનું વાંચન કરાવવામાં આવે છે. વિવિધ પ્રકારની વાર્તાઓ દ્વારા વિવિધ વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે.

ગત પાંચ વર્ષો દરમ્યાન ત્રંબા, રાજસમઢિયાળા, ગઢકા, માલિયાસણ, અણિયારા, કાળીપાટ ગામોમાં આધ્યાત્મિક શિબિરો યોજાઈ છે. તદુપરાંત ત્રંબા તથા અણિયારા મુકામે જન્માષ્ટમી ઉત્સવ તથા ત્રંબા, રાજસમઢિયાળા તથા અણિયારામાં દિવાળી નિમિત્તે સાંસ્કૃતિક ઉત્સવો યોજવામાં આવ્યા હતા.

ત્રંબા તથા આજુબાજુના ગામડાંને આવરી લેતી એક યુવાશિબિર ત્રંબા મુકામે યોજવામાં આવી હતી.

ગત વર્ષ દરમ્યાન અણિયારા, મુકામે મકરસંક્રાન્તિની ઉજવણી રૂપે પતંગ હરીફાઈ યોજવામાં આવી હતી. આઝાદીની સુવર્ણ જયંતી નિમિત્તે ૧૬-૮-૯૭ના રોજ રમત-ગમત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ૧૪-૪-૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીની ઉજવણી રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મા, ઠાકુર તથા સ્વામીજીનાં જીવનના મુખ્ય ઉપદેશોને દર્શાવતાં ત્રણ લઘુનાટકો રજૂ કરવામાં આવ્યાં હતાં.

દરેક ઉત્સવોમાં બાળકોને રમત-ગમતનાં સાધનો, સ્કૂલબેગ, ખાદીની શાલ તથા રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો પુરસ્કાર રૂપે આશ્રમ દ્વારા આપવામાં આવેલ છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા દર રવિવારે આસપાસના વિસ્તારનાં ગામડાંમાં મેડિકલ-કેમ્પનું સુંદર-વ્યવસ્થિત-શિસ્તબધ્ધ આયોજન – છેલ્લાં સાડા પાંચ વર્ષથી ડૉ. ડી.સી. શુક્લ અને ડૉ. એલ.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે.

શ્રીરામકૃષ્ણ સેવા સમિતિના ઉપક્રમે શરૂઆતમા ત્રંબા (કસ્તુરબા ધામ) ખાતે બે વર્ષ અને લગભગ સાડા ત્રણ વર્ષથી અણિયાળા ખાતે એ સેવાકાર્ય ચાલે છે.

દર રવિવારે મેડિકલ ટીમ – જેમાં બે થી ત્રણ ડૉક્ટરો – પેરા-મેડિકલ વોલન્ટિયર્સ જેઓ દવા આપવા તથા સ્વાસ્થ્ય સંબંધી જરૂરી સૂચના આપે છે તથા આ ઉપરાંત શૈક્ષણિક-અભ્યાસકીય પ્રવૃત્તિના કાર્યકરો પણ સાથે જ હોય છે.

ડૉક્ટરો દર્દીઓને ક્રમબદ્ધ તપાસે છે તથા તેમને દવાની સૂચના તથા દવા માટે ભલામણ કરે છે – ને કોઈ દર્દીને વધારે તપાસની જરૂર હોય તો રાજકોટ ખાતે લેબોરેટરી – એક્સ રે – વગેરે તપાસ માટે નિષ્ણાત ડૉક્ટરની મદદની જરૂર પડે તો ત્યાં મોકલી આપીને પૂરતી સંભાળ લેવામાં આવે છે.

આ બધી સેવા નિઃશુલ્ક સેવા છે. શરૂઆતમાં જ – ત્રંબા ખાતે – બે મોટા કૅમ્પનું વિશિષ્ટ આયોજન થયું. જેમાં રાજકોટના પંદરેક ક્ષેત્ર નિષ્ણાતોની નિષ્કામ સેવા મળી હતી જેમાં નિદાન, તપાસ કાર્ય, દવા વગેરે આપવાનું–જરૂરિયાત વાળાઓને ચશ્મા આપવાનું તથા ઑપરેશનની પણ સલાહ – સૂચના આપવામાં આવ્યાં હતાં. આ બધાં જ કાર્યોનું બરાબર અનુકાર્ય થાય તે જરૂરી છે. પ્રથમ કૅમ્પમાં લગભગ ૬૧૨ દર્દીઓ હતા. જ્યારે બીજા કૅમ્પમાં લગભગ ૭૮૫ દર્દીઓ હતા.

આ દરમ્યાન લીંબડી મુકામે પણ બે કૅમ્પનું આયોજન ૧૯૯૫-૯૬માં થયેલું. જેમાં – લગભગ ૬૫૦થી ૭૫૦ દર્દીઓને ચકાસવામાં આવ્યાં હતાં. આ સિવાય ત્યાં આંખનાં ઑપરેશન માટે આશ્રમના વાહનમાં ક્રમે ક્રમે લગભગ પચ્ચીસ થી પાંત્રીસ દર્દીઓને લાવવામાં આવ્યાં હતાં તથા લગભગ સાડા ચારસોથી પાંચસો દર્દીઓને ચશ્માં આપવામાં આવ્યાં હતાં.

આ સિવાય બે નેત્રયજ્ઞો માલિયાસણ ખાતે થયા હતા જેમાં ચશ્મા – દવા આપ્યાં હતાં અને ૩૦ દર્દીઓનાં ઑપરેશન પણ રાજકોટ ખાતે ખાનગી દવાખાનામાં કરાવી આપ્યાં હતાં.

તદુપરાંત – અણિયાળા ખાતે બે નેત્રયજ્ઞ – નિદાન યજ્ઞ થયેલા ત્યાં દવા-ચશ્મા વગેરેનું વિતરણ થયું હતું તેમજ ૩૨ ઑપરેશન માટેની રાજકોટ ખાતે વ્યવસ્થા કરી હતી.

દરેક સાપ્તાહિક કેમ્પમાં – ૭૦ થી ૧૧૦ દર્દીઓને દવા વગેરે આપવામાં આવે છે.

કહેવાની ભાગ્યેજ જરૂર છે કે – આ બધું જ કાર્ય શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીના આશીર્વાદથી ચાલે છે. આ સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે. ગામ લોકો પણ એક અવાજે અમને બધાંને પ્રેમથી આવકારે છે.

પ્રસ્તુતિ : ડૉ. ડી.સી, શુક્લ

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.