વિવિધ નીતિ-નિયમો સાથે ગૃહસ્થ ભક્તો દ્વારા નિયંત્રિત અને સંચાલિત અસંખ્ય કેન્દ્રો દેશભરમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નામે ચાલી રહ્યાં છે. રામકૃષ્ણ-વિવેકાનંદના ભાવ-આંદોલનના મુખ્ય પ્રવાહમાં વાળવાના ઉદ્દાત્ત હેતુ સાથે, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટીઓએ ૧૯૮૫માં આ ખાનગી કેન્દ્રોને એક સંગઠન-સંસ્થાના નેજા હેઠળ લાવવાનો નિર્ણય કર્યો. આ સંગઠન ‘પરિષદ’માં શ્રીરામકૃષ્ણ સંઘના બે કે ત્રણ વરિષ્ઠ સંન્યાસીઓના વડપણ હેઠળ દરેક કેન્દ્રના બે પ્રતિનિધિઓ પણ રહેશે અને આ પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સ્થાને સંન્યાસીઓ રહે. આ સંસ્થા એક સલાહકાર સમિતિ જેવું કાર્ય કરશે. સૌથી અગ્રગણ્ય કેન્દ્રો વારાફરતી ‘પરિષદ’ના નેજા હેઠળ સંયુક્ત રીતે એક વાર્ષિક સંમેલન બોલાવશે. પૂજા, આરતી, આધ્યાત્મિક વાર્તાલાપ, પ્રસાદ વિતરણની સાથે એક દિવસ યુવાનો અને બાળકોને પણ ફાળવશે. બધાં કેન્દ્રોમાં યોજાતી મુખપાઠ, વક્તૃત્વ, સંગીત જેવી વિવિધ સ્પર્ધાઓની ઉચ્ચતમ પૂર્તિ અહીં કરવી. જે ગામ કે શહેરમાં આ મહાસંમેલન મળે ત્યાંની સ્થાનિક શાળા- કૉલેજોનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની એક શોભાયાત્રાનું આયોજન કરવું અને શોભાયાત્રા પછી જાહેરસભાનું પણ આયોજન કરવું – આવું નક્કી કરવામાં આવ્યું.

શ્રીરામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશને બેલૂર મઠમાં ૧૯૯૮નાં જૂન માસની ૫ અને ૬ તારીખે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ (RVBPP)નું મહાસંમેલન યોજાયું હતું. ભારતભરની ૧૫ રાજ્ય પરિષીના ૬૦૦ જેટલા પ્રતિનિધિઓએ એમાં ભાગ લીધો હતો. બે દિવસના સાત સત્રમાં ‘રાષ્ટ્ર ઘડતર માટે સમર્પિત એવી રામકૃષ્ણ ભાવધારામાં આ (RVBPPS) પરિષદોને કેવી રીતે રૂપાંતરિત કરવી’ એ વિષયને ચર્ચામાં લેવાનું નક્કી કર્યું. આ વિષયના ત્રણ મુદ્દાઓ પર સઘન ચર્ચા થઈ.

વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫ જૂન ’૯૮ શુક્રવારે સવારે ૮ઃ૩૦ વાગ્યે આ સંમેલનનું મંગલ ઉદ્‌ઘાટન થયું. શ્રીરામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજે પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આશીર્વચન – પ્રવચન આપ્યું. રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજીએ ‘રાકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કેન્દ્રવર્તી આદર્શો’ વિશે પ્રવચન આપ્યું હતું. સ્વામી તત્ત્વબોધાનંદજીએ આભારવિધિ કર્યો હતો.

બીજા સત્રમાં ૧૫ રાજ્ય-પરિષદના પ્રતિનિધિઓએ પોત -પોતાનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કર્યો હતો. આ સત્રના સંચાલક સ્વામી શિવમાયાનંદજીએ વિષયની સંમેલનમાં છણાવટ કરીને આ સંમેલનની આવશ્યક્તા વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી સ્વામી પ્રમેયાનંદજીએ પોતાનું પ્રવચન આપ્યું હતું. બપોર પછી ૩ઃ૩૦ વાગ્યે મળેલા ત્રીજા સત્રમાં-પરિષદનું નવીનીકરણ અને તેના સંચાલનની બાબતોનું મહત્ત્વ-વિશે ચર્ચાઓ થઈ. આ ચર્ચામાં ઉત્તર પૂર્વાચલ પરિષદના શ્રી વિજય ભટ્ટાચાર્ય, નાદિયા – વીરભૂમ મુર્શિદાબાદ પરિષદના શ્રી સાઈદાસ ચેટરજી, વિદર્ભ અને મરાઠાવાડા પરિષદના શ્રી ડૉ. બી.ટી. અડવાણી, આંધ્ર પરિષદના શ્રી ડૉ. પી. શ્યામ સુંદર મૂર્તિ, બિહાર પરિષદના શ્રી ગંગાધર મુખરજી ઉપરાંત તારકનાથ તરફદાર, મુઝફ્ફરપુરના સ્વામી પ્રબુદ્ધાનંદજી અને સ્વામી રઘુનાથાનંદજીએ ભાગ લીધો હતો. સ્વામી પ્રભાનંદજીએ પોતાનું અધ્યક્ષીય વ્યાખ્યાન આપ્યું હતું.

૬ જૂનના સવારના ૪થા સત્રમાં, ‘રાષ્ટ્રના ઘડતર માટે શ્રીરામકૃષ્ણ ભાવઆંદોલનની ભૂમિકા’ વિષયની ચર્ચા થઈ હતી. સ્વામી પ્રભાનંદજીએ એ વિષયની છણાવટ કરતું મુખ્ય પ્રવચન આપ્યું હતું. સ્વામી સત્યરૂપાનંદજી, ઓરિસ્સાના પ્રો. તત્ત્વકાનદાર મિશ્રા, નાદિયા વીરભૂમ મુર્શિદાબાદના શ્રીમતી નમિતા ભટ્ટાચાર્ય, મધ્યપ્રદેશના ડૉ. ઓમપ્રકાશ વર્મા અને સ્વામી ભજનાનંદજીએ આ ચર્ચામાં ભાગ લીધો હતી. આ સત્રના અધ્યક્ષ સ્થાનેથી સ્વામી સ્મરણાનંદજી મહારાજે પોતાનું પ્રવચન આપ્યું હતું.

પાંચમાં સત્રમાં (૧) મંદિર-પૂજા ઘરની આવશ્યક્તા અને મંદિરોનાં વૃદ્ધિ-વિકાસ (૨) સાચી સેવા ભાવના – એ બે વિષયો પર ચર્ચા કેન્દ્રિત રહી. સ્વામી સુવીરાનંદજી, ત્રિપુરાના શ્રી હરિલાલ પોદ્દેર અને સ્વામી ગિરિશાનંદજીએ પહેલા વિષય પર મનનીય પ્રવચનો કર્યાં. આ વિષયની ચર્ચામાં અધ્યક્ષ સ્થાનેથી સ્વામી તત્ત્વબોધાનંદજીએ પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. બીજા વિષય પર સ્વામી શશાંકાનંદજી, સ્વામી નિખિલાત્માનંદજી અને સ્વામી શ્રીકરાનંદજીએ વક્તવ્યો આપ્યાં હતાં. સ્વામી રામાનંદજીએ પોતાનું અધ્યક્ષીય વ્યાખ્યાન આપ્યું હતું.

છઠ્ઠા સત્રમાં ‘રામકૃષ્ણ ભાવ આંદોલનમાં પરિષદોની પૂરક ભૂમિકા’ એ વિષય ચર્ચાના એરણે ચડ્યો હતો. સ્વામી શિવાયાનંદજીના મુખ્ય માર્ગદર્શક પ્રવચન સાથે સત્રનો પ્રારંભ થયો. બિહારના ડૉ. કેદારનાથ લાભ, મહારાષ્ટ્રના શ્રી કાર્વી, ઓરિસ્સાના ઉપેન્દ્રનાથ દાસ, સ્વામી સ્વાત્માનંદજી, સ્વામી હિતકામાનંદજી, સ્વામી સુહિતાનંદજીએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. સ્વામી વાગીશાનંદજીએ પોતાનું અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું.

સાતમા અને સમાપન સમારંભમાં મધ્યપ્રદેશના સુવિમલ ભટ્ટાચાર્યજી, વિજય ભટ્ટાચાર્ય અને સ્વામી સુમેધાનંદજીએ પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી શિવમાયાનંદજી આ સંમેલનમાં પ્રતિનિધિઓના મનમાં ઊભા થયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ સત્રના અધ્યક્ષ સ્વામી લોકેશ્વરાનંદજીના પ્રવચન પછી સ્વામી સ્મરણાનંદજીએ આભાર દર્શન કર્યુ હતું. એક સમૂહગાન સાથે આ મહાસંમેલન પૂર્ણ થયું.

સંકલન : શ્રી મનસુખભાઈ મહેતા

ખાનગી કેન્દ્રો માટે માર્ગદર્શક સૂચનો

પરિષદના સભ્ય બનવા માટે નીચેના નિયમોનું પાલન કરવું કેન્દ્રો માટે અનિવાર્ય રહેશે.

૧. આવાં કેન્દ્રોએ સોસાયટી રેગ્યુલેશન એક્ટ મુજબ ધાર્મિક ટ્રસ્ટ તરીકે નામનોંધણી કરાવવી પડશે. આ સંસ્થાએ રામકૃષ્ણ મઠ-મિશનના નૈતિક અને આધ્યાત્મિક આદર્શોને અનુસરવા પડશે અને મઠ-મિશનની જેમ પ્રવૃત્તિઓનું સંચાલન કરવું પડશે.

૨. આ સંસ્થાએ મઠ-મિશન સાથે નજીકનો અને સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવાનો રહેશે અને એમના પ્રત્યે વફાદારીપૂર્વકનાં સંબંધ-વ્યવહાર રાખવા પડશે.

૩. સંસ્થા રાજકારણ કે રાજકીય પક્ષ સાથે સંબંધ રાખી શકશે નહીં અને મઠ-મિશને માન્યતા ન આપી હોય તેવા મંડળો-સમુદાયો કે સંસ્થાઓ સાથે સંબંધ નહીં રાખી શકે.

૪. જે સંન્યાસીને રામકૃષ્ણ સંઘે બહિષ્કૃત કર્યા હોય અથવા કોઈ લાંછનને લીધે, સંધને છોડ્યો એવા સંન્યાસી આ સંસ્થામાં રહી શકશે નહીં કે એની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખી શકશે નહીં.

૫. સંસ્થાએ પોતાના આર્થિક લેતી-દેતીના નાણાકીય હિસાબો-રાખવા જાળવવા પડશે. અને ચાર્ટડ એકાઉટન્ટ દ્વારા તેમનું નિયમિત ઑડિટ કરાવવાનું રહેશે.

૬. સંસ્થાએ આજુબાજુના ગરીબોનાં દુઃખના નિર્મૂલન કે એને અટકાવવા માટે સેવા કાર્ય કરવાં પડશે.

૭. સંસ્થાએ ગ્રામ્યવિસ્તારના લોકો, પછાતવર્ગના લોકો, આદિવાસી લોકો માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી પડશે.

૮. સંસ્થા પોતાના સ્થાનિક વિસ્તારના યુવાનો માટે સાપ્તાહિક કે માસિક સ્ટડી સર્કલ જેવી પ્રવૃત્તિઓ તેમજ નિબંધ, મુખપાઠ, સંગીત, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરશે. પુખ્તવયનાં યુવા ભાઈઓ અને બહેનોનાં અલગ અલગ સ્ટડી સર્કલ રાખવાં.

૯. ધર્મશાસ્ત્રોના વર્ગના સંચાલન ઉપરાંત સંસ્થાએ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યનું વેચાણ કરવાનું રહેશે અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરવાનું રહેશે.

૧૦. જ્યારે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે સંસ્થાએ આપત્તિગ્રસ્ત વિસ્તારનાં પીડિતો માટે રાહત-સેવા કાર્ય સ્વતંત્ર રીતે કે મિશનની રાહબરી હેઠળ હાથ ધરવાનાં રહેશે.

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.