ભગવાન બુદ્ધ માનવજાતના ભ્રાતૃભાવના ઉપદેશક હતા. ‘આર્યો કે અનાર્યો, જાતિ કે અજાતિ, સંપ્રદાય કે અસંપ્રદાય, બધાંને ઈશ્વર માટે સમાન હક છે. ધર્મ, સ્વાતંત્ર્ય અને મુક્તિનો પણ બધાંને એક સરખો અધિકાર છે. બધાં મારી પાસે આવો.’ … ‘એક બીજાંનાં ગળાં કાપવાં કરતાં પવિત્રતા દ્વારા ઈશ્વરની વધુ નજીક જઈ શકાશે તેમ તમને નથી લાગતું? તેથી હું તમને કહું છું કે પવિત્ર બનો અને બધાંને ચાહો. બસ, એ જ પૂરતું છે.’… તેમણે ચાળીસ શિષ્યોને જગત ભરમાં મોકલ્યા અને કહ્યું, ‘જાઓ, બધી જાતિઓમાં ભમો, બધાં રાષ્ટ્રોમાં ઘૂમો. ઘૂમો અને સર્વકલ્યાણની શુભવાર્તા બધાંને શીખવો. સર્વજનકલ્યાણ માટે – સર્વજન હિતાય, સર્વજન સુખાય.’… આખી જિંદગી તેઓ આગ્રહી રહ્યા. નબળાઈઓ સામે કદી ઝૂક્યા નહીં… મને ગમે છે તેમની કાર્ય પદ્ધતિ. સૌથી વધુ તો મને ગમે છે આ મહાન ધર્મગુરુ. કારણ કે તેઓ પ્રજ્ઞાવાન, મેધાવી, શક્તિસંપન્ન અને સ્પષ્ટ વિચારોવાળા મહામાનવ હતા. તેમના મનમાં કોઈ ગૂંચવાડાઓ ન હતા. જ્યારે રાજ્યો પણ તેમના શરણે આવ્યાં ત્યારે તેમને સ્વસ્થપણે કહ્યું, ‘હું તો માનવોમાંનો એક માનવ છું.’…. પોતાના અંતિમ સમયે બુદ્ધે કહ્યું, ‘ઓ, આનંદ! હું જાઉં છું, મારા માટે રડશો નહિ, મારા વિશે કંઈ વિચારશો નહિ. હું જાઉં છું. તમારા નિર્વાણ માટે તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરજો. તમારામાંનો દરેક મારા જેવો જ માનવ છે. હું પણ તમારામાંનો જ એક છું. હું આજે જે કંઈ છું, તે મેં મારી જાતને મેં જાતે જ સર્જી છે, ઘડી છે, ઘડી ટીપીને બનાવી છે. તમે પણ તેમ કરવા પુરુષાર્થ કરજો.’… ‘પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એટલે માની ન લેવું. તમારા પૂર્વજોએ કહ્યું છે એટલે માની ન લેવું. તમારા જેવા બીજા માનવોની પ્રચલિત માન્યતા છે એટલે પણ માની ન લેવું. દરેક બાબતને કસોટીની એરણે તો ચડાવો જ. કસોટીની એરણ પરથી પાર થાય ત્યારે અને ફક્ત ત્યારે જ તેને ચરિતાર્થ કરો, તેમાં શ્રદ્ધાનું અનુશીલન કરો. અને બહુજન હિતાય, બહુજન સુખાય માટે સુયોગ્ય લાગે તો સર્વકોઈને, દરેકેદરેકને તે અર્પણરૂપે ધરી દો.’ આ શબ્દો સાથે આ મહામાનવે વિદાય લીધી.

આ માનવની પ્રજ્ઞા તો જુઓ. નહીં દેવો, નહીં દાનવો, ન દેવદૂતો – કોઈ જ નહીં – એવું કશું જ નહીં. એકદમ આગ્રહી, પ્રજ્ઞાવાન. મૃત્યુની ક્ષણે પણ મગજનો એકેએક કોષ પૂર્ણ અને મૃત્યુની ક્ષણે પણ સ્વસ્થ. કોઈ પણ પ્રકારનો ભ્રમ નહીં… મારા મતે, – અરે, મારામાં તેમની શક્તિનું એકાદ બુંદ પણ હોત! જગતે કદી ન જોયો હોય તેવો પ્રજ્ઞાવાન મહાપુરુષ! જગતનો સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિવાન ઉપદેશક. એ માનવ કદી અન્યાયી, જુલમી બ્રાહ્મણો સામે ઝૂક્યો નહીં, કદી નમ્યો નહીં. બધે એક જ સમાન. દુઃખી સાથે રડતો, પીડિતોને મદદ કરતો, ગીતો ગાતાં લોકો સાથે ગીતો ગાતો, શક્તિમાન સામે શક્તિમાન અને બધે જ સંપૂર્ણ સ્વસ્થ, શક્તિમાન મહામાનવ!

– સ્વામી વિવેકાનંદ

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા- ભાગ : ૧૨’ માંથી-પાના નં. ૩૩૫-૩૬-૩૭)

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.