મને એ જણાવતાં ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવા માસિકનો ગ્રાહક બન્યો. આપના તરફથી પ્રકટ થતો માસિક અંક અચૂક સમય ફાળવીને હું વાચું છું અને વિચારું છું. તેમાં અપાતા દરેક લેખ જ્ઞાન અને અનુભવના સારાંશનો મહાસાગર છે. એમાંથી જેને જે જોઈતું હોય તે મળે છે. આવા મહાન કાર્ય કરવા બદલ શ્રીરામકૃષ્ણ આશ્રમ તથા તેના સંપાદન અને પ્રકાશન સાથે સંકળાયેલા તમામ વિભૂતિઓને હું આદરણીય માનું છું.

હિતેશ બી. પીત્રોડા, જુનાગઢ

જાન્યુઆરી ૧૯૯૯નો અંક શ્રેષ્ઠ સુંદર અને અત્યંત ઉત્કૃષ્ટ રહ્યો. સંપાદકીયમાં યુવાવર્ગ માટે પંચશીલનો કોઠો મહત્ત્વપૂર્ણ છે. સ્વામી વિવેકાનંદ દ્વારા મળેલ આદર્શ -માનવતાના કાજે સર્વસ્વને સ્વાહા કરીને વિશ્વને બચાવવા માટે કાર્યમાં ઝંપલાવો. દરેક સફળતાઓનું રહસ્ય મનની એકાગ્રતા, આત્મસંયમમાં છે. સ્વામી જિતાત્માનંદનું ‘ગંગાતટે બેલુડ’નો પ્રાસંગિક લેખ સુંદર રહ્યો. કેશવલાલ વિ. શાસ્ત્રીની ‘શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા’ એ લેખ ખૂબ મનનીય રહ્યો. કાવ્યાસ્વાદ પણ ઘણો મજાનો રહ્યો.

દામજીભાઈ નાથાભાઈ ખાટવા, મીઠાપુર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મળે છે. તેમજ અમારા પંચમહાલના આદિવાસી વિસ્તારમાં એણે નવી ચેતના જાગૃત કરી છે. એના વાચનમનનથી આશ્રમશાળાના વિદ્યાર્થીઓમાં નવા સૂર્યનો ઉદય થતો જાય છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા અમને નવું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અમારા વિચારને નવી દિશા તરફ લઈ જતું આ પ્રકાશન છે. ગામ અને સમાજને સારૂં આધ્યાત્મિક – વૈચારિક માર્ગદર્શન મળે છે.

રોઝ શકુન્તલા દલા, દાહોદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અંક મળ્યો, વાંચ્યો અને તેમાં દર્શાવેલ વિગતો જાણી. યુવા વર્ગ માટેનું પંચશીલ ખૂબ ગમ્યું. ઉપરાંત તેમાં આપેલ વાવાઝોડાગ્રસ્તો માટે ‘શ્રીરામકૃષ્ણ નગર’ બનાવવામાં આવ્યું તેની માહિતી પણ વાંચી. ખરેખર આ એક ઉત્તમ માનવસેવા કાર્ય ગણાય. મેં આ પ્રકાશન પહેલીવાર જ વાંચ્યું છે પણ વાંચતાં-વાંચતાં જ મને થયું કે આ પ્રકાશન બીજાને પણ વંચાવવું એ મારી ફરજ છે. આ પ્રકાશન દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી બને એવું છે. આવા જાણવા જેવા લેખો આપતા રહો અને સમાજની ઉન્નતિનાં કાર્યો કરતા રહો. આવાં કાર્યો બદલ અમારા જ્ઞાનજ્યોત પરિવાર તરફથી ધન્યવાદ.

સંજય બી. આદ્રોજા, ધ્રોલ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના બધા જ અંકો સમયસર મળે છે. તેમજ દીવાળી અંક દ્વારા શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા દેશ તથા વિદેશમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી, તેનાથી ખૂબ જ આનંદ થયો. તમને વિનંતી છે કે, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં તમે વધારે ને વધારે યુવાનો માટે લખો. આ માટે તમે ફાધર વાલેસના લેખ અંકમાં આપતા રહો એવી વિનંતી છે.

અભય જે. પંડિત, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું નિયમિત વાચન થાય છે. અંક નિયમિત મળે છે. સ્વામી વિવેકાનંદનાં પ્રવચનોનું વાચન ગમે છે. અંકોમાં સમાચાર દર્શન – સચિત્ર ઝલક સાથે ખૂબ સુંદર રીતે પ્રકાશિત કરો છો. આજના સાંપ્રત સમયમાં સેવાની આવી ઉચ્ચ અને વ્યાપક ભાવના અત્યંત પ્રેરણાદાયક બની રહેશે.

હરસુખ સાણથરા, જામનગર

અંક ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૯ મુખ-પૃષ્ઠ ઉપર રામકૃષ્ણનો ફોટો જોઈ ખૂબ જ આનંદ થયો, તમે દર માસે આવી જ રીતે સ્વામી વિવેકાનંદ અને મા શારદાદેવીના જુદા જુદા ફોટા મૂકો એવી પ્રાર્થના છે. અંક સરસ છે.

પ્રદ્યુમ્નસિંહ જે. સરવૈયા, ચિતલ

ફેબ્રુ. ‘૯૯ના અંકમાં ‘આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ’ લેખ વાંચીને મારું અંતર ખૂબ જ પ્રભાવિત થઈ પ્રસન્ન થયું છે. આજના યુગમાં-અનેક સુવિધાઓ વિજ્ઞાને માનવજાતને પૂરી પાડી છે, છતાં દરેક માણસ અંતરથી શોક, દુઃખ, યાતના ભોગવી રહ્યો છે. એ આંતરિક શોક, દુઃખ, યાતના વગેરે દૂર કરવાનું સાધન માત્ર આત્મજ્ઞાન-પ્રભુનું જ્ઞાન છે. તેની સહાયથી જ માણસ પોતાના દુઃખ-શોકથી પર રહી શકે છે. આત્મજ્ઞાન પ્રભુજ્ઞાન પ્રાપ્ત કરવા આપણા ઉપનિષદો કેટલા સહાયક છે તેનો કોઈને ખ્યાલ નથી. આજના યુગમાં ઉપનિષદોનું જ્ઞાન ખૂબ જ આવશ્યક છે.

કે. એમ. જોષી, વડોદરા.

ફેબ્રુ. ‘૯૯ના ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નાં મુખપૃષ્ઠ ઉપર શ્રીરામકૃષ્ણ ભગવાનની છબી જોતાં જ મન પુલકિત થઈ જવા લાગે.

‘શિવ શિવ આરતી તોમાર’ સંપાદકીય લેખ, શ્રીમનસુખભાઈ મહેતાનો અરુણાચલ પ્રદેશનો પ્રવાસ અને અન્ય લેખો ઊર્મિઓથી આનંદ વિભોર બનાવીદે તેવા છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું વાંચન અધ્યાત્મ ભાવ સાથે ઉન્નત જીવન જીવવાનું ઉત્તમ સાધન છે.

ડૉ. વિદ્યાદેવી ઉપાધ્યાય, કોલોરાડો (યુ.એસ.એ.)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.