૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે એની સુગંધથી આકર્ષાઈ, ઉંદરો તેમાં પકડાઈ જાય અને, કોઠારમાંના ચોખા સલામત રહે. જીવનું પણ તેવું જ છે. એ બ્રહ્માનંદને ઉંબરે ઊભો છે; સંસારના કોટિકોટિ આનંદો કરતાંય એ ચડિયાતો, પણ એ પરમ આનંદને માટે યત્ન કરવાને બદલે, જીવ સંસારની ક્ષુલ્લક બાબતોમાં પડી માયાના પિંજરામાં પકડાય છે ને ફંદામાં પડી મૃત્યુ પામે છે.

૧૦. એક પંડિતઃ થિયૉસૉફિસ્ટો કહે છે કે, ‘મહાત્માઓ’નું અસ્તિત્વ છે. વળી તેઓ કહે છે કે, નક્ષત્ર લોક, ચંદ્ર લોક, સૂર્ય લોક, દેવયાન લોક વ. અસ્તિત્વ ધરાવે છે અરે, માનવીનું સૂક્ષ્મ શરીર આ બધા લોકમાં વિહાર કરી શકે છે. એ લોકો આવી ઘણી વાતો કરે છે. મહાશય, થિયૉસૉફી વિશે આપનો શો મત છે?

ઠાકુરઃ માત્ર ભક્તિ જ શ્રેષ્ઠ છે – ઈશ્વર પ્રતિ ભક્તિ. એ લોકોને ભક્તિની પડી છે ખરી? પડી હોય તો ઠીક છે. એમનું ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર હોય તો સારું. પણ ઈશ્વરની ખોજ માટે આ સૂર્ય લોક, ચંદ્ર લોક, નક્ષત્ર લોક જેવી ક્ષુલ્લક બાબતોમાં ગુંચવાઈ જવું બરાબર નથી. ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ જાગે એ માટે સાધના કરવી જોઈએ; વ્યાકુળ હૃદયથી એને માટે રુદન કરવું જોઈએ. વિવિધ વસ્તુઓમાં ભટકતા મનને ત્યાંથી ઉઠાવી લઈ, સંપૂર્ણપણે એનામાં કેંદ્રિત કરવું જોઈએ. ઈશ્વર વેદમાં, વેદાંતમાં કે કોઈ શાસ્ત્રમાં નથી. પ્રાણની વ્યાકુળતા વિના કશું પ્રાપ્ત કરી શકાતું નથી, તીવ્ર ભક્તિથી એને માટે પ્રાર્થના કરવી જોઈએ અને સાધના કરવી જોઈએ. ઈશ્વર સરળતાથી પ્રાપ્ત કરી શકાતો નથી. સાધના જરૂરી છે.

૧૧. શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે? કોઈને પણ આખો દહાડો ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે, કેટલાક બપોરના ૨.૦૦ પછી અને બીજા વળી સાંજે સૂર્યાસ્ત પછી. એ જ રીતે, એક કે બીજે સમયે, આ ભવમાં કે, કેટલાક ભવ પછી, સૌ ભગવાનને પ્રાપ્ત કરશે, કરવો જ જોઈએ.

૧૨. ઘ૨ની ઓસરીમાં બાળકો ઢીંગલાંથી મન ફાવે તેમ રમતાં હોય છે; કશી ચિંતા કે કશા ભય વિના એ બેફિકર રમતાં હોય છે. પણ જેવી મા ઘરે આવી કે, પોતાનાં રમકડાંનો ઘા કરી, ‘બા,’ ‘બા’ કરતાં એને વળગી પડે છે. માનવી! તું પણ એ રીતે સંસારમાં પૈસાનાં, માનનાં, કીર્તિનાં રમકડાં સાથે રમી રહ્યો છો અને કોઈ ભય કે ચિંતા તને નથી, પણ જો એક વાર, ભવતારિણી માનાં દર્શન પામે તો, પછી તમે આમાં કશામાં રસ નહીં રહે. આ બધું છોડી તું મા પાસે જ દોડી જઈશ.

૧૩. દરિયામાં ઊંડે મોતી પડ્યાં છે પણ એ મોતી મેળવવા માટે તમારે જાનનાં જોખમ ખેડવાં પડે. એક ડૂબકીએ એ હાથ ન લાગે તો, દરિયામાં મોતી નથી એમ નિર્ણય ન બાંધી લો, ફરી ફરી ડૂબકી મારો અને અંતે તમે એ પ્રાપ્ત કરશો જ. એ રીતે, ઈશ્વરની ખોજમાં, એને જોવાનો પહેલો પ્રયત્ન સફળ ન થાય તો, નાહિમ્મત ન થતા. ખંતપૂર્વક કોશિશ કર્યે જાઓ અને અંતે તમને એ પ્રાપ્ત થશે જ.

૧૪. સનાતન જ્ઞાન અને આનંદ સ્વરૂપનું ધ્યાન ધરો અને, તમારી ઉપર કૃપા વર્ષશે. કૃપા સનાતન છે, માત્ર એ અજ્ઞાનથી આચ્છાદિત અને અદૃશ્ય રચાયેલું છે. ઇન્દ્રિય વિષયોનો મોહ જેટલો ઓછો તેટલી ઈશ્વરપ્રીતિ વધુ.

૧૫. માણસની પાસે પૈસો હોય તેથી એ સમૃદ્ધ નથી બની જતો. સમૃદ્ધ માણસના ઘરની નિશાની એ છે કે એના ઘરના ઓરડે ઓરડામાં દીવા બળતા હોય.

આ દેહમંદિરને અંધારામાં રાખવું જોઈએ નહીં; જ્ઞાનદીપથી એને પ્રજ્વલિત રાખવું જોઈએ. ‘જ્ઞાનપ્રદીપ જલાવી ઘરમાં, મા કેરું મુખ દેખોને.’ દરેક વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જીવાત્મા છે અને પરમાત્મા છે. દરેક જીવાત્મા પરમાત્મા સાથે સંલગ્ન છે. દરેક ઘરમાં ગેસનું જોડાણ છે અને, ગેસ કંપની પાસેથી ગેસ મળી શકે છે. માત્ર યોગ્ય અધિકારીને અરજી કરો અને તમને ગેસ મળે. પછી તમારા ઘરમાં ગેસના દીવા ચાલુ.

– હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.