૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે.

૨૯. દરેક ઉપાધિના વધારા સાથે જીવનું સ્વરૂપ બદલાય છે. લહેરી લાલો બની માણસ કાળી કિનારનું મલમલનું ધોતિયું પહેરી નીસરે છે ત્યારે, નિધુબાબુનાં પ્રેમગીતો એ ગણગણવા લાગે છે. વિલાયતી ઢબના બૂટ કોઈ લબાડને પણ ગર્વથી ફુલાવે છે; એ સિસોટી વગાડવા લાગે છે અને, સીડી ચડતો હોય તો, સાહેબની જેમ ઠેકતો ચડે છે. એના હાથમાં કલમ આવી પડે તો, હાથે ચડતા કોઈ પણ કાગળ ઉપર એ ચિતરામણ કરવા લાગે છે.

૩૦. સાપ એની કાંચળીથી ભિન્ન છે તેમ જ, આત્મા શરીરથી ભિન્ન છે.

૩૧. આત્મા નિર્લિપ્ત છે. સુખદુ:ખ, પાપપુણ્ય, પણ આત્માને કદી સ્પર્શી શકતું નથી; પણ ધુમાડો દીવાલોને કાળી કરે છે પરંતુ, એમની વચ્ચેની જગ્યાને-અવકાશને-નથી કરતો તેમ, દેહાસક્તિવાળા આત્માને એ દ્વંદ્વો અસર કરે છે.

૩૨. વેદાંતીઓ કહે છે કે, આત્મા પૂર્ણપણે નિર્લિપ્ત છે. પાપ કે પુણ્ય, સુખ કે દુ:ખ એને સ્પર્શી શકતાં નથી; પરંતુ જેને દેહની મમતા છે તેને એ સૌ પીડે છે. ધૂમાડો ભીંત બગાડી શકે, આકાશને કશું કરી શકે નહીં.

૩૩. મનુષ્યોમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ હોય તે પ્રમાણે તેમનામાં પ્રકૃતિભેદ હોય છે.

૩૪. તત્ત્વત: બધા આત્મા એક જ છે છતાં, એમની સ્થિતિ અનુસાર તેમના ચાર ભેદ છે, બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્યમુક્ત; બદ્ધ સદા બંધનમાં જ રહે છે, મોક્ષ માટે યત્ન કરે તે મુમુક્ષુ છે, એ રીતે યત્ન કર્યાને પરિણામે મુક્ત થયેલા તે મુક્ત અને જે કદી બંધનમાં ફસાતા નથી તે નિત્યમુક્ત.

૩૫. જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરીય કોશિશ ન કરી. બીજાં કેટલાંકે છટકવા કોશિશ કરી અને કૂદકા માર્યા પણ ન સફળ થયાં. માછલાંઓનો ત્રીજો વર્ગ ગમે તેમ કરી છટકી શક્યો – આ, બદ્ધ, મુમુક્ષુ અને મુક્ત જીવોનાં ઉદાહરણ.

[- હવે પ્રસિદ્ઘ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.