ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ કે નથી આનંદ. ફક્ત દોઢ જ વરસમાં ત્રણ ત્રણ ચૂંટણીઓ યોજવી પડે અને દરેક સરકાર સ્પષ્ટ બહુમતિના અભાવે અન્ય પાર્ટીઓના ટેકાથી ચાલે અને ક્યારે ટેકો ગુમાવી બેસશે, એવા લટકતી તલવાર જેવા ભયના ઓથાર હેઠળ શાસન કરે, એવી દયનીય સ્થિતિ આજે આપણા રાજકારણમાં સર્જાઈ ગઈ છે. ભારતની લોકસભામાં ખેલાતા દૃશ્યો જોઈને આપણા મસ્તક શરમથી ઝૂકી જાય છે અને મનમાં વિચાર આવે છે કે, આવા દિવસો માટે શું આપણા વડવાઓએ આઝાદી માટેનો સંગ્રામ ખેલ્યો હતો? સર્વત્ર સ્વાર્થ, સંપત્તિની એષણા, સત્તાલોલુપતા, સાંપ્રદાયિકતા અને સંકુચિત મનોવૃત્તિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને આ બધાંએ ભારત વર્ષને એવી હીન દશામાં ધકેલી દીધું છે કે જેની આઝાદીના લડવૈયાઓએ કદી કલ્પના પણ કરી ન હતી.

‘ટાઈમ’ મૅગેઝીને સમગ્ર વિશ્વના પ્રથમ દસ ભ્રષ્ટાચારી દેશોની યાદી બહાર પાડી છે, તેમાં ભારતનું સ્થાન આઠમું છે. અલબત્ત પ્રથમ સ્થાન નથી, એ આશ્વાસન છે. પણ જેનું ઋષિમુનિઓએ ઘડતર કર્યું, જે તપ અને ત્યાગના પાયા ઉપર ઊભેલી છે, એ મહાન સંસ્કૃતિ ધરાવતા ભારતદેશનું વિશ્વના ભ્રષ્ટાચારી દેશોમાં આઠમું સ્થાન આવે તે આપણા માટે ઘણું મોટું લાંછન કહેવાય. તો કેળવણીની બાબતમાં વિશ્વના પછાત ગણાતા દેશોમાં ભારત છે. વિશ્વના કુલ નિરક્ષર બાળકોના ૨૨ ટકા બાળકો ભારતમાં છે. એ જ રીતે સૌથી વધુ પ્રૌઢ નિરક્ષરોના ૪૦ ટકા નિરક્ષરો ભારતમાં છે. ભારતમાં અભણ લોકોનું પ્રમાણ ૩૬ ટકાનું છે અને બહેનોમાં તો આ પ્રમાણ ૬૦ ટકાનું છે. દરિદ્રતામાં પણ ભારતનો નંબર આગળ છે. ભારતમાં ૨૫ ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવે છે. એટલે કે એમની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષાતી નથી. ભારતમાં ૨૨ કરોડ લોકોને એક ટંક પૂરતું ભોજન પણ મળતું નથી. તો બીજી બાજુ અનેક ફાઈવસ્ટાર હૉટેલોમાં મિજબાનીઓમાં કેટલુંય અન્ન વેડફાતું જોવા મળે છે. નિરક્ષરતા અને દરિદ્રતાએ ભારતના કરોડો લોકોનું હીર ચૂસીને તેમને નિષ્પ્રાણ બનાવી દીધા હોય તેવું લાગે છે. આજથી બરાબર સો વર્ષ પહેલાં, ૧૮૯૯ના માર્ચમાં, સ્વામી વિવેકાનંદે ‘વર્તમાન ભારત’ના લેખમાં આપણા દેશના લોકોની જે મનોવૃત્તિનું ચિત્ર રજૂ કર્યું હતું, તે વર્તમાનમાં પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું: ‘એક અભેદ્ય અંધકારનું વાદળ અત્યારે આપણને સહુને ઘેરી વળ્યું છે. હવે નથી રહી લક્ષ્ય સાધ્ય કરવાની દૃઢતા, નથી કોઈ સાહસ કરવાનું શૌર્ય, નથી હૃદયની હિંમત કે નથી મનની મક્કમતા; નથી રહ્યો બીજાઓ તરફથી કરવામાં આવતી સતામણી સામેનો વિરોધ, કે નથી રહ્યો ગુલામી પ્રત્યેનો અણગમો. નથી હૃદયમાં પ્રેમ, નથી આશા કે નથી મર્દાનગી. પણ ભારતમાં આજે જે દૂષણો રહ્યાં છે તે, આ ઘર ઘાલીને બેઠેલી ઈર્ષ્યા, એક બીજા તરફનો સખત અણગમો, ગમે તેમ કરીને નિર્બળનો નાશ કરવાની અધમ ઇચ્છા, કૂતરાની માફક બળવાનના પગ ચાટવાની શ્વાનવૃત્તિ! હવે ઊંચામાં ઊંચો સંતોષ રહ્યો છે, લક્ષ્મી અને સત્તાની પ્રદર્શનમાં, ઊંચામાં ઊંચી ભક્તિ રહી છે, સ્વાર્થ સિદ્ધિમાં. ઊંચામાં ઊંચું જ્ઞાન રહ્યું છે, ક્ષણભંગુર વસ્તુઓનો સંગ્રહ કરવામાં. હવે યોગ રહ્યો છે, તેની ઘૃણાજનક પિશાચી ક્રિયાઓમાં, કર્મ રહ્યું છે, બીજાંઓની ગુલામી કરવામાં, સંસ્કૃતિ રહી છે, પરદેશી પ્રજાના હીન અનુકરણમાં. વક્તૃત્વ શક્તિ ખીલી છે અશ્લીલ ભાષાના ઉપયોગમાં. સાહિત્યની શ્રેષ્ઠતા ગણાય છે ધનવાનોના અતિશયોક્તિ ભર્યા વખાણોમાં કે જુગુપ્સા ઉત્પન્ન કરે તેવી બીભત્સ વાતો ફેલાવવામાં.’ સ્વામી વિવેકાનંદે જોયેલું આ અંધકારનું વાદળ સ્વતંત્રતા પછી વિખેરાવાને બદલે વધારે ઘટ્ટ બન્યું છે. સ્વામીજીએ ભારતની પ્રજાની સ્વાર્થી, ઇર્ષાળુ, નબળા ને કચડી નાંખવાની અને બળવાનના પગ ચાંપવાની હીન મનોવૃત્તિનું કેટલું સૂક્ષ્મ અવલોકન કર્યું હતું, તે આ પરથી જાણી શકાય છે. જ્યાં સુધી આ હીન મનોવૃત્તિ બદલાશે નહીં ત્યાં સુધી સ્વાધીનતા વિકાસને બદલે વિનાશપ્રેરક બની શકે એ ભય પણ તેમને હતો.

જ્યારે તેઓ અમેરિકાથી પાછા ફર્યા ત્યારે મદ્રાસના યુવકોએ તેમને પૂછ્યું હતું કે, ‘સ્વામીજી, આપ સ્વાધીનતાના આંદોલનમાં કેમ જોડાતા નથી?’ ત્યારે તેમણે કહ્યું: ‘માની લો કે આવતી કાલે જ તમને સ્વાધીનતા મળી જાય, પણ શું તમે તેને પચાવી શકશો? શાસનની ધુરા હાથમાં આવ્યા પછી તમારામાંથી જ કેટલાક લોકો દેશવાસીઓનું શોષણ કરશે.’ તેમનું આ પૂર્વદર્શન પણ આજે કેટલું બધું સાચું પડ્યું છે. પહેલાં તો થોડા અંગ્રેજ અધિકારીઓ દ્વારા જ લોકોનું શોષણ થતું હતું. જ્યારે સ્વતંત્રતા પછી તો આપણા જ લોકોના હાથે કરોડો દેશવાસીઓનું શોષણ થઈ રહ્યું છે. સામાજિક, રાજકીય, આર્થિક કે ધાર્મિક આમાંનું કોઈપણ ક્ષેત્ર આ શોષણથી મુક્ત નથી. એથી જ તો સ્વામીજીએ સ્વાધીનતા પૂર્વે પ્રજાને શિક્ષણ દ્વારા તૈયાર કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આજે સ્વાધીનતાના પચાસ વર્ષ બાદ દેશની જે દુર્દશા થઈ છે, તેની પાછળનું જો કોઈ એક માત્ર કારણ હોય તો તે છે, આપણે સ્વામી વિવેકાનંદના ભારતને માટેના સંદેશને વિસારી દીધો, તેનું પાલન ન કર્યું.

સ્વામીજીએ કહ્યું હતું; ‘હું માનું છું કે સામાન્યજનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે. અને આપણાં પતનના કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતના લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પૂરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.’ એક સૈકા પહેલાં સ્વામીજીએ આ વાક્યો કહ્યાં હતાં, જે આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. તે વર્તમાન કટોકટીના મૂળકારણને પ્રગટ કરે છે. જે દેશમાં ૨૨ કરોડ લોકોને સાંજે ભૂખ્યા સૂવું પડે છે, પીવાનું ચોખ્ખું પાણી પણ મળતું નથી ત્યાં યોગ્ય સારસંભાળની તો વાત જ ક્યાંથી કરી શકાય? કરોડો જનોની આ ઉપેક્ષા સ્વતંત્રતા પછી પણ થઈ રહી છે ને સ્વામીજીની દૃષ્ટિએ આપણું એ રાષ્ટ્રીય પાપ છે. તો આ માટે જવાબદાર કોણ? એને માટે જવાબદાર ભારતના સાધન સંપન્ન અને શિક્ષિત લોકો છે. આ સંદર્ભમાં સ્વામીજી કહે છે: ‘જ્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને, એમના તરફ જે લેશમાત્ર ધ્યાન આપતો નથી તેવા દરેક માણસને હું દેશદ્રોહી કહું છું. ભૂખ્યા જંગલીઓની જેમ જીવતાં પેલાં વીસ કરોડ લોકો માટે જેઓ કશું જ કરતાં નથી. પણ ગરીબોને ચૂસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા તમામ લોકોને હું પામર ગણું છું.’ આમ નિજી સ્વાર્થમાં રચ્યાપચ્યા રહેનારા ને ભારતના કરોડો ભૂખ્યાજનોની ઉપેક્ષા કરનારા સાધનસંપન્ન લોકોને સ્વામીજી દેશદ્રોહી કહે છે. તેઓ આવો કડક શબ્દ વાપરે છે. તેમના મતે રાષ્ટ્ર એટલે રાષ્ટ્રના લોકો જ. અને જેઓ રાષ્ટ્રના મોટાભાગના લોકોને ભોગે અમનચમન કરે છે, તેઓ રાષ્ટ્રદેહનું રક્ત ચૂસી રહ્યા છે. આઝાદી પછીના વર્ષોમાં આ જ કાર્ય થઈ રહ્યું છે, જેના દુષ્પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યાં છીએ.

સ્વામીજીએ સાધનસંપન્ન શિક્ષિત લોકોને કહ્યું હતું: ‘જનતાની ધર્મભાવનાને અક્ષત રાખીને એમની ઉન્નતિ એજ તમારો મુદ્રાલેખ હોવો જોઈએ.’ આ એક જ વાક્યમાં સ્વામીજીએ ભારતની સર્વ સમસ્યાઓના ઉકેલની ચાવી આપી દીધી છે. સામાન્ય આમજનતાની ઉન્નતિ પણ તેમની ધર્મભાવનાને સહેજ પણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય સાધવાની છે. સ્વામીજી જાણતા હતા કે ધર્મ એ ભારતની પ્રજાનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનો મેરૂદંડ છે. ખેતડીના મહારાજાના માનપત્રનો પ્રત્યુત્તર આપતાં તેમણે ભારતીય જીવનમાં ધર્મની મહત્તા દર્શાવતાં કહ્યું હતું, ‘ભારતની જીવનશક્તિ ધર્મમાં રહેલી છે, અને જ્યાં સુધી હિંદુપ્રજા પોતાના પૂર્વજોનો મહાન વારસો ભૂલશે નહીં, ત્યાં સુધી પૃથ્વીના પટ ઉપર એવી કોઈ તાકાત નથી કે જે તેનો નાશ કરી શકે.’ પણ દુ:ખની વાત એ છે કે જીવનશક્તિના આ મૂળભૂત સ્રોતને Secularism-ધર્મનિરપેક્ષતાનો ખોટો અર્થ કરી આપણે બંધ કરી દીધો અને આપણા શિક્ષણમાંથી ધાર્મિક શિક્ષણ અને આધ્યાત્મિકતાને દેશવટો દઈ દીધો. એનું પરિણામ આવ્યું છે, શિક્ષણમાં, સમાજમાં, રાજકારણમાં મૂલ્યોની કટોકટી અને ચારિત્ર્યની શિથિલતા, આજે આપણા દેશમાં ‘સિઝોફ્રેનિયા’-માનસિક રોગોથી પીડાઈ રહેલા લાખો યુવાનો છે. ડીપ્રેશન-હતાશા, તનાવ અને વ્યસનોથી ઘેરાયેલા યુવાનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાની વૃત્તિ અને ધ્યેય વિહિન જીવન, યુવાન પેઢીને વિનાશના માર્ગે લઈ જઈ રહ્યાં છે. તેમાં પાછું ‘મિડિયા’નું આક્રમણ યુવાન પેઢીની રહીસહી સર્જનાત્મકતા અને માનસિક શક્તિઓને કુંઠિત કરી રહ્યું છે. આ વેડફાઈ રહેલા યૌવનને કોઈ કાયદો કે નિયમો બચાવી શકશે નહીં. આ વિનિપાતમાંથી અને સંસ્કૃતિક્ષયમાંથી બચાવી શકે એવું એકમાત્ર પ્રબળ અને અસરકારક સાધન હોય તો તે છે ધર્મ. સ્વામીજી કહે છે: ‘મનુષ્ય સમાજમાંથી ધર્મની બાદબાકી કરો અને જુઓ કે શું શેષ રહે છે? પશુઓના જંગલ સિવાય બીજું કશું જ નહીં.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ‘કેવળ ધર્મ જ ભારતનું પ્રાણરૂપ તત્ત્વ છે. અને એ જ્યારે ચાલ્યું જશે, ત્યારે ભારતવર્ષને તેની રાજનીતિ કે સામાજિક સુધારણા જીવાડી શકશે નહીં.’ જ્યાં સુધી ભારતમાં સાચા ધર્મનું શિક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી ચારિત્ર્ય ઘડતર નહીં થાય. તેમણે શિક્ષણમાં પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમના ભૌતિકજ્ઞાનનો સમન્વય કરવાનું કહ્યું હતું. વિજ્ઞાનના જ્ઞાનની સાથે જો ધર્મનું દર્શન નહીં હોય તો એ જ્ઞાન વિનાશકારી બની જશે. તેમણે કહ્યું હતું; ‘રાષ્ટ્રના આધ્યાત્મિક અને વ્યાવહારિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શિક્ષણ મળે છે, તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે પરંતુ તેમાં એ મોટી ખામી છે – અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ઘડતર કરનારું શિક્ષણ નથી. એ સંપૂર્ણ રીતે કેવળ નિષેધનું-જડતાનું શિક્ષણ છે. નિષેધાત્મક શિક્ષણ અથવા નિષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.’ અત્યાર સુધી આપણે નિષેધાત્મક શિક્ષણ દ્વારા મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ તાલીમ આપી હોય તો પછી ભ્રષ્ટાચાર, દેશદ્રોહ, આતંક અને ખૂનખરાબીનાં ફળ ચાખવા મળે તેમાં કોઈ આશ્ચર્ય નથી.

સ્વામીજી કહે છે કે આધ્યાત્મિકતાના પાયા ઉપર ઊભેલું શિક્ષણ જ ઉમદા ચારિત્ર્યવાળા મનુષ્યોનું સર્જન કરી શકે. ભારતના પ્રત્યેક બાળકને આવું શિક્ષણ મળવું જોઈએ. તેમણે બધી જ સમસ્યાઓના એકમાત્ર ઉકેલ તરીકે કેળવણીને ગણાવી છે. તેમણે જણાવ્યું હતું: ‘કેળવણી! કેળવણી! કેળવણી! બીજું કશું જ નહીં. યુરોપના નગરોનો પ્રવાસ કરીને ત્યાંના ગરીબ લોકોને પ્રાપ્ત થતી સગવડો તથા કેળવણીનું નિરીક્ષણ કરીને મને આપણા પોતાના ગરીબ લોકોની હાલતનો વિચાર આવતો અને પરિણામે હું આંસુ સારતો. આ ભેદનું કારણ શું? અને મને ઉત્તર મળ્યો કે તેનું કારણ છે ‘કેળવણી!’ કેળવણીથી મનુષ્યમાં આત્મશ્રદ્ધા જન્મે છે અને આ આત્મશ્રદ્ધા જ એ લોકોમાં મનુષ્યપ્રકૃતિને સહજ એવા બ્રહ્મભાવને જગાડી રહી છે, જ્યારે આપણા લોકોનો બ્રહ્મભાવ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.’ એક સૈકા પહેલાં સ્વામીજીએ ભારતમાં જે દરિદ્રતા અને નિરક્ષરતા જોઈ હતી તેથી તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. પરંતુ આજે જો તેઓ હોત તો ભારતના કરોડો અભણ કંગાલોની દયનીય સ્થિતિ જોઈને તેમનું હૃદય ભારે આક્રંદ કરી ઊઠ્યું હોત!

સ્વામીજીએ દેશના પ્રત્યેક બાળકને શિક્ષણ આપવા ઉપર ભાર મૂક્યો હતો. એમણે ૧૮૯૪માં અમેરિકાથી જુનાગઢના દિવાન હરિદાસ દેસાઈને પત્રમાં લખ્યું હતું : ‘ધારી લઈએ કે આપણે દરેક ગામડામાં મફત શિક્ષણ આપતી નિશાળો ઉઘાડી શકીએ, તો પણ બાળકો શાળામાં નહીં આવે. તેઓ ખેતરોમાં કે કારખાનાઓમાં રોજી માટે જશે.’ આ પરિસ્થિતિ નો ઉકેલ પણ તેમણે બતાવ્યો હતો કે, ‘જો પર્વત મહમ્મદ પાસે ન જાય તો મહમ્મદે પર્વત પાસે જવું. જો ગરીબ બાળકો શાળામાં ન આવી શકે તો આપણે એ બાળકોને ખેતરમાં અને કારખાનામાં ભણતર પહોંચાડવું.’ પણ અફસોસની વાત એ છે કે સ્વામીજીએ બતાવેલા આ ઉપાયો પર કોઈએ ધ્યાન જ ન આપ્યું. હવે મોડેથી (NCERT) એન.સી.ઈ.આર.ટી દ્વારા દૂરવર્તી શિક્ષણ -(Distance Education) અને (Comprehensive Access to Primary Education) વગેરે કાર્યક્રમો અમલમાં મુકાઈ રહ્યા છે. પરંતુ જો સ્વતંત્રતાના પ્રારંભેજ આ શિક્ષણ નીતિ અપનાવવામાં આવી હોત તો આજે આટલી નિરક્ષરતા ન હોત!

ભારતની એક વર્તમાન સમસ્યા છે – અનામત પ્રથા વિરોધનું આંદોલન. આ આંદોલનકારીઓ કહે છે કે અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત જાતિઓ, બક્ષીપંચ વગેરેને નોકરીમાં પ્રથમ પસંદગી આપવાથી, પછી ભલે તેમની નોકરી માટેની યોગ્યતા ન હોય, તેવી બંધારણીય નીતિને પરિણામે શિક્ષણ ક્ષેત્રમાં અને અન્ય વહીવટી ક્ષેત્રોમાં યોગ્યતા વગરની વ્યક્તિઓ આવી જવાથી કાર્યો બરાબર થતાં નથી અને વધુ યોગ્યતા હોવા છતાં તેઓ આવી તકો મેળવી શકતા નથી. સ્વામીજીએ કહ્યું હતું : ‘ચાંડાલને બ્રાહ્મણની કોટિએ પહોંચાડવો એ આપણું કર્ત્તવ્ય છે.’ જ્યારે અત્યારે એનાથી તદ્દન ઊલટું બની રહ્યું છે. અત્યારે તો ઉચ્ચ વર્ણના લોકો પછાત જાતિનું પ્રમાણપત્ર મેળવવા આકાશ પાતાળ એક કરી રહ્યાં છે. સ્વામીજીએ ‘ભારતનું ભાવિ’ એ ભાષણમાં કહ્યું હતું ; ‘….આનું નિરાકરણ ઉચ્ચવર્ણના લોકોને નીચે લાવવામાં નથી, પણ નિમ્ન વર્ગના લોકોને ઉચ્ચ ભૂમિકાએ ચડાવવામાં રહેલું છે.’ જો યોગ્ય શિક્ષણ, આરોગ્યની સારી સવલતો અને સંસ્કાર વર્ધનની યોજનાઓ દ્વારા આ નીચલા વર્ગને ઊંચે ઉઠાવવામાં આવ્યો હોત તો આજે પછાત જાતિઓ બિલકુલ પછાત ન હોત. તેઓ સવર્ણોની સમાન ભૂમિકાએ આવી ગયા હોત અને તેથી તેમનો પ્રેમ, કૃતજ્ઞતા અને સદ્‌ભાવ પણ સવર્ણોને પ્રાપ્ત થયાં હોત, તો આવી કોઈ ઉચ્ચ અને નિમ્ન વર્ગની કોઈ સમસ્યા જ રહી ન હોત!

સ્વામીજી પ્રત્યેક ભારતવાસીના આત્માને ઢંઢોળતાં કહે છે ; ‘ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી કે દમયંતી છે. તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વસ્વ ત્યાગી ઊમાપતિ શંકર છે….. તું ભૂલતો નહીં કે ભારતનો નિમ્ન વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો, ભારતનો ભંગી સુધ્ધાં તારા રક્તમાંસના સગાંઓ છે. તારા ભાઈઓ છે.’ સ્વામીજી ભારતના પ્રત્યેક નાગરિકમાં સમાનતાની આવી ભાવના સ્થાપવા ઇચ્છતા હતા. આવી સમાનતાની સ્થાપના માટે શું કરવું જોઈએ તે પણ તેમણે બતાવ્યું હતું ; ‘વર્ગો અને જ્ઞાતિઓને સમાન કક્ષાએ લાવવાનો એક માત્ર રસ્તો છે સંસ્કારિતાનો. ઉચ્ચવર્ગની શક્તિનું જે શિક્ષણ છે, તેને અપનાવવાનો. એ કરો એટલે તમને જે જોઈએ તે મળશે.’

સ્વામીજી જાતિ જાતિ વચ્ચેના, સંપ્રદાય – સંપ્રદાય વચ્ચેના, ધર્મ – ધર્મ વચ્ચેના અને વર્ગ – વર્ગ વચ્ચેના ઝગડાઓને મિટાવીને સર્વ પ્રત્યે સમભાવ દાખવવાનું કહે છે. અત્યારની વર્તમાન કટોકટી વેળાએ સ્વામીજીના આ શબ્દોનું પ્રત્યેક ભારતવાસીએ આચરણ કરવું જોઈએ. તેઓ કહે છે ; ‘આપણે આપણા બધા નાના નાના ઝઘડાઓ અને મતભેદોને છોડી દેવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ખાતરીથી માનજો કે આ ઝઘડાઓ સાવ ખોટા છે. એમનો આપણાં શાસ્ત્રોએ તિરસ્કાર કર્યો છે. આપણા પૂર્વજોએ એમની મનાઈ કરી છે. અને જે મહાન પુરુષોના વંશજ હોવાનો આપણે દાવો કરીએ છીએ, જેમનું લોહી આપણી રગેરગમાં વહી રહ્યું છે, તેઓ પોતાના સંતાનોને ક્ષુલ્લક મતભેદો માટે આપસ આપસમાં ઝઘડતા જોઈને તિરસ્કાર ભરી નજરે જુએ છે.’ તેઓ આગળ કહે છે: ‘બધા વિખવાદોનો ત્યાગ કરો એટલે બીજા સુધારાઓ આવવાના છે. જો લોહી શક્તિવાળું અને શુદ્ધ હશે તો દેહમાં રોગના એકેય જંતુ ટકી શકશે નહીં. આપણું જીવનરક્ત છે આધ્યાત્મિકતા. એ જો શુદ્ધ, સશક્ત ને જોમવાળું હશે તો રાજકીય, સામાજિક કે બીજી ભૌતિક ખામીઓ, દેશની ગરીબાઈ સુધ્ધાંને હટાવી શકશે.’ સાચા ધાર્મિક આદર્શો અને આધ્યાત્મિકતાની જાગૃતિમાં સર્વ સમસ્યાઓનો ઉકેલ રહેલો છે, એ બાબતનું સ્વામીજી વારંવાર પુનરાવર્તન કરી કહે છે કે દેશને સામાજિક કે રાજકીય વિચારો આપવા કરતાં, તેને પ્રથમ આધ્યાત્મિક વિચારોથી ભરી દો.

વર્તમાન સમસ્યાઓનું ત્રીજું મહત્ત્વનું કારણ છે પ્રજામાંથી રાષ્ટ્રીય ચારિત્ર્યનો થયેલો લોપ, આપણા દેશમાં આજે રાષ્ટ્રભક્તિ અદૃશ્ય થઈ ગઈ છે. સ્વામીજીની યુરોપિયન શિષ્યા કુમારી મૅકલાઉડે એક વખત એમને પૂછ્યું હતું કે ‘સ્વામીજી, હું આપને શી રીતે મદદ કરી શકું?’ ત્યારે તેમણે કહ્યું: ‘ભારત વર્ષને પ્રેમ કરો.’ આજે જો સ્વામીજી સદેહે હોત તો તેઓ આપણને પણ એમ જ કહેત કે ‘ભારત વર્ષને પ્રેમ કરો.’ સ્વામીજીએ કહ્યું હતું: ‘રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નિષ્ઠાથી ઊભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે – એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઊભા થાય, ત્યારે ભારત એકે એક ક્ષેત્રમાં મહાન બનશે.’ પણ આજે ક્યાં છે આવા લોકો? સ્વામીજીની દેશભક્તિથી રસાયેલી વાણીએ દેશની રાષ્ટ્રીય અસ્મિતાને પુન: જાગૃત કરી હતી. ક્રાન્તિકારીઓનું બલિદાન, નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતા, ગાંધીજીની દેશભક્તિ, તત્કાલીન યુવાનોની માતૃભૂમિ માટે ફના થઈ જવાની ભાવના-આ બધાના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ હતા. ભગિની નિવેદિતા કહે છે કે, ‘આટલા વરસોમાં મેં એમના (સ્વામી વિવેકાનંદના) પ્રત્યેક શ્વાસમાં ભારતનો જ વિચાર જોયો છે.’ તેથી તેમનો આત્મા ભારતમાતાના આત્મા સાથે એકરૂપ બની ગયો હતો, એ આત્માની વાણીએ જ ભારતના લોકોમાં મુક્તિની ઝંખના જાગૃત કરી. તેમણે કહ્યું હતું: ‘આપણી આ મહાન માતૃભમિ ભારત એ જ આવતા પચાસ વરસો સુધી આપણું મુખ્ય વિચાર કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મિથ્યા દેવો એટલા સમય માટે આપણાં મનમાંથી ભલે વિલુપ્ત થઈ જાય, અત્યારે તો આ એક માત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા જાગૃત છે. ચારે દિશામાં તેના હાથ છે, ચારે દિશામાં તેના પગ છે, ચારે દિશામાં તેના કાન છે, સર્વને તે આવરી રહેલી છે. બીજા બધા દેવો ઊંઘી ગયા છે. આપણે કેવા મિથ્યા દેવોની પાછળ દોટ મૂકી રહ્યાં છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વિસ્તરતો જોઈએ છીએ તે દેવને-તે વિરાટને આપણે પૂજી શકતાં નથી! જ્યારે આપણે આ દેવનું પૂજન કરીશું, ત્યારે બીજા બધા દેવોનું પૂજન કરવાને શક્તિમાન થઈશું.’ પ્રજાના ચૈતન્યને જાગૃત કરવાનું એક માત્ર કાર્ય કરવા ઉપર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. એક વાર જો આ વિરાટ ચૈતન્ય જાગૃત થઈ ગયું તો પછી વિશ્વની કોઈ શક્તિ ભારતને પરાસ્ત કરી શકે તેમ નથી.

હજુ પણ મોડું થયું નથી. ‘જાગ્યા ત્યાંથી સવાર’ માનીને સ્વામીજીએ પ્રબોધેલા માર્ગે જો ભારત અનુસરે તો ભારતની સર્વ સમસ્યાઓ ઊકલી જ જશે. અને ભારત પોતે વિશ્વના દેશોનું નેતૃત્વ કરી શકે તેવો સમર્થ અને મહાન બની જશે. સ્વામીજી એમનાં પ્રવચનોમાં કહેતા કે ‘ભારતે વિશ્વને જીતવાનું છે. એ જ મારો આદર્શ છે.’ સ્વામીજીનો આ આદર્શ, ભારત માટે તેમણે કરેલું ભવિષ્યદર્શન જરૂર સાચું પડશે. સ્વામીજી માત્ર ભવિષ્યવેત્તા જ નહીં પણ યુગદૃષ્ટા પણ હતા. તેમણે વિશ્વ માટે, ભારત માટે જે આગાહીઓ કરી હતી તે બધી કાળક્રમે સાચી પડી છે. તેમણે ૧૮૯૭માં કહ્યું હતું કે આગામી પચાસ વર્ષમાં ભારત સ્વાધીન થશે અને તે પણ લોહી રેડ્યા વગર. બરાબર પચાસમે વર્ષે ૧૯૪૭માં ભારત સ્વાધીન થયું. તેમણે ૧૮૯૪માં અમેરિકામાં પ્રૉ.રાઈટને કહ્યું હતું કે બ્રિટિશરો ઇન્ડિયા છોડી દેશે પછી ચીન ભારત પર આક્રમણ કરે તેવી શક્યતા છે. ત્યારે તો કોઈએ આવી કલ્પના પણ કરી નહોતી. પણ ૧૯૬૨માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યુ. તેમણે કહ્યું હતું કે ભારત તેની આધ્યાત્મિકતા દ્વારા સમગ્ર વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરશે. એમની આ આર્ષવાણી પણ જરૂર સાચી પડશે. પણ તે વહેલી સાચી પડે તે માટે ભારતના લોકોએ આ વિશ્વવંદ્ય યુગદૃષ્ટાએ પ્રબોધેલા માર્ગે ચાલવું પડશે. તેમની મંત્રવાણીને ભારતના ઘરઘરમાં ગૂંજતી કરવી પડશે.

ભારતના ઉજ્જ્વળ નૂતન ભવિષ્યના સર્જનનું સમર્થન કરતી એમની વાણી આપણા હૃદયમાં આશા અને ચૈતન્યને જગાડતી વહી રહી છે કે

‘અને કોણ કહે છે કે સમય અનુકૂળ નથી? ફરી પાછું એક વાર ચક્ર ફરવા માંડ્યું છે. ફરી એક વાર ભારતમાંથી આંદોલનો ગતિમાન થયાં છે અને બહુ નજીકના સમયમાં જ પૃથ્વીના દૂરમાં દૂરને છેડે પહોંચવાને એ નિર્માયેલા છે. એક એવો અવાજ ઊઠ્યો છે કે જેના પડઘા લંબાતા લંબાતા, રોજ રોજ જોર પકડતા જાય છે; એક એવો અવાજ છે કે જે તેની પૂર્વેના બધા અવાજો કરતાં વધુ બળવાન છે. કારણ કે એ પૂર્વેના બધા અવાજોની પૂર્ણાહુતિ છે. જે અવાજ સરસ્વતીના કિનારા પર ઋષિઓની સમક્ષ ઊઠ્યો હતો, જે અવાજના પડઘાઓ નગાધિરાજ હિમાલયના શિખરે શિખરે ગર્જી ઊઠ્યા હતા, અને સર્વવાહી મહાપૂરની પેઠે કૃષ્ણ, બુદ્ધ અને ચૈતન્ય દ્વારા ભારતના મેદાનો પર ઊતરી આવ્યા હતા, તે અવાજ ફરી એક વાર ગર્જી ઊઠ્યો છે, ફરી એક વાર દ્વાર ખુલ્લાં થયાં છે. તમે સર્વે પ્રકાશના સામ્રાજ્યમાં પ્રવેશ કરો, કારણ કે ફરી એક વાર દરવાજા પૂરેપૂરા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.’

એ અવાજ છે, માનવીના અંદર સુષુપ્ત રહેલી દિવ્યતાને જાગૃત કરવા આવેલા દિવ્યતાના પયગંબરનો, ભારતવર્ષના ઉદ્ધારક સ્વામી વિવેકાનંદનો. કે જેમણે ભારતનાં સંતાનો માટે પ્રકાશનો દરવાજો આખેઆખો ખોલી આપ્યો છે અને આમંત્રણ આપી રહ્યા છે કે ‘મા ભારતીના સંતાનો, આવો, અને આ પ્રકાશના દ્વારમાં પ્રવેશ કરો, સુવર્ણમય પ્રકાશથી પ્રકાશી રહેલું તેજોમય ભાવિ તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે.’

સ્વાધીનતા દિવસ પ્રસંગે આપણે સ્વામીજીના આ આહ્‌વાનને અનુસરીને માતૃભૂમિ માટે કાર્ય કરવા મંડી પડીએ. અને સ્વામીજીએ જ શીખવેલ પ્રાર્થના વારંવાર કરીએ, ‘હે ગૌરીનાથ, હે જગદંબે, અમને બહાદુર બનાવો, અમારી કાપુરુષતા દૂર કરો, અમને સાચા માનવ બનાવો.’

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.