રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીમાં ૧૮ એપ્રિલ, ૯૮ના રોજ ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ’ના સમાપન સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંતે આપેલું આ સંભાષણ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા મિશનને, એમના સંન્યાસીઓને અને ભક્તજનોને ૨૧મી સદીનાં કાર્યો તરફ અંગુલિનિર્દેશ કરે છે. ‘પ્રબુદ્ધ ભારત’ જુલાઈ-૯૯માં પ્રસિદ્ધ થયેલા આ સંભાષણનું ગુજરાતી અનુસર્જન શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યું છે — સં.

રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવના અંતિમ પૂર્ણાહુતિ સમારંભના અધ્યક્ષ રૂપે આપને સૌને મળતાં હું ઘણો આનંદ અનુભવું છું. પોતાના પ્રારંભકાળથી શ્રીરામકૃષ્ણ મિશનનાં કેન્દ્રોએ ભારત અને વિદેશોમાં વિવિધક્ષેત્રે પ્રભુત્વભરી મહત્ત્વની સેવાઓ કરી છે. હું આંધ્રપ્રદેશમાં સાડાસાત વર્ષ સુધી રાજ્યપાલ પદે રહ્યો છું. બબ્બે વખત ભયંકર વાવાઝોડાં ખાબક્યાં અને ગરીબ માછીમારોનાં ઘરો-મકાનો પડીને પાધર થઈ ગયાં. આ બધાં મકાનો રામકૃષ્ણ મઠ-મિશને તેના સંન્યાસીઓ અને ભક્તો દ્વારા બાંધી આપ્યાં. પૂર્ણ અને સમર્પિત ભાવનાથી મેં આ સંસ્થાના સંન્યાસીઓને એ સેવાકાર્ય કરતા જોયા છે.

શ્રીરામકૃષ્ણદેવ પવિત્ર અને આધ્યાત્મિક જીવન જીવી ગયા એમના જીવનસંદેશને સમજવા અને તેમાંથી સારભૂત તત્ત્વોને તારવવાનું કાર્ય એમના મહાન મેધાવી શિષ્ય સ્વામી વિવેકાનંદ પર એમણે છોડ્યું. પછી સ્વામીજીએે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને શ્રીરામકૃષ્ણ સંદેશને કાર્યાન્વિત અને સંચાલક શક્તિવાળા મહાન સામાજિક બળમાં એને પરિવર્તિત કરી દીધું. વિશ્વમાં રહેલી દિવ્યતાની શોધનાના આદર્શને વરેલું રામકૃષ્ણ મિશન જ્ઞાતિ-જાતિ, સંપ્રદાય કે સીમાડાના ભેદભાવથી પર છે. બધી માનવજાતના સમગ્ર અને સાર્વત્રિક નવોત્થાન માટેની આ સંસ્થા એક પ્રતીક છે.

શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહધર્મચારિણી શ્રી શ્રીમા શારદાદેવીએ એમના અંતિમ સંદેશમાં કહ્યું છે, ‘સમગ્ર વિશ્વને તમારું પોતાનું બનાવતાં શીખો. અહીં કોઈ અજાણ્યો અજ્ઞાત નથી, આખું વિશ્વ તમારું જ છે.’ ‘દરેકને તમારા પોતાના બનાવો.’ એ સંદેશ રામકૃષ્ણ-મિશન-ભાવધારાનું હાર્દ છે. આ સંસ્થા શ્રી શ્રીમાના આ સંદેશને ભારતના દૂરસુદૂરના ખૂણે ખૂણે લઈ જાય છે.

આ સંસ્થાનાં પ્રેરણા અને શક્તિસ્રોત ધન સંપત્તિ નથી પણ એ છે પાવનકારી પૂર્ણ આધ્યાત્મિકતા. સ્વામી વિવેકાનંદ (નરેન્દ્રનાથ દત્ત) સાધન સંપન્ન ન હતા. ઘર-બાર ત્યજીને તેઓ સંન્યાસી બન્યા. આ સર્વત્યાગે એમની સંગઠન-શક્તિને અભૂતપૂર્વ રીતે પ્રબળ બનાવી. એ વાતથી તેઓ વાકેફ હતા જ કે ભારતમાં મોટાભાગની સંસ્થાઓ એમના પ્રણેતાના-સ્થાપકના અવસાન પછી મૃત:પ્રાય બની જાય છે. એટલે સ્વામીજી એવી સંસ્થા સ્થાપવા માગતા હતા કે જે એમના સ્થાપકના ગયા પછી પણ આપમેળે એવી ને એવી બલ્કે એનાથી પણ વધુ ક્ષમતાથી કાર્ય કરતી રહે. એટલે જ આવી સંસ્થાના ચોક્કસ હેતુઓ અને નિયમો નક્કી કર્યા. આજે સો સો વર્ષ પછી આ રામકૃષ્ણ મિશને જાતિ-જ્ઞાતિ-રંગભેદ-ધર્મસંપ્રદાયના ભેદભાવોથી પર રહીને લોકોની સેવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું છે. મિશનના નિ:સ્વાર્થ સેવાભાવી સંન્યાસીઓ અને ભક્તજનોની સહાયથી આ સંસ્થાએ અધ્યાત્મ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્યસેવા અને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં કરેલાં પ્રભાવક કાર્યોને લીધે રામકૃષ્ણ મિશને આ દેશમાં અને વિશ્વમાં સર્વમાન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. હજુ પણ વધુને વધુ શાખાકેન્દ્રો ખોલવાની માગણી વધતી જાય છે. ભારતનાં પૂર્વોત્તરનાં રાજ્યોમાં આવાં ઘણાં શાખાકેન્દ્રોની તાતી જરૂર છે.

સ્વામી વિવેકાનંદે અનુભવ્યું કે ભારતની પ્રાથમિક અને મહત્ત્વની પ્રથમ આવશ્યકતા છે કેળવણી. કેળવણી એટલે મૂલ્યોનું-સનાતન મૂલ્યોનું-માનવને માનવ બનાવનારાં મૂલ્યોનું-માનવ બનો અને માનવ બનાવોનાં મૂલ્યોનું શિક્ષણ. કેળવણી એટલે જ્ઞાન-માહિતીનાં ગાંસડાંપોટલાં નહીં. આજની શાળા-કોલેજોમાં જે શિક્ષણ અપાય છે તે તો માત્ર માહિતી અને જ્ઞાનનો ઢગલો જ છે. એ શિક્ષણને મૂલ્યો સાથે લેવા દેવા નથી. આપણે આ મૂલ્યો મળી રહેશે એમ મનથી માની લીધું. છેલ્લાં પચાસ વર્ષમાં બસ્સો યુનિવર્સિટીઓ, હજારો કોલેજો અને શાળાઓ અસ્તિત્વમાં આવી. આ બધી શિક્ષણ સંસ્થાઓ માહિતી આપે છે. ફેક્ટરી કે કારખાનામાં કામધંધો મળી રહે, વ્યવસ્થાપક બની શકાય એ માટે જ્ઞાન પણ અપાય છે. પણ આ બધી સંસ્થાઓ વિદ્યાર્થીઓને સારા માણસ, સારા નાગરિક અને સાચા આધ્યાત્મિકભાવનાવાળા માનવ બનાવી શકતી નથી. સ્વામીજીની ઇચ્છાના ‘માનવ બનો અને માનવ બનાવો’ના આદર્શને આપણે વીસરી ગયા. આપણે તો કુશળ ક્લાર્ક, કાર્યકુશળ વ્યવસ્થાપકો પેદા કર્યા. પણ સ્વામીજી તો કેળવણી દ્વારા સમાજનું નવઘડતર કરવા ઈચ્છતા હતા. હું ધારું છું કે હવે યુગ બદલાયો છે. હવે આપણે એવા નવા માર્ગો શોધવાના રહેશે કે જેના દ્વારા શિક્ષણને માત્ર સરકારી ઠરાવો-ધારાઓ કે નીતિવિયષક નિર્ણયો દ્વારા જ નહીં પણ લોકો દ્વારા સુધારીએ અને તેમાં આવશ્યક પરિવર્તનો લાવી શકીએ. લોકો તો શિક્ષણ એટલે શું એ બરાબર સમજે છે પણ આપણા શિક્ષકો એ સમજતા નથી.

એક પરિવ્રાજકના રૂપે સમગ્ર ભારત વર્ષમાં ઘૂમી વળીને સ્વામીજીએ ભારતના લોકોની માત્ર ગરીબી જ ન જોઈ પણ ભારતની આધ્યાત્મિકતાનું સામુહિક અને સાર્વત્રિક પતન પણ નજરે નિહાળ્યું. આઝાદી પછીનાં પચાસ વર્ષ સુધી આપણે ભૌતિક રીતે અને આર્થિક રીતે સુખી સમૃદ્ધ બન્યા પણ આધ્યાત્મિક અને નૈતિક અધ:પતન તો અધિકતર ઝડપી બની ગયું. જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા અને બીજાં અનેક સામાજિક પૂર્વગ્રહો અને અનિષ્ટોએ ભારતના લોકોને અત્યંત અસહ્ય અને દારુણ દશામાં મૂકી દીધા. એટલે જ સ્વામીજીને પ્રતીતિ થઈ હતી કે જ્યાં સુધી ભારતવાસીઓને યોગ્ય શિક્ષણથી સંસ્કારવામાં ન આવે અને પેટભર ખાવાનું અન્ન નહીં મળે તો ભારતનું ભાવિ અંધકારમય જ છે. જો આપણે લોકોના હૃદયમાં રહેતા આત્મદેવને શક્તિમાન અને તેજસ્વી નહીં બનાવીએ, તો માત્ર અન્નનો કોળિયો આપવાથી કે કોરું શિક્ષણ આપવાથી તેમનું કંઈ નથી વળવાનું. આજે સાચી કેળવણીનું કાર્ય થતું નથી. સ્વામીજીએ મા-ભારતીને-માતૃભૂમિને સર્વથી શ્રેષ્ઠ અને મહાન ગણી હતી. તેઓ દૃઢપણે માનતા કે લોકોની-ગરીબોની-સામાન્ય જનસમૂહની શિવભાવે સેવા એ જ આપણી આધ્યાત્મિકતાને પુન: પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. કર્મ કરવાથી કોઈ આધ્યાત્મિકતા ગુમાવતો નથી. ઊલટાનું તેનાથી તો આધ્યાત્મિક ઉન્નતિનાં દ્વાર ઊઘડી જશે. તેઓ રામકૃષ્ણ મિશનને આધ્યાત્મિકતા વિહોણું બનાવવા માગતા ન હતા.

મે, ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે આ મિશનની સ્થાપના કરી ત્યારે તેમણે ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના આ શબ્દોનું સ્મરણ કર્યું: ‘માનવ એ જ ઈશ્વરનું ઉચ્ચતમ રૂપ છે. જો તમે ઈશ્વરની શોધ કરતા હો તો તેમને માનવમાં જ શોધો.’ એટલે જ રામકૃષ્ણમિશનનો ઉદ્દેશ્ય છે: ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’-‘સર્વનું-જગતનું કલ્યાણ અને પોતાની મુક્તિ’ આ બંને ‘જગત્ કલ્યાણ અને સ્વનો મોક્ષ’ સાથે ને સાથે ચાલવાં જોઈએ. એમને નાના અને મોટામાં, સામાન્ય અને અસામાન્યમાં, સર્વ માનવમાં ઈશ્વરની વિરલ આધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી. જ્યાં ત્રણેય સમુદ્રોનો સંગમ થાય છે એવા ભારતના દક્ષિણ છેડે ‘કન્યાકુમારી’માં આ સર્વશ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અનુભૂતિ એમણે અનુભવી. એમણે દરેક માનવમાં-નરમાં નારાયણનાં દર્શન કર્યાં. મર્ત્યમાં અમર આત્માને એમણે નીરખ્યા.

આજે વધુ ને વધુ નજીક આવતા અને એકતા તરફ જતા વિશ્વમાં વિચારો, આદર્શો, માન્યતાઓ અને દર્શન તત્ત્વજ્ઞાનનું આદાનપ્રદાન પણ આધ્યાત્મિકતાના વિસ્તાર અને પ્રસાર માટે અત્યંત સૂચક બન્યું છે. કોઈ પણ રાષ્ટ્ર જો પોતાની સંસ્કૃતિ-સભ્યતામાં આધ્યાત્મિકતાને નહીં લાવે તો તે રાષ્ટ્રનું અધ:પતન થશે અને અંતે એનો વિનાશ થશે. આપનામાંથી કોઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્ટરના સુરક્ષા સલાહકાર બ્રજાવ્સ્કીનું પુસ્તક વાંચ્યું હશે. એમણે એ પુસ્તકમાં અમેરિકા વિશે લખ્યું છે: ‘આજે અમેરિકા અર્થતંત્ર અને યંત્રવિજ્ઞાનના ક્ષેત્રે એક વિરાટ રાષ્ટ્ર બની ગયું છે પણ નૈતિક મૂલ્યોની દૃષ્ટિએ એક વામન રાષ્ટ્ર છે.’ અને આજે આપણે અમેરિકાના એ વામનપણાનું આંધળું અનુકરણ કરીએ છીએ અને નહીં કે એની વિશાળતા-ઉદારતાનું. રોમન સભ્યતા આનું જ દૃષ્ટાંત છે. ઈતિહાસનો આ મહાન અને અપરિહાર્ય બોધપાઠ એ છે કે આધ્યાત્મિકતાનું અધ:પતન માનવસભ્યતાનો મહા વિનિપાત સર્જે છે અને માનવમાં આધ્યાત્મિકતાની ઉન્નતિ માનવજાતને મહાન સત્ત્વશીલ અને શક્તિશાળી બનાવે છે.

છેલ્લાં હજારો વર્ષોની વિશ્વની બધી સભ્યતા-સંસ્કૃતિઓ કરતાં ભારતીય સંસ્કૃતિ ૨૦મી અને ૨૧મી સદીમાં એક જુદી જ ભાત પાડશે. મહાન ઈતિહાસવિદ્ આર્નોલ્ડ ટૉયન્બીએ નોંધ્યું છે: ‘સંસ્કૃતિ-સભ્યતાના ઈતિહાસમાં તેનાં ઉત્થાન અને પતનના તબક્કાઓ આવે છે. અને એ બતાવે છે કે એક સદીમાં સંસ્કૃતિનું ઉત્થાન થાય છે અને બીજાં સો વર્ષમાં એનું અધ:પતન પણ થાય છે.’ પણ આજે સમગ્ર વિશ્વની સભ્યતાઓના ઉત્થાન અને પતનની પ્રક્રિયા સાથે સાથે ચાલે છે. આ જ છે આવતીકાલનો માનવજાત સામેનો મહાન પડકાર. ભૌતિક-આર્થિક સુવિધાઓની વૃદ્ધિ, યંત્રવિજ્ઞાનનો વિકાસ એક બાજુએ છે તો બીજી બાજુ એ માનવનું નૈતિક-આધ્યાત્મિક ક્ષેત્રે થતું સતત અને સીધું પતન પણ છે.

સ્વામી વિવેકાનંદના પોતાના ઓજસ્વી વ્યક્તિત્વ અને શક્તિશાળી આદર્શ વિચારોએ આ દેશના પોતાના ભાંડુઓને જાગ્રત કરવા અને ઉન્નત કરવા પ્રેર્યા. ભારતવાસીઓમાં સ્વાભિમાન, આત્મશ્રદ્ધા અને નિ:સ્વાર્થભાવના જગાડવા તેઓ ખૂબ મથ્યા. તેઓ પશ્ચિમમાં ગયા અને વૈશ્વિક સનાતન સંદેશ એવા વેદાંતના સંદેશને નવા રૂપે રજૂ કર્યો. અને પશ્ચિમના જગતમાં એ સંદેશની ખૂબ પ્રશંસા પણ થઈ. ભલે પશ્ચિમના લોકોએ એની પ્રશંસા કરી પણ એ સંદેશને એમનાં જીવનમાં ન ઉતાર્યો. ભારતમાં આપણે એને ભૂલી ગયા છીએ. સ્વામીજીએ પૂર્વ અને પશ્ચિમની એકતાના-સંવાદિતાનાં બીજ રોપ્યાં છે. પણ એ સંવાદિતા-સમન્વયભાવ આજે દેખાતો નથી અને જે છે તે તો છે વિસંવાદિતા. આપણા પર પશ્ચિમનું-પાશ્ચાત્ય ભૌતિકવાદનું આક્રમણ થયું છે. અને એટલે જ વર્તમાન સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના જીવનસંદેશને પુન:પ્રતિપાદિત કરવો પડશે અને ફરીથી એનું અધ્યયન કરવું પડશે. કમભાગ્યે એ સમયે સ્વામીજીએ પોતાની નજરે નિહાળેલ એ બધાં ખામી-ક્ષતિઓ અને સામાજિક તાણ અને ઉત્પીડનો, જ્ઞાતિવાદ, કોમવાદ અને બીજા રાષ્ટ્રીયભાવનાને હાનિ કરતા ભાગલાવાદી પરિબળો આજેય દૂર થયાં નથી. પ્રાથમિક શિક્ષણથી પણ ઘણા ભારતવાસીઓ આજેય વંચિત રહ્યા છે. સ્વામીજીના ધ્યાનમાં આવેલ કેટલાંય પૂર્વગ્રહો-વહેમો-ખોટી માન્યતાઓ હજીયે આપણા સમાજ પર પોતાનું આધિપત્ય ધરાવે છે. અને સમાજને જ્ઞાતિવાદ, પેટાજ્ઞાતિવાદનાં વિભાજનોના કાદવથી રગદોળે છે. આપણી કૉલેજોની-યુનિવર્સિટીઓની-રાજ્યની કે રાષ્ટ્રની ચૂંટણીઓમાં આ બધું આપણને શું જોવા મળતું નથી? સ્વામીજીએ આપણા લોકોને ‘માનવના રૂપે રહેલા ઈશ્વર’ની સેવા પૂજા કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી. માનવ રૂપી ઈશ્વરની પૂજા કરવાને બદલે આપણે તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બ્રાહ્મણ, જાટ, યાદવ કે અ-યાદવના રૂપે એમની સેવા કરીએ છીએ કારણ કે તે આપણી ‘મતબેંક’ બની રહે છે.

સ્વામીજી અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે કોઈએ તેમની પાસે જઈને કહ્યું: ‘મારે ધર્મ જીવન જીવવું છે. મને ધર્મના પથનું માર્ગદર્શન આપો.’ એના જવાબમાં સ્વામીજીએ કહ્યું: ‘જો તારા પાડોશમાં કોઈ ભૂખ્યું હોય તો તારો પ્રથમ ધર્મ એને ભોજન આપવાનો છે. જો કોઈ વસ્ત્રવિહોણો હોય તો તેને વસ્ત્ર આપવાં એ તારો ધર્મ છે અને જો કોઈ માંદો હોય તો તેની સેવાચાકરી કરવી એ તારો સાચો ધર્મ છે.’ આજે અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, સેવાદાનની આવશ્યકતા છે. રામકૃષ્ણ મિશન આ જ કાર્ય કરી રહ્યું છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે જે ભાવ-આંદોલન શરૂ કર્યું છે એ કોઈ સંકુચિત સંપ્રદાય ધારા નથી. બીજી સંસ્થાઓ તો સંકુચિત સંપ્રદાય જ બની ગઈ છે. રામકૃષ્ણ મિશન આવો સંપ્રદાય નથી બન્યું. એનો અભિગમ વૈશ્વિક વિશ્વધર્મનો છે. આ વૈશ્વિકતા-વૈશ્વિકભાવના માટે દરેકે દરેક વસ્તુનો ત્યાગ કરવો પડશે એ વાત પર સ્વામીજીએ ભાર મૂક્યો હતો. ક્યાંય સંકુચિતતા, સાંપ્રદાયિકતા ન હોવી જોઈએ. બધું સાર્વત્રિક અને વૈશ્વિક-વિશ્વવ્યાપી હોવું જોઈએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના મર્મભર્યા અને સારતત્ત્વભર્યા સંદેશની શ્રીરામકૃષ્ણે અનુભૂતિ કરી હતી અને સ્વામી વિવેકાનંદે જેનો ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશ આજે સર્વોપરિ અને અત્યંત મહત્ત્વનો બની ગયો છે. સર્વોચ્ચ સત્યને પામવાના ઘણા પથ છે. ભિન્ન ભિન્ન સ્થિતિ-રુચિ વલણવાળા માનવો એક જ પથનું અનુસરણ કરનારા ન બની શકે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ આ દરેક બધાને એક સરખા લાગુ પાડી ન શકાય. આમાંથી કોઈ એક કે બધા માર્ગોની પસંદગી એ આપણી પ્રકૃતિ અને માનસિક વલણ પર આધાર રાખે છે એટલે જ દરેક ધર્મમાં કંઈ ને કંઈ જુદું તત્ત્વ હોય છે. પણ અહીં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા રામકૃષ્ણ મિશનમાં તો બધા ધર્મોનાં બારણાં ખુલ્લાં છે. આ બધાં દ્વારો શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદે ખુલ્લાં મૂક્યાં છે.

માનવજાતની એકતાની વાત કરવી એ સરળ છે. પણ એનું પરિશીલન કપરું છે. અને આ અનુભૂતિનું આચરણ પણ એટલું જ કઠિન છે. આ સર્વધર્મ સમન્વય અને માનવ-ઐક્યની વાતને વિસારે પાડીને આપણે પરસ્પર પ્રેમ-સ્નેહના તાંતણાને તોડી નાખ્યો અને અંદરોઅંદર એક બીજા સાથે માંડ્યા ઝઘડવા. સંકુચિત સ્વાર્થવૃત્તિ અને ક્ષુદ્ર અહમ્‌ને સંતોષવા આપણે આપણી જાતને બીજાઓથી અલગ કરી નાખી. ધર્મને નામે આપણે કોમવાદ અને બાહ્યાચારથી ભર્યાભાદર્યા કર્મકાંડને જ શરણે અવારનવાર જઈએ છીએ. જીવનના સર્વોત્કૃષ્ટ ધ્યેય-મોક્ષના નામે આપણે અસહાય, અનાથની જરૂરતોને અવગણીએ છીએ; એના નામે આપણે ભૂખ્યાંના આર્તનાદ, માંદાની અને વિસ્થાપિતોની પીડાને પણ અવગણીએ છીએ.

આપણા સ્વધર્મ-આપણા અમૃતત્વનો-મોક્ષનો આજના યુગધર્મ સાથે સુમેળ સ્થાપવો જ રહ્યો. આ સુમેળ સાધવાના આજ્ઞાભર્યા આદેશના પાલનમાં આપણે જેટલા સફળ રહીશું તેટલા જ આપણા સંઘર્ષ ઝઘડા ઓછા થવાના. આપણે તો સ્વાભાવિક રીતે સમસ્ત પ્રજાના છીએ. ‘ધર્મક્રિયા’ – આપણી ફરજોનાં પાલન અને પૂર્તિ તેમજ નૈતિક આદર્શોના પાલન અને અનુસરણ દ્વારા જ આપણે શ્રીરામકૃષ્ણદેવ, અને સ્વામી વિવેકાનંદને સાચી અંજલિ અર્પી શકીશું. ‘ધર્મસેવા’-પ્રભુપૂજા અને સત્ય-પવિત્રતાની વૃદ્ધિ દ્વારા આપણે એમનું ઋણ અદા કરી શકીશું. ‘ધર્મપ્રકાશ’-સાચા ધર્મભાવનો વિસ્તાર કરીને જ આપણે એ બંને મહાન વિભૂતિઓના આદર્શોને યોગ્ય બનીશું. ઉમદા અને પરમપવિત્ર સાધનો સિવાય આ ઉમદા અને પવિત્ર ધ્યેય સિદ્ધ ન કરી શકાય.

સ્વામી વિવેકાનંદે જ્યારે જ્યારે હિન્દુત્વનો ઉલ્લેખ કર્યો છે ત્યારે ત્યારે તેનો અર્થ ધર્મ જ રહ્યો છે. એમને મન વેદાન્ત-વૈદિકધર્મ, બૌદ્ધ કે જૈનધર્મ વચ્ચે ભેદ ન હતો. ૧૮૯૩ની ૨૬મી સપ્ટેમ્બરે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ બૌદ્ધધર્મને હિન્દુધર્મની પરિપૂર્ણતારૂપે વર્ણવ્યો હતો. એમણે હિન્દુધર્મના સાચા સ્વરૂપની વાત કરતાં કહ્યું હતું કે અમે હિન્દુઓ સહિષ્ણુ જ નથી પણ અમે બીજા ધર્મોને પણ સ્વીકારીએ છીએ. સ્વામીજીના સમયકાળથી સુવ્યવસ્થિત રીતે સંગઠિત ધર્મ પણ સંપ્રદાય બની ગયા છે.. આ સંબંધમાં બિશપ લૅસ્બી ન્યુબિગીને ટકોર કરતાં કહ્યું છે: ‘ઈતિહાસ કહે છે કે સંપ્રદાય ભયંકર રીતે અને કરુણાજનક દશામાં સમાજને વિભાજિત કરે છે આ સાથે સાંપ્રદાયિક ધાર્મિક કટ્ટરવાદને કારણે થતાં શેરી યુદ્ધોએ પણ આ બાબતને સિદ્ધ કરી છે. પરંતુ સાચો ધર્મ તો સૌને જોડે છે. એ કોઈને તોડતો નથી.’ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તો માનવજાત જેટલી જ વૈશ્વિક અને સાર્વત્રિક છે. ‘અમૃતસ્ય પુત્રા:’- તમે તો અમૃતનાં સંતાનો છો. આ અમૃતત્વની દૃઢ માન્યતા અને અટલ શ્રદ્ધાની પવિત્રતાને જાળવી રાખવાનો પડકાર રામકૃષ્ણ મિશન સામે પડ્યો છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના અને સંરચનાના સમયે સ્વામી વિવેકાનંદે આ જ સમસ્યાને ઉકેલવા ભગીરથ પ્રયાસ કર્યો હતો. એક અત્યંત ઉચ્ચ કક્ષાનું આત્મનિરીક્ષણ કરતી ગિરિશચંદ્ર ઘોષ સાથેની એમની વાતમાં સ્વામીજી કહે છે: ‘રામકૃષ્ણ મિશનની રચના અને સ્થાપના કોઈ એક બીજા નવા સંપ્રદાયને તો નહીં ઊભો કરે ને? એટલે જ મારે ઘણી સાવચેતીપૂર્વક સજાગ બનીને કામ કરવું પડશે કે જેથી ભવિષ્યમાં આ સંસ્થા એક સંપ્રદાય ન બની જાય.’ વળી સ્વામીજીના મનમાં એક વિચારનો તણખો ઝરી ગયો: ‘ અરે ભાઈ, એક સંપ્રદાય બની જાય તો ય એમાં શું બગડી જવાનું છે?’ પણ વળી પાછો એક નવો તેજસ્વી વિચાર એમનાં મનમાં આવી ગયો: ‘ના, ના. શ્રીરામકૃષ્ણે કોઈ પણ ધર્મની આધ્યાત્મિક માન્યતામાં દખલ કરી નથી. એમાં નિરર્થક માથું માર્યું નથી. એમણે તો બધા ધર્મોમાં રહેલી ભીતરી એકતાને જ સદૈવ નિહાળી છે.’ સંપ્રદાય કે સાંપ્રદાયિકભાવ ધર્મોની ભીતર સમાયેલ આ એકતાની ભાવનાને દૂર કરી દે છે. શ્રીરામકૃષ્ણદેવ એવા મહાન સાધક-પયગંબર હતા કે ઈસુની, મોહમ્મદની, નાનકની, ચૈતન્યની અને બીજા પયગંબરોની આધ્યાત્મિકતાની અનુભૂતિ કરી હતી અને એ પ્રમાણે એમનું આચરણ કરીને એમણે આ બધા ધર્મો વચ્ચેની સમાનતાને અનુભવી હતી. આ વૈશ્વિક-સાર્વત્રિક આધ્યાત્મિકતાની વાત જ્યારે શ્રીરામકૃષ્ણદેવ કરે છે ત્યારે એ એમની જીવંત અનુભૂતિની વાત કરે છે અને આ જ અનુભૂતિ એમના સંન્યાસીઓ, ભક્તજનો અને ભારતવાસીઓ કરે એમ તેઓ ઇચ્છે છે. આપણે વિવિધ પથે ચાલીને આ ઐક્ય-સમાનતાને નિહાળી શકતા નથી પણ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદે નિહાળી એ જ એમની મહાનતા છે અને આ જ ભારતભૂમિની મહાનતા છે તેનું ગૌરવ છે.

આપણે એમ માનીને બેસી ગયા છીએ કે ત્યાગ-બલિદાન તો આઝાદી પહેલાં આવશ્યક હતાં અને આજે નહીં. પણ ત્યાગ-સર્વસમર્પણની ભાવના આજે તો સૌથી વધારે આવશ્યક છે. કદાચ એક વખત-મરી જવું, ફાંસીના માચડે ચડવું કે ગોળીનો સામનો કરવો એ સરળ વાત છે. પણ આપણી સાંપ્રદાયિક માન્યતાનો ત્યાગ કરવો ઘણો દુષ્કર છે. આપણા ક્ષુદ્ર અહમ્‌નો ત્યાગ કરવો, આપણી સ્વાર્થવૃત્તિને ત્યજી દેવી અને પ્રમાદને છોડવો એ બધું તો એનાથી ય દુષ્કર કાર્ય છે. આ બધું તો જે સર્વસ્વનું સમર્પણ કરી શકે અને જે સમાજ-રાષ્ટ્ર-વિશ્વનો આદર્શ બની શકે એમનું જ કામ છે. એટલે જ આજે આપણા દેશમાં આ ત્યાગ-સમર્પણની આવશ્યકતા છે, આ બલિદાનની ભાવનાની લાક્ષણિકતા બદલાઈ છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા આ નવા લાક્ષણિક ત્યાગ-સમર્પણના ભાવથી જ ભારત મહાન બનશે, ભારતની ઉન્નતિ થશે.

આજે આપણે જ્યારે ૨૧મી સદીના ઉંબરે ઊભા છીએ ત્યારે પોતાની શ્રદ્ધેયતા, પોતાના ભવ્ય વારસા અને નિ:સ્વાર્થ સેવાભાવનાની પોતાની આગવી પ્રણાલી દ્વારા – આ વિશ્વને વધુ શાંતિપ્રદ અને એકતા અને સમભાવની ભાવના સાથે રહેવાનું ઉત્તમ સ્થળ બનાવવા, એક મહાન શક્તિશાળી ભાવધારાનું સર્જન કરવા અને સંવર્ધન કરવા રામકૃષ્ણ મિશન એક સુયોગ્ય યંત્ર-સાધન છે. એ વાત નિ:શંક છે.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.