શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.- સં.

જિસસે કહ્યું છે કે, ‘સ્વર્ગનું રાજ્ય તારી ભીતર જ છે.’ અને આ જ વાત વેદાન્ત તેમજ દરેક મહાન ઉપદેશક પણ કહે છે. ‘જેમને જોવા માટે આંખો છે, તેમને જોવા દો અને જેમને સાંભળવા માટે કાન છે, તેમને સાંભળવા દો.’ વેદાન્તે એ સાબિત કરી દેખાડ્યું છે કે જે સત્યની શોધ આપણે આખા સમય દરમિયાન ચલાવી રહ્યા છીએ, તે સત્ય આપણી ભીતર હંમેશાં હાજરાહજૂર જ રહ્યું હતું. આપણા અજ્ઞાનને લીધે જ આપણે એમ માની લીધું હતું કે આપણે એને ખોઈ બેઠા છીએ. અને આપણા જ હૃદયમાં સદાસર્વદા વિદ્યમાન એ સત્યને શોધવા માટે અહીં તહીં આખી દુનિયામાં રોતા-કકળતા, ભમતા ભટકતા ધમપછાડા કર્યા કરીએ છીએ! આપણે એને આપણા હૃદયમાં જ શોધી શકીએ.

‘દરેક સ્ત્રી કે પુરુષનો વિકાસ, તેની પોતાની વ્યક્તિગત ખાસિયત પ્રમાણે થવો જોઈએ.’ એમ સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા. તેમણે શીખવ્યું કે ‘દુષ્કર્મોને ય એક રીતે ધન્યવાદ આપવો જોઈએ, કારણ કે એ દુષ્કર્મો દ્વારા જ માણસ સત્કર્મો કે સદ્‌ગુણોનું શિક્ષણ મેળવે છે. આજે માણસ જે સ્થિતિમાં છે તેનું નિર્માણ એનાં પાપો અને પુણ્યો બન્નેએ જ કર્યું છે; તો પછી આપણે માણસના સ્વભાવની નબળી બાજુ પર જ શા માટે નજર ઠેરવવી જોઈએ? શું આપણે એ જાણતા નથી કે ઘણી વાર અધમાધમ વ્યક્તિ પણ, સન્તપુરુષમાં ય ન હોય એવા સદ્‌ગુણ સુધી પહોંચી જતી હોય છે? પાયામાં તો ફક્ત એક જ સત્તા છે અને તે જ સત્તા પોતાને સારા કે ખરાબ સ્વરૂપમાં પ્રકટ કરે છે. ઈશ્વર અને સેતાન એ બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાંથી ઉછળતાં-અથડાતાં એક જ સ્વરૂપના પાણીના મોજાં જેવા જ છે અને એ બન્ને એક જ સત્તારૂપી નદીમાં રહે છે.’ સ્વામીજી ભારપૂર્વક કહે છે કે ‘દરેક માણસમાં દિવ્યતા વસેલી છે. અને આત્મા પૂર્ણ, શાશ્વત અને અજરામર છે અને એ આત્મા દરેકેદરેક પ્રાણીમાં વસેલો છે.’

અહીં આશા છે, અહીં બળ છે. દરેક માણસ પોતાની દિવ્યતાને પિછાનીને દિવ્યસ્વરૂપ બની શકે છે. જે માણસો સત્યની શોધ કરવા નીકળી પડ્યા છે, પણ હજુ સુધી જેમને એ સાંપડ્યું નથી, તેવા લોકો માટે સ્વામીજીના ઉપદેશો ભારે આશ્વાસન આપનારા છે. જેમણે સત્યનાં બારણાં તો ખટખટાવ્યાં છે, પણ જેમને માટે એ હજુ ખુલ્યાં નથી તેઓ માટે એ ઉપદેશો આશ્વાસન દેનારા છે. આવા લોકોના ઉદ્ધારાર્થે સ્વામીજી આવ્યા. તેમના હૃદયદ્વાર સુધી તેઓ પહોંચ્યા. તેમણે હૃદયદ્વાર ખટખટાવ્યાં અને ધન્ય છે એવા લોકોને કે જેમણે તેમના સંદેશની સાથે તેમનાં આશીર્વાદો અને આહ્‌વાનોને ઝીલ્યાં.

સ્વામીજીના ઉપદેશમાં કેટલાક એવા મુદ્દાઓ સમાવિષ્ટ છે કે જે બધા ધર્મોને એક સાથે બાંધે છે. વિશ્વના સર્વ ધર્મો એકતાના પાયા પર ખડા છે. તત્ત્વજ્ઞાન અને સહિષ્ણુતાનો આ સિદ્ધાન્ત છે. ભારતમાં પ્રેમનો સિદ્ધાન્ત ઉપદેશાયો છે અને તે ફક્ત કંઈ પોતાના સગાં સંબંધીઓ પૂરતો જ નહિ, પણ બધાં જ જીવિત પ્રાણીઓ માટે. આપણા પગ નીચે ચગદાઈ જતા, પેટે ચાલતા ક્ષુદ્ર જન્તુ માટે પણ આ પ્રેમનો સિદ્ધાન્ત ઉપદેશાયો છે. ઘણા પ્રાચીન સમયથી ભારતના લોકોએ બધા ધર્મોમાં રહેલા એક સામાન્ય સિદ્ધાન્તને શોધવા માટે પ્રયત્ન કર્યો છે. સત્ય એક જ અને માત્ર એક જ હોઈ શકે પછી ભલે એને વિવિધ ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવતું હોય.’ એવી એમણે ઉદ્‌ઘોષણા કરી હતી.

પૂર્વ અને પશ્ચિમના ધર્મોની વિભિન્નતાના મૂળમાં એ બન્નેની વિશ્વવિષયક તાત્ત્વિક અને વૈજ્ઞાનિક ધારણા રહેલી છે. પશ્ચિમમાં અજ્ઞેયવાદ વિસ્તરી રહ્યો છે અને વ્યક્તિગત નૈતિકતા વિશેની આશા ગુમાવી રહ્યો છે. પશ્ચિમી માનવની એને જાળવી રાખવાની હંમેશની ઝંખનામાં હતાશા પ્રવેશી ચૂકે છે. જ્યારે પૂર્વનો માનવ સ્વાતંત્ર્યની ઇન્દ્રિયોના સકંજામાંથી મુક્ત થવાની, સુખ અને દુ:ખોના પાશમાંથી મુક્ત થઈ જવાની મનીષા સેવતો હોય છે.

પશ્ચિમી સંસ્કૃતિએ પુરુષવિધ પરમાત્માને માનેલ છે અને પછી એ ઉપરની શ્રદ્ધા ડગી જતાં નિરાશાનો અનુભવ કર્યો છે. વેદાન્તમતાનુસાર એનું અસ્તિત્વ તો છે, પણ ઈશ્વર બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાતો નથી. તમારી આંખો ભીતરમાં વાળો અને એ ‘આત્માના પણ આત્મા’ને તમારા પોતાનામાં જ મેળવો. માણસ પોતે જ સર્વસ્વ છે. હું પાયાની સત્તાને જાણી શકતો નથી; કારણ કે હું પોતે જ એ પાયાની સત્તા છું. દ્વૈત જેવું કશું છે જ નહિ. બધા જ આધ્યાત્મિક માર્ગો અને નૈતિકતાના માર્ગોની સમસ્યાઓનો આ જ એકમાત્ર ઉકેલ છે. પશ્ચિમની સંસ્કૃતિના આ સમસ્યાઓ ઉકેલવા માટેના બધા પ્રયત્નો નકામા નીવડ્યા છે વળી આગળ કહે છે: ‘હું જ મારો ભાઈ જ છું અને એનું દુ:ખ એ મારું જ દુ:ખ છે. મને પોતાને ઈજા પહોંચાડ્યા વગર હું એને ઈજા પહોંચાડી શકું નહિ. અને મારા પોતાના આત્મામાં બુરાઈ લાવ્યા વગર કોઈ બીજા પ્રાણીની બુરાઈ કરી શકું નહિ. જ્યારે હું પોતે પૂર્ણ છું એવી અનુભૂતિ કરી હોય, ત્યારે પછી મારે માટે વધુ જીવન કે મરણ જેવું કશું રહેતું નથી; સુખ કે દુ:ખ જેવું કશું રહેતું નથી; કોઈ નાતજાત કે લિંગભેદ રહેતાં નથી. જે પોતે પૂર્ણ છે, એને વળી મૃત્યુ કે જન્મ કેમ હોય? પુસ્તકનાં પાનાંની પેઠે પ્રકૃતિનાં પાનાં પણ આપણી સામે ઉથલાયાં કરે છે. પણ આપણે એવું માની બેસીએ છીએ કે જાણે આપણે પોતે જ ઉથલપાથલ થઈ રહ્યા છીએ! વાસ્તવિક રીતે તો આપણે પોતે હતા એમના એમ જ રહીએ છીએ.

ધર્મ: માનવ-માનવ વચ્ચેના સંબંધોનું પ્રેરક બળ

માનવીય વિચારો અને જીવનની સર્વોચ્ચ ભૂમિ ધર્મ જ છે. એમાં આપણે બધાં જ બીજાં પરિબળો ચિહ્‌નિત થયેલાં આપણને જોવા મળે છે. માનવજાતને સદા અગમ્ય રહેલો પ્રેમ ધર્મમાં પ્રગટ થાય છે. અને સૌથી વધારે આપણા સૌને જાણીતો વારેવારે જણાતો તિરસ્કાર પણ એ ધર્મમાંથી ઉત્પન્ન થાય અને કોઈને કદીય ન સાંભળ્યા હોય એવા પ્રેમ અને શાન્તિના સૌથી ઉદાત્ત શબ્દો પણ ધર્મના સ્તરેથી માનવમુખે નીકળ્યા છે. અને અશ્રુતપૂર્વ અતિકડવા શબ્દો પણ ધર્મજીવી માણસોને મુખેથી સંભળાયા છે. જે ધર્મનું ધ્યેય જેટલા પ્રમાણમાં એનું સંગઠન વધુ વ્યવસ્થિત હોય એટલા પ્રમાણમાં એની કાર્યક્ષમતા અને કાર્યવ્યાપકતા વધુ નોંધપાત્ર જોવા મળે છે તો સાથો સાથ વળી ધર્મ સિવાયના બીજા કોઈપણ પ્રેરક બળે વિશ્વની માનવજાતને આટલી લોહી તરબોળ પણ બનાવી નથી! ધર્મે ઘણી ઘણી સંખ્યામાં હૉસ્પિટલો બંધાવી છે, ગરીબો માટે કેટકેટલાં અનાથાશ્રમો શરૂ કર્યાં છે, માનવોની એટલી કાળજી બીજી કોઈ પણ માનવીય પહોંચ કે માનવીય અભિપ્રેરણાએ દાખવી નથી. માનવોની જ નહિ, ક્ષુદ્રાતિક્ષુદ્ર જંતુઓની પણ ધર્મે એટલી કાળજી રાખી છે, તેટલી બીજી અભિપ્રેરણાએ રાખી નથી. અને છતાંય ધર્મ આપણને જેટલા ક્રૂર બનાવી શકે છે, તેટલા ક્રૂર બીજું કોઈ બનાવી શકતું નથી અને ધર્મ જ આપણને જેટલા કોમળ બનાવી શકે છે, એટલા કોમળ બીજું કોઈ બનાવી શકતું નથી! ધાર્મિક સંપ્રદાયોની આ વાડાબંધીના દ્વેષ અને ઈર્ષ્યા, સંઘર્ષો અને વિખવાદો, કોલાહલો અને શરીર અને મનના સંતાપોની વચ્ચેથી વખતો વખત બીજા શોરબકોરોને એક બાજુ હડસેલીને એક છેડેથી બીજે છેડે સ્પષ્ટ સંભળાય તેવા સબળ અવાજો જાણે કે શાન્તિ અને સંવાદિતાની ઉદ્‌ઘોષણા કરતા હોય, તેમ સંભળાયા કરે છે. એ ઉદ્‌ઘોષણા આપણને ક્યારેય સંભળાશે ખરી કે?

આ ભારે સંઘર્ષના સ્તર પર સંવાદિતાની અખંડ શૃંખલા હોય એવું બનવું શક્ય છે ખરું? લોકો માને છે કે જીવનના સંઘર્ષના વેગને નાબૂદ કરવો અશક્ય છે, માનવમાં રહેલ મગજની તાણને હળવી કરી નાખવી અસંભવિત છે. જીવનના આ ભૌતિક સ્તર-એની બાહ્ય, સ્થૂળ, દૃશ્યમાન સ્તરની સંવાદિતા લાવવી પણ ઘણી મુશ્કેલ વાત છે તો પછી માનવના આંતરિક સ્વરૂપ પર પ્રભુત્વ મેળવવા માટે એમાં શાન્તિ અને સંવાદિતા લાવવી તો વળી ભારે મુશ્કેલ બાબત જ છે!

આપણે બધા બાળપણથી જ પ્રેમ, શાન્તિ, દાન, ત્યાગ, સમાનતા અને વિશ્વબંધુત્વ જેવી બાબતો સાંભળતા આવ્યા છીએ. પણ આપણે માટે તે બધા માત્ર અર્થ વગરના શબ્દો જ બની ગયા છે. પોપટની પેઠે આપણે બધા શબ્દોને રટ્યા કરીએ છીએ અને આવું કરવું એ આપણે માટે સાવ સ્વાભાવિક બની ગયું છે. આપણે એમાં કશું કરી શકતા નથી. મહાત્માઓએ પોતાના હૃદયમાં પહેલાં ઉત્તમોત્તમ આદર્શોની અનુભૂતિ કરીને આ બધા શબ્દોને ઘડ્યા હતા. એ વખતે ઘણા લોકો આ શબ્દોના અર્થો સમજતા હતા; પણ પાછળથી અજ્ઞાની લોકોએ આ શબ્દોનો પોતાની રમત માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને ધર્મને શબ્દોનો ખેલ બનાવી મૂક્યો. એનું અમલીકરણ-જીવનમાં એનો વિનિમય-રહ્યો નહિ-આમ ધર્મોમાં સંવાદિતા લાવવાનું હંમેશાં મુશ્કેલ જ રહેવાનું.

આપણે બધા વિશ્વબંધુત્વ વિશે સાંભળીએ છીએ. અને આ વિશ્વબંધુત્વનો ઉપદેશ કરવા માનવસમૂહો કેવા વિશેષરૂપે તૈયાર થઈ જાય છે? આપણે બધા સરખા છીએ. એટલે ચાલો આપણે એવો એક પંથ-સંપ્રદાય ઊભો કરીએ. અને જેવો આપણે એ પંથ-સંપ્રદાય ઊભો કરીએ કે તરત જ આપણે સમાનતાની સામે જ મોરચો માંડીને પોતાને અળગા તારવી લઈએ છીએ! પછી સમાનતા જેવું કશું જ રહેતું નથી. એટલે આ જગતમાં આપણે વિશ્વબંધુત્વ અને સમાનતાની ખોજમાં ભટક્યા જ કરીએ છીએ. જેઓ ખરેખરા કર્મઠ છે, અને સાચો સાચ પોતાના હૃદયમાં માનવોની વિશ્વબંધુત્વની ભાવના સેવે છે, તેઓ ઝાઝું બોલબોલ કરતા નથી, વિશ્વબંધુત્વ માટે નાના નાના સંપ્રદાયો શરૂ કરતા નથી; પણ તેમનાં કાર્યો, તેમની રહેણીકરણી, તેમનું સમગ્ર જીવન એ સ્પષ્ટ બતાવી જાય છે કે તેઓ માનવજાતિ માટે બંધુત્વની ભાવનાને સાચી રીતે ધારણ કરેલા જનો છે, તેમને બધા તરફ સ્નેહ અને સહાનુભૂતિ છે. આજે આપણે એની જ જરૂર છે. થોડું વધારે નિષ્ઠાપૂર્વકનું કામ અને ઓછી વાતો!

આપણે બધા માનવજીવો છીએ. અને છતાં પણ આપણે બધા શું સમાન છીએ કે? શું આપણા બધાનાં મગજ એક સરખાં જ છે? આપણે શક્તિઓમાં, શરીરોમાં શું સરખા છીએ? આવી અસમાનતા કેમ છે? આપણે અરસપરસ આપણામાં ભેદો ઊભા કર્યા છે; છતાં પણ આ સમાનતાનો સિદ્ધાન્ત આપણા હૃદયને પ્રભાવિત તો કરે છે જ. આપણે બધા માનવીઓ-માનવજીવો જ છીએ તો પણ સ્ત્રી-પુરુષ, કાળા-ગોરા વગેરે ભેદો આપણામાં જોવા મળે છે. તો ક્યાં ગઈ એ માનવની એકતા? આ બધા વિભિન્ન ચહેરાઓની વચ્ચે પણ આપણે જાણીએ છીએ કે એ બધામાં અનુસ્યૂત એક સૂક્ષ્મ માનવત્વ છે. આપણે એને પકડવા કે પિછાણવા મથીએ ત્યારે ભલે એને પામી ન શકીએ, છતાં આપણે એ નિશ્ચિત રૂપે જાણીએ છીએ કે તે ત્યાં અવશ્ય છે જ. માનવમનમાં કોઈ સુનિશ્ચિત વિભાવના હોય તો તે એ જ છે કે દરેક માનવપ્રાણીમાં અનુસ્યૂત સમાન માનવત્વ રહેલું છે. આ સામાન્યસ્વરૂપ ઓળખ દ્વારા જ આપણે પુરુષ કે સ્ત્રીને જોઈએ છીએ. ‘હું એક એવું સૂત્ર છું કે જેમાં બધાં મોતીઓ પરોવાયેલાં છે,’ અને એ એકેએક મોતી ધર્મ કે એનો પંથ-સંપ્રદાય છે. જુદાં જુદાં મોતીઓ આવાં છે. અને એનું સૂત્ર સ્વયં ભગવાન છે. એ બધાં મોતીઓને પોતાનામાં પરોવી રહેલો છે. પરન્તુ, બહુસંખ્યક લોકો એ જાણતા હોતા નથી.

‘અનેકતામાં એકતા’ એ વિશ્વનું આયોજન છે. આપણે બધા છીએ તો માનવો જ; અને છતાંય આપણે એક બીજાથી જુદા છીએ. મનુષ્યપણાના એક ભાગ રૂપે આપણે બન્ને એક જ છીએ; પણ શ્રીમાન અમુકતમુકતારૂપે આપણે એક બીજાથી અલગ છીએ – જીવંત પ્રાણી તરીકે પુરુષ, સ્ત્રી, પ્રાણી, છોડો – બધાં એક જ છે. અને એક હસ્તી તરીકે તમે સમગ્ર વિશ્વ સાથે એકરૂપ છો. અને એ સમગ્ર વૈશ્વિક હસ્તી જ ઈશ્વર છે. એ જ સમગ્ર વિશ્વના પાયામાંની – છેવટની એકતા છે. અહીં આપણે બધા એક જ છીએ. અને એની સાથોસાથ જ એના પ્રકટીકરણમાં તો હમેશાં વિવિધતા રહેવાની જ. વિવિધતા તો જીવનનો પહેલો સિદ્ધાન્ત છે. ભિન્નતા જ આપણને જુદાં જુદાં પ્રાણીઓ રૂપે ઘડે છે. આ ભેદ-અલગતા, આ આપણી સંતુલિતતાની ક્ષતિ જ આપણી પ્રગતિનું પ્રાણતત્ત્વ છે એ જ આપણા વિચારોની સંજીવની છે.

સૃષ્ટિનું આ વિચિત્ર ચક્ર અનવરત ચાલ્યા જ કરે છે. એક ચક્રમાં બીજું ચક્ર, એકબીજામાં જોડેલ બીજાં અનેક યંત્રોનો જથ્થો, ઘણું ગૂંચવણભર્યું, ઘણું નવાઈભર્યું છે એ! આપણે એને સરળતાથી ચાલવા દઈ શકીએ છીએ. આપણે એની આડે આવતા અવરોધોને ઓછા કરી શકીએ છીએ, આપણે એ સાંસારિક ચક્રોમાં જાણે કે તેલ પૂરી શકીએ છીએ. આ કેવી રીતે થાય? ફેરફારની સ્વાભાવિક આવશ્યકતાને સ્વીકારીને જ. જેમકે હમણાં જ આપણે આપણા સ્વભાવમાં રહેલી એકતાનો સ્વીકાર કર્યો છે, તો એ જ રીતે આ સહજ ફેરફાર-અલગતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. આપણે સમજી લેવું જોઈએ કે સત્ય લાખો રીતે અભિવ્યક્ત થઈ શકે છે. અને એ દરેકે દરેક રીત જ્યાં સુધી જાય છે ત્યાં સુધી સાચી જ છે. આપણે સમજી જ લેવું જોઈએ કે એક જ વસ્તુને જુદા જુદા સો દૃષ્ટિકોણથી નિહાળી શકાય છે. અને છતાંય એ વસ્તુ તો એકની એક જ હોય છે. ઈશ્વર વિશે પણ આવું જ કહી શકાય. ઊંચા તત્ત્વજ્ઞાન કે નિયમ દ્વારા, વધારી વધારીને વાત કહેતી પુરાણકથાઓ દ્વારા, સ્થૂળ કથાઓ દ્વારા કે ઝીણવટભર્યાં વિધિવિધાનો દ્વારા કે અબૂધ અંધશ્રદ્ધા દ્વારા, દરેક પંથ-સંપ્રદાય, દરેક આત્મા, દરેક રાષ્ટ્ર, દરેક ધર્મ, અભાન રીતે કે સભાન રીતે, ઊંચે જવા માટે, ઈશ્વર તરફ જવા માટે સંઘર્ષ કરી રહેલ છે. માણસે કરેલ સત્યનો દરેકે દરેક અનુભવ એનો પોતીકો જ છે, બીજાનો નથી. જેમ પાણી વાસણનો આકાર ધારણ કરે છે, તેવું જ ધર્મનું પણ છે. આપણાં મન વાસણ જેવાં છે. દરેકના આકાર અને કદ અલગ અલગ છે. અને દરેક પાત્રમાં ઈશ્વરની ઝાંખી પાત્રના આકારથી જ ઉપસ્થિત થાય છે. અને છતાં પણ એ એક જ છે. દરેક વાસણમાં-મનમાં એ ઈશ્વર પોતે જ છે. આ જ ધર્મની વૈશ્વિકતાની માન્યતા છે.

ઘણાએ કબૂલ્યું છે કે વિશ્વના બધા ધર્મો સાચા છે. પરન્તુ તેઓ તે બધાને એક સાથે જોડવાનો કોઈ વ્યાવહારિક ઉપાય બતાવતા નથી. કારણ કે આવા સર્વધર્મસંગમમાં દરેક ધર્મની પોતીકી ખાસિયત તેઓ જાળવી રાખવા માગે છે અને ફક્ત એવું આયોજન જ વ્યવહારુ છે કે જે કોઈપણ માણસની ધાર્મિક ખાસિયતને ખતમ ન કરી નાખે. અને એની સાથોસાથ અન્ય સૌની સાથે પોતાની એકતાનો સંકેત બતાવતું રહે.

ધર્મ, માનવ અને સમાજ

ક્ષુદ્ર વસ્તુઓ સાથે છેડો ફાડનાર માટે જ ધર્માચરણ શક્ય છે. ઉચ્ચ્તર જીવન માટેનો આપણો સંઘર્ષ જ બતાવે છે કે આપણે ઉચ્ચ સ્થાનેથી નિમ્નતર સ્થાને પતિત થયા છીએ.

ધર્મનો ખરો અર્થ સંસારનું સ્વરૂપ પરિવર્તન છે — સંસારને આપણે જે રીતે ધારીએ છીએ, જે રીતે ઓળખીએ પારખીએ છીએ, આપણને એ જેવો દેખાય છે, – એ બધાંને ભૂંસી નાખીને એ વાસ્તવિક રૂપે કેવો છે, તે જાણવું; એમ કરીશું તો સર્વત્ર ઈશ્વર જ દેખાશે. ઉપનિષદો શીખવે છે કે, ‘જે કંઈ આ વિશ્વમાં હસ્તી ધરાવે છે, તે બધું જ ઈશ્વર વડે વ્યાપ્ત થયેલું છે.’

સ્વયં ઈશ્વર દ્વારા બધી વસ્તુઓને આપણે આવૃત્ત કરી દેવી જોઈએ. અને એ કંઈ ફક્ત ખોટા આશાવાદથી નહિ, કે ખરાબી તરફ આપણી આંખોને અંધ બનાવીને પણ નહિ, પરન્તુ સર્વત્ર ઈશ્વરને જ ખરેખરો જોઈને જ એવું કરવું જોઈએ. આ રીતે જ આપણે દુનિયાનો ત્યાગ કરવો જોઈએ. અને જ્યારે આવી રીતે દુનિયાનો ત્યાગ કર્યા પછી જે બાકી રહેશે તે ઈશ્વર જ છે. આનો શો અર્થ થાય? પત્નીમાં, બાળકોમાં બધાંમાં ઈશ્વરને જ જુઓ. જીવનમાં અને મૃત્યુમાં, સુખોમાં અને દુ:ખોમાં બધે જ ઈશ્વર એક સરખી રીતે હાજર છે. આખી દુનિયા ભગવાનથી ભરપૂર છે. તમારી આંખો ખોલો અને એને નિહાળો, એવું વેદાન્ત શીખવે છે. તમે અત્યાર સુધી માનેલી-ધારેલી દુનિયાને છોડી દો. કારણ કે તમારી એ ધારણા તો એકદમ આંશિક અનુભવ પર આધારિત હતી, ઘણી વજૂદ વગરની દલીલો પર આધારિત હતી, અને તમારી પોતાની દુર્બળતા પર આધારિત હતી. અત્યાર સુધી આપણે દુનિયાના સ્વરૂપની જે ધારણા સેવતા હતા, તે ધારણાને ફગાવી દો. ફગાવી દો એ દુનિયાને કે અત્યાર સુધી આપણે જેને વળગી રહ્યા હતા, એ દુનિયા તો આપણી સરજેલી જૂઠી દુનિયા હતી. એને છોડો, આંખો ખોલો અને જુઓ કે એ ક્યારેય હતી જ નહિ. એ તો એક સ્વપ્ન હતું, માયા હતી. જે હસ્તી હતી, તે તો કેવળ ઈશ્વર પોતે જ હતા. બાળકમાં પણ એ જ છે, પત્નીમાં પણ ફક્ત એ જ છે, પતિમાં પણ કેવળ એ જ છે. સારામાં પણ એ જ છે અને ખરાબમાં પણ એ જ છે; પાપમાં ય એ જ છે અને પાપીમાં પણ એ જ છે. જન્મમાં ય એ છે અને મૃત્યુમાં પણ એ જ છે. ખરેખર જબરદસ્ત પ્રભુત્વ છે! આ જ વિષય વેદાન્ત દર્શાવવા માગે છે, ઉપદેશવા માગે છે, સમજાવવા માગે છે.

આપણને દુ:ખી કોણ કરે છે? જેનાથી આપણે દુ:ખી થઈ છીએ તેવાં બધાં દુ:ખોના મૂળમાં આપણી એષણા રહેલી છે. તમે કશીક વસ્તુની એષણા રાખો છો, અને તમારી એ એષણા પૂર્ણ થતી નથી. એને પરિણામે હતાશા જન્મે છે. જો કોઈ એષણા જ ન હોય તો, દુ:ખ આવે જ નહિ. એષણા છોડો અને બધાં દુ:ખોથી મુક્ત થઈ જાઓ. પણ આ દીવાલોને તો કોઈ એષણાય નથી અને તેથી તેને કશું દુ:ખ પણ નથી. એટલા માટે સુખમાં ય સાર્થક્ય છે, તો દુ:ખમાં પણ સાર્થક્ય છે. ખરાબપણાને પણ ઉપયોગિતા છે. જીવનની દરેક ક્ષતિ અને દરેક સારપ એ એક મોટો પદાર્થપાઠ જ સમજવો. અત્યારે જેવો છું, તેવો હું, ભૂતકાળમાં મેં જે બધું કંઈ કર્યું છે કે જે બધું કંઈ વિચાર્યું છે, એના પરિણામસ્વરૂપ જ છું. દરેક કાર્ય કે દરેક વિચારને પોતાની એક અસર હોય છે. અને આ બધી અસરોનો સરવાળો જ માણસની પ્રગતિ કહેવાય છે.

જીવન એષણાઓ વગર આગળ કેમ વધી શકે? વેદાન્ત શીખવે છે કે તમને જે જે અરમાનો હોય તે ભલે પૂરા થાય. જોઈએ તે કરતાં તમને બધું વધારે ભલે મળી રહે પરન્તુ તમે ફક્ત સત્યને જાણો અને એનો સાક્ષાત્કાર કરો. ધન કોઈની માલિકીનું નથી; બધું ઈશ્વરની માલિકીનું જ છે. કારણ કે ઈશોપનિષદના શરૂઆતના મંત્રમાં જ આપણને કહેવામાં આવ્યું છે કે બધામાં ઈશ્વરને જ જુઓ. તમે જે ધનને ભોગવો છો, તેમાં પણ ઈશ્વર છે તમારા મનમાં ઉત્પન્ન થતા અરમાનમાં પણ ઈશ્વર છે. આ રીતે તમે બધું જોતા થશો તો બધું જ રૂપાન્તરિત થઈ જશે. તમારી પ્રત્યેક ક્ષણમાં તમે જો ઈશ્વરને દાખલ કરશો, તમારી વાતચીતમાં, તમારા સ્વરૂપમાં બધે જ સ્થળે દાખલ કરશો તો આખું દૃશ્ય જ બદલાઈ જશે. અને આ દુનિયા, જે ખૂબ શોકમય અને દુ:ખમય જેવી દેખાય છે, તેને બદલે સ્વર્ગ સમી બની જશે. દુનિયાના ત્યાગને આપણે જો એના ખરા અર્થમાં સમજીએ તો એનો ખરો અર્થ આપણે કર્મઠ બનવું જોઈએ, એવો થાય છે. જે માણસ પોતાની કોઈપણ ઇચ્છાથી પ્રેરિત થતો નથી કે કોઈ સ્વાર્થથી ખેંચાયેલો હોતો નથી તે જ ખરું કામ કરે છે, જેની દૃષ્ટિમાં અન્ય હેતુનો કોઈ વિકલ્પ નથી, જેને કાર્યમાંથી કશું મેળવવાનું નથી તે જ કામ કરે છે. જ્યારે આપણે દુનિયા છોડી જ દીધી છે ત્યારે જ આપણે આ ઈશ્વરની દુનિયાને વાંચી-પામી અને એ ઈશ્વરની દુનિયાનો આનંદ લઈ શકીએ. ત્યારે બધું જ સ્પષ્ટ બની જશે. ખૂણાખાંચરા, ગલીકૂંચીઓ અને અવાવરુ જગ્યાઓ – બધું જ સમજાઈ જશે ત્યારે તે બધાં પોતાના સાચા સ્વરૂપને પ્રકટ કરી દેશે, ત્યારે આપણે આપણા પોતા ઉપર હસી ઊઠશું અને વિચારીશું કે આ બધી રો-કકળ અને બૂમબરાડા તો કેવળ બચ્ચાંના ખેલ છે. અને આપણે તો માત્ર એના તટસ્થ સાક્ષી જ છીએ.

દુનિયામાંનાં દુ:ખો-શરીરમાંના ભયંકર સંધિવા જેવાં હોય છે, એને એક જગ્યાએથી દૂર કરો તો બીજી જગ્યાએ ઊભાં થઈ જાય છે, ત્યાંથી ખસેડો તો વળી બીજે ઠેકાણે દુ:ખાવો ઊભો થાય છે… કામનાઓ જ બધાં દુ:ખોને નોતરે છે. કામનાયુક્ત માણસની દશા ભિખારી જેવી હોય છે. ભિખારી કંઈક ને કંઈક ભીખતો બધે ભટક્યા કરે છે, પણ એના હાથમાં કેવળ કામના સિવાય કશું જ મેળવવાનું બનતું નથી તે હંમેશાં વધુ ને વધુ મેળવવા ઝંખે છે. આપણી કામનાઓને તૃપ્ત કરવાનું સામર્થ્ય જો ગાણિતિક ગતિથી વધતું ચાલે તો એની સામે પેલી વાસનાઓનું સામર્થ્ય ભૌમિતિક ગતિથી વધતું જાય છે! સંસારમાં સર્વ સુખોનો સરવાળો અને સર્વ દુ:ખોનો સરવાળો છેવટ સુધી એક સરખો જ રહે છે.

આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં બધાં જ સુખો પાછળ દુ:ખ કે દુ:ખનો ઓછાયો આવે જ છે. જીવન આવા ઓછાયા અને અવસાનનું બનેલું છે. સુખ-દુ:ખ એક સાથે જ હોય છે. કારણ કે તેઓ એકબીજાનાં વિરોધી નથી; બન્ને અલગ હસ્તીઓ નથી. પણ એક જ એકમની બે જુદી જુદી અભિવ્યક્તિઓ માત્ર છે. જીવન-મરણ, સુખ-દુ:ખ, સારું-ખરાબ, એ એક જ હસ્તી છે. એક જ વસ્તુનાં એ વિવિધ પ્રકટીકરણ છે. એક જ વસ્તુ એક વખતે સારી માલૂમ પડે છે અને એ જ વસ્તુ બીજે વખતે ખરાબ જણાય છે. પણ એ વસ્તુમાં તો કશો ફેર પડતો નથી. ફરક ફક્ત એના પ્રમાણમાં પડે છે, સ્વરૂપમાં નહિ. ફરક પ્રમાણનો છે… ફરક તીવ્રતાનો છે… એટલા માટે અસ્તિત્વનું દ્વૈત અવાસ્તવિક છે.

… દુર્વૃત્તિ કે અસુરપણું સતત વધ્યા કરતો વિશેષ ગુણ છે. એ રીતે સદ્‌વૃત્તિ પણ અનવરત વૃદ્ધિ પામ્યા કરતો ગુણ છે…. સામાન્ય રીતે માણસનું આ દુ:ખ સંપૂર્ણપણે ઇન્દ્રિયસ્તરનું હોય છે. અને એ રીતે એનું સુખ પણ ઇન્દ્રિયોમાં જ સમાઈ જતું હોય છે. અને તેથી એ સુખ પણ દુ:ખદાયક બની જાય છે; પરન્તુ જો માણસ પોતાની જ્ઞાનશક્તિ વધારે, તો એનું સુખ વધશે, એની બુદ્ધિ ખૂલી જશે અને એની ઇન્દ્રિયોનાં સુખોનું એની બુદ્ધિનાં સુખોમાં રૂપાન્તર થઈ જશે. કોઈ સુંદર કવિતા વાંચીને એને આનંદનો અનુભવ થશે, ગણિતનો કોઈ કૂટ પ્રશ્ન એને રસતરબોળ અને તલ્લીન બનાવી દેશે. પરન્તુ એની સાથોસાથ અબૂધ માનવની તો કલ્પનામાં પણ ન આવી શકે એવાં મનોવેદનાનાં દુ:ખો, સૂક્ષ્મ જ્ઞાનતંતુઓને વધારે ને વધારે સંવેદનશીલ બનાવતાં જશે… તમે એને સીધાસાદા જીવનનો ઉપદેશ આપી શકતા નથી. કારણ કે સમાજ એની પાસેથી આવી ઘણી અપેક્ષાઓ રાખે છે… સમાજનું ચક્ર તો એકધારું ચાલ્યા જ કરે છે, એ વિધવાનાં આંસુઓથી કે અનાથોની દીવાલોથી જરા પણ અટકતું નથી.

તમારી પાસે તમારા મસ્તિષ્કમાં જેટલા પ્રમાણમાં વધારે ઊંચો આદર્શ હશે, તેટલા પ્રમાણમાં તમને વધારે આનંદ મળશે. અને એટલા પ્રમાણમાં તમારું દુ:ખ પણ સઘન બનશે. સારાપણું જો ગાણિતિક પ્રક્રિયા પ્રમાણે વૃદ્ધિ પામે છે, તો ખરાબપણું ભૌમિતિક પ્રક્રિયા પ્રમાણે વૃદ્ધિ પામે છે. આ માયા છે, એ નથી તો કોઈ આશાવાદ કે નથી તો કોઈ નિરાશાવાદ. વેદાન્ત એ તો સ્થાપિત નથી જ કરતું કે આ જગત કેવળ દુ:ખમય જ છે. અને એમ કહેવું એ પણ એક ભૂલ જ થશે કે દુનિયા સુખથી ભરેલી છે, વરેણ્ય છે… સુખો અને દુ:ખોની આ લીલા, આ દ્વૈત જ આપણા અનુભવની દુનિયા છે. વેદાન્ત કહે છે : ‘સારાપણાને અને ખરાબપણાને જુદાં ન માનો. એ બન્ને કંઈ અલગ તત્ત્વો નથી; તે બન્ને એક અને અભિન્ન જ છે; પણ જુદા જુદા ખૂણેથી જુદાં જુદાં દેખાય છે. આમ એના જુદા જુદા પરિવેશો એક જ મસ્તિષ્કમાં વિભિન્ન લાગણીઓ ઉત્પન્ન કરે છે. વેદાન્તનો પહેલો વિચાર વિવિધ બાહ્ય વસ્તુઓમાં એકતા શોધવાનો છે. એક જ પરમસત્તા પોતે ગમે તેટલાં અલગ પ્રકટીકરણો કરે તો પણ મૂળે એ એક જ છે, એમ એ પ્રતિપાદન કરે છે. ઐક્યનો આ નિયમ જ આપણને અન્નાદિ દ્વારા પોષે છે, અને એ જ ઐક્યનો નિયમ દુર્ઘટનાઓ વગેરે દુ:સાહસો દ્વારા હજારો માણસોનો નાશ પણ કરે છે. સારા-ખરાબની દુનિયા આવી છે.

વેદાન્ત કહે છે: ‘સારું ય છોડો અને ખરાબેય છોડો.’ એ સારા-ખરાબની પાછળ સ્થિત કંઈક તમારું છે- સાચા સ્વરૂપમાં તમે જ છો- એણે જ પોતાનામાંથી સારું-ખરાબ સર્જ્યું છે. એનાં આ પ્રકટીકરણોને કાબૂમાં લો તો તમે તમારા ખરા સ્વરૂપમાં તમને પ્રકટ કરવા મુક્ત સ્વામી બની જશો. ઊઠો, વીર બનો અને સીમાને ઓળંગી જાઓ. કારણ કે આ સીમાનિયમો તમારે માટે પૂર્ણત: બંધનકર્તા નથી. એ તો કેવળ તમારા અંશો જ છે. ‘તમે પ્રકૃતિના ગુલામ નથી.. પ્રકૃતિ અપૂર્ણ છે… જાણે સિંધુનું બિન્દુ! તમારો આત્મા જ છે સાગર!’ તમે સૂર્ય, ચન્દ્ર અને તારાની ય પેલી પાર ઉપર છો … કહો, પાપ-પુણ્ય, સારું- નરસું તમારે માટે કેવાં સુંદર લાગે છે! કેવાં આશ્ચર્યકારક લાગે છે! તમારું આ જીવન એક કઠોર વાસ્તવિકતા છે. વીરતાથી એના દ્વારા તમારું કામ કર્યે જાઓ ભલે એ કામ કપરું હોય, કશો વાંધો નહિ, આત્મા વધારે બળવાન છે. એને કોઈ અન્ય નાના દેવો પર જવાબદારી નાખી દેવાની જરૂર નથી – કારણ કે તમે પોતે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો. તમે જ તમને પોતાને દુ:ખી બનાવો છો, ખુદ પોતાના હાથથી આંખો ઢાંકીને ‘અંધારું છે’ – એમ કહો છો! આંખો પરથી તમારા હાથ હટાવીને પ્રકાશ જુઓ. તમે તો પહેલેથી જ પ્રકાશિત છો, પહેલેથી જ પૂર્ણ છો. ‘જે અહીં જુદાપણાં જુએ છે, તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જા-આવ કર્યા કરે છે’! એ એકને જુઓ અને મુક્ત થઈ જાઓ.

રોજબરોજના જીવનમાં ધર્મનો વિનિયોગ

વેદાન્ત કહે છે તમારું કર્તવ્ય બજાવો. પહેલાં તો એ આપણને ત્યાગ દ્વારા – આ દેખાતી ભ્રમમૂલક દુનિયાના ત્યાગ દ્વારા કેવી રીતે કર્તવ્ય બજાવવું, તે શીખવે છે. ઈશ્વરને બધે સ્થળે જોઈને અને જીવનને અશુદ્ધ સમજીને કર્તવ્ય કરવું. ઈશ્વર તો દરેક કામમાં, દરેક વિચારમાં, દરેક લાગણીમાં છે જ. આ રહસ્ય દૃષ્ટિથી કર્તવ્યની કોઈ અસર આપણને બાંધશે નહિ, જેઓ આ રહસ્ય સમજ્યા નથી, તેઓ અજ્ઞાનની દુનિયામાં સબડે છે. જ્યાં સુધી તેઓ સત્ય નહિ શોધે, ત્યાં સુધી તેમનું આમ જ ચાલવાનું. આનંદદાયક દુનિયા અહીં જ છે, છતાં આપણને એ દેખાતી નથી. આપણે સદાસર્વદા એમાં જ રહીએ છીએ, છતાં થાપ ખાઈ જઈએ છીએ. ધર્મ આ સત્ય આપણા માટે બહાર કાઢવા ધારે છે. સૌના હૈયે આ આનંદપ્રદ વિશ્વની ઝંખના પડી છે, બધાં રાષ્ટ્રોની આ જ શોધ રહી છે, ધર્મનો પણ આ એકમાત્ર ઉદ્દેશ છે. અને વિવિધ ધર્મોની વિવિધ ભાષાઓમાં પણ આ જ આદર્શ અભિવ્યક્ત થયો છે.

આ વાત કરવી તો સહેલી છે. પણ જેવો હું દુનિયામાં હળુંમળું અને એના થોડા સપાટા ખમું કે એ બધા આદર્શો નષ્ટ થઈ જાય છે! આમ તો આપણે માનવતાની મોટી મોટી વાતો વિચારતા હોઈએ છીએ, આપણને સબળ-સમર્થ માનતા હોઈએ છીએ, મસમોટા નિર્ણયો પણ લેતા હોઈએ છીએ, પણ જ્યારે કસોટી અને પ્રલોભનો સામે આવે, ત્યારે આપણા બધા વિશ્વાસો નાશ પામી જાય છે. તો પછી આ બધી વાતોનો ઉપદેશ કરવાનો શો અર્થ રહ્યો? હા, અર્થ તો ઘણો મોટો છે. છેલ્લે ખંતનો જ વિજય થશે. એક જ દિવસમાં કંઈ બધું બની જતું નથી.

‘આ આત્માનું પહેલાં શ્રવણ, પછી મનન અને પછી નિદિધ્યાસન કરવું જોઈએ’ – આ આદર્શ પ્રયત્નથી સામે રાખવો. જ્યાં સુધી એ આપણાં હૃદયમાં પ્રવેશી ન જાય, જ્યાં સુધી આપણા મસ્તિષ્કમાં, આપણી નસેનસમાં, આપણા લોહીના એકેએક ટીપામાં, આપણા શરીરના એકેએક અંશમાં વ્યાપ્ત થઈ જાય, સેળભેળ થઈ જાય, એકરસ થઈ જાય ત્યાં સુધી આ મથામણ ચાલુ રાખવી જોઈએ. ‘આપણે એને પૂરા હૃદયથી ધ્યાન ગમ્ય બનાવવો જોઈએ અને પૂરા મુખેથી એને કહેવો – ભજવો જોઈએ’ અર્થાત્ પૂરા હાથપગ, હૈયાં અને હોશથી કર્તવ્ય કરવાં જોઈએ.

આપણું પ્રેરકબળ આપણો વિચાર છે. તમારા મનને ઉત્તમ વિચારોથી ભરી દો. એને હરહંમેશ વાગોળ્યા કરો; મહિનાઓ સુધી એને મનમાં ઘોળ્યા કરો. વચ્ચે આવતી નિષ્ફળતાની પરવા ન કરો, એવું બનવું સ્વાભાવિક છે. એ તો જીવનનું સૌન્દર્ય છે. સંઘર્ષો અને ક્ષતિઓની પરવા ન કરો. હજાર વાર આદર્શ ને જ વળગી રહો અને હજારમી વાર પણ તમે નિષ્ફળ જાઓ તો વધુ એક વાર ભારે પ્રયત્ન કરો. આત્મા પાસે તો અનન્ત જીવન છે. યથા સમય તમે ધ્યેય હાંસલ કરશો. બધા જીવોમાં જે સમાન આત્માને જુએ છે અને આત્માં જ બધું નિહાળે છે તે આત્માથી ક્યારેય દૂર જતો નથી. જ્યારે સમગ્ર જીવનને અને આખા વિશ્વને આત્મસ્વરૂપે જોવાય, ત્યારે જ માણસ આ રહસ્ય પામ્યો ગણાય. પછી જીવનમાં કોઈ વધારે મોહ રહેશે નહિ. વિશ્વની સાથે એકતા અનુભવનારને વળી વધારે દુ:ખ ક્યાંથી જ હોય? બસ, જીવનનું ઐક્ય જ મુખ્ય વાત છે. બધે જ ઐક્ય! આ બતાવે છે કે આપણાં બધાં જ દુ:ખો અજ્ઞાનથી જન્મે છે અને આ અજ્ઞાન એટલે જ ભેદભાવનો ખ્યાલ! માણસ માણસ વચ્ચેની આ અલગતા, રાષ્ટ્ર – રાષ્ટ્ર વગેરે વચ્ચેની અલગતાનો ખ્યાલ! અણુએ અણુ વચ્ચેની આ અલગતાની ભાવનાથી જ બધાં દુ:ખો જન્મે છે, પણ વેદાન્ત કહે છે કે આ વિભિન્નતા હસ્તી જ ધરાવતી નથી, એ સાચું નથી, એ ફક્ત દેખાવની છે, ઉપરછલ્લી છે. વસ્તુઓના અંતસ્તલમાં તો ઐક્ય જ પ્રવર્તમાન છે. જો તમે વસ્તુની સપાટીથી વધુ ઊંડા ઊતરો તો બધી જ વસ્તુઓ તમને એક જ વસ્તુનાં વિવિધરૂપો જેવી જ જણાશે. અને જેણે આ એકતાની વિભાવના સંપાદિત કરી છે, એને વધારે મોહનું કશું કારણ રહેતું નથી. એ બધાંનું સાચું સ્વરૂપ જાણે છે, બધાંનો મર્મ પિછાણે છે, બધું જ પૂર્ણ, બધું જ આનંદરૂપ છે. વાસ્તવમાં કોઈ મૃત્યુ નથી, કોઈ દુ:ખ નથી. …. એણે એ બધું ભેદી નાખ્યું છે. પરમવિશુદ્ધ, નિરાકાર, અશરીરી, અકલંક! …. ‘જે તારામાં છે, જે સત્યને તારામાં જોઉં છું અને તે જ મારામાં છે, અને એ સત્ય હું જ છું’

જીવનનું મૂલ્ય શું છે? એ આપણને અનુભવનું ભાથું બંધાવે છે. કોઈ વસ્તુને ઝીણવટભરી રીતે જોવાની એ પ્રક્રિયા છે, કે જેથી ખરું આત્મસ્વરૂપ પોતે જ પ્રકાશી શકવાની તક મેળવી શકે.

કર્તવ્યપાલન અને પ્રેમમાં જ મુક્તિ છે. જે તીવ્ર પ્રેમથી માનવ ઈશ્વરને ચાહે છે, તેમાં જ. પ્રેમ હંમેશાં આનંદનું પ્રકટીકરણ હોય છે. સર્વ પર વિજય મેળવતી સંપૂર્ણ નિ:સ્વાર્થતા અને પ્રેમનો એ પ્રત્યુત્તર છે… કેવળ નાનકડા પરિચ્છિન્ન આત્મા સિવાય સર્વ પ્રત્યેનો પ્રેમ! ઘણાને આવી લાગણી થાય છે. પણ, બહુ ઓછા એને અભિવ્યક્ત કરે છે. અન્ય પ્રત્યેની સહાનુભૂતિ, પ્રશંસા અને પ્રેમની અભિવ્યક્તિની શક્તિ જ માણસને બીજાના કરતાં પોતાના વિચારોને વધારે સારી રીતે ફેલાવવામાં મદદરૂપ નીવડે છે. આવી પૂજા કરવી, એ જ સંઘર્ષ છે. સમગ્ર વિશ્વની સેવા દ્વારા પૂજા કરવાની છે. અહીં આપણું શરીર જ એકમાત્ર મંદિર છે. આત્માનો ય આત્મા અને રાજાઓનો ય રાજા એ શરીરમાં વસે છે એટલે બધાને ઈશ્વરરૂપે પૂજો- બધાં સ્વરૂપો એનાં મંદિરો છે. વેદાન્ત પણ ઈશ્વરની પેઠે અનન્ત અને જ્ઞાનસ્વરૂપ છે. અને જ્ઞાનને કોઈ ઉત્પન્ન કરી શક્યું નથી. એ તો ફક્ત શોધ્યું જ છે. આપણા સૌમાં બધું જ સમાયેલું છે. આપણે તો ખાલી એની ખોજ જ કરીએ છીએ. ઈશ્વર જ્ઞાનસ્વરૂપ છે. એ અનન્ત જ્ઞાન બધામાં જ પોતાના સંપૂર્ણ રૂપમાં રહેલું છે.

અણુએ અણુ એક જ ધ્યેય તરફ આગળ ધસી રહ્યું છે. બધા એક જ ઉદ્દેશના યાત્રી છે. એ છે ભીતરની દિવ્યતાની ખોજ. એ તરફ જ સૌનું પ્રયાણ છે. પણ આપણે એ ખોજ અજ્ઞાનથી કરી રહ્યા છીએ. આપણે એ જ્ઞાનપૂર્વક અને વધારે સારી રીતે કરવી જોઈએ. સમગ્ર સત્તાના એક ઘટક સમા આપણા સૌમાં એ ભરી જ છે. અને એ સતત અભિવ્યક્ત થવા ઇચ્છે છે. પ્રેમ વળી બીજું શું છે? એ ઓછેવત્તે અંશે પેલી એકતાને જ પ્રમાણિત કરે છે. સમગ્ર સૃષ્ટિ એક માત્ર સત્તા છે. આ દેખીતી વિવિધતામાંથી આપણે સૌએ એક માત્ર વૈશ્વિક સત્તા તરફ જઈ રહ્યા છીએ. આ જ જ્ઞાન છે, આ જ વિજ્ઞાન છે. આ ઐક્યની અનુભૂતિ જ એ બધું છે. ઐક્ય એ જ્ઞાન અને અનૈક્ય એ અજ્ઞાન છે. સ્વામીજીના શબ્દોમાં એ પ્રતીતિનો સૂર સંભળાય છે: ‘આપણે બધા મુક્તિ મેળવવા સર્જાયા છીએ. આપણને એ મળે કે ન મળે; તમારે તો ભલે લાંબે ગાળે એ મેળવીને મુક્ત થવું જ પડશે. કારણ કે સ્વાતંત્ર્ય એ તમારો સ્વભાવ છે.’ નિ:સ્વાર્થી બનો, બીજાને પ્રેમ કરો, ક્ષુદ્રતમથી માંડીને ઉચ્ચતમ પ્રાણી પર પ્રેમ પાથરો કારણ કે એ ઈશ્વરનું હંમેશનું મંદિર છે. આ અનન્ત નિ:સ્વાર્થતા, અસીમ બલિદાનો, એકતા તરફ જવાની આ નિ:સીમ તાલાવેલી-આ બધાંને આપણે દેખીતી રીતે ટુકડામાં વહેંચ્યાં છે, આપણા અજ્ઞાનને લીધે એ બધાંને મર્યાદિત કરી મૂક્યાં છે. સમગ્ર પ્રકૃતિ દરેકે દરેક ક્ષણે આ મોહ ઉત્પન્ન કરે છે. અને આત્મા પોતાની ભવ્યતામાં ક્ષણે ક્ષણે પ્રકાશિત રહ્યા કરે છે, અને પોતાની સૌની ભીતર રહેલી દિવ્યતાની ઉદ્‌ઘોષણા કર્યા કરે છે.

ધર્મ એ પરા ચેતનની અવસ્થા છે. તમે સંમોહિત થઈ ગયા છો અને તમારે એ સંમોહનમાંથી મુક્ત થવું જોઈએ. ‘ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ત્યાં ચન્દ્ર અને તારા પણ પ્રકાશતા નથી; આ વીજળીના ચમકારા પણ ત્યાં નથી, તો પછી આ ભૌતિક રીતે અનુભવમાં આવતા અગ્નિની તો વાત જ શી? એ સર્વને પ્રકાશિત કરે છે, એને કોઈ પ્રકાશિત કરતું નથી’ (કઠોપનિષદ). આ સંમોહન નથી, સંમોહનમુક્તિ છે. કહેવાનો અર્થ એ છે કે જે ધર્મ આ ભૌતિકપદાર્થોને ‘સત્’ માને છે, તે કોઈ એક સંમોહનના પ્રકારની જ સાધના કરે છે. કેવળ અદ્વૈતવાદીને જ સંમોહિત થવાની ચિંતા નથી. અદ્વૈત જ એક એવી સાધના પ્રક્રિયા છે કે જે ઓછેવત્તે દ્વૈતના દરેક રૂપમાંથી નીપજતા સંમોહનને સમજે છે. અદ્વૈતી કહે છે કે ફેંકી દો એ વેદોને; ફેંકી દો એ સાકાર ઈશ્વરને! દુનિયાને ફેંકી દો; અરે, તમારા શરીરને અને મનને પણ ફેંકી દો! અને સંમોહનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે તજી દેવા યોગ્ય કોઈ પણ વસ્તુ તમારી પાસે રહેવા ન દો. ‘જ્યાંથી એને મેળવ્યા વગર જ મન અને વાણી પાછાં વળે છે. એ આનંદરૂપ બ્રહ્મ પાસે કશો ભય નથી. આનું નામ જ સંમોહનમુક્તિ કહેવાય.’ મારે કોઈ દોષ નથી. કોઈ ગુણ નથી; કોઈ સુખ નથી, કોઈ દુ:ખ નથી; મારે વેદો, યજ્ઞો કે વિધિવિધાનોની કોઈની મને પડી નથી; હું ભોજ્ય પણ નથી અને ભોક્તા પણ નથી. કારણ કે હું તો અનન્ત સત્તા સ્વરૂપ, અનન્ત જ્ઞાનસ્વરૂપ અને અનન્ત આનંદસ્વરૂપ છું ‘તે’ હું છું અને હું ‘તે’ છું. આપણામાં શ્રદ્ધા-આત્મશ્રદ્ધા જોઈએ. શક્તિ એ જીવન છે અને દુર્બળતા એ મૃત્યુ છે. મૂળે આપણે નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત અમર આત્મા છીએ. શ્રદ્ધા જરૂરી છે. આવી શ્રદ્ધા આપણને માનવ બનાવશે. આપણને દેવતા બનાવશે. શ્રદ્ધાનો ખરો અર્થ આપણે ફરી વિચારમાં લાવવો, આપણા પોતાનામાં શ્રદ્ધા ફરી જગાડવી જોઈએ. અને ત્યાર પછી જ આપણા દેશ સમક્ષ આવેલી બધી સમસ્યાઓનો ધીરે ધીરે આપણા દ્વારા જ હલ નીકળી આવશે.

વેદાન્ત તો બધે જ છે, પણ આપણે એને માટે સભાન રહેવું જોઈએ. ઈશ્વર આત્મા જ છે અને આત્મ ચૈતન્યરૂપે અને સત્યસ્વરૂપે પૂજવો જોઈએ. જો સર્વ આત્મમય છે, એવું અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે એવું વેદાન્તનું સભાન જ્ઞાન ફેલાય, તો સમગ્ર માનવજાત આધ્યાત્મિક બની જાય.

વેદાન્તના ઉપદેશોને પ્રયોગાન્વિત કરવા જોઈએ. એનો હેતુ સત્યસાધકોને તાલીમ આપવાનો અને બાળકોનો ભય અને વહેમ વિનાનો ઉછેર કરવાનો છે. શરૂથી જ તેઓ પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે, શરૂથી જ તેઓ આત્માને ચૈતન્યરૂપે, સત્યરૂપે જોઈને એને પૂજતા થશે. દ્વૈતના કશા દેખાવ વિના સૌ સાથે ચૈતન્યનો જ વ્યવહાર કરવો… દ્વૈતપદ્ધતિ દુર્બળોને મદદગાર થાય છે. બધી વિવિધ સાધનાઓ અને તાલીમો, બાઈબલ અને દેવદેવીઓ તો ધર્મનો કાચો માલ છે. એ ધર્મનાં બાલમંદિરો છે. હજારો અને લાખો વર્ષોથી સમગ્ર વિશ્વમાં લાખો લોકોને ઈશ્વરપૂજા કરવાનું શીખવવામાં આવ્યું છે. અવતારો, ઉદ્ધારક, પેગંબર વગેરે સ્વરૂપે! વળી તેમને પોતાને તેઓ પીડિત, અને નિ:સહાય પ્રાણીઓ માને, પરાવલમ્બી માને એવું શીખવવામાં આવ્યું છે. છૂટકારા માટે પારકાની દયા પર નભવાનું શીખવાયું છે. હજુ તમે પતનકારી સંમોહનમાં સપડાયા છો. એમાંથી મહાન પુરુષો જાગશે અને ધર્મપ્રકાશ ફેલાવી ધર્મને સુપ્રકાશિત અને સુસ્પષ્ટ બનાવશે; જે આત્મા દ્વારા આત્માને પૂજતો હશે.

ભાષાન્તર : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.